< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/૧૩-૭ ની લોકલના કાવ્યવિશેષો
પ્રણય અને અઘ્યાત્મ-સુન્દરમ્ ની કવિતાના પ્રમુખ ભાવવિશેષો રહ્યા છે. ‘કાવ્યમંગલા'માં કંઈક મુખરરૂપે અને ‘વસુધા'માં પ્રાયઃ સંયત પ્રકારે, તત્કાલીન યુગચેતના-સ્વાતંત્ર્ય ઝંખના, દલિતાનુકંપા, સામાજિક વિષમતા, વાસ્તવદાઝ વગેરેનાં સ્પંદનો પણ ઝિલાયાં છે. આ પ્રકારની રચનાઓમાં જ્યાં ‘વિચાર' કે ‘પ્રચાર' વા વિચાર-પ્રચારનો રંગ ઘાટો ) બનીને રેલાયો નથી, અને કાવ્યનિર્માણની નિતાન્ત નિર્મળી(purity) ભણી ગતિ રહી છે ત્યાં રચના સુંદર નીવડી આવી છે. આવી કેટલીક અનશુદ્ધ રચનાઓમાં ‘૧૩-૭ની લોકલ'નું સ્થાન મોખરે છે. એ કૃતિની પ્રસિદ્ધિવેળાએ જ રા.વિ.પાઠક જેવા કાવ્યમર્મજ્ઞ અને મેઘાણી જેવા લોકવિદ રસજ્ઞે એના કાવ્યગુણ બાબત રાજીપો વ્યક્ત કર્યો હતો, જ્યારે અનુકાલીન પેઢીના નિરંજન ભગત જેવા ચતુર કવિતાપારેખે સુન્દરમ્ની સર્વશ્રેષ્ઠ રચનાઓમાં એની ગણના કરી છે. પ્રસ્તુત કૃતિમાં અનાગ્રહી ભાવકને અપીલ કરનારા કાવ્યવિશેષો શા છે?
અતિશય કામઢી ને સભ્ય, શહેરી ભીડથી ઉભરાતા સ્ટેશનને મુકાબલે, વ્યસ્તતાથી વેગળા, નફકરા ને ઓલદોલ ગામડિયા મુસાફરોની પાંખી અવરજવરવાળા, લોકલ રેલવેના સ્ટેશનનું વાતાવરણ કૃતિ પર સાદ્યંતપણે છવાયેલું રહે છે. આવા ઉપેક્ષિત સ્ટેશન પર ટ્રેનની પ્રતીક્ષા, આગમન અને વિદાય - એવી ત્રણ ઉપ-સ્થિતિઓ(situations)ની આસપાસ વીંટળાતો અ-નાગર લોકવ્યવહાર અને આ લોકવ્યવહાર જે સમય અને સ્થળના સંદર્ભે એના અલગારી ક્રિયાવિલાસો પ્રગટ કરી રહ્યો છે તેનાં સાક્ષાત્કારક ચિત્રો : આ બંને બાબતો કાવ્યને ધારતાં મુખ્ય રસસૂત્રો છે. સંવિધાનની દૃષ્ટિએ કાવ્યનું ભાવવસ્તુ આ ત્રણેય ઉપસ્થિતિઓમાંથી ક્રમશઃ પસાર થતું થતું વિરમે છે. એમ થવામાં કાવ્યની વસ્તુગતિનો જે તરીકો ઊપજી આવે છે તે જોવા જેવો છે. બને છે એવું કે વિવિધ સ્થિત્યંતરોને પ્રત્યક્ષ કરી આપતાં લાક્ષણિક ચિત્રો રચાતાં જાય અને એ ગતિશીલ ચિત્રોની ભાવાન્વિત શૃંખલામાંથી ચલચિત્રની દૃશ્યપટ્ટી બંધાતી હોય એવો ઘાટ ઉપસે છે. નિરૂપણના હરતાફરતા કેમેરાને સતત ઘૂમતો રાખીને, સ્થિતિ ને ગતિનાં ચિત્રોને સિનેમેટિક ટેકનિકની નિકટદર્શી(close-up) ને દૂરદર્શી(long shot) એવી વારાબદલાવકી તરકીબોથી સાંકળીને સળંગ દૃશ્યાવલિ અહીં ઊભી કરી હોય, એવું જોઈ શકાય છે. હકીકતે તો, ૧૩- ૭ની લોકલના આગમનની