સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/વૈદ્યશાસ્ત્રી મણિશંકર જોશી : વીસરાયેલા વિદ્યાધર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૪) વૈદ્યશાસ્ત્રી મણિશંકર જોશી : વીસરાયેલા વિદ્યાધર

આપણે ત્યાં સામાન્ય ખ્યાલ એવો પ્રવર્તે છે કે સાહિત્યવિદ્યાના સધન ખેડાણ અને સર્જનાત્મક પરિમાણોની કલાપરાયણ ઉપલબ્ધિઓની બાબતમાં વીસમી સદીના બીજાત્રીજા દશકાથી – ખાસ તો ગાંધીપ્રવેશના કાળથી – સતત કામો થતાં રહ્યાં છે. ઓગણીસમી સદીમાં અભ્યાસનાં ટાંચાં સાધનો, વાહનવ્યવહારની અગવડો અને વૈજ્ઞાનિક ઉપકરણોના અભાવની પરિસ્થિતિ હતી, વળી, એકંદર પ્રજાસમુદાયમાં શિક્ષણનો અભાવ એટલે વિદ્યાપ્રીતિ ને પ્રવૃત્તિને માટે ઝાઝી સાનુકૂળતા નહીં. અંગ્રેજી કેળવણીથી પરિચિત પ્રથમ પેઢીમાં ઉત્સાહ અને ઉદ્રેક ખૂબ, પણ ઉદ્યમની દિશા ધૂંધળી. એટલે વિદ્યાનાં નવાં કામો ત્યારે ઊપડ્યાં, છતાંયે એનું રળતર પ્રમાણમાં ઓછું રહ્યું. હકીકતે, ૧૯મી સદીના છેલ્લા, અને ૨૦મી સદીના પહેલા બંને દશકામાં બિનવ્યવસાયી લેખકોએ પણ કલમકર્મ દ્વારા સાહિત્ય અને વિદ્યાના અલગઅલગ પ્રદેશોમાં, માતબર પ્રમાણમાં લેખનપ્રદાન કર્યું છે. પ્રચાર, પ્રસાર અને પ્રકાશનની સુવિધાઓ-ને પ્રયુક્તિઓ પણ – છેલ્લાં પચ્ચાસેક વર્ષમાં ઘણી ઝડપથી વધતી રહી છે. પરિણામે આગળની પેઢીઓના અલ્પખ્યાત કે અખ્યાત લેખકોનાં રઢિયાળાં કામ પણ ખૂણામાં ધકેલાઈ જવા લાગ્યાં છે. એવા લેખકોની હયાતી, સાહિત્યકોશની ટૂંકી સંદર્ભનોંધરૂપે કેવળ, બચી રહી! વીસરાતા જતા એવા લેખકોમાંના એક છે મણિશંકર જોશી. ‘વૈદ્યશાસ્ત્રી' એમનું વિશેષણ જ નહીં, એ કાળે એમની પર્યાયવાચી ઓળખ હતી.

*

દેશી વૈદું, સંસ્કૃત શાસ્ત્રવિદ્યા, સંગીત અને ક્રિકેટ : આ ચાર બાબતો માટે જામનગર પાસે ગૌરવભર્યો ભૂતકાળ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતની સીમાઓ બહાર પણ જેમની ખ્યાતિ હતી એવા ઝંડુ ભટ્ટજી, બાવાભાઈ અચળજી અને વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી જોશીની જન્મભૂમિ ને કર્મભૂમિ જામનગર. એમણે વૈદક વિશેના ગ્રંથો આપ્યા છે; તો સર્વપ્રથમ ‘રસશાળા' (ફાર્મસી) પણ એમણે ઊભી કરી હતી. નિદાન, ઉપચાર અને ઔષધનિર્માણ આ ત્રણેય ક્ષેત્રમાં વૈદકના ધુરંધરોનો પોતપોતાનો આગવો પ્રભાવ હતો. મણિશંકર જોશી ‘વૈદ્યશાસ્ત્રી' તરીકે પ્રસિદ્ધ હતા. ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિમાં એમનો જન્મ ઈ.