zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/આપણી કૂપમંડૂકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૮) આપણી કૂપમંડૂકતા

પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને અલગ રાખીએ તો ગુજરાતની પ્રતિભા લગભગ પોણોસો વરસથી સતત રીતે સાહિત્ય સર્જન કરી રહી છે. આ પોણોસો વરસના સર્જનમાંથી આપણે ગુજરાતને નામે જગત સમક્ષ ગૌરવપૂર્વક મૂકી શકીએ, જગતના તે તે વિષયના ઉત્તમોત્તમ સાહિત્યકારોની હારમાં બેધડક સ્થાન આપી શકીએ, એવા કેટલા સાહિત્યકાર ગુજરાતે આપ્યા? બહુ જ થોડાએક આંગળીના વેઢા ગણાય એટલા પણ ભાગ્યે જ. જરા વીગતવાર જુઓ. પહેલાં કવિતા લ્યો. દુનિયાના ઉત્તમ કવિઓના વર્ગમાં મૂકી શકાય એવા અર્વાચીન કવિ આપણી પાસે કેટલા? કદાચ એક ન્હાનાલાલને બાદ કરો તો એક પણ નહિ. પછી નવલકથા લ્યો. દુનિયાના ઉત્તમ નવલકથારોના વર્ગમાં વગર સંકોચે મૂકી શકાય એવા લેખકો આપણે કેટલા પેદા કર્યા? કદાચ એક ગોવર્ધનરામને બાદ કરો તો એક પણ નહિ. પછી નાટક લ્યો. જગતના શ્રેષ્ઠ નાટકકારના સાથમાં ઉન્નત મસ્તકે ઊભો રહી શકે એવો એક પણ નાટકકાર આપણી પાસે છે ખરો? નહિ જ. પછી તત્ત્વજ્ઞાન લ્યો. વિશ્વના સમર્થ તત્ત્વચિન્તકોમાં માગ મુકાવે એવો એક પણ તત્ત્વચિન્તક અર્વાચીન ગુજરાતે આપ્યો છે ખરો? અમુક અંશે એક ગાંધીજીને બાદ કરો તો એક પણ નહિ. છેલ્લે સમગ્ર સાહિત્ય લ્યો, પોતાની એકંદર સાહિત્યસેવાથી સમસ્ત જગતનું લક્ષ ખેંચી શકે, એની સર્જનશક્તિને નવા માર્ગ બતાવે, એની ચિન્તતશક્તિને કોઈ અવનવી દિશામાં દોરે, એના જ્ઞાનસંચયમાં નવો ઉમરો કરે કે પોતાના એકંદર કૃતિસમૂહથી જગતના સાક્ષરવર્ગમાં ઝળહળી ઊઠે એવા સાહિત્યકારો આપણી પાસે કેટલા? ઉપર થોડા અપવાદો અચકાતાં અચકાતાં આપ્યા છે તેને બાજુ પર રાખો તો એક પણ નહિ. આનું કારણ શું? જગતના ટોલ્સ્ટોય, વિકટર હ્યુગો, રોમે રોલાં, ઇબ્સન, શો, બર્ગસન, ઈમર્સન, મૅકડુગલ જેવા તો શું, પણ હિંદના રવીન્દ્રનાથ અને રાધાકૃષ્ણની સાથે સરખાવી શકાય એવા પણ સાક્ષર ગુજરાત નથી આપી શક્યું તેનો ખુલાસો શો? ગુજરાતની પ્રતિમા આટલી પાંગળી, ઝાંખી, હીણી શાથી? આનાં કારણો અનેક પ્રકારનાં હોઈ શકે. જીવનશાસ્ત્ર, જાતિશાસ્ત્ર, વંશપરંપરા, ઇતિહાસ, ભૂગોળ, પ્રાકૃતિક રચના આદિ અનેક વસ્તુઓ સાથે આને સંબંધ હોઈ શકે, પણ એ બધાં કારણો સ્વીકાર્યા પછી પણ એક મહત્ત્વનું કારણ બાકી રહે છે, અને તે આપણી કૂપમંડૂકતા. ગુજરાતમાં પ્રતિભા હોવા છતાં જગતમાં પોતાના નામનો ડંકો વગડાવે તેમ પળવાર ઝબકીને પછી સદન્તર બુઝાઈ ન જતાં દીર્ધ કાલ સુધી પ્રકાશ્યા કરે એવી લોકોત્તર ચિરંજીવ સાહિત્યકૃતિઓ તે નથી આપી શકતી તેનાં અનેકમાંનું એક મહત્ત્વનું કારણ આપણી કૂપમંડૂકતા છે. ગુજરાતની બહાર પણ પૂજાય એવું કશું આપણે સર્જી શકતા નથી, કેમકે ગુજરાતની બહાર આપણી દુષ્ટિ જ નથી જતી. વર્તમાન ક્ષણની પેલી પાર ટકી રહે અને ચિરકાળ સુધી તપ્યા કરે એવું કશું આપણે આપી શકતા નથી, કેમકે વર્તમાન ક્ષણની પેલી પાર જોવાની દૃષ્ટિ જ હજુ આપણામાં આવી નથી. यादृशी भावना तादृशो सिद्धिस्तस्य. આપણી ભાવના જ જ્યાં વામણી હોય, ત્યાં કશું ય વિરાટ આપણે ક્યાંથી સરજી શકીએ?

ભાવનાને અભાવે આપણે ત્યાં અત્યારે શું થઈ રહ્યું છે એ જુઓ. ગુજરાતના યુવાન સાહિત્યકારોના સંબંધમાં એક ચાલુ ફરિયાદ એ સાંભળવામાં આવે છે, કે તેઓ જીવનમાં એક જ વાર ઝળકી શકે છે, પોતાની પ્રથમ કૃતિ વખતે જ કંઈક શક્તિચમત્કાર દર્શાવી શકે છે, પણ એ પહેલી કૃતિ ઉપરથી જે ઉત્તરોત્તર વિકાસની સ્વાભાવિક આશા ઉત્પન્ન થાય તે આપણા યુવાન સાહિત્યકારોમાંથી બહુ જ ઓછા સફળ કરી શકે છે. આનું કારણ આપણી કૂપમંડૂકતા અને ભાવનાદૃષ્ટિનો અભાવ જ છે. આપણે ત્યાં એકેએક ક્ષેત્રમાં કાર્યકર્તા એટલા ઓછા છે કે કોઈ પણ વિષયમાં કોઈ પણ માણસ જરા સરખી શક્તિ બતાવે તે આપણે એની એકદમ વાહવાહ કરવા મંડી પડીએ છીએ અને એણે જાણે કોઈ મહાપરાક્રમ કરી નાખ્યું હોય એટલું અસાધારણ માન એને આપીએ છીએ. આનું પરિણામ એક જ આવે છે, અને તે એ કે પેલો લેખક હજુ ઊગીને ઊભો થતો હોય ત્યાં તો એનામાં અનિષ્ટ આત્મભાન તીવ્ર રૂપમાં જાગે છે, અને પોતે જાણે કોઈ અલૌકિક સાહિત્યસર્જન કર્યું હોય એવો ફાકો રાખીને એ સદા ય ફર્યા કરે છે. આથી આપણા લેખકો પ્રારંભથી જ કૃતકૃત્યતા અનુભવવા લાગે છે, અને ભવિષ્યમાં કંઈ વિશેષ સિદ્ધ કરવા જેવું એમને પછી દેખાતું નથી, એટલે એમનો વિકાસ આરંભમાંથી અટકી જાય છે. ગુજરાતમાં एरण्डोअपि द्रुमायते એ પરિસ્થિતિ જ્યાં ત્યાં પ્રવર્તી રહેલી જોવામાં આવે છે તે આને જ લીધે. પોતાના વિષયનો એકડો જ ઘૂંટતો હોય એ ઘણી વાર આપણે ત્યાં એ વિષયના પંડિત તરીકે પૂજાય છે. હજુ ગઈ કાલે જ નરસિંહરાવ ટૅસીટરીનાં પુસ્તકો વાંચી રહ્યો હોય એ મહા ભાષાશાસ્ત્રી તરીકે પંકાવા લાગે છે. વર્તમાન ગુજરાતમાં અમુક અમુક વિષયના નિષ્ણાત તરીકે પ્રખ્યાત બની ગએલાઓનો વિચાર કરીશું તો એમાંના ઘણાખરા તો ખરેખર નિષ્ણાત છે માટે એ ખ્યાતિ એમને મળી છે. એમ નથી હોતું, પણ તેઓ નિષ્ણાત નથી એટલું જોવા કે કહેવા જેટલું જ્ઞાન આપણા સમાજમાં બીજા કોઈમાં નથી હોતું તેથી એમનું ગપ ઘણી વાર એમ ને એમ ચાલ્યા કરતું હોય છે. આપણા સાહિત્યમાં તપ કે સાધના જેવી વસ્તુનો તે કોઈને ખ્યાલ સરખો પણ નથી. કુદરતે શક્તિ આપી હોય તો એને કેળવવાની હોય, વિશેષ અભ્યાસ, ઉદ્યોગ, અખતરાથી એને વિકસાવવાની હોય, અને એ રીતે ઉત્તરોત્તર