સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/ધીરો, ભોજો અને ભજનસાહિત્યપ્રવાહ
કર્તા-કૃતિ-વિચાર
વલ્લભ મેવાડા પછી ધીરો ભોજો આવે છે. ધીરો ભોજો બન્ને સાહિત્યમાં અને લોકમાં ભજન કરનારા તરીકે પ્રસિદ્ધ છે. બન્નેને કવિ તરીકે ઊંચું સ્થાન આપી શકતા નથી; પણ એ બંનેને નિમિત્તે અહીં આપણા ભજનસાહિત્યનો પ્રવાહ જોવો અસ્થાને નહિ ગણાય. અહીં પ્રારંભમાં આપણે ભજનસાહિત્યનું સ્વરૂપ વિચારી લઈએ. એને આપણે એક પ્રકારનું લોકસાહિત્ય ગણી શકીએ. પણ એટલું જ કહેવાથી તેનું પૂર્ણ સ્વરૂપ નિર્દેશી શકાતું નથી. આપણે લોકગીત, લોકનૃત્ય, લોકનાટ્ય એમ અનેક લોકકલાઓ માનીએ છીએ. તેમ જ આપણે લોકધર્મ માનવાની જરૂર છે. આ લોકધર્મનું કોઈ અમુક જ એક જ સ્વરૂપ હોતું નથી, જેમ લોકસાહિત્ય અનેક અનામી કે લુપ્તનામી અને ક્વચિત્ વિખ્યાતનામી સાહિત્યકારોથી ઘડાય છે, તેમ આ લોકધર્મનું પણ છે. એ એવા જ ધાર્મિક પુરુષોથી ઘડાય છે, અને તેની પરંપરા ચાલે છે, તેમાં થોડા થોડા ફેરફારો થાય છે. પણ તે તેમ છતાં એક લોકધર્મ તરીકે જ ચાલ્યા કરે છે. આ લોકધર્મના કવિઓ ભજનો લખે છે તે ભજનસાહિત્ય છે. આ લોકધર્મ અને આચાર્યોએ સ્થાપેલા ધર્મનો મુખ્ય તફાવત એ છે કે આચાર્યો પોતપોતાનાં દર્શનો લખી એક યુક્તિયુક્ત ધર્મસિદ્ધાંતોના તંત્રનું પ્રતિપાદન કરે છે. લોકધર્મ એવા કોઈ દર્શનનું પ્રતિપાદન કરતો નથી, પણ વધારે અંતરની સૂઝ ઉપર અને પોતાના અને સામુદાયિક ધાર્મિક અનુભવ ઉપર ચાલે છે, લોકની વધારે નિકટ રહે છે, જોકે દર્શનોની અવગણના પણ કરતો નથી, તેમાંથી, હૃદયકલ્પના એની મેળે જે કંઈ અપનાવી લે તેને વગર સંકોચે—વગર ભાને સ્વીકારી લે છે. આ ભજનસાહિત્યનાં કેટલાંક ખાસ લક્ષણો આપણે તારવીને નક્કી કરી શકીએ. તેમાં સહુમાં સાધારણ અને સર્વવ્યાપક એવું લક્ષણ ગુરુમહિમાનું ગણવું કોઈએ. વ્યવહારદૃષ્ટિએ ગુરુ આ લોકધર્મનું એક આવશ્યક અંગ હતું. લોકધર્મની નાનીમોટી અનેક સંસ્થાઓ આખા જનપદ પર વેરાયેલી પડેલી છે. અને તેનું રક્ષણ અને સાતત્ય ગુરુપરંપરા ઉપર જ આધાર રાખે છે. પણ તત્ત્વદૃષ્ટિએ પણ સ્વીકારવું જોેઈએ કે સાચા સજ્જનનો સહવાસ અને સેવા, તેની વાણીના સેવન કરતાં અનેકગણાં વધારે ફલદાયી અને મહત્ત્વનાં છે, અને હાલના પુસ્તકપ્રચારના જમાનામાં પણ આ સત્ય ભુલાવું ન જોઈએ. ખોટા ગુરુ-અનધિકારી ગુરુની ધૂળ કાઢી નાખનાર અખો પણ ગુરુમહિમા ગાય છે. ધીરો ભોજો, અરે એવો એક પણ ભજનિક નહિ મળે જેણે ગુરુમહિમા નહિ ગાયો હોય. આપણે ધીરાભોજાને અનુલક્ષીને આ વાર્તાલાપ શરૂ કર્યો છે તો જોઈએ ધીરો જ શું કહે છે?
