સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/આ સંપાદન વિશે


આ સંપાદન વિશે-

ગુજરાતીના મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચનકાર્યમાંથી ઉત્તમ લખાણોનું ચયન આપતી આ શ્રેણી અંતર્ગત, ગુજરાતીના ગાંધીયુગના પ્રમુખ સર્જક-વિવેચક સુન્દરમ્‌નાં વિવેચનાત્મક લખાણોમાંથી પ્રતિનિધિરૂપ ને મહત્ત્વનાં લખાણો અહીં પસંદ કર્યા છે. આ લખાણોને ત્રણ વિભાગમાં રજૂ કર્યા છે. આ ત્રણ વિભાગ સુન્દરમ્‌ના ત્રણ પ્રમુખ વિવેચનગ્રંથોના આધારે જ કર્યા છે. સુન્દરમ્‌ પાસેથી વિવેચનના કુલ ચાર ગ્રંથો મળ્યા છે. ‘અર્વાચીન કવિતા’, ‘અવલોકના’, ‘સમર્ચના’ અને ‘સાહિત્યચિંતન’. આમાં એમણે પોતે જ પોતાની વિશૃંખલ વિવેચનાને ગ્રંથનામાભિધાનથી વર્ગીકૃત કરી ઓળખાવી છે. જોકે ‘સમર્ચના’માં પોતાના પરિચયમાં આવેલી સાહિત્ય-પ્રતિભાઓ વિશેના અંજલિરૂપ પરિચયાત્મક ચરિત્રનિબંધો છે. એટલે એને વિવેચનાત્મક સામગ્રી કહી શકાય એમ નથી. બાકીના ત્રણ ગ્રંથોની વિવેચનસામગ્રીનેએ જ નામે વર્ગીકૃત કરી અહીં રજૂ કરી છે. આ ત્રણે દળદાર ગ્રંથોમાં સંગૃહીત સુન્દરમ્‌નું વિવેચન ઘણું વિપુલ, વ્યાપક ને વૈવિધ્યસભર છે. ‘અર્વાચીન કવિતા’ની ત્રણ તબક્કાની દીર્ઘ વિવેચનામાં મુખ્ય પ્રવાહકો-કવિઓ ઉપરાંત ગૌણ પ્રવાહો ને કવિઓનાં કવિકર્મની અધિકૃત માહિતી આપતો આ એક દસ્તાવેજી આકરગ્રંથ છે. એમાંથી સીમિત સામગ્રીનું ચયન કરવું સ્વાભાવિક જ મૂંઝવણ થાય. એના ઉપાયરૂપે આ ગ્રંથની મુખ્ય ‘પ્રસ્તાવના’ અને ત્રણે સ્તબકનાં ‘પ્રાવેશિક’ લઈને અર્વાચીન કવિતાની ઇતિહાસલક્ષી વિવેચનાના સારરૂપ લેખોને અહીં પસંદ કર્યા છે. એ રીતે આ વિભાગમાં સુન્દરમ્‌ શૈલીએ કવિતાનો ઇતિહાસ ઉપલબ્ધ થઈ રહે છે. એ જ રીતે ‘સાહિત્ય વિચાર’ના લેખો ‘સાહિત્યચિંતન’ની વિપુલ સામગ્રીમાંથી પસંદ કર્યા છે. ‘અવલોકના’ સમયના લાંબા પટ પર થયેલાં કૃતિલક્ષી અવલોકનોનો ગ્રંથ છે. એમાં ગદ્ય-પદ્ય એવા બે વિભાગમાં કૃતિ-કર્તાનું વિપુલ વૈવિધ્ય છે. એમાંથી મહત્ત્વના લેખો અહીં પસંદ કર્યા છે, જે સુન્દરમ્‌નો કૃતિલક્ષી અવલોકનનો અભિગમ સુપેરે વ્યક્ત કરે છે. અહીં બે-ત્રણ દીર્ઘલેખોને ટૂંકાવીને રજૂ કર્યા છે. ‘શેષનાં કાવ્યો’ના ૨૩ પાનના લેખમાંથી આસ્વાદલક્ષી ઉદાહરણો બાદ કરી લેખને પ્રમાણસર કર્યો છે. એ જ રીતે ‘નિબંધ’ અને ‘ગીત’ સ્વરૂપ પરના લેખો પણ ઘણા દીર્ઘ હોવાથી એની સ્વરૂપગત ચર્ચા જ અહીં પસંદ કરી છે; સ્વરૂપવિકાસ અને અન્ય આનુષંગિક મુદ્દાઓની ચર્ચા છોડી દીધી છે. બાકીના બધા લેખો યથાતથ રાખ્યા છે. આ રીતે અહીં સુન્દરમ્‌ના સમગ્ર વિવેચનરાશિમાંથી ‘સમગ્રમાંથી સઘન’ શ્રેણીના ઉપક્રમે કુલ અઢાર લેખ સંપાદિત કર્યા છે. આશા છે આ સંપાદન સુન્દરમ્‌ની વિવેચનાનું પરિચાયક નીવડશે. – કેસર મકવાણા

૦૦૦