< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/વિવેચનની અગત્ય
(૧) વિવેચનની અગત્ય
(ગ્રન્થસ્થ થએલા મારા લેખોમાં આ સૌથી પહેલો લખાએલો તેમ પ્રકટ થએલો લેખ. આની પણ પહેલાં ‘ગુજરાતનો નાથ' વિશે એક લેખ લખાએલો, અને તે ‘વસન્ત'ના આની પહેલાના જ અંકમાં પ્રકટ પણ થએલો, પણ એ લેખ હજુ ગ્રંથસ્થ થયો નથી. એટલે એક રીતે મારી લેખનપ્રવૃત્તિનો પ્રારંભ આ લેખથી થએલો ગણવો હોય તો ગણી શકાય. કોઈને જીવનભર વિવેચનનું કામ કરવું હોય તો સૌથી પહેલાં તો એને વિવેચનનાં સ્વરૂપ, અગત્ય, આદર્શ આદિ વિશે પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. આ લેખમાં વિવેચનની મહત્તા, ઉપયોગિતા, આવશ્યકતા, અને ભાવના વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે તે ઉપરથી ચિત્તને પહેલેથી જ વિવેચન વિષયની કેવી લગની લાગેલી તે જોઈ શકાશે. અને એ લગની, પિસ્તાળીસ વરસ ઉપર આ લેખ લખાએલો ત્યારથી આજની ઘડી સુધી એવી ને એવી ઉત્કટ રહી છે, એ કારણે પણ વિવેચનવિષયનાં જીવનભરનાં લખાણો અહીં એકઠાં કર્યાં છે તેને મોખરે આ લેખ મૂક્યો છે.) [જુઓ ‘થોડીક વિગતો’ એ નામનો ‘વિવેચનકલા’ નામના પુસ્તકમાં અંતે સમાવેલો પોતાના અમુક લેખો વિશેની કેફિયતો આપતા લેખમાંથી ‘વિવેચનની અગત્ય’ લેખની પૂર્વભૂમિકા આપતા આ લખાણને આ લેખના આરંભે મૂકવાનું ઉચિત ધાર્યું છે.- સં.]
Some to whom Heaven in wit has been profuse, Want as much more, to turn it to its use. For wit and judgment often are at strife, Though meant each other's aid, like man and wife. ‘Tis more to guide, than spur the muse's steed, Restrain his fury, than provoke his speed.[1]
અલેકઝાંડર પોપના આ શબ્દોમાં સુન્દર સત્ય સમાએલું છે. ઉપરની પંકિતઓમાં એ જણાવે છે તેમ ઘણાં મનુષ્યોમાં બુદ્ધિ કે સર્જકશક્તિ હોય છે, પણ તેનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો તેની તેમને ખબર નથી હોતી. તેઓ નવું ઉપજાવી શકે છે, ‘પણ ઉપજાવેલ નવી વસ્તુની તેઓ કિંમત આંકી શકતા નથી, તેના ગુણદોષની, તેની સંપૂર્ણતા અપૂર્ણતાની તેઓ પરીક્ષા કરી શકતા નથી. અન્તરની પ્રેરણા પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કર્યા કરે છે, પણ એ પ્રવૃત્તિએ યોગ્ય જ દિશા કે રૂપ પસંદ કરેલ છે કે કેમ એનો નિશ્ચય કરવાનું તેમનામાં સામર્થ્ય હોતું નથી. આથી તેઓ આંખો મીંચીને એક જ માર્ગે ચાલ્યા જાય છે, પણ પોતાનાં કાર્યોમાં રહેલી ખોડખાંપણો તેઓ સુધારી શકતા નથી. તેથી તેમની જે શક્તિ સાચે સલાહકાર મળ્યે સમાજને બહુ સારો લાભ આપી શકે એમ હોય છે તે લગભગ વ્યર્થ જાય છે. આવું અનિષ્ટ પરિણામ ન આવે અને સમાજની સર્જકશક્તિ સંપૂર્ણ સ્વરૂપમાં વિકાસ પામી તેના સ્વાદિષ્ઠ ફળો રસિકો આગળે રજૂ કરે એટલા માટે જાતે કાર્યક્ષેત્રમાં પડ્યા વિના દૂર રહીને જુદી જુદી વ્યક્તિગત શક્તિઓનો ઊંડો અભ્યાસ કરે, તેને કયા વિષય કે કઈ દિશા અનુકૂળ છે તે પૂરેપૂરું જાણી લે, અને તેને એની અંદર રહેલા ગુણદોષનું ભાન કરાવી, દોષ પરિહરવા તથા ગુણો પોષવા પ્રેરી, એ વિષય કે દિશા પ્રતિ દોરે એવા સમાલોચકોની દરેક સમાજને બહુ જરૂર છે. જેવી રીતે લૌકિક ઉદ્યાનને માળીની અગત્ય રહે છે, તેવી જ રીતે સાહિત્ય, સંગીત, ચિત્રકામ, શિલ્પકામ આદિ વિવિધ કુંજોના બનેલા કલારૂપી ઉદ્યાનને પણ અવલોકનકારરૂપી માળીની અગત્ય છે. સામાન્ય બાગમાં જેમ છોડવાઓને પાણી પાઈ ઉછેરવાના હોય છે, તેમની લટકતી લચકાતી ડાળીઓને ટેકો આપવાનો હોય છે, જુદા જુદા છોડવાઓનો અભ્યાસ કરી તેમને અનુકૂળ થઈ પડે એવા વાતાવરણમાં રાખવા કે ફેરવવાના હોય છે, જુદા જુદા રોપા તથા વેલાઓને જુદી જુદી દિશામાં વાળવાના હોય છે, ઉપયોગી છોડવાઓની આસપાસ ઝેરી કે નકામું ઘાસ ઊગીને તેનાં પોષક તત્ત્વો ચૂસી લેતું હોય તેને નીંદી નાખવાનું હોય છે, તથા છેવટ જ્યારે વિવિધ વનસ્પતિ ફૂલેફાલે ત્યારે તેનો ફાલ સમાજને ધરાવી જુદા જુદા છોડઝાડની પિછાન કરાવી તેમાં સમાજને રસ લેતો કરવાનો હોય છે, તે જ રીતે કલારૂપી બાગમાં પણ જુદા જુદા કલાકારોરૂપી છોડને ઉત્તેજનરૂપ પાણીથી પોષવાના હોય છે, તે જ્યારે જ્યારે નિરાશ થઈ જાય ત્યારે ત્યારે તેમને યોગ્ય ટેકો આપવાનો હોય છે, તેમનાં લક્ષણોનો સૂક્ષ્મ અભ્યાસ કરી તેમને લાયક વિષય કે ક્ષેત્ર પ્રતિ તેમને દોરવાના હોય છે, અને સમાજમાં અનીતિના, પાશ્વતાના, વિષયલોલુપતાના વિષમય રજકણો ફેલાવે એવા અથવા કાંઈ ઉપયોગમાં ન આવે એવા કલાકારોરૂપી ઝેરી કે નકામા છોડવા એને જડમૂળથી ઉખેડી નાખવાના હોય છે, તથા એ બધું કરવાથી સુશોભિત સુખકારક બનેલા એ કલા-ઉદ્યાનમાંથી સર્વોત્તમ કલાવિધાનરૂપી મિષ્ટ પાક ઊતરે તે લોકો સમક્ષ મૂકી તેમની પાસે તેની કદર કરાવી તેનો તેમનામાં શોખ પેદા કરવાનો તથા વધારવાને હોય છે. અને આ બધું કામ એ કલા-ઉદ્યાનનું રાતદિવસ રખોપું કરે, એની સતત સંભાળ લે એવા સમાલોચકોરૂપી ઉદ્યાનપાલો હોય તો જ થઈ શકે. ગુજરાતમાં અત્યારે આવા એકલક્ષી અવલોકનકારોની ભારે ખોટ છે, અને તેથી તેની કલાકુંજો બીજા પ્રાન્તો કે દેશોની સરખામણીમાં શુષ્ક વેરાન પડી છે, અથવા કવચિત્ સુગન્ધી પુષ્પો ખીલ્યાં છે તો તેની સુગન્ધને પોતાની દુર્ગન્ધથી દાબી દેનાર નુકસાનકારક છોડવાઓ અગર તેની આસપાસ ગઢ રચી તેને દુર્ગમ બનાવી દેનાર નકામા ઘાસનો એવો જંગી જથ્થો એની આજૂબાજૂ જોવામાં આવે છે કે એમાંથી એ રડયાંખડ્યાં સુગન્ધી ફૂલોને શોધી કાઢીને તેનો આસ્વાદ લેવાનું અતિ દુષ્કર થઈ પડે છે.