ગુરુ વિના જ્ઞાની રે તે તો નર અંધ ઠર્યો;
દીપક છે ઘટમાં રે જો તે પર છાર ઠર્યો.
બધા ભજનિકો ઘટમાં, માણસના અંતરમાં જ પરમાત્માનો વાસ છે એમ સ્વીકારે છે અને તે સાથે ગુરુની આવશ્યકતા માને છે. ગુરુ વિનાનાને તેઓ પાપીથી પણ અધમ માને છે.
મેરા સાહેબકે દરબાર મળજો જતી સતી,
પાપી મળો હજાર નુગરા મળો મતી.
પાપીનો ઉદ્ધાર, ગુરુશ્રદ્ધા બેસતાં થઈ શકે છે, નુગરાને – ગુરુ વિનાનાનો કદી ઉદ્ધાર થઈ શકતો નથી. ભોજો પણ કહે છે :
સદ્ગુરુને સેવા રે સંતો એક સાચ કરી
અનેક ભજનોમાં કવિ દેવો સાથે ગુરુને વંદન કરે છે અને ભજનોમાં પોતાનું નામ દેતાં પોતે ગુરુપ્રતાપે બોલે છે એવું વારંવાર આવે છે. ‘ભોજો ભગત કહે ગુરુપ્રતાપે’, ‘ગુરુ અમર ચરણે બોલ્યા દાસ અરજણ’, ‘ગુરુને સંગે બાપુ રે અનામી નામ પાતે બન્યો’ એમ કવિ ગુરુમહિમા ગાય છે. ઘણી વાર તો ગુરુ એ જ પરબ્રહ્મ એમ કહે છે, ગુરુ એ જ આદર્શ પુરુષ હોય છે.
એ ગુરુ સેવીએ જેનું મૂલ તોલ ન માપજી
ગુરુને આદ્ય મધ્ય ને અંત નહિ, તેને થાપ ન ઉત્થાપ! એ.
પ્રપંચ થકી પરો રહ્યો જેમ લોહચકમકને ન્યાયજી
જડ હતું તે ગુરુ તણા સંજોગે ચેતન થાય. એ.
જ્ઞાની અખો કહે છે :
જાવું તે સદ્ગુુરુને શરણે, જે પ્રત્યક્ષ પ્રમાણે પ્રીછવે
ગુરુમાં ધર્માનુભવ પ્રત્યક્ષ રૂપે દેખાય છે. તેના સહવાસની અપેક્ષાએ તેની એકલી વાણી પરોક્ષાનુભવ છે. અખો તો તેવી સર્વ સિદ્ધિઓ ગુરુને આભારી હોય તેમ જણાવે છે.
જી રે આજ આતમ ઓળખાવિયા સદ્ગુરુએ કીધી સા’યજી,
પરવૃત્તિ મુકાવી રે પરહરી, નિરવૃત્તિ ઠેરાવી ઠાર.
સદ્ગુરુજીએ મંત્ર જ આપિયો મારા કર્ણદ્વાર મોઝાર,
ગુરુજ્ઞાન દીપક કર્યો ગોખમાં, મારા હૃદયકમળની માંહ્ય.
ઊગ્યો અનુભવઅર્ક રે આતમા, દીઠો ઝળહળ રૂપ અપાર,
કામ, ક્રોધ કલ્પના સઘળી ટળી, છૂટ્યા વિષયતણા વિકાર.
