સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/સમકાલીન સાહિત્યનુ વિવેચન
(તમારી સામે સખ્ત ફરિયાદ છે, જે એકલક્ષી વિચારાધનાનો આદર્શ તમે વિવેચકોની સામે ધર્યો છે તેનું પાલન તમે કરતા નથી લાગતા. તમે નર્મદ, દલપત, નન્દશંકર અને બોટાદકર સુધીની જ દુનિયા દેખાડીને બંધ પડી ગયા છો શું? કે નવું લખી લખીને સુધારવા લાગ્યા છો? તમારો છેલ્લો વિવેચનલેખ કયા વર્ષનો, તે જોશો જરી? તે પછી આપણે ત્યાં નૂતન સાહિત્યબળોની સવારી આવી છે. માસે માસે ને અઠવાડિયે અઠવાડિયે નવી કૃતિઓ નીપજી રહી છે. નવા વાદો, વિવાદો ને વિતંડાવાદોની વચ્ચે નવીન સૌન્દર્યના પણ ખજાના સાપડ્યા છે. તમે એને તમારી વિવેચનકસોટી પર ચડાવવાનો પ્રમાદ કાં સેવો છો? સ્નેહીઓને બીક લાગે છે કે તમે ગત પેઢીના સીમાડાની બહાર કદમ ન ભરી શકો તેવું મરજાદી માનસ કેળવી રહ્યા છો. ન માની શકાય તેવી, પણ શક્તિનો જવાબ પણ ન આપી શકાય તેવી આ સ્થિતિ છે.) (રા. ભાઈ મેધાણીના આ પત્ર તા. ૭-૪-૩૮ના ‘જન્મભૂમિ'ના ‘કલમકિતાબ'માં પ્રકટ થયો હતો. એ પત્ર લખીને એમણે મારી જાતને જે માન અને મારી અદના વિવેચનપ્રવૃત્તિને જે મહત્ત્વ આપ્યું છે, અને એકંદરે મારા પ્રત્યે જે સદ્ભાવ અને મમત્વ દર્શાવ્યાં છે તે બદલ મારે એમનો આભાર જ માનવાનો છે. એનો ઉત્તર ખરી રીતે મારે એ જ દિવસોમાં અને ‘કલમકિતાબ’માં જ આપવો જોઈતો હતો, પણ એ પત્ર મારા હાથમાં આવ્યો ત્યારે હું મુસાફરીમાં હતો, અને તે પછીનાં પૂરાં ત્રણ અઠવાડિયાં એવા કામમાં રોકાયો હતો કે જેમાંથી પળવાર પણ આડુંઅવળું ચસાય નહિ. વળી કેવળ અંગત ખુલાસાનો કશો અર્થ પણ નહોતો. જે જરૂર હતી તે તો આખી વસ્તુસ્થિતિના મૂળમાં જે તત્ત્વો કામ કરી રહ્યાં છે તેની બિનંગત તટસ્થ ચર્ચાની હતી, અને એવી ચર્ચા જે વિસ્તાર માગે તેને માટે કલમકિતાબ'માં અવકાશ ભાગ્યે જ હોય. તેથી એ ચર્ચા આટલી મોડી મોડી સ્વતંત્ર લેખરૂપે આંહીં કરવા પ્રયત્ન કર્યો છે. રા. ભાઈ મેઘાણીનો પત્ર મથાળે ઉતાર્યો છે તે અત્યંત સકોચપૂર્વક અને નાછૂટકે જ ઉતાર્યો છે. એ પત્રમાંથી જ આ લેખનો જન્મ થયો છે. અને એમાંના તહોમતનામાનો જ આંહીં સામાન્ય ઉત્તર આપવાનો છે, તેથી મૂળ તહોમતનામું અક્ષરશઃ ઉતાર્યા વગર વાચક આ લેખ ભાગ્યે જ સમજી શકશે એમ લાગવાથી અગતિકતાએ એ પત્ર આંહીં ઉતાર્યો છે. એટલે એ વસ્તુ લક્ષમાં રાખીને કોઈ એમાં અહંપ્રેમ કે મિથ્યાભિમાનનું દર્શન કે આરોપણ નહિ કરે એવી આશા છે.) આ ફરિયાદ ગુજરાતના કોઈ અમુક એક જ વિવેચક સામે છે કે સૌની સામે છે? ગુજરાતના સઘળા મુખ્ય મુખ્ય વિવેચકોની વિવેચનપ્રવૃત્તિ નિહાળી જુઓ, તેમના છેલ્લા વિવેચનલેખની પ્રકાશનમિતિ તપાસી જુઓ, તેમણે અવલોકેલી સાહિત્યકૃતિની પણ સાલ સંભારી જુઓ, અને પછી નથી લાગતું કે જે ફરિયાદ કરવી જ હોય તો એક જ માણસને તારવી કાઢી ફક્ત તેની