< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય
‘આ જર્મન પંડિતો! પોતાની ભાષામાં મહાસાહિત્ય નહિ કે સર્જવાની પંડમાં તાકાત નહિ, એ તત્ત્વશોધનની નિસર્ગલબ્ધ શક્તિ જરા સારી, એટલે પારકું સાહિત્ય લઈ “કલાસિસિઝમ્”, “રોમાન્ટિઝમ્", અને ઈતર અનેક “ઈઝમ્'ની વાગ્જાળો નવરા બેઠા વણ્યા જ કરે છે!”- સૌષ્ઠવપ્રેમ અને કૌતુકપ્રેમ એ બે કલાવૃત્તિઓના વિવેચનથી પશ્ચિમના અભ્યાસીઓનું ચિત્ત એટલું બધું ગ્રસ્ત થઈ ગયું છે કે એના આદ્ય પ્રવર્તક જર્મનો વિશે એક અંગ્રેજ વિદ્વાને આવો આરોપ પ્રકટ કર્યો છે. પણ આપણે ત્યાં તો એ ઉપયોગી ચર્ચાના હજુ ગણેશ જ મંડાયા છે અને ગુજરાતનું જન્મરોગભૂત વિદ્યામાન્ધ એનો પશ્ચિમના જેવો અતિરેક કદી થવા દે એમ નથી એ જોતાં, વિષય તાજો છે તેટલામાં જ એના સ્વાધ્યાયમાં થોડા સમય ગાળવાથી આશા છે કે કોઈ ગુજરાતી વિદ્વાનને તો આરોપ કરવાનું કારણ નહિ મળે.
અનાદિ કાળથી જગતના યોગક્ષેમનો નિર્વાહ કરતી બે જુદી જુદી વૃત્તિઓ એનું તન્ત્ર ચલાવી રહી છે. પૂર્વજો તરફ પૂજ્યભાવથી જોયા કરવું, તેમને હાથે જમાને જમાને સીચાએલા જ્ઞાનરાશિને જ વર્તમાન સમયની કોઈ પણ વ્યક્તિનાં જ્ઞાન, અનુભવ, ને ડહાપણ કરતાં વિશેષ નિયામક ગણવો, અને તેમના તરફથી ચાલી આવેલી વ્યવસ્થાઓ દ્વારા જેટલો વ્યવહાર સધાય તેટલો સાધીને મન વાળી બેસી રહેવું,- એ એક પ્રકારની વૃત્તિનું લક્ષણ છે. પોતાની જાત સિવાય બીજા કોઈને પ્રમાણભૂત ન ગણવું, પરંપરા પાસેથી તેજસ્વી દીપમાલા મળતી હોય તો પણ તેને છોડી નાના અને ઝાંખા તો યે આત્મપ્રકાશના કોડિયાનો જ વધારે વિશ્વાસ કરવો, અને નિત્યનિરન્તર ભાંગફોડ ને મિશ્રણોના નવા નવા પ્રયોગો કરી આત્માવિષ્કરણ તથા જગપ્રગતિનો સૌથી અનુકૂળ માર્ગ શોધવા મથ્યા કરવું, એ બીજા પ્રકારની વૃત્તિનું લક્ષણ છે. સંસારના દરેક ક્ષેત્રમાં એ ઉભય વૃત્તિઓ કામ કરી રહી છે, ફક્ત ક્ષેત્રભેદ પરત્વે નામભેદ પામી છે એટલું જ, એ વૃત્તિઓ જ્યારે સમાજક્ષેત્રમાં પ્રવર્તે છે ત્યારે સંરક્ષક અને ઉચ્છેદક એવાં વિશેષણો પ્રાપ્ત કરે છે, તો રાજકારણમાં એ વિનીત અને ઉદામ એવા શબ્દોથી ઓળખાય છે. એ જ વૃત્તિઓ જ્યારે કલાપ્રદેશમાં પ્રવેશે છે ત્યારે સૌષ્ઠવપ્રેમ અને કૌતુકપ્રેમનું રૂપ ધારણ કરે છે. સૌષ્ઠવપ્રિય કલાકાર પુરોગામીઓએ પાડેલા વહેણમાં જ પોતાની પ્રતિભાને વહેવા દે છે, અને એમના વિશ્વવિખ્યાત સર્જનોને નમૂનારૂપે રાખી પોતાની કૃતિઓ ઘડે છે. સાચા કલાકારની સૌન્દર્યતરસ તો એને યે હોય છે, પણ પ્રાચીન આચાર્યોની નિયમાવલિ પાય તેટલું જ પીવું તે એનું વ્રત હોય છે, અને વ્યવસ્થિતતાની દેવી આગળ વ્યક્તિત્વનું નૈવેદ્ય કરતાં તો એને આનન્દ થાય છે. પણ કૌતુકપ્રિય કલાકારને તો વ્યક્તિત્વના નિબંધ વિકાસ કરતાં ઉચ્ચતર કર્તવ્ય એકે દેખાતું નથી, પોતાની રસવૃત્તિની વફાદારીમાં જ એને સકળ ધર્મોનો સાર લાગે છે, અને તેની તૃપ્તિ અર્થે નિત્ય નવલા દેશોની એ ખોળ કર્યા કરે છે. પ્રોમિથિયસની પેઠે સૌન્દર્યલોકમાંથી કોઈ અપૂર્વ દ્યુતિને પૃથ્વી પર ઝડપી આણવાનો એનો જીવનમનોરથ હોય છે અને જે કંઈ તેની સિદ્ધિની આડે આવે તેને તોડીફોડીને એ ફેંકી દે છે.
