< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/વિવેચનનો આદર્શ
ઓલિવ શ્રાઈનરના ‘ડ્રિમ્સ'માં એક શિકારીની વાત છે. એ શિકારી રોજ જંગલમાં રાની પક્ષીઓનો શિકાર કરવા જતો. એક વાર તે શિકારની શોધમાં કોઈ એક વિશાળ સરોવરને કાંઠે ઊભો હતો એવામાં આકાશમાં ઊડી જતા એક મોટા પક્ષીનો પડછાયો તેના પર પડ્યો અને એનું પ્રતિબિંબ તેણે સરોવરના પાણીમાં દીઠું. પ્રતિબિંબ નિમેષમાત્ર જોયું ન જોયું અને એ ઉપરથી ઊંચે મૂળ પક્ષીને જોવા જાય છે ત્યાં તો તે એકદમ અદૃશ્ય થઈ ગયું. પણ એ એક નિમેષના પ્રતિબિંબદર્શનમાં યે તેણે એવું અલૌકિક સૌન્દર્ય જોયું કે તે તરત જ એ પક્ષી પર મુગ્ધ થઈ ગયો અને પછી બીજાં પક્ષીનો શિકાર છોડી દઈ આ એક જ પક્ષીની શોધમાં આખો દહાડો ફર્યો, પણ એ પક્ષી ક્યાંયે મળ્યું નહિ. આથી નિરાશ થઈને ખિન્ન હૃદયે તે ઘેર આવ્યો. ઘેર સૌએ તેના ખેદનું કારણ પૂછ્યું. શિકારીએ એમને પેલા પક્ષીની વાત કરી, તો સૌએ તેને હસી કાઢ્યો. પણ શિકારીને તો બસ એ પક્ષીની જ રઢ લાગી અને ગમે તે ભોગે પણ એને શોધી કાઢવાનો તેણે નિશ્ચય કર્યો. એટલે પોતાનાં ઘરબાર, સગાંવહાલાં સૌને છોડીને તે એ પક્ષીને ઢૂંઢવા ચાલી નીકળ્યો, અને પોતાની આખી જિન્દગી એ અલૌકિક સૌન્દર્યયુક્ત પક્ષીની શોધમાં જ તેણે ખરચી નાખી. આ એક જિન્દગીની સૌન્દર્યશોધનું ઉદાહરણ થયું, તો અધ્યાપક બેઈનની એક વાર્તામાં જન્મજન્માન્તરની સૌન્દર્યશોધની એક વાત આવે છે. એક વાર એક કથક-કથાકાર હતો. તેને સૌન્દર્યદેવી લક્ષ્મીજીનાં દર્શન કરવાની ઇચ્છા થઈ, તેથી એક પ્રસંગે એમનાં દર્શન કરાવવાની તેણે શંકરને પ્રાર્થના કરી. શંકર એ વખતે પાર્વતી સાથે બેઠા હતા, એટલે તેમણે પાર્વતીને કહ્યું કે ‘જાઓ, લક્ષ્મીજીને બોલાવી લાવો. પાર્વતીજી તરત જ ગયાં અને પળવારમાં જ લક્ષ્મીજીને લઈને પાછાં આવ્યાં. કથક એ દિશામાં આતુર આંખે જોતો જ ઊભો હતો, તેણે એ અમરસુન્દરીને આવતાં દૂરથી દીઠાં, અને એમના અલૌકિક સૌન્દર્યની દ્યુતિ તેનાથી જીરવાઈ નહિ અને તેથી તે તત્ક્ષણ મૂર્છા ખાઈને પડયો ને મરણ પામ્યો. પછી તેનો સૌન્દર્યઘેલો આત્મા પૃથ્વી પર પડ્યો અને હવે એ આત્મા નવા નવા જન્મ ધારણ કરીને પોતે પૂર્વજન્મમાં જે અસાધારણ સૌન્દર્યનાં પળવાર જ દર્શન કર્યાં હતાં તે સૌન્દર્યની શોધમાં હજી ભટક્યા કરે છે. કહેવાની જરૂર નથી કે આ બન્ને વાતો રૂપક છે. પહેલી ઓલિવ શ્રાઈનરની વાતમાં સત્ય શોધક ચિન્તકનું સ્વરૂપ સૂચવ્યું છે. તો બીજી બેઈનની વાતમાં સૌન્દર્યશોધક કવિનું સ્વરૂપ સૂચવ્યું છે. એવી જ રીતે મારે જો વિવેચકનું સ્વરૂપ સંક્ષેપમાં સૂચવવું હોય તો આ બન્ને વાતોનાં દૃષ્ટાન્ત આપીને હું કહું કે વિવેચક એટલે પેલા શિકારી અને કથક ઉભયના જેવો આજન્મ સૌન્દર્યશોધક શિકારીના જેવોજ સત્યભક્ત તેમ સાથે કથકના જેવો જ સૌન્દર્યભક્ત એ બન્નેની પેઠે અન્તરમાં સદા યે અલૌકિક સૌન્દર્યની ભાવનાને જાગ્રત રાખીને ફર્યા કરતો અને જીવન તેમ કલા ઉભયમાં એ ભાવનાનાં પ્રત્યક્ષ દર્શન કરવાને ઝંખતો એવો કવિ. કવિ? વિવેચક કવિ? હા, જરૂર, વિવેચક પણ કવિ, એના યથાર્થ ઉચ્ચ સ્વરૂપમાં વિવેચક પણ કવિના જેવો જ સર્જનશીલ કલાકાર. વરસો સુધી આપણે વિવેચકને failed author કહીને વગોવ્યો છે. પદ્યકાર, નાટકકાર, વાર્તાકાર એટલા જ કેવળ સર્જક, ને વિવેચક તો જાણે કોઈ જુદા જ જગતનું પ્રાણી એમ આપણે એને લાંબા વખતથી ઉતારી પાડયો છે. પણ એ અન્યાય હવે નભે એમ નથી. કેમ કે વસ્તુતઃ સર્જક અને વિવેચક બન્ને જોડિયા ભાઈઓ જ છે. તત્ત્વદૃષ્ટિએ જોઈએ તો વિવેચક પણ સર્જકના જેવો જ કલાકાર માલૂમ પડે છે. કોઈ પદાર્થ કે વિષયના સંસ્પર્શથી પોતાના ચિત્તમાં ઉદ્ભવેલી ઊર્મિઓને અન્યના ચિત્તમાં સંક્રાન્ત કરી શકે એવી કોઈ કૃતિનું નિર્માણ કરનારને આપણે કલાકાર કહીએ છીએ. અને વિવેચક પણ એવો જ કલાકાર નથી? એ પણ સાહિત્ય કે કલાની કૃતિના સંસ્પર્શથી એના દર્શન, વાચન, અધ્યયન, મનન, આદિરૂપ સંસ્પર્શથી પોતાની ચિત્તમાં ઉદ્ભવેલી ઊર્મિઓને અન્યના ચિત્તમાં સંક્રાન્ત કરવાની જ પ્રવૃત્તિ કરી રહ્યો છે. તો પછી એને સર્જનશીલ કલાકાર શા માટે ન કહેવો? કોકિલનું કૂજન સાંભળીને પોતાને જે ભાવસંવેદન થયું હોય તેને સુભગ વાણીમાં વ્યક્ત કરનારને આપણે કવિ કહીએ છીએ, તો પછી કોઈ કવિકોકિલનું કાવ્યકૂજન સાંભળીને પોતાને જે ભાવસંવેદન થયું હોય તેને સુભગ વાણીમાં વ્યક્ત કરનારને આપણે શા માટે સર્જક ન કહેવો? વીનસની મૂર્તિ જોઈને એના અદ્ભુત સૌન્દર્યનું વર્ણન કરનાર બાયરનને અથવા તાજમહેલ જોઈને કે જોયા વગર એના સૌન્દર્યને સાકાર કરનાર ન્હાનાલાલને જો આપણે સર્જક કહીએ, તો એ જ કૃતિઓના કલાવૈભવથી મુગ્ધ બનીને એનો રસાસ્વાદ કરાવનાર વિવેચકને સર્જક ન કહેવો એનું કંઈ કારણ? A noble book is as living a thing as a noble deed. તો પછી એકીલીઝ કે અર્જુનના પરાક્રમને વર્ણવનાર હોમર કે વ્યાસના ગ્રન્થને જો આપણે સર્જન ગણીએ, તો એવા પ્રતિભાશાળી ગ્રન્થની અંદરના કલ્પનાવ્યાપાર અને કલાપ્રભુત્વરૂપી પરાક્રમને વર્ણવનારના વિવેચનને આપણે શા માટે સર્જન ન ગણવું? વ્યક્તિગત વિવેચકની આંહીં વાત નથી, કોઈ અમુક વિવેચકની અંદર સર્જનશક્તિ છે કે નહિ એનો આંહી પ્રશ્ન નથી, પણ વિવેચક સ્વરૂપતઃ જ સર્જકના વર્ગમાંથી સર્વથા બાતલ એમ જો કોઈ માનતું હોય તો એ મત હવે ચાલી શકે એમ નથી. વિવેચક શાસ્ત્રકાર છે એ તો દેખીતું જ છે, પણ શાસ્ત્રકાર છે માટે કલાકાર હોઈ શકે જ નહિ એમ કોઈ કહે તો તે સ્વીકારી શકાય એમ નથી. ઓલિવ શ્રાઈનરના શિકારીની જેવો એ સત્યશોધક ચિન્તક તો છે જ, પણ સાથે સાથે એ અધ્યાપક બેઈનના કથકના જેવો સૌન્દર્યમુગ્ધ કવિ પણ છે એ ભૂલવાનું નથી. વસ્તુતઃ વિવેચન એ શાસ્ત્ર અને કલા, ચિન્તન અને સર્જન ઉભયનું સુભગ સંયોજન છે, અને જુદા જુદા વિવેચકો તેમ એકનો એક વિવેચક જુદે જુદે પ્રસંગે એ ચિન્તનસર્જનની જુદી જુદી માત્રાઓ પોતાની કૃતિઓમાં બતાવે છે. બાકી વિવેચક કદી સર્જક હોઈ શકે જ નહિ એવો કોઈ મૂળગત તાત્ત્વિક ભેદ એમની પ્રવૃત્તિ વચ્ચે છે જ નહિ. જે ભેદ કહેવામાં આવે છે તે કેવળ એમના ઉપાદાન વચ્ચેનો ઉપલક ભેદ છે. સર્જકનું ઉપાદાન પ્રત્યક્ષ જીવન છે, ત્યારે વિવેચકનું ઉપાદાન સર્જન પ્રતિબિંબિત પરોક્ષજીવન છે. સર્જક ઈશ્વરનિર્મિત સૃષ્ટિનું આલેખન કરે છે, ત્યારે વિવેચક કવિનિર્મિત સાહિત્યસૃષ્ટિનું આલેખન કરે છે. અને એ ઉપરથી લાંબા વખત સુધી એમ માની લેવામાં આવ્યું હતું કે જેનું ઉપાદાન પ્રત્યક્ષ જીવન હોય એ જ સર્જક, અને બીજો સર્જક નહિ. પણ કેવળ ઉપાદાનને વર્ગીકરણ કે મૂલ્યાંકનનું નિર્ણાયક તત્ત્વ માનવાના દિવસો હવે ગયા છે. રાજારાણી વિષે લખે તે જ કાવ્ય, અને વાઘરણ વિષે લખે તે કાવ્ય નહિ એવું ધોરણ આજે હવે રહ્યું નથી. આજે તો ઉપાદાન નહિ પણ ઉપાદાન ઉપર ચલાવેલો ચિત્તવ્યાપાર અને એનું પરિણામ એને જ આપણે અન્તિમ નિર્ણાયક વસ્તુ માનીએ છીએ. એટલે કવિ ભલેને ચંદાને બદલે ચુસાએલા ગોટલા વિષે કે કોયલને બદલે કોયલા વિષે લખે, તો પણ એની પાછળનો મનોવ્યાપાર જો કલ્પનાપ્રધાન ઊર્મિમય હોય અને એનું પરિણામ જો રસપ્રદ હોય તો આપણે એને કાવ્ય કહેવાના. એ જ કારણે કોઈ અત્યારે રસ્તાની ધૂળ ઉપર અથવા થરો વાળવાની સાવરણી ઉપર રસમય ચિન્તન કરતી નિબધિકા લખે છે તો તેને પણ આપણે સર્જનના વર્ગમાં મૂકીએ છીએ. અને એ દૃષ્ટિએ જુઓ તો વિવેચનને પણ સર્જનમાં જ મૂકવું પડે એમ છે. વિવેચન સર્જન છે, કેવળ લૂખું શાસ્ત્ર નહિ પણ રસમય કલા છે, તેથી તો તેમાં શૈલીનું આટલું બધું મહત્ત્વ છે. વિવેચનમાં સુન્દર શૈલી એ શરીરને શણગારવાને કોઈ બહારથી ઘરેણાં ઘાલે એવી આકસ્મિક વસ્તુ નથી, પણ એ તો વિવેચકની સ્વભાવસિદ્ધ સૌન્દર્યભક્તિને પરિણામે સ્વયમેવ પ્રકટ થતું એવું એનું અવિયોજય અંગ છે. એટલે કોઈ વિવેચકમાં શૈલીનું તત્ત્વ અણવિકસ્યું જોવામાં આવતું હોય તો તે એની જેવીતેવી ખામી નથી, પણ તે તો એનો વિવેચક તરીકેનો વિકાસ જ એટલો અધૂરો રહી ગયો છે એમ બતાવી આપે છે. બાકી સાચો વિવેચક સદા યે સમર્થ શૈલીકાર હોય છે, કેમ કે એ જે કંઈ લખે છે તે કવિની પેઠે હૃદયના ઊંડા ભાવસંચલનથી જ લખે છે, અને તેથી એના લખાણમાં એના ભાવને અનુરૂપ એવી શૈલીની સુન્દરતા અનાયાસે આવી જાય છે.