કલાવાડીની અન્ય કુંજોને હાલ તરત બાજૂ પર રાખી આપણા પ્રાન્તમાં એ સર્વ કુંજોની અપેક્ષાએ જે સૌથી વિશેષ ખીલેલ છે તે સાહિત્યકુંજનું જ આપણે આ લેખમાં અવલોકન કરીએ તો તે પણ આપણને સન્તોષ આપી શકે એમ નથી. ઈ. સ. ૧૮૯૮માં તે વખતના ઉત્સાહી વિવેચક રા. રમણભાઈએ ‘ગુજરાતી સાહિત્યનું હાલનું વલણ ‘ [2] એ વિષય ઉપર એક ભાષણ આપેલું. એ પ્રસંગને આજે (૧૯૨૨માં) પૂરાં ચોવીસ વર્ષ વીતી ગયાં છતાં ગુજરાતી સાહિત્યની અત્યારની અવસ્થાને તત્કાલીન અવસ્થાના તે વિદ્વાને દોરેલા ચિત્ર સાથે સરખાવીએ તો સમર્થ અને ઐકાન્તિક સમાલોચકના અભાવે આપણા સાહિત્યનો વિકાસ કેટલો ઓછો થયો છે અને તે કેવી કંગાલ હાલતમાં રહ્યું છે તેનો આપણને ખ્યાલ આવે છે. જરા વીગતવાર તપાસ કરીશું તો આ બાબત સ્પષ્ટ થશે. સાહિત્યના રા. રમણભાઈએ અવલોકેલા પ્રથમ કવિતા અંગને લઈએ તો એમની પેઠે અત્યારના અવલોકનકારને પણ મહાકાવ્યો અને વર્ણનાત્મક કાવ્યો એ વિવેચકના તે વખતના શબ્દો વાપરીએ તો ‘વીરરસ (heroic) કવિતા અને વર્ણનમય / descriptive) કવિતા'ની ખોટની સખેદ નોંધ લેવી પડે છે. આંહીં કદાચ કોઈ પૂર્વપક્ષ કરશે. poets are born, not made એ સૂત્ર પ્રમાણે પૂર્વપક્ષ કરશે કે વસ્તુ છે, તેથી કોઈ સમર્થ સમાલોચક એ સમય દરમિયાન ગુજરાતમાં થયો હોત તોપણ એની વૃદ્ધિના સંબંધમાં એ કશું યે કરી શક્યો ન હોત, તો એ વાત સાચી છે; પણ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે એવો સમાલોચક ગુજરાતી કવિતાને વિશેષ સંસ્કારી, બનાવવાની પ્રેરણા તો કરી જ શક્યો હોત. વળી ઈ. સ. ૧૮૯૭થી અણખેડાએલા રહેલા મહાકાવ્યના ક્ષેત્ર પ્રત્યે કોઈ નહિ ને કોઈ કવિને દોરી ગયો હોત અને તેને હાથે એ દિશામાં પ્રયત્ન અને પ્રયોગ તે જરૂર કરાવી શક્યો હોત. કારણ કે મહાકાવ્યો લખવામાં જોકે જુદી જ જાતની કવિતાશક્તિની જરૂર રહેલી છે, અને વિવેચક ગમે તેટલું કરે છતાં જ્યાં એ શક્તિ ન હોય ત્યાં તે નવી ઉપજાવી તો ન જ શકે, તે પણ ઘણીવાર એવું બને છે કે કેટલીક શક્તિઓ મનુષ્યોમાં સુષુપ્ત સ્થિતિમાં રહે છે, એટલે ઉપર ઉપરથી જોનારને એ શક્તિના અસ્તિત્વનું ભાન થતું નથી, પણ એના જે સાચા પરીક્ષક હોય છે તે તેને જાગૃત કરી પ્રકાશમાં લાવી શકે છે. અથવા કેટલીક વાર એવું પણ થવા પામે છે કે અમુક વસ્તુની જ્યારે ગંભીર ચર્ચા ચાલે છે ત્યારે ગમે તેવો ઢોળ ચડાવેલું લોઢું જેમ લોહચુંબક પાસે આવતાં એના પ્રત્યે એકદમ આકર્ષાય છે, તેવી રીતે સજાતીય વિષયનું સચોટ સ્મરણ થતાં એવી શક્તિ ઓચિંતી હૃદયના ઊંડાણમાંથી ગમે તેટલાં પડો ભેદીને પણ વીજળીના ઝબકારાની પેઠે સ્ફુરી ઊઠે છે અને પોતાનો જવલન્ત પ્રકાશ આસપાસ પ્રસારી તેના ધારણ કરનાર તથા ઉપભોગ કરનાર સર્વને આશ્ચર્યમાં લીન કરી દે છે. તે પછી ઇતિહાસની બાબતમાં આપણું સાહિત્ય એ સમયના કરતાં પણ પાછળ રહ્યું છે. રા. રમણભાઈના ભાષણ પહેલાંની પચીશીમાં જે બેત્રણ સ્વતંત્ર ઇતિહાસગ્રન્થો લખાએલા એમાંના કોઈની પણ તોલે આવી શકે એવો એકે ગ્રન્થ એ પછીની ચોવીશીમાં પ્રસિદ્ધ થયાનું જાણ્યું નથી. નવલકથાના વિષયમાં પણ પ્રમાણમાં કંઈ બહુ આગળ વધ્યા એમ કહી શકીએ નહિ. ઈ. સ. ૧૯૧૪ના અરસામાં ‘સત્ય' માસિકના તંત્રીએ દસ સર્વોત્કૃષ્ટ ગુજરાતી નવલકથાનાં નામોની જાહેર માગણી કરેલી, અને તેના ઉત્તરમાં આવેલી નવલકથાઓની નામાવલિ બહાર પાડતાં એમણે નોંધ લીધેલી કે આપણા સાહિત્યની દસ સર્વોત્તમ વાર્તાઓની યાદીમાં ત્રણચાર સ્થાન તો ‘ગુલાબસિંહ' જેવાં ભાષાન્તર કે અનુકરણો (adaptations) રોકે છે એ ખરેખર શોચનીય છે. રા. મોતીલાલ સટ્ટાવાળાના સમયની આ શોચનીય સ્થિતિમાં આજ આઠ વર્ષે પણ રા. મુનશીની વાર્તાઓની પ્રસિદ્ધિ સિવાય કઈ મહત્ત્વનો ફેરફાર થયો લાગતો નથી. અને ઈ. સ. ૧૮૯૮ પછી નવલકથાનાં આવા ચારપાંચ શિષ્ટ પુસ્તકોને ઉમેરો થયો છે. એનાથી કદાચ મન વાળવા પ્રયત્ન કરીએ તોપણ બીજી બાજૂએ જ આંતરામાં અનેક અશ્લીલ વાર્તાઓનો આપણી ભાષામાં જે રાફડો ફાટ્યો છે તે કોઈ પણ સાહિત્ય કે દેશ-હિતચિન્તકને એમ કરવા દે એમ નથી. સંવાદના વિષયમાં છેલ્લાં બે વર્ષમાં બેએક પુસ્તક પ્રસિદ્ધ થયાં જણાય છે, અને તે ઉપરથી આગળ એના એ તથા અન્ય લેખકોની એ દિશામાં પ્રવૃત્તિ ચાલુ રહેશે તો શુભ પરિણામ આવશે એવી આશા ભવિષ્યને માટે કદાચ કંઈક આશ્વાસન આપી શકે, છતાં અત્યારે તે એ પુસ્તકો એ પ્રદેશની ઉજજડ સ્થિતિનું સ્મરણ કરાવવા ઉપરાંત બીજું કશું સાધી શકતાં નથી. જીવનચરિત્ર લેખનની વાત પણ આ ગાળામાં સંવાદના જ પ્રકારની છે. ફક્ત ફેર એટલો જ કે એ ક્ષેત્રમાં અગાઉના કૃષિકારોએ ચારપાંચ સારા છોડવાઓ રોપી મૂકેલા એટલે એ સંવાદપ્રદેશના જેટલું શુષ્ક નથી લાગતું. નિબંધ, તત્ત્વજ્ઞાન, ધર્મવિચાર આદિ વિભાગો સંબંધી પણ રા. રમણભાઈના એ વખતના શબ્દો લગભગ સરખી સત્યતાથી અત્યારે પણ લાગુ પડી શકે એવું છે, જોકે એ વિષયમાં ‘વસન્ત'ના આદ્યતંત્રીએ [3] સ્વતંત્ર પુસ્તકો અને પ્રસંગોપાત્ત નિબંધો લખી પોતા તરફનો સારો ફાળો આપ્યો છે એ નોંધવું જોઈએ હાસ્યરસમાં ‘ભદ્રંભદ્ર ‘ના લેખકે કરેલ પ્રારંભે આપણા સાહિત્ય ઉપર સારી અસર કરી છે, અને એ નવીન વિષયમાં ખ્યાતિ મેળવવા હાલ ઘણા લેખકો પ્રયાસ પણ કરી રહ્યા છે, છતાં એમાં સંપૂર્ણ સફળતા બહુ ઓછાને મળી છે અને જેને આપણે હાસ્યરસનો ખાં કહી શકીએ એવો બીજો એકે લેખક અત્યારે આપણી નજરે પડતો નથી. સંસારસુધારો, શિક્ષણ, વિજ્ઞાન આદિ પ્રકીર્ણ વર્ગનાં પુસ્તકોમાં પણ બેચાર રડ્યાખડ્યા અનુવાદ સિવાય કોઈ સ્વતંત્ર પ્રયાસ થયા નથી. આ પ્રમાણે છેલ્લી ચોવીશીએ કોઈ પણ વિષયમાં સંગીન કામ કર્યું નથી, કોઈ પણ બાબતમાં એણે ધ્યાન ખેંચે એવી પ્રગતિ કરી નથી. એ ચોવીશીમાં મુંબઈના વિશ્વવિદ્યાલયમાંથી સેંકડો પદવીધરો નીકળ્યા, હજારોએ આપણે જેને ઉદાત્ત (Liberal) કહીએ છીએ એ જાતનું શિક્ષણ મેળવ્યું, છતાં એ બધા ચોવીસ વર્ષ જેટલા લાંબા સમયે પણ આપણા સાહિત્યને અપ્રતિમ પ્રતિભાસંપન્ન તો નહિ, પણ સાધારણ શિષ્ટ વર્ગનાં એકસો સ્વતંત્ર પુસ્તકો પણ આપી શક્યા નથી. એમાં દોષ પદવીધર કે કેળવાએલી વ્યક્તિઓનો નથી, એ કેળવાએલાઓની કેળવણીનો યોગ્ય લાભ લેવાની, એમને સાહિત્યસેવા પ્રતિ વાળવાની, સાહિત્યોદ્ધારના એમની રુચિ શક્તિઓને અનુકૂળ આવે એવા રસ્તાઓ બતાવવાની કોઈએ દરકાર કરી નથી, એમનામાં જે અનેક શક્યતાઓ હતી તેને પ્રકટાવવાનો અને વિકસાવવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી એ વસ્તુસ્થિતિનો છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ચોવીશીની સાહિત્યપ્રવૃત્તિની શિથિલતા સર્વાંશે નહિ તે કેટલેક અંશે એ ચોવીશીમાં કોઈ વિદ્વાન કે વિદ્વાનોએ અનન્ય ભાવે સમાલોચનાનું, સાહિત્યચર્ચાનું કાર્ય ઉપાડી ન લીધું એના પરિણામરૂપ છે.
