સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/લેખ સંદર્ભનોંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


(૨) વિવેચનલેખસંદર્ભ

[વિશ્વનાથ મ. ભટ્ટના ‘વિવેચનકલા’ નામના પુસ્તકમાં આ શીર્ષકનો જ એક પ્રલંબ લેખ છે. (જુઓ પૃ. ૩૯૪ થી ૪૨૩) આ પુસ્તકમાં અંતે ‘આનુસંગિક’ નામના વિભાગમાં ‘થોડીક વિગતો’ તળે અહીં સમાવેલા લેખોની કેફિયતો આપી છે. વિવેચકનાં કાર્ય અને ફરજને સરસ રીતે મૂકી આપતી આ કેફિયત થોડી લાંબી હોવાથી એ લેખના આરંભે ન મૂકતાં અહીં સમાવી છે. સં.] જ્યાં જ્યાં વિદ્યા ત્યાં ત્યાં વિવાદ એ તે જગતનો સાર્વત્રિક નિયમ છે. તેથી “જોજે હો, તું કંઈએ બોલીશ તો તારા બોલનો તોલ થશે, તું કોઈને પણ પ્રહાર કરીશ તો તારે સામો પ્રહાર ઝીલવો પડશે, અને તું કોઈનું પણ વિવેચન કરીશ તો તારા એ વિવેચનનું પણ પાછું વિવેચન થશે” એમ કહીને કોઈને ડરાવવા, દબાવવા કે નમાવવા અથવા મૂંગા કરવા કે રાખવાનો પ્રયત્ન કરવો એ નરી બાલિશતા છે, કેમકે વિદ્યા હોય ત્યાં વિવાદ હોય જ એ તો બહુ જ સીધી સાદી અને જાણીતી વાત છે. એટલી સાદી વાત પણ ન સમજતો હોય તે વિદ્યાના પ્રદેશમાં કશી નામના તો શું પણ એમાં પ્રવેશ સુધ્ધાંનો અધિકારી નથી. સાચો વિદ્યાપ્રેમી તો વિવાદથી ડરે તો શાનો પણ ઉલટો સામો પડકાર કરીને વિવાદને જ નહિ પણ વિરોધને ખંડનને પણ નોતરે. એ તો વિદ્યાજગતના અભિષ્ટ ઉપાસકને વિનવે કે જૂઓ ભાઈ, પૂરેપૂરો અભ્યાસ, ચિંતન, અને પરિશીલન કર્યા પછી અનિવાર્ય રીતે ફલિત થતા સિદ્ધાન્તરૂપે મને જેવું દર્શન થયું છે તે આંહી આપની સહુની સમક્ષ પ્રમાણિક રીતે એક બાજુથી કશું એ છુપાવ્યા વિના તો બીજી બાજુથી કશી પણ અતિશયોક્તિ કર્યા વગર કોઈ પણ દ્વેષ વિના શુદ્ધ ભાવે અને કેવળ સત્ય પ્રિત્યર્થે અને વિદ્યાવૃદ્ધિને અર્થે આંહીં રજૂ કર્યું છે. તે આપ સૌ શાંતિથી બધી બાજુથી તપાસી જૂઓ, તેમાં જે કાંઈ ખોટું લાગે, અધૂરું કે ઝાંખુ હોય તે આપ દર્શાવો. આટલા સદ્ભાવપૂર્વક અને પ્રમાણિકતાથી રજૂ કર્યા છતાં જે કોઈ એનો તટસ્થ રીતે વિચાર કરવાને બદલે વેરબુદ્ધિથી વિરોધ કરવા આવે તો એ વિરોધનો વિરોધ કરવા તો એણે સદાયે તૈયાર જ રહેવાનું છે. એ યાદશક્તિ કંઈ એકલા પ્રતિપક્ષીને જ વરેલી નથી. વિદ્યાજગતમાં પ્રવેશેલા એકેએક ઉપાસકને પણ એ વરેલી જ હોય છે. એ યાદશક્તિ કંઈ એને લેવા કે શોધવા જવું પડતું નથી. પોતે જે તત્ત્વદર્શન કર્યું હોય તે તત્ત્વદર્શનની ઉપલબ્ધીની લાંબી પ્રક્રિયામાં જ એને એ યાદશક્તિ અનાયાસે આપોઆપ મળેલી હોય છે. પોતાને ઉપલબ્ધ થયેલા સત્યના સમર્થન અર્થે એ કેઈ વિરોધ ખાતર વિરોધ કરવા આવે તો તેવા ખોટા વિરોધીને જીવસટોસટનો સામનો કરવાની શક્તિ એને એના તત્ત્વદર્શનની સાધનામાંથી જ મળેલી હોય છે અને એવો સામનો કરવાનું કામ વિનય, સભ્યતા, સજજનતાના વિચારથી પણ કર્યા વિના એનાથી રહેવાતું જ નથી. પોતે જે સત્યપ્રતિપાદિત કર્યું એના પ્રત્યેની એ એની અનિવાર્ય અને પવિત્ર ફરજ થઈ પડે છે. વિદ્યાજીવન કાંઈ બાળકોની પેઠે ખોટુંખોટું