આમ વિવેચક પણ એની રીતે કવિ, કલાકાર, સર્જક છે. અલબત્ત, એનો સર્જન વ્યાપાર કવિ જેટલો ઉત્કટ નથી હોતો એ તો સ્પષ્ટ છે, પણ એની વિવેચનપ્રવૃત્તિમાં એક પ્રકારનું કવિત્વ, અમુક પ્રકારની કલા ને સર્જકતા સદા યે રહેલ જ હોય છે. એટલું જ નહિ પણ વિવેચકપ્રકૃતિનો પ્રથમ થર જ કવિત્વનો હોય છે. કેમકે સામાન્ય રીતે રસજ્ઞતા કે સહૃદયતા એ વિવેચકનો પરમ આવશ્યક ગુણ ગણવામાં આવે છે. પણ આ રસજ્ઞતા કે સહૃદયતા એનામાં કવિત્વ હશે તેટલા પ્રમાણમાં જ એ દાખવી શકશે. જેટલે અંશે એ કવિના સર્જનનું પોતાના ચિત્તમાં પુનઃસર્જન કરી શકશે તેટલે અંશે જ એ તેને યથાર્થ રીતે માણી શકશે. આપણે કહીએ છીએ કે ‘देवोभूत्वा देवं यजेत.' એટલે કવિરૂપી દેવનું યજન કરવાને માટે પણ વિવેચકને અમુક અંશે કવિ થયા વિના ચાલવાનું નહિ. બેન જોનસન કહે છે તેમ To judge of poets is only the faculty of poets. એટલે કવિકૃતિને બરાબર ન્યાય આપવા માટે પણ વિવેચકને અમુક પ્રકારના કવિત્વની અનિવાર્ય જરૂર પડવાની. આપણા વેદાન્તમાં આત્માના અન્નમય, પ્રાણમય, આદિ પાંચ કોશો માનવામાં આવે છે. એ પરિભાષાનો વિવેચકના સબંધમાં ઉપયોગ કરીએ તો એમ કહી શકાય કે વિવેચક આત્માના રસમય, જ્ઞાનમય, અને શીલમય એવા મુખ્ય ત્રણ કોશ છે. એમાં આ કવિત્વ કવિજનોચિત સૌન્દર્યભક્તિ એ એનો પ્રથમ રસમય કોશ છે. વિવેચકની એક જ શબ્દમાં ઓળખાણ આપવી હોય તો એમ કહી શકાય કે વિવેચક એટલે બેઈનના કથક જેવો આજન્મ સૌન્દર્યનો પૂજારી. જાણે કોઈ આગલા જન્મમાં એણે સૌન્દર્યદેવીનાં પળવાર દર્શન કર્યાં હોય, અને એ પળવારનાં દર્શનથી પૂરી તૃપ્તિ ન થતાં આ જન્મમાં પણ સદા યે સૌન્દર્યદેવીનાં દર્શન કરવાને ઝંખતો હોય, એવી રીતે એ પોતાના ચિત્તમાં સદા યે સૌન્દર્યની કોઈ અપૂર્વ ભાવનાને સાથે રાખીને ફર્યા કરે છે, અને વિશ્વમાં જ્યાં જ્યાં સૌન્દર્ય જુએ છે ત્યાં ત્યાં પોતે ઘણા વખતથી શોધતો હતો એ મળ્યું એમ જોઈને એ રાચે છે, એ સૌન્દર્ય પારકું હોય છતાં જાણે પોતાનું જ હોય એમ એમાં ગર્વ લે છે, ને એના ગુણકીર્તનમાં પોતાની જાતને કૃતાર્થ માને છે. અને છતાં પોતાના ચિત્તમાં એણે જે ભાવના રાખેલી હોય છે તે તો પરમોત્કૃષ્ટ સૌન્દર્યની જ રાખેલી હોય છે, એટલે વિશ્વનું ગમે તેવું સૌન્દર્ય પણ એ પરમોત્કૃષ્ટ સૌન્દર્યની ભાવના આગળ તો અનિવાર્ય રીતે જ અપૂર્ણ લાગે છે, તેથી એ તે વાસ્તવ સૌન્દર્યને પોતાની સૌન્દર્યભાવના સાથે સરખાવી જુએ છે, એ ભાવનાના પ્રમાણમાં તે કેટલું ઊણું ઊતર્યું તેનું માપ કાઢે છે, એમ ઊણું ઊતરવાનું શું કારણ તેની તપાસ કરે છે, અને એ કારણો શી રીતે દૂર થઈ શકે એનો વિચાર કરે છે. આવી રીતે સૌન્દર્યનું પૂજન, પરીક્ષણ, અને પરિશોધન એ વિવેચકની મુખ્ય પ્રવૃત્તિ છે. અને આ સૌન્દર્ય એટલે શું? સૌન્દર્ય શબ્દનો અર્થ આપણે ત્યાં બહુ સંકુચિત અને કંઈક વિકૃત થઈ ગયો છે, પણ આંહીં તેનો વિશાળ અને વિશુદ્ધ અર્થ જ વિવક્ષિત છે. સૌન્દર્ય એટલે કેવળ રૂપસૌન્દર્ય નહિ, પણ રૂપનું, ગુણનું, બુદ્ધિનું, બળનું, શરીરનું, આત્માનું એમ સર્વ પ્રકારનું સૌન્દર્ય. ગીતાના શબ્દોમાં કહીએ તો ‘यद् यद् विभूतिमत् सत्त्वं श्रीमद् ऊर्जितमेव वा' એ સઘળું સૌન્દર્ય, અર્થાત્ સૌન્દર્ય એટલે કોઈ પણ પ્રકારની ઉચ્ચતા, ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠતા, ભાવના, અને આ ભાવનારૂપ સૌન્દર્યની પૂજા એ જ વિવેચકનો ધર્મ. પ્લેટોએ કહ્યું છે તેમ પૃથ્વી પરની સઘળી વસ્તુઓ અપૂર્ણ પ્રતિબિંબો જેવી છે, અને એ સર્વનાં પૂર્ણબિંબો તો ભાવનાપ્રદેશમાં જ વસી રહેલાં છે. વિવેચકનું કાર્ય આ અપૂર્ણ પ્રતિબિંબોની મૂળ પૂર્ણ બિંબો સાથે તુલના કર્યા કરવી, એમાં મૂળ બિંબોના જેટલા અંશો ઊતરી આવ્યા હોય તેનું સ્તવન કરવું, અને જેટલા રહી ગયા હોય તેનું ભાન કરાવવું એ છે. વિવેચક એટલે પ્રકૃતિથી જ પરમ ભાવનાવિહારી પુરુષ-'એ તો એમ જ હોય' કે ‘દુનિયા એમ જ ચાલે' એનો નહિ પણ ‘એ તો આમ જ હોવું જોઈએ' એ સૂત્રનો અનન્ય ઉપાસક પુરુષ. એટલે વસ્તુઓને એ સદા યે ભાવનાનાં કાટલાંથી જોખ્યા કરે છે અને એ રીતે વ્યવહારજગત પર ભાવનાજગતનો પ્રકાશ ફેંકી તેને નિરન્તર વધુ ને વધુ સૌન્દર્ય તરફ પ્રેર્યા કરવું એ જ એનો પ્રિય વ્યવસાય છે. એ સાહિત્યકલાના ક્ષેત્રમાં કામ કરે છે તે તો જીવનના વિશાળ પ્રદેશને એ કેમે કરતાં પહોંચી શકે એમ હોતું નથી તેથી ન છૂટકે મર્યાદિત ક્ષેત્રમાં પોતાની શક્તિઓનો વિનિયોગ કરે છે એટલું જ, બાકી એના અન્તરનું અન્તિમ ધ્યેય તો સમસ્ત જીવનવ્યવહારમાં ભાવનાના સૌન્દર્યનું સ્થાપન, સંરક્ષણ, ને સંવર્ધન કરવું એ જ હોય છે.