અને આવું પરિણામ આવે તે તદ્દન સ્વાભાવિક છે. ગુજરાતી સાહિત્ય હજુ બિલકુલ બાલ્યાવસ્થામાં છે. ગુજરાતમાં હજુ સાહિત્યની શરૂઆત માત્ર જ થએલી છે. એનાં અનેક ક્ષેત્રો હજુ અણ-ખેડાએલાં પડ્યાં છે. એની અનેક કળીઓ હજુ અણવિકસી રહેલી છે. અન્ય શિષ્ટ, સમૃદ્ધ સાહિત્યોની સરખામણીમાં એનામાં અનેક આવશ્યક તત્ત્વો ખૂટે છે, અનેક વિશિષ્ટ અંશોની એનામાં તાણ છે. એની સેવા કરવા ઈચ્છનારને, એની ઉન્નતિને માટે ઝંખનારને પણ એમ કરવાની એ સ્વતંત્ર રીતે પ્રેરણા કરી શકે, માર્ગ સુઝાડી શકે, એવું એનામાં બહુ ઓછું છે. આદર્શ સાહિત્ય કેવું હોવું જોઈએ, પૂર્ણ સમૃદ્ધ સાહિત્યનાં શાં શાં લક્ષણો હોય એ ખ્યાલ જ એ આપી શકતું નથી, તે એ આદર્શ અવસ્થા પ્રાપ્ત કરવાના, એ સમૃદ્ધિ આણવાના ઉપાયો તો એ ક્યાંથી જ બતાવી શકે? ગુજરાતી સાહિત્યની આ અપંગતા સિનિયરો અને ગ્રેજયુએટો વચ્ચેની તુલના બહુ સારી રીતે સિદ્ધ કરી આપે છે. એમ કહેવાય છે કે સિનિયરો એ ગુજરાતી ગ્રેજયુએટો છે. એ બન્ને પદવીધરનો અભ્યાસ લગભગ સરખો જ છે. ફેર ફક્ત આટલો જ છે કે સિનિયરોને અંગ્રેજી સાહિત્યનો પરિચય નથી હોતો, અને ગ્રેજયુએટોને હોય છે. અભ્યાસમાં આટલો જૂજ તફાવત હોવા છતાં એ ઉભય વર્ગની સાહિત્યસેવા તરફ દૃષ્ટિ કરીએ તો મહાન તફાવત દેખાય છે. અત્યાર સુધી ગુજરાતમાં જે થયું છે તે ઉપરથી પ્રમાણ બાંધીએ તો દર સો અંગ્રેજી ભણેલાઓએ ભાગ્યે જ પાંચ સિનિયર થએલાઓ સાહિત્યસેવા કરવા નીકળે છે, અને જે નીકળે છે તેમાં યે અંગ્રેજી ભણેલાઓના સંગીનપણાના પચાસ ટકા પણ ભાગ્યે જ જોવામાં આવે છે. આમાં વાંક સિનિયરોનો નથી, પણ તેમના અભ્યાસનો, તેમને મળતા જ્ઞાનનો છે. તેમને એકલી ગુજરાતી ભાષાનો જ પરિચય હોય છે, પણ ગુજરાતી ભાષા પહેલેથી જ પરોપજીવી છે. અત્યાર સુધીનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે એનો જે જે વિકાસ થયો છે તે તે એક કે બીજી પરભાષાના અનુકરણથી થયો છે. પાશ્ચાત્યોના સંસર્ગ પહેલાં એ અનુકરણ સંસ્કૃત, હિન્દી, અથવા ફારસીનાં થતાં, તે એ સંસર્ગ પછી અંગ્રેજી અથવા સંસ્કૃત અથવા ઉભયનાં મિશ્રિત થાય છે. ગુજરાતી ભાષાનું એ પરોપજીવીપણું હજી પૂરું થયું નથી, અને જ્યાં સુધી એ પૂરું થયું નથી ત્યાં સુધી એકલા ગુજરાતી સાહિત્યના જ્ઞાનથી સાહિત્યસેવાના યથાર્થ માર્ગ સામાન્ય બુદ્ધિ-શક્તિવાળાઓને તો જડે એમ નથી. આથી જ અત્યારે ગુજરાતને અંગ્રેજી, સંસ્કૃત, ફારસી આદિ શિષ્ટ સાહિત્યની વિશેષતાઓ સમજાવે, ગુજરાતી સાહિત્યમાં ન હોય છતાં એને જરૂરનાં હોય એવાં તત્વોની ગુજરાતના લેખકોને ઓળખાણ કરાવે, એ તે પોતાના સાહિત્યમાં ઉમેરવાના એમને ઈલાજે બતાવે, બીજા સાહિત્યમાં ખીલ્યા હોય અને ગુજરાતી સાહિત્યમાં જેનું નામ નિશાન ન હોય એવા વિષયો તરફ એમનું લક્ષ દોરે તથા સ્વ-સાહિત્યમાં એ ઉતારવા એમને પ્રેરે એવા સમર્થ સમાલોચકોની સવિશેષે જરૂર છે.
અત્યાર સુધીમાં આપણા સાહિત્યની અવનત દશાનાં બે જુદાં જુદાં કારણો અપાયાં છે. એક તો એ કે શિક્ષિત વર્ગ સાહિત્યસેવાને માટે સજ્જ નથી, સાહિત્યને માટે એને જરા યે દરકાર નથી, એનો એને લગીરે શોખ નથી. બીજું એ કે સમાજમાં સાહિત્યને સત્કારવાની હજુ શક્તિ આવી નથી, સાહિત્યની કદર બૂજી શકે એવી એની સ્થિતિ નથી, અને કદાચ કદર કરી શકે, છતાં પૈસા ખર્ચી એને ઉત્તેજન આપવાની એને ઈચ્છા નથી. ભૂતકાળમાં ભલેને ગમે તેમ હોય, પણ હમણાં જ વાચકો જોઈ શકશે તેમ અત્યારે તો એ બેમાંથી એકે કારણમાં વજૂદ રહેલું લાગતું નથી. છતાં એ બન્ને કારણો જો સત્ય હોય તો એની સત્યતા તે સમાલોચકની આવશ્યકતાને ઊલટી વિશેષ જોરથી સિદ્ધ કરે છે. કેમકે શિક્ષિત વર્ગમાં સાહિત્યસેવાનો ઉત્સાહ પ્રકટાવવાનું અને એને માટે તેને તત્પર કરવાનું કામ એ સમાલોચકોનું જ છે. એ જ રીતે લોકોમાં સાહિત્યનો રસ પેદા કરવાની, સાહિત્યની તેઓ કદર કરી શકે તથા એને ખાતર પૈસા કુરબાન કરે એવો એમને સાહિત્યનો ચસકો લગાડવાની ફરજ પણ એ જ સમાલોચકોની છે. પણ ગુજરાતની અંદર અત્યારે જે બની રહ્યું છે તેનાથી વાકેફ કોઈ પણ બુદ્ધિશાળી પુરુષ આ કારણોની સોળે આના સત્યતા સ્વીકારવા ના પાડશે. લેખકોના સંબંધમાં જોઈએ તો ગુજરાતમાં અત્યારે લેખકે ટોળાબંધ ઊભરાય છે એમ કહેવામાં આવે તો તેમાં બહુ અતિશયોકિત નથી. પછી એ બધા શક્તિશાળી છે કે નહિ એ જુદો જ સવાલ છે. ગુજરાતી માસિકોના ગ્રંથાવલોકન વિભાગમાં પ્રતિ માસે સરેરાશ ઓછાંમાં ઓછાં નાનાં મોટાં બાર પંદર પુસ્તકોની નોંધ લેવાય છે, અને એ સિવાય ગુજરાતમાં દર મહીને અનેક નિર્માલ્ય, માદક, અશ્લીલ વાર્તાઓ ઢગલાબંધ બહાર પડે છે તથા સમાલોચકોની ટીકાની બીકે તેમની નજરે ન ચડતાં હલકી સ્ત્રીઓની પેઠે છાની છૂપી જ પોતાની મોહજાળ સમાજમાં ફેલાવ્યે જાય છે, એ વાત ધ્યાનમાં રાખ્યાથી ઉપરના કથનની ખાતરી થશે. એ ઉપરાંત આપણી ભાષામાં ડૉ. ટાગોરની ‘નૌકા ડૂબી'નાં બબ્બે ભાષાન્તરો થાય, શ્રીયુત પ્રેમચંદના ‘સેવાસદન'ને બબ્બે લેખકો ગુજરાતીમાં ઉતારે; એકાન્ત: યોગી અરવિન્દ ઘોષના લેખોના ત્રણ અનુવાદો તેમાંના બે તો લગભગ એક જ વખતે પ્રસિદ્ધ થાય; સ્વામી વિવેકાનન્દના જીવનનાં બે જુદી જુદી વ્યકિતઓને હાથે જુદાં જુદાં પુસ્તકો લગભગ એકી સાથે બહાર પડે; ‘In Tune with the Infinte' નાં બે જુદી જુદી સંસ્થાઓ એક પછી એક બે ભિન્ન ભિન્ન ભાષાન્તરો પ્રકટ કરે; ઇમર્સનના નિબંધોને બે ભિન્ન ભિન્ન ગૃહસ્થો ગુજરાતી પહેરવેશમાં રજૂ કરે; સ્માઈલ્સનાં કોઈ પુસ્તકના એક કરતાં વધારે અનુવાદો થાય; અને વળી કેટલાક ગ્રન્થો તથા લેખો ગુજરાતીમાં ઉતારવા માટે દોડાદોડી અને પડાપડી થઈ રહે તથા દરમાંથી નીકળ્યે જતી કીડીઓની પેઠે દર માસે નવાં નવાં માસિકો પ્રસિદ્ધ થયે જાય;—એ બધી વાત નિ:શંક રીતે પુરવાર કરે છે કે ગુજરાતમાં અત્યારે એક બહોળો લેખકવર્ગ પડેલો છે જે હરકોઈ પ્રકારની સાહિત્યસેવા કરવા, હરકોઈ પ્રકારે લેખક તરીકે પ્રસિદ્ધ થવા, લોકોની વૃત્તિ પારખી હરકોઈ પ્રકારે એને એકદમ સન્તોષવા કમર કસીને તૈયાર થઈ રહેલ છે પણ આ તો જે પ્રસિદ્ધ થયું છે અને થાય છે એની વાત થઈ એ સિવાય