સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/યયાતિ : આત્યંતિક કામેચ્છાનો પ્રમાણપુરુષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૪) યયાતિ : આત્યંતિક કામેચ્છાનો પ્રમાણપુરુષ

કેવળ મનુષ્ય જતી જ નહિ, દેહધારી પ્રાણીમાત્રના ચિતનતંતુના સાતત્ય અને વિસ્તરણ માટે કામ, સૃષ્ટિવ્યવસ્થાનો અનિવાર્ય પ્રકૃતિકર્મ છે. દેહાત્મક જીવસૃષ્ટિની અનવરત પરંપરાની ધારણાનું અનુષ્ઠાન જ કામની સર્જનાત્મક ઊર્જાના ગતિશીલ ઉદ્રેક પર ટકી રહે છે. આમ પ્રકૃતિવ્યવસ્થાની દૃષ્ટિએ કામ નથી નિતાન્ત નિવાર્ય કે નથી નિતાન્ત નિન્દ્ય. એટલેસ્તો ગીતાકાર, ‘ધર્માવિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ’ તરીકે સંગ્નિત કરી, ‘પ્રજનપશ્ચાસ્મિ કંદર્પ:’ કહીને એનો વિભૂતિમહિમા કરે છે. ભારતીય સંસ્કાર પરંપરાએ તો વારકન્યાના દાંપત્યપ્રવેશની ક્ષણે, કામના પ્રવર્તન, પ્રયોજન અને પ્રેરકતાની બાબતને ઊંચી ગૌરવસપાટીએ મૂકી આપ્યાં છે. ‘ગૃહ્યસૂત્ર કહે છે : કોઅદાત્ કસ્મા અદાત્ કામોઅદાત્ કામાયાદાત્ કામો દાતા કામ: પ્રતિગ્રહીતા કામૈતત્તે ‘ (કોણ આપે છે? કોને આપે છે? કામ આપે છે, કામ અર્થે (કામને) આપે છે. કામ દાતા અને કામ પ્રતિગ્રહીતા છે, હે કામ આ તારું છે) લગ્નમીમાંસાના આટલા સૂત્રનિર્દેશની ભૂમિકાની સમજણ લઈને ‘યયાતિ’ના પાત્રપ્રદેશમાં પ્રવેશવાનું વિદ્યાસંગત લાગે છે. મહાભારત અને પુરાણોમાંનું યયાતિવિષયક ઉપાખ્યાન મનુષ્યની પ્રકૃતિદત્ત કામવૃત્તિની અતૃપ્તિમાંથી સર્જાતા સંતાપ ને શાપની સાર્વભૌમ અને સર્વકાલીન કામકથા છે. વકરેલી અને તેથી વિવેકચ્યુત કામતૃષ્ણા, વ્યક્તિની ઉપભોગલિપ્સાને ઉત્તરોત્તર ઉદીપ્ત કર્યા કરે, સતત ઉસ્કેર્યા કરે, અને નકરા ઉપભોગમાં આકંઠ ખૂપી ગયેલા કુળપુરુષને જ નહીં, પત્ની/પુત્રો સહિતનાં પરિજનોને સુધ્ધાં, સંવેદનાની કટોકટી અને ભીષણ માનસિક યંત્રણામાં કેવાં ધકેલી દે એનો, આખી મનુષ્યજાતિ માટેનો અદ્ભુત-કરુણ પદાર્થપાઠ, આ કથાનકમાં રહ્યો છે. અતુલિત સત્તા, અઢળક ભૌતિક સંપદા, બહુસંખ્ય પરાક્રમોની કીર્તિ તો ખરી; ઉપરાંત ‘અખંડ બ્રહ્મચર્ય ધારણ કરીને વેદોને કંઠસ્થ’ કર્યાનું ગૌરવ ધરાવતા ‘ધર્મજ્ઞ’, ને કર્તવ્યબુદ્ધિની જાગૃતિની સતત ખેવના રાખતા ‘રાજર્ષિ’ યયાતિ સંસારસુખની વણછીપી તરસને તરપત કરવા માટે, પોતાના જ યુવાન પુત્રોની લીલી જુવાની ઉછીની માગે; અને પોતાની શાપિત જરાવસ્થા, પુત્રોને ઓઢાડવા સારુ ઉતાવળા, અધીરા ને ઘાંઘા વાંઘા થાય એવા દૃશ્યની માત્ર કલ્પના જ કેટલી બધી સંવેદનશૂન્ય અને અભદ્ર લાગે? ગૃહસ્થાશ્રમની ગરવાઈ (ને નરવાઈ પણ) સંસારનું નકરું સાતત્ય સાચવવામાં જ નથી; પ્રેમની ઉષ્માથી સભર દામ્પત્ય અને વાત્સલ્યની શીતળતામાં ઊઝરતાં અપત્યના સુખસંપુટમાં સંસારનું સ્વારસ્ય છે. વળી, પ્રાચીન આશ્રમવ્યવસ્થાને તો, ગૃહસ્થ-તા પછીના અનુ-ક્રમમાં વાનપ્રસ્થ-તા જાણે કે પ્રતિ-ક્રમ દ્વારા નાગરપ્રસ્થતામાં પ્રત્યાવર્તન પામતી હોય એવું જણાશે! અન્ન માટેની ઉદરક્ષુધા કે પ્રેમ માટેની હ્રદયક્ષુધા કરતાંયે કામ માટેની સુરતક્ષુધા મનુષ્યના જીવનમાં કેટલીબધી ઊથલપાથલ કરી દેનારી હોય છે? યયાતિ જેવા ‘સત્યપરાક્રમ’, ‘અનેક યજ્ઞોના અનુષ્ઠાતા’, ’મન/ ઇન્દ્રિયોને સંયમમાં સાચવીને પૂરા ભક્તિભાવથી દેવતાઓ ને પિતૃઓનું પૂજન કરનારા’, ‘દેવરાજસમદ્યુતિ’, ‘ધર્મજ્ઞ’, ‘રાજર્ષિ’ : આવાં સામટાં વિશેષણોને ભોંઠાં પાડીને પામરતાની પ્રાકૃત સપાટી પર પછાડી દે છે એની દિગ્મૂઢ કરી દેતી દાસ્તાન એટલે યયાતિનું પૌરાણિક કથાનક ! યયાતિનો પુરાણપ્રોક્ત પરિચય ઉકેલીએ એની પહેલાં, આ કથાનકને લગતા પ્રાચીન આધારો તથા કથાની આછીપાતળી રૂપરેખાને ઓળખી લઈએ, જેથી આ વિગતો, યયાતિની સમ્યક ચરિત્રરેખાને પામવામાં આપણને સહાયક નીવડે. યયાતિકથાનકનાં કેટલાંક