ઉત્તમોત્તમ પાક એમાંથી લેવાનો હોય એ વાતનું તો જાણે આપણે ત્યાં કોઈને ભાન જ નથી. અને એનું કારણ આપણા સમાજની તેમઆપણા લેખકવર્ગની ઉભયની કૂપમંડૂકતા જ છે. પોતાના નાનકડા પ્રાન્ત અને પરિસ્થિતિની બહાર એમની દૃષ્ટિ જ જતી નથી, અને તેથી વસ્તુત: અલ્પ પ્રયત્ન જ હોય છે તેને તે આરંભથી જ મહાસિદ્ધિ માની લઈને રાચ્યા કરે છે, અને એ રીતે એમનામાં અકાલપકવતા આવી જતાં એકવાર આપ્યું તેથી કશુંય સુન્દરતર એ ભવિષ્યમાં કદી આપી શકતા નથી. બાલલગ્નની પરિભાષામાં કહીએ તો આપણા સાહિત્યસર્જકો ઝોળીમાંથી ઝડપાઈ જાય છે. પરિણામે એમનું વીર્ય પૂરું બંધાયા પહેલાં જ એમને સન્તાનપ્રાપ્તિ થવા માંડે છે, અને એવાં અકાલપ્રાપ્ત સન્તાનો પછી દીર્ધાયુષી ન નીવડે એમાં નવાઈ જ શી? કીર્તિ આપણે ત્યાં એટલી સોંઘી થઈ પડી છે કે, કોઈને એનું લેશ માત્ર સંવનન કરવું પડતું નથી, અને તેથી દીર્ધ સંવનનને પરિણામે જે શક્તિવિકાસ અને યોગ્યતાપ્રાપ્તિ સામાન્ય રીતે થાય તેનો લાભ આપણા સાહિત્યકારોમાંથી કોઈને મળતો નથી.

આનો ઉપાય શો? એક જ, અને તે એ કે આપણી દૃષ્ટિને આપણે હવે વિશાળ કરવી અને આપણી ભાવનાને ઉચ્ચ બનાવવી. માનવીની નિસર્ગપ્રાપ્ત શક્તિઓને પૂરેપૂરી વિકસાવવાને એનામાં અસ્ફુટ કે અર્ધરસ્ફુટ સ્વરૂપમાં રહેલી શક્તિઓને પરમ વિકાસ સાધવાને આપણી પાસે એક જ ઉપાય છે અને તે ઉચ્ચ ભાવના. દુનિયામાં માણસ જેવી નેમ રાખે છે તેના પ્રમાણમાં જ કામ કરી શકે છે. જેવો આદર્શ તેઓ પોતે તેમ તેમનો સમાજ તેમની સમક્ષ રાખે છે તેવી જ સિદ્ધિ તેઓ મોટે ભાગે બતાવી શકે છે. જો તમારો આદર્શ જ મધ્યમસરનો હશે તે તમારા સર્જકો મધ્યમસરનું જ સર્જન કરી શકશે. માણસની દૃષ્ટિ જેટલી ઊંચી કે લાંબી હશે તેના પ્રમાણમાં જ એ ઊંચો કે લાંબો કૂદકો મારી શકશે. પોતાની નેમ કે સમાજની અપેક્ષા કરતાં પણ વધારે સિદ્ધિ બતાવી શકે એવા તો કોઈ વિરલા જ. સામાન્ય માણસો તો જેવી નેમ રાખી હોય તેવી જ ફાળ ભરી શકવાના. એટલે ગુજરાતે હવે પોતાનાં માણસોની અને કામોની મૂલવણીમાં વિશાળ દૃષ્ટિ રાખવાની છે. અત્યાર સુધી આપણે નાનકડા પ્રાન્તની જ નજરે સૌને ક્યાસ કરતા આવ્યા છીએ તે છોડી દઈને સમસ્ત જગતની દૃષ્ટિએ આપણાં સર્જનની