< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/પત્ર-પ્રત્યુત્તર
(૧) પત્ર-પ્રત્યુત્તર
[જહાંગીર સંજાનાના તા. ૨૭. ૦૧. ૧૯૫૧ના રોજ લખાયેલા પત્રના ઉત્તરમાં વિશ્વનાથ મ. ભટ્ટનું આ લખાણ એ જમાનાનાં સામયિકો-સંપાદકોની અમુક પ્રકારની વિશેષતાઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કરતું હોઈ, એનું ઐતિહાસિક મૂલ્ય સમજી અહીં સમાવેલ છે. સં.]
સ્થિતિ ખરેખર આવી જ છે. ૧૯૩૯-૪૦ પછી માસિકાદિ પત્રોમાંનું મારું લખાણ ઘટી ગયું અને અત્યારે લાંબા વખતથી તદ્દન બંધ થઈ ગયું છે તેનું મુખ્ય કારણ આ જ છે. લખવું તો ખરેખર જેવું લાગતું હોય તેવું જ નિર્ભય રીતે અને ખુલ્લેખુલ્લું લખવું એવો નિયમ મૂળથી જ રાખ્યો છે, અને એ નિયમમાં કશો ય ફેરફાર કરવા અત્યારે પણ તૈયાર નથી, એટલે માસિકાદિ પત્રોમાં લખવાનાં નિમંત્રણ જ આવતાં બંધ થઈ ગયાં છે, અને કોઈ રડ્યુંખડ્યું નિમંત્રણ મોટે ભાગે દિવાળી અંક જેવા વિશેષ પ્રસંગે મળે છે તો મારા લેખો સામાન્ય રીતે એક કરતાં વધુ હપ્તાથી આપવા પડે તેવા લાંબા હોવાથી એમાંનું સ્પષ્ટ વકતવ્ય આકરું લાગતાં બીજા ત્રીજા હપતાથી લેખ અધૂરો હોય તો પણ તન્ત્રી અધવચથી પ્રકાશન બંધ કરી દે છે. ‘નવચેતને'૧૯૪૭ના દિવાળી અંક માટે માગણી કરી તેથી ‘વિવેચનની પવિત્રતા' એ લેખ ત્યાં શરૂ કરેલો. તેના ત્રણેક હપતા આવ્યા પછી લેખ અધૂરો હતા અને મારે આગળ લખવાનું હતું તો પણ એણે આગળનું પ્રકાશન મનસ્વી રીતે બંધ કરી દીધેલું, અને મારે એ લેખનો બાકીનો અન્તિમ ભાગ બે વરસ પછી ‘ઊર્મિનવરચના'માં પ્રકટ કરવો પડેલો. એ જ ‘ઊર્મિનવરચના'માં એના તંત્રીની ખાસ માગણીથી ૧૯૪૪માં ‘કાવ્યપ્રયોજન' વિશેનો લેખ પ્રકટ થવા મોકલેલો, તેને પ્રારંભનો નામનો ભાગ પ્રકટ કરીને એણે લેખનું પ્રકાશન બંધ કરી દીધેલું, એટલું જ નહિ પણ એ લેખની હસ્તપ્રત પણ લાંબા વખત સુધી પોતાની પાસે દાબી રાખેલી. સદભાગ્યે એની બીજી નકલ ઘરમાં સાચવી રાખી હતી તે એક ભાઈને અમદાવાદમાં મળવા આવેલા ત્યારે બતાવેલી અને એ રીતે આડકતરું સૂચન કરેલું કે મારી હસ્તપ્રત એ માસિકના તંત્રી દાબી રાખશે એટલે કંઈ એ લેખ બીજે પ્રકટ થતો અટકશે એમ જો એ માનતા હોય તો તે એની ભૂલ છે, કેમકે મારી પાસે એની બીજી નકલ આ રહી, અને તે હું બીજે ક્યાંક પ્રકટ કર્યા વિના રહેવાનો જ નથી. આટલી ખાતરી કરાવ્યા પછી જ પેલા તન્ત્રીએ હસ્તપ્રત પાછી મોકલેલી. એ જ ‘ઊર્મિ નવરચના'એ પોતાની