અન્તરમાં અનેક શિક્ષિતજનો લેખો લખવાને, ગ્રન્થકાર તરીકે સમાજમાં પ્રકટ થવાને કેટલાં આવલાં મારી રહ્યાં હોય છે, અને એમ કરવાનું કોઈ સાધન ન સૂઝવાથી, કોઈ માર્ગ ન મળવાથી તેઓ કેટલો તડફડાટ કરે છે એનો ખરો ખ્યાલ તો જેઓ એમના નિકટ સંબંધમાં આવ્યા હોય, એમના હૃદયને પૂરા પિછાની શક્યા હોય, તેમને જ આવી શકે. આ સઘળી હકીકત ઉપરથી એટલું તો ચોક્કસ સાબિત થાય છે કે શિક્ષિતવર્ગ ઉપર સાહિત્યસેવાની ઉપેક્ષાનો જે આરોપ મૂકવામાં આવે છે તે તદ્દન બિનપાયાદાર છે, અને કોઈપણ સુધરેલા દેશમાં કેળવણીના પ્રમાણમાં જેટલી સંખ્યામાં સાહિત્યસેવક નીકળે છે તેટલી જ લગભગ સંખ્યામાં આપણાં શિક્ષિત પણ યથાશક્તિ સાહિત્યસેવા કરવા એકપગે થઈ રહ્યા હોય છે, પણ તેમનામાં ઉચ્ચ પ્રકારની પ્રતિભા નહિ હોવાથી તથા જે સાધારણ શક્તિઓ તેમનામાં હોય છે તેને અનુકૂળ કાર્યો તેઓ શોધી શકતા નહિ હોવાથી, એ બચારા મનમાં ને મનમાં મૂંઝાયા ને ગૂંચવાયા કરે છે, અથવા બહુ બહુ તો એકાદ બે અલ્પજીવી અનુવાદો રચી સમાજ ઉપર તે ફેંકી, એના વધી ગએલા ભારમાં વળી થોડો વિશેષ વધારો કરી, પોતે સાહિત્ય-સેવા(?!) કર્યાનો સન્તોષ લે છે. આ સઘળાઓની સામાન્ય વડની શક્તિઓ સાધી શકે અને સાથે સાથે એમને સાચી સાહિત્યસેવાનો લહાવો મળી શકે એવાં અનેક કાર્યો ગુજરાતી સાહિત્યમાં અત્યારે કરવા જેવાં પડયાં છે. ઉદાહરણ તરીકે ગુજરાતને પોતાના પ્રાચીન ઇતિહાસનાં સાધનો એકઠાં કરવાનાં છે, પરંપરાથી પ્રાપ્ત થએલા અને પુનરાવર્તનોથી સજીવ રહેલા અનેક અહેવાલો તથા પ્રત્યક્ષ જોએલી અનેક ઘટનાઓને પ્રતાપે જેઓ ભૂતકાળના જીવતા જાગતા અવતાર જેવા બની ગયા હોય છે એવા કોઈ રડ્યાખડ્યા Last Minstrels ગુજરાત કાઠિયાવાડને ખૂણેખોચરે પડ્યા હોય તેમની શોધ કાઢી તેમની પાસે તો ખોવાઈ જવાની અણી પર આવી રહેલો અમૂલ્ય ખજાનો હાથ કરી લેવાનો છે; પુરાતન કાળના પ્રજાજીવનના સુન્દર પ્રતિબિમ્બરૂપ દન્તકથાઓ, વાર્તાઓ, રાસડાઓ, અને ગીતોનું જે કિંમતી લોકસાહિત્ય અદશ્ય થતા જતા ભરથરીઓ, બાવાઓ, બારોટો, તથા ડોશીઓ આદિનો આશ્રય લઈને રહેલું છે તેનો સત્વર સંગ્રહ કરી લેવાનો છે; ધર્મના, વિજ્ઞાનના, સાહિત્યના, શિક્ષણના, ચરિત્રોના કેાશો અને વિશ્વકોશ (cyclopaedias) બનાવવાના છે; દેશ વિદેશના મહાપુરુષોનાં જીવનોમાંથી વીણી કાઢી રમૂજી, આકર્ષક ટુચકાઓ (anecdotes) એકઠા કરી પ્રસિદ્ધ કરવાના છે; ઉપહાસાત્મક અનુકરણકાવ્યો (Parodies)નું સાહિત્ય વધારવાનું છે; શેકસપિયર, મિલ્ટન, ડાન્ટે, ગટે આદિ સમર્થ વિદેશી સરસ્વતી સેવકોનો સામાન્ય પરિચય કરાવે એવી ચરિત્રાવલિઓ પ્રકટ કરવાની છે; આપણા જ પ્રાન્ત અને દેશના શિક્ષકો, સુધારકો, કવિઓના સાધારણ લોકો સમજી શકે એવા ચરિત્રલેખો તૈયાર કરવાના છે; તદ્દન વેરાન પડેલા કેળવણીક્ષેત્રને ખેડવાનું છે; સાહિત્ય, વિજ્ઞાન, કેળવણી, સુધારા આદિના શાસ્ત્રીય નહિ તે લોકભોગ્ય (popular) ઇતિહાસ રચવાના છે; અને જે અસાધારણ બુદ્ધિશક્તિ વિના પણ અભ્યાસ, ખંત, અને ઉત્સાહ તથા ઉદ્યોગને બળે સહેલાઈથી કરી શકાય એવાં અન્ય અનેક કામો કરવાનાં છે. પણ એ બધાંનું ભાન કરાવે, એ બધાંની આવશ્યકતાની સમજ પાડે, એ બધાંના માર્ગો બતાવે એવા સમાલોચકોની એમાં મુખ્ય જરૂર છે. જો આવા સમર્થ, ઉત્સાહી, ઉત્તેજક સમાલોચકો ગુજરાતને મળી જાય તો અત્યારે નિર્માલ્ય લેખો અને નિરર્થક ભાષાન્તરોને કચરો વિશેષ ભરાતો જાય છે તે સઘળું અટકી જાય અને એને બદલે સાદી છતાં ચિરસ્થાયી ઉપયોગની શુદ્ધ વસ્તુઓ તેને સાંપડતી જાય.
આ પ્રમાણે વિદ્વાન બાહોશ માર્ગદર્શક મળે તો ગુજરાતની મહત્ત્વની સેવા બજાવી શકે એવો બહોળો લેખકવર્ગ જે ગુજરાતમાં પડેલો છે, તો બીજી બાજુએ એ લેખકવર્ગને વધાવી શકે એવા વાચકવર્ગની પણ ગુજરાતમાં કંઈ ખાસ ખોટ નથી. એટલું ખરું છે કે બીજા દેશોના પ્રમાણમાં આપણે ત્યાં કેળવણીનો બહુ ઓછો ફેલેવો થયો છે, અને આપણો કેળવાએલો વર્ગ બહુ કઢંગી સ્થિતિમાં હોય છે, એટલે બીજા દેશોના જેટલું ધન આપણો પ્રાન્ત સાહિત્યશોખ પાછળ ખરચી શકતો નથી. છતાં ‘સરસ્વતીચન્દ્ર'ના કેટલાક ભાગોની નીકળેલી સાતઆઠ આવૃત્તિઓ, ‘કેકારવ'ની પ્રસિદ્ધ થએલી પાંચ આવૃત્તિઓ, ‘રાઈનો પર્વત'ની છપાયેલી ત્રણ આવૃત્તિઓ, ‘આપણા ધર્મ’ની બે આવૃત્તિઓ, ‘મારી કમળા અને બીજી વાતો'ની લગભગ ચાર વર્ષ જેટલા ટૂંકા ગાળામાં નીકળેલી બે આવૃત્તિઓ, તથા છેવટે રાષ્ટ્રીય સાહિત્ય કાર્યાલયના ‘કારાવાસતી કહાણી' એ પુસ્તકની લગભગ એક જ માસમાં ખલાસ થઈ ગએલી સઘળી પ્રતિ એ સિવાય ગુજરાતના જુદા જુદા પુસ્તક વિક્રેતાઓએ પ્રસિદ્ધ કરેલી અને પુનરાવર્તન પામેલી અનેક વાર્તાઓનું થતું ઝપાટાભેર વેચાણ તથા એકલી ‘ગજરા મારૂની વાર્તા' જેવી નમાલી ચોપડીઓનો પણ અમદાવાદમાં ચાલતો ધમધોકાર ધંધો; આ બધી વસ્તુઓ નિ:સંશય રીતે સાબિત કરે છે કે ગુજરાતમાં વિશાળ વાચકવર્ગ અસ્તિત્વ ધરાવે છે, અને ગુજરાત પોતાના વાચનશોખ ખાતર યથાશક્તિ પૈસા ખરચતાં અચકાતું નથી. પણ ‘મણિકાન્ત કાવ્યમાળા' જેવાની-ચારપાંચ આવૃત્તિઓ થઈ જાય ત્યાં સુધીમાં ‘નૂપુરઝંકાર' કે ‘કલ્લોલિની'ની એક પણ આવૃત્તિનો પૂરો ઉપાડ ન થાય, ‘વેર વસૂલ' જેવી વાર્તા એક કરતાં વધારે વાર છપાય તેય ‘વેરની વસૂલાત’ જેવા શિષ્ટ પુસ્તકની પ્રતો સિલકે રહે એ વસ્તુસ્થિતિ ઉપરથી એક જ તાત્પર્ય નીકળે છે કે ગુજરાતમાં વાચક ઠીક પ્રમાણમાં છે, પણ તેમની રસવૃત્તિ જોઈએ તેટલી કેળવાએલી નથી, ગુજરાતને વાંચવાનો શોખ છે, પણ શું વાંચવું તેની હજુ એને સમજ નથી. અને વાચકમાં આ રસવૃત્તિ કેળવવી, તેમનામાં આ તુલનાશક્તિનો આવિર્ભાવ કરાવવો એ કર્તવ્ય સમાલોચકનું હોવાથી આ તાત્પર્ય પણ આપણા મુખ્ય મુદ્દાને જ સબળ કરે છે કે ગુજરાતી સાહિત્યની ઉન્નતિ કરવી હોય તો ગુજરાતના વાચકવર્ગની રસિકતાને કેળવે, એને ઉચ્ચ પ્રતિના સાહિત્યના શોખીન બનાવે, હલકા સાહિત્યનો સહેજે તિરસ્કાર કરે એવા, એમના હૃદયને વિશુધ્ધ અને ઉન્નત કરે એવા, વિવેચકોની બહુ જરૂર છે, કારણ કે સાહિત્યનાં જે અનેક પોષક ઝરણાં છે એમાં વાચકોની વિશુદ્ધ રસિકતા એ એક અતિ વિપુલ અને બળવર્ધક ઝરણું છે.