પહેલાં અને પછી એવી પુરોદર્શન ને પશ્ચાદર્શનની ક્ષણોની, અનુક્રમે પ્રસ્તારયુક્ત અને મિતાક્ષરી ચિત્રણા, કૃતિના રસવસ્તુની મહત્ત્વની સંઘટના બની રહે છે. સાવ શરૂઆતમાં પંક્તિ ૧-૨૯માં ઘટયમાન વસ્તુની ભૂમિકા તરીકે સમય અને સ્થળને આંકી આપે છે. ‘વાદળી ચાળણીમાંથી ચળાતો. ધોળોપીળો તડકો'; ‘લીમડા લીલા'; ‘છાપરાં લાલ રંગનાં'; ‘કાળાં ને કાબરાં ઢોરો'-મધ્યાહ્નનું આ mosaic ચિત્ર આરંભની તેર પંક્તિમાં long-shotથી આપી, પંક્તિ ૧૪-૨૯માં લોકલ-સ્ટેશનની છબી close-upથી દોરે છે. એમ કરવામાં સિગ્નલની ભીડ, સાઈડિંગોની જાળ, ગુડ્ઝના ડબ્બા, પ્લેટફોર્મના ઊંચા ઓટલા પુલ, ભોંયરા, કઠેડા, તાળાબંધ દરવાજા', બગીચા, ફુવારા કે ઝૂમતાં ઝાડ-મોટાં સ્ટેશનને પોસાય એવો ઠઠારો અહીં નથી એવાં પુનરુક્ત નેતિવચનો; અને ખોડીબારું, ખુલ્લું છાપરું, ટિકિટ ઑફિસ, બે સિગ્નલો, બે બાંડા બાંકડા, રેતીનાં બે પ્લેટફોર્મ અને બે પાટાની જોડ- આવા અસ્તિવાચક નિર્દેશોથી સ્ટેશનનું ચિત્ર તાદૃશ કરાયું છે. સમયચિત્રમાં વિવિધ રંગસંકેતો અને સ્થળચિત્રમાં નેતિ/અસ્તિવાચી ઉક્તિઓ- આ બંને સન્નિધિકરણો રચનાકર્મની દૃષ્ટિએ ધ્યાનમાં રાખવાં ઘટે.
આટલી જરૂરી ભૂમિકા માંડયા પછી તરત જ ટ્રેનની પ્રતીક્ષાને લગતો કાવ્યનો મુખ્ય વસ્તુપટ આશરે સો એક પંક્તિમાં (પંક્તિ ૩૦-૧૨૬) પથરાયો છે. આ પ્રસ્તારી વસ્તુઅંશ મહદ્અંશે, સ્ટેશન પર એકઠા થયેલા ભાતીગળ પ્રવાસી સમુદાયની પોતપોતાની આગવી વિલક્ષણતાઓને, ગણતર ઉક્તિઓ દ્વારા અત્યંત બળકટ ને સજીવપણે રેખાંકિત કરે છે. ખોડીબારામાંથી ‘આડા થૈને' કે ‘તારો વચ્ચેથી છરકીને’ સ્ટેશનમાં પ્રવેશતા મુસાફરો; ફકીરો, બાવાઓ કે મવાલીઓની ખુદાબક્ષ જમાત ને રેલવેના પોર્ટર, ભંગી કે માસ્તરનાં મફતિયાં સગાંસંબંધી; નવરાધૂપ ગામડિયાઓ ને તેના પર નભનારા ફેરિયાઓ; ઘાંચી; વાણિયા, કણબી, કોળી, રાયકા, ભંગી પરિવાર : આ સૌની વિલક્ષણ વેશભૂષા ને ચર્ચા- ચર્યાઓ-આ કિસમકિસમની માયાને બેચાર શબ્દોના આછા લસરકાથી અહીં તાદૃશ કરી બતાવી છે. તો બીજી બાજુ, એની સમાંતરે સ્ટેશનની ટિકિટ ઑફિસ, ઉદાસીન સ્ટેશન માસ્તર, અન્ય ટ્રેનોને મુકાબલે ૧૩-૭ની લોકલનું અનોખાપણું પણ રસળતી કલમે ચિત્રિત થયાં છે. આગળ કહ્યું છે તેમ આ ગતિશીલ દૃશ્યાવલિમાં પણ, ‘ત્દ્વદૂરે, ત્દ્વઅન્તિકે', વાળી સિનેમેટિક તરકીબ નિરૂપણની પ્રભાવક્તા ને આકર્ષક્તા ઊભી કરવામાં નિર્ણાયક નીવડે છે.