સ. ૧૮૬૧માં. એમના પિતા સંસ્કૃતના સારા વિદ્વાન અને વક્તા તરીકેની ખ્યાતિ ધરાવતા હતા. એમનો પારિવારિક વ્યવસાય હતો વૈદકનો, એટલે મણિશંકર શાસ્ત્રીએ સંસ્કૃત શાસ્ત્રવિદ્યા અને આયુર્વેદનો વારસો તો કૌટુંબિક પરંપરામાંથી જ મેળવ્યો હતો, તો નવીસવી અંગ્રેજી કેળવણીનું થોડુંક આચમન એમણે લીધું હતું. એટલે એમનાં સાહિત્યિક લખાણોમાં તથા વૈદક વિશેના ગ્રંથોમાં આ નવી વિદ્યાનો પ્રભાવ પણ ઊતરતો રહ્યો. મણિશંકર બહુમુખી પ્રતિભાસંપન્ન પુરુષ હતા. વૈદ્યશાસ્ત્રી તરીકે તો એમની બહોળી પ્રસિદ્ધિ હતી. એમના ‘આતંકનિગ્રહ ઔષધાલય' (ચોંકશો મા! સાંપ્રત રાજકારણે સંપડાવેલા અને અખબારોએ અતિપરિચિત કરાવેલા ‘આતંકવાદ' શબ્દપ્રયોગ સાથે એને લેવાદેવા નથી !)નું મુખ્ય મથક, તો જોકે, જામનગરમાં હતું, પરંતુ એ જમાનામાં—એટલે કે આજથી એક સદી પહેલાં—મુંબઈ, પૂના, મદ્રાસ અને કલકત્તામાં એની શાખાઓ હતી! એટલું જ નહીં, રંગૂન અને કરાંચી જેવાં, હવે તો વિદેશી ગણાતાં, શહેરોમાં પણ એમણે ઔષધાલયની શાખાઓ સ્થાપી હતી. એમની પોતાની રસશાળા-ફાર્મસીમાં બનાવેલી દેશી ઔષધિઓ, ‘આતંકનિગ્રહ'ની બનાવટછાપ(brand name)થી દેશભરમાં જાણીતી હતી. એટલેસ્તો એમના ઔષધાલયની પાસે ઊભી થયેલી, અંગ્રેજી સરકારના વહીવટ તળેની ટપાલઑફિસ પણ ‘આતંકનિગ્રહ પોસ્ટઑફિસ'ની સરકારી છાપ ધરાવતી હતી ! લેખક તરીકે, મણિશંકર શાસ્ત્રીની સેવાઓ અનેકવિધ છે. સોળ જેટલા એમના ગ્રંથોમાં આયુર્વેદને લગતા મૌલિક ગ્રંથો છે, તો સંસ્કૃત શાસ્ત્રગ્રંથોનાં ભાષાંતરો પણ છે. પુરાણોમાંથી કથાનક ઉઠાવી સંવાદ અને વાર્તાત્મક સ્તરે નિરૂપણ ધરાવતી કથાત્મક કૃતિઓ છે, તો સંસારવ્યવહારમાં ઉપયોગી સૂચનો કરતાં બોધક લખાણો પણ છે. સંસ્કૃત પરંપરાનું શાસ્ત્ર- સેવન અને વૈદકનો વ્યવસાય એમને કુળપરંપરાપ્રાપ્ત હતાં, તો નવી કેળવણીએ વિચારની દૃષ્ટિ પણ આપી હતી. એટલે શિક્ષિત નાગરિક તરીકે શાસ્ત્રીજી સામાજિક અને રાજકીય બાબતોમાં પણ પોતાના પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. વૈચારિક પ્રવૃત્તિઓનું સુયોગ્ય વ્યવસ્થાપન અને સંકલન થાય એ હેતુથી પોતે ‘માનવધર્મ ઑફિસ' ચલાવતા. માનવતાની વ્યાપકતા સમાજ પર્યન્ત વિસ્તરે એ હેતુથી ‘માનવધર્મ' નામનું દૈમાસિક વિચારપત્ર પણ તેઓ કાઢતા. આ વિચારપ્રવૃત્તિને પરનિર્ભર ન રહેવું પડે એની ગણતરીથી, પ્રકાશનમુદ્રણ માટે પોતાની જ ફાર્મસીમાં એમણે છાપખાનું પણ રાખ્યું હતું.