પાત્રનામોનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં મળે છે. ‘નહુષસ્ય’ , યયાતે ર્યે નહુષસ્યે : આ ઉલ્લેખો ઋગ્વેદમાં ૧-૩૧-૧૧ તથા ૧૦-૬૩-૧ માં મળે છે. એ જ રીતે ‘યદિન્દ્રાગ્ની યદુષુ તુર્વશેષુ યદ્રુહ્યુષ્વનુષુ પૂરુષુ સ્થ:’ (ઋગ્વેદ ૧-૧૦ -૮ ) માં યદુ, તુર્વશ, દ્રુહ્યુ, અનુ, પૂરુ : યયાતિના પાંચેય પુત્રોનો નામોલ્લેખ મળે છે. પરંતુ આ પાંચેય નામ વ્યક્તિનામ હોવા કરતાં કોઈ જૂથ ટોળી કે સમુદાયસંકેતક હોવાની સંભાવના તદ્વિદો દર્શાવે છે. કેમકે આ સૌ યયાતિના પુત્રસંબંધે સંકળાયેલા હોવાનો નિર્દેશ ત્યાં નથી. એ જ રીતે યયાતિ નામ મળે છે; નહુષના પુત્ર તરીકેનો સંકેત પણ એમાં વાંચી શકાય. પરંતુ પૂરુમાં યયાતિની જરાવસ્થાના દેહાંતરણવાળું વૃતાંત ત્યાં નથી. એ જ રીતે શર્મિષ્ઠા, દેવયાનીને લગતા કશા સંદર્ભો પણ નથી. હકીકતે યયાતિ કથાનકનું પ્રાચીનતમ રૂપ મહાભારતના આદિપર્વમાં જળવાઈ રહ્યું છે. આદિપર્વના અધ્યાય ૭૫ થી ૯૩ લગી, ઉપાખ્યાન તરીકે એનું વિગતે નિરૂપણ છે. પુરાણો પૈકી ભાગવતમાં સ્કંધ ૧૮-૧૯ માં અતિસંક્ષેપમાં સૂચક નિર્દેશો પૂરતું કથાનક છે, પણ ‘મત્સ્ત્યપુરાણ’ મહદઅંશે મહાભારતમાંના ઉપાખ્યાનનું, કથાનક અને નિરૂપણક્રમ – બંને બાબતમાં પુનરાવર્તન લાગે. આમ, યયાતિકથાની પૌરાણિક પરિપાટી તો મહાભારતમાંના મૂળ સ્રોતને યથાતથ અનુસરે છે. વંશાવળીની દૃષ્ટિએ પ્રજાપતિ બ્રહ્માથી એ દસમા ક્રમે આવે છે. બ્રહ્મા, દક્ષ, અદિતિ, સૂર્ય, મનુ, ઇલા (કન્યા) પુરૂરવા, આયુ, નહુષ : પૂર્વપુરુષોનો આવો વંશક્રમ છે. નહુષે ઇન્દ્રપ્રાસાદમાં જતી વેળા ઋષિઓ પાસે એની પાલખી ઉપડાવી હતી. અભિમાનવશ, અને શચિમિલનની તીવ્ર લાલસાની ત્વરાને લીધે, ઉતાવળે પગે ચાલવાની સૂચના માટે તેણે અગસ્ત્યને લાત મારી! કમાતુરતાને કારણે, આદરણીયના આવા અપમાનની સ્થિતિમાં ઋષિનો શાપ મળ્યો! પોતાના નાશની સાથે સંતતિને પણ કદી સુખ ન મળે એવી સ્થિતિ ઊભી થઈ. આ નહુષનાં છ પુત્રો : એ પૈકીના જ્યેષ્ઠ પુત્ર યતિ તો વય પ્રાપ્ત થતાં જ યોગસાધનામાં વળી ગયા. એટલેસ્તો બીજા ક્રમના પુત્ર તરીકે યયાતિ રાજ્યાસનના ઉત્તરાધિકારી ઠર્યા. પિતા નહુષની વિરાસત રૂપે એને આમ એકલું રાજસિંહાસન જ નહિ, સુખપ્રાપ્તિ આડેનાં અંતરાયો અને આપદાઓ વેઠતા રહેવાનો શાપ પણ સંગાથમાં મળ્યો હતો. રાજા તરીકે પ્રજાવત્સલતા સાચવીને એમણે શાસન ચલાવ્યું. કેટલાયે યજ્ઞો કર્યા અને ભક્તિભાવ દાખવીને દેવતા/પિતૃઓની ઉપાસના પણ કરતા રહ્યા. એમની બે પત્ની : અસુરગુરુ શુક્રાચાર્યની અતિ લાડકી ને ‘પુત્રસમોવડી’ દીકરી દેવયાની અને બીજી અસુરરાજ વૃષપર્વાની સુશીલ પુત્રી શર્મિષ્ઠા. દેવયાનીથી બે પુત્રો થયા : યદુ અને તુર્વસુ; જ્યારે દ્રુહ્યુ, અનુ અને પુરુ એ ત્રણ પુત્રો શર્મિષ્ઠાથીનાં સંતાનો હતાં. યયાતિનો દેવયાની સાથેનો વિવાહ તો આકસ્મિક યોગનું પરિણામ હતો. રાજકન્યા શર્મિષ્ઠા અને ઋષિકન્યા દેવયાની – આ બંને સહિયરો, સખીવૃંદ સાથે જલવિહાર કરીને બહાર નીકળી. શર્મિષ્ઠાએ સરતચૂકથી દેવયાનીનાં વસ્ત્રો પહેરી લીધાં. આમાંથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. શર્મિષ્ઠાએ દેવયાનીને ભિક્ષુક તથા પોતાના પિતાની આશ્રિતની પુત્રી તરીકે ઓળખાવી. નજીકના કૂવામાં દેવયાનીને ધકેલીને શર્મિષ્ઠા તો રવાના થઈ ગઈ. કૂવામાં વિવસ્ત્ર દશામાં પડેલી દેવયાની એ વેળા ત્યાંથી પસાર થતાં યયાતિની સહાયને કારણે ઊગરી. પોતાનો જમણો હાથ પકડીને યયાતિએ એને કૂવામાંથી બહાર કાઢી એટલે દેવયાનીએ એને જ પોતાનું પાણિગ્રહણ કરવા વિનંતિ કરી; પરંતુ પોતાના ક્ષાત્રકુળને કારણે ઋષિકન્યાને વરવા આડેના પ્રત્યવાય તરફ યયાતિએ એનું ધ્યાન દોર્યું. યયાતિએ વ્યક્ત કરેલા આ પ્રત્યવાયની નડતર પોતાના કિસ્સામાં રહેશે નહીં એવો ખુલાસો દેવયાનીએ કર્યો. સંજીવનીવિદ્યા ભણવા માટે પિતા શુક્રાચાર્ય પાસે રહેલા બૃહસ્પતિપુત્ર