જ સામે કરવાની જરૂર નથી, ૫ણ સઘળા વિવેચકો સામે એકસામટું તહોમતનામું નોંધાવવાની જ જરૂર છે? જે જાતે તંત્રી કે પત્રકાર હોય, અને તેથી પોતાના ધંધાની ફરજને અંગે જ જેને નિયમિત અવલોકનકાર્ય કરવું પડતું હોય એવા લેખકોને બાજૂ પર રાખો, અને પછી જુઓ કે જેની કલમ છેલ્લામાં છેલ્લા સાહિત્યપ્રકાશનને પહોંચી વળતી હોય એવા વિવેચકો ગુજરાતમાં કેટલા છે? મને લાગે છે પત્રકારના વર્ગ બહાર આપણે એવો એક પણ વિવેચક નહિ બતાવી શકીએ. અને આનું કારણ શું? વિવેચકો વર્તમાન પેઢીને પડતી મૂકીને ભૂતકાળ તરફ વળતા જતા હોય તો તે શાથી? નવાં પ્રકાશનોનું અવલોકન કરવું તે તો જૂની સાહિત્યકૃતિઓના વિવેચન કરતાં અનેકગણું સહેલું સરળ કામ છે, છતાં વિવેચકો પાછલા સાહિત્યકારોને અભ્યાસ કર્યા કરે અને આજના અભિનવ પ્રયોગોની ઉપેક્ષા કરે એવું કેમ બનતું હશે? નૂતન સૌન્દર્યનો તે સૌને સ્વાભાવિક મોહ, હોય, અને છેલ્લામાં છેલ્લા સાહિત્યકારોના પહેલામાં પહેલા વિવેચક બનવાનું માન ખાટી જવાની મહેચ્છા પણ સૌને એટલી જ સ્વાભાવિક હોય, છતાં આજના વિવેચકો નવાં પ્રકાશનોથી કેમ નાસતા ફરતા હશે? સમકાલીન સાહિત્યનું વિવેચન એ વિવેચકોનું સૌથી પહેલું કર્તવ્ય, છતાં એ વિષયમાં આપણે ત્યાં આટલી બધી ઉદાસીનતા શાથી જેવામાં આવતી હશે? જે ફરિયાદ થઈ જ છે, તો આ વસ્તુસ્થિતિ પાછળ ક્યાં કારણો રહેલાં છે તેની જાહેર તપાસ કરવાની જરૂર નથી લાગતી? એવી તપાસ કે ચર્ચા કરવામાં કેટલુંક જોખમ અને સાહસ તો અલબત્ત રહેલું જ છે. સૌ વિવેચકો ખાનગીમાં જે વીતકો વર્ણવે છે, જે મુશ્કેલીઓની ફરિયાદ કરે છે, જે માઠા અનુભવો રજૂ કરે છે, તે જાહેરમાં પ્રકટ કરતાં કેટલીક કડવાશ ઊભી થવાની દહેશત તો રહેલી જ છે. છતાં એ કડવાશનું જોખમ વહોરી લઈને પણ, સમકાલીન સાહિત્યના વિવેચનમાં જે અડચણો અત્યારે સૌ અનુભવી રહ્યા છે તેનું નિખાલસ નિવેદન કરવું, સઘળા અંગત અંશોને દૂર રાખી, કોઈનો પણ નામનિર્દેશ કર્યા વગર કે કોઈની પણ વાત બહાર પડ્યા વગર સ્વાનુભવ અને સર્વાનુભવને આધારે કેવળ સામાન્ય તત્ત્વચર્ચારૂપે નિખાલસ નિવેદન કરવું એ આજની ઘડીએ આપણા સાહિત્યની એક આવશ્યકતા નથી થઈ પડી? ત્યારે, સમકાલીન સાહિત્યતા વિવેચનમાં ગુજરાતમાં અત્યારે જે ચોખ્ખી મન્દતા પ્રવર્તી રહી છે તેનાં કારણો ક્યાં? પહેલું અને મુખ્ય કારણ તો એ કે સમકાલીન સાહિત્યના સાચા વિવેચનને માટે આપણે ત્યાં અનુકૂળતા જ બહુ ઓછી છે. સાચું વિવેચન એટલે શું? વસ્તુ ખરેખર જેવી હોય તેવી યથાર્થરૂપે જોવી દેખાડવી-મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ ‘To see the objectas in itself it really is.' ('Essays in Criticism' First seri es, p.1.) અર્થાત્ એમાં જેટલા ગુણો હોય તેટલા ગુણો દેખાડવા અને સામી બાજુએ જેટલા દોષો હોય તેટલા દેષો પણ દેખાડવા, ગુણ અને દોષ ઉભય વિષયમાં એ ખરેખર જેવી હોય તેવી જ યથાર્થરૂપે દર્શાવવી, તેનું નામ સાચું વિવેચન. આવું સાચું વિવેચન આપણે ત્યાં કેટલા થોડાને જોઈએ છે? કોઈ પણ સાહિત્યકૃતિનું યથાર્થ દર્શન કરવાની તમન્ના કે ઈચ્છા તો બાજુ પર રાખો, પણ તૈયારી પણ કેટલાની છે? અત્યારે સૌ વિવેચનની વાતો કરે છે, પણ જો લેખકનો વિચાર કરો તો સૌ લેખકોને તો કેવળ ગુણગાન જ જોઈએ છે. માણસ પોતે પોતાને જેવો હોય તેવો જોઈ શકતો નથી, તેથી બીજે રસિક, વિદ્વાન, સત્યનિષ્ઠ પુરુષ આવીને તેને તેના ગુણ-દોષનો ખ્યાલ આપે, ગુણોની કદર કરી તેને પ્રોત્સાહિત કરે, અને દોષોનું દર્શન કરાવી તેને ચેતવે એ સાચા વિવેચકનું કર્તવ્ય છે. વિવેચક પોતાનું આ કર્તવ્ય પ્રમાણિક રીતે બજાવે એવી ઇચ્છા ગુજરાતમાં કેટલા સાહિત્યકારોની છે? થોડા ભોળા, સરળ, સમજુ આત્માઓ હશે તેમને બાદ કરો તો બહુ જ ઓછાની. બાકી મોટા ભાગના સાહિત્યકારોમાં તો કોઈને પોતાની કૃતિ કે શક્તિનું સાચું દર્શન જોઈતું નથી. કોઈ એવું સાચું દર્શન કરાવે એ પણ એમને કોઈને પોસાતું નથી. એમને તો વિવેચનને નામે જોઈએ છે ફક્ત એક જ વસ્તુ, અને તે પોતાની કૃતિ શક્તિનાં અનર્ગળ નિર્ભેળ ગુણગાન. અનર્ગળ અને નિર્ભેળ એ બન્ને શરતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. પૂરાં અને શુદ્ધ વખાણ એ જ આપણા ઘણાખરા સાહિત્યકારોને મન વિવેચનની સાચી વ્યાખ્યા છે. વખાણ કરતાં કરતાં તમે જો જરા પણ કચાશ રાખો અથવા વખાણ કરતાં કરતાં તમે જો જરા પણ આડાઅવળા ખસ્યા તો તમારા બાર વાગ્યા જ સમજી લેવાના. તો તમે એ સાહિત્યકારને મન વિવેચક જ રહેતા નથી. કેમકે વિવેચક એટલે સાર્વજનિક સાહિત્યભાટ એ તો એમને મન સિદ્ધ વસ્તુ છે. પોતે સર્વગુણસંપન્ન, અને પોતાનું સર્જન સર્વોત્તમ, એ બાબતમાં તો આવા સહિત્યકારોને તલભાર પણ શંકા હોતી જ નથી. એટલે પછી પોતાની એ સુર્વગુણસંપન્નતા તેમ પોતાના સર્જનની એ સર્વોત્તમતાનું પ્રખ્યાપન કરવા સિવાય બીજું કયું કાર્ય એમને મન વિવેચકને માટે હોઈ શકે? વિવેચક જ્યાં સુધી પોતાના લેખમાં એવા સાહિત્યકારનાં ગુણગાન કરે છે ત્યાં સુધી એ મહાશય હસી મગન થઈને ડોલે છે, પણ જેવું એના વિવેચનલેખમાં ‘પણ' આવ્યું કે તરત એવા સાહિત્યકારનો આત્મા ફફડી ઊઠે છે. એ ‘પણ' પહેલાનો બધો ભાગ એમને વહાલો હેમ લાગે છે, પણ ‘પણ ‘ પછીનો સઘળો ભાગ એમને ‘દૂધમાંથી પોરા કાઢવા' જેવો લાગે છે. તમે કેાઈ સાહિત્યકૃતિનાં દસ દસ પાનાં ભરીને વખાણ કરો છતાં છેલ્લું અડધું પાનું કશા પણ દ્વેષભાવ વગર શુદ્ધ પ્રમાણિકપણે અને કેવળ કર્તવ્યરૂપે જરા દોષોનો નિર્દેશ સરખો કરો તો ખેલ ખલાસ, તમારી બધી મહેનત પછી પાણીમાં જવાની. દસ પાનાંમાં તમે સ્વતંત્ર અન્વેષણ કરીને તમારી પૂર્વે કોઈએ કદી ન કરાવ્યું હોય એવું ગુણદર્શન કરાવ્યું હોય એ તમારી સેવા પછી કોઈ ધ્યાનમાં