*

વૈદક વિશેના શાસ્ત્રીજીના ત્રણ ગ્રંથો છે. ‘ચિકિત્સાબ્ધિ' શીર્ષકનો ગ્રંથ આયુર્વેદનાં જુદાં જુદાં પાસાંઓને સરળ ભાષામાં નિરૂપે છે. લગભગ ચાર સો પાનાંનું આ પુસ્તક નિદાન, ઉપચાર અને ઔષધની વિગતો આપે છે. એ જમાનામાં વૈદું શીખવા માટે આ ગ્રંથની ખૂબ ઉપકારકતા હતી. એટલે જ એ વેળા, એની ચાર આવૃત્તિ થવા પામી ! ‘આયુર્વેદમાર્ગોપદેશિકા' પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં અકારાદિ ક્રમે સામાન્ય રોગોનાં સ્વરૂપ-લક્ષણ ચીંધી, એ અંગેના ઇલાજોની ટીપ આપવામાં આવી છે. ‘આર્યાનાર્ય ઔષધ' નામનો ત્રણસોક પાનાંનો ગ્રંથ નોખો તરી આવે છે; કેમ કે એમાં દેશી તથા વિલાયતી બન્ને પદ્ધતિઓનું નિરૂપણ કર્યું છે. આયુર્વેદ તથા એલૉપથીના સમન્વયને લગતું, કદાચ, આ પ્રથમ પુસ્તક હશે.

*

શાસ્ત્રીજી સંસ્કૃતના સારા વિદ્વાન હતા. એ કારણે કેટલાક સંસ્કૃત ગ્રંથોના અધિકૃત અનુવાદો પણ એમની પાસેથી સાંપડયા છે. ‘શ્રીમદ્ભગવદ્ગીતા'નું એમનું ભાષાંતર કેવળ અનુવાદ જ નથી. મૂળ સંસ્કૃત પાઠ સાથે એનો સરળ ગુજરાતી અનુવાદ તો એમણે મૂક્યો જ છે; પરન્તુ એ ગ્રન્થ પરની જુદી જુદી સંસ્કૃત ટીકાવ્યાખ્યાઓમાંથી સારરૂપ દોહન પણ એમાં એમણે સંકલિત કરીને મૂકી આપ્યું છે. એટલે જિજ્ઞાસુને ગીતાનું તત્ત્વજ્ઞાન એક સ્થળેથી જ મળી રહે તેવી અવબોધદૃષ્ટિનો એમાં અનુબંધ વરતાઈ આવે છે. આ જ રીતે ‘મનુસ્મૃતિ'ને પણ મૌલિક અર્થઘટનનો સ્પર્શ આપીને ‘મણિ-મનુસ્મૃતિ' શીર્ષકથી ગુજરાતીમાં ઉતારી આપી છે. તો બાણભટ્ટની ‘કાદંબરી'નો સંક્ષેપરૂપે ને સરળ પ્રવાહી ભાષામાંનો એમનો અનુવાદ, બાણના કવિતાવૈભવનો આછો અણસાર સામાન્ય વાચકને આપવામાં ઉપયોગી નીવડે એવો ગ્રન્થ છે. મણિશંકર શાસ્ત્રીનો રસપ્રદેશ કેવળ વૈદક પૂરતો સીમિત નહોતો એની પ્રતીતિ આ અનુવાદગ્રંથો કરાવે છે; એ જ રીતે સંસ્કૃતિનાં વિલક્ષણ ક્ષેત્રોમાંના એમના વિહારની સાહેંદી આપે છે ‘કામશાસ્ત્ર' અને વ્રતોત્સવ' જેવાં, લગભગ અક્ષુણ્ણ લેખાતા પ્રદેશને લગતાં પુસ્તકો. જાતીયતા(sex)ને લગતા અતિ નાજુક વિષયને નિરૂપતા ‘કામશાસ્ત્ર’માં એમણે સ્વાસ્થ્યપોષકતા અને સામાજિક નૈતિકતાની અદબ જાળવીને વિષયનું નિરૂપણ કર્યું છે. વિષયની ગરિમા જળવાઈ રહે એ દૃષ્ટિની કેટલીક બોધક કવિતાઓ પણ એ પુસ્તિકામાં એમણે આમેજ કરી છે. તો આપણી