સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/સમર્થ અને સમભાવશીલ વિવેચક સુન્દરમ્‌

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સમર્થ અને સમભાવશીલ વિવેચક સુન્દરમ્‌

– કેસર મકવાણા

ગાંધીયુગના સમર્થકવિ-વાર્તાકાર સુન્દરમ્‌ જેટલા મોટાં ગજાના સર્જક છે, એટલા જ સમર્થ વિવેચક પણ છે. સંખ્યા અને ગુણની દૃષ્ટિએ એમનું વિવેચનકાર્ય સમૃદ્ધ છે. એમની પાસેથી સાહિત્યવિવેચનના ત્રણ ગ્રંથો મળે છે : ૧. ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬), ૨. ‘અવલોકના’ (૧૯૬૫) અને ૩. ‘સાહિત્ય ચિંતન’ (૧૯૭૮). આ ત્રણે ગ્રંથોમાં ‘સુન્દરમ્‌’નું વિવેચનકાર્ય સમાયેલું છે. ‘સુન્દરમ્‌’ની વિવેચનયાત્રા વિદ્યાપીઠની વિદ્યાર્થી અવસ્થામાં પુસ્તકોના પ્રતિભાવો-અવલોકનો રૂપે શરૂ થઈ હતી. એક સારા ભાવક તરીકે વિવેચના તરફ વળેલા સુન્દરમ્‌ પછીથી સાહિત્યનાં ઊંડા અભ્યાસુ અને ચિંતક તરીકે વિકસે છે. એમનાં વિવેચનોમાં ઊંડાણ અને ગાંભીર્ય હોવા છતાં પાંડિત્ય અને વિદ્વતાનો ભાર વરતાતો નથી. બલ્કે ઘણીવાર એમના વિવેચનો લલિતનિબંધ જેવા રસાવહ અને આકર્ષક બને છે. સુન્દરમ્‌નું વિવેચનકાર્ય મોટેભાગે એમને સોંપાયેલા કાર્યરૂપે પ્રાપ્ત થયું છે. ૧૮૪૫થી ૧૯૪૫ સુધીના એક શતકની ગુજરાતી કવિતાની વિવેચનાનું કામ ‘સુન્દરમ્‌’ને ‘ગુજરાત વિદ્યાસભા’એ સોંપેલું. એ પૂર્વે સુન્દરમે ‘બ. ક. ઠાકોરની કવિતા સમૃદ્ધિ’ નામની લેખમાળા અને ૧૯૪૧ના વર્ષની ગ્રંથસમીક્ષાનું કાર્ય કરી એમની વિવેચક તરીકેની શક્તિનો હિસાબ આપી ચૂકેલા. સુન્દરમ્‌ પોતાને સોંપાયેલ કામને ખંત અને નિષ્ઠાપૂર્વક કરે છે. આઠેક વર્ષના પરિશ્રમને અંતે આપણને એક શતાબ્દીની કવિતાના વિવેચનનો આ દસ્તાવેજી ગ્રંથ મળે છે. એ પછી ૫૩૦ પૃષ્ઠનાં ‘અવલોકના’માં પણ સમયના લાંબા પટ પર વાર્ષિક સમીક્ષાઓ, માસિકો માટેના અવલોકનો, પુસ્તકોની પ્રસ્તાવનાઓ અને સાહિત્યસભાઓના વ્યાખ્યાનો નિમિત્તે થયેલ વ્યાપક વિવેચનકાર્ય સમગ્રની સંકલના રૂપે ઉપલબ્ધ થાય છે. એ જ રીતે ‘સાહિત્ય ચિંતન’માં પણ સાહિત્યનું ચિંતન કરતાં ૩૦ જેટલા લેખોનું સંકલન થયું છે. જેમાં સાંપ્રત ચર્ચાપત્રોમાં પ્રગટ થયેલ સાહિત્ય ચિંતન અને સાહિય