મોહમૃગજળ માયા ને મમતા છૂટ્યા સ્વપ્નતણા રે આચાર,
દિલે દરસી દયા ને દીનતા જ્ઞાનભક્તિ વિવેક-વિચાર.
સતસંગ સંતોષ ને શીલતા દૃઢ દયા ધીરજ ધાર,
રાખ્ય આશરો અક્ષરનો અખા, જે છે બાવનથી બાર,
અહીં ગુરુને નિમિત્તે આદર્શ ભક્તજનનું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન હોય, એમ માનીએ; પણ કઈ કઈ જગાએ તો ગુરુએ ભક્તને પતનમાંથી ઉગારી લીધો હોય એવી ભક્તની વાણી સુણીએ છીએ.
ગુરુએ બગડેલો મનખો સુધારિયો, માંહેથી કપટી કાળંગાને મારિયો;
ગુરુએ શબ્દ આલ્યો ઘાવ, એનો સુધો પડિયો દાવ,
ભક્તિ કરી લ્યો ભાઈ, તમને આવો રે અવસર ફરીને નહિ મળે હોજી.
ગુરુમહિમામાં ઘણી વાર ગુરુના શબ્દનું વર્ણન આવે છે, ઘણી વાર શબ્દબાણ – શબ્દનો ઘા વાગ્યાનું વર્ણન આવે છે. ભજનોમાં જેમ ‘પ્રેમબાણ’નું વર્ણન આવે છે તેમ જ ગુરુના શબ્દબાણનું વર્ણન આવે છે.
પ્રેમે વીંધાણા મારા પ્રાણ રે, સદ્ગુરુએ અમને
મારેલ વચનનું બાણ રે
અને
જાકું લગા હે સદ્ગુરુબાણ, ઘાયલ ક્યા રોવે.
અને એક કચ્છી ગીતમાં આવે છે :
‘શબદુરા ઝટકા દીજે જી’
આ ગુરુમહિમાની સાથે જ બીજી એક એટલી જ મહત્ત્વની વાત સંકળાયેલી છે, તે મનુષ્યાવતારનું માહાત્મ્ય અને આ ઐહિક કે વ્યાવહારિક જીવનની ક્ષણભંગુરતા અને મિથ્યાત્વ. લખચોર્યાસીમાં મનુષ્યાવતાર ક્યારેક જ આવે છે, ‘મને મળ્યો મનુષ્ય...’ અને તેમાં જ ભવસાગરની પાર જઈ શકાય છે, તેને બદલે આ જીવનના મોહમાં ફસાઈને પ્રાણી તરણોપાય કરતો નથી એ કેટલી બેવકૂફી! એનું નામ જ મોહ-માયા. – આ બાબતમાં ભોજો બહુ જ આખાબોલો છે. તેનાં ભજનોને ચાબખા કહેવામાં આવે છે તે સાચું છે :
સદ્ગુરુને સેવો રે સંતો એક સાચ કરી,
આ અવસર જાશે રે પછી પસ્તાશો ફરી.
આ નરદેહી દેવતા ઇછત હે
સો નરદેહી તેરે આઈ :
એકક્ષણુ તેમાં નાથ ન ભજ્યા
બીજી કૂડી કરી કમાઈ;
હાથે બાજી હાર્યો રે મન હુંપદ ધરી.
અન્યત્ર કહે છે :
પ્રાણિયા ભજી લે ને કિરતાર આ તો સપનું છે સંસાર;
ધનદોલત ને માલખજાના પુત્ર અને પરિવાર,
તે તો તજી તમે જાશો એકલા ખાશો જમના માર. પ્રા.
અન્યત્ર કહે છે :
ઘરની નારી ઘડી ન મૂકે, અંતે અળગી રહી,
ભોજો ભગત કહે કંથ વળાવી, તરત બીજાને ગઈ.
