સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/આ સંપાદન વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આ સંપાદન વિશે-

વિશ્વનાથ મ. ભટ્ટ ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ વિવેચક છે. ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં નવલરામ પંડ્યાથી શરૂ કરી પછીના તરતના માત્ર વિવેચનને જ લક્ષ્ય કરીને પોતાની આખી જિંદગી સમર્પિત કરનારા બે સમર્થ વિવેચકો જહાંગીર એદલજી સંજાના અને વિશ્વનાથ મ. ભટ્ટ એમ બે સમકાલીન વિવેચકોનાં નામ એક સાથે લેવાં પડે તેમ છે. એમાંય વિશ્વનાથ મ. ભટ્ટને એમના એક પુસ્તક ‘પૂજા અને પરીક્ષા’ શીર્ષકની વિલક્ષણતાને કારણે વિશેષ યાદ કરવા પડે તેમ છે. આ દ્વારા એમણે વિવેચકની કાર્યરીતિ અને ફરજ બંને તરફ એક સાથે અંગુલીનિર્દેશ કરી આપ્યો છે. એમના મતે વિવેચકે સાહિત્યકૃતિની પહેલા તો પૂજા કરવાની છે અર્થાત્ વિવેચકે પહેલા તો ભાવકોત્ત્મ બનવાનું છે અને કલાકૃતિનો સહ્રદયતાથી આસ્વાદ કરવાનો છે. ત્યાર બાદ એને કલાકૃતિ વિષે જે કહેવું કહેવું હોય સકારાત્મક–નકારાત્મક, પ્રતિપોષક કહેવાની છૂટ છે. વિવેચકે બીજી બધી બાબતોને એક બાજુ મૂકીને પ્રથમ કલાકૃતિને કલાકૃતિ તરીકે જોવાની છે. આ વાત એમના વિવેચનનો મુખ્ય આધાર છે.

અહીં પસંદ કરેલા લેખોમાં વિવેચકની આ વિશેષતા જરૂર નજરે પડે છે. એમના સિદ્ધાંતલેખોની ધાટી પણ આજ થીમ પર કામ કરે છે. મને પ્રાપ્ય એમનું પુસ્તક ‘વિવેચનકલા’માંથી અમુક લેખો પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા યશવંત શુક્લ અને સાવિત્રી ભટ્ટ દ્વારા સંપાદિત ‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પુસ્તકમાંથી અધિકતર લેખો અહીં સમાવવામાં આવેલ છે. ‘સમગ્રમાંથી સઘન વિવેચનશ્રેણી’ ના પુસ્તકમાળખામાં વિજાણું માધ્યમમાં પુસ્તક વાંચનારને સરળતા રહે એ ખાતર પાદટીપ જે-તે જગ્યાએ જ આપવાની રીતિ સ્વીકારેલ છે, પરંતુ આ વિવેચકના અધિકતર લેખોમાં લાંબી-લાંબી પાદનોંધો હોવાના કારણે ક્યારેક અરધા કે આખા પાનાની નોંધ જે-તે જગ્યાએ સમાવવા જતાં મૂળ વાતનો તંતુ ફરીથી સાધવો મુશ્કેલ થઈ પડતો તેથી શ્રેણી સંપાદકની અનુમતિ લઈ અહીં પાદક્રમાંક જે-તે જગ્યાએ લાલ અક્ષરમાં રાખી પાદનોંધો લેખને અંતે સમાવી છે.

વિશ્વનાથ મ. ભટ્ટના વિવેચનાના પ્રતિનિધિ લેખો અહીં સમાવેલ હોઈ, ગુજરાતી સાહિત્ય લઈને ભણનારા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ, ભણાવનારા શિક્ષકો અને અધ્યાપકો, સંશોધકોને ગુજરાતી સાહિત્યના એક પ્રતિનિધિ વિવેચકની વિવેચનાનો આલેખ અહીં સાંપડશે. અહીં જોડણી મૂળ પ્રમાણે રાખી છે, અને લેખને અંતે આપેલ સાલ જે મૂળ લેખને અંતે હતી તેમ સવંત મુજબ યથાવત રાખી છે.

--પ્રવીણ કુકડિયા