'મણિકાન્તકાવ્યમાળા' અને ‘નૂપુરઝંકાર' એ બે પુસ્તકો સંબન્ધી પાછળ કરેલું કથન આપણા આધુનિક સાહિત્યના એક વિશિષ્ટ લક્ષણ પ્રત્યે આપણું ધ્યાન ખેંચે છે. દરેક દેશની પેઠે આપણે ત્યાં પણ અત્યારે શિષ્ટસાહિત્ય અને લોકસાહિત્ય (popular literature) એવા સાહિત્યના બે પ્રકાર છે. પણ બીજા દેશોમાં એ બે પ્રકારનાં સાહિત્યો વચ્ચે જે ભાઈચારાનો સંબંધ હોય છે, પાડોશીના જેવા જે નિકટ સંસર્ગમાં એ બન્ને રહે છે એ આપણે ત્યાં નથી. આપણે ત્યાં તો સાહિત્યના એ ઉભય પ્રકારો ઉત્તર દક્ષિણ ધ્રુવના જેટલા અળગા રહે છે અને એ બન્ને વચ્ચેનો ગાળો કોઈ રીતે પૂરી શકાય એવો નથી. બીજા દેશોમાં તો ઘણીવાર એવું બને છે કે જે સામાન્ય લોકો (masses ) નો માનીતો લેખક હોય છે તે શિષ્ટજનોને પણ કોઈ કોઈ વાર પોતાની શક્તિની પ્રસાદી ચખાડે છે અને શિષ્ટો એની યોગ્યતા અનુસાર તેનો સત્કાર પણ કરે છે. આ રીતે તેવા લેખકો શિષ્ટસાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચેના જીવન્ત સાંકળરૂપ બની જાય છે. જ્યારે આપણે ત્યાં તો એ બન્ને વર્ગના સહિત્યના લેખક વાચક ઉભય એક બીજાને લગભગ જૂની નવી દુનિયાના લોકો જેટલા અજાણ્યા હોય છે. લોકસાહિત્યના લેખકો કોઈવાર વિદ્વત્તાનો ડોળ કરવા ખાતર શિષ્ટસાહિત્યમાંથી થોડાઘણા ઉતારાઓ પોતાનાં પુસ્તકોમાં કરે છે, પણ શિષ્ટ ગ્રન્થકારો તો એમનાં નામ સરખાં જાણતા નથી હોતા, અથવા એમની પ્રવૃત્તિ પ્રત્યે દૃષ્ટિ સરખી નથી નાખતા. એક રીતે જોઈએ તો આ અવસ્થા આવકારપાત્ર લાગે છે. શિષ્ટ અને સામાન્ય પ્રકારનાં સાહિત્યો આવી રીતે તદ્દન અલગ પડી જવાથી દરેક સાહિત્યપ્રકારનો વાચકવર્ગ પહેલેથી લગભગ નક્કી થઈ જાય છે. શિષ્ટ લેખકને હંમેશાં ખાતરી રહે છે કે પોતાની પાસે જે વાચક આવશે તે વિશાળ જ્ઞાન, ઉચ્ચ ભાવના, તથા શુદ્ધ રસિકતાવાળો જ આવશે. આથી તે તદનુસાર પોતાની કૃતિને એ જાતના ભોક્તાને આકર્ષે એવી સર્વાંગસુન્દર અને ઉત્તમ આદર્શવાળી બનાવવા મથે છે, તથા ઉચ્ચનીચ સાહિત્યના ગાઢ સંબંધવાળા દેશોમાં હલકી વૃત્તિવાળા વાચકોને સંતોષવા ખાતર પોતાના લખાણને કાંઈક હલકું પાડવાની, સહજ નીચું ઉતારવાની જે લાલચ લેખકોને થઈ જવાનો સંભવ છે, તેને માટે આંહીં અવકાશ રહેતો નથી. આથી એ દેશોના ઉચ્ચ સાહિત્યમાં જે થોડોઘણો સડો પેસવાનો, ઓછીવત્તી વિકૃતિ થવાનો ભય રહે છે તેને માટે આપણા સાહિત્યમાં કારણ રહેતું નથી, અને શિષ્ટસાહિત્ય એ ખરેખર શિષ્ટ અણીશુદ્ધ રહે છે. આ રીતે આપણા દેશની આ સ્થિતિ સાહિત્યને તો લાભકર્તા છે, પણ આખા દેશને, સમગ્ર સમાજને એથી હાનિ થાય છે, કારણ કે એથી સાધારણ લોકવર્ગ બહુ પાછળ પડી જાય છે, અને દેશની શ્રેષ્ઠ વિચારક શક્તિ- ઓનો એમને લગીરે લાભ મળતો નથી. શિષ્ટસાહિત્યને તે સમજી શકે એવી સ્થિતિમાં નહિ હોવાથી એક ગંદા અંધારા ખૂણામાં તે વર્ગ સબડ્યા કરે છે, અને છતાં વાંચનની માનસિક ભૂખ તો એને પણ રહેલી હોવાથી અત્યારના અન્ત્યજો જેમ શેરીઓમાંથી એઠાજુઠા ટુકડા વીણી લે છે તેમ તેઓ બજારમાંથી હલકી, અશ્લીલ ચોપડીઓ લઈ જાય છે. અંતે એથી એમનામાં લેશમાત્ર પણ સુધારો તો નથી થતો, એમની જરા યે ઉન્નતિ તો નથી થતી, પણ ઊલટું એવા વાચનથી એમનું મન ભ્રષ્ટ થાય છે અને એમના આચરણમાં અનેક દુષ્ટ હાનિકારક અંશો પ્રવેશ કરે છે. આ પ્રમાણે શિષ્ટસાહિત્ય અને લોકસાહિત્યના અલગપણાને લીધે દેશનો એક મોટો ભાગ અતિ હીન દશામા પડ્યો રહે છે અને એમના ઉદ્ધાર કે સુધારણા માટે સાહિત્ય કાંઈ કરી શકતું નથી. તેથી સાહિત્ય પોતે પણ તેટલા પ્રમાણમાં નિષ્ફળ નીવડે છે, કારણ કે સાહિત્યની સાચી સાર્થકતા તો ત્યારે જ થઈ ગણાય કે જ્યારે તેની શુભ અસર ઉચ્ચ નીચ, રાય રંક, પવિત્ર પતિત, જ્ઞાની અજ્ઞાની સઘળા ઉપર થાય અને સારા સમાજની સર્વ વ્યક્તિઓને તે સૌના ગજા પ્રમાણે ઊંચે ચડાવી શકે. વળી આ ઉપરાંત આ અલગપણું સાહિત્યને પોતાને પણ બીજી બાજૂથી એક અંગત નુકસાન કરે છે. કેમકે એ દેશના મોટા ભાગને શિષ્ટસાહિત્યથી વિમુખ રાખે છે અને તેથી વિશાળ વાચકવર્ગ લાધ્યાથી પુસ્તકકારોને જે પ્રોત્સાહન મળે છે, એમનાં કાર્યોમાં જે બળ રેડાય. છે, તે બધાનું એ બાધક નીવડે છે અને ‘ભોકતા વિણ કલા નહિ એ ન્યાયે ભોક્તા સમાજની ક્ષીણતાને લીધે કલાકારમાં પણ કાંઈક શિથિલતા આવી જાય છે. એટલે સાહિત્યનો સર્વેને સંસ્કૃત કરવાનો પૂર્વોકત હેતુ સફળ થાય, બહોળા વાચકવર્ગને લીધે શિષ્ટસાહિત્ય પ્રબળ બને, અને સાથે સાથે જ એ પોતાનો ‘ઉન્નત ગિરિશ્ચંગ’ ઉપરનો વાસો કાયમ રાખે, એ ત્રિવિધ હેતુ સાધવાને વાસ્તે જે લોકસાહિત્ય દેશમાં નિર્માણ થતું હોય તેમાં તેના વાચકોની લેશ પણ અવનતિ કરે, એમના મન ઉપર સહેજ પણ અનિષ્ટ અસર કરે, એમના હૃદયમાં થોડો પણ દુષ્ટતા કે અનીતિનો મોહ પેદા કરે એવી એક પણ બાબત આવવા ન પામે, અને એવાં હાનિકારક તત્ત્વો જેનામાં હોય એવું એકે પુસ્તક સમાજના કોઈપણ વર્ગના લોકોમાં જરા યે પ્રતિષ્ઠા ન પામે, લેશ પણ ઉત્તેજન મેળવી ન શકે એવો પ્રયાસ કરે અને એ દ્વારા એ સામાન્ય લોકોના જ હૃદયભાવોને કેળવી, એમની વાસનાઓને વિશુદ્ધ બનાવી, એમને જ ધીમા પણ મક્કમ પગલે ઊંચી પાયરીએ આણી, શિષ્ટસાહિત્યને હલકું પાડ્યા વિના એમને એનો ઉપભોગ કરવાને શક્તિમાન કરે એવા એક મધ્યસ્થ વર્ગની જરૂર છે. અને આંહીં ગણાવેલું સઘળું કામ પણ વિશાળ અર્થમાં સમાલોચકનું જ હોવાથી આ મધ્યસ્થ વર્ગનું સ્થાન પણ તેના સિવાય અન્ય કોઈ લઈ શકે એમ નથી. એટલે આપણા સાહિત્યનું આ વિશિષ્ટ લક્ષણ પણ ગુજરાતમાં અત્યારે સાધારણ જનસમાજને કેળવી તેમની અને શિષ્ટસાહિત્યની વચ્ચેની ‘હેમ સંયોગી કડી' બને એવા સમાલોચકોની અનન્ય અગત્ય સિદ્ધ કરે છે.