ભોજો સ્ત્રીજાતિ તરફ બહુ કઠોર છે તે આપણે આગળ પણ જોઈશું. પણ ભજનનો આ એક કાયમનો સૂર છે કે મનખાદેહ દુર્લભ છે, અને સંસાર મિથ્યા છે. આ લોકધર્મમાં જીવનનો આદર્શ શો હતો? જીવનનું ધ્યેય શું હતું? સૌથી પહેલાં તો આપણે હમણાં જોયું તેમ સંસારની આસક્તિ નિર્મૂળ કરવાનું હતું. અને કામ ક્રોધ વગેરે ષડ્રિપુથી મુક્ત થઈ શાંતિ મેળવવાનું હતું.
શીલ સંતોષ ને ક્ષમા ગરીબી ગુરુ જ્ઞાન નિજ નામ,
એ કામ ક્રોધ લોભ મોહ ત્યજ ત્યારે વીશ વસા થાયે કામ;
ધીર મરજીવા રે તુંહી તુંહી આરાધે.
અને બાપુસાહેબ કહે છે :
શાંતિ પમાડે તેને તો સંતે કહીએ
એના દાસના દાસ થઈ રહીએ હો ભાઈ રે
શાંતિ પમાડે.
અને આ શાંતિને માટે તૃષ્ણા છેદવી પડે, ષડ્રિપુઓને મારવા પડે, તેને માટે ભજનિકોને ઘણો જ ઉત્સાહ હતો. ભજનિકો નમાલા, નિર્બળ, જગતમાં નકામા નીવડેલા નહોતા. કોઈ સદ્વસ્તુને મેળવવા માટે બહાદુરીથી નીકળી પડેલા પુરુષો હતા. ભક્તોમાં બે વિરોધી દેખાતી વાત વારંવાર આવે છે. એક બાજુ એકાંતિક નમ્રતા, મૃદુતા, પ્રેમાર્દ્રતા અને બીજી બાજુ નિર્ભયતા, દૃઢતા, સ્થિરતા, તિતિક્ષા. એક ભજનિક બાઈ – ગંગાબાઈ જેનાં કાવ્યોમાં સ્ત્રીસુલભ આર્દ્રતા છે, તે કહે છે :
ભક્તિ કરવી હોય જેને રાંક થઈને રહેવું તેણે,
મેલવું અંતર કેરું માન રે.
તે જ બાઈ બીજા ભજનમાં કહે છે :
મેરુ તો ડગે ને જેનાં મન નવ ડગે
મરને ભાંગી તો પડે રે બ્રહ્માંડજી,
વિપત્તિ પડે તોયે વણસે નાહીં જે
સોઈ હરિજનનાં પરમાણજી.
આ સંબંધી પ્રસિદ્ધ જેસલ-તોરલના ગીતમાં બે કડીઓ અદ્ભુત છે : પ્રથમ હું એક પુસ્તકમાંથી તે વાંચું છું.
છીપું સમુદરમાં થાય તેનીયું સફળ કમાઈ,
સ્વાતના મેહૂલા વરસાય, ત્યારે સાચાં મોતીડાં બંધાય;
આવો ને જેસલરાય.
મોતીડાં એરણે ઓરાય, માથે ઘણ કેરા ઘાય,
ફૂટે કટકિયાં કે’વાય, ખરાંની તો ખળે ખબરું થાય,
આવો ને જેસલરાય.
આ વાણી સાંભળતાં મને જર્મન ફિલસૂફ નિટ્શેનો એક ટુચકો યાદ આવે છે :
એક વાર એક હીરો અને કોલસો ક્યાંક ભેગા થઈ ગયા—બંને એક તત્ત્વના છે એ તો વિજ્ઞાનમાં પ્રસિદ્ધ છે. કોલસા હીરાને પૂછે છે, ‘ભાઈ, આટલો કઠણ કાં?’ હીરો સામું પૂછે છે : ‘અલ્યા, પણ આટલો પોચો કાં?’ નમાલાપણું હંમેશાં તિરસ્કારપાત્ર છે. આ સત્ય અતિ પ્રાચીનકાલથી આર્યોએ જોયેલું છે. ‘નાયમાત્મા બલહીનેન લભ્યઃ |’ પ્રીતમ પણ આ નમ્રતા કોમળતા અને અડગતા–બન્નેનો મહિમા ગાય છે :
હૃદય કોમળ નવનીતથી પાપ ઓગળી જાય છે.