આવી સૌન્દર્યભક્તિ એ વિવેચકની કામધેનુ છે. એ જો પૂરેપૂરી સિદ્ધ થઈ હોય તો વિવેચક તરીકે બીજા જે મુખ્ય ગુણો જોઈએ તે એને એમાંથી આપોઆપ મળી રહે છે. ઉદાહરણ તરીકે સાચો સૌન્દર્યભક્ત વિવેચક જ્યાં જ્યાં ઉત્તમતા, ઉદાત્તતા, વિભૂતિમત્તા જુએ છે ત્યાં ત્યાં સહજ ભાવથી જ વન્દન કરે છે અને આનન્દ અનુભવે છે, એટલે વિવેચકમાં આવશ્યક એવો જે પ્રથમ ગુણ રસજ્ઞતા તે એનામાં એની મેળાએ આવી જાય છે. પછી બીજો ગુણ તે નિષ્પક્ષતા તે પણ એની સૌન્દર્યભક્તિમાંથી સ્વયમેવ જન્મે છે, કેમ કે સાચો સૌન્દર્યભક્ત પુરુષ જ્યાં જ્યાં સૌન્દર્ય જુએ છે. ત્યાં ત્યાં કુદરતી રીતે જ નમી પડે છે, પછી એ સૌન્દર્ય કોઈ પોતાની માનેલી વ્યક્તિમાં છે કે પારકીમાં, મિત્રમાં છે કે શત્રુમાં, એનો વિચાર કરવા એ રહેતો નથી. ‘રસજ્યોત નિહાળી નમું હું નમું' એ જ એનું પ્રકૃતિલક્ષણ હોય છે. એટલે એ રસજ્યોત ગમે ત્યાં હોય તોપણ એ તેને નમ્યા વગર રહી શકતો નથી. વિવેચકની આ વિભૂતિપૂજા એટલી પ્રબળ હોય છે કે બીજી રીતે પોતાને અપ્રિય હોય એવી વ્યક્તિ કે વસ્તુમાં પણ જો એ કોઈ ને કોઈ પ્રકારની પણ સાચી શક્તિ, ઉચ્ચતા, ઉત્કૃષ્ટતા નિહાળે છે તો એટલા અંશમાં તો તેને વન્દન કર્યા વિના એનાથી રહેવાતું જ નથી. વસ્તુતઃ સાચા વિવેચકને શત્રુ મિત્ર જેવું હોતું જ નથી. એને શત્રુ એક જ હોય છે, અને તે વિરૂપતા, અધમતા, નિકૃષ્ટતા, ને મિત્ર એક જ હોય છે, અને તે સુન્દરતા, ઉદાત્તતા, ઉત્કૃષ્ટતા. જ્યાં જ્યાં એ કોઈ પણ પ્રકારની રૂપની કે ગુણની, બુદ્ધિની કે બળની, શરીરની, મનની કે આત્માની, એમ કોઈ પણ પ્રકારની-ઉન્નતિ જુએ છે, ત્યાં ત્યાં એનું મસ્તક પોતાની મેળાએ જ નમન કરે છે, એટલે સાચા સૌન્દર્યભક્ત વિવેચકમાં નિષ્પક્ષપાત પ્રકૃતિથી જ સિદ્ધ હોય છે. વિવેચક સામે એક આક્ષેપ એ કરવામાં આવે છે કે એ પ્રણાલિકાનો પૂજારી હોય છે, કલાનિર્માણના પરંપરાગત નિયમોનો અન્ય અનુયાયી હોય છે, અને સર્જક તો સદા યે સૌન્દર્ય સર્જનની નવી નવી પદ્ધતિઓ શોધે છે, એટલે વિવેચક સાચી સર્જકતાને વધાવી શકતો નથી એટલું જ નહિ, પણ ઘણી વાર એ સર્જકતાના માર્ગમાં અન્તરાયરૂપ થઈ પડે છે. પણ વિવેચન એટલે સૌન્દર્યપૂજા એ વાત જો બરાબર સમજવામાં આવે તો આ આક્ષેપ કે ભીતિને અવકાશ નહિ રહે, કેમકે કોઈ પણ કૃતિ નવી શૈલીની હશે, એમાં રસનિષ્પત્તિની કોઈ નવી પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો હશે, તોપણ એમાં જો સાચું સૌન્દર્ય હશે તો વિવેચકની સહજબુદ્ધિ એને તરત જ પારખી કાઢશે અને પ્રણાલિકાભંગ બદલ એનો વિરોધ કરવાને બદલે ઊલટું એને અભિનન્દન આપશે. વસ્તુતઃ સાચો વિવેચક હોય છે તે તો સૌન્દર્યનું આકલન સૌથી પહેલું તર્કબુદ્ધિથી કે વિદ્વતાથી નહિ પણ પોતાની સહજોપલબ્ધિ જ કરે છે, એટલે પછી કોઈ કૃતિ નવીન માર્ગે વિચરીને સૌન્દર્ય પ્રકટાવતી હોય તોપણ તે નિષ્પક્ષ રીતે તેનો આસ્વાદ કરીને તેનું મૂલ્ય આંકી શકશે. આવી રીતે એની સૌન્દર્યભક્તિ એને સર્વથા પૂર્વગ્રહમુક્ત અને નિષ્પક્ષપાત બનાવશે. અને વિવેચકનો બીજો મોટો ગુણ તે એની સમતોલતા. તે પણ એની સૌન્દર્યભક્તિમાંથી સ્વયમેવ સાંપડશે, કેમ કે સાચો સૌન્દર્યભક્ત વિવેચક જ્યાં જ્યાં સૌન્દર્ય જુએ છે ત્યાં ત્યાં જેમ તેનાં ગુણગાન કરે છે તેમ જ પોતાની સૌન્દર્યભાવના સાથે સરખાવતાં જ્યાં જ્યાં અપૂર્ણતા જુએ છે ત્યાં ત્યાં એટલી એની ક્ષતિઓ દર્શાવ્યા વિના પણ એ રહી શકતો નથી, એટલે એ પોતાના વિવેચનમાં એક પણ બાજુએ ઢળી પડ્યા વગર સર્વ પક્ષનું યથાસ્થિત દર્શન કરાવે છે અને એ રીતે તે સદાયે સમતોલતા જાળવી રાખે છે. સાચો વિવેચક હંમેશાં દુરારાધ્ય હોય છે એનું પણ આ જ કારણ છે. એ જ્યાં જ્યાં સૌન્દર્ય જુએ છે ત્યાં ત્યાં તેને વન્દે છે એ ખરું, છતાં એ ક્યાંયે અંજાઈ જતો નથી, કેમકે પોતાની પરમ સૌન્દર્યભાવનાને સર્વથા સંતોષ આપે એવું અનઘ સર્જન તો અતિ વિરલ પ્રસંગે જ એ જોવા પામે છે, તેથી કોઈ પણ કૃતિમાં જેટલા સૌન્દર્યાંશો હોય તેટલાની મુક્ત કંઠે પ્રશંસા કર્યા પછી પણ ભાવનાદૃષ્ટિએ એની જે ઊણપ હોય તે તો એને દર્શાવવાની રહે જ છે. આથી જ રસેશ્વરોનો દાસાનુદાસ હોવા છતાં સાચો વિવેચક કોઈ પણ સર્જકથી લેવાઈ જતો નથી, અથવા કોઈ ધુરંધર સાહિત્ય સ્વામીની પણ કાનપટ્ટી પકડતાં અચકાતો નથી, કેમકે એવો સાહિત્ય સ્વામી પણ આદર્શ દૃષ્ટિએ તો ક્યાંક ને ક્યાંક સ્ખલનવશ હોય જ છે. અને એના એ સ્ખલનને દર્શાવવું એ તો વિવેચકનો અપરિહાર્ય ધર્મ જ છે. વિવેચક સર્જકનો સંબન્ધ આ રીતે વસિષ્ઠ-વિશ્વામિત્ર જેવો છે. વિશ્વામિત્ર વરસોનાં વરસો સુધી તપ કરી કરીને મરી જાય, અને પોતાના મનથી અસાધારણ ઋષિવર બન્યાનું માની લે, છતાં એનામાં જરા સરખી પણ કચાશ રહેલી જુએ ત્યાં સુધી બીજી રીતે એની સઘળી સિદ્ધિનું પોતાને ભાન હોવા છતાં અને અરુન્ધતી આગળ એનો સ્વીકાર કરવાં છતાં એને પોતાને તો એ બ્રહ્મર્ષિ નહિ પણ રાજર્ષિ શબ્દ જ સંબોધવાનો. એ રીતે વિવેચક પણ, સર્જક ગમે તેટલું કલાકૌશલ્ય બતાવે અને પોતાને મન પાર પામી ગયાનું માની લે, તોપણ એને પોતાની પરમોત્કૃષ્ટ ભાવનાની કસોટીએ જ કસી જોવાનો, અને એ કસોટીએ એનામાં જ્યાં સુધી થોડી પણ કચાશ રહેલી માલૂમ પડશે ત્યાં સુધી બીજી રીતે એની સઘળી સિદ્ધિનો સ્વીકાર કરવા છતાં પણ એની ન્યૂનતાઓ દર્શાવ્યા વિના નહિ જ રહેવાનો. આ રીતે જોતાં અહોભાવ એ વિવેચકની અયોગ્યતાનું જ લક્ષણ છે. કોઈ પણ વિવેચક જો ડગલે ને પગલે મુગ્ધ થઈ જતો હોય, તો સમજી જવું કે એને સૌન્દર્યનું યથાર્થ દર્શન થયું જ નથી. નહિ તો જેણે સૌન્દર્યનો પારાવાર જોયો હોય તે ગમે તેવો રમણીય હોય છતાં અહીં તહીં રમતા એના લઘુ સ્રોતથી ચકિત થઈ જ શી રીતે શકે? સામાન્ય રીતે સૌન્દર્યદર્શને સાચો વિવેચક પ્રસન્ન જરૂર થાય છે, પણ મોહિત ભાગ્યે જ થાય છે. સુન્દર વસ્તુને જોઈને એ જાણે કે કહે છે કે ‘હા, તું સુન્દર છે ખરી, પણ પરમોત્કૃષ્ટ સુન્દરતા તારામાં આવીને વસી છે એમ માનતી હોય તો ભૂલ કરે છે.' અને વિવેચકની આ દુરારાધ્યતામાં જ એની સાર્થકતા રહેલી છે. માનવપ્રકૃતિની એક મોટી ખામી એ છે કે તે એકદમ સંતોષાઈ જાય છે. જરાક કંઈક કરી શકે છે એટલાથી તૃપ્ત થઈ જાય છે એટલું જ નહિ, પણ કેટલીક વાર તો ફુલાઈ જાય છે, એટલે પછી એ આગળ પ્રગતિ કે વિકાસ કરી શકતો નથી. તેથી જરાક અળખામણા બનીને પણ એને એની ઈયત્તાનું ભાન કરાવે, એણે જે કર્યું છે તેના કરતાં અનેકગણું વિશેષ જે બાકી રહ્યું છે અને જે એ પોતે પણ બરાબર પ્રયત્ન કરે તો કરી શકે એમ છે તેનું સ્મરણ કરાવે, અને એ રીતે the petty done and the vast undone વચ્ચેનો ભેદ એના મન આગળ જાગ્રત રાખે એવા પુરુષની સૌને જરૂર પડે છે. વિવેચક એવો પુરુષ છે. સર્જક જ્યાં પોતાની અલ્પ સિદ્ધિથી સન્તુષ્ટ થઈને પાટે બેસી જતો હોય, ત્યાં એ આવીને તેને ઢંઢોળીને કહે છે કે ‘ભાઈ, હજુ તો પાશેરામાં પહેલી પૂણી પણ કંતાઈ નથી, તો કૃતકૃત્ય કાં બની જાઓ? ચાલો, દિલ્હી હજુ બહુ જ દૂર છે.' આથી જ ગોવર્ધનરામ કહે છે તેમ ગુણપરીક્ષા વિનાની ગ્રન્થપરીક્ષા અધૂરી છે એ જેમ એ પક્ષે સાચું છે, તેમ દોષપરીક્ષા વિનાની ગ્રન્થપરીક્ષા અધૂરી છે એ પણ બીજે પક્ષે એટલું જ સાચું છે. જે વિવેચકને સર્વત્ર ગુણ જ જડતા હોય અને દોષ જેવું કંઈ દેખાતું જ ન હોય તેની સૌન્દર્ય ભાવના છેક જ સામાન્ય હોવી જોઈએ. બાકી માનવમાત્ર જેમ અપૂર્ણ છે, તેમ માનવકૃતિમાત્ર પણ કોઈ નહિ ને કોઈ રીતે અપૂર્ણ જ હોય છે. એ અપૂર્ણતા પારખીને બતાવવી અને એ દ્વારા સર્જકને પૂર્ણતાની વિશેષ નિકટ પહોંચવા પ્રેરવો એ વિવેચકનુ વિશિષ્ટ કર્તવ્ય છે. આ દૃષ્ટિએ જોતાં જેઓ કૃતિનું કેવળ વિવરણ કરીને જ બેસી રહે છે, એનું મૂલ્યાંકન ન કરતાં એના છૂટક અવયવોનું નિરૂપણ કરીને સન્તોષ માને છે, તેઓ અર્ધ વિવેચકો જ છે. સાચો વિવેચક કેવળ નિરૂપક જ નહિ પણ પ્રેરક હોય છે, એટલે જે વિવેચન ઉચ્ચતર આદર્શની ઝાંખી ન કરાવી શકે, થયું છે તેથી પણ સુન્દરતર થઈ શકે એમ છે એની પ્રતીતિ ન કરાવી શકે, અને ‘ઊંચે, હજુ યે ઊંચે.' એમ આગળ ને આગળ ઉત્તુંગ સૌન્દર્યશિખરો સર કરવાની સર્જકના દિલમાં પ્રેરણા ન જગાવી શકે, તે પોતાની એક અતિ મહત્ત્વની ફરજ બજાવતાં ચૂક્યું છે એમ જ ગણવાનું છે.
