< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/વિવેચનકલા
વ્યુત્પત્તિ વિચારીએ તો વિવેચન શબ્દ વિવિચ્ એટલે છૂટું પાડવું એ ધાતુ ઉપરથી બનેલો હોવાથી તેનો અર્થ સારાસારનું પૃથક્કરણ, ગુણદોષ વચ્ચે વિવેક, અથવા કાલિદાસનો શબ્દ વાપરીએ તો સદસવ્યક્તિ એવો થાય છે. આ વિવેચન શબ્દ આપણે અંગ્રેજી શબ્દ ‘ક્રિટિસિઝમ' (Criticism) ને માટે વાપરીએ છીએ, અને એ મૂળ અંગ્રેજી શબ્દનો અર્થ ન્યાયનિર્ણય, ઈન્સાફ એવો થાય છે. અર્થાત્ વિવેચનના મૂળ અંગ્રેજી શબ્દ પર લક્ષ રાખીએ તોપણ એનો અર્થ સાહિત્યકૃતિના ગુણદોષનો નિર્ણય, તેની સસારતા વિશેનો ચૂકાદો એવો થાય છે. એટલે રમણભાઈ કહે છે તેમ ‘વિવેચનમાં ગંભીર મનનથી સદસદ્વિવેક કરવાનો હોય છે, એવા વિવેકનો માર્ગ દર્શાવવાનો હોય છે, ગુણદોષની પરીક્ષા કરવાનાં ધોરણની ચર્ચા કરવાની હોય છે, સારાસારની તુલના કરવાની હોય છે.' આ રીતે વિવેચક એટલે કોઈ સાહિત્યકૃતિના અથવા કોઈ સાહિત્યકારના સમસ્ત કૃતિસમૂહના ગુણદોષની પરીક્ષા કરી તેના વિશે નિર્ણય આપી શકે એવી વિશિષ્ટ શક્તિ ધરાવનારો, એ વિષયની લાંબી તાલીમ પામ્યા પછી તેમાં નિષ્ણાત બનેલો વિદ્વાન, એવો એનો મૂળ અર્થ થાય છે. છતાં આપણે જયારે વિવેચનસાહિત્યની વાત કરીએ છીએ ત્યારે તેમાં નિર્ણયદર્શક સાહિત્ય ઉપરાંત બીજી પણ ઘણી વસ્તુનો આપણે સમાવેશ કરીએ છીએ. વસ્તુતઃ વિવેચન સાહિત્યના વર્ગમાં આપણે સાહિત્યને ઉદેશીને લખાએલા સમસ્ત સાહિત્યરાશિનો સમાવેશ કરીએ છીએ-પછી તેનો આશય સાહિત્યકૃતિના ગુણદોષનું પૃથક્કરણ કરવાનો હોય, અથવા તેના અર્થ કે રહસ્યનું નિરૂપણ કરવાનો હોય, અથવા તેનું મૂલ્યાંકન કરવાનો હોય, અથવા આ બધાં કાર્યો એકી સાથે કરવાનો હોય. કાવ્ય, નાટક, ને નવલકથા જીવનનું સીધી રીતે નિરૂપણ કરે છે. વિવેચન, કાવ્ય, નાટક, નવલકથા તેમ ખુદ વિવેચનનું નિરૂપણ કરે છે. એટલે સર્જનાત્મક સાહિત્યનું જો આપણે કાવ્યાદિ ભિન્ન ભિન્ન સાહિત્યસ્વરૂપો વાટે કરેલું જીવનનિરૂપણ એવું લક્ષણ બાંધીએ, તો વિવેચનાત્મક સાહિત્યનું સાહિત્યે કરેલા એ નિરૂપણનું તેમ કલાનાં જે ભિન્નભિન્ન સ્વરૂપો કે પ્રકારો દ્વારા એ નિરૂપણનું કરાએલું હોય તેનું નિરૂપણ એવું લક્ષણ બાંધી શકીએ.
વિવેચન સામે જે સૂગ દર્શાવવામાં આવે છે તેનો ખુલાસો આ ઉપરથી થઈ જશે. સાહિત્યના સ્વાધ્યાયમાં આપણને ખરી જરૂર ખુદ સાહિત્યકારની જ છે. ગ્રંથકાર પોતે જ આપણા અભ્યાસનો કેન્દ્રસ્થ વિષય છે. એની જ કૃતિ આપણે સમજવા માગીએ છીએ, અને તે પણ બીજા કોઈ સમજાવે એવી રીતે નહિ, પણ આપણી પોતાની બુદ્ધિથી શક્ય હોય એવી રીતે સમજવા માગીએ છીએ. એટલે ઘણા પૂછે છે કે, તો પછી આટલા બધા મધ્યસ્થો કે દુભાષિયાઓની શી જરૂર? તેથી જ આપણે ત્યાં એક વિવેચકે વિવેચનને ‘અત્યન્ત ધૃષ્ટતાવાળો વ્યાપાર' કહેલ છે. એ કહે છે, ‘વિવેચન એટલે એક તરફથી કવિને એમ કહેવું કે ‘તેં કાવ્ય લખ્યું તે ભલે પણ તેનો ખરો અર્થ હું જાણું છું; તું નથી જાણતો.’ બીજી તરફથી આખી વાંચનાર આલમને કહેવું કે ‘તમે કાવ્ય વાંચી શકો એ ખરું, પણ મારા વિના બરાબર સમજી ન શકો. જુઓ હું તમને આ કાવ્ય સમજાવું’. એ તો ઠીક છે આ માર્ગ રૂઢ થઈ ગયો છે એટલે અનેક વિવેચકો એ માર્ગે પ્રવૃત્તિ કરે છે, નહિતર આ પ્રવૃત્તિમાં ધૃષ્ટતા અને સાહસ ઓછાં નથી! એટલે ઘણાને પ્રશ્ન થાય છે કે અમે કાલિદાસ, ભવભૂતિ, શેક્સપિયર, રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ એ બધા સર્જકોની સાહિત્યકૃતિઓ જ સીધેસીધી વાંચવામાં સમયનો સવ્યય કરવાને બદલે એમને વિષે બીજા કોઈએ લખ્યું હોય તે વાંચવામાં તેનો દુર્વ્યય શા માટે કરીએ? ગ્રન્થોના વિવેચનરૂપે જગતમાં એટલા બધા ગ્રન્થો રચાયા છે કે આપણાં ગ્રંથાલયો હવે ગૂંગળાઈ રહ્યાં છે, અને આપણે હવે આ બધામાંથી શું વાંચવું એ પણ એક મૂંઝવણનો વિષય થઈ પડયો છે. અને આ વાત કંઈ એટલેથી નથી પતતી. હમણાં હમણાં તો ટીકા, ભાષ્ય, વિવેચન આદિ પરોપજીવી સાહિત્ય વિશે વળી, વિશેષ વિવેચનરૂપે બેવડી પરોપજીવી ગણાય એવી સાહિત્યપ્રવૃત્તિ જગતમાં અત્યન્ત વધવા લાગી છે, અને સર્જકે કરેલા જીવનનિરૂપણના નિરૂપણ કે વિવરણરૂપે લખાએલા વિવેચન ઉપર વળી બીજાં વિવેચનો ખડકાવા લાગ્યાં છે. નરસિંહરાવની ‘હ્રદયવીણા' પર મણિલાલ નભુભાઈએ ટીકાત્મક અવલોકન કર્યું તેનાથી છેડાઈને રમણભાઈએ વળી ‘હૃદયવીણા’ના એ અવલોકનનું જે અવલોકન કર્યું છે, તેમ વિશ્વનાથ વૈદ્યે ‘સરસ્વતીચન્દ્ર'નું અવલોકન લખ્યું તેના પુરસ્કારરૂપે મણિલાલ નભુભાઈએ લેખ લખ્યો અને તે બન્નેની પરીક્ષારૂપે રમણભાઈએ જે સમીક્ષા કરી છે તે તથા બાલાશંકરની કવિતાનાં ઠેકાણે ઠેકાણે અહોગાન ગાવા આપણા એક તરુણે દમ ભીડીને કમર કસી તો રા. સંજાનાએ ‘કલા કવિ કે ‘કલાન્ત કવિ' રૂપે એની જે સૂક્ષ્મ સર્વાંગી પરીક્ષા કરી છે તે સર્વ આ પ્રવૃત્તિનાં ઉદાહરણો છે. આ પ્રમાણે જગતમાં હવે ગ્રંથસંખ્યા બેસુમાર વધતી જાય છે. અને તેમાં ગ્રંથો વિશે ગ્રંથો લખાય છે એટલું જ નહિ; પણ ગ્રંથો વિશે લખાયેલા ગ્રંથો ઉપર પણ વિવેચનરૂપે પાછા ગ્રંથો દિને દિને વધુ વધુ લખાતા જાય છે. આપણે ત્યાં એક જણ આપણા વિવેચનસાહિત્યની રૂપરેખારૂપ પુસ્તક લખે છે, તો બીજો અમુક અમુક વિવેચકોની વિવેચન પદ્ધતિ વિશે પૃથ્થકરણરૂપે સ્વાધ્યાયલેખ લખે છે, અને કોઈ ત્રીજો વળી એવા સ્વાધ્યાયલેખોની તુલનાત્મક પરીક્ષા કરનારા લેખો માસિકાદિ પત્રોમાં પ્રકટ કરે છે. અને તેથી જગતની ઉત્તમોત્તમ સાહિત્યકૃતિઓમાંની ઘણીખરી વિશેની માહિતી એ મૂળ કૃતિના વાચન દ્વારા નહિ પણ એના વિશે લખાયેલા વિવેચનલેખો દ્વારા મેળવવાનું પ્રલોભન આપણે માટે ઊભું થાય છે. રવીન્દ્રનાથ ટાગોર કાલિદાસની ‘શાકુન્તલ' ‘મેઘદૂત' આદિ કૃતિઓનું રસદર્શન કરાવે. પછી રા. કાલેલકર એમના એ રસદર્શનનું પુરસ્કરણ કરે, અને કોઈ ત્રીજી વ્યક્તિ વળી રા. કાલેલકરના એ પુરસ્કરણની પરીક્ષા કરે. રવીન્દ્રનાથ જેવા સર્જક વિવેચક કાલિદાસ જેવા મહાકવિ વિશે જે કંઈ વિચારો દર્શાવે તે ખરેખર રસ પડે એવા જ હોય, અને રવીન્દ્રનાથના વિચારો દર્શાવે તે વિશે રા. કાલેલકર જેવાનું વકતવ્ય પણ અવશ્ય ધ્યાનપાત્ર જ હોય, તેમ વળી કોઈ ત્રીજો માણસ રા. કાલેલકરના એ વિવેચનનું વિવેચન લખે તે પણ કદાચ રસિક થઈ પડે. પણ આ બધી ઘટમાળમાં એક દહેશત રહે છે કે રવિબાબુ અને કાલેલકરના લેખસમૂહની પાછળ ભટકતાં ભટકતાં આપણો સઘળો અવકાશ કદાચ એમનાં વિવેચનોમાં જ ચાલ્યો જાય, અને એ વિવેચનોના પ્રેરક ખુદ કાલિદાસની કૃતિઓ કદાચ વણવાંચી જ રહી જાય! એટલે, આ દૃષ્ટિએ જોઈએ તો વિવેચક સાહિત્યના રસાસ્વાદમાં બોજા કે અન્તરાયરૂપ નથી લાગતો? વિવેચનની આપણે ગમે તેટલી વકીલાત કરીએ, છતાં વિવેચનલેખોનો અભ્યાસ એ વિવેચને પાત્ર બનેલી મૂળ સાહિત્યકૃતિઓના અભ્યાસનું સ્થાન તો કદી ન જ લઈ શકે એ દેખીતું જ છે. અને એનું સૌથી માઠું પરિણામ એ આવવાનો સંભવ છે કે પછી આપણે મૂળ સાહિત્ય કૃતિ વાંચવાને બદલે તેના વિશેના વિવેચન દ્વારા એને લગતી જે ઉપલક માહિતી મળે તેથી જે સન્તુષ્ટ થઈ જવાના. અને એક વાત તો ચોક્કસ છે કે વિવેચન ગમે તેટલું વેધક તલસ્પર્શી, કે મહત્ત્વપૂર્ણ હોય છતાં એને મૂળ સાહિત્યકૃતિ સાથેના સીધા સંપર્ક જેટલું ગૌરવ તો કદી પણ ન જ આપી શકાય.