ટ્રેનનાં આગમન અને વિદાય, કૃતિની વસ્તુગતિને વળાંક આપનારાં, આ પછીના મહત્ત્વનાં બિંદુઓ છે. પંક્તિ ૧૨૬ થી ૧૫૦ સુધીના ખંડકમાં, શરૂઆતની આઠ પંક્તિમાં, દૂરથી નાનું શું ટપકું કાળું ને છોગું શીશ ધૂમનું' - રૂપે ઠેઠ શિતિજમાં દેખાતી લોકલ નજીક આવતાં, ‘ડુંગરા સમી' ને ‘ભોળા ખેડુના દેણની સમી’ વૃદ્ધિગત થતાં થતાં સ્પષ્ટતર બનતી જાય તેનું long shotથી દોરાતું ચિત્ર ‘શાકુન્તલ'ના ‘યદાલોકે સૂક્ષ્મ પ્રજતિ સહસા તદ્વુપુલતા’ નું સ્મરણ કરાવે છે. આ પછીની પંદરેક પંક્તિઓમાં ધાંધાવાંધા ગામડિયાઓની ટ્રેનમાં થતી ચડઊતરનું રઘવાયાપણું close-upથી આલેખાયું છે. અહીં પણ બાણના ‘હર્ષચરિત'માંના સૈન્ય-પ્રયાણના કલબલાટના ચિત્રણની યાદ આવી રહે. નિરીક્ષણની સૂક્ષ્મતા, ચિત્રણની સાક્ષાત્કારક્તા અને નિરૂપણની મિતાક્ષરિતા-એવા ત્રેવડા ગુણોથી ખચિત રચનાકર્મની સુખદ પ્રતીતિ આ વસ્તુખંડક કરાવી આપે છે, પંક્તિ ૧૫૦થી ૧૭૧ સુધીનો અંતિમ ખંડક, ટ્રેન ઊપડી ગયા પછી સ્ટેશનમાં વરતાતી શૂન્યતા અને એ જડ એકાકીતામાંથી, ‘માટી ને લોહના જેવી પૃથકતા'ને વ્યંજિત કરતા ભરતવાક્યથી કૃતિનું સમાપન સાથે છે.
વિચાર કે ઊર્મિના કશાયે ભારણ વગર પરિસ્થિતિને ચિત્રાત્મક રીતે શબ્દાયિત કરવાના આ ઉપક્રમમાં પરિવેશની હૂબહૂ પ્રત્યક્ષતા સાધવામાં સૌથી મહત્ત્વનું યોગદાન, અહીં વારે વારે ટપકતા વાસ્તવનિષ્ઠ સાદૃશ્યમૂલક અલંકારો અને સ્વભાવોક્તિનું રહે છે. ઓગણીસ ઉપમા, ચાર દૃષ્ટાંત, ત્રણ ઉત્પ્રેક્ષા અને એક રૂપક લગભગ સત્તાવીસ જેટલા સાદૃશ્યમૂલક અલંકારો અને સ્થળે સ્થળે અંકાતાં સ્વભાવચિત્રો કૃતિમાં જે રીતે ઉપચય પામીને ગુંથાયાં છે તે આ કાવ્યનો અત્યંત હૃઘઅંશ છે. ‘મેંદા શો મોહનસ્પર્શ' તડકો, ‘એદી ઢોરો જેવા' ગુડ્ઝના ડબ્બા, ‘આશાના ભૂજની સમા' રેલપાટા, ‘ગાડીના કોલસા સમો' પોર્ટર, ‘ડુંગરા સમી', ‘ખેડૂના દેણા સમી' કે ‘ઉગ્ર છીંકોટા નાખતી વંઠેલી ભેંસના સમી’-દૂરથી આવતી ટ્રેન તો ‘સિંહ પૂંઠે શિયાળ શી’ ‘જીવતી દીનતા' કે ‘ત્રીજા વર્ગની પ્રતિમા' સમી - વિદાય થતી ટ્રેન; ‘ફળિયાં ફાળકા જેવાં' અને જોડા છે હોડીઓ જાણે તરવા ભૂમિસાગર'; ‘ફરૂરે ગાર્ડની સીટી ખિસકોલી જેમ ખાખરે'; નાની હાટડીમાં પાઈપૈસાની મીઠાઈ વેચતા કંદોઈ જેવો સ્ટેશન માસ્તર; રાજાના તોફાની બાળ જેવો વાદળમાંથી દેખાતો સૂર્ય : નમૂના દાખલ ટાંકેલા આ થોડાંક ઉદાહરણો પરિવેશની સહવૃત્તિ દાખવતી અલંકારઘટનાનાં સામર્થ્ય અને સાભિપ્રાયતાનો કેવો સ- રસ અંદાજ આપે છે ! સહજ કલ્પનાની સઘોવેધી સક્રિયતાની પ્રતીતિ કરાવતા આ અલંકારવિધાનમાં ખાસ વાત તો એ છે કે રૂઢ કાવ્યપરંપરાએ બંધાવી આપેલી પુરા- પ્રોક્ત અલંકારનિર્મિતિનું એમાં શુષ્ક અનુકરણ નથી પણ નિરૂપણવિષયની ભોંયમાંથી જ ઊઠતાં વાસ્તવલક્ષી સાદૃશ્યો માંથી એ નીપજતા હોવાને કારણે એમાં નવતા, તાજગી અને કલ્પનની ચારુતાનો સતત અનુભવ સાંપડે છે.
સુન્દરમૂની કીર્તિદા કવિતાકૃતિઓના કિસ્સામાં જે બાબત ધ્યાન ખેંચનારી હોય છે તે અભિવ્યક્તિમાં મિતાક્ષરીપણું અને લાથવની સઘનતા. પરિસ્થિતિ કે પદાર્થની તાદ્દશ ચિત્રાત્મક્તા જ્યારે નકરા વર્ણન દ્વારા સરજવાની હોય ત્યારે કલ્પનોનાં આવર્તનો અને પ્રસ્તારની અપેક્ષા ઘણેભાગે રહે; પરંતુ અહીં ભાવસ્પૃષ્ટ ઉપ-સ્થિતિઓની ચિત્રણા કેન્દ્રમાં હોવા છતાં વિગતપ્રચુર પ્રસ્તારી વર્ણનોને બદલે બે-ચાર લસરકાથી દોરાતાં સંયત રેખાંકનો જોવા મળે છે. વિસ્તારભયે બે'ક ઉદાહરણો જોઈએ. ઉતારુઓની પ્રતીક્ષા, ત્વરા, કંટાળો, પૃચ્છા, આતુરતા અને ઉદાસીનતા-આટલા સંચારીને વ્યંજિત કરતી આ બે પંક્તિઓ જુઓ : ‘જુએ છે રાહ આવ્યાની ગાડીની, સૌ કો ઉતાવળા
રહે છે દૂર તાકી, કો પૂછે, ‘થ્યો ટેમ ચેટલો?'
અથવા ડોસીના રેખાંકનના અંતે આવતી પંક્તિમાં, ‘અને બે હોઠથી બોખા રટે છે રામ-ગાળ કે.” --અહીં ‘રામ' અને ‘ગાળ'ની વચ્ચે લઘુરેખાના કેવળ વિરામચિહ્ન દ્વારા સ્તુતિ કે શપ્તિના સંદેહના અનુક્ત વિકલ્પની વ્યંજનાનો કેવો તીણો છરકો ઉપસાવી આપ્યો છે!