કચ પ્રત્યેના પ્રેમાકર્ષણથી વરવા તત્પર દેવયાનીના વિવાહપ્રસ્તાવનો કચે ગુરુપુત્રી હોવાને નાતે ઇનકાર કર્યો, એટલે દેવયાનીએ એ પોતે વિદ્યાનો પ્રયોગ નહિ કરી શકે એવો શાપ આપ્યો; જ્યારે અનુચિત વિવાહપ્રીતિની યાચના માટે કોઈ ઋષિકુમાર પરણશે નહીં એવો પ્રતિશાપ કચે દેવયાનીને આપ્યો હતો. આ કારણે યયાતિદેવયાનીના વિવાહનો માર્ગ તો મોકળો બન્યો. અસુરોને દેવો સામેની મોટી સુરક્ષા અને સહાય તો શુક્રાચાર્યની સંજીવની વિદ્યાની હતી. એ જ અસુરરજની પુત્રીએ પોતાના તપસ્વી ને વિદ્યાસંપન્ન પિતા વિશે ગૌરવહીન વચનો સંભળાવ્યાં તેથી રોષે ભરાયેલી દેવયાની નગરમાં જવાને બદલે ત્યાં જ બેઠી રહી. પિતા શુક્રાચાર્યને સમાચાર મળતાં પુત્રીપ્રેમને વશ થઈને એઓ અસુરરાજ વૃષપર્વાને ત્યાં જ તેડાવીને પુણ્યપ્રકોપ ઠાલવે છે; એટલું જ નહીં, પુત્રીને હીણાં વચનો ને હલકાં મહેણાં સાંભળવાં પડે એ સંજોગોમાં અસુરલોકને તજી દેવાનો નિરધાર વ્યક્ત કરે છે. વૃષપર્વા ક્ષમાયાચના કરે છે અને દેવયાનીને રાજી કરવા એની શરતો પણ કબૂલે છે. દેવયાની પોતાના પતિગૃહે જાય ત્યારે શર્મિષ્ઠા એની પરિચર્યા માટે દાસી તરીકે યયાતિગૃહે સાથે જાય. આ આકરી શરતને આધીન થઈને શર્મિષ્ઠા ગુરુપુત્રી દેવયાનીની દાસી તરીકે યયાતિગૃહે જાય છે. પરંતુ દેવયાની/યયાતિના વિવાહની વેળાએ જ શુક્રાચાર્યે યયાતિને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ‘વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા તમને સોંપું છું, એનો આદર કરવો, એકાંતમાં બોલાવશો નહીં, સ્પર્શ કરશો નહીં, તેમ જ શયનસુખ ન આપવું.’ આવી સમજણ અને શરત સાથે યયાતિ અને દેવયાની/શર્મિષ્ઠાનો સહવાસ શરૂ થાય છે. સમયક્રમે દેવયાની પુત્રને જન્મ આપે છે, થોડા વખત પછી શર્મિષ્ઠા પણ પુત્રની માતા બને છે. દેવયાનીને જાણ થતાં પ્રથમ તો તે અચરજ વ્યક્ત કરે છે; પણ કોઈ ‘ઋષિના પુણ્યયોગે’ પોતાને પણ માતૃત્વ લાધ્યાનો ખુલાસો એ કરે છે. આ પછીના અરસામાં દેવયાનીને બીજો પુત્ર જન્મે છે, જ્યારે શર્મિષ્ઠા પણ બીજા બે પુત્રોની માતા બને છે ત્યારે દેવયાનીને યયાતિ/શર્મિષ્ઠાના શરીરસંબંધથી ત્રણે પુત્રો જન્મ્યા હોવાનું જ્ઞાન અને ભાન થાય છે. અતિ રોષે ભરાયેલી દેવયાની પિતા શુક્રાચાર્યને યયાતિ/શર્મિષ્ઠાનાં છાનગપતિયાંની ફરિયાદ કરે છે. યયાતિના આ અધર્મથી અતિકૃદ્ધ શુક્રાચાર્યે એને સત્વરે જરાવસ્થા પ્રાપ્ત થવાનો શાપ આપે છે. હતપ્રભ યયાતિ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે લૂલા ખુલાસા કર્યે રાખે છે. આખરે શુક્રાચાર્યે કોઈ પુત્ર પોતાનું યૌવન પિતાને આપીને બદલામાં શપ્ત જરાવાસ્થા સ્વીકારે એવો માર્ગ સૂચવે છે, એટલે યયાતિ પાંચેય પુત્રો પાસે વારાફરતી યૌવનની યાચના કરે છે, અને પોતાની જરાવસ્થા તત્પૂરતી સ્વીકારવા કાકલૂદી કરે છે. આખરે નાનો પુત્ર યયાતિને યૌવનપ્રાપ્તિનો માર્ગ ખુલ્લો કરી આપી, પોતે અકાલવૃદ્ધત્વ સ્વીકારે છે. મહાભારત અને પુરાણોના કથાનકમાંથી ઉપસતું યયાતિનું ચરિત્ર વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન દિશાની આત્યંતિક ને પરસ્પર વિરોધી ઉપસ્થિતિમાં વિચરતું પ્રતીત થશે. વિસ્તીર્ણયશ: ‘સત્યકીર્તેમહાત્મન:’ : યયાતિનું કથાવૃતાંત કેવું છે? વ્યાસ વૈશંપાયન મુખે કહે છે : ‘સ્વર્ગ અને પૃથ્વી બંને લોકમાં સઘળાં પાપોનો નાશ કરનારી પુણ્યાર્થ એવી ઉત્તમ કથા છે.[1] પુરાણકાર એની ઓળખ આપે છે : ‘દેવરાજ ઇન્દ્ર સમાન પરાક્રમી રાજર્ષિ’[2] વનવિહાર કરતી દેવયાનીને શર્મિષ્ઠાસહ પ્રથમ મેળાપમાં જોતી વેળા પોતાનો પરિચય યયાતિ આપે છે  : ‘અખંડ બ્રહ્મચર્ય ધારણ કરીને વેદોને મેં કંઠસ્થ કર્યા છે. હું રાજા નો પુત્ર છું સ્વયં રાજા છું. મારું નામ યયાતિ.[3] પુષ્કળ યજ્ઞોના અનેક અનુષ્ઠાનમાં સતત વ્યસ્ત રહેવાને કારણે કામરૂપ પુરુષાર્થ માટે ‘એને ઝાઝો સમય મળ્યો નથી’[4] યયાતિની શાલીનતા સમજદારી અને શૌર્યની બાબતમાં દેવયાનીનો અને ખુદ શુક્રાચાર્યનો પણ ઊંચો અભિપ્રાય હતો. કૂવામાંથી ઉગારે છે એ વેળા દેવયાની કહે છે : ‘જાનામિ ત્વાં ચ સશાન્ત, વીર્યવન્ત, યશસ્વિનમ્’[5] શુક્રાચાર્યના પ્રભાવ અને બ્રહ્મતેજને પૂરી રીતે ઓળખનારામાં વૃષપર્વા, ઈન્દ્ર ને ત્રીજા નહુષપુત્ર યયાતિ છે એમ શુક્રાચાર્ય પોતે જ પ્રમાણિત કરે છે.[6] વળી, વિવાહના પ્રસ્તાવ વેળા દેવયાની પોતે પણ પાણિગ્રહણ માટે થયાતિને ‘ઋષિપુત્ર' ‘સ્વયંત્રઋષિ' તરીકે ગણે છે.[7] બ્રાહ્મણકન્યા/ક્ષત્રિયપુરુષના પ્રતિલોમલગ્નના નીતિનિષેધની દલીલ કરતો યયાતિ ધર્મજ્ઞ તો છે જ; સંપ્રજ્ઞ પણ છે. કેમકે, આ વિવાહને પરિણામે ભાર્ગવ શુક્રાચાર્યના સંભવિત રોપની પણ એને આગોતરી જાણકારી છે. બ્રાહ્મણની દુર્ઘષતા અંગેનું એમનું એક વ્યાપ્તિવચન સાંભળો : ‘સર્પ કે શસ્ત્ર તો એક જ વ્યક્તિને મારી શકે, પરંતુ રુષ્ટ બ્રાહ્મણ તો રાષ્ટ્રોનો સમૂળગો નાશ કરી નાખે !૮ [8] આમાં યયાતિની વ્યવહારદક્ષતા ને સંપ્રજ્ઞતા કેટલી માર્મિકતાથી વાંચી શકાય છે! શિષ્ટાચારનિષ્ઠા અને વિનમ્રતા પણ કેવાં ? ભાર્ગવને આવતા જોઈને એમનો સમાદર કરતા થયાતિની શિષ્ટતા વ્યાસે આ રીતે વર્ણવી છે : ‘યયાતિ પૃથિવીપતિઃ વવન્દે બ્રાહ્મણં કાવ્યે પ્રાંજલિઃ પ્રણતઃ સ્થિતઃ[9] દેવયાનીને વરવા યોગ્ય વ્યક્તિ તરીકે યયાતિ પ્રતિલોમલગ્નના અપરાધમાંથી નિર્દોષતા તેમ જ ભવિષ્યમાં સંતાનોને વર્ણસંકરતાનો અપયશ ન મળે એ માટે શુક્રાચાર્યને વિનતિ કરે છે એ ઉક્તિઓમાં પણ એનું દૂરંદેશીપણું કેટલી ચતુરાઈથી પ્રત્યક્ષ થાય છે ? શર્મિષ્ઠા પોતાની પરિણિતા નથી, દેવયાની સાથેના એના દાસ્યસંબંધે પરિચારિકા છે. એટલે એના પરનું સ્વામિત્વ, વ્યાપક અર્થમાં સેવા પરત્વે છે, શય્યાસંગ પરત્વે નહિ ! આટલી સાદી સમજ તો ‘ધર્મજ્ઞ' યયાતિને હોય જ. ધારો કે એમ ન હોય તોયે, દેવયાનીના વિવાહ ટાણે, ‘રહસ્યેનાં સમાહૂય ન વદેર્ન ચ સંસ્પૃશેઃ ।' એવાં મોળા વિધ્યર્થ વચન સાથે જ ‘સંપૂજ્યતો સતતં રાજન્ મા ચૈના શયને હ્વયેઃ ‘-માંનો કડક ને ડરામણો આજ્ઞાર્થ શ્વસુરમુખેથી ઓચરાયો હતો એનું વિસ્મરણ તો સ્વપ્નમાં પણ થાય ખરું ? આશુરોષ ભાર્ગવની ભાષાનાં ભીતરી સપ્તકોને પૂ...રે..પૂ..રાં ઉકેલી શકવાની સમજણ અને ડહાપણ તો યયાતિમાં છે જ. એટલેસ્તો દેવયાનીને પુત્રપ્રાપ્તિના સમાચાર સાંભળી ઋતુપ્રાપ્તા શર્મિષ્ઠા અતિ કામવિહ્વળ બનીને, ‘સા ત્વાં યાચે પ્રસાદ્યાહમૃતું દૈહિ નરાધિપ ।' કહી ઋતુદાનની યાચના કરે છે ત્યારે યયાતિ તરત જ શુક્રાચાર્યની શીખમાંના પ્રચ્છન્ન ભયને આડો ધરે છે. કામાતુર શર્મિષ્ઠા તો ભાર્ગવવચનને વિવાહપ્રસંગના પરિહાસવચન તરીકે ખપાવી, એને નર્મોક્તિ ગણીને સચ્ચાઈથી સ્વીકારવાની જરૂર જોતી નથી. પરંતુ, ‘સત્યપરાક્રમ રાજર્ષિ' એવો યયાતિ તો તરત જ બોલી ઊઠે છે, ‘રાજા પ્રમાણભૂતાનાં સ નશ્ચેત મૃષા વદન્ ।' (રાજા તો પ્રજા માટેનો પ્રમાણપુરુષ છે. જો એ પોતે ઊઠીને જૂઠું બોલવા લાગે તો તો એનો વિનાશ થાય). એનાથી તો અર્થસંકટની પળે પણ કશું ખોટું ન જ થઈ શકે ! પણ આ ‘બ્રહ્મજ્ઞાન' કામલિપ્સાના જલદપણા સામે ઝીંક ક્યાંથી ઝીલી શકે? શર્મિષ્ઠાનાં લલચામણાં વચનોથી આખરે પલળીને ધર્મજ્ઞ થયાતિ ‘દાતવ્યે યાચનાનેભ્ય ઇતિ મે વ્રતમાહિતમ્' કહીને છૂટી પડે છે ! ‘યાચના કરનારને એને અભિષ્ટ આપવું એવું મારું વ્રત છે ! તમે પણ તમારી કામના મારી પાસે વ્યક્ત કરી બોલો, હું તમારું શું પ્રિય કરું ?' અંદરથી ધખધખતી કામવાસનાની પૂર્તિ માટે કેવી છે આ શિષ્ટપુષ્પિતા દિલદાર દાતારી ? આ કામસંયોગે પ્રાપ્ત થતા પુત્રજન્મના રહસ્યનો ખુલાસો શર્મિષ્ઠા પણ ‘સત્યંબ્રવીમિ' કહીને કેવો કરે છે ? ‘કોઈ ધર્માત્મા વેદપારંગત ઋષિ'નો ‘વરદાનપ્રસાદ' છે મારો આ પુત્ર ! ‘શુચિસ્મિતા' દેવયાની તત્કાળ તો આ કથનને સાચું પણ માની લે ! યયાતિ-શર્મિષ્ઠાના આ ‘કામોપક્રમ'ના અનવરુદ્ધ આવર્તનને પરિણામે બીજા બે પુત્રો પણ થયા : અનુ અને પૂરુ. સમય વીત્યે એકાન્ત વનમાં રમતા આ ત્રણેય દીકરાઓને નિહાળીને, દેવયાની ખુદ યયાતિને જ પૂછે છે ત્યારે યયાતિનો પ્રતિભાવ છે નર્યું મૌન? ના, મીંઢાપણું ! આખરે પુત્રોએ પિતા યયાતિ તરફ આંગળી ચીંધી ને માનું નામ આપ્યું શર્મિષ્ઠા ! આ ક્ષણે, ‘પ્રજાવત્સલ રાજર્ષિ'એ ન તો પુત્રો પ્રત્યે સ્મિતદૃષ્ટિ કરી, કે ન ખોળામાં બેસાડીને વહાલ આપ્યું! રડમસ ચહેરે ત્રણે પુત્રો શર્મિષ્ઠા પાસે દોડી ગયા ! આ આખાયે વ્યવહારમાં, પ્રિયતમ તરીકે શર્મિષ્ઠા પાસે, ને પિતા તરીકે પુત્રો પાસે યયાતિ કેવો ને કેટલો પામર(પ્રાકૃત પણ) લાગે છે ? એટલું જ નહિ, ‘શુચિસ્મિતા' ને ‘સુમધ્યા' દેવયાની પ્રત્યેના યયાતિના જ નહિ, શર્મિષ્ઠા પ્રત્યેના વ્યવહારમાંયે સૌહાર્દ તો ઠીક, શિષ્ટતા કે સૌજન્યનો છાંટો પણ વરતાતો નથી ! પ્રતારણાનું આ પાતક, દેવયાનીને અત્યંત ક્ષુબ્ધ કરી મૂકે છે. ‘ક્રોધસંરક્તલોચના' દેવયાની પિતા પાસે જઈ પહોંચી અને યયાતિના મર્યાદા-ઉલ્લંઘનની ફરિયાદ કરી. રોષે ભરાયેલા ભાર્ગવ, યયાતિના આ અધર્માચરણ માટે શાપ આપે છે : ‘મહારાજ, તમે ધર્મજ્ઞ હોવા છતાં અધર્મને પ્રિય માનીને આવું આચરણ કર્યું છે એ માટે દુર્જય જરાવસ્થા તમને સત્વરે સાંપડો !' જરાભીતિથી ધ્રૂજી ઊઠેલો યયાતિ લાખ વાનાં કરે છે, શાપમુક્તિ માટે. ‘ઋતુપ્રાપ્તાની યાચનાની સંપૂર્તિ ધમ્ય છે; એટલું જ નહિ, ન્યાયસંમત કામનાયુક્ત ગમ્યાને એકાંતમાં, એની વિનંતિને કારણે જે સમાગમ ન કરે એને ભ્રૂણહત્યાનું પાતક લાગે!' વળી, ‘યાચકને ઇષ્ટ પદાર્થ આપવાનું તો મારું વ્રત છે.' આપત્કાલે ઊગેલી આ સૂફિયાણી દલીલોમાં શાપમાંથી છટકવાનું જે તર્કછળ છે એમાં એની સંપ્રજ્ઞતાનો દુરુપયોગ છે એટલી શીલ અને સત્યની ખેવના નથી. આખરે પુત્ર યૌવન આપે તો પિતાની જરાવસ્થા એ બદલામાં ભોગવે – એવી છૂટ મળતાં પુત્રો પર જરાવસ્થા આરોપી, એની જુવાની પોતે ઓઢવા તત્પર થાય! પણ જનક-જન્યનો આવો વયવિપર્યાસ મનુષ્યજીવનના કયા ઉત્તમ પુરુષાર્થને માટે યયાતિને આવશ્યક લાગે છે? આવું અવસ્થાંતરણ પિતાને પક્ષે તો કાયાકલ્પ નીવડે, પરંતુ પુત્રને માટે તો ઊગતી જુવાનીમાં જ કારમો કાયોત્સર્ગ? ‘હે ભૃગુશ્રેષ્ઠ, દેવયાનીનો યૌવનસહવાસ ભોગવ્યા પછી પણ હું અતૃપ્ત રહ્યો છું. માટે હૈ બ્રહ્મદેવ, મારા પર કૃપા કરો જેથી આ ઘડપણ મારી કાયામાં ન પ્રવેશે.[10] આવું બોલનારો યયાતિ અહીં નથી સ્વ-સ્થ કે નથી આત્મસ્થ; હાડોહાડ કાયસ્થ નથી લાગતો આ ‘ધર્મજ્ઞ રાજર્ષિ?' પરિચારિકાના પિડપ્રસંગને કારણે તો પરિણીતાની છલના થઈ છે, છતાંયે દેવયાનીસંગની અતૃપ્તતાનું બહાનું આગળ ધરીને, દેવયાનીપિતા ભાર્ગવ પાસે જ વૃદ્ધત્વ વેગળું રહે એવી યાચના કરે છે એમાં કાંઈ ભોળપણ, ભલાપણું કે પરિણીતા પ્રત્યેની પ્રામાણિક પ્રીતિ નથી; નર્યો, કહો કે નફફટ, કામપ્રપંચ વાંચી શકાય છે. હા તો, ‘જરાભિભૂત' યયાતિ પોતાના જ પુત્રો પાસેથી યૌવન ઉછીનું આણવા માટે કયું પ્રયોજન આગળ કરે છે? ‘યુવાની પ્રાપ્ત કરીને યુવાન સ્ત્રીઓ સાથે કામવિહાર કરવા ઇચ્છું છું. દીકરાઓ, તમે મને સહાય કરો ![11] કેવળ ને કેવળ, લપકારા મારતી ઉગ્ર કામેચ્છાના સ્વચ્છંદ ને સતત વિહાર માટે જ, પેટના દીકરાઓની પાંગરતી જુવાની ઝૂંટવી લેવાની વૃત્તિ/પ્રવૃત્તિની પિતૃયાચનામાં ‘સાહયં' સંજ્ઞાની અર્થોપયુક્તિમાં કઈ નિરુક્તિ આપણને ખપમાં આવશે? યદુ, તુર્વસુ, અનુ ને દુહ્યુ - આ ચારેય પુત્રો તો શિષ્ટતા દાખવીને હેલ્પલાઈન બંધ રાખે છે! યદુ તો પિતાને પૂછવા લગી જાય છે: “પિતાજી, અમારી જુવાની મેળવીને આપને કયું કાર્ય કરવું છે? [12] મુદલ સંકોચ, શરમ કે ક્ષોભ રાખ્યા વિના યયાતિ આ ‘જિજ્ઞાસા'નો ઉત્તર વાળે છે, ‘મારું ઘડપણ લઈ લ્યો. તમારી