એટલે જ સૌષ્ઠવપ્રિય સાહિત્યકારનું સ્વાસ્થ્ય એ કદી મેળવી શકતો નથી. સંયમ એ સૌષ્ઠવપ્રિય લેખકની પ્રકૃતિ છે, પણ કૌતુકપ્રિય લેખકની આંખ તો પ્રેરણાના નશાથી સદા લાલ જ રહે છે. ગમે તેટલા ઉશ્કેરનારા વિષય આગળ પણ સૌષ્ઠવપ્રિય સર્જક પેટમાંનું પાણી સરખું હાલવા દેતો નથી, અને પૂરી સાવધાનીથી તેના તત્ત્વને પકડી લઈ નિષ્ઠુર તટસ્થતાથી તેને નિરૂપે છે. ઉત્સાહપૂર્ણ અને સૌન્દર્યઘેલા કૌતુકપ્રિય સર્જકને માટે આવો કાબુ અશક્ય છે, એટલે એ તો વિષયના તાનમાં પોતાની જાતને અવશપણે તણાવા જ દે છે. આથી એના વિધાનમાં સૌષ્ઠવપ્રિય સાહિત્યકારની શાન્ત સજાવટનો અભાવ હોય છે. પણ સાટે એના હૃદયદ્રવ્યના ઉકળાટથી તેમાં જે અનિરૂદ્ધ, અદમ્ય જુસ્સો, અને પ્રબળ વેગ આવે છે એ તેને અપ્રતિહત બનાવે છે. શુદ્ધ સૌષ્ઠવપ્રેમના ઉત્કૃષ્ટ ધોરણે કસતાં દલપતરામની કેટલી રચનાઓ સૌષ્ઠવપ્રિય કવિતાના વર્ગમાં સ્વીકારાય એનો નિર્ણય તો હજુ હવે કરવાનો છે, પણ નવલરામે એમની શૈલીને માટે કહ્યું છે તે તો સૌષ્ઠવપ્રિય કલાને સચોટ લાગુ પડે છે : ‘ એ નવે રસમાં પ્રસંગોપાત્ત વિચરે છે, પણ તે શાન્તિ અને વિવેકની સાથે; વ્યવહારની મર્યાદા એ જ આ કવિતામાં રસના સંભવાસંભવની મર્યાદા છે. કોઈ પણ રસની મસ્તી એ આ કવિને મન ગાંડાઈ છે.' એટલે આ બે કલાપ્રકારો વચ્ચે જે બીજો ભેદ છે તે એ છે કે ઠાવકાઈ એ સૌષ્ઠવપ્રિય કલાનું લક્ષણ છે અને મસ્તી કૌતુકપ્રિય કલાનું લક્ષણ છે.
ત્રીજો ભેદ રૂપતત્ત્વ વિશેના બન્નેના દૃષ્ટિફેરનું પરિણામ છે. સૌષ્ઠવપ્રેમમાં રૂપ સર્વસ્વ નહિ તો સર્વોપરી તો જરૂર હોય છે. અનવદ્ય રૂપ એ સૌષ્ઠવપ્રિય વિધાયકનું સૌથી ઊંચું ધ્યેય હોય છે, તેથી પોતાની કૃતિમાં અનુપમ રૂપસૌષ્ઠવનો સંચાર કરવા એનો અહર્નિશ યત્ન હોય છે. પોતાના સર્જનમાં અનવદ્ય કલાને એ જ્યાં સુધી સાકાર નથી કરી શકતો ત્યાં સુધી એના ચિત્તને શાતા વળતી નથી. પરિપૂર્ણ ઘાટ અને બેનમૂન કારીગરીને માટેનો એનો તલસાટ જબરો હોય છે, અને તેની તૃપ્તિ અર્થે પોતાની કૃતિને એ ખંતથી મઠાર્યા કરે છે. નિરૂપ્ય ભાવોને નિર્મળ પ્રકાશમાં જોવા અને એને યથાતથ સ્વરૂપમાં ગ્રહણ કરી એવા જ સ્વરૂપમાં રજૂ કરવા એ એની હંમેશની કાળજી હોય છે. [2] આકારની સુરેખતા, વિચાર અને તેના પ્રદર્શનની વિશદતા, વિષય અને તેની રજૂઆત વચ્ચેની સમતોલતા, અંગેઅંગની સમપ્રમાણતા, અને અવયવે અવયવને અશિથિલ બન્ધથી ગ્રથિત કરી સમગ્ર કૃતિને અનુપ્રાણિત કરતી તથા તે દ્વારા જોતાં વાર એની એકતાની અચૂક છાપ પાડતી સુશ્લિષ્ટતા-સૌષ્ઠવપ્રિય કલાવિધાનના આ સર્વ ગુણો એના વિધાયકના ખંતીલા સૌષ્ઠવાદરનું ફળ હોય છે. પણ રૂપતત્ત્વની આવી સંભાળ ઉપરથી સૌષ્ઠવપ્રિય કલાકારને વિષયની કંઈ ખેવના જ નથી હોતી કે કલ્પનાદિ ઉચ્ચ શક્તિઓને એના વિધાનમાં સ્થાન જ નથી હોતું એ કોઈ માની બેસે તો તે ભૂલ કરે. ખરી રીતે રૂપ અને વસ્તુ એ બન્ને તત્ત્વોની સરખી સસારતા, ઉપાદાન અને તેની કેળવણી એ બન્નેની એકસરખી ચારુતા,- એ સઘળી અભિજાત સૌષ્ઠવપ્રિય કૃતિઓનું લક્ષણ હોય છે. અને એક વિદ્વાને કહ્યું છે.[3]તેમ કલાકારની સર્વ શક્તિઓને એમાં સમુચિત પ્રવૃત્તિ મળે છે, નથી એમાં કલ્પના બુદ્ધિને દબાવી દેતી કે બુદ્ધિ કલ્પનાને બાંધી રાખતી, નથી એમાં ઊર્મિ સુરુચિનો ભંગ કરતી કે સુરુચિ ઊર્મિની ઉષ્મા હરી લેતી, અને નથી એમાં વસ્તુ રૂપ પાસેથી મળતી મોહકતા છોડી દેતું કે રૂપ વસ્તુમાંથી પ્રભવતા રસને જવા દેતું એમાં સર્વ તત્ત્વોને યોગ્ય સ્થાન મળે છે અને એ સર્વના સંવાદમાંથી હૃદયહારી સંગીત જન્મે છે.