સંલગ્ન અનેક વિષયે મૌલિક વિચારો રજૂ થયા છે. જો કે આ ગ્રંથોમાં શાસ્ત્રીય વિવેચના કે ગંભીર અભ્યાસલેખોનું પ્રમાણ ઓછું ને વિચ્છિન્ન લેખોનું પ્રમાણ અધિક છે. ને છતાં એ બધામાં સુન્દરમના વ્યક્તિત્વની છાપ અવશ્ય જોવા મળે છે. પોતાની પસંગીની વિવેચનાને બદલે કોઈ ને કોઈ નિમિત્તોએ કરેલા વિવેચનકાર્યમાં એમણે જે ઉત્સાહ દાખવ્યો છે તે સરાહનીય છે. સોંપાયેલ કાર્યને પતાવવાની કે આપદધર્મી વૃત્તિથી નહીં, પણ મન દઈને પૂરી ગંભીરતાથી આ કામ કર્યું છે. ‘અર્વાચીન કવિતા’માં એમણે મુખ્ય મુખ્ય કવિઓને જ ધ્યાનમાં રાખી કામ ચલાવ્યું નથી. એમણે કાળની ગર્તામાં ખોવાયેલા અનેક નામી-અનામી કવિઓ અને એના કાવ્યગ્રંથોની થોડી પણ પ્રમાણભૂત માહિતી આપી છે. એટલે ‘અર્વાચીન કવિતા’નું ગુજરાતી વિવેચન-સાહિત્યમાં અત્યંત મહત્ત્વનું સ્થાન એક સંદર્ભ-ગ્રંથ તરીકે પણ છે અને એક અભ્યાસ-ગ્રંથ તરીકે પણ છે. એક આખી શતાબ્દીની કવિતાનું આવું વિગતપૂર્ણ અને કાલાનુક્રમિક વિવેચન આ ગ્રંથને એક કાળખંડની કવિતાનો દસ્તાવેજ બનાવે છે. અહીં એમના વિવેચનકાર્યની રુચિ, વ્યાપ, વૈવિધ્ય અને સમૃદ્ધિનો આપણને સાક્ષાત્કાર થાય છે. પોતાના કર્તવ્ય વિશેની આવી નિષ્ઠા ઉપરાંત વિવેચન પાછળ કઈ દૃષ્ટિ હોવી જોઈએ તે એમના જ શબ્દોમાં જોઈએ તો : “કાવ્યથી ઇતર એવી ઘણીએક દૃષ્ટિઓથી કાવ્યને જોવા-ચકાસવાના પ્રયત્નો કરી જોયા પછી હું જોઈ શક્યો કે કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની દૃષ્ટિ સૌથી વધારે ન્યાયપૂર્ણ નીવડે છે. કવિતાસાહિત્ય કે કળા જેવી એક સૂક્ષ્મ સામર્થ્યવાળી વસ્તુ પાસેથી બીજી પ્રવૃત્તિઓ પોતાનું કામ કઢાવવા ઇચ્છે એ સ્વાભાવિક છે. એવી ઇચ્છા પાછળ કળાને પોતાની ઘાણીમાં જોતરવા કરતાં વધારે ઊંચી દાનત ઘણીવાર હોતી નથી... કળા કળાની રીતે વિચરણ કરે એમાં જ સૌને ઉત્તમ પ્રાપ્તિ છે.... વિવેચને કલાના તત્ત્વને અધિગત કરવાનું છે.” (‘અર્વાચીન કવિતા’ની પ્રસ્તાવનામાંથી) સુન્દરમ્‌નું વિવેચનકાર્ય તટસ્થ છતાં સમભાવી પરીક્ષક જેવું છે. પોતે શિક્ષક ન હોવા છતાં શિક્ષક જેવી સહાનુભૂતિથી; સાચુંખોટું સઘળું વાંચીને, સાચું કે સારું કેટલું છે, તેનું મૂલ્યાંકન કરવાનું એમનું વલણ રહ્યું છે. ‘અર્વાચીન કવિતા’માં એમને સોંપાયેલા કામને આવી પરીક્ષણવૃત્તિથી એમણે પ્રમાણ્યું છે. એટલે માત્ર ગ્રંથસ્થ સાહિત્યની જ નહિ, પણ સામયિકોમાં અને જે-તે વર્ષના પાઠ્યપુસ્તકોમાં દટાઈ રહેલા સાહિત્યની પણ એમણે સમભાવપૂર્વક નોંધ લીધી છે. વળી, કવિઓના કાર્યનું એમણે શું નથી કર્યું તે નહીં, પણ શું કર્યું છે, તે મુદ્દા ધ્યાનમાં રાખી વિવેચન કર્યું છે. જ્યાં સારું લાગ્યું છે, ત્યાં પ્રસન્નતા વ્યક્ત કરી છે. જ્યાં આશા રાખી શકાય તેવા કવિઓનાં કવનમાં શિથિલતા દેખાઈ ત્યાં કડક વલણ પણ અપનાવ્યું છે. પરંતુ એકંદરે તેઓ સમભાવશીલ પરીક્ષક છે. એમની પાસે કોઈ નવોદિત કે કાચોપોચો કવિ-લેખક પરીક્ષાર્થી તરીકે જતાં ગભરાય નહીં તેવી સૌમ્ય છાપ તેમનાં વિવેચન-વ્યક્તિત્વની રહી છે. આમ છતાં ‘અવલોકના’ના લેખોને ગ્રંથસ્થ કરતી વખતે પોતાના જ લેખોમાં – નવો નવો વિવેચક કેવો તો મિજાજ રાખે, કેવી ગરમી બતાવે, સમજના નામે કેવી ગેરસમજ બતાવે એવી વિવિધ સ્થિતિઓના ચિત્રો એમને દેખાય છે. તેને સુધારી-મઠારીને સંપૂર્ણતાના રૂપમાં રજૂ કરવાને બદલે તેઓ કાલાનુક્રમિક પોતાની વિવેચકમતિના વિવિધરૂપોને યથાતથ રૂપમાં રજૂ કરવાનું પસંદ કરે છે. સ્વમૂલ્યાંકનનો આવો માપદંડ સુન્દરમ્‌ને ઊંચા આસને બેસાડે છે. સુન્દરમ્‌નો વિવેચન માટેનો અભિગમ પણ સમજવા જેવો છે. પોતાના વિવેચન દ્વારા સર્જક પર ઉપકાર કરવાનું એમનાં મનમાં જરા પણ નથી કે કવિપક્ષની વકીલાત કરવાની નેમ પણ નથી. વળી, પોતાનાં વિવેચકીય કર્તૃત્વથી કવિના યશમાં ઉમેરો કરવા બાબતે પણ પોતાને અક્ષમ ગણે છે. સુન્દરમ્‌નો વિવેચક તરીકેનો આ અભિગમ સર્જકને શોભે અને વિવેચકને ગૌરવ અપાવે એવો છે. ‘સુન્દરમ્‌’ની વિવેચના વિચ્છિન્ન છે એ ખરું, પરંતુ એ થકી જ એમાં વૈવિધ્ય જોવા મળે છે. સોંપાયેલા કાર્યરૂપે થયેલા વિવેચનમાં પસંદગીને ઓછો અવકાશ રહે છે. તો પણ સુન્દરમે પ્રસિદ્ધ કૃતિ-કર્તા કે ખાસ વિષયની સાહિત્યકૃતિની જ વિવેચના કરવાનું ધોરણ રાખ્યું નથી. આથી અનેક વિષયને સ્પર્શતી ગદ્ય પદ્ય કૃતિઓની વિવેચના એમણે કરી છે. કોઈની લાંબી વિવેચના, તો કોઈની માત્ર ટૂંકી નોંધ લીધી છે. કૃતિના હાર્દને પામીને એમાં નિહિત કૃતિ-કર્તાનાં વલણને