મેળાએ જ સમકાલીન સાહિત્યકારોમાંથી (૧) રમણલાલ દેસાઈ, (૨) મેઘાણી, (૩) મુનશી, અને (૪) કાલેલકર એ ચારની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિ વિશે લેખો લખવાની માગણી કરેલી. એ પ્રમાણે ચારમાંના પહેલા રમણલાલ દેસાઈ વિશે ‘યુગમૂર્તિ વાર્તાકાર' એ લેખ એને ટૂંક મુદતમાં જ લખી આપેલો અને મેઘાણી વિશે ‘સોરઠી- જીવનનો સાહિત્યકાર ‘નામે લેખમાળા પણ એને તૈયાર કરી આપેલી, પણ એમાંના સ્પષ્ટ વિવેચનથી એ ડઘાઈ ગયા કે કોણ જાણે શું થયું, પણ આજે પચીસ વરસ ઉપર થઈ ગયું છતાં એ પછીના ત્રીજા સાહિત્યકાર મુનશી વિશેનું વિવેચન માગવાની એણે હજુ હિંમત કરી નથી. આ સ્થિતિ કેવળ માસિકાદિમાં આપવાના લેખો પૂરતી છે એમ પણ સમજવાનું નથી. એકવાર માસિકાદિમાં પ્રકટ થઈ ગએલો લેખ ગ્રન્થસ્થ કરવાનો હોય, અથવા એક-વાર ગ્રથસ્થ થઈ ગયેલા લેખનું નવી આવૃત્તિ વખતે પુનર્મુદ્રણ કરવાનું હોય ત્યારે પણ વસ્તુતઃ સાચી છતાં કોઈ વ્યક્તિ કે જૂથને અંગત રીતે અણગમતી વાત તેમાં આવતી હોય, તો તેવી પુસ્તકોની બાબતમાં પણ આવો જ અનુભવ થયો છે. સાહિત્યસૃષ્ટિમાંનાં અમુક સ્થાપિત હિતો, સાચીખોટી રીતે બેસાડી દીધેલી અમુક ઇષ્ટ મૂર્તિઓ, કે કૃત્રિમ રીતે ઊભી કરેલી અમુક પ્રતિષ્ઠાઓને સીધી કે આડકતરી રીતે જરા પણ આંચ આવે એમ છે એવો વહેમ પડે કે તરત જ તમે વાપરેલો કાગળ રદ્દી માલૂમ પડે, તમારી શાહી પણ હલકી જાતની છે એવી ફરિયાદ ઊઠે, તમારા અક્ષર ઉકેલવામાં એકાએક મુશ્કેલી ઊભી થાય, અને તમારે જોઈતાં બીબાંનો પણ મુદ્રણાલયમાં દુકાળ પડે-આમ અંદરખાનેથી અળખામણું લાગતું લખાણ છાપવાનું ટાળવાની જાતજાતની તરકીબો થાય અને એ તરકીબોનો સજ્જડ સામનો કરવામાં આવે ત્યારે જ થંભાવી દીધેલું મુદ્રણ પાછું શરૂ થાય-આવી દુર્દશા પુસ્તકોના પ્રકાશન બાબત પણ આપણે ત્યાં વરસોથી ચાલી રહી છે અને એ સંબંધમાં મારે ફરી ફરીને ફરિયાદ કરવી પડી છે. (જુઓ ‘નિકષરેખા' પૃ. ૩૭૧-૨, ‘ પૂજા અને પરીક્ષા', નિવેદન, પૃ. ૧૩-૪ અને થોડીક વીગતો પૃ. ૨૧૫-૬) જેમાં કેવળ ગુણગાન જ અપેક્ષિત હોય કે પ્રશસ્તિઓ જ લલકારવાની સંભાવના હોય એવા અભિનન્દન અંકો કે સ્મારકગ્રન્થો માટે લેખો લખવાનું કહેવા તો આજે પણ ઘણું આવે છે, પણ જેમાં કંઈક તટસ્થ તોલન કરવાનું હોય અથવા સ્વતંત્ર સમીક્ષા કરવાની હોય એવા સાફ સાફ વાતો કરનારા વિવેચનને માટે તો આજે પણ ગુજરાતમાં પાર વગરની પ્રતિકૂળતાને અનુભવ સતત રીતે થઈ રહ્યો છે.