સંસ્કારપરમ્પરામાં વણાઈ ચૂકેલાં વર્ષભરનાં વ્રતોની વિસ્તૃત યાદી, એ વ્રતોનો મહિમા, વ્રતચર્યાનું સ્વરૂપ, એને લગતાં વિધિવિધાનો વ. ની પ્રચુર માહિતી આપતો ગ્રન્થ છે ‘વ્રતોત્સવ'. જાતીયતતા (sex) અને વ્રતપરમ્પરા જેવા સાવ નવતર વિષયપ્રદેશોને આપણી ભાષામાં શાસ્ત્રીજી દ્વારા સૌપ્રથમ વાર પ્રવેશ મળે છે. રામાયણ અને મહાભારત જેવાં પ્રાચીન મહાકાવ્યો પર આધારિત ચારેક ગ્રન્થો એમના મળે છે. જોકે, શાસ્ત્રીજીએ પોતે તો, એ પુ પોને, ઈતિહાસગ્રંથ તરીકે ઓળખાવ્યાં છે, પરન્તુ એમાંનાં લખાણોનું આન્તરસ્વરૂપ પરિચાયક ઢબનું છે. ‘પાણ્ડવ અને કૌરવ' શીર્ષકનું છસ્સો પાનાંનું દળદાર પુસ્તક, મહાભારતની અતિપ્રસિદ્ધ કથાને રોચક રૂપે વર્ણવે છે. તો ‘રામ અને રાવણ' શીર્ષકનો ચારસો પાનાંનો ગ્રન્થ રામકથાને સરળ બોધાત્મક ઘાટમાં ઉતારે છે. ‘પાંડવાશ્વમેધ'માં મહાભારતમાંથી નોખનોખાં કથાનક એકમોને લઈને આખ્યાનના કાચા ઢાળામાં ઉતાર્યા છે. તો ‘શ્રી કૃષ્ણચરિત્ર'માં મહાભારત, ભાગવત અને લોકપરમ્પરામાં કૃષ્ણનું ચરિત્ર જે રીતે વિસ્તર્યું છે, એનું સવિસ્તર વૃત્તાન્ત, જીવનચરિત્રની ઢબે, લખ્યું. પ્રાચીન ગ્રંથો અને પુરાણો પર નિર્ભર આ ચારેય પુસ્તકોની, એ જમાનામાં, બબ્બે અને ત્રણત્રણ આવૃત્તિઓ થઈ હતી એ બીના, આ પુસ્તકો, અલ્પશિક્ષણના સદી પહેલાંના સમયમાં પણ, કેવી અદ્ભુત વાચકપ્રીતિ ધરાવતાં હશે એનો ખ્યાલ આપે છે. નિર્ભેળ વાર્તાત્મક કોટિમાં મૂકી શકાય એવી એમની રચના છે ‘મુક્તા'. આશરે સાડા ચાર સો પાનાંમાં વિસ્તરેલી આ ચોપડીમાં ધર્મ, નીતિ અને વ્યવહારજ્ઞાનની સરત રાખી છે; તો સંસારસુધારો, રાજ્યપ્રકરણ અને ચતુર્વિધ પુરુષાર્થની વાત પણ એમાં ગૂંથી લીધી છે. લેખકની નજર સામે સંસ્કૃત કથારૂપોનો ઢાંચો છે. એટલે સંસ્કૃત કથા-આખ્યાયિકાઓમાં આવતાં ઉદ્યાન, જલાશય, આશ્રમ, નગર, યુદ્ધ વગેરેનાં વર્ણનોને અનુસરીને એ ઢબના વર્ણનખંડકો એમણે આ વાર્તામાં પણ ગોઠવ્યા છે. નવલકથાની સુઘડતા કે ચુસ્ત બંધની અપેક્ષા અહીં રાખી શકાય એમ નથી. કથાસર્જનની જે રસગ્રાહી સર્જકતા વાર્તાલેખકમાં હોવી જોઈએ એ કલાગુણથી વંચિત લેખકની આ રચના સંસ્કૃત કથારીતિ અને પશ્ચિમી નવલકથાલેખનના મિશ્રણરૂપ શબ્દપુરુષાર્થ છે. વૈદક વિશેના સ્વતંત્ર ગ્રન્થો, શાસ્ત્રના યથાનુકૂળ અનુવાદો, સંસ્કૃતિપરમ્પરાના