વિવેચકના આપણે ત્રણ કોશ ગણાવ્યા, તેમાં પહેલો રસમય કોશ તે એની આ સૌન્દર્યભક્તિ છે, તો બીજો જ્ઞાનમય કોશ તે એની વિદ્વત્તા છે. આગળ કહ્યું તેમ સૌન્દર્યભક્તિ એ વિવેચકની કામધેનુ છે, તેથી તે જેમ એને અન્ય સર્વ આવશ્યક સામગ્રી આપી રહે છે તેમ આ વિદ્વત્તા પણ તે આપી રહે છે સાચો સૌન્દર્યભક્ત પુરુષ જગતમાં અત્યાર સુધીમાં જે જે સર્વોત્તમ કૃતિઓ સાહિત્યકલાની નિર્માઈ હોય તે સર્વની અંદરના સૌન્દર્યરાશિનાં દર્શન કર્યા વિના રહી જ શકતો નથી, એટલે એ રીતે એની સૌન્દર્યભક્તિ પૂરતી ઉત્કટ હોય તો એનામાં વિદ્વત્તા એની મેળાએ આવે છે. પણ એ જો પૂરતી ઉત્કટ ન હોય ને અને પરિણામે જો વિદ્વત્તા સિદ્ધ થઈ ન હોય તો વિવેચકે તે પૃથક રૂપે પ્રયત્નપૂર્વક સિદ્ધ કરવાની છે. કેમ કે વિવેચક કેવળ સૌન્દર્યપૂજક જ નથી, પણ સાથે સાથે સૌન્દર્યપરીક્ષક, સૌન્દર્યમીમાંસક, સૌન્દર્યશાસ્ત્રી પણ છે, અને તેથી સર્વપરીક્ષક, મીમાંસક, શાસ્ત્રીની પેઠે એને માટે પણ વિશાળ જ્ઞાન એ પરમ આવશ્યક વસ્તુ છે. સર્જનમાં પ્રતિભા ને પ્રેરણા સૌથી મહત્ત્વની વસ્તુ હોવા છતાં એ એકલી જેમ અર્કિચિંત્કર છે, અને એને સાર્થક બનાવવાને માટે જેમ અનુભવ અભ્યાસ, અવલોકન, આગ્રહ, ઉદ્યોગ આદિ અનેક ગુણોની જરૂર પડે છે, તેમ વિવેચનમાં પણ રસિકતા સૌથી મહત્ત્વની વસ્તુ હોવા છતાં તેને સાર્થક બનાવવાને માટે વિદ્વત્તા, જ્ઞાન અભ્યાસ, ચિન્તન, ઉદ્યોગ આદિ અનેક ગુણોની જરૂર છે. એટલે એક ટકો પ્રતિભા ને નવ્વાણું ટકા પરિશ્રમ એ સર્જનને માટે જેમ સાચું છે તેમ એક ટકો રસિકતા ને નવ્વાણુ ટકા પરિશ્રમલબ્ધ વિદ્વત્તા એ વિવેચનને માટે પણ એટલું જ સાચું છે. પોએ કહ્યું છે તેમ પ્રતિભા ઘણામાં હોય છે, પણ તેને પરિણત કરવાનો આગ્રહ ને ઉદ્યોગબળ બહુ થોડામાં હોય છે. એટલે સર્જક બહુ થોડા થઈ શકે છે. એ જ રીતે સૌન્દર્યભક્તિ કે રસિકતા ઘણામાં હોય છે, પણ એને ઉપયોગી બનાવે એવી વિદ્વત્તા જ્ઞાનસંપાદનનું એવું આગ્રહ ને ઉદ્યોગબળ બહુ થોડામાં હોય છે, એટલે વિવેચક બહુ થોડા થઈ શકે છે. વિવેચક એટલે એક રીતે સાહિત્યકલાનો ન્યાયાધીશ,-અંગ્રેજી શબ્દ Critic નો મૂળ અર્થ જ એ છે એટલે ન્યાયાધીશને જેમ ધારાશાસ્ત્રનું પરિપૂર્ણ જ્ઞાન જોઈએ, એટલું જ નહિ પણ એ ધારાશાસ્ત્રનો ભૂતકાળમાં જુદે જુદે પ્રસંગ જુદા જુદા ન્યાયાધીશોને હાથે કેવી રીતે વિનિયોગ થએલો તેનું પણ સદાનું તાજું રહે એવું ઊડું જ્ઞાન જોઈએ, તેવી જ રીતે વિવેચકને પણ રસશાસ્ત્રનું પરિપૂર્ણ જ્ઞાન જોઈએ, એટલું જ નહિ પણ એવા રસશાસ્ત્રનો ભૂતકાળમાં જુદી જુદી શિષ્ટ કૃતિઓના સંબંધમાં જુદા જુદા વિવેચકોને હાથે કેવી રીતે વિનિયોગ થએલો તેનું પણ જ્યારે જોઈએ ત્યારે ઉપયોગી થઈ શકે એવું તાજું તલસ્પર્શી જ્ઞાન જોઈએ. અર્થાત્ જગતમાં આજ સુધીમાં સર્વમાન્ય થઈ ચૂક્યા હોય એ સર્વ Critics તેમ Classics-વિવેચકો તેમ એમનાં વિવેચનવિષયભૂત શિષ્ટગ્રન્થો ઉભયનો બને તેટલો વિશેષ પરિચય સાધવો, અને દીર્ઘ ને સતત પરિશીલનથી એ પરિચયને તાજો રાખવો એ વિવેચકનો આદર્શ હોવો જોઈએ. વિવેચન એટલે એક રીતે તોલન, પરીક્ષણ, મૂલ્યાંકનની પ્રવૃત્તિ, એટલે સામાન્ય તોલન, પરીક્ષણ આદિને માટે જેમ તાજવાં, તોલાં, નિકપ આદિ સાધનો સદાય હાજર રાખવાં પડે છે, તેમ વિવેચનમાં પણ ભૂતકાળના સર્વોત્તમ સર્જનવિવેચન ગ્રન્થોરૂપી તોલન પરીક્ષણસાધનો સદા હાજર રાખવાં જોઈએ. એટલે વિવેચકે મેથું આર્નોલ્ડે કહ્યું છે તેમ કાવ્યપરીક્ષાને માટે અત્યાર સુધીના મહાકવિઓએ રચેલી સર્વાગસુન્દર કાવ્યપંક્તિઓ જેમ નિકષરૂપે તૈયાર રાખવાની છે, તેમ સર્વાગસુન્દર સર્જનકૃતિઓ પણ પોતાના સ્મરણપ્રદેશમાં સદા ય હાજર રાખવાની છે, એટલું જ નહિ પણ એણે બીજે પ્રસંગે કહ્યું છે તેમ પોતાના સાહિત્યનું યથાયોગ્ય પરીક્ષણ થઈ શકે એટલા માટે પોતાના સિવાયની કોઈ એક બીજી મહાપ્રજાના સાહિત્યરાશિનો પણ બને તેટલો ગાઢ સહવાસ રાખવાનો છે. આવી રીતે જગતસાહિત્યનો એનો સહવાસ જેટલો વિશેષ, અને આજ સુધીમાં સર્વોત્કૃષ્ટ સિદ્ધ થઈ ચૂકેલી સાહિત્યકૃતિઓનું એનું જ્ઞાન જેટલું વિશાળ, તેટલું વિવેચક તરીકેનું એનું કામ વિશેષ સફળ થવાનું. વિવેચનમાં કેવળ રસિકતા સર્વ પ્રસંગે યથાર્થ નિર્ણયો નહિ આપી શકે, એકલી સહજોપલબ્ધિ પર સર્વ પ્રસંગે આધાર નહિ રાખી શકાય. રસિકતાને વિદ્વત્તાનો ટેકો જોઈશે, સહજોપલબ્ધિમાં અધ્યયનનું બળ ઉમેરવું જોઈએ. તો જ વિવેચક છાતી ઠોકીને કોઈ પણ ચુકાદો આપી શકશે અને તો જ એનો ચુકાદો સર્વસ્વીકાર્ય બની શકશે.
એટલે અખંડ વિદ્યાવ્યાસંગ એ વિવેચકનું બીજું મુખ્ય લક્ષણ છે. એના જીવનની મુખ્ય પ્રવૃત્તિ જ જગતનું સર્વશ્રેષ્ઠ હોય એ સઘળું સતત રીતે વાંચ્યા કરવું, વિચાર્યા કરવું, એનું ફરી ફરીને પારાયણ કરવું, અને એ રીતે સતત સૌન્દર્ય પરિશીલનમાં સઘળો સમય ગાળી પોતાની તોલનશક્તિને પરિપક્વ બનાવવી એ હોવી જોઈએ. વિશાળ અવિશ્રાન્ત વાચન હશે તો જ એ પોતાની જવાબદારીને કંઈકે પહોંચી શકશે. અંગ્રેજ વિવેચકોમાં સેઈન્ટસબરીની જે મહત્તા છે તેનાં અનેકમાંનું એક મુખ્ય કારણ જ તેનું આવું વિશાળ વાચન હતું. એને માટે કહેવાય છે કે જુદી જુદી ભાષાનાં મહાસાહિત્યોના જ્ઞાન ઉપરાંત પોતાના અંગ્રેજી સાહિત્યના ૧૫૭૫ થી ૧૮૭૫ સુધીના ત્રણ સૈકા તો એની આંગળીને ટેરવે રમતા હતા. એ ત્રણ સૈકામાં થઈ ગએલા નાનામાં નાના સાહિત્યકારનો પણ એણે એવો ઊંડો અભ્યાસ કરેલો કે એ સૌને માટે એણે સ્વકીય દૃષ્ટિબિન્દુથી સ્પષ્ટ ચોક્કસ નિર્ણયો આપેલા. વિવેચનને જીવનવ્યવસાય બનાવનારમાં આવું જ્ઞાન જોઈશે. વિવેચકે કવિની સાથે પંડિત પણ થવાનું છે. અને એને માટે એણે પોતાના જીવનની એકેએક ફાજલ પણ જ્ઞાનસંચય પાછળ-અવ્યવસ્થિત વાચનમાં જ નહિ, કેમકે એવું અવ્યવસ્થિત વાચન તો આજનો એકેએક ભણેલો આદમી કરે છે, પણ ચોક્કસ ધ્યેય રાખીને યોજનાપૂર્વક કરેલા સુવ્યવસ્થિત વાચન પાછળ-ગાળવાની છે. કવિ નહિ વાંચે તો ચાલશે. નાટકકાર, નવલિકાકાર નહિ વાંચે તો ચાલશે, નવલકથાકાર પણ નહિ વાંચે તો કદાચ ચાલશે, પણ વિવેચક નહિ વાંચે તો એ કદી નહિ ચાલે. વાચનથી થાકતો હોય, વાચનથી શરમાતા હોય, વાચનને માટે અવકાશ ન મેળવી શકતો હોય એણે વિવેચનમાં ન પડવું. ગુજરાતમાં વિવેચકોની પુષ્કળ જરૂર છે, છતાં એ ક્ષેત્રમાં બહુ થોડા પડે છે તેનું કારણ જ આ છે કે એમાં સખત મહેનત કરવાની છે ને જીવનનાં સામાન્ય પ્રલોભનોથી પર બનીને એક પ્રકારનું તપસ્વી જીવન ગાળવાનું છે. ગુજરાતમાં વિવેચનના ભાવિ પરત્ત્વે જરા શંકા ને ભીતિ જેવું રહે છે તે પણ એટલા જ માટે કે આપણામાંથી હવે અભ્યાસપ્રેમ કંઈક ઓછો થવા લાગ્યો છે, વિદ્યાવ્યાસંગ ઘટવા માંડયો છે, ઉદ્યોગ ને પરિશ્રમની ટેવો ઘસાતી જાય છે, જ્ઞાન અને તપની પ્રતિષ્ઠા ઘટતી જાય છે, અને એ બધાને બદલે દક્ષતા, ચાલાકી, ચમક, ઉપલક ટાપટીપ એ બધાનો મોહ વધતો જાય છે. તેથી જ આપણી ઊગતી પેઢીમાંથી ઘણા નવલોહિયા યુવાનો વિવેચનક્ષેત્રમાં પડે એવી આપણી સૌની ઇચ્છા હોવા છતાં કોઈ એ તરફ લલચાશે કે કેમ એ વિષે જરા શંકા છે, કેમકે આંહી તો સતત પરસેવો ઉતારવાનો છે, કશી ભભક વિનાનું સાદું વિદ્યાર્થીજીવન ગાળવાનું છે, કેવળ પોતાના જ નહિ પણ સમસ્ત જગતના સાહિત્યનો અવિરત અભ્યાસ કર્યા કરવાનો છે, ને એનું અખંડ ચિન્તન, મનન, નિદિધ્યાસન કરવામાં જ જીવનની ક્ષણેક્ષણ વાપરવાની છે. એટલે જે પુરુષ My days among the dead are past એમ સોલ્લાસ અભિમાનપૂર્વક લલકારી ન શકે, ઉચ્ચારથી નહિ પણ અહર્નિશના અખંડ આચારથી લલકારી ન શકે, તેને માટે વિવેચનમાં તો સ્થાન જ નથી.