આમ સૌન્દર્યમાં સૌષ્ઠવ અને વ્યવસ્થાનું મિશ્રણ એ જો સૌષ્ઠવપ્રિય સાહિત્યનો ગુણ છે, તો સૌન્દર્યમાં કૌતુક અને અપૂર્વતાનું મિશ્રણ એ કૌતુકપ્રિય સાહિત્યનો ગુણ છે. અપરિચિતતા અને કુતૂહલ એ કૌતુકપ્રિય કલાની પહેલી શરત, એટલે જ્યાં એની આશા ન હોય ત્યાં એ ડગલું માંડતી નથી. એની નિશદિન ઝંખના હોય છે વણવાપરી પડી રહેલી સામગ્રીનો વિનિયોગ કરી તેમાંથી નવીન ચમત્કાર ઉત્પન્ન કરવાની. તેથી અનુપપન્ન કે અસંભાવ્ય તત્ત્વોની પણ કોઈ અજબ રસાયણ વડે મેળવણી કરી તેમાંથી સૌન્દર્ય જમાવવા નિરન્તર મહેનત કરે છે.[4]
રૂઢિચુસ્ત સૌષ્ઠવપ્રિયની જેમ એને કંઈ કોઈ વિષય અસ્પૃશ્ય હોતો નથી, એટલે વસ્તુવરણી માટે આકાશથી તે પાતાળ કે સ્વર્ગથી તે નરક પર્યન્તની કોઈ પણ પરિસ્થિતિમાં વિહરતાં એની કલ્પનાને બાધ આવતો નથી. આથી જ ભયાનકતાના ગર્ભમાંથી પણ સુન્દરતા ખેંચી કાઢતાં યે એ અચકાતો નથી.[5]
એની અદ્ભુતતાની લાલસા કાઠીઓના ડાયરા, આહીરોના નેસ, રજપુતાણીઓના રણવાસ અને બહારવટિયાનાં ધીંગાણાં આદિ પ્રેમશૌર્યના વિવિધ ભાવોથી ભરેલી આશ્ચર્યજનક સૃષ્ટિ ખડી કરતા ભૂતકાળનો એને પ્રણયી બનાવે છે, અને એની કૃતિઓમાં અગમ્યતા, આશ્ચર્ય, માયા એનું વાતાવરણ સરજાવે છે. પણ ભૂતકાળ એ માયાએ બન્ને સાથેનો એવા સંબન્ધ સાધન તરીકેનો જ હોય છે. ભૂતકાળને ચીતરતાં છતાં આજે એ તેનું પુનરાવર્તન ઇચ્છતો નથી અને વહેમોને વર્ણવતાં છતાં તેમાં એ માનતો નથી.[6] ભૂતકાળના આલેખન સમયે દૃષ્ટિ તો વર્તમાન અને ભવિષ્ય પર જ સ્થાપવી અને વહેમોનું નિરૂપણ કરતાં પણ વૃત્તિ તો બુદ્ધિપ્રધાન જ રાખવી એવો એનો સ્વભાવ હોય છે. રોજના અવિવિધ, નીરસ, કંટાળાભરેલા વ્યવહારમાંથી છૂટી અભિનવ સૌન્દર્યનું દર્શન કરવા પૂરતો જ એના વિધાનમાં આવી વસ્તુઓનો ઉપયોગ હોય છે. વળી લાક્ષણિક નવીનતા ધરતી રમણીય, તેજસ્વી, ચિત્રોપમ શૈલી એ કૌતુકપ્રેમનું એક અંગ છે. કૌતુકપ્રિય લેખક સઘળી ચીજો કલ્પના અને ઊર્મિના ઇન્દ્રધનુરંગી વાતાવરણથી જ નિરખે છે. તેથી એની ભાષા અલંકારોથી ભભકતી હોય છે. સચોટતા લાવવાને માટે દરેક મુખ્ય વિચારની આસપાસ આનુષંગિક વિચારોનું એક મંડળ જમાવે છે, એટલે એના લખાણમાં હંમેશાં એક પ્રકારની સંકુલતા વસે છે. એના કલ્પનાવિહારો એવા અનિયત્રિત હોય છે અને એનાં ઊર્મિવમળો એટલાં વેગીલાં હોય છે કે એ બધાંને પરિપૂર્ણ રીતે સ્ફુટ કરવાની ભાષામાં તાકાત હોય તો પણ એને ફુરસદ હોતી નથી. ‘એ પોએટ હિડન ઈન ધ લાઇટ ઓફ થૉટ એ શૈલીના શબ્દો કૌતુકપ્રિય કવિની સ્થિતિને યથાર્થ રીતે દર્શાવે છે. એનું સમગ્ર સર્જન ‘ચિન્તનજયોતિ'ના અંબારમાં એટલું બધું વિલીન થઈ જાય છે કે એનું વક્તવ્ય આપણે સંજ્ઞા અને વ્યંજના દ્વારા કળી લેવાનું જ રહે છે. પણ આવી અર્થસંકીર્ણતા એની કલામાં દોષ નહિ પણ શોભારૂપ નીવડે છે, કેમકે પળે પળે રંગ બદલતા મહામૂલ્ય રત્નની પેઠે પ્રસંગે પ્રસંગે પૃથક ભાવ જગાવતી કૌતુકપ્રિય કલાની ધ્વનિસમૃદ્ધિ ‘ઢાંકે પુનઃ પુનઃ પાલવ ઉરદેશ' એવી હૃદ્ગતને અર્ધ ઢાંકતી અર્ધ પ્રકાશતી આ અર્થસંકીર્ણતાનો જ વારસો છે.