સંકેતગ્રન્થો, પુરાણનિર્ભર વાર્તાત્મક લખાણો અને નવલકથાના અધકચરા પ્રયાસ રૂપ ‘મુક્તા' પુસ્તક : જોઈ શકાશે કે મણિશંકર શાસ્ત્રીનું સાહિત્યલેખન ભાતીગળ વૈવિધ્ય ધરાવે છે, એટલું જ નહીં, કેટલાક નવા લેખનવિષયોને ગુજરાતીમાં પરિચિત કરાવવાનો ઉદ્યમ પણ દાખવે છે. ‘ગુજરાતી ગ્રંથકારો અને ગ્રન્થો'માં સિત્તેર જેટલા ગ્રન્થકારોનાં ટૂંકાં ચરિત્રો તથા એમનાં બસ્સો જેટલાં પુસ્તકોના હેવાલ આપ્યો છે. સાહિત્યિક ઇતિહાસલેખનનો, એમની પોતાની સીમિત ઢબનો એ પુરુષાર્થ છે. તો વળી, નિત્યજીવનમાં ઉપયોગી આચારવિષયક ફૂટકળ સૂચનાઓને લગતી, ‘સત્ય વચનો'ની સૂક્તાવલી એમના ઔષધાલયની ‘ભેટ' પુસ્તિકા છે. પચાસેક વરસની ટૂંકી આવરદામાં શાસ્ત્રીજી ઘણો જશ - અને જર પણ - કમાયા હતા. એમનું ‘આતંકનિગ્રહ ઔષધાલય' સદાયે પ્રવૃત્તિથી ધમધમતું. દેશદેશાવરના દરદીઓ તથા ઘરાકોની ટપાલ, દવાનાં પારસલોની રવાનગી વગેરે ભીડને કારણે ‘આતંકવિગ્રહ' ટપાલકચેરી સરકારી તંત્રે ઊભી કરી એ શાસ્ત્રીજીની વગને કારણે નહિ, પણ ટપાલખાતાને સારી આમદાની એ થકી થતી હોવાને કારણેસ્તો! ધમધોકાર અને અઢળક પૈસો રળી આપતા એમના વૈદકના વ્યવસાયને કારણે, શાસ્ત્રીજીની ગણના નગરના અતિસંપન્ન મહાનુભાવોમાં થતી. કહે છે કે એ જમાનામાં માનપ્રતિષ્ઠાનું પ્રતીક(status symbol) ગણાય તેવી નકશીદાર ઘોડાગાડી- અવનવાં દેશી/વિદેશી મોડેલોની મોટરગાડીઓ એ વખતે અવતરી જ નહોતી – આખા નગરમાં માત્ર ત્રણ જ હતી. એક જામનગરના રાજવી પાસે ! બીજી કોઈ દીવાન કે નગરશ્રેષ્ઠી પાસે અને ત્રીજી વૈદ્યશાસ્ત્રી મણિશંકર જોશી પાસે ! એકલી શ્રીમંતાઈ જ નહિ, શાસ્ત્રીજીની સંસ્કારિતા, વિદ્યાસમ્પત્તિને કારણે પોતાના પ્રદેશનાં પ્રજાજીવન અને સંસ્કારક્ષેત્રોમાં પણ એમની આવી પ્રતિષ્ઠા અને સુવાસ હતી. વૈદક, શાસ્ત્રસેવન, સામાજિક જાગરુકતા, સંસ્કૃતિચિન્તન અને ઊંડી સાહિત્યપ્રીતિ : આ નોખનોખાં પરિમાણોની પોતીકી છાપ એમનાં પુસ્તકોમાં ઝિલાઈ છે. સોળ જેટલા મૌલિક રૂપાન્તરિત ગ્રન્થો એમની કલમે ઊતર્યા એ શાસ્ત્રીજીની રિદ્ધિ અને સિદ્ધિ છે. સાહિત્યના ઇતિહાસોમાં તો એને ભલે જગ્યા ન મળી હોય, પરન્તુ એમનો શબ્દ ઉદ્યમ ખંત, ધગશ અને વિદ્યાપ્રીતિની પ્રતીતિ તો અવશ્ય કરાવે છે.

ઉદેશ : ફેબ્રુઆરી, ૨૦૦૦
‘શબ્દપ્રત્યય’ પૃ. ૭૬ થી ૮૦