વિવેચક આત્માનું સ્વરૂપ સૂચવવાને માટે પ્રારંભમાં આપણે બે રૂપકો લીધાં હતાં : એક અધ્યાપક બેઈનના કથકનું અને બીજું ઓલિવ શ્રાઈનરનાં શિકારીનું. વિવેચક બેઈનના કથક જેવો સૌન્દર્યભક્ત હોય છે તેમ જ શ્રાઈનરના શિકારી જેવો સર્વસ્વને ભોગે સત્યની શોધ કરનારો આતુર સત્યભક્ત પણ હોય છે. આ સત્યભક્તિ એ જ એનો ત્રીજો શીલમય કોશ. વસ્તુને એના ખરા સ્વરૂપમાં જોવી, એના સૌન્દર્યનું યથાસ્થિત દર્શન કરવું, અને જેવા સ્વરૂપમાં દર્શન કર્યું હોય તેવા જ સ્વરૂપમાં તેનું બરાબર નિરૂપણ કરવું એ વિવેચનનું કાર્ય છે, અને એ કાર્ય સિદ્ધ કરવાને માટે કેવળ રસિકતા કે વિદ્વત્તા બસ નથી, પણ તે બન્નેની સાથે સુશીલતાની પણ એટલી જ અનિવાર્ય અગત્ય છે. વિવેચન એ લોકો ધારી લે છે એવી સુલભ વસ્તુ નથી, સર્જનકાર્યમાં નિષ્ફળ ગયો માટે લાગલો જ કોઈ માણસ વિવેચક થઈ શકે એવું જે સહેલુંસટ કામ નથી, પણ એ તો સર્જકને પણ દુર્લભ એવા કેટલાક વિશિષ્ટ ગુણો માગે છે. વિવેચનમાં કેવળ પ્રતિભા પૂરતી નથી, એકલી બુદ્ધિમત્તા, રસિકતા, વિદ્વત્તા, ઉદ્યોગ, શ્રમશક્તિ આદિ ઉપરાંત એમાં બહુ ઊંચા પ્રકારના શીલની જરૂર પડે છે. વિવેચક કેવળ કવિ જ નહિ, કેવળ પંડિત જ નહિ, પણ એ ઉભય ઉપરાંત સુશીલ સત્યનિષ્ઠ પુરુષ હોવો જોઈએ. સેઈન્ટ બવ જેવા તો કહે છે કે એ પરમહંસની કોટિનો પુરુષ હોવો જોઈએ. પણ એ પરમહંસનો આદર્શ સામાન્ય જનને માટે અપ્રાપ્ય ગણીને મૂકી દઈએ તોપણ વિવેચનમાં ઊંચા પ્રકારની સુશીલતા જોઈએ એમાં તો શંકા જ નથી. વિવેચકને આવશ્યક એવી એ સુશીલતાનાં થોડાં લક્ષણો જોઈ જઈએ.
વિવેચકની સુશીલતાનું પહેલું લક્ષણ તે એની અડગ સત્યનિષ્ઠા. શીલની દૃષ્ટિએ વિવેચકનો સૌથી મોટો ગુણ જ એની સચ્ચાઈ અને નિખાલસતા. સૌન્દર્યની પેઠે સત્યનો ઊંડો અદમ્ય પ્રેમ એ જ સાચા વિવેચકનું વ્યાવર્તક લક્ષણ છે. એવો સત્યપ્રેમ હોય તો જ પોતાની પાસે આવેલી કૃતિને એ યથાર્થ સ્વરૂપમાં સમજવાની મહેનત લે અને સમજ્યા પછી એવા જ સ્વરૂપમાં સમાજ સમક્ષ રજૂ કરી શકે. વિવેચકને દ્વિવિધ કામ કરવાનું હોય છે : એક તો વિવેચનને માટે આવેલી રચનાનો અભ્યાસ કરી તેના ગુણદોષાદિ વિશે જાતે કોઈક નિર્ણય પર આવવાનું હોય છે, અને બીજું, પોતે જે નિર્ણય પર આવેલ હોય તેનું જનતા સમક્ષ નિવેદન કરવાનું હોય છે. આ બન્ને કામો માટે એને પ્રબળ સત્યપ્રેમની જરૂર પડવાની. ગ્રંથની મૂલવણી કરવાને માટે એને ઘણીવાર આગલું પાછલું ઘણું ઘણું વાંચવું પડશે, પોતે વાંચ્યું વિચાર્યું હશે તે શ્રમ લઈને તાજું કરવું પડશે, અને આવો શ્રમ એનામાં જો સત્યનિષ્ઠા હશે-'ગ્રંથને સમજવાને માટે જેટલી તૈયારી કરવી જોઈએ તેટલી કર્યા વગર એને વિષે કોઈ પણ અભિપ્રાય હું બાંધી જ કેમ શકું?' એ પ્રકારની જવાબદારીના ભાનવાળી સત્યનિષ્ઠા હશે તો જ એ લેશે. અને ગ્રન્થ વિષે એક વાર જાતે અમુક નિર્ણય પર આવ્યા પછી એને જાહેર કરતી વખતે પણ પાછી એટલી જ સત્યનિષ્ઠાની જરૂર પડશે. કેમકે વિવેચકની રસિકતા અને વિદ્વત્તા એને ઘણી વાર સાચા નિર્ણય પર લાવી મૂકે છે, પણ પોતે મનમાં જે નિર્ણય પર આવેલ હોય તે જણાવવાની ઘણી વાર એનામાં કોઈક અંગત રાગદ્વેષ કે ભીતિને કારણે વૃત્તિ કે શક્તિ હોતી નથી, એટલે એનામાં જો અટળ સત્યનિષ્ઠા નહિ હોય તો પોતે રસ અને જ્ઞાનની દૃષ્ટિએ એ ગ્રન્થ વિષે અમુક નિર્ણય પર આવેલ હશે તોપણ તે મનમાં દબાવી દેશે અને જાહેર પ્રજાની આગળ ગમે તો સર્વથા મૌન જ રાખશે અથવા પોતાની બુદ્ધિને બળે કોઈ જુદો જ અભિપ્રાય ઉપજાવી કાઢી તે રજૂ કરશે. તેથી વિવેચકમાં જો સત્યનિષ્ઠા નહિ હોય-'મને અન્તરમાં ખરેખર લાગતું હોય તે હું છુપાવી જ કેમ શકું, અથવા એથી જુદું હું જનતાને કહી જ કેમ શકું?' એવા પ્રકારની પાપભીરુતાયુક્ત સત્યનિષ્ઠા નહિ હોય તો બીજી રીતે એનામાં ગમે તેટલી રસિકતા અને વિદ્વત્તા હશે છતાં એનું વિવેચન નિષ્ફળ જ નીવડવાનું. એટલે બીજી ગમે તેટલી યોગ્યતા છતાં જે પ્રકૃતિથી જ સત્યપ્રિય ન હોય, વસ્તુ જેવી હોય તેથી જુદા રૂપમાં જોતાં ને જણાવતાં જેને કુદરતી રીતે જ કંપારી થતી ન હોય, લાભાલાભના વિચારને દૂર રાખીએ તોપણ સ્વભાવથી જ જેને અસત્યથી અરેરાટી થતી ન હોય, એવો એવો પુરુષ સાચો વિવેચક ન થઈ શકે, હર ભોગે સત્યદર્શન કરવું, સત્યની ઉપાસના કરવી, સત્યને વળગી રહેવું, મોર્લી કહે છે તેમ even if the very heavens fall-નર્મદ કહે છે તેમ ‘આભ પડો પૃથ્વી ગડો, લય પામો સંસાર'-એમ ગમે તે પરિણામ આવે તોપણ તે વેઠીને પણ વસ્તુને સાચા સ્વરૂપમાં જોવી અને જેવી જોઈ હોય તેવી જ કહેવી, પછી એથી ગમે તેટલી કડવાશ વહોરવી પડે કે અળખામણા થવું પડે તોપણ તેની રજ માત્ર પરવા કર્યા વગર બેધડક પોતાનો અભિપ્રાય જેવો હોય તેવો જણાવવો, એ પ્રકારની અચળ સત્યનિષ્ઠા વગર સાચું વિવેચન શક્ય નથી. ‘अप्रियमपि सत्यम्’ ‘કડવું લાગે તોપણ સાચું કહેવું,' એ સાચા વિવેચકનું જીવનસૂત્ર હોય છે. ભલેને આખી દુનિયાને અપ્રિય લાગે પણ મારે તો સત્ય જ કહેવું છે એ એનો નિત્યનો નિશ્ચય હોય છે. કડવાશ એ તો વિવેચક જીવનની અનિવાર્ય આપત્તિ છે. સત્યને ખાતર કડવા થવાની જેનામાં હિંમત ન હોય, અળખામણા બનીને પણ જેવું હોય તેવું કહી નાખવાનું જેનામાં બળ ન હોય, તેણે વિવેચનમાં ન પડવું. વિવેચકે જે કેટલાક મોહો જીતવાના છે તેમાંનો એક મુખ્ય તે મીઠાશ ને લોકપ્રિયતાનો મોહ છે. સૌની સાથે મીઠાશ રાખવી એ જીવનમાં અન્યત્ર બહુ સારી વાત છે, પણ વિવેચક જો સૌની સાથે મીઠાશ રાખવા બેસશે તો પોતાની જવાબદારી કદી પણ પાર પાડી નહિ શકે. એ જ રીતે વિવેચક જો લોકપ્રિય બનવાના લોભમાં પડશે તો પછી એનું લક્ષ સત્ય શું છે તે તપાસવા તરફ નહિ રહે, પણ લોકોને શું ગમે છે એના પર જ એ નજર રાખશે, એટલે એ પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થશે. વિવેચક લોકપ્રિયતાના લોભમાં પડ્યો, એટલે પછી એ લોકોનું વલણ જોઈ જોઈને જ વાતો કરશે. એવો માણસ પછી કહેશે કે ‘અત્યારે લોકોને મુનશી અને રમણલાલનું ઘેલું લાગ્યું છે, માટે ચાલો આપણે એને ગાડે બેસીને એનાં ધોળ ગાઈએ. અત્યારે સૌને સામ્યવાદ અને કામવાદ કોમ્યુનિઝમ અને ફ્રોઇડિઝમનો નાદ લાગ્યો છે, માટે ચાલો આપણે એની જ પ્રશસ્તિઓ લલકારીએ.' પણ આમ કરતાં સત્ય માર્યું જ જવાનું. વિવેચકે કેટલીક વિપ્રલંભી વસ્તુઓથી ખાસ સાવચેત રહેવાનું છે. ઉદાહરણ તરીકે સત્યનિષ્ઠા વગરની શુષ્ક બુદ્ધિ, દક્ષતા, ચાલાકી, વકીલના જેવી પટાબાજી એ બધી વસ્તુઓ વ્યવહારમાં ગમે તેટલી ઉપયોગી હોય પણ વિવેચનમાં તો તે વિષવત્ વર્જ્ય ગણવાની છે. કેમકે સચ્ચાઈ વગરની કેવળ બુદ્ધિ એ બહુ ઠગારી વસ્તુ છે. કોઈ પણ સાહિત્ય કૃતિને સાચો ન્યાય આપવામાં