સાહિત્ય પ્રવાહમાં પ્રમાણવાનો પ્રયાસ પણ સુન્દરમ્‌ કરે છે. જો કે આવી પરંપરાગત રીતે પ્રમાણવા જેવી સીમિત સુન્દરમ્‌ની વિવેચના નથી જ. સુન્દરમ્‌ને મન અવલોકના કે વિવેચના અંતરની પ્રવૃત્તિ છે એથી એમનું વિવેચન સ્વાયત્ત કે સ્વતંત્ર નહિ, પણ સમગ્ર જીવન સંદર્ભે થયું છે. આથી સુન્દરમ્‌ના વિવેચનની ઉપલબ્ધિ પણ જીવન સંદર્ભે સૌંદર્ય અને સત્યનો તાગ પામવાની રહી છે. સાહિત્યકૃતિને એની સમગ્રતાના રૂપમાં જોવાની એમની નેમ છે. માત્ર કૃતિ-કર્તાનાં ગુણ-મર્યાદાના સંદર્ભે વિવેચન કરવાની રીત એમણે રાખી નથી. સુન્દરમ્‌ બદલાતા સમય સાથે સાહિત્યમાં આવતાં પરિવર્તનને સમજે છે અને તેને સ્વીકારે પણ છે. સ્વતંત્રતા પછી કવિતામાં આવેલા પરિવર્તનનું વિશ્લેષણ કરતા એ કહે છે : “આજનો કવિ હવે સૌંદર્યલક્ષી બન્યો છે આ પહેલાંનો કવિ વસ્તુલક્ષી-ધ્યેયલક્ષી વિશેષ હતો... હવે નિરાંતના દિવસો છે, સુંદરતાની સાધનાને માટે હવે પૂરતો અવકાશ છે... કમનીયતા, મોહકતા, ચારુતા, આહ્‌લાદકતા હવેની કવિતાનું વિકસતું જતું સ્વરૂપ છે... હવે ખાદીને પોતાનો માર્ગ કરવો હોય તો તે સુંદર બનીને જ કરી શકે છે.” સુન્દરમ્‌નો આ સર્જકધર્મ જ એમના વિવેચનની પ્રેરણા છે. કલાસાહિત્યના સૂક્ષ્મ-સંકુલ પ્રશ્નોની ચર્ચાવિચારણાને બદલે કૃતિનિષ્ઠ વિવેચન સુન્દરમે વિશેષ કર્યું છે. આ માટે પ્રસિદ્ધ કે મહાન કૃતિઓનો આશ્રય એમણે નથી લીધો. ‘અવલોકના’માં વિવેચન વિષય બનેલી કૃતિઓની યાદી જોતાં એની પ્રતીતિ થશે. અહીં સુપ્રસિદ્ધ કે યુગપ્રવર્તક કૃતિઓ કરતા અલ્પપરિચિત કૃતિઓની સંખ્યા વધારે છે. કૃતિના રસદર્શનને રહસ્યદર્શન કરતાં-કરાવતાં એનાં સર્જકકર્મનો ક્યાં અને કેવો સ્પર્શ થયો છે તે બતાવવાનું કામ સુન્દરમ્‌ કાળજીપૂર્વક કરે છે. અનેક કાવ્યકૃતિઓની પ્રસ્તાવના કે પુરોવચન નિમિત્તે વિવેચનકાર્ય કરનાર સુન્દરમ્‌ પ્રસંગોચિત વ્યવહાર નિભાવી સંતોષ માનતા નથી. સર્જકને સારું-નરસું પ્રમાણપત્ર આપવા એ પ્રસ્તાવના લખતા નથી. પરંતુ એનું સર્જન સમજવાનો એ પ્રામાણિક પ્રયત્ન કરે છે. આ કારણે એમનું વિવેચનશાસ્ત્રીય ઓછું ને આસ્વાદમૂલક વધુ બન્યું છે. પ્રાસાદિકતા એ સુન્દરમ્‌ના વિવેચનનો ગુણવિશેષ છે. એમનાં વિવેચનમાં