આ પ્રમાણે અત્યાર સુધીની ચર્ચા આપણા દેશના લેખકવર્ગ, વાચકવર્ગ તથા સાહિત્યની સ્થિતિનું આપણે અત્યાર સુધી કરેલું અવલોકન આપણને જે કેન્દ્રીભૂત સત્ય તરફ દોરી ગએલ છે તેને વિશેષ સ્પષ્ટ અને સમગ્ર રૂપમાં વ્યક્ત કરીએ તો ગુજરાતના લેખકોના મોટા ભાગની ઉત્સાહી છતાં સાહિત્યસેવાના માર્ગથી અનભિજ્ઞ અવસ્થામાં, એના વાચકોના મોટા ભાગની સાહિત્યપિપાસુ છતાં અસંસ્કૃત રસવૃત્તિની સ્થિતિમાં, અને એના સાહિત્યની પરોપજીવી તથા શિષ્ટસાહિત્ય અને લોકસાહિત્યતા અતડાપણાવાળી દશામાં ગુજરાતી સાહિત્યની ખરી ઉન્નતિ કરવી હોય તો, એક બાજૂથી એની સાહિત્ય પ્રવૃત્તિને અહોનિશ અવલોક્યા કરે, એનાં પુસ્તકનાં સતત રીતે નિષ્પક્ષપાત અભ્યાસ અને નિરીક્ષણ કર્યો કરે, અને એના પરિણામે જે જે સત્પાત્ર ગ્રન્થકારો હોય તેમને ઉત્તેજન આપે, તેમની કલામાં જે જે વિશેષતાઓ અને ન્યૂનતાઓ હોય એવું તેમને ભાન કરાવે, વિશેષતાઓ વધારવા તથા ન્યૂનતાઓ ટાળવાની તેમને સભ્ય રીતે સૂચના કરી તેમ કરવાના તેમને રસ્તા બતાવે અને એ રીતે તેમને માટે એક માયાળુ માર્ગદર્શકની ગરજ સારે, તથા જે જે કુપાત્ર હોય તેમને યોગ્ય ચાબખા મારી તેમની અંદરના દુષ્ટ અંશો દૂર થાય અને ભવિષ્યમાં તેમનું લેખનકાર્ય વિશુદ્ધ અને લોકહિતકર બને એવા એમને પાઠો આપે; બીજી બાજુથી દેશ પરદેશના, ભૂતકાળ તેમ જ વર્તમાન કાળના વિવિધ સાહિત્યસેવનના પ્રયાસોનું પરિશીલન કરી એનાં ભિન્ન ભિન્ન તત્વોનું નિરૂપણ કરે, એની શ્રેષ્ઠતા કનિષ્ઠતા એની ચર્ચા કરે, એની પરસ્પર તુલના કરે, અને એ સઘળાને અંતે જે જે ઉત્તમતાઓ માલૂમ પડે તેને પોતાના સાહિત્યમાં ઉતારવા, જે જે અપૂર્ણતાઓ દેખાય તે દૂર કરવા, જે જે અધમતાઓ હોય તેનું ઉન્મૂલન કરવા, ભૂતકાળની જે જે ઉપકારક પ્રથાઓ ઘસાઈ ગઈ હોય તેનો પુનરુધ્ધાર કરવા, પરદેશની જે જે ધડો લેવા જેવી, સ્વદેશમાં લાવીને સ્થિર સ્થાપવા જેવી વસ્તુઓ હોય તેનાં અનુકરણ કરવા દેશના લેખકવર્ગને રાતદિવસ પ્રેરે અને તે દ્વારા પોતાના દેશના સાહિત્યને આદિથી તે અન્ત સુધી સુન્દરતાના, સંપૂર્ણતાના તથા શુદ્ધિના એક અનુપમ આદર્શરૂપ એક મનહર મૂર્તિરૂપ બનાવવાના અવિરત યત્ન કર્યો કરે; અને ત્રીજી બાજુથી દેશના વાચકવર્ગને કેળવી, એની શક્તિઓને વધારી, એની રસવૃત્તિઓને વિશુદ્ધ કરી, એની તુલનાશક્તિને તીવ્ર-સૂક્ષ્મ બનાવી દેશમાં એક એવો શ્રોતૃસમાજ ઊભો કરે કે જેને જોઈને દરેક સાચા શક્તિશાળી સાક્ષરને આનન્દ થાય, પોતાના કાર્યની કદર બુજાવાની નિશ્ચિન્તતા રહે, અને દરેક ઢોંગી ડોળઘાલુ લેખકને ભય ઊપજે તથા ખરા સામર્થ્ય વિના ખાલી આડંબરથી સાહિત્યમન્દિરમાં સ્થાન મેળવવાને કોઈ જગ્યા ન જણાય અને એ રીતે એવા શિષ્ટ વાચકવર્ગ દ્વારા જ સાહિત્યને ઉન્નત ને ઉન્નત રહેવા, કદી ચળવા કે ભ્રષ્ટ થવા ન દેતાં સદા શુભ સ્વર્ગમાં વસવા ફરજ પાડે; અને વિશેષમાં ગુજરાતની સમસ્ત જીવનપ્રવૃત્તિઓને નિહાળે, એનો સડો દૂર કરે, એના ઉત્કૃષ્ટ અંશોને વિકસાવે અને એના પ્રજાજીવનનું ઊંડું અધ્યયન કરી તેને સર્વથા સન્માર્ગ પ્રતિ વાળવા પ્રયત્ન કરે; ટૂંકામાં, ગુજરાતની સાહિત્યવિષયક તેમ જ અન્ય સર્વ પ્રકારની પ્રવૃત્તિઓરૂપી સુવર્ણને માટે विशुध्धि અથવા श्यामिकाના શોધક અગ્નિદેવનું કામ કરે એવા परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् [4] એવું અડગ વ્રત ધારણ કરનારા સારાસારવિવેચક સન્ત પુરુષોની, એકધારા એ જ કાર્યની અંદર મચ્યા રહે, એમાં જ પોતાના જીવનસત્ત્વને હોમી, એને જ પોતાનું એક માત્ર જીવનકાર્ય બનાવી દે એવા સતત ઉદ્યોગી સમાલેચકો, અવલોકનકારો, ટીકાકારો, વાર્તિકકારોની અત્યારે, જીવનને જેટલી પ્રાણવાયુની હોય તેટલી, અનન્ય આવશ્યકતા છે. એવા અવલોકનકારોને અભાવે જ ગુજરાતી સાહિત્ય આજ સુધી દુઃખમય દારિદ્રયાવસ્થા ભોગવતું આવ્યું છે, અને હજુ પણ ક્યાં સુધી ભોગવશે એ કહી શકાય એમ નથી.
ગુજરાતમાં અત્યારે સમકોચકોનો છેક અભાવ નથી. સા. શ્રી નરસિંહરાવ, આચાર્ય આનન્દશંકર ધ્રુવ, રા. બ. ૨મણભાઈ તથા અધ્યાપક બલવન્તરાય ઠાકોર જેવા વિદ્વાન વિવેચકો ગુજરાતમાં આજે પણ વિદ્યમાન છે, અને એ સર્વે એમાંના પ્રથમ બે કંઈક વિશેષે, છેલ્લા બે કંઈક ઓછા, છતાં પ્રસંગોપાત્ત એ સર્વ માસિકમાં કે અન્યત્ર સમાલોચકના સ્વરૂપમાં પણ દર્શન દીધા કરે છે. પણ એ ચારેમાંથી કોઈયે કેવળ સમાલોચક નથી. સમાલોચકની સાથે તેઓ કવિઓ છે, વાર્તાકાર છે, ભાષાશાસ્ત્રીઓ છે, અને નિબંધકારો પણ છે. એટલું જ નહિ પણ સમાલોચન એ એમનામાંના એકેયનો મુખ્ય વિષય કે પ્રધાન ક્ષેત્ર પણ નથી. એટલે એમનામાં પરિપકવ પરીક્ષણ સામર્થ્ય હોવા છતાં ગુજરાતી સાહિત્યને એને પૂરેપૂરો અથવા જોઈએ તેટલો પણ લાભ મળી શકતો નથી, અને સમાલોચકનું કાર્ય જે નિયમિતતાથી તથા સંગીતપણે થવું જોઈએ તે થતું નથી. અને ગુજરાતનાં જુદાં જુદાં માસિકો એમની પાસે આવતાં નવાં પ્રસિદ્ધ થતાં પુસ્તકોનાં અવલોકન કરે છે ખરાં, પણ એ માસિકોના તંત્રીઓમાંથી એ વિષયનો ઊંડો અભ્યાસ ઘણા થોડાનો હોવાથી અને અન્ય બાબતો આડે તેઓ એના ઉપર પૂરતું લક્ષ પણ આપી શકે એમ નહિ હોવાથી એ બધાં અવલોકનો ઉપચેટિયાં જ હોય છે અને સ્વતંત્ર વ્યકિતત્વ એમનામાંનાં બહુ થોડામાં દેખાય છે. આથી ગુજરાતને અત્યારે જે જરૂર છે તે નવલરામભાઈના જેવી પરિપાક પામેલી શાન્ત, નીડર, નિષ્પક્ષપાત વિવેચનશક્તિવાળા અને એમના કરતાં પણ વિશેષ અવ્યભિચારી ભક્તિભાવે ગુર્જર સાહિત્યદેવીની એ શક્તિના સાધનથી સેવાપૂજા કરવાવાળા વિદ્વાનની પણ એવા વિદ્વાનો જે હાલ તરત આપણે ત્યાં નથી તે માગણી કરીએ કે તરત જ કંઈ પેદા થઈ જાય એમ નથી, અને નવલરામભાઈ જેવાનું સ્થાન પૂરી શકે એવા ઉપર ગણવ્યા તે જે થોડા છે તે પોતાનાં અન્ય પ્રિય ક્ષેત્રોને છોડી દઈ આમાં આવી જાય એવો પણ સંભવ લાગતો નથી, એટલે હમણાં જણાવ્યા તેવા એકાન્તિક સમાલોચકો જ્યાં સુધી ગુજરાતમાં પાકે નહિ ત્યાં સુધી ઓછાવત્તા પ્રમાણમાં પણ તેમની ગરજ સારે એવી કોઈ યોજના થવી જોઈએ. એને માટે ગુજરાતમાં અત્યારે જે સમાલોચનશકિત છૂટીછવાઈ વેરાએલી પડેલી છે તેને કેન્દ્રીભૂત કરવા ગુજરાતને જે સાક્ષરો સમય મળે ત્યારે જે થોડીઘણી સમાલોચન સામગ્રી તૈયાર કરી આપે તે એકઠી કરી પ્રજામંદિરે ધરાવવા રસ્તો લેવો જોઈએ. અને એવો સારામાં સારો રસ્તો તો કેવળ સાહિત્યચર્ચાને જ પોતાનો વિષય બનાવે એવા એક નિયમિત સ્વતંત્ર માસિકની પ્રસિદ્ધિનો છે. આવા એક વિવેચન માસિકનો ગુજરાતમાં જન્મ થાય તે એને જોઈએ નેવો અને તેટલો ખોરાક તે જે એને કોઈ યોગ્ય તંત્રીના હાથ નીચે મૂકવામાં આવે તો જરૂર મળી રહે, એટલું જ નહિ પણ દેશનાં અજ્ઞાત સ્થળોમાં અજ્ઞાત વ્યક્તિઓમાં એ શકિતઓ રહેલી હોય તે પણ પ્રકટ થાય અને એ રીતે એવું પત્ર આપણા લેખક તથા વાચક ઉભય વર્ગને માર્ગદર્શક થઈ પડે, તેની સાથે સાથે જ એવા માર્ગદર્શક સમાલોચકોનો એક વર્ગ પણ ઊભો કરી શકે.