બોધલક્ષિતા એ સૌષ્ઠવપ્રિય કલાનું ચોથું લક્ષણ છે. સૌષ્ઠવપ્રિય કૃતિઓ મોટે ભાગે હેતુપ્રધાન જ હોય છે. બ્રુનેટિયેર કહે છે તેમ આ વર્ગના કોઈ પણ મોટા લેખકને નિશ્ચિત સામાજિક ઉદ્દેશ કે ઉપયોગથી પૃથક કલાનો ખ્યાલ આવી જ શકતો નથી. પણ કૌતુકપ્રિય લેખક નિષ્કામ હોય છે. કૌતુક્તોષક અપૂર્વતાના આવિષ્કારથી એ પોતાનું કાર્ય સમાપ્ત થયું સમજે છે. એનો કલા પ્રત્યેનો ભક્તિભાવ એટલો અવ્યભિચારી હોય છે, કે તે બીજા કોઈ પણ હેતુની અનુચારિણી બને એ એને ગોઠતું નથી. આવી રીતે અનુચારિણી ન બનતાં એ પોતાના સ્વભાવથી જ આપોઆપ કોઈ હેતુ સાધી શકે તેમાં એને કંઈ વાંધો હોતો નથી. ગોવર્ધનરામ એકંદરે કૌતુકપ્રિય વિધાયક છે, છતાં એમના વિધાનમાં કલાને એમણે જેટલે અંશે બોધ કે બીજા કશાના હેતુની દાસી બનાવી છે તેટલે અંશે તો એમની પ્રકૃતિમાં કૌતુકપ્રેમની સાથે ભળેલો છતાં એની તળે દબાઈ રહેલો સૌષ્ઠવપ્રેમ જ ફૂટી નીકળેલો એમ ગણવું જોઇએ. બાકી શુદ્ધ કૌતુકપ્રિય સાહિત્યકાર તો કીટ્સની પેઠે સૌન્દર્ય એ જ સત્ય એટલું જ જાણે છે અને એટલું જ જાણવું જરૂરનું ગણે છે.
કૌતુકપ્રેમના સર્વસાધારણ ધર્મરૂપ નહિ છતાં ઘણાખરા કૌતુકપ્રિયોમાં જોવામાં આવતી એવી એક વિશિષ્ટતાનો પણ આંહી ઉલ્લેખ કરવો જોઈએ. આ વિશિષ્ટતા તે એ વર્ગની પ્રકૃતિમાં ભળેલી નિર્વેદની લાગણી. કૌતુકપ્રિય જીવને ક્યાંયે ચેન પડતું નથી. જગતમાં બધે એને ઊણું-ઊણું લાગ્યા કરે છે. દુનિયાની ઘટના જ એને અનેક વિષમતાઓથી ભરેલી દેખાય છે, અને એનું અન્તર ચીસ પાડી ઊઠે છે કે :-
‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે ! [7]
એનો આત્મા સદા તરફડ્યા કરે છે, પણ શા માટે તેની એને પણ ખબર પડતી નથી. કોઈ અગમ્ય અશામ્ય તૃષ્ણા એના દિલને મૂંઝવે છે અને વિદ્યમાન પરિસ્થિતિનો એને દ્વેષી બનાવે છે. આ દશામાં કુદરત એનો વિસામો બને અને સમુદ્ર, નદી, વન, રાત્રિ, ચન્દ્રિકા, એકાન્ત, અશ્રુ, અને મૃત્યુ આદિ હૈયાની વરાળ કાઢવાને કે ભૂલવાને અનુકૂળ સ્થાનો, પ્રસંગો, અને પદાર્થોને એના સર્જનમાં માનીતું પદ મળે એ સ્વાભાવિક જ છે. અંગ્રેજી કવિઓમાંથી બાયરનમાં અને આપણા ગુજરાતીમાંથી ‘અશ્રુકવિ'ની સંજ્ઞા પામેલ ‘કલાપી'માં ભાવ પ્રબળ છે. ફ્રેન્ચ કૌતુકપ્રિય લેખક શાટોબ્રિયાં (Chateaubriand)ના નિદાન પ્રમાણે આ વૃત્તિનાં બીજ આધુનિક સંસ્કૃતિમાં રહેલાં છે. એ કહે છે: ‘પ્રજાઓ જેમ જેમ સંસ્કૃતિમાં પ્રગતિ કરતી જાય છે તેમ તેમ લાગણીઓની આવી અસ્તવ્યસ્તતા વધતી જાય છે. કેમકે ત્યારે પછી કલ્પના સમૃદ્ધ, વૈભવશાલી, અને આશ્ચર્યપૂર્ણ બને છે, પણ આપણું જીવન તો ક્ષુદ્ર, નીરસ, અને ચમત્કારવિહોણું જ હોય છે. એટલે ભર્યા હૃદયે આપણે સૂના જગમાં વસવાનું રહે છે.'[8] આથી કેવળ પ્રાચીનો જ અથવા તો પ્રાચીનોની નિયમાવલીથી મર્યાદાશીલ બનેલા સૌષ્ઠવપ્રિયો જ કાળજું કોરતા નિર્વેદમાંથી મુક્ત રહી શકે છે.
કોઈ પૂછશે, આ બે સાહિત્યપ્રકારોમાંથી ચડિયાતો કયો? પણ સ્ત્રી અને પુરુષ એ બે માનવજાતિઓની પેઠે આ બે કલાજાતિઓ પણ પરસ્પર અપ્રમેય છે, એ તેથી એ બે વચ્ચે ઉચ્ચતા નીચતાની કોઈ તુલના કરવી એ અજ્ઞાન જ કહેવાય. વસ્તુતઃ એ દરેક પ્રકાર પોતાના ક્ષેત્રમાં પોતાની રીતે સરખો ઉદાત્ત થઈ શકે છે. અને સાચી પ્રતિભાએ બેમાંથી ગમે તે અનુકૂળ પદ્ધતિને સ્વીકારી વિશ્વસાહિત્યની અમર કૃતિઓ ઘડી છે. ઉદાહરણ લેખે જગતના ચિરંજીવ સાહિત્યપતિઓમાં શેક્સપિયર અને બાણ જેવાનો યશ ભલે કૌતુકપ્રેમ લઈ જાય, પણ કાલિદાસ અને વર્જિલ જેવા માટે તો સૌષ્ઠવપ્રેમનો જ ઉપકાર માનવો પડશે. એટલે સાચો રસવેત્તા તો ઉભયનાં વિશિષ્ટ તત્ત્વોને લક્ષમાં લઈને ‘હું તો બેઉને લાગું પાય, નમો નમો' એવો સમાન પૂજ્યભાવ જ ઉભય પ્રત્યે રાખે છે. પણ આ પ્રમાણે શુદ્ધ નિરપેક્ષ ધોરણે બન્નેની પદવી સરખી હોવા છતાં વિશેષ લોકાદર તો કૌતુકપ્રેમને જ મળે છે એ હકીકતનો નિષેધ થઈ શકે એમ નથી. એનું કારણ એ છે કે સૌષ્ઠવપ્રિય કલાવાન ભોક્તા પાસેથી કેળવાએલી રસવૃત્તિ અને સૂક્ષ્મ વિવેકશક્તિ માગે છે. પોતે બેઠો હોય એ ઊંચી અટારીએ આવીને તે પોતાને યથાર્થ રીતે ઓળખી જાય કે પોતાનાં ગાન યથાશક્તિ માણી જાય એવી એની વૃત્તિ હોય છે. કુદરતી રીતે જ આટલી શક્તિ અને આવા અધિકારવાળા ભોક્તાઓની સંખ્યા ઓછી જ હોય, એટલે એનો પ્રચાર ઓછો જ થાય એ દેખીતું છે. આના કરતાં કૌતુકપ્રિય લેખક વાચક સાથે વધારે સમભાવી હોય છે. એની પાસે ગમે તે સપાટીના પાદાસનને ડોલાવે એવી સામગ્રી હોય છે. આ સામગ્રીની મોહનીમાં એનું પોતાનું જ ચિત્ત ઠેકાણે રહેતું નથી, તો પછી મન્ત્રમુગ્ધ વાચકોનું તો પૂછવું જ શું? આથી સમાજમાં એની આસપાસ સર્વ કક્ષાના ભોક્તાઓનું જબરું વૃન્દ જામે છે. આપણી ભાષામાં રા. બલવન્તરાય કે રા. નરસિંહરાવની સરખામણીમાં ‘કલાપી' કે રા. ન્હાનાલાલની કૃતિઓ વધારે બહોળો ફેલાવો પામે છે તેનું રહસ્ય આ જ છે. એટલે ખપતના આવા પ્રમાણફેરમાં શક્તિભેદ કરતાં વૃત્તિભેદ-શૈલીભેદ-એ જ વિશેષ કારણભૂત ગણવો જોઈએ.
આ વૃત્તિઓ જ્યારે માઝા મૂકે છે ત્યારે દરેક ઉદ્દિક્ત ગુણની પેઠે તે પણ દોષરૂપ થઈ પડે છે અને તેની આવી વિકૃતિને ખાતર મૂળ શુદ્ધ સ્વરૂપને પણ ઘણીવાર વગોવાવું પડે છે. આથી તે બન્ને વૃત્તિઓનાં શુદ્ધ અને વિકૃત સ્વરૂપો વચ્ચે ભેદની સ્પષ્ટ રેખા દોરવાની જરૂર છે. અંગ્રેજીમાં એ ભેદ દર્શાવવાને વાસ્તે ‘કલાસિકલ’ (Classical)થી જુદો ‘ક્લાસિસિસ્ટ’ (Classicist) અને ‘રોમાન્ટિક’ (Romantic)થી જુદો ‘રોમાન્ટિસિસ્ટ' (Romanticist) એવા બે શબ્દો યોજાય છે.[9] આપણે એને માટે અનુક્રમે સૌષ્ઠવધેલો અને કૌતુકઘેલો એવા પદોથી ચલાવી લઈશું.' આમાંથી સૌષ્ઠવપ્રિય અને સૌષ્ઠવઘેલા વચ્ચે મુખ્ય ભેદ એ હોય છે કે સમગ્ર કૃતિની સર્વવિધ સુન્દરતાને સૌષ્ઠવપ્રિય પોતાનું પ્રાપ્તવ્ય ગણે છે, પણ એનો નકલી દોસ્ત તો શબ્દોના ઝડઝમક, છન્દનું દોષરાહિત્ય, તથા ભાષાનો ઓપ એવી બાહ્ય ટાપટીપથી જ ભયોભયો થઈ ગયું સમજે છે. એટલે એના લખાણમાં વિચાર વાણીનો અને વિષય રૂપનો ગુલામ બને એવો અવળો ન્યાય ચાલે છે. આપણા વાઙમયમાં દલપતરામ અને એમના સંપ્રદાયનું ઘણું પદ્ય સૌષ્ઠવઘેલછાના આ અધમ વર્ગમાં જ આવે એવું છે. પણ કૌતુકપ્રેમ વણસીને જ્યારે કૌતુકઘેલછામાં પરિણમે છે ત્યારે એની અધમતા તો વળી સૌષ્ઠવ ઘેલછાને પણ આંટી જાય છે. ઢંગધડા વિનાના તરંગો, આત્મપ્રત્યય (sincerity) વિનાના ઉદ્ગારો, દર્દ વિનાના પછાડા, અને સઘળું વિષમય બનાવતી રોગિષ્ઠ મનોદશા એ પછી એનાં લક્ષણો બને છે. તિલસ્માતી ભેદોની વાર્તાનાં ચીથરાં, ‘કલાપી'નાં અનુકરણોનો સનમ સાકી અને મયખાનાના આભાસી સૂફીવાદનો ઉકરડો, ટાગોરના અગમ્યવાદમાં ચંચુપાત કરવાની પણ તાકાત વિના થતા-'ઓ પ્રભુ!' ના જુગુપ્સોત્પાદક લહેકા, અને ‘ઉફ' તથા ‘સુલતાના'થી શરૂ થતા ‘બીભત્સતાનાં દ્વાર ખખડાવી આવતા' પ્રલાપો ગુજરાતી સાહિત્યશરીરને થએલો આ વિસ્ફોટક કૌતુક ઘેલછાનું જ પરિણામ છે.