વિવેચનની પરિભાષાનો વપરાશ પણ નહિવત્‌ થયો છે. ને પશ્ચિમના કે પૂર્વના સર્જકો-ચિંતકોના હવાલાઓ પણ ઓછા જોવા મળે છે. વિદ્વાન, પંડિત વગેરે વિશેષણો યોજી શકાય એવી ભાષા સામગ્રી સુન્દરમે પ્રયોજી નથી. કૃતિનું અંતઃતત્ત્વ ઓળખી એનું આકલન કરવાનું એમનું મંથન આપણને ઠેરઠેર દેખાય છે. અને છતાં વ્યાપક સૈદ્ધાંતિક વિચારણા તરફ કે કોઈ મર્યાદાનો વિચાર કરવા તરફ એ વળતા જ નથી એવું પણ નથી. ‘સાહિત્ય ચિંતન’ના ઘણા લેખોમાં સૈદ્ધાંતિક વિચારણા જોવા મળે છે. સાહિત્ય અને જીવનને સ્પર્શતા વિવિધ વિષયોની એમણે શાસ્ત્રીય ચર્ચા કરી છે. ‘નિબંધ’ અને ‘ગીત’ જેવાં સાહિત્ય સ્વરૂપની શાસ્ત્રીય અને સર્વગ્રાહી વિચારણા સુન્દરમે આપી છે. વિવિધ સામગ્રીની ભેળસેળથી સંદિગ્ધ બનેલા નિબંધનાં સ્વરૂપની વ્યાપક અને ઝીણવટપૂર્વકની ચર્ચા કરીને એનાં પ્રભેદોને સ્પષ્ટરેખ કરવાનું અપૂર્વ કાર્ય એમણે કરી આપ્યું છે. એ જ રીતે ગીતનાં સંકુલ સ્વરૂપને પણ ઊંડાણપૂર્વક ચર્ચીને એનાં પાયાનાં ઘટકતત્ત્વોની સૌદાહરણ વિચારણા કરી છે. મર્યાદાઓ પ્રતિ પણ તેઓ સ્પષ્ટ વક્તા છે. મેઘાણીની કવિતામાં કરુણરસ જમાવવા જતાં પ્રસંગો કે કથનોને વધારે પડતાં ખેંચવાં પડ્યાં છે, ચિત્રો કદીક પોચાં, માંદલાં બન્યાં છે અને કવિતાનું પોત પાતળું બન્યું હોવાનું એમને દેખાય છે. તો ‘પ્રાચીન કાવ્યશાસ્ત્રકારો રસોને નવ પ્રકારે વહેંચી ગયા કેટલાક મૂર્ખ કવિઓ જે વિવેચન કે શાસ્ત્ર વાંચી કવિતા કરવા બેઠેલા તેમણે તે પ્રમાણે રસવાર કાવ્યો પણ કર્યા, પણ સ્વયંભૂ કાવ્યનો અને સાહિત્યનો વ્યાપાર તેથી જુદો છે. એના રસો જુદી જ રીતે વહેંચાયા છે.’ એમ માનનાર સુન્દરમ્‌ રસચર્ચામાં જીવનલક્ષી અભિગમથી નવું અર્પણ કરે છે. એ કહે છે : ‘રસની પરિભાષા હું બદલવા ઇચ્છું છું. માણસની સ્નેહવૃત્તિ એટલે સ્ત્રી તરફની કામવૃત્તિ જ નહીં, પણ બહેન, ભાઈ, મા, બાપ, મિત્ર વગેરે હરકોઈ માણસ તરફ ઢળતી લાગણીઓનો જેને કાવ્યશાસ્ત્રની પરિભાષામાં ભાવ કહેવાય છે તેમનો એક ભેગો સમુચ્ચય ગણવો જોઈએ. તેને હું હાર્દરસથી ઓળખાવું.’ (‘અવલોકના’, પૃ. ૧૨૨) એ ખરું કે સુન્દરમે કવિઓ અને કાવ્યકૃતિઓના વિવેચનમાં જે રસ અને શક્તિ દાખવ્યા છે, તેવું ગદ્યના વિવેચનમાં જોવા મળતું નથી. કવિતામાં ગોપિત રહસ્યો ને રસસ્થાનોને ઓળખાવાનો જે અવકાશ છે તે કદાચ ગદ્યમાં એમને ઓછો દેખાયો હોય એવું ધારી શકાય. ગમે તેમ પણ ગદ્યમાં પુસ્તકોના અવલોકન અને સામાન્ય રસદર્શનથી સુન્દરમ્‌ બહુ આગળ જતા નથી. ‘સુન્દરમ્‌’ વિષયક સુરેશ દલાલ સંપાદિત ‘તપોવન’ ગ્રંથમાં ‘સુન્દરમ્‌’ના ‘અવલોકના’ની અવલોકના કરતાં ભુપેન્દ્ર ઉપાધ્યાય સુન્દરમ્‌ની વિવેચનાના પોતીકા ગુણોને આ રીતે પ્રમાણે છે : “સુન્દરમ્‌ એવી અનુકૂળ પરિસ્થિતિમાં છે કે એમની વિવેચનપ્રવૃત્તિને કેટલાક છાંટા નથી ઊડ્યા. સદ્‌ભાગ્યે એ અધ્યાપક નથી એટલે એમનું વિવેચન પૃથક્કરણ પાંડિત્ય અને અધ્યયન માટેના અનિવાર્ય પ્રસ્તારથી બચી ગયું. એ પત્રકાર કે વ્યવસાયી અવલોકન લખનારા નથી એટલે ઉપરછલ્લાપણું કે નાનીમોટી ગણતરીથી એમનું વિવેચન અલિપ્ત રહી શક્યું છે. એ સર્જક ખરા, પણ વિવેચન દ્વારા પોતાની સર્જનપ્રવૃત્તિની સાર્થકતા પૂરવાર કરવાની કપરી ફરજમાંથી ઉગરી ગયેલા અને છતાં ‘સુન્દરમ્‌’ની વિવેચનપ્રવૃત્તિમાં સંવેદન અનુભવતા સર્જક, રસ અને અભ્યાસની આરાધના કરતા અધ્યાપક અને વિવિધ સાહિત્યપ્રવૃત્તિના પ્રવાહોનો પરિચય અને સમજ આપનાર પત્રકાર દેખાય છે.” સુન્દરમ્‌ વિવેચનપ્રવૃત્તિની મર્યાદા અને વિશેષતા બેઉ સમજે છે. ‘વિવેચન સર્જનનું મહત્ત્વ વધારનાર કે તેનું સ્થાન લેનાર પ્રવૃત્તિ નથી. કવિતા સમજવાની સંપૂર્ણ રીતિ તે કવિતા પોતે જ છે... વિવેચન કવિતાથી ભિન્ન પ્રસ્થાનવાળો વ્યાપાર છે. ભલે તે કવિતાને નામે કરાતો હોય... વાચક અને કાવ્ય બેનો પરસ્પર ભેટો જ જે કંઈ પરિણામ લાવવાનું હોય તે લાવી શકે... વિવેચને કવિતા વિશે અંતિમ સત્ય ઉચ્ચારવાનો દાવો છોડી દેવો જોઈએ.’ જેવા સત્યવચન વિધાનો વિવેચનની મર્યાદાને ચીંધી આપે છે. વિવેચનની આ મર્યાદા છતાં એની સાર્થકતાથી પણ સુન્દરમ્‌ અજાણ નથી. ‘જગતભરમાં ચાલી રહેલી સર્જનની અનંતલીલાનું અવલોકન જાતે જ શું મનોહર નથી?’ સુન્દરમ્‌ પૂછે છે ‘એનું ફળ શું?’ ને એમણે જ જવાબ આપ્યો છે : ‘જીવનના, જગતના, એમાં વ્યક્ત થતા સત્યના અને સૌંદર્યના, સત્યના સૌંદર્યના અને સૌંદર્યના સત્યના કંઈક અણસાર મેળવવા. આને સૌંદર્યના સત્યની યાત્રા કહી છે.’