આવા પત્રની નીતિ ચોક્કસ રીતે ઘડવાનું, એના સંચાલનના સિદ્ધાન્ત યથાર્થ રીતે નક્કી કરવાનું કામ તો એની પ્રસિદ્ધિનું કામ માથે લેનારનું છે, છતાં એની પ્રસિદ્ધિ માટે સૂચના કરનારનો પણ એ સંબંધી કંઈક ખ્યાલ આપવાને ધર્મ છે, એટલે એવા માસિક પત્રનું આંહીં રેખાચિત્ર આપવામાં આવે તો તે અસ્થાને નહિ ગણાય. પાછળ આપણે કહી ગયા તે પ્રમાણે નવા જૂના સાહિત્યની સતત રીતે સમાલોચના કર્યા કરે અને સાહિત્યચર્ચા દ્વારા લેખક વાચક ઉભયને કેળવ્યા કરે એવા વિવેચકોની એણે ખોટ પૂરવાની છે. તેથી પ્રથમ તો આ માસિકે ગુજરાતી ભાષામાં જે જે નાનાં મોટાં પુસ્તકો નવાં પ્રસિદ્ધ થાય તે સઘળાંની નિર્ભય, નિષ્પક્ષપાત રીતે, અને નિયમસર-પ્રસિદ્ધ થયા પછી જેમ બને તેમ સત્વર-સુક્ષ્મ પરીક્ષા કરવાની છે, અને તેની મૂલવણી (estimate) કરી વાચકઆલમને તેના ગુણદોષથી પરિચિત કરવાની છે. એમાં આ માસિકનાં અવલોકનો અત્યારનાં અન્ય પત્રો જેવાં ઉપલકિયાં અથવા પ્રકાશકો તરફથી જેટલાં મોકલવામાં આવે તેટલાં જ પુસ્તકોનાં ન હોય, ગુજરાતી ભાષામાં શું શું પ્રસિદ્ધ થાય છે તેની આ માસિકના સંચાલકે વખતોવખત પૂરેપૂરી ખબર રાખવી અને જે કાંઈ પ્રસિદ્ધ થાય તે સઘળું પ્રસિદ્ધકર્તાઓ તરફથી એમને ન મળે તો યે ગમે તે સ્થળેથી ગમે તે ઉપાયે મેળવી તેનું વીગતવાર અવલોકન પ્રકટ કરવું એ એમની પહેલામાં પહેલી ફરજ ગણાય. અલબત્ત, જે બહુ જ નાની હોય અથવા જે સમાજમાં કોઈ પણ પ્રકારની સારીમાઠી અસર કરી શકે એમ ન હોય એવી નિર્માલ્ય કે નિર્દોષ ચોપડીઓને જતી કરવામાં આવે તે એમાં કંઇ ખાસ વાંધો નથી, પણ વાંચનારના ઉપર જે શુભ અશુભ કોઈ પણ જાતની છાપ પાડી શકે એમ હોય એવું મહત્ત્વનું એક પણ પુસ્તક એ પત્રકારથી અજાણ્યું વાચકવર્ગના હાથમાં જાય એ એની કર્તવ્યચ્યુતિનું મોટામાં મોટું ચિહ્ન મનાવું જોઈએ. બહાર પડતા લેખકોમાંથી જે જે સુયોગ્ય હોય તેને આ માસિક પૂરતું ઉત્તેજન આપે, અને અયોગ્ય, નિર્માલ્ય, કે હાનિકારક હોય તે સુધરી શકે એમ હોય તો તેને સુધારવા પ્રયત્ન કરે અને નહિ તો તેને સખત સપાટા લગાવી બીજી વાર કોઈ દિવસ ઊભો જ થવા ન પામે એવી રીતે બેસાડી દે. કોઈ પણ સુપાત્ર ગ્રંથકાર ઉત્તેજન વિના રહી ન જાય અથવા કોઈ પણ કુપાત્ર સમાજમાં એનું સ્થાન પચાવી ન પાડે તેની આ પત્ર પૂરી સાવચેતી રાખે, સંક્ષેપમાં આ વિષયમાં આ પત્ર સ્વામી આનન્દાનન્દે એક વાર પ્રસિધ્ધ કરવા ધારેલા ‘પહેરેગીર'નું કામ કરે.[5] પહેરેગીરની પેઠે આ પત્ર સાહિત્યમન્દિરની સતત ચોકી કરે અને તેમાં કોઈ પણ અનધિકારી પેસી ન જાય, કોઈપણ દુષ્ટ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ન જાય તેની ખૂબ સંભાળ રાખે. ગ્રન્થાવલોકનની બાબતમાં આ પત્ર એક નવીન તત્વ પણ ઉમેરે. એકલી ગુજરાતી ભાષાનાં જ પુસ્તકોનો પરિચય કરાવીને બેસી ન રહેતાં આ પત્ર ગુજરાતના જુદા જુદા વિષયના અભ્યાસક વર્ગને ઉપયોગી થઈ પડે અથવા ગુજરાતના સાહિત્યસેવક તેમ જ રસિક વર્ગને કોઈ નવી જ દિશાનું ભાન કરાવે, કોઈ નવા જ આદર્શ તેમની આગળ રજૂ કરે એવાં જે જે પુસ્તકો હિન્દની અન્ય પ્રાન્તિક ભાષાઓમાં અગર અંગ્રેજીમાં લખાય તે તે સર્વનું એક વખત ‘નવજીવન અને સત્ય' પ્રસંગોપાત્ત કરતું અને હજી ‘વસન્ત' કોઈ કોઈ વાર કરે છે તેમ, ઓળખાણ કરાવી તેના મહત્ત્વ અથવા વિશેષતાનું સવિસ્તર વિવેચન કરે. પુસ્તકોની પેઠે માસિક, સાપ્તાહિક, દૈનિક આદિનું પણ આ પત્ર અવલોકન કરે અને તેમને યોગ્ય માર્ગે દોરે, એ સાથે એમાં તેમ જ દેશવિદેશનાં અન્ય પત્રોમાં જે જે સાહિત્યવિષયક મહત્ત્વના લેખો આવે તેને ‘સાહિત્ય'ના ‘ચોપાનીઆં શું કહે છે ?' એમાં તથા ‘Modern Review ‘ ‘Indian Periodicals' ને ‘Foreign Per- iodicals' એ બે વિભાગોમાં આપવામાં આવે છે તેમ, સાર સંગ્રહી આ પત્રના એકાદ ખંડમાં મૂકવામાં આવે. આ ઉપરાંત સ્વ. રણછોડરામના ‘ઇસુનું વર્ષ ૧૯૦૮' જેવાં સાહિત્યપ્રવૃત્તિનાં વાર્ષિક સરવૈયાં કાઢવાનું કામ પણ આ પત્રને શિરે રહે. અવલોકનકાર તરીકે આટલું કરવા સાથે વિવેચનનું વિશેષ મહત્ત્વનું કાર્ય પણ આ પત્ર પોતાને હાથ લે. કેટલાંક વર્ષો પર ‘જ્ઞાનસુધા' કરતું હતું તેમ આ પત્ર સાહિત્યનાં કાવ્ય, નાટક, નવલકથા, ચરિત્ર, ઇતિહાસ આદિ વિવિધ અંગોની શાસ્ત્રીય ચર્ચા કરે, એનાં લક્ષણો બાંધે, એની તુલના કરે એવા વિસ્તૃત લેખો પ્રસિદ્ધ કરે અને એ દ્વારા સાહિત્યનું યથાર્થ સ્વરૂપ એના વાચકોને હસ્તામલકવત્ સ્પષ્ટ કરી આપવા પ્રયત્ન કરે. વળી આપણા સાહિત્યની સમગ્ર રીતે તેમ જ વિભાગવાર જુદી જુદી ભાષાઓનાં સાહિત્યો સાથે સરખામણી કરવી, પરદેશી સાહિત્યની પદ્ધતિઓ, પ્રકારો, અને વિશિષ્ટતાઓનો પરિચય આપે, ને એ દ્વારા ગુજરાતના સાહિત્યને શાની શાની જરૂર છે, એમાં ક્યાં કર્યા તત્વો ખૂટે છે, એ ખૂટતાં તો કેવી રીતે એમાં આણી શકાય, અન્ય સાહિત્યો પાસેથી એ શું શું શીખી શકે એ બધાનું દિગ્દર્શન કરાવવું એને પણ આ માસિક પોતાનો ધર્મ માને. આ સાથે અત્યાર સુધીમાં આપણું સાહિત્યમાં જે શિષ્ટ તરીકે સ્વીકારાઈ ચૂક્યા હોય તેવા સાક્ષરોની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિઓ વિશે તથા તેમના છૂટા છૂટા મહત્વના ગ્રન્થો વિશે પણ આ પત્ર તે તે વસ્તુના આજીવન અભ્યાસકે પાસે વિદ્વત્તાભર્યાં લેખો તૈયાર કરાવી પ્રકટ કરે. તદુપરાંત સાહિત્યોન્નતિનાં મૂળ કેળવણીમાં રહેલાં હોવાથી દેશના કેળવણુંક્ષેવ ઉપર પણ એ ધ્યાન આપે અને જુદી જુદી શિક્ષણસંસ્થાઓમાં જે જે પાઠયપુસ્તક ચલાવવામાં આવતાં હોય તેની સાહિત્યની દૃષ્ટિએ સમાલોચના કરી એમાં જે જે દોષો, ખામીઓ, કે ન્યૂનતાઓ હોય તે તે પ્રત્યે અધિકારીઓનું લક્ષ ખેંચી તેને દૂર કરવા એ માગણી કરે. છેવટ સાહિત્યના મુખ્ય કુંજની સંભાળ લેતાં આ પત્રકારરૂપી માળીને કોઈ વાર અવકાશ મળે તે એ ચિત્ર, શિલ્પ, સંગીત આદિ લલિતકલાઓના પાસેના કુંજમાં પણ અવારનવાર આંટો મારી આવે અને તેના વિકાસને માટે પણ તેનાથી બને તેટલું કરે.
આંહીં સુધી એક રીતે આપણે કલ્પનાવાદમાં રમ્યા. ગુજરાતી સાહિત્યને શાની જરૂર છે, અને એ જરૂરને કેવી રીતે પહોંચી વળાય તેનો આંહીં સુધી આપણે વિચાર કર્યો. પણ જ્યાં સુધી પાછળ જણાવેલી યોજનાને સાકાર સ્વરૂપ ન મળે ત્યાં સુધી ગુજરાતી સાહિત્યનું કશું યે દારિદ્રય ફીટે નહિ. એટલા માટે હવે જરા આપણે વ્યવહારવાદમાં ઊતરીએ, અને પૂર્વસૂચિત માસિકપત્રના સંચાલનનું કામ કોણ હાથ ધરી શકે તેનો વિચાર કરીએ, ગુજરાતનો કોઈ પણ સત્તપુરુષ આ વિશે વિચાર કરવા બેસશે કે તરત જ તેને નિ:શંક રીતે લાગશે કે ગુજરાતી સાહિત્યની ઉન્નતિના મહત્ત્વના સાધનરૂપ આવા અત્યુપયોગી પત્રના સંપાદનનું કામ કરવાનાં ધર્મ અને અધિકાર, ફરજ અને હક્ક ગુજરાતી સાહિત્યપરિષદના જેટલાં કોઈનાં ન હોઈ શકે. એને માટે એ પરિષદ ગુજરાતના આઠદસ સર્વમાન્ય, તટસ્થ, કર્તવ્યનિષ્ઠ સાક્ષરોની એક સમિતિ નીમી શકે અને તેને આવા પત્રનું તંત્ર સોંપી શકે. સમર્થ સાક્ષરોના સહકારથી આવું પત્ર સહેલાઈથી બહુ સુન્દર કામ કરી શકે, ગુજરાતી સાહિત્ય ઉપર પોતાનો સચોટ પ્રભાવ પાડી શકે, અને એ રીતે દીર્ધકાળથી નવલરામભાઈ જેવાની પડેલી ભારે ખોટને પૂરી ગુર્જર સાહિત્યવાડીનો ટૂંક સમયમાં અજબ ઉત્કર્ષ સાધી શકે. પણ આ સર્વ શક્યતાઓ છતાં સામા પક્ષમાં અશકયતાઓ પણ કંઈ ઓછી નથી. પ્રથમ તો આપણે જેને સમર્થ અને સર્વમાન્ય ગણી શકીએ એવા આઠદસ ગુર્જર સાક્ષરો પોતપિતાના વિવિધ મતભેદોને અળગા રાખીને આ ધર્મકાર્યમાં એકસંપી કરી શકે કે કેમ, હાથમાં હાથ મિલાવી શાન્તિથી અને ઉત્સાહથી આ ‘મહત્કાય'ને સતત રીતે ચલાવ્યા કરે કે કેમ એ મોટામાં મોટો પ્રશ્ન છે. કદાચ સાહિત્ય પ્રત્યેની અતુલ ભક્તિ એમના અંગત મતમતાન્તરોને કોરે મુકાવી સાથે મળી આ કાર્ય ઉપાડી લેવા આવા સાક્ષરોને પ્રેરે તો માલ વિનાની વાર્તાઓનાં ભાષાન્તરો તથા કાવ્યોનાં ટાયલાં એના મોહમાં પડેલો અત્યારનો ગુજરાતનો વાચકવર્ગ એવા શાસ્ત્રીય અને એને મન શુષ્ક લાગતા પત્રનો એકદમ સત્કાર કરે કે નહિ, એવું પત્ર જાતે સ્વાવલંબી થઈ શકે એટલી ગ્રાહકસંખ્યાને તરત જ આકર્ષી શકે કે નહિ એ બીજો ગંભીર પ્રશ્ન. અને સંભવ છે તે પ્રમાણે એટલી ગ્રાહકસંખ્યા ન મળી શકે તો એવા પત્રને જે આર્થિક ખોટ ખમવી પડે તે કઈ રીતે ખમી શકાય એ ત્રીજો પ્રશ્ન. એકાદ વર્ષ કદાચ કોઈની મદદ મેળવી એવો ઘસારો વેઠી શકાય, પણ ગુજરાતના વાચકવર્ગને કેળવી તેને પોતાના પ્રત્યે ખેંચતાં જેટલો સમય લાગે તેટલા બધા સમયની ખાધને કેવી રીતે પહોંચી વળી શકાય એ પણ વિમાસણમાં પાડે એવી વાત છે. આટલું બધું છતાં પરિષદના કાર્યવાહકો જેને ધારે અને મહેનત લે તો આ સઘળી મુશ્કેલીઓને સહેલાઈથી હંફાવી શકે અને આવા પત્રને પોષવા એક સારું ભંડોળ એમની લાગવગથી એકઠું કરી એ પત્રને સારા પાયા પર મૂકી શકે.