અને એ જ પ્રીતમ કહે છે :
હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને.
આપણે ભોજાની વાણી સુણીએ :
ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહિ મેલે પાછી.
શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા મામલો ગઢમાંચી રે,
કાયર હતા તે કંપવા લાગ્યા એ તો નિશ્ચે ગયા નાસી રે. ભક્તિ.
તન મન ધન જેણે તુચ્છ કરી જાણ્યાં અહોનિશ ઉદાસી,
ભોજો ભગત કહે ભડ થયા એ તો વૈકુંઠના વાસી રે. ભક્તિ.
આ ‘અનભે’ ઈશ્વર ઉપરની આસ્થાથી આવે છે. ધીરા ભક્તની કાફી સાંભળીએ :
જેને રામ રાખે, તેને કુણ મારી શકે?
અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.
જેને રામ.
ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રે રાય;
સ્થળને સ્થાનકે જળ ચલાવે જળ સ્થાનક સ્થળ થાય,
તરણાનો તો મેરુ રે, મેરુનું તરણું કરી દાખવે.
જેને રામ.
ગજકાતરણી લૈને બેઠા દરજી તો દીનદયાળ;
વધેઘટે તેને કરે બરાબર સૌની લે સંભાળ;
ધણી તો ધીરાનો રે હરિ તો મારે હીંડે હકે.
આમ ભક્તને ઈશ્વર ઉપર—ધણી ઉપર શ્રદ્ધા હતી અને તે જે કરે તે સહી લેવા જેટલી ધીરજ હતી. આનાં અનેક દૃષ્ટાંતો ભજનસાહિત્યમાં છે. ભગવાને માર્જારીનાં બચ્ચાં ઉગાર્યાં, કપાતિનીને બચાવી લીધી, કાચબાકાચબીને ઉગારી લીધાં વગેરે. આપણે કાચબાકાચબીનું ભજન સાંભળીએ
.
કળકળ મા તું કાચબી કૂડી રે રામૈયાની રીત છે રૂડી;
ધણીનો આશરો ધારે રે તેને મારો સાહ્યબો તારે,
કાચબો કાચબી સાયરે રહેતાં, હતાં હરિનાં દાસ,
દર્શન કરવા બહાર નિસરિયાં રાખીને વિશ્વાસ;
નીસરતાં નજરે ભાળ્યાં, પારાધીએ બાંધી વાળ્યાં.
ત્રિકમજી ત્રણ લોકમાં મારે તારો છે ઇતબાર,
અટક પડી હરિ આવજો રે મારા આત્માના ઉદ્ધાર,
છોગાળા વાત છે છેલ્લી રે, થાજો બળતાના બેલી રે.
કેશવજીએ કરુણા કીધી મોકલ્યા મેઘ મલ્હાર,
આધરણમાંથી ઉગારી લીધાં લેશ ન લાગી વાર;
ભોજલ ભરૂંસો જેને, ત્રિકમજી તારશે તેને.