લેવાનું નહિ–અલબત્ત, તમે જે ગુણો દર્શાવ્યા હોય તેના પર તો પોતાનો અનન્યાધિકાર સમજીને એ ગુણદર્શનને તો તે આત્મસાત્ કરી જવાના, પણ એ બદલ તમારા તરફ કશો સદ્ભાવ દાખવવાની કોઈ પોતાની ફરજ ગણવાનું નહિ અને પેલા અડધા પાનામાં જે થોડો દોષનિર્દેશ કર્યો હોય તેને જ જિંદગીભર ગણીને ગાંઠે બાંધીને એ ફરવાના, આપણા સાહિત્યકારોની તો વિવેચકોને જાણે એક સનાતન આજ્ઞા જ છે કે ‘ Thus far and no farther. બસ, ગુણદર્શનની સીમામાં જ તમારે બંધાઈ રહેવું, એની બહાર જો જરાયે પગ મૂક્યો તો અમારે ને તમારે જીવનભરનાં વેર થવાનાં!' આ સંબંધમાં ગુજરાતના કેટલાક સાહિત્યકારોની મનોદશા તો ‘રાઈનો પર્વત'માંના પર્વતરાય અને ‘દુનિયા ન મને માંના કેશવરાય જેવી જેવામાં આવી છે. વાસ્તવિક રીતે જોઈએ તો સાચું વિવેચન એ સમથળ સ્વચ્છ આયના જેવી વસ્તુ છે. તમે જેવા હો તેવા એ તમને કશા યે રાગદ્વેષ વગર આબેહૂબ દેખાડે છે. તમે સુરૂપ હશો તો તમને એ સુરૂપ દર્શાવશે, પણ તમારામાં જે કંઈ કુરૂપતા હશે તો તે પણ એમાં સ્વયમેવ પ્રતિબિંબિત થઈ જ જવાતી. એવી કુરૂપતા એમાં પ્રતિબિંબિત થઈ જાય એટલા માટે એના પર ગુરુસ્સે થવું એમાં કંઈ કોઈનું ભૂપણુ નથી. તમારામાં સૌન્દર્ય હશે તો તે હોંશે હોંશે વ્યક્ત કરશે, તમને સુન્દર દેખાડશે એટલું જ નહિ પણ તમારું સૌન્દષદર્શન કરાવીને જાતે પણ સુન્દર દેખાશે. પણ તમારામાં કંઈ ક્ષતિ હશે તો એ પણ મને કે કમને તેને ઝીલ્યા વિના ચાલવાનું જ નહિ. એ નહિ ઝીલે તો તે પોતાનો ધર્મ જ તજી દેવાનો. પણ આપણા પર્વતરાયો અને કેશવરાયો તો કહે છે કે અમે ગમે તેવા હોઈએ, અમારામાં ભલે ગમે તેટલી ક્ષતિ કે વિરૂપતા હોયે, અમારા વાળ ભલે સફેદ થઈ ગયા હોય, પણ દર્પણે તો અમને સર્વાંગસુદર જ દર્શાવવાના છે એમ સર્વાંગસુન્દર જે એ અમને નહિ બતાવે તો અમે એનો અમારા મહેલમાંથી, અમારી નગરીમાંથી બહિષ્કાર કરીશું, એની સામે પથરા ફેંકીને અમે એના ચૂરેચૂરા કરી નાખીશું. અમારામાં ક્ષતિઓ ભલે હોય, પણ એ ક્ષતિઓનું અમને ભાન કરાવે એવું દર્પણ અમારે ન જોઈએ. એ ક્ષતિનો નિર્દેશ સરખો કરવાની ધૃષ્ટતા કરે એની સામે અમારા કઠોર પ્રહારો થવાના જ અને આ પ્રહારોની વાત કેવળ કાલ્પનિક કે આલંકારિક કોઈએ માનવાની નથી. એવા પ્રહારો કેશવરાયોના જેવા જંગલી ક્રૂર પ્રહારો આપણા સાહિત્યજગતમાં થયા છે અને થાય છે એટલું જ આંહી કશી વીગતો આપ્યા વિના સ્વાનુભવપૂર્વક જણાવવું હાલ તરત પૂરતું થશે. ત્યારે સમકાલીન સાહિત્યના વિવેચનની પહેલી મુશ્કેલી આ કે આપણા સાહિત્યકારોમાંથી સત્યદર્શનને માટે બહુ ઓછા તૈયાર છે, અને કોઈ વિવેચક દોષદર્શન કરાવે એ તો એમને ધોળે ધરમે છે જોઈતું નથી. હવે બીજી મુશ્કેલી એ છે કે આપણે ત્યાં દરેક ક્ષેત્રના સાહિત્યકારો વચ્ચે એટલી તીવ્ર રસાકસી ચાલી રહી છે બીજો સુન્દર કામ કરી રહ્યો છે તો હું પણ એવું જ સુન્દર કામ કરું એ પ્રકારની નિરોગી સ્પર્ધા નહિ, પણ બીજો મારાથી આગળ થઈ જતો હોય તો બીજાને કુટિલતાથી ટાંટિયો ઝાલીને પછાડું અને એવી અધમ રીતે એને મારી પાછળ પાડી દઉં એવી હીણી હરીફાઈ ચાલી રહી છે અને એ ઉપરાંત ઊંડા અન્તરમાં એવી ક્ષુદ્ર અસૂયા અંદર અંદર પ્રવર્તી રહી છે કે કદાચ તમે કોઈ સાહિત્યકારના સંબંધમાં દોષદર્શન ન કરવું અને તેનાં પોતાનાં ભારોભાર વખાણ કરો તોપણ જે એના જ ક્ષેત્રમાં કામ કરી રહેલા બીજા કોઈ સાહિત્યકારનાં પણ તમે એટલાં જ વખાણ કરો તો એ એમને મંજૂર નથી. ‘I am a jealous God' એ કેવળ ખ્રિસ્તી ધર્મના ઈશ્વરની જ ઉક્તિ નથી, પણ આપણા સાહિત્યાધિષોની પણ એ જ ઉક્તિ છે. વિવેચનમાં તમારે વખાણ જ કરવાં, પૂરેપૂરાં વખાણ કરવાં, અને તે પણ એકલાં મારાં જ કરવાં, બીજા કોઈનાં નહિ, એમ આપણા ઘણાખરા સાહિત્યાધીષો કહી રહ્યા છે. દાખલા તરીકે હું જો નવલકથા લખતો હોઉં, તો ગુજરાતનો અનન્ય નવલકથાકાર તો હું જ, બીજા બધા નવલકથા લખે છે, ઠીક છે, પ્રયત્ન કરે છે, પણ સાચો સમર્થ સર્વોત્તમ નવલકથાકાર તો એક બસ હું જ એમ તમારે તમારા વિવેચનમાં બતાવવાનું છે. હું સારો નવલકથાકાર છું અને સાથે કોઈ બીજા શંકરલાલ કે શિવાભાઈ પણ સારા નવલકથાકાર છે એમ દર્શાવશો તો નહિ ચાલે. વળી મારા વિષયમાં કોઈ બીજાને જો મારા કરતાં ચડિયાતો કે પહેલો મૂક્યો તે મારે ને તમારે નહિ બને. પહેલું સ્થાન તમારે હંમેશાં મારા જ પુસ્તક માટે મુકરર રાખવાનું. એમ કરો તો જ તમે ખરા વિવેચક, નહિ તો અમે-હું અને મારું મિત્રમંડળ તમને વિવેચક ગણવાના જ નહિ. આ પ્રકારની ક્ષુદ્ર મનોદશા આજે ગુજરાતમાં સર્વત્ર નહિ તો ઘણે ઠેકાણે ઘર કરવા લાગી છે. આવી પરિસ્થિતિમાં ગમે તેવા પ્રમાણિક વિવેચકને પણ સતત રીતે અનેકોના અકારણ વૈમનસ્યના ભોગ બનવું પડે એ દેખીતું જ છે. સમકાલીન સાહિત્યના વિવેચનની ત્રીજી મુશ્કેલી એ છે કે વિવેચનની પવિત્રતા આપણે ત્યાં હજુ બહુ ઓછી સમજાઈ છે, અને તેથી ‘તું મને જાળવ તો હું તને જાળવું' એ પ્રકારના વ્યાવહારિક સાટાની જ વસ્તુ આપણે ત્યાં એ ઘણીવાર થઈ પડે છે. એટલે આપણા સાહિત્યમાં જેઓ ઉચ્ચપદવીધારી હોય, સાંસારિક દૃષ્ટિએ જેઓ સારી પેઠે લાગવગ ધરાવતા હોય, અથવા કોઈનું સારું માઠું કરવાની જેમના હાથમાં સત્તા હોય, એવા પુરુષોના પ્રકાશનનું વિવેચન કરવાનો પ્રસંગ આવે છે ત્યારે આપણે ત્યાં વિવેચકોની સ્થિતિ ઘણીવાર બહુ વિષમ થઈ પડે છે. ખરી રીતે એવી વિષમ થવાનું કશું કારણ નથી. માણસ ભલે નાનો હોય કે મોટો હોય, લોકોમાં પૂજાતો હોય કે વગોવાતો હોય, ખૂબ વગવસીલાવાળો હોય કે સાવ અટૂલો હોય, પણ સૌને માટે વિવેચનનું ધોરણ એકસરખું જ હોય, સૌની કૃતિઓને એમની જાતથી જુદી પાડીને જ તપાસવાની હોય, અને કૃતિ જાતે જેવી માલૂમ પડતી હોય એવી જ એના કર્તાના ઉચ્ચનીચ સ્થાનથી નિરપેક્ષ રીતે તેને બતાવવાની હોય. પણ આ સત્ય આપણે ત્યાં બહુ ઓછા સમજે છે કે આચારમાં ઉતારે છે, અને તેથી જ મોટા માણસના ગ્રથવિવેચનપ્રસંગે વિવેચકની સ્થિતિ ઉપર કહ્યું તેમ ઘણીવાર બહુ વિષમ થઈ પડે છે. વિવેચનની પવિત્રતા અને જવાબદારીનું ભાન બહુ વિરલ હોવાથી આવે પ્રસંગે ઘણાખરા મોટા માણસ એવી જ અપેક્ષા રાખે છે કે અમારા ગ્રન્થનાં તો સૌએ વખાણ જ કરવાં જોઈએ, અને તેથી એમની એ અપેક્ષાને જે કોઈ માન ન આપે તેને જીવનમાં ઘણીવાર અન્યાય સહન કરવો પડે છે. એટલે ઘણી વાર થાય છે એવું કે વિવેચનની અંદરનું વિવેચકનું-સત્યવકતૃત્વ અને સ્પષ્ટવકતૃત્વ જ અર્થાત્ વિવેચક તરીકેની એની સિદ્ધાન્તનિષ્ઠા અને પ્રમાણિકતા જ એના નિત્યના સંસારજીવનમાં એને હાનિકર થઈ પડે છે. અલબત્ત, સાચા વિવેચકે હંમેશા નિ:સ્પૃહ જ રહેવાનું છે, અને સાંસારિક લાભહાનિની પરવા કર્યા વિના જ તેણે પોતાનું કર્તવ્ય સદા બજાવ્યા કરવાનું છે. પણ એ તો એના પક્ષની વાત થઈ. સામા પક્ષે તો આવી પરિસ્થિતિ જ્યાં સુધી પ્રવર્તતી હોય ત્યાં સુધી સમકાલીન વિવેચનમાં બહુ ઉત્સાહ કોઈ ન અનુભવે, અને તેથી ત્યાં સુધી એ વિષયમાં એની ઉદાસીનતા પરત્વે કોઈને ફરિયાદ કરવાની ન હોય એટલું આ ઉપરથી સ્પષ્ટ નથી થઈ જતું? આ બધી મુશ્કેલીઓના મૂળમાં બે વસ્તુઓ કામ કરી રહી છે: એક સત્યનિષ્ઠાનો અભાવ અને બીજી વધુ પડતી અહમહમિકા ને કીર્તિલાલસા. આપણામાં અત્યારે સત્યપરાયણતા એટલી બધી ઓછી થઈ ગઈ છે કે આપણે સૌ વસ્તુની નહિ પણ એના કેવળ આભાસ કે દેખાવની જ પાછળ પડ્યા છીએ. તેથી ખરેખર મહાન બનવું એ અત્યારે કોઈનું લક્ષ્ય નથી, પણ ગમે તે ઉપાયે મહાન દેખાવું અને ગણાવું એની જ પાછળ સૌનું ધ્યાન લાગ્યું છે. સાહિત્યકાર સત્યનિષ્ઠ હોય તો એનો તો વિવેચકને ઊલટો પડકાર હોવો જોઈએ કે “આવી જા, તારે મારી કૃતિ વિશે જે કહેવું હોય તે કહે, તને એમાં ખરેખર દેખાતા હોય એવા દોષો તું બેલાશક બતાવ, પણ એમાં શરત એટલી કે તારે પ્રમાણિક બનવાનું, અંગત રાગદ્વેષને વચ્ચે નહિ આવવા દેવાના, અને કશા પૂર્વગ્રહને વશ થયા વગર તને જે લાગે તે નિખાલસ રીતે કહી દેવાનું.’ એને બદલે અત્યારે તે જ્યાં ત્યાં “દોષો ભલે રહ્યા, તમે કોઈ એના વિશે અક્ષરે ઉચ્ચારશો નહિ એવું બાયલાપણું જ જોવામાં આવે છે. સત્યનિષ્ઠ સાહિત્યકારને પોતાની ઇયત્તાથી અધિક યશ હરામ બરાબર લાગે, એને બદલે આજે આપણે સૌ અનર્ગળ યશના આશક થઈ પડ્યા છીએ. કીર્તિલાલસા તો આપણામાં એટલી બધી વધી પડી છે કે घटं मिन्द्यात्पटम छिनद्यात्कुर्यात रासमरोहनम એ હદ સુધી ઘણીવાર આપણે પહોંચી જઈએ છીએ, એટલે આપણા કેટલાક સાહિત્યકારાની મનોદશા તો ‘આમ કરું, આ વિવેચકને સાધું, પેલાને મારો આશ્રિત બનાવું, ત્રીજો માનતો ન હોય તો એને દબડાવું, ચોથાને જરા ચમત્કાર બતાવીને સીધો કરી દઉં, અને એમ કરીને સૌ વિવેચકો પાસે મારા નામનો ગગન ગજવતો જયજયકાર કરાવું,' એ પ્રકારની થઈ પડી છે. આવા સંજોગોમાં યથાર્થ દર્શનને માટે પ્રમાણિકપણે મથતા વિવેચકોને માટે તો મૌન સિવાય બીજો રસ્તો જ શો? ત્યારે શું વિવેચકોએ આ મુશ્કેલીઓથી થાકીહારીને વિવેચન ક્ષેત્રમાંથી સંન્યાસ લેવો? કે સમકાલીન વિવેચનને સર્વથા પડતું મૂકી ભૂતકાળના સાહિત્ય ભણી જ વળવું? ના, એવું કંઈ જ નહિ. મુશ્કેલીઓ છે માટે અમુક વ્યક્તિઓ સમકાલીન વિવેચનમાંથી નાસી જશે એવું માનવાનું કશું કારણ નથી. કેમકે વિવેચન એટલે એક પ્રકારની નાનકડી શહીદી, એટલું ન સમજતો હોય એ વિવેચક નામને પાત્ર જ નથી. વિવેચકે થોડા ઘણા વૈમનસ્ય, વિરોધ, પજવણીને માટે તો પહેલેથી તૈયાર રહેવાનું જ છે. ઉપર જે મુશ્કેલીઓ વર્ણવી છે તે અત્યારે અને આપણા પ્રાન્તમાં કદાચ ઉત્કટ પ્રમાણમાં હશે, પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો એનું અન્તિમ મૂળ તો કોઈ અમુક યુગના એકદેશી વાતાવરણમાં નહિ પણ માનવપ્રકૃતિની સનાતન મર્યાદાઓમાં જ રહેલું છે એ પણ કોઈ સાચા વિવેચકની સમજ બહાર રહી શકે એમ નથી. લેખક ભલેને ગમે તેટલો પ્રતિભાશાળી સાહિત્યસર્જક હોય તો યે એ માનવી મટતો નથી, એટલે માનવીરૂપે એ સ્વાર્થી, યશલોભી, જૂઠ, બડાઈખોર, અદેખો, ઝેરીલો હોય તો એમાં ફરિયાદ કે અફસોસ કર્યે કંઈ વળવાનું નથી, અને એટલા કારણે સમકાલીન સાહિત્યનું વિવેચન છોડી દેવું વાજબી પણ ગણાય એમ નથી. પણ સામી બાજૂએ વિવેચક પણ માનવી છે. એ જો એમ જોતો હોય કે સમકાલીન સાહિત્યનું બને તેટલા રાગદ્વેષરહિત ચિત્તે અને સઘળી શુભનિષ્ઠાપૂર્વક પ્રમાણિક વિવેચન કરવાના એકેએક નેક પ્રયત્ન છતાં સાહિત્યકારોની પામરતા જે પોતાના કાર્યમાં નડતરો ઊભી કર્યા જ કરતી હોય તો પળવાર એને પોતાના કાર્યપરત્વે નિર્વેદ ઊપજે એમાં નવાઈ જેવું પણ નથી. એવો નિર્વેદ અમુક વિવેચકોને ઊપજ્યો છે એમ પણ જાતમાહિતીપૂર્વક કહી શકાય એમ છે. પણ એવો નિર્વેદ એની ચિરસ્થાયી મનોદશા જ બની જશે એમ માનવાનું કંઇ કારણ નથી. ખરી રીતે, પોતાના કાર્યમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય, અનેક નડતરો ઊભી થતી હોય, અને કશો યે લાભ મળતો ન હોય, છતાં એ કાર્ય વિના પોતે રહી જ ન શકે, પળવાર છોડી દે તોપણ એના વિના તેને ચેન ન પડે, અને અંગત લાભાલાભની પરવા કર્યા વિના એ કાર્ય કર્યાં કરે એવી અનિરુદ્ધ આસક્તિ કોઈ પણ કાર્ય પરત્વે માણસને હોય તો જ એ જીવનમાં કંઈયે કરી શકવાનો છે. એટલે અમુક વ્યક્તિ એ મુશ્કેલીઓને લીધે પોતાનું એ કાર્ય છોડી દેશે એમ માનવાનું નથી. અને અમુક વ્યક્તિ એમ છોડી દે તે એને હરખશોક પણ કોઈએ કરવાનો હોય નહિ. પ્રજાજીવનમાં વ્યક્તિઓ સદા યે તુચ્છ જ છે. એક જશે તો બીજી આવશે, બીજી જશે તો ત્રીજી આવશે. કોઈ વ્યક્તિની ફરિયાદ બચાવ કે વકીલાત તરીકે આ બધું આંહીં