રા. મુનશીએ ‘સાહિત્યસંસદ'ની છેલ્લી વાર્ષિક સભામાં આ વિષયની થોડી ચર્ચા કરી છે.[10] તેમાંનાં એક બે વિધાનોનો જ હવે વિચાર કરવાનો રહે છે. એમના જેવા કૌતુકપ્રિય લેખક શુદ્ધ સૌષ્ઠવપ્રેમને સાચા સ્વરૂપમાં સમજી લઈને પૂરો ન્યાય આપી શકે એ તો સ્વભાવથી જ અશક્ય,[11] તેથી એ બાબતમાં એમના સ્ખલનને જવા દઈએ - ખાસ કરીને એટલા માટે કે આ જ લેખના આદિ ભાગમાં કરેલા વિવરણ ઉપરથી એનું નિરસન આપોઆપ થઈ જાય છે તો પછી એમના તરફથી થએલા એક જ ઘાનો પ્રતિકાર કરવાનો રહે છે, અને તે ઘા મર્મગામી હોવાથી પ્રતિકાર વિના ચાલે એમ પણ નથી.
આ મર્મગામી ઘા તે ‘કલાસિકલ' અને ‘રોમાન્ટિક' એવા ભેદો આપણા સાહિત્યને સમૂળગા લાગુ જ ન પડી શકે એવો એમનો વાદ. આ વાદના સમર્થનમાં તેઓ કહે છે :
‘પરાપૂર્વથી આપણો સ્વભાવ સ્વચ્છન્દી, વહેમી, કલ્પનામાં વિહાર કરનારો, અદ્ભુતરસનો રસિયો છે. આપણા દેવો ગ્રીક દેવો જેવા માનુષી નથી; આપણાં મહાકાવ્યો હોમરના જેવાં સંયમી નથી. આપણે ત્યાં અતિશયોક્તિની સુગ કોઈને હોય એવું દેખાતું નથી; અલંકારનો અભાવ કોઈને રૂચ્યો નથી. એટલે ગ્રીક ધોરણો અહીંઆં થયાં નથી એટલું જ નહીં પણ તે સ્વીકાર્ય થાય એવી સ્થિતિ કોઈ દિવસ હતી નહીં. આપણા પ્રાચીનોમાં અપૂર્વ ને સંયમી એવા કાલિદાસના કુમારસંભવ ને મેઘદૂતમાં કલ્પનાવિહાર અને અલંકારસમૃદ્ધિ મોટા Romantist- આનંદલક્ષી સાહિત્યકને શરમાવે એવાં છે. આપણું બધું જ સાહિત્ય આમ એરિસ્ટોટલના ધોરણથી વિરુદ્ધ છે.'
આ લાંબું અવતરણ એટલા માટે આપ્યું છે કે એમાંથી જ એમના નવા વાદનું જનનકારણ કળાઈ જાય છે. સૌષ્ઠવપ્રેમના નિરપેક્ષ તાત્ત્વિક સ્વરૂપ ઉપર વિશેષ લક્ષ રાખવાથી જ આપણે ત્યાં સૌષ્ઠવપ્રેમ જેવું કંઈ હતું નહિ અને હોઈ શકે નહિ એવી ભ્રમણામાં લેખક પડેલ છે.[12] પણ વસ્તુતઃ એરિસ્ટોટલ કંઈ સૌષ્ઠવપ્રેમની વૃત્તિનો જનક નથી. સૌષ્ઠવપ્રેમ અને કૌતુકપ્રેમની વૃત્તિઓ તો વૈર અને ક્ષમા, ક્રોધ અને દયા, પૌરુષ અને માર્દવ જેવી મૂળગત લાગણીઓની પેઠે જન્મની સાથે જ માણસમાત્રમાં અવતરે છે, અને પ્રકૃતિ અનુસાર કોઈમાં એક તો કોઈમાં બીજી પ્રાધાન્ય ભોગવે છે. પછી કલાના સિદ્ધાન્ત તરીકે એને પ્રવર્તાવનાર ગ્રીસમાં એરિસ્ટોટલ થાય કે હિન્દમાં ભરત મુનિ અથવા દંડી થાય એ કેવળ અકસ્માતની જ વાત છે. તેમ જ કોઈ દેશમાં સ્થળ, કાળ, અને વસ્તુની એકતાનો કાયદો ઘડાય તો બીજા દેશમાં મધુરેણ સમાપયત્ ની દુવાઈ કરે એ ઉભય વસ્તુઓ પણ તત્ત્વતઃ તો સરખી જ છે. એટલે નિરપેક્ષ દૃષ્ટિએ જોતાં સૌષ્ઠવપ્રેમ અને કૌતુકપ્રેમ એ વૃત્તિઓ કે તેમની વચ્ચેનો ભેદ એ કોઈ અમુક જ દેશ, કાળ, કે સંસ્કૃતિની પ્રજાનું ઐકાન્તિક લક્ષણ નથી, પણ માનવમાત્રનું સાર્વત્રિક લક્ષણ છે, અને તેથી એનું ધોરણ જેટલું યૂરોપના તેટલું જ હિન્દના પણ સાહિત્યકારોનું વર્ગીકરણ કરવામાં યોજી શકાય.