ભોજલ સામાન્ય રીતે અભણ ગણાય છે પણ આ ભજનમાં તો બહુ સુંદર રીતે અનુપ્રાસ સાચવ્યો છે. માત્ર છેલ્લી કડી જ જોઈએ : ‘કેશવજીએ કરુણા કીધી’. ત્રણ શબ્દો, ત્રણેયમાં પહેલો ‘ક’. ‘મોકલ્યા મેઘ મલ્હાર,’ ‘ત્રણેમાં’ ‘મ’. ’લેશ ન લાગી વાર’. બે ‘લ’. ‘ભોજલ ભરૂંસો જેને’, બંનેમાં ‘ભ’. ‘ત્રિકમજી તારશે તેને’, ‘ત’. એની પાસે શબ્દભંડોળ મોટું છે, તેથી તે આ અલંકાર સહેજે મેળવી શકે છે : ‘છોગાળા વાત છે છેલ્લી, થાજો બળતાના બેલી.’ અને ઈશ્વરનાં અનેક નામો આપણી ભાષામાં છે; છોગાળા, ત્રિકમ, કેશવજી, રામ વગેરે. એટલે તેને જોઈતો શબ્દ મળી રહે છે. એક કાવ્ય તરીકે જોતાં આ એક સુંદર સંવાદકાવ્ય છે. કાચબી પણ સચોટ જવાબ આપે છે, જોકે ભોજલનો તિરસ્કાર ક્યાંય પણ છાનો રહેતો નથી. પણ તેનું મુખ્ય વક્તવ્ય ભક્તની શ્રદ્ધા છે, અને તે કાવ્યમાં બરાબર ઊપસી આવે છે. કાચબાને અગાધ શ્રદ્ધા છે અને ભજનોનો એક ઉપેદશ શ્રદ્ધા રાખવાનો છે, તેથી ભક્ત નિર્ભય બને છે. આવાં અનેક આખ્યાનો પણ ભજનસાહિત્યમાં આવે છે. એવું એક સેલૈયા આખ્યાન છે. ઘણા કવિઓએ એ ગાયું છે. એ લાંબું છે. તેમાંથી માત્ર સેલૈયાનું હાલરું આપણે સાંભળીએ. મધ્યકાલીન સાહિત્ય પ્રસિદ્ધ સત્યની બાંધણી ઉપર કેવી રીતે પોતાની વિશિષ્ટ ઊર્મિ વ્યક્ત કરે છે તે જોવા જેવું છે. તેનો ઢાળ સુંદર છે. આપણે શુદ્ધ ભજનિક ઢાળ સાંભળીએ :
કૂવા ઢાંકણ હોય પાવઠાં, ખેતર ઢાંકણ હોય જાર,
બાપનું ઢાંકણ હોય બેટડો એમ ઘરનું ઢાંકણ નાર;
સેલૈયા રે ખમા તને.
આ ભજનસાહિત્યનું એક બીજું લક્ષણ તે યોગનો અગમ્ય અનુભવ છે. અનેક ભક્તોનાં ભજનોમાં યોગાનુભવનાં વચનો આવે છે. આ બધાએ યોગનો અનુભવ કર્યો જ હશે એમ માની શકાય તેમ નથી. ઘણા ગતાનુગતિક થઈ ગાય છે. પણ ઘણાની વાણીમાં યોગની મસ્તી હોય છે. આપણે એક ભજન સાંભળીએ :
બન ગયા ફકીર ગુરુ તેરા નામકા નિર્વાણ
ગુરુ મેં તો બન ગયા ફકીર.
લાગી છે લગની ચડી છે ગગને તરવેશીને તીર,
સરવે દેવાયું મેં તો નયણાંમાં નીરખ્યા ગુણપતિ ગંભીર.—ગુરુ.
અખંડ ધારા મેઘ વરસે સવાંતૂંનાં નીર,
જોયું મેં જાગીને ભ્રમણાયું ભાગી, પડદામાં દીઠા બાબા પીર. ગુરુ.
ગુરુ પરતાપે ગાય પ્રવીણદાસ મુજ પરે કરો ગુરુ મહેર.—ગુરુ.