લખ્યું પણ નથી. આ લેખનો આશય તો સમકાલીન સાહિત્યના વિવેચનમાં આપણે ત્યાં અત્યારે જે કેટલાંક વિઘાતક બળો કામ કરી રહ્યાં છે તેના તરફ આપણા સાહિત્યરસિકોનું લક્ષ દોરવું અને કોઈના હૃદયમાં રામ વસતા હોય તો તેને જાગ્રત કરી સમકાલીન વિવેચનનો માર્ગ સાફ કરવા યત્ન કરી જોવો એટલો જ છે. કેમકે વ્યક્તિઓ તુચ્છ છે, પણ વિવેચન પોતે કંઈ તુચ્છ નથી. સાહિત્યના સર્વતોમુખ વિકાસમાં વિવેચનનો ફાળો કંઈ નાનોસૂનો સમજવાનો નથી. ‘अप्रितोशाद विदुषां न साधु मन्ये प्रयोगविज्ञानम्’ શબ્દોમાં કાલિદાસે કેવળ પોતાના જ હૃદયની નહિ પણ સર્જક માત્રના હૃદયની ઊંડી ભૂખ વ્યક્ત કરી છે. સર્જક ગમે તેટલું સર્જે, પણ જ્યાં સુધી એની વિદ્વતાને-પોતાના આંગળિયાત કે અનુયાયી બનાવેલા ધનજીભાઈ કે કુરજીભાઈ નહિ પણ સાચા સ્વતંત્ર વિદ્વાને-કશી પણ લાગવગ કે અંગત સંબંધને કારણે નહિ પણ તટસ્થ રીતે કદર ન કરે ત્યાં સુધી સર્જકહૃદયને સાચી તૃપ્તિ થવાની નહિ, અને તેથી ત્યાં સુધી વિશેષ સર્જનને માટે એના અન્તરમાં ઉલ્લાસની ભરતી આવવાની નહિ. એટલે સાહિત્યના સાચા સમુલ્લાસને માટે સમકાલીન પ્રકાશનોનું સમભાવપૂર્વક યથાર્થ વિવેચન થતું રહે એ પરમ આવશ્યક વસ્તુ છે. પણ એવા યથાર્થ વિવેચનને માટે અનુકૂળ પરિસ્થિતિની જરૂર છે. જ્યાં સુધી આપણે વિવેચનમાં સત્ય અને પ્રમાણિકતા પર ભાર નહિ મૂકીએ, જ્યાં સુધી એવા પ્રમાણિકતાપૂર્વક દર્શાવેલા નિખાલસ અભિપ્રાયોને આપણે આદર ને ઉત્તેજન આપતાં નહિ શીખીએ, જ્યાં સુધી વિવેચન એટલે કેવળ ગુણદર્શન જ એવી માન્યતાનો આપણે ત્યાગ નહિ કરીએ, જ્યાં સુધી યથાર્થ આત્મદર્શનને માટે આ૫ણને તાલાવેલી નહિ લાગે, અને કડવું પણ સત્ય જીરવવા જેટલી ઉદારતા આપણે નહિ કેળવીએ, જ્યાં સુધી યેનકેન ઉપાયેન પ્રસિદ્ધ થઈ જવાની ક્ષુદ્ર કીર્તિલાલસા તજીને આપણે જેવા છીએ તેવા સાચા સ્વરૂપમાં દેખાવાને અને શુદ્ધ ન્યાય અને સત્યપૂર્વક જેટલો યશ ને પ્રતિષ્ઠા આ૫ણને મળે એમ હોય તેથી રજ પણ વિશેષ મેળવવાની હરામ દાનત છોડી દેવાને આપણે તૈયાર નહિ થઈએ, ત્યાં સુધી સમકાલીન સાહિત્યનું સાચું વિવેચન આપણે ત્યાં કદી પણ નભી કે વિકસી શકવાનું નથી, ત્યાં સુધી સત્યનિષ્ઠ વિદ્વાનોની કલમ એમાં ઉત્સાહ અનુભવી શકવાની નથી, અને ત્યાં સુધી ગુજરાતની પ્રતિભા જે પરાકોટિએ પહોંચી ઉચ્ચતમ સાહિત્યફળો આપી શકે એમ છે તે નીપજવાનાં નથી, ત્યાં સુધી આપણા સાહિત્યકારોની સર્જકશક્તિનો પરિપાક પણ થવાનો નથી, અને ત્યાં સુધી આપણે દક્ષતાપૂર્વક બાજી ગોઠવીને અંદર અંદર अहो रूपम् अहो ध्वनि ના ગમે તેટલા સૂર ભલે કાઢીએ પણ આપણા સાહિત્યકારો ઘરદીવડા મટવાના નથી, અને જગતસાહિત્ય સમક્ષ ગુજરાતને નામે ગૌરવપૂર્વક રજૂ કરી શકીએ એવી ચિરંજીવ સર્વાંગસુન્દર સાહિત્યકૃતિઓ આપણે કદી સજી શકવાના નથી એ નક્કી.
૧૯૯૪
‘વિવેચનકલા’ પૃ. ૭૧ થી ૮૩