એ ભારે વિઘ્નરૂપ નીવડે છે. ગુણયુક્ત વસ્તુને દોષયુક્ત બતાવવી અને દોપયુક્તને ગુણયુક્ત બતાવવી એ એને મન રમતવાત છે. એવી દક્ષતા માણસને શરૂઆતમાં આકર્ષક પણ થઈ પડે છે. ‘હું કેવો હોશિયાર કે અમુક ગ્રન્થમાં ગુણ હતા છતાં મેં એને પ્રતીતિજનક રીતે દૂષિત પુરવાર કરી બતાવ્યો, અથવા અમુકમાં દોષ હતા છતાં એની ગુણવત્તા સાબિત કરી બતાવી?' એમ એને અભિમાન થાય છે, પણ આવું અભિમાન કરતી વખતે જ વિવેચક તરીકે એનો વિનિપાત થઈ રહ્યો છે તે એણે ભૂલવાનું નથી. દક્ષતા, ચાલાકી, પટાબાજી એ સઘળી વિવેચનના ધ્યેયથી ચળાવનારી વસ્તુઓ છે. એટલે વિવેચકે જે આદર કરવાનો છે તે એવી ધૂર્તોચિત દક્ષતાનો નહિ પણ બાલોચિત સરળતાનો, નિર્વ્યાજ સચ્ચાઈ અને નિખાલસતાનો હેન્સ એન્ડરસનની રાજા અને વણકરની પેલી વાતમાં આખું નગર રાજાને દિવ્ય પોશાકમાં સજ્જ થએલો ગણીને વાહવાહ કરતું હતું તે વખતે પણ ‘રાજાજી તો દિગંબર છે' એ ભોળે ભાવે ખુલ્લેખુલ્લું કહી દેનાર બાલકના જેવી નિર્વ્યાજ નિખાલસતાનો એણે આદર કરવાનો છે. કશો પણ ઢાંકપિછેડો કર્યા વગર, કોઈની પણ બીક કે શરમ રાખ્યા વગર જેવું હોય તેવું કહી નાખવું, Heart within and God over head-છાતી પર હાથ મૂકીને ને ઈશ્વરને માથે રાખીને જેવું હોય તેવું સાફ સાફ કહી નાખવું, એ પ્રકારની પ્રમાણિક નિખાલસતા એ પ્રકારનું સત્યમય સ્પષ્ટ વક્ત નહિ હોય તો વિવેચકમાં બીજી ગમે તેટલી ગુણસંપત્તિ હશે તોપણ તે નકામી નીવડવાની. વિવેચકને આવશ્યક એવા ગુણો તો અનેક ગણાવી શકાય એમ છે, પણ એ સઘળામાં અનિવાર્ય અગત્યના એવા બે જ છે : સૌન્દર્યનિષ્ઠા અને સત્યનિષ્ઠા. કોઈ પણ માણસમાં આ બે ગુણો જો સિદ્ધ હશે તો ‘મહાભારત'માંની ઈન્દ્ર પ્રહ્લાદની આખ્યાયિકામાં શીલની પાછળ અન્ય સર્વ ગુણો જેમ એની મેળાએ આવી રહે છે તેમ આ બે મહાગુણોની પાછળ અન્ય સર્વ આવશ્યક ગુણો એની મેળાએ ખેંચાઈ આવશે અને તે સમર્થ વિવેચક થઈ શકશે.
વિવેચકની સુશીલતાનું બીજું લક્ષણ તે એનું સ્વાતંત્ર્ય. વિવેચન એટલે સત્યદર્શન અને સત્યકથન એમ દ્વિવિધ વ્યાપાર, અને તેથી એમાં એ દ્વિવિધ વ્યાપારને અનુરૂપ એવું બે પ્રકારનું સ્વાતંત્ર્ય આવશ્યક છે. વિવેચકનું પહેલું કામ સાહિત્યકૃતિને એ હોય તેવા જ સ્વરૂપમાં બરાબર જોવાનું છે. આને માટે જે સ્વાતંત્ર્ય જરૂરનું છે તેને આપણે બીજા શબ્દોમાં પૂર્વગ્રહમુક્તિ કહી શકીએ. ધર્મ, સમાજ, રાજકારણ, સાહિત્ય, કલા આદિ સર્વ પ્રકરણોમાં સાચા વિવેચકનું ચિત્ત સદા પૂર્વગ્રહ રહિત હોય છે. આનો અર્થ એમ નહિ કે આ બધી બાબતોમાં એને અંગત મત કે વિચાર જેવું કશું હોતું નથી. અંગત મત ને વિચારો તો એને પણ અલબત્ત હોય છે જ, પણ એ વિચારોને તે કોઈ કૃતિના વિવેચનમાં કદી આડે આવવા દેતો નથી. જીવનમાં જુદા જુદા વિષયોમાં એ સ્વકીય મન્તવ્યો ધરાવતો હોવા છતાં એ મન્તવ્યોને અનુસરે તે જ સુન્દર અને બીજું બધું વિરૂપ એવું એ પહેલેથી માની લેતો નથી. વિવેચન કરતી વખતે તો એ જાણે કે સર્વ પ્રકારના પરંપરાવાદોથી પર બનીને કેવળ નિર્મળ સૌન્દર્યપરાયણ રસલક્ષી દૃષ્ટિથી જ સઘળી કૃતિઓનું નિરીક્ષણ કરે છે, અને પોતાનાથી ભિન્ન મતાનુસારી હોવા છતાં બીજી રીતે જો એમાં સાચું સૌન્દર્ય હોય તો તેની કદર કરતાં એ અચકાતો નથી. આપણે આગળ કહી ગયા તેમ સૌન્દર્યનું મુખ્ય લક્ષણ જ નવીનતા છે. ‘क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयता’ એ નિયમ પ્રમાણે નવીનતા જ રમણીયતાનું મુખ્ય તત્ત્વ છે, અને તેથી વિવેચક સર્વ વિષયોમાં સાંપ્રદાયિકતાથી પર બનીને સ્વતન્ત્ર દૃષ્ટિએ સાહિત્યપરીક્ષા કરી શકશે તો જ એ સૌન્દર્યને સમજી શકશે. આવી સ્વતન્ત્ર નિર્મળ દૃષ્ટિ નહિ હોવાથી વિવેચન કેવું વિપથગામી બની જાય છે એનું ઉદાહરણ જોઈતું હોય તો મણિલાલ નભુભાઈનાં ‘કુસુમમાળા' અને ‘હૃદયવીણા'નાં અવલોકનો વાંચવાં. મણિલાલ બીજી રીતે સમર્થ વિવેચક હોવા છતાં આ બન્ને પ્રસંગોએ ધર્મ સંસ્કૃતિ આદિ વિશેનાં પોતાનાં અંગત મન્તવ્યોથી મુક્ત થઈને સ્વતન્ત્ર દૃષ્ટિએ ગ્રન્થપરીક્ષા ન કરી શક્યા તેથી વસ્તુતઃ જે ગુજરાતમાં નવીન કવિતાનો યુગ પ્રવર્તાવનારી કૃતિઓ બની છે તેનું સાચું મૂલ્ય નહિ સમજી શકેલા. આ રીતે વિવેચનમાં સત્યદર્શનને માટે જો પૂર્વગ્રહમુક્તિરૂપ સ્વાતંત્ર્યની જરૂર છે, તો સત્યકથનને માટે નિઃસ્પૃહતા અને નિર્ભયતારૂપી સ્વાતંત્ર્યની જરૂર છે. આપણે જોયું તેમ વિવેચકનું કામ ન્યાયાધીશનું છે, એટલે કોઈથી પણ દબાય નહિ કે કશાથી પણ લલચાય નહિ એવી સ્વતંત્ર પ્રકૃતિનો પુરુષ એ હોવો જોઈએ. વ્યાવહારિક લાભહાનિના વિચારથી ચળ્યા વગર પોતાને જેવું લાગતું હોય તેવું બેધડક કહી નાખવાની નૈતિક હિંમત એનામાં હશે તો જ એ વિવેચનની સાચી સેવા બજાવી શકશે. સુવ્યવસ્થિત સમાજની અંદર તો વિવેચક આર્થિક વિષયમાં સર્વથા સ્વતન્ત્ર જ હોવો જોઈએ. કેમકે પોતાના નિત્યના નિભાવન માટે એ નિશ્ચિન્ત હોય તો જ વિવેચનને માટે આવશ્યક એવું શુદ્ધ વિદ્યાપરાયણ જીવન એ ગાળી શકે, અને તો જ એ કોઈથી પણ ડર્યા વિના યથાર્થ નિર્ણય આપી શકે. પણ એવી આર્થિક સ્વતન્ત્રતા તો અત્યારે કેવળ કલ્પનાપ્રદેશની જ વાત છે. એટલે આર્થિક વિષયમાં સ્વતન્ત્ર ન થવાય તોપણ નિઃસ્પૃહ ને નિર્ભય તો એણે અવશ્ય બનવાનું છે, અને પોતાનું વિવેચન અંગત લાભાલાભના વિચારથી કદી પણ જરા યે ન રંગાય એની સતત કાળજી રાખવાની છે. Duth clear of consequences એ આ વિષયમાં સાચા વિવેચકનો મુદ્રાલેખ હોવો જોઈએ. સાંસારિક દૃષ્ટિએ પરિણામ ગમે તેવું આવે, પણ પોતે તો જેવું હોય તેવું જ કહેશે એ જાતનો આગ્રહ એણે સદાયે રાખવાનો છે. લેખક દુનિયાદારી દૃષ્ટિએ ગમે તેવો મોટો હોય છતાં કૃતિ પોતે જો નીરસ હોય તો તેને ઉતારી પાડતાં એણે અચકાવાનું નથી, અને કૃતિ સરસ હોય તો એનો લેખક ગમે તેવો મુફલીસ હોય છતાં એને વધાવતાં એણે સંકોચાવાનું નથી. વસ્તુતઃ સાચા વિવેચકને મન વ્યક્તિમાત્ર તુચ્છ હોય છે અને કૃતિ જ સર્વસ્વ હોય છે, એટલે એ વ્યક્તિનો વિચાર કર્યા વિના કૃતિની જ નિર્ભય રીતે સમીક્ષા કરે છે. એ જ રીતે લોકમતથી પણ એ સર્વથા અલિપ્ત રહે છે. અમુક વસ્તુ લોકોને ગમે છે, માટે એને અનુકૂળ અભિપ્રાય આપવો એવી નિન્દ્ય નિર્બળતા એ કદી પોતાનામાં પેસવા દેતો નથી એટલું જ નહિ, પણ આખી દુનિયા પોતાની સામે હોય તોપણ ‘એકલો જાને રે' કહેતો એ પોતાનો પ્રમાણિક નિર્ણય દર્શાવતાં કદી ડરતો નથી. એનો પ્રયત્ન સદાયે પોતાની સૌન્દર્યદૃષ્ટિ, જ્ઞાનદૃષ્ટિ, અને ન્યાયદૃષ્ટિને વફાદાર રહેવાનો જ હોય છે, અને એવી વફાદારી પૂર્વક એણે ઉચ્ચારેલો નિર્ણય પ્રારંભમાં કદાચ લોકમાં વિરોધ જગાવે તોપણ વહેલોમોડો એનો સ્વીકાર જ થાય છે.