આપણા સમસ્ત સાહિત્યને કૌતુકપરાયણ માનનારનું બીજું વિચારશૈથિલ્ય એ છે કે વર્ગીકરણનો સાદો નિયમ એ ભૂલી ગએલ છે. આવા પ્રસંગોમાં વર્ગીકરણનું નિર્ણાયકતત્ત્વ કોઈ અમુક ગુણનો નિઃશેષ ભાવ કે તદ્વિરોધી ગુણનો કેવલાભાવ એ નહિ, પણ તે ગુણનું પ્રાધાન્ય અને તદિતર ગુણોની ગૌણતા એ છે. કોઈ લખાણમાં સાલંકાર શૈલી હોય તેટલા માત્રથી જ તે કંઈ કૌતુકપ્રિય ન ઠરે, પણ એ સાલંકારતા જ્યારે એવી સર્વોપરી હોય કે એની આગળ ઔચિત્ય, સમપ્રમાણતા, સુશ્લિષ્ટતા આદિ સૌષ્ઠવપરાયણ ગુણોની ઉપેક્ષા થતી હોય, કે એના ભોગે પણ સાધવાનું વલણ દાખવતી હોય ત્યારે જ તે કૌતુકપ્રિય વિશેષણનું અધિકારી ગણાય. આ હિસાબે કાલિદાસ નહિ પણ બાણ જ કૌતુકપ્રિય કલાકાર કહેવાય. અને એ ન્યાય વ્યષ્ટિને બદલે સમષ્ટિને લગાડીએ તો જે સાહિત્યમાં કાલોભયં નિરર્વધિવિપુલા ચ પૃથ્વી ઇત્યાદિ બેતમા વચનો બોલનાર નિજાનન્દે મસ્ત કવિ ભવભૂતિ જેવા કરુણરસિક નાટકકારને (એકો રસ કરુણ ઈવ) એ આત્મપ્રતીતિની વિરુદ્ધ થઈ અન્તે નાટકને આનન્દપર્યવસાયી જ રાખવું પડે છે તથા જયદેવ જેવાનો ઉદ્દામ શૃંગારરસ પ્રાસાનુપ્રાસનાં નિયંત્રણોમાં રાચે છે તે સંસ્કૃત સાહિત્ય પણ સૌષ્ઠવપ્રિયોના ધામ જેવું જ લાગે છે.
વળી આપણી પ્રકૃતિ વહેમી અને અદ્ભુતતાની રસિયણ હોય એટલે આપણું સઘળું સાહિત્ય કૌતુકપ્રિય બની જાય એ માન્યતા પણ ખોટી છે. કેમકે અધ્યાપક ગ્રીઅર્સન કહે છે [13]તેમ એકલા વહેમ કે ઇન્દ્રજાળમાંથી કંઈ કૌતુકપ્રેમ નીપજતો નથી. વહેમનું વિવેક સાથે સભાન વિરોધસંવિધાન એ કૌતુકપ્રેમનો પ્રાણ છે. એટલે સર્જન ખરું કૌતુકપ્રધાન બને છે તે આશ્ચર્ય, માયા આદિને જાગ્રતવસ્થાની જેમ વાસ્તવ માનવાથી નહિ પણ દિવાસ્વપ્રની પેઠે જીવનના અવૈવિધ્યમાંથી છૂટવાના આનન્દસાધન તરીકે માણવાથી. આ કારણે પહેલી નજરે કૌતુકપ્રિય ભાસતા આપણા પ્રાચીન કવિઓનો કૌતુકપ્રેમ વિવાદાસ્પદ જણાશે અને બારીકાઇથી નિરખતાં તેમાંના કેટલાકને અન્ય વર્ગમાં મૂકવા પડશે.
આ પ્રમાણે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય એ ભેદ આપણા સાહિત્યમાં પણ સરખો જ ઉપપન્ન છે, અને આપણે ત્યાં પણ બેમાંથી એકે પ્રકારના સાહિત્યકારોનો અભાવ નથી. છતાં એક વાત ખરી લાગે છે કે ગ્રીકનો પેરિકલીસયુગ, લેટિનનો સિસરો અને લ્યુક્રેશિયસથી વર્જિલ અને હોરેસ સુધીનો યુગ, ફ્રેન્ચનો ચૌદમા લુઇનો યુગ અને અંગ્રેજનો ડ્રાઇડન પોપનો યુગ એ બધાના જેવો સળંગ સૌષ્ઠવલક્ષી યુગ ગુજરાતી સાહિત્યમાં એકે જડતો નથી. પણ એનું કારણ એ છે કે સૌષ્ઠવપ્રધાન સર્જન હંમેશાં સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે. આખી પ્રજા જયારે પોતાની પરિસ્થિતિથી પૂરેપૂરી સન્તુષ્ટ હોય, રાજકીય, સામાજિક, કે ધાર્મિક કોઈ પણ પ્રશ્ન જ્યારે એના મગજને પજવતો ન હોય, પોતાનો કાળ સંસ્કૃતિની ટોચે પહોંચી ચૂક્યો છે એવો ખ્યાલ સમસ્ત જનતાને જ્યારે કૃતાર્થતાનો અનુભવ કરાવી રહ્યો હોય, અને સમાજનું એકેએક અંગ એટલું કેળવાએલું હોય કે સભ્યતાના પ્રચલિત નિયમોની પેઠે કલાનાં પ્રચલિત ધોરણોનો પણ જરા સરખો ભંગ સાંખવા એક પણ વ્યક્તિ તૈયાર ન હોય, તથા તેની સાથે જ ભાષા એવો ઉત્તમ વિકાસ પામી હોય કે આવા જાગ્રત પ્રજામાનસને તે પૂરેપૂરી રીતે વ્યક્ત કરી શકે, ત્યારે જ એકધારું સૌષ્ઠવપ્રિય સાહિત્ય દેશમાં ઉદ્ભવે છે. આપણા ગુજરાતે ભૂતકાળમાં આવા સુવર્ણયુગનાં દર્શન કદી કર્યાં નથી, અને વર્તમાનમાં તો એની આશા જ નહિ, એટલે સૌષ્ઠવપ્રિય વિધાયકોની અખંડ પરંપરા આપણે ત્યાં કદી જન્મી નથી એ સ્વાભાવિક જ છે. ભવિષ્યમાં પણ એ યુગ હજુ અતિ દૂર છે. તેની ઝાંખી પણ થાય તે પહેલાં આપણે અસંખ્યાત કોકડાં ઉકેલવાનાં છે, અનેક ક્ષેત્રોમાં નવનિર્માણ કરવાનું છે, પ્રજાકીય સ્વાતંત્ર્યપ્રાપ્તિનું ભીષણ પરાક્રમ પણ હજુ આપણે માટે બાકી છે, અને આપણી ભાષાને પણ વિકાસની ઘણી પાયરીઓ ચડવાની છે,- એ જોતાં છૂટક છૂટક સૌષ્ઠવપ્રિય વ્યક્તિઓ અત્યારે થાય છે તેમ પછી પણ થવાની એ ભલે, પણ સમગ્ર સાહિત્યનો સામાન્ય ઝોક તો આવતી એકાદ બે પેઢી કૌતુકપ્રિય વૃત્તિ તરફ જ રહેવાનો એ નક્કી.