જુવાની થકી હું વિષયોનો ઉપભોગ માણીશ. ‘[13] આ પ્રમત્ત પ્રગલ્ભ પુરુષોક્તિ એટલી સંસારસ્ફોટક છે કે એના પર કશીય મલ્લિનાથી કે ચૂર્ણિકાની જરૂર જ નથી લાગતી ! યાદ રહે કે પુત્રયૌવનના અંગીકરણના બદલામાં યયાતિએ પુત્રોને નકરી વૃદ્ધાવસ્થા જ આપવાની નથી; સાથોસાથ પોતાની જાત સાથે વળગેલા અપરાધો પણ પધરાવવાના છે ! એ કહે છે: ‘પ્રતિપદ્યસ્ય પાપ્પાનં જરયા સહ.' યૌવનપ્રદાનનો ઇનકાર કરનારા ચારેય મોટા પુત્રોને તો પિતૃઆજ્ઞાનો અનાદર કરવા માટે, યદૃચ્છાચારી શપ્તપુરુષ પોતે ઊઠીને શાપ આપે છે ! યદુનાં સંતાનો રાજ્યાધિકારથી વંચિત્, તુર્વસુનો સંતતિનાશ, દુહ્યુનાં સંતાનો રાજા નહિ પણ કેવળ ભોજ પદે જ, અનુનાં સંતાનોનું અકાળ મૃત્યુ : પિતા તરીકે યયાતિનો પ્રકોપ કેવળ પુત્રો પ્રત્યેજ નહિ, પૌત્રો, પ્રપૌત્રો કહો કે આવનારી પેઢીઓ પરના સામૂહિક અને જથ્થાબંધ શાપરૂપે, આટલી નિષ્ઠુર રીતે, ત્રાટકે એવી દાઝને, વકરેલી ને વિફરેલી કામવાસનાની વિવેકલુપ્ત પ્રતિક્રિયા ગણવી ને? અંતે સૌથી નાનો પુત્ર, શર્મિષ્ઠાનું જ સંતાન પૂરુ, પિતા યયાતિની કામેચ્છાને તરપત કરવા સારુ, અકાળવૃદ્ધત્વ ઓઢીને, પોતાની કાચી જુવાની આપવા તૈયાર–ને તત્પર પણ – થાય છે. પિતા/પુત્રના વયવ્યુત્ક્રમની પળે યયાતિની કામલોલુપ વામુદ્રા નીરખવા/ સાંભળવા જેવી છે. ‘પૂરુ, તું તો મારો લાડકો દીકરો, તારા ગુણો તો તને આવનારા દિવસોમાં ઊજળો કરશે. મને તો ઘડપણે ઘેરી લીધો! માથું ધોળુંફક ને કાયા કરચલિયાળી થઈ ગઈ, મારા બાપ! જોબનનાં જાજરમાન સુખ ભોગવવાથી હજી હું ધરાણો નથી. તારી જુવાની સાથે મારી જરાવસ્થાના અદલોબદલો કરે તો હું તારી જોબનાઈના ઉછીના જોરે થોડાંક વરસ હજી વિષયસુખ માણું! હજાર વરસ પછી તને તારી જુવાની પાછી, ને મારું ઘડપણ, સાગમટા અપરાધ શિક્કે, હું પાછું સ્વીકારી લઈશ.૧૩ સુરતસુખની અનવરત ટપકતી લાળ નાનવડાઈની લાજ છંડાવીને અન્યથા વિનયશીલ સમ્રાટ પાસે પણ કેટકેટલાં વાનાં કરાવે છે? સામે પક્ષે, જુવાન પુત્ર ‘કરિષ્યામિ તે વચ:' કહીને પિતાનું શાપલબ્ધ ઘડપણ સ્વીકારીને પોતાની જુવાનીને, વિષયોપભોગની દુર્નિવાર લોલુપતાને પંપાળવા માટે, આપી દે છે.

પુનર્નવત્વને કારણે કાયાકલ્પ પામેલો થયાતિ હવે ‘યથાકામ, યથોત્સાહ, યથાકાલં, યથાસુખ' સુરતસંગ માણવા લાગ્યો. એક હજાર વરસ લગી આ ‘નરશાર્દૂલ' યુવાવસ્થામાં રહીને પોતાની પત્નીઓ દેવયાની અને શર્મિષ્ઠા ઉપરાંત વિશ્વાચી અપ્સરા સાથે પણ ચૈત્રરથમાં વિચરીને સૂરતવિલાસ ખેલતો રહ્યો. પણ એનો આ સુખોપભોગ તો ‘અવિરોધેન ધર્મસ્ય’ માનતો રહ્યો! યજ્ઞયાગ, શ્રાદ્ધ, અતિથિસત્કાર, બ્રાહ્મણોને દાન – આવાં પુણ્યકર્મોથી પણ એની પ્રતિષ્ઠા વધતી રહી. પણ અકરાંતિયો જીવ ગમે એટલું આસરડે, તોય ધરવ થયાનો ઓડકાર કદી આવે ખરો ? ‘અપરાજિત' અને ‘શાર્દૂલસમવિક્રમ', ‘નૃપશ્રેષ્ઠ' યયાતિ હજાર વરસ સુધી ભોગવિલાસમાં આકંઠ મગ્ન રહેવા છતાં તૃપ્ત ન થયો. અંતે, વાસનાપ્રેરિત ભોગવિલાસની અસારતા સમજાતાં એને ખરું બ્રહ્મજ્ઞાન લાધ્યું તો ખરું ! શરત પ્રમાણે આખરે પૂરુ સાથે અવસ્થાંતરણ સાચવીને એને યૌવન પાછું આપે; અને જરાવસ્થા પુનઃસ્વીકારે. અનવરુદ્ધ રતિરમણની અતિશયતા પણ કામતૃપ્તિની સંતર્પક ક્ષણ ક્યારેય આણી શકાતી નથી; ભોગવિલાસની અતિપ્રાપ્યતા કદીયે મનુષ્યની વિષયવાસનાને શાંત કરી શકતી નથી એવો બોધ મહાભારતકારે – અને પુરાણોએ પણ- યયાતિ પાસે ઉદ્ગારિત કરાવ્યો છે : ‘કામવિષયભોગની ઇચ્છા વિષયોના ઉપભોગથી શમતી નથી. ઘીની આહુતિથી અધિક પ્રજળતા અગ્નિની જેમ એ વધે છે; વકરે છે.' 'રત્નોથી ખચિત પૃથ્વી, વિશ્વનું બધું સોનું, પશુઓ અને સુંદર સ્ત્રીઓ —આ બધું કોઈ એક જ પુરુષને મળે તો પણ એને માટે એ પર્યાપ્ત નથી અને હજી અધિકની તૃષ્ણા રહે એમ સમજીને શાંતિ ધારણ કરવી.’