વિવેચકની સુશીલતાનું ત્રીજું લક્ષણ તે એનું તાટસ્થ્ય. સાચો વિવેચક જેમ અંગત મન્તવ્યોથી પર હોય છે તેમ અંગત સંબન્ધોથી પણ સદાયે પર હોય છે. માનવી તરીકે એના સંબન્ધો ભલેને ગમે તેટલા હોય, પણ વિવેચક તરીકે તો એ કૃતિ સિવાય બીજા કોઈને ઓળખતો નથી. જીવનમાં એને શત્રુ મિત્ર ભલે ગમે તેટલા હોય, પણ વિવેચનમાં તો એ કેવળ અજાતશત્રુ જ નહિ પણ અજાતમિત્ર પણ હોય છે. સાચા વિવેચકનું લક્ષણ જ એ હોય છે કે અંગત રાગદ્વેષની ગન્ધ સરખી આવે ત્યાં એ વિવેચનમાંથી ખસી જવાનો એટલે કે મૌન રાખવાનો પ્રયત્ન કરે છે. અને છતાં કોઈ અનિવાર્ય કારણે એને મૌન તોડવું પડે, તો શત્રુ જેવા ગણાતા પુરુષના ગ્રંથના ગુણપક્ષે ન્યાયપૂર્વક જેટલું વિશેષ કહી શકાય તેટલું કહેવાનો તેમ મિત્ર ગણાતા પુરુષના દોષપક્ષે કર્તવ્યપૂર્વક જેટલું વિશેષ કહેવું પડે તેટલું કહેવાનો જ એનો સદાયે પ્રયત્ન હોય છે. સાચો વિવેચક વિવેચનને કદી પણ સ્વપક્ષીઓને ચડાવવાનું અથવા પરપક્ષીઓને તોડી પાડવાનું સાધન માનતો નથી, પણ એ તો તેને સદાયે સ્વ પરના ભાવોથી નિર્લેપ રહીને સત્ય અને સૌન્દર્યની પૂજા કરવાની જ પવિત્ર પ્રવૃત્તિ ગણે છે, અને વિવેચનની એ પવિત્રતા નિત્ય અખંડિત રહે ને પોતાના હાથે અજાણતાં પણ ભૂલ્યેચૂક્યે એનો કદી ભંગ થવા ન પામે એટલા માટે અંગત સંબન્ધો જેવું પણ એ ઓછામાં ઓછું જ રાખવાનું પસંદ કરે છે. આ સબંધમાં ‘અમૃતબઝારપત્રિકા' વાળા બાબુ મોતીલાલ ઘોષનો દાખલો જાણવા જેવો છે. એ સમાજમાં હળવામળવાનું બહુ ઓછું રાખતા તેથી કોઈએ એમને પૂછેલું કે ‘તમે કેમ પ્રતિષ્ઠિત લોકોમાં જવા આવવાનું રાખતા નથી?' એટલે એમણે જવાબ આપેલો કે ‘હું રહ્યો પત્રકાર, અને પત્રકાર તરીકે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ વિષે કંઈ પણ સારું માઠું લખવાની ફરજ મારે માથે ગમે તે ઘડીએ આવી પડે. એટલે એની સાથે જો મેં અંગત સંબન્ધ રાખ્યો હોય તો એને વિષે મારે જે ખરેખરું કહેવું ઘટે તે કદાચ ન કહી શકું. તેથી પત્રકાર તરીકેનો મારો ધર્મ બરાબર બજાવવા માટે અંગત સંબંધો ઓછામાં ઓછા રાખવા એ જ મારે માટે ઈષ્ટ છે.' અને આ વિષયમાં વિવેચકની સ્થિતિ પણ પત્રકારના જેવી જ છે, એટલે બાબુ મોતીલાલ ઘોષની પેઠે એને પણ સામાજિક સંબન્ધોનો હંમેશાં ડર રહે છે અને અંગત પિછાન દ્વારા ભોળવીને કોઈ પોતાની તટસ્થતાને ચલાયમાન ન કરે તેની એને હંમેશાં સાવચેતી રાખવી પડે છે. કેમકે તટસ્થતા એ જ વિવેચકનું મોટામાં મોટું બળ છે. વિવેચકે તટસ્થતા ગુમાવી એટલે એની મોટામાં મોટી શક્તિ જે શ્રદ્ધેયતા તે જ એણે ગુમાવી એમ સમજી લેવું. પછી તે ગમે તેટલી વિદ્વત્તાપૂર્વક પોતાના નિર્ણયો રજૂ કરશે તોપણ લોકો એ માનવાનાં નહિ ને કહેવાનાં કે ‘હાં, તમે તો એવો જ અભિપ્રાય આપો ને! તમારો તો એ દુશ્મન રહ્યો, એટલે તમે એને માટે સારું શાનું બોલો? અથવા તો મિત્રના સંબંધમાં એમ કહેવાનાં કે ‘હાં, તમે તો એમ જ કહોને! તમારો તો એ દોસ્ત રહ્યો, એટલે તમે એનાં વખાણ કરો એમાં શી નવાઈ?' એટલે વિવેચકે કેવળ ધર્મદૃષ્ટિથી જ નહિ, પણ પોતાનો અભિપ્રાય સર્વસ્વીકાર્ય બને એવી સ્વાર્થદૃષ્ટિથી પણ પોતાનું તાટસ્થ્ય સદા અક્ષત રાખવાનું છે.
આ ઉપરાંત વિવેચક એક વિશેષ અર્થમાં પણ તટસ્થ હોય છે. સાહિત્યસર્જનનો જે સ્રોત વહી રહ્યો હોય છે તેમાં જાતે ન પડતાં એ તટ ઉપર જ ઊભો રહે છે, અને ત્યાં ઊભો ઊભો સૌ સર્જકોની સર્જનલીલા એ રસપૂર્વક નિહાળ્યા કરે છે. જાતે સાહિત્યસર્જન કરવાનો મોહ ન રાખતાં એ ઈતર સર્જકોની કૃતિઓ જોઈને રાચે છે, અને તેના વિવેચનથી પોતે એમને કંઈક અંશે પણ માર્ગદર્શક બની શકે તો એટલાથી પોતાની જાતને ધન્ય માને છે. સેઈન્ટ બવે એક આદર્શ વિવેચકનો પરિચય આપતાં કહ્યું છે તેમ પોતાનું વિવેચનકાર્ય નિષ્પક્ષપાતપણે થઈ શકે એટલા માટે એ જાતે કાવ્ય, નાટક, વાર્તા આદિ રૂઢ અર્થના સર્જનથી દૂર જ રહે છે. કેમકે વિવેચક જ્યારે સર્જનમાં પડે છે ત્યારે એની દૃષ્ટિ સંકુચિત થઈ જાય છે. પછી પોતાની સર્જનપદ્ધતિ જ ખરી અને બીજાની ખોટી એવા પૂર્વગ્રહો એના ચિત્તમાં જાગે છે, અને ઈતર સર્જકો પ્રત્યેની સ્પર્ધા, ઇર્ષ્યા આદિ માનવસહજ ભાવોથી પણ એ સર્વથા મુક્ત રહી શકતો નથી, એટલે પછી એ યથાર્થ વિવેચન કરી શકતો નથી. તેથી વણરંગાએલી દૃષ્ટિએ વિવેચન કરવું હોય તો વિવેચકે જાતે સર્જન પ્રવાહમાં ન પડતાં કાંઠે જ ઊભા રહેવું અને ત્યાં ઊભા ઊભા સૌનાં સર્જનનું અલિપ્ત વૃત્તિથી નિરીક્ષણ કરવું એવી સેઈન્ટ બવની સલાહ છે. વિવેચકને કેટલાક વન્દ્ય કહીને વગોવે છે, પણ આ દૃષ્ટિએ જો બરાબર વિચાર કરવામાં આવશે તો જણાશે કે વન્દ્યતામાં જ વિવેચકને વિશિષ્ટતા રહેલી છે. એ વન્દ્ય હોય છે તેથી જ સ્પર્ધા, ઈર્ષ્યા આદિજન્ય રાગદ્વેષથી રહિત નિર્મળ દૃષ્ટિથી સૌના સર્જનની પરીક્ષા કરી શકે છે. ચાતુર્વણ્યની પરિભાષામાં કહીએ તો વિવેચક એક રીતે બ્રાહ્મણ જેવો છે. ‘સૌ ધનવાન બને, સૌ બળવાન બને, સૌ સમૃદ્ધિ ભોગવે, અને હું તો મારે નિષ્કિંચન રહીને સૌને ધનવાન, બળવાન, સમૃદ્ધ બનાવવા માર્ગ જ બતાવીશ, એના ઉપાયોનું જ બેઠો બેઠો ચિન્તન કરીશ, એમ જાણે કે એ કહી રહ્યો છે. એટલે વિવેચકને વન્દ્ય કહીને વગોવવો એ તો વિદ્યાપરાયણ તપસ્વી બ્રાહ્મણને એની સ્વેચ્છાસ્વીકૃત નિષ્ક્રિચનતા બદલ ગાળો ભાંડવા જેવું છે. જે સર્જક હોય છે તે મોટે ભાગે પોતાની નાનકડી દુનિયા અને તેમાંના ગણતર નમૂનાઓથી જ મુગ્ધ થઈ જાય છે, એટલે એની બહારનું જે વિશાળ જગત અને એની અંદરની અખૂટ સૌન્દર્યસમૃદ્ધિ તેનો સત્કાર કરવામાં એનું અંગત સર્જન કેટલેક અંશે અન્તરાયરૂપ થઈ પડે છે. એ સત્કાર તો જેને અંગત સર્જનનું વળગણ ન હોય અને જે વ્યાપક દૃષ્ટિથી નિહાળી શકતો હોય તે જ કરી શકે છે. એથી સાચો વિવેચક તો હેઝલિટની પેઠે હંમેશાં એમ જ કહે છે કે: ‘I would rather be a man of disinterested taste and liberal feeling to see and acknowledge truth and beauty wherever I found it than a man of greater and more original genius to hate, envy, and deny all excellence but my own-but that poor scanty pittance of it which I had myself produced!'