ઘરઘર રમવાની બાલિશ રમત નથી, એ કંઈ દુનિયા આગળ વિદ્વત્તાનો વેશ ભજવવાનું નાટક નથી. એ તો સત્યદર્શન અને સત્યકથનની લડાઈ જેવી જીવસટોસટની પ્રવૃત્તિ છે. ‘હમબીડીચ'ની નકલ કરીને ‘હમભી સર્જક' એમ કહેવરાવવાનો અભરખો બિલકુલ નથી. સર્જક શું, વિવેચક પણ કહેવરાવવાનનો અભરખો કોને છે? વર્ષોથી હું તો વિવેચનના અદના ઉપાસક તરીકે જ મારી જાતને ઓળખતો આવ્યો છું એટલે સર્જક વિવેચક વિશેષ આ ચર્ચા લાંબા વખતથી ચલાવી રહ્યો છું. તેમાં અંગત લાભાલાભનો વિચાર જ બિલકુલ નથી. જે કંઈ છે તે સત્યાન્વેષણ અને સત્યદર્શનનો પ્રયત્ન જ છે. અને એ સત્યાન્વેષણ અને સત્યદર્શન ખાતર પોતાની જાતને સર્વથી અલગ રાખીને આજે ફરીથી કહું છું કે વિવેચક પણ નિશંક સર્જક જ છે. સાચી વિચારસંગતિપૂર્વક જોનારસમજનારની દૃષ્ટિએ એ સિદ્ધાન્ત અનિવાર્ય છે તેથી અને એ જ કારણે યુરોપીય અનેક વિવેચક વિચારકોએ સિદ્ધાન્તનો સ્વીકાર જ નહિ પણ અસંદિગ્ધ ભાષામાં જોરશોરપૂર્વક પ્રતિપાદન પણ કરેલું છે એ કારણો પણ છે. Criticism then on the lowest plane might be said to be the effort of an individual mind to persuade the mass mind that his faith is that one most worthy of all men to be received. The critic accomplishes one of the three main things (1) He instructs us in the accidents of his subject by elucidating obscure passages and references by purifying the text, by deciding bibliographical details, and in numerous other ways bringing order out of what was textual chaos; or (2) He acts as a guide to our immotions- those immotions, that is to say, which are aroused by art- classifying them according to their causes and deciding in the light of his own experience what perticular quality of each work is responsible for each perticular immotion; or (3) and most important of all, he brings about some kind of unity between the experiences which we connect with Life and those we associate with Literature. It is unnecessary to add that these three accom- plishments are not exclusive- a critic may do one two or all three of them in the space of one essay. વિવેચક વાચક અને સર્જક બન્નેનો મિત્ર, બન્ને વચ્ચેના સેતુ જેવો. સર્જકે વાચકને માટે જે કૃતિ સર્જી હોય તે -વાચક આગળ વિશદ કરી તેનો પોતે રસાસ્વાદ કરાવવો, એની ખૂબીખામી એની આગળ હસ્તામલકવત્ સ્પષ્ટ કરી દેવી, અને એ દ્વારા સર્જકે સર્જેલી છતાં વાચકને પોતાને જે કૃતિ નહિવત્ કે શૂન્યવત્ હતી તે એની પાસે વિશદ સ્ફુટ કરીને તેનું નવેસરથી સર્જન કરવું આ વિવેચકનું કામ. એટલે આ અર્થમાં પણ વિવેચક સર્જક કરતા પણ સવાયો સર્જક. કેમકે સર્જકે સર્જયા છતાં વાચકને માટે જે નહિ સર્જયા જેવી હતી તે કૃતિ વિવેચક એને માટે સ્પષ્ટ કરી બતાવીને સર્જી બતાવે છે તેથી પેલો