હવે આપણે પરીક્ષા કરવી જોઈએ. આપણું શાસ્ત્રવચન છે કે लालयेत् पन्चवर्षाणि મનુષ્ય શૈશવમાં હોય ત્યાં સુધી એને હુલાવવું ફુલાવવું અને લાડ લડાવવાં. ગુજરાતને પણ આજ સુધી આપણે એમ કર્યું, પણ હવે એનો શૈશવકાળ પૂરો થયો છે. કોઈ કંઈ લખે તો ‘હેઈ! આપણે ત્યાં પણ આવું લખાય છે!' એવા આનન્દાશ્ચર્યના ઉદ્ગાર કાઢવાના દિવસો હવે ક્યારના યે ચાલ્યા ગયા છે. કશું ય લખવું એની હવે આપણને નવાઈ રહી નથી, નવાઈ છે તે ફક્ત હવે જગત આખું જોઈ રહે એવું લખવાની જ. કાવ્ય, નાટક, નવલ, નવલિકા, નિબંધિકા આદિ સર્વ સાહિત્યપ્રકારોમાં આપણે શરૂઆત જ નહિ પણ સુન્દર પ્રગતિ પણ કરી ચૂક્યા છીએ, એટલે એ દૃષ્ટિએ રાચવાપણું હવે આપણે માટે રહ્યું નથી. તેથી આપણા વિવેચનનું ધોરણ સંકુચિત મટાડી જગવ્યાપી વિશ્વલક્ષી બનાવવાની હવે જરૂર છે. કેવળ સર્જન જ નહિ પણ કંઈક લોકોત્તર સર્જન જ હવે આપણી પ્રશંસાને પાત્ર ગણાવું જેઈએ. આજની જ ઘડીને અજવાળે કે ગુજરાતની નાનકડી દુનિયાને જ દીપાવે એટલાથી મુગ્ધ ન થઈ જતાં આપણાં પ્રકાશનોમાં ચિરંજીવિતાનાં તેમ સર્વદેશીયતાનાં તે કેટલાં છે એની આપણે હવે તપાસ કરતા રહેવું જોઈએ. ઘરદીવડાથી ઘણા દિવસ મોહ્યા, હવે વ્યોમદીપ પ્રકટાવી શકીએ એટલા માટે આપણી કૃતિઓને આંખો મીંચીને હુલાવ્યે ફુલાવ્યે રાખવાનું બંધ કરી પરમોજન્નત સૌન્દર્યની કસોટીએ સૌને કસવાનું હવે આપણે શરૂ કરવું જોઈએ. આ પ્રમાણે વિવેચનનું ધોરણ જગતલક્ષી બનાવીશું તો જ આપણે કોઈક દહાડો પણ દુનિયાને કંઈક અભિનવ રસદર્શન કરાવી શકીશું, અને આજે રોજ રોજ પારકી ભાષાઓમાંથી ભાષાન્તર કર્યા કરીએ છીએ તેને બદલે પારકી ભાષાને આપણી ભાષામાંથી ભાષાન્તર કરવું પડે એવો દહાડો દેખી શકીશું. આપણું સાહિત્ય જગતસાહિત્યની તુલનામાં પામર છે તેનું એક સબળ કારણ આપણી વિવેચન ભાવનાની પામરતા અને કૂપમંડૂકતા જ છે. એ વિવેચનભાવનાને જ્યાં સુધી આપણે વ્યાપક અને ઉન્નત નહિ બનાવીએ ત્યાં સુધી આપણું સાહિત્યનો સાચો ઉદ્ધાર કદી શક્ય નથી. Where there is no vision, people perish એ સનાતન સત્ય જીવનનાં અન્ય ક્ષેત્રોની પેઠે સાહિત્યના ક્ષેત્રમાં પણ એટલું જ સાચું છે એ ભૂલવાનું નથી.

૧૯૯૫
‘વિવેચનકલા’ પૃ. ૮૪ થી ૮૯