વિવેચન સામેના આ બધા વાંધા બરાબર સમજી શકાય એવા છે અને વર્તમાનયુગમાં સર્જનકૃતિઓ ટીકા, ભાષ્ય, વિવેચન આદિના નિત્ય નિત્ય વધતા જતા ઢગ નીચે ઢંકાઈને દટાઈ જવાનો ભય ઊભો થયો છે. એટલે એ બધા વાંધા સમભાવપૂર્વક અવશ્ય લેખામાં પણ લેવા જેવા છે. તેથી આપણા જમાનાના વિદ્યાજીવનમાં વિવેચનનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેની સામે વિરોધ ઉઠાવવામાં આવે એમાં કશું અજુગતું નથી. પણ એ કારણે કંઈ વિવેચનની જે ખરી મૂલ્યવત્તા છે, તેનો તો આપણે નિષેધ નહિ જ કરી શકીએ : કેમ કે ગમે તેટલો વિરોધ કરીએ તો પણ સાહિત્યજગતમાં વિવેચનની વિશિષ્ટ ફરજો છે તેમ તેનું હકસરનું સ્થાન પણ છે એ ભૂલવાનું નથી.
પહેલાં તો, સાધારણ રીતે વીસરી જવાતી કે લક્ષબહાર રહી જતી એક વાત પ્રસંગોપાત ભારપૂર્વક સ્પષ્ટ કરવાની જરૂર છે. ઘણી વાર વિવેચનને ઉતારી પાડવા માટે વિવેચન કંઈ સર્જન નથી એવો વાદ ઊભો કરવામાં આવે છે. પણ એ વાદ ભૂલભરેલો છે. જીવનનું સીધી રીતે નિરૂપણ કરનારું સાહિત્ય (જેને આપણે પરંપરાગત માન્યતાથી સર્જનનું નામ આપીએ છીએ) અને સાહિત્યનું નિરૂપણ કરનારું સાહિત્ય (જેને આપણે વિવેચનનું નામ આપીએ છીએ) એ બન્ને વચ્ચેનો ભેદ પ્રથમ દૃષ્ટિએ તો મૂળભૂત લાગે એવો છે, પણ વિશેષ વિચાર કરતાં એ વાસ્તવિક નહિ પણ કૃત્રિમ જ ઠરે છે. સાહિત્યની ઉપાદાનરૂપ સામગ્રી શી? જીવનમાં આપણને જે કંઈ રસ આપે છે તે સઘળી સાહિત્યની ઉપાદાનરૂપ સામગ્રી. તો માનવીનું શીલ, એનું વ્યક્તિવૈશિષ્ટ્ય એ પણ જીવનની પરમ મહત્ત્વની અને વળી પુષ્કળ રસપ્રદ એવી વસ્તુ છે. એટલે આ ઉપરથી જ આપોઆપ ફલિત થાય છે કે વિવેચક સાહિત્યકૃતિની અંદર પ્રતિબિંબિત થયેલા કોઈ મહાન સાહિત્યકારના શીલ કે વ્યક્તિવૈશિષ્ટ્યનું તથા એના શીલના આવિષ્કારરૂપે એ સાહિત્યકૃતિનું પણ સમગ્ર દૃષ્ટિએ તથા સર્વ બાજુથી નિરૂપણ કરતો હોવાથી એ પણ તેના વિવેચનના વિષયરૂપ બનેલા કવિ કે નાટકકારની પેઠે જ સાચેસાચ જીવનનું જ નિરૂપણ કરે છે. માનવીના કોઈ ઉદાત્ત જીવનપ્રસંગ કે કાર્યમાં જેટલું જીવન લખલખી રહ્યું હોય છે તેટલું જ એને હાથે રચાયેલી કોઈ ઉદાત્ત સાહિત્યકૃતિમાં પણ લખલખી રહેલું હોય છે, અને જીવનની અન્ય કોઈ પણ પ્રવૃત્તિમાં જેટલું ચૈતન્ય ધબકી રહેલું હોય છે. તેથી ‘ક્ષણમાં ઊપજીને વિલય પામી જતા કોકિલટુહૂકારે જગાવેલી ઊર્મિઓનો આવિષ્કાર જો સર્જન કહેવાય તો પછી કવિકોકિલના અમર કાવ્યટુહૂકારે જગાવેલી ઊર્મિઓનો આવિષ્કાર પણ શા માટે સર્જન નહિ? ચન્દ્રિકાસ્નાનથી પ્રફુલ્લ બનેલા હૃદયનું ગાન જો સર્જન, તો પછી ‘શાકુન્તલ' કે ‘કાદમ્બરી'ની સૌન્દર્યચન્દ્રિકાથી પ્રફુલ્લ બનેલા હૃદયના ઉદ્ગારો પણ કેમ નહિ? અને કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે ‘પ્રાચીન સાહિત્ય'માં સુભગ વાણીમાં ઠાલવેલા આવા ઉદ્ગારો એમની અન્ય કૃતિઓના જેવા જ સર્જક નથી એમ કોણ કહી શકશે? રામ, અર્જુન કે એકિલિઝના સંગ્રામવિજયમાં જેટલું પરાક્રમ અને તેથી જીવન વસેલું છે, તેટલું જ વાલ્મીકિ, વ્યાસ કે હોમરના અદ્ભુત વાણીવિજયમાં પણ શું નથી વસેલું? તો પછી સ્થૂલ પરાક્રમને મૂર્ત કરતી કલા જો સર્જક તો એથી પણ કપરા એવા સૂક્ષ્મ પરાક્રમને મૂર્ત કરતી કલાને કઈ રીતે એથી ઊતરતી કહી શકાય? આમ, સાચું વિવેચન પણ જીવનમાંથી જ વસ્તુ અને પ્રેરણા મેળવે છે એટલે પોતાની વિશેષ રીતે તે પણ સર્જક જ છે.' ૩[1]
અને તેથી જીવનમાંથી સીધું જ વસ્તુ અને પ્રેરણા મેળવનારું સાહિત્ય તે જ સર્જન અને વિવેચન એવી રીતે સીધી પ્રેરણા કે વસ્તુ નહિ મેળવતું હોવાથી સર્જન નહિ એવો જે ભ્રમ અત્યારે કેટલેક સ્થળે પ્રવર્તી રહ્યો છે તે દૂર કરવાનો છે.
એટલે આ બાબતમાં જે અગત્ય છે તે વિવેચનને સર્જનથી ભિન્ન ગણીને ઉતારી પાડવાની નહિ પણ વિવેચનના દુરુપયોગ તથા સદુપયોગ વચ્ચે વિવેક કરવાની છે. અને સદ્ભાગ્યે એવો વિવેક કરવામાં કંઈ ખાસ મુશ્કેલી આવે એવું નથી. આપણાપોતાના જ અનુભવ ઉપરથી આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ કે વિવેચન આટલા પ્રમાણમાં કે આવે આવે પ્રસંગે કેવળ જંજાળ કે આડખીલી જેવું થઈ પડે છે અને આટલા પ્રમાણમાં કે આવે આવે પ્રસંગે ઉપયોગી, મદદરૂપ થઈ પડે છે.
આખી વાતનો મુદ્દો સંક્ષેપમાં રજૂ કરીએ તો, કોઈ મહાન ગ્રંથકાર સાથે સંપર્ક સાધવાને બદલે અને તેની કૃતિનો સાંગોપાંગ અભ્યાસ આપણી મેળાએ જ કરવાને બદલે એ ગ્રંથકાર વિશે અન્ય કોઈએ જે કંઈ કહ્યું હોય તેટલું જ વાંચી કે જાણી લઈને આપણે જો સંતુષ્ટ રહીએ તો એ વખતે વિવેચન આપણા માર્ગમાં આડખીલીરૂપ નીવડયું છે એમ કહી શકાય. અભ્યાસનાં અન્ય સર્વ ક્ષેત્રોની પેઠે સાહિત્યક્ષેત્રમાં પણ હવે જ્ઞાન મેળવવાના ટૂંકા અને સહેલા માર્ગો ઝપાટાબંધ વધવા લાગ્યા છે. વળી આજના જમાનામાં જિંદગી ધાંધલ અને રઘવાટથી ભરપૂર બની ગઈ છે, તથા માણસને ઘડીકમાં આ કરું તો ઘડીકમાં તે કરું આ વાંચું કે તે વાંચું એમ પ્રત્યેક પ્રત્યેક પળે અનેક વસ્તુઓ એકીસાથે આકર્ષ્યા કરે એવાં પરસ્પર વિરોધી રસો કે આકર્ષણો પણ આજના જીવનમાં વધતાં જાય છે. એટલે દુનિયામાં જેનું નામ બહુ જાણીતું બની ગયું હોય અને જેને વિશે સૌ છૂટથી વાતો કરતું હોય એવા જગમશહૂર સાહિત્યકારો વિશે આપણને પણ સૌની પેઠે છૂટથી વાતો કરવાનું મન થાય એ સ્વાભાવિક છે, અને છતાં એ સાહિત્યકારની કૃતિઓ જાતે વાંચવા જેટલો અવકાશ, અનુકૂળતા કે ધીરજ આપણને ન હોય, અને તેથી એનો પરિચય મેળવવાને કોઈ ટૂંકા કે સહેલા માર્ગનો આશરો લેવાની આપણને સખત લાલચ થઈ આવે તો એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. ‘મહાભારત', ‘રામાયણ', કે ‘ઇલિયડ' જેવા મહાગ્રંથો આદિથી અંત સુધી સળંગ વાંચી જવા કે તેના અતિલંબાણને લીધે તેમ જીવનમાં એવું બીજું ઘણું વાંચવા જેવું પડેલું હોવાને લીધે આપણામાં ઘણાને લગભગ અશક્ય જેવું લાગે છે, એટલે કે વિશ્વવિખ્યાત પ્રાચીન મહાગ્રંથોનો જે રસમય સાર નર્મદે આપણી ભાષામાં તૈયાર કર્યો છે તે અથવા એવી જ કોઈ સંક્ષિપ્ત આવૃત્તિ આપણને વિશેષ અનુકૂળ થઈ પડે એ દેખીતું છે. અને તેથી આ બાબતની ચર્ચા કરનારા ‘કેટલાક લેખકો આવી સંક્ષિપ્ત આવૃત્તિઓ કે સારાત્મક લેખોનો ઉપયોગ કરવાની વૃત્તિને સર્વથા નિંદ્ય ગણી કાઢે છે તે યોગ્ય નથી. વસ્તુતઃ આ આખી વાત આપણે આદર્શની નહિ પણ વ્યવહારની દૃષ્ટિએ વિચારવાની છે, અને એ પ્રમાણે વિચારીશું તો તરત જ પ્રતીતિ થશે કે વિશ્વસાહિત્યની વાંચવા જેવી એકેએક કૃતિ આપણે એના અસલ સ્વરૂપમાં સાદ્યન્ત વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ એવી સલાહ આજે કોઈને આપવી એ જગતના મોટા ભાગના માણસોને માટે તો આજે, તારે જીવન ગાળવું હોય તો જરા પણ ખોડખામી વગરનું સર્વથા વિશુદ્ધ ને વંદ્ય એવું જ જીવન ગાળવું જોઈએ એવી ઉચ્ચતમ ભાવનાદૃષ્ટિની સલાહ આપવા જેવું અવહેવારુ છે. પણ જો એક બાજુથી ‘મહાભારત', ‘રામાયણ,' ‘ઇલિયડ' જેવા મહાગ્રંથો સર્વથા વણવાંચ્યા રહે એવી સ્થિતિ હોય, અને બીજી બાજુથી નર્મદના જેવા સારાત્મક લખાણ દ્વારા એની કથાનો તથા એનાં પાત્રોનો થોડોઘણો પણ ખ્યાલ મળી શકે એવી સગવડ હોય, અને આ બેમાંથી કયા વિકલ્પનો સ્વીકાર કરવો એવો પ્રશ્ન કોઈની સામે આવીને ઊભો રહેતો હોય, તો એના ઉત્તરમાં કોઈ પણ સમજુ માણસ તો, એવા મહાગ્રંથો વિશે કંઈ પણ ન જાણવું તેના કરતાં સારાત્મક લખાણ દ્વારા પણ એને વિશે થોડીઘણી માહિતી મળતી હોય તો તે મેળવવી એ વધારે સારું છે એવી જ સલાહ અવશ્ય આપશે, કેમ કે આયુષ્ય અલ્પ છે, તેમાં માણસને અવકાશનો જે ગાળો મળે છે તે ટૂંકો જ હોય છે અને પોતાને જેમાં અંગત રીતે ખાસ રસ પડતો હોય એવા વિષયોનું વર્તુલ પણ અનિવાર્ય રીતે મર્યાદિત હોય છે. આ સ્થિતિમાં જગતના ખરેખર ઉત્તમ સાહિત્યનો જે વિપુલ સમૂહ પડ્યો છે તેમાંથી આપણે જાતે વાંચીને આપણો પોતાનો બનાવી શકીએ તેવો તો ખરેખર બહુ જ નાનો હોય છે, વળી, આપણે ખાસ અભ્યાસને માટે પસંદ કરેલા ક્ષેત્રની બહાર રહી જતા અથવા આપણી ઇચ્છા હોય છતાં જેનો અભ્યાસ કરવાની આપણને કદી તક ન મળી શકે એવા જે અનેક મહત્ત્વના સાહિત્યકારો અવશ્ય નીકળવાના, તેમને વિશે આપણને જિજ્ઞાસા થયા વિના ન રહે તથા એમનાં પ્રકૃતિલક્ષણો, એમની સર્જનકૃતિઓનું સ્વરૂપ તેમ સાહિત્યના ઇતિહાસમાં એમનું સ્થાન અને બીજાઓ ઉપરથી એમની અસર આદિ બાબતો વિશે થોડીઘણી માહિતી મેળવવાની આપણને ઇચ્છા થાય તો તે સર્વથા સ્વાભાવિક અને યોગ્ય જ છે, અને તેથી બીજાઓએ એમને વિશે જે લખેલું હોય તેનો આપણે છૂટથી ઉપયોગ ન કરવો જોઈએ; સાર, સંક્ષેપ, ભાષ્ય કે વિવેચનના રૂપમાં જે કંઈ સામગ્રી આપણી સગવડ માટે વિદ્વાનોએ તૈયાર કરેલ હોય તે મૂળ ગ્રંથોને બદલે અથવા એ ગ્રંથોમાં આપણને ખાસ ઉપયોગી કે આકર્ષક થઈ પડે એવું શું છે તે જાણવાના સાધન તરીકે વાપરવી ન જોઈએ એવી દલીલ કોઈ કરે તો તે મૂર્ખાઈભરી જ ઠરે. ઉદાહરણ તરીકે, સૌ સ્વીકારશે કે ટૉલ્સ્ટૉય જગતના ઉત્તમોત્તમ સર્જકો તેમ ચિન્તકોમાં માનભર્યું સ્થાન ધરાવે એવો સાહિત્યકાર છે. વળી, ગાંધીજીના ગુરુ તરીકે તેમ અહિંસાની નવીન ફિલસૂફીના આદ્ય આચાર્ય તરીકે જે અસર કરી છે તે જાણવાનું ગુજરાતી વાચકને મન થાય એ પણ સ્વાભાવિક છે. આવા સાહિત્યકાર વિશે તેમ એના કૃતિસમૂહ અને સેવા વિશે ઘણાખરાને કેટલાક પ્રશ્નો સ્ફુર્યા વગર રહેવાના જ નહિ. જેમ કે એના સાક્ષરજીવનનું અંતિમ ધ્યેય શું હતું? એની લેખનપ્રવૃત્તિ પાછળના આશયો શા? એની સાહિત્યસર્જનની પદ્ધતિ કેવી હતી? અને સાહિત્યજગતમાં એની સિદ્ધિઓ શી? એના કૃતિસમૂહમાંથી કેટલું કેવળ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું ગણાય એવું અને કેટલું નિરપેક્ષ દૃષ્ટિએ ચિરંજીવ મૂલ્યવત્તાવાળું ને એની એ મૂલ્યવત્તા શાથી? આવા આવા પ્રશ્નોના સવિસ્તર નહિ તો દિગ્દર્શક પણ ઉત્તર મેળવવાની આપણને ઇચ્છા થાય જ. પણ ટૉલ્સ્ટોયનો કૃતિસમૂહ જથ્થામાં બહુ જ મોટો છે. એક એક ગ્રંથમાં બબ્બે ત્રણ ત્રણ કૃતિઓ સાથે છાપી હોય એવા ત્રીસથી વધુ ગ્રંથોમાં એ પથરાયેલો છે. એનું સાહિત્યસર્જન અનેકવિધ હતું. એણે લાંબી લાંબી નવલકથાઓ એમાંની એક ને મુખ્ય તો કદાચ જગતની સૌથી વિશેષ લાંબી ગણાય એવી નવલકથા લખી છે, નવલિકાઓ પણ ઘણી લખી છે, નાટકોયે સારી સંખ્યામાં આપ્યાં છે, તેમ કલા, ધર્મ ને સમગ્ર જીવન વિશે ચર્ચા કરતા ચિંતનગ્રંથો પણ લખ્યા છે. એટલે આટલો વિવિધ ને વિપુલ કૃતિસમૂહ જાતે વાંચીને ટૉલ્સ્ટોય વિશે સ્વતન્ત્ર નિર્ણય કરવો એ સામાન્ય ગુજરાતી વાચક ને માટે તો કેવળ અશક્ય જ છે અને તેથી ગુજરાતનો કોઈ ટૉલ્સ્ટૉયપ્રેમી વિદ્વાન એના સઘળા ગ્રંથો વાંચી વિચારીને એ ઉપરથી ત્રણસોચારસો પાનાંમાં તેના જીવન અને સર્જનચિંતનનો ગુજરાતીમાં રસમય રીતે ને વિવેકપૂર્વક પરિચય કરાવે, તો એવો એક જ ગ્રંથ નિરાંતે કાળજીપૂર્વક વાંચવાથી ટૉલ્સ્ટૉયના મૂળ ગ્રંથો ઉતાવળે કે ઉપરટપકે જોઈ જવા કરતાં ગુજરાતી વાચકને વિશેષ લાભ થશે. અને ટૉલ્સ્ટૉયની પ્રતિભા, અને આ વાત ટૉલ્સ્ટૉય જેવા વિદેશી કે વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલા સર્જક વિશે જ સાચી છે એમ પણ માનવાનું નથી. વસ્તુતઃ એ પરભાષાની પેઠે સ્વભાષાના તેમ મુખ્યની પેઠે ગૌણ સર્જકોને પણ સરખી જ લાગુ પડે છે. કેમ કે મેથ્યુ આર્નોલ્ડે યોગ્ય શબ્દોમાં કહ્યું છે તેમ એવા ગૌણ સર્જકો પણ પોતપોતાની રીતે સાચા પ્રતિભાશાળી પુરુષો હોઈને એમનામાં ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્'નું યથાર્થ દર્શન કરવાની સાચી ઈશ્વરદત્ત શક્તિ હોય છે.' અને તેથી એમની કૃતિઓ ‘જીવનપ્રદ પ્રેરણાનાં આંદોલનો વહેવરાવે એવી શક્તિ ધરાવે છે.' એટલે ‘આવા પ્રતિભાશાળી પુરુષના સંપર્કમાં અવારનવાર આવતા રહેવું અને એના સર્જનમાંથી સર્વોત્તમ મધુ સારવી લેવું એ આરોગ્યપ્રદ તેમ હિતકર છે. કેમ કે ‘ઘણી વાર તો એમનાથી વિશેષ સમર્થ કે મહાન સાહિત્યકારો કરતાં આવા ગૌણ સર્જકોમાં એવું જીવનમધુ આપણને આરોગ્ય બક્ષે એવું જીવનમધુ વિશેષ રહેલું હોય છે.૪[2] પણ આવા ગૌણ લેખકોની સંખ્યા કંઈ નાનીસૂની હોતી નથી, અને એમના લખાણનો સમુદાય પણ ઘણી વાર ખૂબ ખૂબ મોટો હોય છે, એટલે એ સૌનો કૃતિસમૂહ આદિથી અંત સુધી જાતે સળંગ વાંચી જવો એ આપણામાંના ઘણાખરાને માટે દેખીતું જ અશક્ય છે. અને તેથી જે કોઈ વિદ્વાન ગૌણ લેખકોના કૃતિસમૂહનું આપણે માટે મંથન કરીને એમાંથી નવનીત તારવી કાઢી આપણી આગળ રજૂ કરે તેના આપણે ઋણી જ બનીએ છીએ. તેથી ‘આપણા પ્રાચીન અર્વાચીન સર્વપુરોગામી સાહિત્યકારોમાંથી નવા જમાનાની દૃષ્ટિએ સૂક્ષ્મ વિવેકપૂર્વક સારસંગ્રહોની એક માળા યોજવાની અનિવાર્ય જરૂર છે.' ૫[3] નરસિંહથી માંડીને નરસિંહરાવ પર્યન્તના સર્વ સાહિત્યકારોની કૃતિઓમાંથી આવા સંગ્રહો યોજવામાં આવે તો તે વાચકવર્ગને અત્યન્ત ઉપયોગી થઈ પડે. આવું સંગ્રહકાર્ય દેખીતું ભલે ને સામાન્ય લાગે, છતાં ગતકાલીન સાહિત્યકારોના સર્જનધનને પ્રજામાં ફરતું રાખવામાં એ બહુ જ મૂલ્યવાન નીવડે છે, અને તેથી એવા જે કંઈ સારસંગ્રહો આપણી ભાષામાં અત્યારે ઉપલબ્ધ હોય કે ભવિષ્યમાં બને તેનો ઉપયોગ કરતાં અચકાવાનું કે શરમાવાનું કારણ નથી.
એટલે ગ્રંથકારોનો કે તેમના ગ્રંથોનો પરિચય સાધવા માટે આપણે અન્યજનોનો કદી આશ્રય લેવો જ નહિ અને એમના કૃતિસમૂહનું જ સીધું અધ્યયન કરવું એવું પ્રતિપાદન ભૂલભરેલું અને અન્તિમ કોટિનું જ ગણવાનું છે. છતાં આપણું કામ મુખ્યત્વે તો સાહિત્યકૃતિ સાથે જ છે; સાહિત્યના ચાહે તેટલાં ઉત્તમ હોય એવાં નિરૂપણ, ભાષ્ય કે વિવેચન સાથે નહિ જ એ સિદ્ધાંતમાંનું સત્ય તો કોઈ રીતે ઓછું થઈ શકે એમ જ નથી. સાહિત્યસ્વાધ્યાયનો મૂળ ઉદ્દેશ તો લેખક-વાચક વચ્ચે સીધો અંગત સંબંધ બાંધવાનો હોય તો મૂળ ગ્રંથ વાંચવાને બદલે એ ગ્રંથ વિશે લખાયેલા ગ્રંથના વાચનથી સંતુષ્ટ થઈ જવાની આપણી આદતની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી જ છે; કેમ કે કોઈ પણ મહાન સાહિત્યકૃતિનો જે તાત્ત્વિક ગુણ હોય છે, એની જે વિશિષ્ટ શક્તિ હોય છે અને એનામાં જે ‘જીવનપ્રદ પ્રેરણા' હોય છે, તેનો પૂર્ણ અનુભવ તો તે મૂળ ગ્રંથ સાથે સીધો સંપર્ક સાધવામાં આવે ત્યારે જ થઈ શકે છે. આ બધા લાભો ભાષ્યકાર કે વિવેચક જેવા દુભાષિયા કે આડતિયા દ્વારા કદી પણ પૂરેપૂરા ન જ મળી શકે. એક અમેરિકન અધ્યાપકે પોતાના એક વિદ્યાર્થીની એક વાત કહેલી કે એને શેક્સપિયરના ‘ટિમન ઑફ ઍથેન્સ' (Timon of Athens) પર નિબંધ લખવો હશે તેથી અધ્યાપક પાસે આવીને એણે પૂછેલું કે ‘ટિમન ઓફ એથેન્સ' ઉપર વાંચવા જેવો ઉત્તમોત્તમ ગ્રંથ ક્યો? એટલે કે અધ્યાપકે ઉત્તર આપેલો કે ‘ટિમન ઑફ એથેન્સ' પર વાંચવા જેવો ઉત્તમોત્તમ ગ્રંથ તે ‘ટિમન ઓફ એથેન્સ' પોતે જ. અને આવી દીવા જેવી ચોખ્ખી વાત પેલા પ્રશ્નકાર વિદ્યાર્થીને કદી સૂઝેલી જ નહિ, એટલે એ બિચારો કંઈક ભોંઠો પડેલો. પણ એ વાત એ વિદ્યાર્થી જ નહિ પણ આપણામાંના ઘણા ભૂલી જાય છે. એટલે આપણે એક વાર કહેલી વાત અહીં ફરીથી કહીએ કે કોઈ પણ ગ્રંથનું ભલે ને ગમે તેટલા કૌશલપૂર્વક પૃથક્કરણ કે વિવેચન કરેલું હોય છતાં એ પૃથક્કરણ-વિવેચન એ મૂળ ગ્રંથના આપણા જાતવાચન કે સ્વયંગ્રહણ-અવધારણનું સ્થાન કદી જ ન લઈ શકે અથવા તેની ગરજ ન જ સારી શકે. આવું ગ્રહણ-અવધારણ કરવાને માટે આપણે દૃઢ નિશ્ચયપૂર્વક પ્રયત્ન કરીને જે શ્રમ લઈએ તે બહારથી એ ગ્રંથ વિશે આપણે જે કંઈ જ્ઞાન મેળવીએ તેના કરતાં આપણી જાતને સાહિત્યની તાલીમ આપવાની તેમ સાહિત્યસંસ્કારી બનાવવાની દૃષ્ટિએ અનેકગણો મૂલ્યવાન અને ફળદાયક છે એ ભૂલવાનું નથી.
આ ઉપરથી ભાષ્યો અને વિવેચનોનો આશરો લેવામાં જે એક બીજું જોખમ રહેલું છે તેનું પણ સ્મરણ થાય છે. આવો આશરો લેવાથી કોઈ ગ્રંથનો બીજા માણસે જે અર્થ કરેલો હોય અને તેની યોગ્યાયોગ્યતા વિશે એણે જે નિર્ણય આપેલો હોય તે જ વગર વિચાર્યે અને મૂંગે મોંએ સ્વીકારી લેવાની કુટેવ આપણને પડી જાય છે. અને ભાષ્યકાર કે વિવેચનકારનું સામર્થ્ય જેમ વિશેષ તેમ આપણને મૂંગા બનાવવાનો સંભવ અને દહેશત પણ વિશેષ, એટલે સમર્થ વિવેચકના સંબંધમાં તો આ જોખમ વળી ઓર વધી જાય છે, કેમ કે જો એ ખરેખરો વિવેચક હશે એટલે કે જો એ અસાધારણ વિદ્વત્તા, ગ્રહણશક્તિ અને વ્યક્તિત્વવાળો પુરુષ હશે તો એ આપણી સમજશક્તિ પર ભૂરકી નાખીને આપણને મૂઢ બનાવી દે એવો ભય રહે છે. એનું વિવેચન વાંચ્યા પછી આપણને એના અસાધારણ સામર્થ્યનું તેમ એની સાથે સરખાવતાં આપણી બુદ્ધિની અલ્પતાનું ખેદકારક ભાન થવાનું, અને તેથી આપણે લાચારીથી સર્વથા એના આજ્ઞાંકિત દાસ જેવા બની જવાના. એટલે પછી આપણી બુદ્ધિ પર એનું શાસન એવું અપ્રતિહત ચાલવાનું કે એના નિર્ણયોને આપણે આંખો મીંચીને અંતિમ તરીકે સ્વીકારી લેવાના. પછી એ ગ્રંથ તરફ આપણી સ્વતંત્ર દૃષ્ટિથી નહિ જોઈ શકવાના, પણ એ વિવેચકની દૃષ્ટિનાં ચશ્માં દ્વારા જ પછી આપણે જોવા લાગવાના, એ વિવેચકને થયું હોય એટલી જ વસ્તુનું દર્શન પછી આપણને એ ગ્રંથમાં થવાનું અને એ સિવાય અન્ય કશું આપણે જોઈ શકવાના નહિ. એટલે જે સૌન્દર્ય કે ક્ષતિ એ વિવેચક કોઈ કારણે નહિ જોઈ શક્યો હોય તે આપણે પણ નહિ જોઈ શકવાના; કેમ કે એ ગ્રંથનું આપણું વાચન પછી એણે પાડેલે ચીલે જ યાંત્રિક રીતે ચાલ્યા કરવાનું. આમ એ વિવેચક સાહિત્યકૃતિનો આપણે માટેનો પથ પ્રદર્શક બનવાને બદલે સાહિત્યકૃતિ અને આપણી વચ્ચે અંતરાયરૂપ બની જાય છે. આપણને સાહિત્યસ્વાધ્યાયમાં રસ્તો બતાવવાને બદલે ઊલટો એ તો આપણો રસ્તો રૂંધીને બેસે છે. ગ્રંથકાર સાથેનો આપણો સીધો અંગત સંબંધ એ રોકી દે છે, અને એના ગ્રંથ પર આપણું ચિત્ત સ્વતંત્ર ચિંતનવ્યાપાર ચલાવે તે એ અશક્ય બનાવી મૂકે છે.
વિવેચનના દુરુપયોગથી થતાં માઠાં પરિણામો આ પ્રમાણે ગંભીર હોવા છતાં સાહિત્યના સ્વાધ્યાયમાં એની સાચી ઉપયોગિતા વિશે એક પળવાર પણ શંકા રાખી શકાય એમ નથી. વિવેચનની સેવા કે ઉપયોગિતાનો અસ્વીકાર કરવો એ તો જાણે આપણા કરતાં વિશેષ જ્ઞાની, સમજુ કે ડાહ્યું આખા જગતમાં બીજું કોઈ હોઈ શકે જ નહિ અથવા તો આપણા કરતાં કોઈને વિશેષ ઊંડો અનુભવ થયો હોય કે જ્ઞાનમાંથી આપણે કદી લાભ ઉઠાવી જ ન શકીએ એવું કહેવા બરોબર છે. વિવેચનનું મુખ્ય કાર્ય સાહિત્ય પર વિશેષ પ્રકાશ ફેંકવાનું તથા આપણને જાગ્રત કરી તેના તરફ અભિમુખ બનાવવાનું છે. અને જો કોઈ મહાકવિ આપણને જીવન વિશે વિશાળતર અનુભવ અને સૂક્ષ્મતર દર્શન કરાવી શકે તો તે જ રીતે સમર્થ વિવેચક આપણને સાહિત્ય વિશે વિશાળતર અનુભવ અને સૂક્ષ્મતર દર્શન જરૂર કરાવી શકે. રવિબાબુએ એમના ‘સાહિત્યનો વિચારક' નામે લેખમાં આ જ વાત કહી છે. ‘જેવી રીતે સાહિત્યની સ્વાધીન રચનાથી કોઈની પ્રતિભા સર્વકાળનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરે છે, સર્વકાળને આસને અધિકાર પામે છે, તેવી રીતે વિચારની પણ પ્રતિભા હોય છે. કોઈ કોઈની પરખ કરવાની શક્તિ સ્વાભાવિક રીતે જ અસામાન્ય હોય છે. જે કંઈ ક્ષણિક હોય છે, સંકીર્ણ હોય છે, તે તેમની નજરમાંથી છટકી જઈ શકતું નથી. જે કંઈ ધ્રુવ હોય છે, ચિરંતન હોય છે, તેને એક પળમાં જ તેઓ પારખી કાઢે છે.૬[4] સાચા વિવેચકને પોતાના વિષયનું વિશાળતા અને સંગીનતામાં આપણા કરતાં ક્યાંયે ચડી જાય એવું ઊંડું જ્ઞાન હોય છે. અને વળી એનામાં વેધકતા, સૂક્ષ્મ દર્શન અને ગ્રહણધારણની વિશિષ્ટ શક્તિઓ હોય છે એટલે આ બધી ગુણસામગ્રી એને એના વિવેચનકાર્યને માટે વિશિષ્ટ અધિકાર ને યોગ્યતા બક્ષે છે. તેથી આવો સમર્થ પુરુષ કોઈ પણ ગ્રંથમણિ વિશે આપણા કરતાં વિશેષ ઊંડું દર્શન ન કરી શકે એમ માની લેવું એ જ ભારે ધૃષ્ટતા છે, અને એવા પુરુષની મદદ વડે એ ગ્રંથમણિમાં આપણી એકલાની આંખે વણદેખ્યું રહી જાત એવું સૌંદર્ય અને સામર્થ્ય, એવો રસવૈભવ અને એવું ઊંડું રહસ્ય આપણે ન જોઈ શકીએ એમ કલ્પવું એ જ મૂર્ખતાની પરિસીમા છે. નરસિંહરાવે એમના ‘કવિહૃદય'૭[5] નામે કાવ્યમાં વિવેચનકાર્યની ઉપયોગિતા સુંદર રીતે દર્શાવી છે. પોતાના સ્વપ્રદર્શનનું વર્ણન કરતાં એ કાવ્યમાં તે કહે છે :
‘પછી જાણે હું તો સરિતજળમાં ધુમ્મસદળે
વીંટાઈને ચાલ્યો; ધુમસતિમિરે માર્ગ ન જડે;
અને તો એ નૌકા મુજ સરી જતી વિધ્નરહિતા;-
અને ઊભો અંતે અનુપમ વને હું જ સહસા.
દીઠી તહિં લટકતી સહકારડાળે,
વીણા અપૂર્વ રવ મંજુલ કાંઈ ઢાળે;
એ વાદ્યતંત્રી નવ કોઈ કરેથી છેડે,
તો એ અલૌકિક મનોહર ગાન રેડે.