સર્જક તો વાચકને માટે નકામો કહેવાનો સર્જક, ખરો સર્જક તો આ વિવેચક જ ઠરે છે. વિવેચક એ Guide to our sensitiveness છે. આવી રીતે વાચકની સમજશક્તિ, ગ્રહણશક્તિ, રુચિ, સૌદર્યદૃષ્ટિને કેળવી સર્જકતા સર્જનને માટે એને યોગ્ય અને અધિકારી બનાવે તેને હલકો પાડીને હડધૂત કરવો એ ક્યાનો ન્યાય? એ વિવેચક ન હોય તો સર્જકનો ભાવ જ કોણ પૂછવાનું હતું? એટલે સર્જક ભલે પોતાને મોટો ગણે છતાં વિવેચક વિના એ નકામો જ બની જાય છે. આવા અનિવાર્ય સહાયક અને ઉપકારકની હાંસી ઉડાવવી અને એને હડધૂત કરવો એ ક્યાનો ન્યાય? વાચક અને સર્જક બન્નેને વિવેચક વિના કદી પણ ચાલવાનું નહિ. એ હવાના વાહન વગર સર્જકનો અવાજ વાતાવરણમાં પ્રસરી શકવાનો જ નહિ. આપણા સંસ્કૃત કવિઓએ વિવેચકને વાયુ સાથે સરખાવ્યો છે. અન્યોક્તિઓમાં સર્જકના સર્જનની સુવાસને પ્રસરાવનાર સમીર ગણ્યો છે તે બહુ જ યોગ્ય છે. વિવેચનનું એક કામ તે પ્રજાને સૌંદર્યાભિમુખ કરવી અને રાખવી, ને એનામાં સુરુચિ જગાડી તેનું સંરક્ષણ, પોષણ કર્યા કરવું. આ કામ બહુ જ મહત્ત્વનું છે. આખી અનામયતાનો જ નહિ, પણ એના સુખ અને એની ઉન્નતિનો પણ બહુ મોટો આધાર એની રુચિ ઉપર છે. પ્રજાની રુચિ જો અનામય અને સુસ્થ હોય તો એનું વર્તન પણ અનામય અને સુસ્થ રહે, પરિણામે એનું જીવન સુખી અને ઉર્વારોહી બને, એટલે પ્રજાની સુરુચિને ઘડવાનું કામ ઘણું જ ગૌરવાન્વિત છે. ત્રીજા ચોથા વર્ગના કવિ કરતા આ સૂરુચિ ઘડવાનું કામ કરનારો વિવેચક ઘણો જ મોટો છે. વિવેચનનું બીજું કામ તે યથાર્થ મૂલ્ય આંકવાનું અને પ્રતિષ્ઠાનું પ્રદાન કરવાનું છે. માનવીનો સ્વભાવ જ એવો છે કે એ પ્રતિષ્ઠિત થવાને મથે છે. અને સાહિત્ય અને કલાજગતમાં પ્રતિષ્ઠા આપવી એ વિવેચનના હાથની વાત છે. એટલે સાહિત્યકલા જગતને પ્રેરવું, ચલાવવું અને નિયમમાં રાખવું એ કામ બહુ મહત્ત્વનું છે અને તે વિવેચન એની આ પ્રતિષ્ઠાપ્રદાનની શક્તિ દ્વારા કરી શકે. આજે યશપ્રાર્થી કોઈ પણ સાહિત્યસેવક સૌથી પહેલા કાવ્યરચના કરવા અથવા વાર્તા નાટક રચવા પ્રેરાય છે એનું કારણ એ જ કે એ સાહિત્યપ્રકાર સમાજમાં પ્રતિષ્ઠિત ગણાય છે, ત્યારે વિવેચનમાં બહુ ઓછા પડે છે તેનું કારણ એ કે વિવેચનને તો બીજું કાંઈ ન આવડે એવા અશકત માણસોનો ધંધો એવી ખોટી માન્યતા સમાજમાં ઘર કરી બેઠી છે. અત્યારે વિવેચનની ખૂબ જરૂર છે. આઠદસ વરસે એકાદો વિવેચનઅંક કાઢીને કૃતાર્થ થઈ ગયા એમ માની લેવા જેવો એ તુચ્છ વિષય નથી, પણ માસે માસે નિયમિત-શ્રમ માગનારું એ કપરું કામ છે, અને એવો શ્રમ જો વિવેચનને પ્રતિષ્ઠિત ગણવામાં આવે એનું યથાર્થ ગૌરવ સ્વીકારવામાં આવે, તો કરવા લોકો પ્રેરાય. અત્યારે તો એવું છે કે સર્વસ્વીકૃત અને સ્વયંપ્રકાશ એવું સત્ય પણ અમુક એક વ્યક્તિએ રજૂ કર્યું એટલા ખાતર જ એનો વિરોધ કરવાનું નાડું પકડીને બેસનારા આપણે ત્યાં નીકળે છે. એટલે કે વ્યક્તિવિરોધને ખાતર સત્યનો વિરોધ આપણે ત્યાં ચાલી રહ્યો છે અને તેને પરિણામે વિવેચનને વેઠવું પડે છે.

‘વિવેચનકલા’ પૃ. ૫૪૪ થી ૫૪૯