સુષુમ્ણાનો સાગર, તરવેણીને તીર, શૂન્ય શિખર, ઇડા પિંગલા સુષુમ્ણા, બંકનાળ, કુંડલિની વગેરે અનેક યોગાનુભવના શબ્દો ભજનોમાં આવે છે. આ પ્રકારના યોગાનુભવને સમજનારા સિવાય આમાં સામાન્ય શ્રોતાને ખાસ રસ પડવા સંભવ નથી. ભજનસાહિત્ય ઈશ્વરને અને બધાં દેવદેવીઓને માને છે, જોકે તેનું ધ્યાન જીવનથી ઊર્ધ્વ કોઈ એક ધ્યેય તરફ હોય છે. ઘણે ભાગે યોગનો અનુભવ અથવા ઈશ્વરમાં ભક્તિ કે પ્રેમની તલ્લીનતા એ એનું ધ્યેય છે. એ ભક્તિ અને યોગને બન્નેને માને છે, અને ભક્તિમાં ઈશ્વરના પ્રેમનું વર્ણન કરતાં છતાં, જીવશિવનો અભેદ પણ માને છે. અને આ વાત અનેક શબ્દોમાં ભજનોમાં કહેવામાં આવી છે.
દેખત દીવો છે પોતે મૂરખ અજવાળું ગોતે,
સમજ્યા વિના સુખ ન પામ્યો રજની ગઈ રોતે. –દેખત.
પોતે પોતાને પ્રીછે નહીં ને બીજો કરી જાણે,
તરણું તે ડુંગર થઈ લાગ્યું મેરુ પરમાણે. –દેખત.
આવરણમાં અટવાઈ રહ્યો ને જીવ થયો જાણી;
જગતમાં તો એવું ભાસે તરસ્યું છે પાણી. –દેખત.
સૂત્ર મણિના પારા દોરી, સર્વે સૂત્ર છે,
ગાંઠો ગણતે પાર ન આવે સળંગ નવ ભાસે. –દેખત.
સદ્ગુરુ ગાંઠો છોડે ત્યારે સળંગ સૂત્ર રહે,
દાસ રતન કહે માળા માટી પીછે શું ફેરે. –દેખતી.
ભક્ત કહે છે કે જીવ પોતે દીવો છે અને બહાર અજવાળું શોધે છે. કબીરસાહેબ કહે છે, ‘પાનીમેં મીન પિયાસી’, અને કહે છે કે કસ્તૂરીમૃગની નાભિમાં સુગંધ છે, અને બહાર શોધતો ફરે છે. અને આ વાત એવી ઊલટી દેખાય છે કે તે ઉપર અનેક અવળવાણીઓ લખાઈ છે. ધીરો પણ કહે છે કેઃ
તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં,
અજાજૂથમાંહે રે સમરથ ગાજે સહીં. –તરણા.
સિંહ અજામાં કરે ગર્જના કસ્તૂરી મૃગ રાજંન,
તલને ઓથે જેમ તેલ રહ્યું છે કાષ્ઠમાં હુતાશંન;
દધિ ઓથે ઘૃત જ રે વસ્તુ એમ છૂપી રહી.—તરણા.
આ તલમાં જેમ તેલ, દધિ ઓથે ઘૃત, તરણા ઓથે ડુંગર એમ કેટલાંક દૃષ્ટાંતો ભજનસાહિત્યમાં બહુ જ સામાન્ય થઈ ગયાં છે. અખો કહે છે :
તરણા ઓથે ડુંગર રહે, એવો ઉખાણો સરવે કહે,
તરણું તે જીવનો અહંકાર, તે પાછળ રહ્યો કરતાર,
અખા અહંકાર વધાર્યો ગમે, તે માટે જીવ ભવમાં ભમે.