૧૪[14] ‘જે તૃષ્ણાને છોડવાનું દુર્મતિવાળાને ઘણું અઘરું છે. મનુષ્ય ઘરડો થાય પણ તૃષ્ણા ઘરડી થતી નથી; એટલે દુઃખોને નોતરનારી તૃષ્ણાને જ સુખના ઇચ્છુકે સત્વરે તજી દેવી જોઈએ.’ 'માતા, બહેન કે પુત્રી કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં બેસવું નહિ. બલિષ્ઠ ઇંદ્રિયસમુદાય વિદ્વાન કે પ્રાજ્ઞને પણ ખેંચી જાય છે. [15] પૂરુની અતુલિત અને અ-પૂર્વ પિતૃભક્તિથી અતિપ્રસન્ન યથાતિ ઉત્તરાધિકારી તરીકે પૂરનો રાજ્યાભિષેક કરી ઉપરામવેળા પત્નીઓ સાથે ભૃગુતુંગ પર્વત પર જઈને તપસ્યારત થયા. દીર્ઘકાળ પર્યન્ત નિરાહારવ્રત આચરીને પત્નીઓ સહિત સ્વર્ગલોકમાં સિધાવ્યા. પૂર્વાવસ્થાની નૈષ્ઠિક બ્રહ્મચર્યા, મધ્યાવસ્થાની સદા ઉદીપ્ત કામચર્યા અને અંતિમ અવસ્થાની કઠોર તપશ્ચર્યા : આવો આયુષ્યક્રમ ઓળંગીને સ્વર્ગમાં પ્રવેશ કરતી વેળા યયાતિ દેવલોકમાં પણ પોતાની આંતરિકતાનો જે પરિચય કરાવે છે એ પણ અચરજ ઉપજાવે એવો છે. ‘તમારી તપસ્યાને તમે કોના સમાન ગણો ?' એવી દેવપુચ્છાનો યયાતિએ વાળેલો આ ઉત્તર સાંભળો : 'દેવો, મનુષ્યો, ગંધર્વો કે મહાન ઋષિઓ - આમાંથી કોઈ પણ તપસ્યામાં મારી તોલે ના આવે.’[16] આટઆટલી વિ-દગ્ધતા પછીયે અહંકાર અને શ્રેષ્ઠતાગ્રંથિમાંથી ફૂટતું ગુમાન તો એવા ને એવાં અકબંધ રહ્યાં ! આ કારણે જ દેવરાજ ઇન્દ્ર એને પુણ્યલોકમાં રહેવાની પાત્રતા ગુમાવ્યાનું કહી, સ્વર્ગપતિત ગણી નીચે હડસેલે છે. ‘સતાં મધ્યે પતિતું દેવરાજ' કહીને સત્સંગીઓ વચ્ચે રહી શકવાની રાહત, જોકે, એની માગણીથી ઇન્દ્ર આપે છે. આકરી અને અનવરત તપસ્યા પણ, વિ-દગ્ધ કે વિનયશીલને આત્મશ્લાઘાના અતિરેકમાંથી ઉગારી શકતી નથી !! અંતરિયાળ કે અંતરીક્ષ - જ્યાં ગણો ત્યાં ‘અતો ભ્રષ્ટઃ તતો ભ્રષ્ટઃ' દશામાં લટકતા યયાતિને અષ્ટક, પ્રતર્દન, વસુમાન અને શિબિના સંગ અને સંપર્કને કારણે પુનઃ સ્વર્ગપ્રાપ્તિ થાય છે.

મહાભારત અને તદનુવર્તી પુરાણોમાં પ્રત્યક્ષ થતા યયાતિના ચરિત્રઆલેખની આ તપસીલ અને તસવીર, એના યથાસ્થિત રૂપમાં અહીં ઉતારી છે. નરી ઐહિકતાપરાયણ જીવનવ્યવસ્થામાં તો શરીરપ્રધાનતા જ ઇષ્ટ હોવાની, એટલે સુખોપભોગની અતિસુલભતાની સ્થિતિમાં, શરીરની તમામ ભૂખ કે માંગને સંતોષ્યે રાખવાની વૃત્તિ/પ્રવૃત્તિ અનવરુદ્ધ ફાલવાની ને ફૂલવાની ! શરીરવ્યાપાર સુખની ક્ષણિકતા આપે; આનંદ આપે ખરો ? શરીરસુખને જ સનાતન સુખ માનીને ચાલતા રહીએ તો, અંતતોગત્વા, તૃપ્તિ કે તુષ્ટિ નહીં, ત્રાસ અને હ્રાસના સીમાડામાં પૂગી જતાં વાર નથી લાગતી. અનર્થનું મૂળ તો શરીરસુખને આનંદનો પર્યાય માની લેવામાં છે; અને આ ‘સુખ'ની પરિસીમા, જાતીય સંગતિની જ સરહદમાં સમાઈ જતી હોય એવી વ્યાપક સમજ પ્રવર્તે છે. ધર્મ અને મોક્ષ : ચતુર્વિધ પુરુષાર્થના આવા સંપુટમાં અર્થ અને કામ : પુરુષાર્થદ્વયને આપણા ધર્મશાસ્ત્ર મૂકે છે. અર્થ અને કામ સર્વથા અનિષ્ટકારી છે એમ તો નહીં, પણ એની ગતિ/સ્થિતિ ધર્મ અને મોક્ષના પૂર્વાપર અંતરાલની સીમામાં પ્રવર્તે એ બાબત, વ્યક્તિ અને સમષ્ટિની તંદુરસ્તી તેમ જ મનદુરસ્તી માટે અનિવાર્ય ખરી. પ્રેમનો અંચળો ઓઢીને વિચરતો કામ મનુષ્યને માટે કેટલીક વાર આત્મવંચના અને પરપ્રતારણા-એવી ખ્રિસ્તરીય ભૂમિકા ભજવતો રહે છે. કામ કેવળ વાસનાની સ્થૂળ સપાટી પર જ વ્યવહરતો રહે તો વ્યક્તિને ઉન્મત્ત દશામાં લઈ જાય; પરંતુ અંતઃકરણની પ્રવૃત્તિનું પ્રતિપળ પ્રામાણ્ય એને વાસનાની ક્ષુદ્ર સપાટી પરથી ઊંચકીને ભાવના પ્રીતિભાવ ભક્તિભાવનાની ઉચ્ચતર સપાટી પર ગતિશીલ રાખે તો સર્વતોભદ્ર ઉદાત્ત દશામાં એને સ્થિરતા મળે. જીવનની સર્વસાધારણ સપાટી પર જીવતો મનુષ્ય, કામને જ નહિ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સરને પણ ષરિપુ ગણીને, એની સામે ઝઝૂમતા રહેવાનું સામર્થ્ય કે સાહસ તો ક્યાંથી દાખવી શકે ? આ સૌનું વિવેકપૂત નિયંત્રણ પણ સર્વગ્રાસી અનર્થમાંથી તો એને આધા રહેવાની સૂઝ અને શક્તિ આપે.