એ ગૂઢ ભેદ કળવા મથું જોઈ જોઈ,
હેવે સમે પ્રગટી સુન્દરી દિવ્ય કોઈ;-
અત્યંત તીક્ષ્ણ નયનો ચળકંત શીળાં
ને દિવ્ય દીપ કર એક ધરંતી ધીરા.
વાણી પછી મધુર સ્નેહભરેલ બોલી :
“તું માનવી! નવ સકે કદી ભેદ ખોલી;
જો હું બતાવું તુજને બધું તત્ત્વ ઊંડું-
વીણા તણું પ્રકટ થાય સ્વરૂપ ગૂઢું.”
હેવું વદીને દીપ દિવ્ય એહ ઝળકાવિયો,
ને મુજ નયનસમીપ અદ્ભુત દર્શન પ્રગટિયાં.'
પંક્તિઓનું તાત્પર્ય સ્પષ્ટ છે. સહકારડાળે લટકતી આ વીણા એટલે કાવ્ય કે સર્જન, એનું
રહસ્ય સમજવા સામાન્ય વાચક પ્રયત્ન કરે છે છતાં તે સફળ થતો નથી, અને એ રહસ્ય પૂરું તો જયારે વિવેચનની દેવી પોતાનો આલોચનદીપ એની સમક્ષ ધરે છે ત્યારે જ વાચકના નયન સમીપ અદ્ભુત દર્શનરૂપે પ્રકટ થાય છે. આ રીતે સાહિત્યકૃતિનું રહસ્ય આપણી આગળ સ્ફુટ કરવામાં વિવેચનની સેવા બહુ મહત્ત્વની છે. કેમ કે સાચો વિવેચક ઘણી વાર આપણને સાહિત્યકૃતિ તરફ જોવાનો કોઈ સર્વથા નવો જ દૃષ્ટિકોણ આપે છે. વળી ઘણી વાર એ કોઈ ગ્રંથમણિથી આપણા ચિત્ત પર પડેલા ઝાંખા અસ્પષ્ટ સંસ્કારોને સ્પષ્ટ સુરેખ બનાવવામાં ખાસ મદદગાર થઈ પડે છે. કેટલીક વાર એ આપણે માટે અવનવા જ પ્રદેશો ઢુંઢી કાઢે છે, અને તેથી નવીન પથશોધકનું કામ આપણે માટે બજાવે છે. વળી કેટલીક વાર એ આપણને અતિપરિચિત હોય એવી વસ્તુઓમાં પણ ત્યાં સુધી આપણને અગોચર રહેલાં અવનવાં પાસાં કે સૌન્દર્યતત્ત્વોનું દર્શન કરાવનાર મિત્રપ્રવાસીની ગરજ સારે છે. આવી રીતે એ આપણને આપણે એક વાર વાંચી ગયા હોઈએ એવી સાહિત્યકૃતિઓનું પહેલાં કરતાં વિશેષ સતેજ સમજશક્તિથી અને વિશેષ ઉત્કટ રસપૂર્વક પુનર્વાચન કરવાનું શીખવે છે. આથી જ ટીકાકારોને ‘મૂળ વસ્તુનો વિક્લવ કરનારા' કહ્યા પછી પણ તેમની ઉપયોગિતા સ્વીકારતાં મણિલાલ નભુભાઈ કહે છે કે ‘ટીકાકારોને લીધે જ કાવ્ય, શાસ્ત્ર આદિ અનેક દર્શનના પ્રણેતા અમરત્વ ભોગવવા સમર્થ થયા છે એમ કોણ નહિ સ્વીકારે? કાલિદાસને જેમ મલ્લિનાથે અમર કર્યો છે તેમ તેના પાશ્ચાત્ય સમયમાં શેક્સપિયરને જર્વાઈનસે અમર કર્યો છે અને વિવેચકના કાર્યની ઉપયોગિતા કાંઈ આટલેથી જ પૂરી થતી નથી. ઘણી વાર તો વિવેચક આપણે કરેલા નિર્ણયો સામે પડકાર કરે છે, પહેલેથી બાંધી લીધેલા અભિપ્રાયોને તોડી પાડે છે, અને ઈમર્સનના શબ્દોમાં કહીએ તો, આપણો વિદ્યાગુરુ નહિ પણ આપણો વિચારપ્રેરક બની જાય છે. એટલે આપણે જો એનું વિવેચન, મૂળ સાહિત્યકૃતિ વાંચવી ઘટે એટલા જ જાગ્રત ચિત્તે અને એટલા જ લક્ષપૂર્વક
વાંચીશું, તો આપણે એના અભિપ્રાય કે વક્તવ્ય સાથે સંમત થઈએ કે ન થઈએ એ વાત પછી આપણે માટે બહુ મહત્ત્વની નહિ રહે. કેમ કે બેમાંથી ગમે તે સ્થિતિમાં એના વિવેચનના સંપર્ક દ્વારા આપણી સાહિત્ય સમજવાની શક્તિમાં વૃદ્ધિ જ થશે તથા આપણી સાહિત્યદૃષ્ટિને તેથી લાભ જ થશે.
આરંભમાં ઇશારો કર્યો એ પ્રમાણે વિવેચનનાં પરસ્પર ભિન્ન એવાં બે કાર્યો ગણી શકાય, એક અર્થદર્શન અથવા વિવરણનું અને બીજું, નિર્ણયદર્શન અથવા મૂલ્યાંકનનું. ખરી વાત છે કે હમણાં સુધી આ બંને કાર્યો વ્યવહારમાં સામાન્ય રીતે સંલગ્ન જ રહેલાં છે, કેમ કે મોટા ભાગના વિવેચકો સકળ વિવેચનનું સાચું પ્રયોજન મૂલ્યાંકનને જ ગણે છે, છતાં એ પ્રયોજનની સિદ્ધિ અર્થે પોતાના વિવેચનમાં અર્થદર્શનનો સાધનરૂપે છૂટથી ઉપયોગ કરે છે. પણ હમણાં કેટલાંક વરસથી
યુરોપના કેટલાક વિદ્વાનોએ આ બંને કાર્યો વચ્ચે ભેદ પાડવા માંડયો છે. તેઓ અર્થદર્શન અને મૂલ્યાંકન એ બંને પ્રક્રિયાઓને એકબીજાથી વિરુદ્ધ ગણીને, આપણા મણિલાલ નભુભાઈની પેઠે ૯[6]કહે છે કે વિવેચકને સાહિત્યકૃતિના રસદર્શન અને મૂલ્યાંકનનો હક કદાચ હોય તોપણ તેનું પ્રધાન કર્તવ્ય તો એ કૃતિનું અર્થદર્શન કે વિવરણ કરવું એ જ છે.
હાલ તરત વિવેચનના કર્તવ્યપ્રદેશ અને તેની મર્યાદાઓ વિશે આ દૃષ્ટિ સ્વીકારીને આગળ ચાલીએ તો પહેલો પ્રશ્ન તો એ થવાનો કે વિવેચકે અર્થદર્શનના કાર્યમાં શું સિદ્ધ કરવાને પ્રવૃત્ત થવું જોઈએ? અને આ પ્રશ્નનો વિચાર કરતાં જણાશે કે વિવેચન એટલે અર્થદર્શન એટલી સંકુચિત વ્યાખ્યા સ્વીકારીએ તોપણ, એનું કાર્ય સારી પેઠે મોટું અને મુશ્કેલ છે. અર્થદર્શનની પ્રવૃત્તિમાં પણ એણે પોતાની સમક્ષ આવી પડેલા પુસ્તકના હાર્દમાં ઊડે ઊતરીને પ્રવેશ કરવો પડશે: એના સૌંદર્ય અને સામર્થ્યના તાત્ત્વિક ગુણો છૂટા પાડીને બતાવવા પડશે; એમાં કેટલું અલ્પકાલીન અને કેટલું ચિરકાલીન મહત્ત્વનું તેનો વિવેક કરી દેખાડવો પડશે; પૃથક્કરણ કરીને એનું રહસ્ય સ્પષ્ટ રીતે વ્યક્ત કરી આપવું પડશે; અને એ પુસ્તકના કલાવિધાનની પરીક્ષા કરીને એની રચનામાં એના કર્તાના કલા અને નીતિવિષયક જે જે સિદ્ધાન્ત જ્ઞાત કે અજ્ઞાત રીતે પ્રેરક અને નિયામક બન્યા હોય તે સ્પષ્ટ કરીને તારવી આપવા પડશે તેમ એ વિશે વિશેષ દ્યોતક પ્રકાશ પણ ફેંકવો પડશે. એ લેખકની કૃતિમાં જે કંઈ કેવળ ગર્ભિત કે સૂચિત રહેલું હશે તે એણે સ્ફુટ કરી આપવું પડશે. કૃતિનાં જુદાં જુદાં અંગોનો અંદર અંદર એકબીજા સાથે તેમ સમગ્ર કૃતિ સાથે જે સંબંધ રહેલો હશે તે એણે ખુલ્લો કરી બતાવવો પડશે. વળી એ કૃતિનાં જે પૃથક્ પૃથક્ તત્ત્વો કે ઘટકઅંશો હોય તેને એકત્ર કરીને તેનો સારસંગ્રહ એણે રજૂ કરવો પડશે તથા એનાં વિશિષ્ટ લક્ષણોનું ઉદ્ગમસ્થાન દર્શાવીને એ વિશિષ્ટ લક્ષણોનું સ્વરૂપ એણે સ્પષ્ટ કરવું પડશે. આમ સમજૂતી અને સ્પષ્ટીકરણ દ્વારા એ સાહિત્યકૃતિનું યથાર્થ સ્વરૂપ કેવું છે એ આપણને એ બતાવશે—એ કૃતિમાં શું શું આવેલું છે, એનું વલણ અને હાર્દ શું છે, તથા એની કલા કેવી છે એ આપણને બતાવશે અને આટલું કરીને પછી પોતાની ઉપયોગિતા અને મૂલ્યવત્તા વિશે વાચકવર્ગપર કેવી છાપ પાડવી તે કામ એ તે સાહિત્યકૃતિની પોતાની પર જ છોડશે. પેટર કહે છે તેમ વિવેચકના કાર્યની આ રીતે મુખ્ય ત્રણ ભૂમિકા છે: સાહિત્યકૃતિ કે ચિત્રકૃતિનો કલાગુણ પ્રથમ જાતે હૃદયથી અનુભવવો, પછી પૃથક્કરણ-વ્યાપાર દ્વારા એ કલા ગુણ છૂટો પાડવો, અને પછી તે ઇતર વાચકો પણ સ્પષ્ટ રીતે સમજી શકે એવી સમર્થ વાણી દ્વારા વ્યક્ત કરવો.