બ્રહ્મની જ એક શક્તિ માયા, તેનાથી જીવ, અને જીવ અને માયાથી સંસાર, એ એવી અદ્ભુત ઘટનાઓ છે કે અનેક કવિઓએ એમાંથી અવળવાણી વિકસાવી છે. એ અવળવાણી એ આપણે આગળ જોઈ ગયેલ પ્રહેલિકા જેવી છે, એને ઉકેલવાની કૂંચીઓ છે અને એ કૂંચીથી ઉઘાડતાં તેનો અર્થ સમજાય છે. પણ મને ઘણી વાર આ અવળવાણી બુદ્ધિની રમતો જેવી લાગી છે. તેમાં ઘડીની ગમ્મત છે. પણ તેમાં ખરો અનુભવ કે કાવ્યસ્વારસ્ય હોતું નથી, જોકે કબીર જેવા મહાન સંતોએ પણ અવળવાણી લખી છે. ભજનસાહિત્યમાં જમાનાની ટીકા, લોકમાનસની મૂર્ખાઈ વિશે પણ ઘણું આવે છે. તેમાં ખોટા ગુરુઓ, બાવાઓ એ બધાના દંભની વાતો અને નિન્દા વિનાસંકોચે કરી છે, ‘દુનિયાં દીવાની કે’વાશે.’ ભજનસાહિત્યમાં તેવી જ રીતે ભજનિકોની સંસારની અલોલુપતા અને નિર્ભયતા પણ વારંવાર દેખાય છે. એ સમાજ જાણે દુનિયાને સમજવા છતાં દુનિયાથી તટસ્થ નિર્ભય રહી શકતો હતો, એટલું સ્પષ્ટ દેખાય છે. ભજનસાહિત્ય તરફ જરા પણ દૃષ્ટિ કરતાં આ બધું તરત સમજાશે. પણ ભજનસાહિત્યની ખરી ખૂબી તેનું ખરું મહત્ત્વ, જીવનનાં કેટલાંક સત્યો અને રહસ્યો તે કહે છે, તેમાં રહેલાં છે. ભજનિક કવિ એટલી સ્વસ્થતા અને શાંતિથી રહી શકતો, વિચારી શકતો, અને એટલી સ્વાભાવિકતાથી બોલતો કે તેનાં રહસ્યો વચનો ખરેખર સાહિત્યનાં મૌક્તિકો બની રહે છે. એ દૃષ્ટિયી, આપશે એ સાહિત્ય ઉપર નજર નાંખી જઈએ.
દિલમાં દીવો કરો દીવો કરો,
દીવો અનભે પ્રગટે એવો, ટાળે અજ્ઞાનતિમિરને એવો;
એને નેણે તે નીરખીને લેવા કે દિલમાં દીવો કરો, દીવો કરો.
આ ક્ષણભંગુર સંસારમાં જે તક મળે તેમાં સત્કર્મ કરવા વિશે કહે છે :
વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ
નહિતર અચાનક અંધાર થાશે.
‘વીજળીને ચમકારે મોતી પરોવવું’ કેટલી સુંદર કલ્પના છે! અને દાસી જીવણનાં વચનો :
વાડી રે વેડીશ મા હો!
મારી રે વાડીના ભમરલા વાડી વેડીશ મા,
મારી રે વાડીમાં માનસરોવર
નાજે ધોજે પણ પાણીડાં ડોળીશ મા. –મારી.
મારી રે વાડીમાં ચંપો ને મરવો
ફોરમ્યું લેજે પણ કળિયું તોડીશ મા –મારી.
દાસી જીવણ કે સંતો ભીમકેરે ચરણે
સરખાસરખી જોડી રે તોડીશ મા. –મારી.
ઉપભોગ કરતાં માણસ એક આટલું સાચવે તો દુનિયામાં કદી ક્લેશકંકાસ ન થાય. પીપા ભક્તનું એક કથન છે :
પીપા પાપ ન કીજિયે તો પુન્ય કિયા સો બાર,
કિસીકા કછૂ ન લીજિયે તો દિયા દાન વાર હજાર.
આખા સમાજશાસ્ત્રનું આ સૂત્રવાક્ય છે. એમ ભજનસાહિત્ય એક જીવન્ત સાહિત્ય છે. એનું સંગીત, એની પરંપરા વિશિષ્ટ છે, અને એ સાહિત્યપ્રકાર અત્યારે પણ સજીવન રહી શકે એવો છે. નવા કવિઓમાં સજીવન થયો પણ છે.
૯-૧૧-૧૯૫૩