વિવેચકની સુશીલતાનું ચોથું લક્ષણ તે એનો સમભાવ છે. આપણે આગળ કહ્યું તેમ વિવેચનમાં બે કામ કરવાનાં છે : એક તો સાહિત્યકૃતિને તે હોય એવા સ્વરૂપમાં બરાબર સમજવાની છે અને પછી એની મૂલવણી કરવાની છે. એટલે વિવેચકે પહેલાં લેખક પોતાની કૃતિનું નિર્માણ કરતી વખતે જ્યાં ઊભો હોય અને જે દૃષ્ટિથી જોતો હોય તે બરાબર સમજી લેવાનું છે, અને પછી પોતાની સ્વતંત્ર નિર્મળ દૃષ્ટિથી તેનું પરીક્ષણ કરવાનું છે. વિવેચક જાણે કે પ્રથમ લેખકના રંગબેરંગી કાચવાળા મકાનમાં જઈને એણે ત્યાંથી સૃષ્ટિનું જે રીતે દર્શન કર્યું હોય તે સમજી લે છે, અને પછી એ લેખકના મકાનમાંથી બહાર આવી ઊંચે ઊભો રહી લેખકના એ દર્શનની યોગ્યાયોગ્યતાનો વિચાર કરે છે. વિવેચકને આપણે સર્જક કહ્યો છે તે આ અર્થમાં પણ ખરો. અમુક કૃતિનું નિર્માણ કરતી વખતે લેખકની જે મનોદશા હોય તે જાતે અનુભવવી, એ કૃતિનાં અંગોપાંગો લેખકના ચિત્તમાં પહેલેથી જે રીતે સાકાર બનવા લાગ્યાં હોય તેનું જાણે પોતે એ સર્જતો હોય એવી રીતે આત્મીય ભાવે અવલોકન કરવું, અને એ રીતે લેખકની સાથે એ કૃતિ પૂરતા એકરૂપ બની જવું, એ કૃતિનિર્માણના પ્રસંગની એની ચિત્તાવસ્થામાં પોતાની જાતને સંક્રાન્ત કરવી એ જ વિવેચકના સર્જનનો એક મહત્ત્વનો ભાગ છે, એ આવું ચિત્તસંક્રમણરૂપ સર્જન એનામાં લેખક પ્રત્યે ઊંડી સહાનુભૂતિ હશે તો જ એ કરી શકશે. વિવેચક એટલે કોઈ ક્રૂર, નિષ્ઠુર ન્યાયાધીશ,- લેખક પોતાના હાથમાં આવ્યો છે તો એને ગરદન મારવી એમ માનીને વ્યવહાર કરતો ક્રૂર નિષ્ઠુર ન્યાયાધીશ એ મત તો ‘એડિનબરો રિવ્યુ'વાળા લૉર્ડ જેફેની સાથે ઘણા દહાડાથી નષ્ટ થયો છે. વિવેચકને ન્યાય આપવાનો છે. એ ખરું, પણ ન્યાય આપતાં પહેલાં લેખકને ઊંડા સમભાવપૂર્વક પૂરેપૂરો સમજી લેવાનો છે. એટલે વિવેચકનું પહેલું કર્તવ્ય તે આત્મસમર્પણનું છે. પોતાનું સઘળું સ્વત્વ સર્જકને ચરણે ધરી દઈ અને ‘शिष्यस्तेहम् शाधि मां त्वां प्रपन्नम्’ એવા નમ્ર ભાવે કોરી પાટી જેવા થઈને સર્જક પોતાના ચિત્ત પર જે કંઈ સંસ્કારો પાડે તે શ્રદ્ધાંજલિ બનીને એણે આદરપૂર્વક ઝીલવાના છે. એ રીતે જયારે સર્જકને પોતાના ચિત્ત પર જે કંઈ જાદૂ કરવો હોય તે કરી લે એટલે પછી ‘જી, આપે કહ્યું તે બધું ચિત્તમાં બરાબર ધારણ કર્યું. હવે બીજી કંઈ આપની આજ્ઞા?' એમ પૂછી સર્જક જયારે એને રજા આપે ત્યારે જ એના ચરણ આગળથી ઊભા થઈને ન્યાયાસને બેસવાનું છે અને પછી પોતાના ચિત્તની પાટી પર સર્જકે જે સંસ્કાર પાડ્યા હોય તેનું પૃથક્કરણ કરી પોતાની સૌન્દર્યભાવનાના પ્રકાશમાં એના સર્જન વિશે ચુકાદો આપવાનો છે. વિવેચકે હંમેશાં યાદ રાખવાનું છે કે પોતાનું કામ કેવળ પરીક્ષકનું જ નહિ, પણ પ્રેરકનું પણ છે. પોતે જે પરીક્ષા કરવાની છે તે પણ લેખકને હેઠો પાડવા માટે નહિ પણ એને ઊંચે ચડવાની પ્રેરણા આપવા માટે. આનાથી જ એકલી ગ્રન્થપરીક્ષા કરીને બેસી રહેવાથી સાચા વિવેચકને કદી તૃપ્તિ થતી નથી, પણ એના વિવેચનનું અન્તિમ લક્ષ્ય તો પોતાની ભાષાના સાહિત્યને વિવેચન દ્વારા સર્વાંગસુન્દર બનાવવાનું હોય છે. એ દૃષ્ટિએ એ સાહિત્યોદ્યાનના માળી જેવો છે, એટલે એમાં પડતા આખડતાને ટેકો આપવો, નિરાશની પીઠ થાબડવી, આત્મસન્તુષ્ટની ઉચ્ચતર શિખરો ભણી દૃષ્ટિ દોરી એને અધિક સિદ્ધિ માટે ઉત્તેજન આપવું, અને એ રીતે સૌ સર્જકોરૂપી રોપાઓના સતત વિકાસ દ્વારા પોતાની સાહિત્યરૂપી વાડીને પ્રફુલ્લ બનાવવી એને એ પોતાનું કર્તવ્ય માને છે. અને આ કર્તવ્ય એના અન્તરમાં લેખક પ્રત્યે પ્રેમવાત્સલ્યભરી ઊંડી અનુકમ્પાની લાગણી હશે તો જ એ બજાવી શકશે. આ વિષયમાં વિવેચકે એક વાત પોતાના અન્તરમાં સદાને માટે કોતરી રાખવાની છે કે વિવેચન એટલે પ્રધાનપણે દોષદર્શન નહિ પણ ગુણદર્શનની પ્રવૃત્તિ છે. વિવેચન એટલે કેવળ દોષદર્શન એવી વ્યાખ્યા તો કોઈ છેક જ હૃદયશૂન્ય પુરુષ જ માની શકે. સર્જકને સર્જનમાં કેટલી બધી વેદના થાય છે? કેટલી મહેનત, આશા નિરાશા, ને ગડમથલને અન્તે એ કંઈક સર્જી શકે છે? આ બધું કેવળ દોષદર્શનને માટે જ નિર્માયું છે એમ તો કોઈ અત્યન્ત નિષ્ઠુર પુરુષ સિવાય કોણ માની શકે? સાચો વિવેચક તો ગુણદર્શનને જ પોતાનું પ્રધાન કાર્ય ગણે છે. એ દોષો દર્શાવે છે, પણ ફરજ તરીકે. ફરજ તરીકે ને તે પણ સર્જકના હિતને ખાતર એને એમ કરવું પડે છે તેથી. બાકી એ વિવેચન આદરે છે તે તો સૌન્દર્યપૂજા અને ગુણકીર્તનના જ આશયથી. એટલે સૌના ગુણો બતાવવા, હોય તેટલા સઘળા રસપૂર્વક બતાવવા એ જ સાચા વિવેચકનો સદાનો આદર્શ હોય છે. ગુણનો બરાબર સ્વીકાર ન થાય તો માણસ બહારવિટયો બની જાય છે. અને સર્જક જેવો પ્રતિભાશાળી પુરુપ બહારવટિયો બની જાય એના જેવી બીજી શી આફત સમાજને માટે હોઈ શકે? સર્જક એટલે અત્યન્ત સૂક્ષ્મ સંવેદનશીલ, ભાવક્ષમ, પટુકરણ આત્મા, એટલે પોતાના વિવેચનથી એના આળા અન્તરને ક્યાં યે અકારણ આઘાત ન થાય એની અખંડ સાવધાની રાખીને પૂરા સમભાવથી જ વિવેચકે
પોતાનું કામ કરવાનું છે.
સાચા વિવેચકનો આદર્શ કંઈક આવો હોય છે. અલબત્ત, આ આદર્શ બહુ આકરો લાગે એવો છે, પણ ક્યો સાચો આદર્શ આકરો નથી હોતો? આકરો છતાં આદર્શ તો કંઈક આવો જ રાખવાનો છે. એને કેટલે અંશે એ પહોંચી શકે છે એ તો એની પ્રકૃતિ અને પરિસ્થિતિનાં અનેક સંકુલ બળો પર આધાર રાખે છે. અમુક થવું એ સર્વથા માનવીના હાથની વાત નથી, પણ અમુક થવાને સાચા હૃદયથી મથવું એ તો નિઃશંક એના હાથની વાત છે. તેથી સાચો વિવેચનસેવક આવા કોઈક આદર્શને નિરન્તર પોતાની દૃષ્ટિ સમક્ષ રાખીને કંઈક એવો થવાને અખંડ રીતે મથ્યા કરે છે. એટલે એના અન્તરની તો નિરન્તર પ્રાર્થના હોય છે કે : ‘હે વિવેચનદેવતા, હે વાગીશ્વરી, મને સાચો સૌન્દર્યભક્ત બનાવ. જ્યાં જયાં સૌન્દર્ય હોય-જ્યાં જ્યાં કોઈ પણ પ્રકારની શ્રેષ્ઠતા, ઉચ્ચતા, વિભૂતિ હોય ત્યાં ત્યાં મારું માથું આપોઆપ નમે, અને મારી જીભ સ્વયમેવ ગુણગાન કરે એવી સાચી સૌન્દર્યભક્તિ મને આપ. ને મને જ્ઞાનભક્ત બનાવ. જગતમાં જે કંઈ સુન્દર, ઉત્તમ રચાયું હોય, વિચારાયું હોઈ, તેના અભ્યાસમાં મને નિરન્તર મશગૂલ રાખ. મારે ધન ન જોઈએ, મારે માન ને જોઈએ, મારે કેવળ જ્ઞાન જોઈએ. તો રાત અને દિવસ, મારા સમયની પળેપળે અને મારા સામર્થનો કણેકણ જ્ઞાનાર્જન પાછળ ખરચાય એવું કર, અને મને સત્યભક્ત બનાવ. કશાથી લલચાયા કે દબાયા વિના સાહિત્યકલાને એના યથાર્થ સ્વરૂપમાં જોવાની, અને જોયું હોય તેવા જ સ્વરૂપમાં બરાબર બતાવવાની મને શક્તિ આપ. કોઈના પણ ગુણનો સ્વીકાર કરતા મને સંકોચ ન થવો જોઈએ, કોઈના પણ દોષ દર્શાવતાં મને ડર ન લાગવો જોઈએ. માનવીની માનવતાનો સર્વોત્તમ સાર, સંચારનો ફૂલબાગ તે એનું સાહિત્ય, એની સંસ્કારિતા, એનું વિચારજીવન, એ સઘળાની શુદ્ધિ, બળ, નિર્દોષતાને અર્થે મારે મારી અલ્પ શક્તિ ખરચવી છે. તો એને માટે તું મને યોગ્ય બનાવ!
નોંધ :-
૧. સાહિત્યરસિક વાચકને સંભારી આપવાની જરૂર નથી કે ‘જોડિયા ભાઈઓ' એ પદ આ સદર્ભમાં સૌથી પહેલું રા. નરસિંહરાવે વાપર્યું છે. જુઓ એમના શબ્દોઃ ‘વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બન્ને કલ્પનાપ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં, સાથે જ ઊંડે છે... (‘મનોમુકુર,’ ૧,૩૭)
‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૧૬ થી ૩૧