આવો વિવેચક પોતાના આ કર્તવ્યના અનુષ્ઠાનને માટે અલબત્ત, અર્થદર્શનની પોતાને અનુકૂળ એવી વિશિષ્ટ પદ્ધતિનું જ અનુસરણ કરશે. ગમે તો એ વિવેચનને માટે સ્વીકારેલા ગ્રંથમાં જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે અને બહારની બીજી આડીઅવળી વાતમાં માથું માર્યા વગર એમાં જે કંઈ આપ્યું હોય તેટલાનો જ વિચાર કરશે. અથવા જરા આગળ વધીને એ જ ગ્રંથના કર્તાની બીજી જે કંઈ કૃતિઓ હોય તેનો ઉલ્લેખ કરીને વિવેચન વિષયભૂત ગ્રંથનું હાર્દ સ્પષ્ટ કરશે, અથવા એથી પણ આગળ વધીને ઇતર ગ્રંથકારોની કૃતિઓ સાથેનું પ્રસ્તુત ગ્રંથનું સામ્યવૈષમ્ય સ્પષ્ટ કરીને એ દ્વારા એ તેના સ્વરૂપ અને કલાઅર્થદર્શનના સિદ્ધાન્તો અને પદ્ધતિનો આશ્રય લઈને પ્રસ્તુત ગ્રંથનું રહસ્ય શોધી કાઢવા એ પ્રયત્ન કરશે. પણ આ બધી પદ્ધતિઓમાંથી ગમે તેનું અનુસરણ કરે તો પણ એનો અનન્ય આશય તો એ ગ્રંથનું સ્વરૂપ જાતે યથાર્થ રીતે જાણવું, અને પછી આપણને જણાવવું એ જ રહેશે. ગ્રંથનું સ્વરૂપ જાણવા ઉપરાંત ગમે તો પોતાના અંગત રસ કે રુચિની દૃષ્ટિથી અથવા તો વિવેચનના કોઈ વ્યવસ્થિત કે સર્વમાન્ય સિદ્ધાન્તોને અનુસરીને તે ગ્રંથના ગુણદોષ વિશે પોતાનો નિર્ણય આપવા એ નહિ જ બેસે. સ્વ. ચંદ્રશંકર પંડયાએ એક ઠેકાણે કહ્યું છે તે પ્રમાણે ‘સમાલોચનાની બે પદ્ધતિઓ હોય છે : (૧) નિર્ણયપ્રયોજક અર્થાત્ અંગીકૃત પરીક્ષ્ય ઉપર પ્રયોગમાત્ર કરનારી, અને (૨) નિર્ણયગામી અર્થાત્ પરીક્ષ્યની પરીક્ષા કરીને હેને પરિણામે નિર્ણય ઉપર આવનારી. પ્રથમ પદ્ધતિને અંગ્રેજીમાં Deductive કહે છે, અને બીજી પદ્ધતિને Inductive કહે છે.’૧૦[7] સ્વ. આનંદશંકર ધ્રુવ આ પ્રકારના વિવેચનને ‘યથાસ્થિત અન્વીક્ષણ' એવું નામ આપે છે અને તેનું સ્વરૂપ સમજાવતાં કહે છે આમાં ‘કર્તાએ જે જેવું રચ્યું હોય તે તેવું-યથાસ્થિત-સ્વીકારી લઈ એને સંપૂર્ણ રીતે સમજવું, એના અન્તરમાં શા શા નિયમો વ્યાપી રહેલા છે ઇત્યાદિ શોધવું. ૧૧[8]એવો આગ્રહ વિવેચક રાખે છે. આ નિર્ણયગામી વિવેચનપદ્ધતિ અંગ્રેજીમાં સૌથી પહેલી વાર યોજનાર મોલ્ટન હતો. તેણે શેક્સપિયરની નાટ્યકલાનું વિવેચન આ પદ્ધતિએ કરેલ છે, અને એ વિવેચનના ગ્રંથ (નામે ‘શેક્સપિયર ઍઝ એ ડ્રામેટિક આર્ટિસ્ટ')ના નિવેદનમાં આ નવીન વિવેચનપદ્ધતિનો જોરપૂર્વક પુરસ્કાર કર્યો છે, એટલે એ નિવેદનમાંથી થોડો આંહી ટાંકીશું તો એ પદ્ધતિનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ થશે. એ નિવેદનમાં મોલ્ટન કહે છે કે ‘વિવેચન વિશે જે ખ્યાલો અત્યારે પ્રવર્તી રહ્યા છે તેમાં અગ્નિ જેમ સુવર્ણની વિશુદ્ધિ કે અશુદ્ધિની પરીક્ષા કરે તેમ સાહિત્યકૃતિની સંગીનતાની કસોટી કરવી અને બીજી કૃતિઓની સરખામણીમાં એનું મૂલ્ય આંકવું એ જ જાણે વિવેચનનું મુખ્ય કર્તવ્ય છે એવો વિચાર પ્રાધાન્ય ભોગવી રહેલો જણાય છે. લોર્ડ મેકોલે વિવેચક તરીકેના પોતાના કાર્યને રાજદરબારના આસનનિયામક અમલદાર સાથે સરખાવે છે. એ અમલદાર જેમ દરબારીઓના દરજ્જાના વિષયમાં નિષ્ણાત હોય છે, અને જુદા જુદા અધિકારીઓના આસનનો ક્રમ નક્કી કરીને એ પ્રમાણે તે જેમ એમને દરબારમાં બેસાડે છે, તેમ વિવેચક પણ સાહિત્યકારોના દરજ્જાના વિષયમાં નિષ્ણાત હોય છે, સાહિત્યમાં કોને ઊચું ગણવું અને કોને નીચું ગણવું અને તે શા માટે એ બધા નિયમોમાં પાવરધો હોય છે, અને એ નિયમોને અનુસરીને જુદા જુદા સાહિત્યકારોને તે એમની યોગ્યતા પ્રમાણે ઊંચા કે નીચા અથવા આગલા કે પાછલા આસને બેસાડે છે. અને વસ્તુસ્થિતિ પણ મેકોલે કહે છે તેવી જ છે. સામાન્ય લોકો વાતો કરતા હોય છે તે વખતના અથવા તો વ્રતનિષ્ઠ વિવેચકો સાહિત્યની ગંભીર રીતે ચર્ચા કરતા હોય છે તે વખતના સાહિત્યવિવેચનમાં આમ લૌકિક તેમ શિષ્ટ ઉભય પ્રકારના સાહિત્યવિવેચનમાં સાહિત્યકારો અને તેમની કૃતિઓના ગુણદોષની પરીક્ષા જ મોટે ભાગે જોવામાં આવે છે. આ બધી પરીક્ષાની દલીલો અને નિર્ણયો તેઓ સર્વમાન્ય મનાયેલા રસશાસ્ત્રના નિયમોને આધારે અથવા તો સૌન્દર્ય વિશેના તાત્ત્વિક પર્યેપણને પરિણામે ઊપજાવી કાઢેલા સિદ્ધાન્તોને આધારે કરે છે.' આ નિયમો કે સિદ્ધાન્તોને સ્થાને મોલ્ટન પોતે જેને ‘નિર્ણયગામી વિવેચન' કહે છે તેના સિદ્ધાન્તોનું અનુસરણ કરવાની સલાહ આપે છે. આ પદ્ધતિનું તેણે જ નામ પસંદ કર્યું છે તે જ આધુનિક વૈજ્ઞાનિક વિચારોની તેમાં કેવી પ્રબળ અસર થએલી છે તે બતાવી આપે છે. અને મોલ્ટન પોતે પણ ખુલ્લા શબ્દોમાં
કબૂલ કરે છે કે પોતાની આ પદ્ધતિનો સ્પષ્ટ આશય સાહિત્યચર્ચાને વ્યાપ્તિ નિબન્ધશસ્ત્રો(ઇન્ડક્ટવ સાયન્સીઝ) ના પ્રદેશમાં મૂકવાનો જ છે. એટલે આ જાતનું વિવેચન એ પોતે આગ્રહ રાખે છે તેમ, સાહિત્યની નહિ પણ શાસ્ત્રની જ શાખારૂપ ગણવાનું છે. અને તેથી એ વિવેચન શાસ્ત્રીય ચોક્સાઈ અને તટસ્થતા તથા નિષ્પક્ષતા જાળવવાને મથે છે. ‘આ પદ્ધતિમાં સાહિત્યની સમીક્ષા કરવાની છે તે તેની સ્તુતિનિન્દાના વિચારથી પર રહીને જ કરવાની છે. અને સાહિત્યના સાપેક્ષ કે નિરપેક્ષ ગુણનો પણ આમાં કશો વિચાર કરવાનો નથી.' આ નિર્ણયગામી પદ્ધતિનો વિવેચક તો પોતાની જાતને પ્રગલ્ભતાપૂર્વક વિજ્ઞાનશાસ્ત્રીની સાથે જ સરખાવે છે અને વિજ્ઞાનના અન્ય કોઈપણ ક્ષેત્રમાં શાસ્ત્રીય સંશોધન કરનાર પુરુષની પેઠે તે પણ ‘સાહિત્યજગતના પદાર્થો કે વ્યક્તિકરોને અત્યારે કે જેવી સ્થિતિમાં હોય તેવીજ સ્થિતિમાં અવલોકે છે અને તેઓ અત્યારની અવસ્થાને કેવી રીતે પામ્યા તથા એ અવસ્થામાં શી શી અસર કરી રહ્યા છે તેના નિયમો અને સિદ્ધાન્તો શોધી કાઢી તેને વ્યવસ્થિત શાસ્ત્રના રૂપમાં મૂકવાનો જ પ્રયત્ન કરે છે,' એટલે આવો વિવેચક પોતે વિવેચનને માટે સ્વીકારેલી કૃતિની પરીક્ષા માટે એ સાહિત્યકૃતિ સિવાય બહારની કોઈ પણ સત્તાના નિયમો કે સિદ્ધાન્તોનું શાસન સ્વીકારતો નથી. આ રીતે મોલ્ટનના કથન પ્રમાણે વિવેચનની જૂની નિર્ણયકારી કે પરીક્ષક પદ્ધતિ (Judicial Method) અને આવી નિર્ણયગામી પદ્ધતિ વચ્ચે ત્રણ વાતમાં તફાવત રહેલો છે. આમાં પહેલી વાત તો એ કે, નિર્ણયકારી કે પરીક્ષક વિવેચનમાં સાહિત્યકૃતિઓમાં કઈ ઊંચી અને કઈ નીચી, કઈ પહેલી અને કઈ છેલ્લી એમ ગુણની કક્ષા અને ક્રમનો નિર્ણય કરવાનો હોય છે. પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં આવા કોઈ પ્રશ્નને અવકાશ જ નથી. ભૂસ્તરશાસ્ત્ર કદી જૂના લાલ વેળુ પાષાણને નમૂનેદાર પાષાણરૂપે વખાણતો નથી અથવા તો હિમયુગ વિષે કટાક્ષભરી નિન્દા પણ કદી કરતો નથી.' નિર્ણયગામી વિવેચક પણ આવો વિજ્ઞાનશાસ્ત્રી જ છે, એટલે એ પણ સાહિત્યકૃતિઓની સમીક્ષા ગુણની કક્ષા ને ક્રમનો કદી વિચાર કરતો નથી. સાહિત્યકૃતિઓ વચ્ચે એ જે ભેદ જૂએ છે તે ગુણની કક્ષાનો નહિ પણ સ્વરૂપના પ્રકારનો જ જૂએ છે. કાલિદાસ અને ભવભૂતિ અથવા ન્હાનાલાલ અને મુનશીની નાટ્યરચના પદ્ધતિ વચ્ચે ભિન્નતા માલૂમ પડે ત્યાં પણ એમાંના કોઈ અમુક સાહિત્યકારની ઉત્કૃષ્ટ અને બીજાની નિકૃષ્ટ એવો ખ્યાલ એના મગજમાં કદી આવતો નથી, પણ એમાંની એક પદ્ધતિ બીજીથી ભિન્ન છે, જેમ ગુલાબ મોગરાથી ભિન્ન છે તેમ જ એટલો જ ખ્યાલ એનો હોય છે. અને આવી ભિન્નતામાંથી અમુક પદ્ધતિ ચડિયાતી કે વિશેષ પસંદ કરવા લાયક એવા વિચારને પણ એના ચિત્તમાં સ્થાન મળતું નથી, કેમકે એ ભિન્ન પદ્ધતિઓ વચ્ચે તુલના કરવા જેવી કોઈ સમાન ભૂમિકા જ એની નજરે પડતી નથી. એટલે આ નિર્ણયગામી વિવેચનમાં ભિન્ન ભિન્ન સાહિત્યકારો વચ્ચે જે ભેદ માલૂમ પડે તેની યોગ્યતાને મૂલવવાનો કશો પ્રયત્ન આમાં કરવાનો નથી. બીજી વાત એ કે જૂની નિર્ણયકારી વિવેચનપદ્ધતિના મૂળમાં એવો વિચાર રહેલો હોય છે કે સાહિત્યરચનાના નિયમો નીતિનિયમો અથવા તો રાજ્યના કાયદા જેવા હોય છે, અર્થાત્ આ સાહિત્યના નિયમો પણ કોઈ બહારની સત્તાએ કલાકારના ઉપર લાદેલા હોય છે, અને જેમ રાજ્યના કાયદા અને નીતિના નિયમો તેમ આવા કોઈ બન્ધનકર્તા સાહિત્યનિયમો અસ્તિત્વ જ ધરાવતા નથી. એના સાહિત્યસિદ્ધાન્તો તો પ્રકૃતિશાસ્ત્રવેત્તાના પ્રકૃતિનિયમો જેવા અર્થાત્ બહારથી આવીને કોઈએ લાદેલા નહિ પણ વસ્તુસ્થિતિના અવલોકન ઉપરથી જ તારવી કાઢેલાં સૂત્રો જેવા હોય છે. પ્રકૃતિનિયમો એટલે દષ્ય પદાર્થોમાં ખરેખર પ્રવર્તી રહેલી વસ્તુસ્થિતિ માલૂમ પડી હોય તેનું સર્વમાન્ય પ્રતિપાદન માત્ર હોય છે. સાહિત્યના સિદ્ધાન્તોનો પણ નિર્ણયગામી વિવેચનમાં બરાબર આવો અર્થ કરવાનો છે. એ સિદ્ધાન્તો અત્યારે જે પરિસ્થિતિ મોજૂદ હોય તેને જ માત્ર પ્રકટ કરે છે, કલ્પના કે ભાવનાની દૃષ્ટિએ શું હોવું જોઈએ તેનો એમાં લેશમાત્ર વિચાર હોતો નથી. આમ હોવાથી ‘શૈક્સપિયરની નાટ્યકૃતિઓના નિયમો એ કોઈ બહારની સત્તાએ એના
ઉપર લાદેલા નિયમો નથી-પણ એની પોતાની મોજૂદ નાટ્યકૃતિઓના પૃથ્થકરણમાંથી તારવી કાઢેલા એની નાટ્યરચનાની નિત્યની પદ્ધતિ સ્પષ્ટ કરનારા એ નિયમો છે. એટલે આપણે એમ કહીએ કે શેક્સપિયર આ નિયમોને આધિન રહીને પોતાનાં નાટક રચે છે તો તે તારાઓ ગુરુત્વાકર્ષણના નિયમને અધિન રહીને પોતાની પ્રવૃત્તિ કરે છે એમ કહેવા જેવી આલંકારિક ભાષા જ સમજવાની છે. વિવેચકનું કામ આ રીતે નાટ્યરચનાના કોઈ તાત્ત્વિક વિચારોનું અથવા તો સ્વતંત્ર નિરપેક્ષ દૃષ્ટિએ ઘડી કાઢેલા કોઈ નિયમોનું શેક્સપિયર કેટલે અંશે અનુસરણ કે ઉલ્લંઘન કરે છે એ ધોરણે એની રચનાવિધિની કસોટી કરવાનું નથી, પણ એનું કામ તો તેના નાટકોની ખુદની જ સીધે સીધી પરીક્ષા કરીને તે નાટકો કયા નિયમો લક્ષમાં રાખીને રચવામાં આવ્યા છે તે શોધી કાઢવાનું અને એ પરીક્ષા તથા શોધનાં પરિણામોને પછી સામાન્ય ઉત્સર્ગ કે વ્યાપ્તિના વ્યવસ્થિત રૂપમાં રજૂ કરવાનું જ છે. અને આમાંથી જ નિર્ણયકારી અને નિર્ણયગામી વિવેચનપદ્ધતિઓ વચ્ચેનું ત્રીજું ભેદક તત્વ ફલિત થાય છે. નિર્ણયકારી વિવેચન પહેલેથી જ માની લેશે કે સાહિત્યની તપાસ અને મૂલવણી કરવાનાં કેટલાંક અચળ શાશ્વત ધોરણો અને નિયમો હોય છે, અને એવી માન્યતાના પાયા પર જ પોતાના વિવેચનની ઈમારત ખડી કરે છે. કસોટીનાં આ ધોરણોને નિયમો ભિન્ન ભિન્ન યુગોમાં તેમ ભિન્ન ભિન્ન વિવેચકોના હાથમાં ભિન્ન ભિન્ન જોવામાં આવ્યાં છે અને વિવેચનમાત્ર વારંવાર અળખામણું બન્યું છે તેનું એક કારણ આપણને આમાંથી જ મળી આવે છે. પણ વિવેચન આવા નિયમો ને ધોરણોને કારણે અળખામણું બનેલું હોવા છતાં નિર્ણયકારી પદ્ધતિમાં આવાં અમુક ધોરણોને નિયમોનું અસ્તિત્વ પહેલેથી જ સ્વીકારી લેવામાં આવે છે. ત્યારે નિર્ણયગામી વિવેચન આવાં કોઈ અચળ શાશ્વત ધોરણ કે નિયમનું અસ્તિત્વ સ્વીકારતું નથી, અથવા ખરી વાત ખુલ્લા શબ્દોમાં કહીએ તો એવાં કોઈ અચળ ધોરણ કે નિયમ હોઈ શકે જ નહિ એમ સ્પષ્ટ રીતે કહે છે. એને મન તો વિજ્ઞાનશાસ્ત્રોમાં નિરૂપાએલા અન્ય સર્વ પદાર્થોની પેઠે સાહિત્ય પણ ઉત્ક્રાન્તિની પેદાશ છે, એટલે સાહિત્યનો ઇતિહાસ તે અવિચ્છિન્ન રૂપાંતર પરંપરાનો ઇતિહાસ છે, અને તેથી તેની કસોટીના કોઈ અચળ શાશ્વત ધોરણ નિયમની શોધ કરવી એતો પહેલેથી જ નિષ્ફળ નિર્માઈ ચૂકેલી પ્રવૃત્તિ છે, કેમકે જ્યાં અન્તિમતા સ્વરૂપતઃ જ અશક્ય છે એ શોધપ્રવૃત્તિ અન્તિમતાને અંગીકૃત સત્ય તરીકે સ્વીકારીને આગળ ચાલે છે.
એટલે ઉપસંહાર કરીને કહીએ તો આ રીતે ‘નિર્ણયગામી વિવેચન સાહિત્યની સમીક્ષા શુદ્ધ શાસ્ત્રાન્વેષણની વૃત્તિથી જ કરશે. કલાના નિયમો એ કલાકારોની પ્રવૃત્તિમાંથી જ શોધી કાઢશે, કલાને એ સૃષ્ટિના ઈતર પદાર્થો નિરન્તર વિકાસ પામતી વસ્તુ જ ગણશે, અને તેથી કલા જુદી જુદી વ્યક્તિઓ અને જુદા જુદા સંપ્રદાયોના હાથમાં એકબીજાથી સર્વથા ભિન્ન એવું જુદું જુદું સ્વરૂપ ધારણ કરે એવો સંભવ લક્ષમાં લઈને વ્યક્તિઓ કે સંપ્રદાયો વચ્ચેની એ ભિન્નતા અને તે દરેકની વિશિષ્ટતા એને અનુરૂપ એવી વિશિષ્ટ મનોદશા કે વલણથી જ ગ્રહણ કરી શકાય એમ પણ એ સમજશે.'
ત્યારે નિર્ણયગામી પદ્ધતિની દૃષ્ટિએ વિવેચનના ધર્મોનો વિચાર કરીએ તો વિવેચનને કોઈપણ સાહિત્યકૃતિની યોગ્યતા કે મૂલ્યવત્તા સાથે અથવા તો એને લીધે આપણા ચિત્તમાં જે અંગત ઊર્મિઓ ઊઠે તેની સાથે કશી નિસ્બત નથી, આ પદ્ધતિમાં વિવેચક અંગત રસ કે રુચિના સર્વ વિચારોને તેમ સાપેક્ષ કે નિરપેક્ષ ગુણવત્તાના સર્વ પ્રશ્નોને અલગ રાખીને કેવળ વિજ્ઞાનશાસ્ત્રી બનીને શાસ્ત્રીય સંશોધનની રીતે વિવેચનનું કામ કરવા લાગે છે. ફ્રેન્ચ વિદ્ધાન ટેઈને એકવાર ઉચ્ચારેલા શબ્દોનો ઉપયોગ કરીએ તો આવો નિર્ણયગામી વિવેચક એક જાતનો વનસ્પતિશાસ્ત્રી છે, અને વનસ્પતિશાસ્ત્રીને તેની વચ્ચે ફેર હોય તો તે ફક્ત એટલો જ કે વનસ્પતિશાસ્ત્રીનો અન્વેષણ વિષય વનસ્પતિજીવનના પદાર્થો હોય છે, ત્યારે આ નિર્ણયગામી વિવેચકનો અન્વેષણ વિષય સાહિત્યજીવનના પદાર્થો હોય છે.