યયાતિની પુરાણકથા સર્વસાધારણ મનુષ્યની સર્વકાલીન સંવેદનાત્મક સમસ્યાને સ્પર્શે છે. ભૌતિકતાનો ઝળહળાટ મનુષ્યના મૂલતઃ ભોગાધિષ્ઠિત બંધારણને વધુ ને વધુ ગાઢ બનાવતો રહે. એષણા અને કામનાઓનો પારાવાર, સંવેદનશીલતા અને સમજણ બંનેને પાંગળાં બનાવીને કેવી ઊંડી ગર્તામાં હડસેલી મૂકે છે એની સંભાવનાઓની સબળ વ્યંજના યયાતિકથામાં નિહિત છે. આ આખુંયે કથાનક, સર્વકાલીનતાના સત્ત્વે જેટલું તત્કાલીન છે એટલું જ સમકાલીન પણ હોય! એટલેસ્તો આ પુરાકથામાંની ભીતરી સંભાવનાને તાગીને, મનુષ્યતાનાં નોખનોખાં સંવેદનપરિમાણોને નાટક, નવલકથા કે કવિતાના રૂપમાં, અર્વાચીન/આધુનિક સર્જકો પણ પરિભાષિત કરતા રહ્યા છે. ‘પુત્રસમોવડી' (કનૈયાલાલ મુનશી), ‘દેવયાની’ (કાન્ત), ‘પુરુ અને પૌષ્ટિ' (વીરુ પુરોહિત), ‘યયાતિ’(વિ.સ.ખાંડેકર), ‘યયાતિ’(ગિરીશ કર્નાડ), ‘દેહાન્તર' (નંદકિશોર આચાર્ય): આટલી રચનાઓનાં નામ તો તરત હોઠે ચડી આવે. પરંતુ આ પૌરાણિક કથાવૃત્તને સાવ નોખા જ અંદાજથી તપાસવાની દિશા કાલિદાસ પાસેથી સાંપડે છે. ‘અભિજ્ઞાનશાકુંતલ'માં શકુન્તલાવિદાયની પળે, કણ્વઋષિ આશીર્વાદ આપે છે: ‘યયાતિરેવ શર્મિષ્ઠા મર્તુર્વનુમતા ।' (યયાતિને જેમ શર્મિષ્ઠા માનીતી હતી તેમ તું પણ તારા પતિની માનીતી થજે.) કાલિદાસને મન, યયાતિ/શર્મિષ્ઠા સંબંધ નર્યો કામાધિષ્ઠિત નહિ પણ પ્રેમાધિષ્ઠિત અભિપ્રેત હશે? અન્યથા પતિપ્રેમના આદર્શરૂપે અહીં પ્રાજ્ઞ ઋષિ એને કેમ યાદ કરે ? આમેય દેવયાનીનો પ્રથમ પ્રેમ તો કચ પ્રત્યે હતો; કચના ઇનકાર તથા શાપને કારણે જ, યયાતિના આકસ્મિક મેળાપની પળે દેવયાનીના પ્રણય – ને પરિણય – નું નિર્માણ થાય છે ! આમ જુઓ તો યયાતિ/દેવયાનીનું દાંપત્ય પ્રથમ પળથી જ મોહજન્ય હતું. અતિશય રૂપ, રૂપની સાથે ફૂટતા રુઆબ ને રોષ; પિતાની તપસ્યા ને વિદ્યાસિદ્ધિનું ગૌરવ ને ગુમાન – ઉપરાંત શર્મિષ્ઠા પ્રત્યેની વૈરલાલસા, પતિ કરતાંયે પિતા પ્રત્યેનો પારાવાર પક્ષપાત : આ બધી સ્વભાવગત વિલક્ષણતાઓ પણ દુણાયેલા દાંપત્યજીવનના પાયામાં રહી હશે? આ કારણે યયાતિ શર્મિષ્ઠાના પ્રીતિભર્યા વ્યવહાર પ્રત્યે ઢળ્યો હોય એવું ન સંભવે?

પાદટીપ

  1. ययातिरुत्तमां कथाम् । दिविचेह च पुण्यार्थी सर्व पापप्रणाशिनीम् ।। (મહાભારત આદિપર્વ, અ.૮૯. ૧૦)
  2. ...राजर्षिदेवराजसमद्युतिः । એજન
  3. ब्रह्मचर्येण वेदो मे कुत्स्नः श्रुतिपथंगतः.. । મત્સ્યપુરાણ અ.૩૦.૧૮
  4. यजतो दीर्घसत्रैः ... कामार्थः परिहीणः એજન
  5. એજન અ. ૨૭. ૨૧
  6. એજન અ. ૨૭. ૩૬
  7. એજન અ. ૩૦. ૨૨
  8. ...हन्ति विप्रः सराष्ट्राणि पुराण्यपि कोपितः ।। મહા. આદિ. ૮૧.૨૫
  9. એજન આદિ. ૮૧.૨૯
  10. अतृप्तो यौवनस्याहं देवयान्यां भृगुद्वह । प्रसादं कुरु मे ब्रह्मन् जरेयं न विशेषच्च माम् ।। એજન ૮૩.૩૮
  11. यौवनेन चरन् कामान् युवा युवतिभिः सह ।
    विहर्तुमहमिच्छामि साह्य करत पुत्रकाः ।। એજન ૭૫.૩૮
  12. किं कार्य भवतः कार्यमस्काकं यौवनेन ते। એજન ૭૫.૩૮
  13. पूरो त्वं मे प्रियः पुत्रस्त्वं वरीयान् भविष्यसि ।
    जरा वली च मां तात... पलितानि च पर्यगु ।।
    स्वं चैव प्रतिपत्स्यामि पाप्नाम जरया सह ।। એજન આદિ.૮૫.૨૭/૨૯
  14. न जातु कामः कामानामुपभोजेन शाम्यति ।
    हविषा कृष्णवत्र्मेव भूय अवाभिवर्धते ।।
    पृथिवी रत्नसंपूर्णा हिरण्यं पशवः स्त्रियः ।
    नालमेकस्य तत् सर्वमिति मत्वा शमं व्रजेत् ।।
  15. या दुस्त्यजादुर्मति निर्जीर्यतो या न जीर्यते ।
    तां तृष्णा दुःखः निवहां शर्मकामो द्रुतं त्यजेत ।। ભાગવત ૯. ૧૯. ૧૬
    मात्रा स्वस्रा दुहित्रा वा नाविविकतासनो भवेत् ।
    बलवानिन्द्रियग्रामो विद्वांसमपि कर्षति ॥ ભાગવત ૯. ૧૧. ૧૮
  16. नाहं देवमनुष्येषु गन्धर्वेषु महर्षिषु ।
    आत्मनस्तपसा तुल्यं कंचित् पश्यामि वासवः ।।

શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તા. ૨-૩-૪ સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસોમાં યોજાયેલા ‘સંસ્કૃત સત્ર'ના ઉપક્રમે ‘પૌરાણિક પાત્રો' વિષયક સંગોષ્ઠીમાં આપેલા વક્તવ્યનો લિખિત પાઠ.
‘શબ્દસૃષ્ટિ' જૂન, ૨૦૦૯
‘અંત: શ્રુતિ’ પૃ. ૧૬ થી ૨૭