આ પ્રમાણે કાર્યવાહકો જો સાચા હૃદયથી આ બાબત માથે લે તો ગુજરાતી સાહિત્યપરિષદ ઘણું સંગીન કાર્ય કરી શકે અને ગુજરાતી ભાષાનું એક ઉત્કૃષ્ટ સમાલોચક માસિક ચલાવી શકે એ જોકે નિર્વિવાદ સત્ય છે, છતાં ગમે તેમ તોય વૈજ્ઞાનિક પરિભાષામાં બોલીએ તો એ સંસ્થા હજુ પ્રવાહી (liquid) અવસ્થામાં જ છે, એણે હજુ જોઈએ તેટલું ધન (solid) સ્વરૂપ પ્રાપ્ત નથી કર્યું. તેથી એવી સ્થિતિમાં એ આ પત્રનું કામ કરવા ઇચ્છે તોપણ તે ઇચ્છાને ફળીભૂત કરતાં એને લાંબો સમય લાગે, અને એટલે વિલંબ ગુજરાતી સાહિત્યને અત્યારે હાનિકારક થઈ પડે. એટલે સાહિત્યપરિષદ ભવિષ્યમાં આ કાર્ય ગંભીરતાથી ઉપાડી લેશે અને એને માટે જે જે તૈયારીઓ આવશ્યક હોય તે સઘળી અત્યારથી જ ઉત્સાહપૂર્વક એ કરવા માંડશે એવી આશા સાથે ગુજરાતી સાહિત્યના હાથમાં અત્યારે જે ‘અધુરાં મધુરાં' સાધનો હોય તેનાથી જ એ અગત્યના કાર્યની શરૂઆત કરી દેવી એ જ ડહાપણનો રસ્તો છે. અને સુભાગ્યે ગુજરાત પાસે આવું એક સુન્દર સાધન એ વિષયનું એક ચાલુ માસિક જ વિદ્યમાન છે. એટલે કશા યે ધાંધલ વિના, કશીયે અડચણ સિવાય ગુજરાતને આ ક્ષેત્રમાં એની પાસેથી ઉત્તમ પ્રકારની સેવા મળી શકે એમ છે. અને એના ઉત્સાહી વ્યવસ્થાપકોને એ માસિકને સર્વોત્કૃષ્ટ બનાવવાને, પ્રથમ પંક્તિમાં મૂકવાને કેટલાક વખતથી ઉત્કટ અભિલાષ પણ જણાય છે, પરંતુ તેઓ હજુ તેમાં સંપૂર્ણ સફળતા મેળવી શક્યા નથી. કારણ કે કોઈ પણ પ્રકારની ઉન્નતિને માટે સૌથી વિશેષ આવશ્યક તત્ત્વ જે આત્મજ્ઞાન તે જ એનામાં દેખાતું નથી. એ પોતાની જાતને જ, પોતાના મૂળ સ્વરૂપને જ, પોતાની અસલ પ્રકૃતિને જ વીસરી ગએલ છે. એના સમાલોચનના મુખ્ય ધર્મકાર્ય (mission )ને ભૂલી જઈ હાલમાં અન્ય માસિકોની પેઠે એ પણ સચિત્ર બનવાના, વાર્તાઓ પ્રસિદ્ધ કરવાના ગાડરિયા પ્રવાહમાં તણાવા લાગ્યું છે. પણ આ પ્રમાણે એ અત્યારે જે સ્વરૂપ પ્રાપ્ત કરવા મથી રહેલ છે તે ગુજરાતનાં ઘણાંખરાં માસિકોનું સામાન્ય લક્ષણ છે, એટલે એ રીતે એ એનું ઈષ્ટ પદ નહિ પ્રાપ્ત કરી શકે અને અન્ય સર્વ માસિકની સ્પર્ધામાં એને ઘસાઈ જવું પડશે. તેથી એ ચિત્રો, વાર્તાઓ, કે પ્રવાસના અહેવાલોને અન્ય પત્રોને માટે રહેવા દઈ પોતાની વિશેષતા જાણી લેશે તથા ગુજરાતમાં અત્યારે બીજું કોઈ પણ ન કરી શકે અને એ એકલું જ કરી શકે એવી ઉત્તમ સાહિત્યસેવા કરવાની એને જે સુવર્ણતક મળી છે તેનો એ લાભ લેશે તો તે પોતાની જાતનું તેમ જ ગુજરાતી સાહિત્યનું મહત્ત્વનું હિત સાધી શકશે. એણે ચોક્કસ માનવું જોઈએ કે સમાલોચન એ જ એનો સબળ અંશ (strong point) છે, તેથી એને વળગી રહેવામાં જ એનો ઉદ્ધાર છે. ગુજરાતમાં અત્યારે કેાઈ પણ સંપૂર્ણ રીતે નથી કરી શકતું તે સાહિત્યવિવેચનમાં જ એનું વ્યક્તિત્વ સમાયેલું છે, અને એના જ વિકાસમાં એની ઉન્નતિ છે. એ સત્ય સ્વરૂપ ધારણ કરવામાં એ પત્રને આપણા સમાજની આધુનિક વ્યવસ્થામાં ગ્રાહકનો ઘટાડો થઈ જવાનો ભય હોય તે સંભવિત છે. પણ સરસ્વતીદેવી જ્યાં સુધી પોતાના ઉપાસકોને પોતાના હરીફના દાસવેડા કરતાં દેખશે ત્યાં સુધી એ તેમના પર તુષ્યમાન નહિ થાય. તેથી જો સાચી સાહિત્યસેવા કરવી હોય અને પ્રસ્તુત પત્રના સંચાલકો એવી સાહિત્યસેવા કરવા અન્તઃકરણથી આતુર છે એમાં કોઈ શંકા કરી શકે એમ નથી તો આપણ પ્રાન્તની સ્થિતિ જોતાં પ્રારંભમાં કદાચ થોડીક આર્થિક મૂંઝવણ આવે તો તે પણ વેઠયા વિના બીજો ઉપાય નથી. પણ એ મૂંઝવણો એ થોડા જ દિવસની છે અને અલ્પ સમયમાં જ પોતાના પત્રનો અનન્ય સત્કાર થવાને છે એ વાત એમના જેવા જ્ઞાની અને વિદ્વાનને માટે તો અશ્રદ્ધેય ન જ હોય. એટલે શ્રીમદ્ ભગવદ્ગીતાના જ એક શ્લોકને પોતાના મુદ્રાલેખ તરીકે મૂકનાર પત્રને આ સંબંધમાં છે स्वे स्वे कर्मण्यमिरतः संसिध्धि लभते नरः એ ગીતાવાક્યનો ઉપદેશ આપવા બેસવાની તો આપણે ધૃષ્ટતા નહિ કરીએ, પણ પંચતંત્રની સુપ્રસિદ્ધ કથાનું | સ્મરણ કરાવી અન્તમાં આપણે એટલું જ કહીશું કે, ‘બાપુ, તું સિંહ છે, નીચું મોઢું ઘાલી ઘેટાંના ટોળામાં ફરવું તને શોભતું નથી.’
સંદર્ભનોંધ :
- ↑ કેટલાકને પ્રભુએ મોકળે હાથે બુદ્ધિ આપેલી હોય છે, પણ તેનો કેમ ઉપયાગ કરવો એ તેઓ જાણતા નથી. કારણ કે બુદ્ધિસામર્થ્ય અને તુલનાશક્તિ જોકે પતિ પત્નીની પેઠે પરસ્પર સહાયક થવા સર્જાએલ છે, છતાં એ બન્ને વચ્ચે ઘણીવાર બારમો ચન્દ્રમા હોય છે. વિદ્યાના તુરંગને દોડાવવા કરતાં કેળવવો, એની ગતિને વધારવા કરતાં એના જુસ્સાને કાબૂમાં રાખેવો એ વિશેષ મહત્ત્વનું કાર્ય છે.
- ↑ જુઓ ‘કવિતા અને સાહિત્ય, પૃ. ૬૯૮-૭૧૭ (હાલની નવી આવૃત્તિ, છે. ૩, પૃ ૧૯૮-૨૩૬).
- ↑ એટલે આચાર્ય આનંદશંકર ધ્રુવ. આ લેખ ‘વસંત’માં જ પ્રગટ થએલો, અને એ પ્રગટ થયો એ વખતે ‘વસંત’ના તંત્રી તરીકે સ્વ. રમણભાઈનું નામ છપાતું હતું.
- ↑ સમાલોચકોને ગીતાના આ સુપ્રસિદ્ધ શબ્દો લાગુ પાડવાનું માન એક વિદ્વાન મિત્રને છે.
- ↑ જુઓ ‘નવજીવન’ના (ઈ.સ. ૧૯૨૨)ના વર્ષમાં ૨૨માં વધારામાં પ્રસિદ્ધ થયેલ સ્વામી આનંદનો લેખ.
(૧૯૭૮)
‘વિવેચનકલા’ પૃ. ૩ થી ૨૯