આ ઉપરથી જોઈ શકાશે કે આંહી જે નિર્ણયગામી વિવેચન પદ્ધતિનો પરિચય આપ્યો તેનો અન્તિમ મથિતાર્થ ફક્ત આટલો જ છે કે - દરેક સાહિત્યકારની કૃતિનો રચનાનિયમ એ કૃતિમાંથી જ શોધી કાઢવો જોઈએ, એટલે એનો સુચિત અર્થ એ થયો કે આવી રીતે એક જણની સાહિત્યકૃતિમાંથી શોધી કાઢેલો રચનાનિયમ બીજા કોઈની સાહિત્યકૃતિને કદી પણ લાગુ પાડી શકાય નહિ, અને તેથી બીજી સાહિત્યકૃતિઓની પરીક્ષામાં નિર્ણાયક ધોરણ તરીકે અથવા નિર્ણાયક
ધોરણ નહિ તો દિગ્દર્શક વિચાર તરીકે પણ એ કદી વાપરી શકાય નહિ. નિર્ણયગામી પદ્ધતિનું આ છેલ્લું પ્રતિપાદન એક નવો જ પ્રશ્ન ઊભો કરે છે તેનો વિચાર આપણે આગળ કરવો પડશે. દરમિયાન આંહી તો આપણે એટલું જ લક્ષમાં રાખવાનું છે કે એક એવા પ્રકારની પણ વિવેચનપદ્ધતિ સંભવિત છે, જેમાં જૂની નિર્ણયકારી પદ્ધતિની યથાર્થતાનો અસ્વીકાર કરવામાં આવે છતાં વિવેચકના પરીક્ષા અને મૂલ્યાંકન કરવાના અધિકારનો અસ્વીકાર અનિવાર્ય રીતે આવશ્યક ન હોય. આ વિવેચનપદ્ધતિની ચાવી સાહિત્યની સાપેક્ષતાના સિદ્ધાન્તમાં અને અર્થદર્શનની ઐતિહાસિક પદ્ધતિમાં રહેલી છે. એનો સંક્ષિપ્ત છતાં સારગર્ભ પરિચય એડમન્ડ શેરર નામે સમર્થ ફ્રેન્ચ વિવેચકના લખાણમાંથી આપણને મળે છે. મિલ્ટનકૃત ‘પેરેડાઈઝ લોસ્ટ'નું અધ્યયન કરતાં એને વૉલ્ટેર અને મેકોલે જેવા પુરુષોના એ ગ્રન્થ વિશેના એકબીજાથી સર્વથા વિરૂદ્ધ અભિપ્રાયો વાંચીને આશ્ચર્ય થએલું. આમાંના એકે એ ગ્રન્થને એકદમ ઉતારી પાડેલો તો બીજાએ એકદમ ચડાવી દીધેલો એટલે એને વિચાર થએલો કે આ બેમાંથી કોની વાત સાચી માનવી નિન્દકની કે પ્રશંસકની? આ બેમાંથી એકેનો અભિપ્રાય એ ગ્રન્થની સાચી મહત્તા, એની ખરી ખામીઓ, કે જગતના ગ્રન્થમણિઓની
અંદરના એના સ્થાન વિશે આપણને સાચો ખ્યાલ આપે છે? નહિ જ. આ બન્નેના નિર્ણયો કંઈ નિર્મળ કે પૂર્વગ્રહમુક્ત ગણી શકાય એવા છે જ નહિ. એ તો એ અભિપ્રાયો આપનાર ઉભય વિવેચકોના અંગત રાગદ્વેષના જ ઉદ્ગારો છે. સાહિત્યના પરીક્ષકને પદે બેસનારમાં જે મુખ્ય ગુણોની આપણે અપેક્ષા રાખી એ તે મુખ્ય ગુણોની જ તટસ્થતા અને નિષ્પક્ષતાના ગુણોની જ- આ અભિપ્રાયોમાં ખામી છે. મિલ્ટનના મહાગ્રન્થ વિશે અઢારમી સદીના તેજસ્વી બુદ્ધિવાળા એક ફ્રેન્ચ વિદ્ધાન તથા ઓગણીસમી સદીના એક ચપળ અંગ્રેજના અભિપ્રાયો જ એ દર્શાવે છે, અને તેથી એ ગ્રન્થ વિશે રાગદ્વેપરહીત નિર્ણય બાંધવામાં તે આપણને જરાયે મદદગાર થઈ શકે એમ નથી. એ અભિપ્રાયો ઉચ્ચારાયા છે એ સ્વરૂપમાં તો એકબીજાનો સામસામો છેદ જ ઉડાડી દે છે. આપણો અંગત રાગ કે દ્વેપ આપણને ગમે તો વોલ્ટેરના અથવા તો મેકોલેના મત ભણી દોરે, પણ એ અભિપ્રાયો પોતે તો આપણા ચિત્તની પ્રતીતિ કરાવી શકે એવા નથી, અને તેથી એ ગ્રન્થના સ્વરૂપ વિશે કંઈ પ્રકાશ પણ આપણા ચિત્તમાં પાડી શકે એમ નથી. તો પછી મિલ્ટનનું એ કાવ્ય અંગત રાગદ્વેષથી પર એવા દૃષ્ટિબિન્દુથી જોવા માટે જાતે આપણે એ કાવ્યનો રસ માણી શકતા હોઈએ કે ન હોઈએ તો પણ આપણી વ્યક્તિગત રૂચિઅરૂચિને બાજુ પર રાખીને એ કાવ્યને એના યથાર્થ સ્વરૂપમાં જોવા માટે-આપણે શું કરવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં શેરર કહે છે કે એવા દૃષ્ટિબિન્દુથી જોવા માટે આપણે આધુનિક ઐતિહાસિક પદ્ધતિનો સ્વીકાર કરવો. પોતાના એ અભિપ્રાયના સમર્થનમાં એ જણાવે છે કે આ ઐતિહાસિક પદ્ધતિ જૂના વિવેચનસંપ્રદાયોની પદ્ધતિ કરતાં ‘વિશેષ સ્પષ્ટ નિર્ણય આપનારી તથા વિશેષ ન્યાયતુલા સાચવનારી છે.' કેમકે એ પદ્ધતિનું ધ્યેય ‘સાહિત્યકૃતિઓનું વર્ગીકરણ કરવાનું નહિ પણ તેનું રહસ્ય સમજવાનું છે. એના ગુણદોષની પરીક્ષા કરવા એ બેસતી નથી, પણ જેવી છે તેવી એ શાથી થઈ તેનો ખુલાસો કરવાનો એ આશય રાખે છે.' આ પદ્ધતિનો ઉદ્દેશ ‘સાહિત્યકારની પ્રતિભાનું અને જે પરિસ્થિતિ વચ્ચે રહીને એ પ્રતિભા પરિપાક પામેલી હોય તે પરિસ્થિતિનું સ્વરૂપ છતું કરીને તેની સાહિત્યકૃતિનું સ્વરૂપ સમજાવવાનો છે.' એટલે ‘પેરેડાઈઝ લોસ્ટ' હાથમાં લેતા આપણું પ્રથમ કર્તવ્ય તો ગમે તો આપણી પ્રકૃતિમાંથી તેમ આપણા રાગદ્વેષમાંથી અથવા તો આપણા જમાના કે મિત્રમંડળની સાહિત્યરૂચિઓ અને તેઓમાંથી જન્મેલા આપણા સઘળા અંગત પૂર્વગ્રહો બને તેટલા અલગ રાખવા, અને મિલ્ટનની પ્રતિભા તેમ તેની પરિસ્થિતિના એટલે કે મિલ્ટનના અંગત જીવનના અને આપણને અંગત રીતે ઈષ્ટ અનિષ્ટ ગમે તેવી લાગતી હોય તો પણ વિદ્યા, કલા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં એના પર જે જે અસરો થઈ હોય તેના સૂક્ષ્મ સર્વાંગી પૃથ્થકરણ દ્વારા એની સાહિત્યકૃતિના વસ્તુ તેમ શૈલી ઉભયનાં વિવિધ પ્રકારનાં સર્વલક્ષણોનો ખુલાસો કરી એનું એ ‘પેરેડાઈઝ લોસ્ટ' કરબદરવત્ સ્પષ્ટ કરી આપવું એ જ છે. આટલું કર્તવ્ય બજાવે ત્યાં સુધી તો વિવેચકનું કાર્ય હજુ શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક સંશોધકના સ્વરૂપનું જ ગણવાનું છે જોકે સાહિત્યકારના વ્યક્તિત્વ અને તેની પરિસ્થિતિનાં તત્ત્વો જે મોલ્ટન નથી સ્વીકારતો તેનો તો આમાં પ્રવેશ થાય છે. મોલ્ટન અને એના જેવા બીજા વિદ્વાનો અર્થદર્શનથી આગળ ગુણદોષ પરીક્ષા તરફ એક ડગલું પણ દેવા તૈયાર નથી ત્યારે શેરર એ અર્થદર્શનથી આગળ જાય છે. એટલે એ કહે છે કે ‘સાહિત્યકારની પ્રકૃતિનું પૃથ્થકરણ અને એના યુગનો અભ્યાસ એ બે સાધનો દ્વારા એની સાહિત્યકૃતિનું યથાર્થ સ્વરૂપ આપોઆપ સ્પષ્ટ થાય છે.' અને યથાર્થ સ્વરૂપ સ્પષ્ટ થતાં જ સાહિત્યમાં એ કૃતિનું સાચું સ્થાન અને એની ખરી કિંમત આંકવાનું ધોરણ આપણને અનાયાસે સાંપડે છે. આ રીતે ‘સામાન્ય વિવેચનમાં ગમે તે માણસ આવીને આપણી આગળ સાહિત્યકૃતિનું રસદર્શન કરાવે છે તેને બદલે આ પદ્ધતિમાં તો એ કૃતિ પોતે જ જાણે પોતાના ગુણદોષ વિશે નિર્ણય જાહેર કરીને જગતના સાહિત્યમાં એનું જે હક્કસરનું સ્થાન હોય તે પોતાની મેળાએ પ્રાપ્ત કરી લે છે.'
વિવેચનની અદ્યતન પદ્ધતિઓ અને પ્રયોજનોની સવિસ્તર ચર્ચા કરવાનું આપણે આ ગ્રંન્થમાં માથે નથી લીધું, એટલે વર્તમાન સમયમાં કેટલાક વિવેચકો અર્થદર્શનને વિવેચનમાં પ્રાધાન્ય આપે છે એટલું જ નહિ પણ અર્થદર્શન એ જ વિવેચનનું એક અને અનન્ય કાર્ય છે એમ માને છે એના દૃષ્ટાન્તરૂપે આ બે લેખકોના જ વિચારો આંહી પૂરતા ગણાશે. આ બેમાંથી મોલ્ટન ગુણદોષ પરીક્ષક અથવા નિર્ણયકારી વિવેચનપદ્ધતિનો સદંતર અસ્વીકાર કરે છે, ત્યારે શેરર એ નિર્ણયકારી પદ્ધતિને માટે કેવળ વ્યક્તિગત રુચિ અથવા તો પહેલેથી સ્વીકારી લીધેલાં ધોરણો દ્વારા મળે એ કરતા વિશેષ સંગીન પાયો યોજે છે, પણ મોલ્ટન ને શેરર એ બન્ને એક બાબતમાં તો એકમત જ છે, અને તે એ કે જૂના વિવેચન સંપ્રદાયોની જે સંકુચિત જડ અને અવ્યવસ્થિત પદ્ધતિ હતી તેનો તો ત્યાગ જ કરવો અને સાહિત્યના અભ્યાસમાં વિજ્ઞાનશાસ્ત્રમાં પ્રવર્તે છે તેવી વિશેષ વ્યાપક વિશેષ વ્યવસ્થિત ને વિશેષ સ્થિતિસ્થાપક એવી પદ્ધતિઓનો સ્વીકાર કરવો.
નોંધઃ
- ↑ ૩. ‘વિવેચનમુકુર', પૃ. ૪૭-૮. આ સંબંધમાં આપણે ત્યાં થયેલી ચર્ચા સવિસ્તર વાંચવી હોય તેણે પૂર્વપક્ષ માટે ‘સાહિત્યવિમર્શ', પૃ. ૩૭-૪૨ અને સિદ્ધાન્તપક્ષ માટે ‘નિકપરેખા', પૃ. ૨-૨૪ તથા એ ગ્રંથનું નિવેદન વગેરે જોવું.
- ↑ ૪.‘ઍસેઝ ઇન ક્રિટિસિઝમ'ની પ્રથમ શ્રેણીમાંનો ‘એસે ઓન ઝુંબર'.
- ↑ ૫.'સાહિત્યસમીક્ષા',પૃ.૧૩૬,
- ↑ ૬. ‘સાહિત્ય’ પૃ. ૩૦ .
- ↑ ૭. ‘હૃદયવીણા', પૃ. ૧૧૪-૫.
- ↑ ૯. જુઓ એમના શબ્દો : ‘અમુક રચનાને સારીનરસી જણાવવી એ પણ તેનો હેતુ નથી. અવલોકનનો હેતુ તો માત્ર એટલો જ છે કે પ્રકૃત વિષય જેવો આલેખાયો હોય તેવો સ્પષ્ટ કરતા તેના ઇતરથા સિદ્ધ થતા સંપૂર્ણરૂપે વાચક આગળ મૂકવો.' (પૃ. ૭૮૨-૮૩) આ સંબંધમાં ‘સુદર્શનગદ્યાવલિ'માંનો એમનો ‘અવલોકન' નામનો લેખ (પૃ. ૭૮૧-૮૮) તથા રમણભાઈએ તેની કરેલી ચર્ચા ('કવિતા અને સાહિત્ય', ૨,૩૦૦-૩૨૨) એ બન્ને વાંચવા જેવાં છે.
- ↑ ૧૦. ‘સમાલોચક', ૧૯, ૨૭૧,
- ↑ ૧૧.'કાવ્યતત્ત્વવિચાર'પૃ.૧૫૪.
location Not Found
‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૧ થી ૧૫