અનુષ્ટુપ જેવા ગૌરવગંભીર અને ભારઝલા છંદનો આવા કવિતાકાર્ય માટે થતો અવતાર; અને એ છંદ જેને માટે ટેવાયેલો છે એવી તત્સમપ્રચુર સંસ્કૃતાઢ્ય બાનીને બદલે બોલચાલનાં ભાષારૂપોનો થતો સમાદર- આ બંને બાબતો પણ આ કાવ્યના ભાવનપ્રવાહમાં આકર્ષણરૂપ છે. કાવ્યવાહન તરીકે ગંભીરતા અને ગૌરવનો ઠસ્સો અનુષ્ટુપને સંસ્કૃતની પૂર્વપરંપરામાંથી જ વિરાસતમાં મળ્યાં છે. ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ' કે મશરૂવાળાનો સમશ્લોકી ગીતાનુવાદ, અનુષ્ટુપની કોઈ પણ મુલાકાતે તરત કાને ચડે. ધીરગંભીર ને ભારેખમ પ્રકૃતિનો અનુષ્ટુપ સુન્દરમ્ને હાથે અહીં કેવો રમતિયાળ ને રસળતો બની જાય છે ! જો કે સંસ્કૃતપ્રચુર કાવ્યબાની કવિને સહજસાધ્ય છે એનાં પૂરતાં નિદર્શનો અન્ય કવિતાઓમાં મળી રહે છે. પરંતુ અહીં નિરૂપણ વિષય પ્રત્યેની સર્જક વફાદારી એમને બોલચાલનાં વાગરૂપોની છાંટ ધરાવતી સરળ ને તદ્ભવપ્રાયઃ બાનીના પ્રયોગ તરફ પ્રેરતી હશે? કાવ્યવિષયની વાસ્તવનિષ્ઠા સાથે એ પૂરા મેળમાં ચાલે છે; એટલું જ નહિ અનુષ્ટુપ જેવા પુરાનિષ્ઠ છંદને સતત પોતાના દાબમાં રાખીને કામ કઢાવી શકે છે.
આ કવિતામાં ધ્યાન ખેંચતી છેલ્લી બાબત નોંધવાની રહે છે તે એનું ભાવતાટસ્થ્ય, એકસોને ઇકોતેર પંક્તિઓમાં પથરાતી આ રચના પ્રથમ પંક્તિથી માંડીને અંતિમ પંક્તિ સુધી સળંગ ને સતતપણે ક્યાંયે લથડ્યા કે લપસ્યા વગર નાકની દાંડીએ જ સીધી ગતિએ વિચરે છે. વિચાર-પ્રચારના આક્રમણ કે આવેશથી સર્વથા અળગા રહીને નિતાન્તપણે ભાવની તટસ્થતા જાળવી રાખવાનું કામ થોડુંક અઘરું ને તેથી વિરલ બને; ખાસ તો જે સમયસંદર્ભમાં આ કાવ્યની રચના થઈ છે તે દેશકાળની આપણી સાહિત્યિક ચેતનાને કારણે. અહીં સુન્દરમ્ કવિ એવાં કામણને વશ થયા વગર, એ યુગપ્રવાહમાંથી જ ફૂટતી ભાવસ્થિતિને કાવ્યવિષય તરીકે સ્વીકારીને, એને રસાવહ કવિતારૂપ આપી શક્યા એ ઘટનામાં એમની કલા-અદબ અને ઊંચી સર્ગશક્તિને પણ પ્રમાણવાં રહ્યાં. સત્ત્વશીલ કૃતિની બાબતમાં તો શું કાવ્યબાની કે શું વૃત્તપસંદગી, શું અલંકારનિબંધન કે શું પ્રસ્તાર-સંકોચ : આ સૌ કવિતાસાધકોની અંતિમ સમર્પકતા તો કૃતિના રસસિદ્ધ અવતરણના સંદર્ભે મૂલવવાની રહે; અને આવી કસોટીએ ‘૧૩-૭ની લોકલ' સો વસા ખરી ઊતરે છે.
ગુજરાતીના અધ્યાપકસંઘની વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળાના ઉપક્રમે, આર્ટ્સ-કૉમર્સ કૉલેજ, કલોલમાં ડિસે. ૧૯૯૦માં ‘વસુધાના કવિ સુન્દરમ્' વિશે આપેલા વ્યાખ્યાનમાંથી કૃતિસમીક્ષાને લગતો અંશ, સુધારાવધારા સાથે.
‘ફલશ્રુતિ’ પૃ. ૨૭૬ થી ૨૮૦