< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/દક્ષ અને મનસ્વી
સાહિત્યકારો પણ માનવી છે, અને માનવીરૂપે એમનામાં જે ભિન્ન ભિન્ન પ્રકારે સંભવે છે તેમાં, એમની હયાતીમાં જ એમની સમગ્ર સાહિત્યસેવાનું તોલન કરતી વખતે આપણે ખાસ લક્ષમાં રાખવા ઘટે એવા મુખ્ય બે છેઃ દક્ષ અને મનસ્વી. બીજા કોઈ નહિ અને આ જ બે પ્રકાર લક્ષમાં રાખવાની જરૂર એટલા માટે છે કે એ બે વિશેષણોથી સૂચવાએલા એમના પ્રકૃતિસ્થ ગુણો એમના કાર્યની યથાર્થ તુલના કરવામાં કેટલેક અંશે અન્તરાયરૂપ થઈ પડે છે. દક્ષ સાહિત્યકાર દક્ષ હોવાથી જ, પોતાના ચાતુર્ય, મીઠાશ, ઘૂસણનીતિ આદિ ગુણોને બળે, પોતાની યોગ્યતા કરતાં પણ વિશેષ યશ કે પ્રતિષ્ઠા મોટે ભાગે મેળવી જાય છે; ત્યારે મનસ્વી સાહિત્યકાર એની મનસ્વિતાને જ લીધે, પોતાનાં સ્વમાન, સ્વાતંત્ર્ય, નિઃસ્પૃહતા, અગતાનુગતિકતા આદિ લક્ષણોને કારણે પોતાની લાયકાત પૂરતી પ્રતિષ્ઠા પણ ઘણીવાર નથી મેળવી શકતો. લોકચિત્તાનુવર્તન એ દક્ષ સાહિત્યકારનું પ્રધાન લક્ષણ હોય છેઃ એ સદા યે સૌને અનુકૂળ રહીને વર્તે છે. ચાલુ રૂઢિની મર્યાદામાં રહીને જ પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે, ને હંમેશાં સૌને નમતા ભજતા રહેવાનો જ નિયમ રાખે છે, એટલે સૌ એના મિત્રરૂપ બનીને એની ખામીઓ પ્રત્યે આંખમીંચામણાં કરે છે, અને એની નાનામાં નાની ખૂબીઓને બહેલાવીને હદ કરતાં જ્યાદે વખાણે છે; ત્યારે મનસ્વી સાહિત્યકારની જીવનરીતિ જ એવી વિભિન્ન તત્ત્વતઃ ખોટી, ખરાબ, કે વાંધાભરેલી નહિ પણ સામાન્ય દૃષ્ટિએ એવી વિલક્ષણ હોય છે કે એ જવલ્લે જ કોઈનો આદર તો શું પણ સમભાવ પણ મેળવી શકે છે, અને કોઈને ખુશ કરવાની કે રાખવાની તો એને ખેવના જ હોતી નથી, એટલે એને મિત્રો તો નથી જ મળતા પણ ઊલટા અનેક બાજૂએ એવા વિરોધીઓ ઊભા થાય છે જે એની નાનામાં નાની ક્ષતિને માટે એને વીંખી ખાવા ટાંપીને જ બેઠા હોય. આથી એના સાચા ગુણેનો સ્વીકાર થાય છે ત્યારે પણ તે અનિચ્છાએ, પરાણે, છૂટકો ન હોવાથી અગતિકતાએ કરવો પડે છે માટે જ થાય છે, અને તે પણ બને તેટલા અલ્પ પ્રમાણમાં જ દક્ષ સાહિત્યકારને સાહિત્યસેવાને અંગે કંઈ પણ મત દર્શાવવાનો હોય તો એ જેમની આગળ દર્શાવવાનો હોય તેમનાં મોં જોઈ જોઈને, જેવા શ્રોતા તેવા વક્તા પોતે બનીને બધી બાજૂ સંભાળીને તે દર્શાવે છે, એટલે એને જગત જોડે અથડામણીને પ્રસંગ ઊભા થતા નથી; ત્યારે મનસ્વી સાહિત્યકાર તો ઢાંકપિછેડાની નીતિમાં કદી માનતો જ નથી હોતો, એ તો સદા યે સ્પષ્ટવક્તા જ હોય છે, એટલે એ તો પોતાને જે સત્ય લાગતું હોય તે શ્રોતા કે પ્રસંગની પરવા કર્યા વિના, વિના સંકોચે કહી નાખે છે, અને તેથી એને અળખામણા બનવાના અનેક પ્રસંગ ઊભા થાય છે. દક્ષ સાહિત્યકારને મન મીઠાશ એ જ મોટામાં મોટી વસ્તુ હોય છે, સિદ્ધાન્ત, સત્ય, સ્વમાન, એ સઘળાને એ જરૂર પડ્યે જતાં કરી શકે છે, પણ મીઠાશને એ કદી મૂકતો નથી; ત્યારે મનસ્વી સાહિત્યકારને મત સિદ્ધાન્ત, સત્ય, સ્વમાન એ જ જીવનમાં સર્વસ્વરૂપ હોય છે. એટલે એ તેને હરકોઈ ભોગે વળગી રહે છે અને એમ કરતાં કડવાશ વહોરવી પડે તો પણ તેથી ડરતો નથી. આમ હોવાથી મીઠાશ જાળવી રાખનારા દક્ષ સાહિત્યકાર સર્વદા લોકપ્રિય રહે છે, એની હંમેશ વાહવાહ થાય છે, અને એને એની શક્તિ કરતાં પણ વિશેષ માન પ્રતિષ્ઠા મળે છે, ત્યારે કડવાશ વહોરનારા મનસ્વી સાહિત્યકાર તરફ સૌ વિરોધ રાખે છે, એને ઉતારી પાડવા સૌ એક પગે રહે છે, એનાં ન હોય એવાં છિદ્રો દૂષણે ઊપજાવી કાઢવામાં સૌ રસ લે છે, અને એના કામની પૂરતી કદર કરવી કોઈને ગમતી નથી. આવી સ્થિતિમાં વિવેચકે સાવચેતી રાખવાની છે, અને દક્ષ પુરુષ એની દક્ષતાને જોરે પોતાની આંખમાં ધૂળ ન નાખી જાય, અથવા મનસ્વી પુરુષ એની મનસ્વિતા કે નિ:સ્પહતાને કારણે પોતાને હાથે અન્યાય ન પામે એ ખાસ જોવાનું છે.
‘વિવેચનકલા’ પૃ. ૩૮ થી ૪૦