સંદર્ભ
- ↑ અનુક્રમે Classical અને Romantic આ નવીન શબ્દપ્રયોગ માટેનાં તાત્ત્વિક કારણો પુસ્તકને છેડે વિગતવાર નોંધ્યાં છે.
- ↑ Sidney Colvin: ‘Selections From Landor, Preface, p. vii.
- ↑ Grierson: Classical and Romantic, p.21.
- ↑ Walter Pater: Appreciations', p, 247
- ↑ મહા કૌતુકપ્રિય લેખક અને ઐતિહાસિક વાર્તાના પ્રણેતા વૉલ્ટર સ્કોટના શબ્દો આ સંબંધમાં ધ્યાનમાં લેવા જેવા છે:-
We almost envy the credulity of those who, in the gentle moonlight of a summer night in England, amid the tangled glades of a deep forest, or the turfy swell of her romatic commons, could fancy they saw the fairies tracing their sportive ring. But it is in vain to regret illusion which. howerver engaging, must of necessity yield their place before the in- crease of knowledge, like shadows at the advance of morn." (Beer's History of English Romanticism in the Nineteenth Century. P, 211) - ↑ ‘દિવ્ય ચિન્તન-જ્યોતિમાં ગૂઢ કવિ.’- ૨૧, નરસિંહરાવ
- ↑ ‘કલાપીનો કેકારવ,' પૃ. ૨૭૪.
- ↑ Beers A History of English Romanticism in the Nineteenth Century! р. 203.
- ↑ Brander Matthews: The Historical Novel and Other Essays. pp. 31- 46 Romance Against Romanticism.
- ↑ ‘અસારવાદનો અધિકાર' એ વ્યાખ્યાનપ્રસંગે.
- ↑ Classical પ્રકારના આખા નિરૂપણની પેઠે એને માટે યોજેલો એમનો ‘શિષ્ટાચારી' શબ્દ પણ મૂળના ગૌરવને હણે છે અને વાસ્તવ સોષ્ઠવપ્રેમને બદલે કૃત્રિમ સૌષ્ઠવઘેલછાને જ વધારે છાજે એવો છે.
- ↑ અજબ જેવી વાત તો એ છે કે આ જ ઇતિહાસલક્ષી તર્કપદ્ધતિનો આશ્રય લઈને રા. જે.ઈ.સંજાના જેવા વિદ્વાને રા.મુનશીથી ઊલટું જ અનુમાન દોર્યું છે. રા. મુનશી જે કાલિદાસને ‘મોટા Romantist ને શરમાવે' એવો કહે છે તેને રા. સંજાના ‘રોમાન્ટિક' ગણવાની જ ના પાડે છે, એટલું જ નહિ પણ આપણા સાહિત્યના ‘રોમાન્ટિસિઝમ'નો ઊગમ તેઓ અંગ્રેજી સાહિત્ય સાથેના સંપર્કમાંથી જ જુએ છે એને તે પૂર્વેનું સઘળું સાહિત્ય ‘કલાસિકલ' જ હતું, અને કલાસિકલ સિવાય બીજી કોઈ જાતનું હોઈ શકે જ નહિ એવું વિધાન કરે છે! (જુઓ ‘કૌમુદી' ચૈત્ર ૧૯૮૨, પૃ. ૧૦૫-૭.) દેખીતી રીતે જ આ અનુમાન અત્યાકૃષ્ટ અને તેથી બિનપાયાદાર છે. પણ તે પછી રા. આનન્દશંકર ધ્રુવે ‘કાદમ્બરી', ‘દશકુમારચરિત', ‘કથાસરિત્સાગર' વગેરે આપણા ‘રોમાન્ટિક' સાહિત્યનો ઉલ્લેખ કરી દીધો છે. ('વસન્ત જયેષ્ઠ, ૧૯૮૨, પૃ. ૧૭૧), એટલે એ સમ્બન્ધમાં હવે કંઈ વિશેષ કહેવાની જરૂર રહેતી નથી.
- ↑ But it is not the subjectmatter which in itself, at any time, makes poetry romantic. It is not the fairies and magicians of Celtic literature, the heroism of German tradition, the marvels of Oriental tales which make romantic the poems ms of the Middle Ages, it is the use which was made of them. To their original authors and audiences, Celtic, German- ic and Eastern, we do not know how these stories appealed. Marvelous, doubtless, but perhaps in the main quite creditable. It is the concious contract with reason that makes romance in the full sense. It is not because it reflects the life and serious though of the age that mediaeval romance is interesting but because it does not, but represents men's dreams. This is I think, the very essence of the word "romantic" as we apply it to the literature of these great periods and great poets-this conscious contrast of what the heart and the imagination envisage and beckon us to follow, and reason, not scientific reason which has thought out the matter and attaines conviction, but reason in the sense of what the society in which a man lives dreams reasonable...the romantic poet who review mediaeval chivalry of catholicism knows that he is dream- ing, though the dream may have for him elements of perennial value... The great romantic knows that he lives by faith and not by reason. -'Classical and Romantic, pp. 57-60.
સં. ૧૯૮૩
‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૫૨ થી ૫૯