સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/વિવેચક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
લેખક પરિચય

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્‌’

Sundaram.jpg

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર (જ. ૨૨-૩-૧૯૦૮ – અવ. ૧૩-૧-૧૯૯૧) ઉપનામ ‘સુન્દરમ્‌’. જે પછીથી નામ જ બની ગયું. સુન્દરમ્‌નો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામે થયો હતો. મિયામાતરમાં ગુજરાતી સાત ચોપડી સુધીનો, આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અને ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વરસ સુધી અભ્યાસ કર્યો. સુન્દરમ્‌ની સાહિત્યપ્રીતિ અભ્યાસકાળથી જ હતી. ભરૂચની શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે સુપ્રસિદ્ધ વિશ્વનાથ મ. ભટ્ટ ગુજરાતી શીખવતા. એમણે સુન્દરમ્‌ની રુચિ ઓળખી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આગળ અભ્યાસ માટે સુન્દરમ્‌ ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૫થી ૧૯૨૯ સુધી રહ્યા છે. અહીં અભ્યાસ કરતાં કરતાં તેઓ ‘સાબરમતી’ દ્વૈમાસિકમાં લેખો લખે છે અને ગાંધીજીના હસ્તે ‘તારાગૌરીચંદ્રક’ મેળવે છે. ૧૯૨૯માં તેઓ સંસ્કૃત અને અંગ્રેજી સાથે ભાષાવિશારદની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરીને સ્નાતક થયા. થોડા વર્ષ સોનગઢ ગુરુકુળમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૩૪માં અમદાવાદમાં જ્યોતિસંઘમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૪૫માં શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરીમાં સ્થાયી થયા. એ પછી એમણે શ્રી અરવિંદના જીવનદર્શનનું અનુશીલન કરતું ત્રૈમાસિક ‘દક્ષિણા’ શરૂ કર્યું. સુન્દરમ્‌ ગાંધીયુગના પ્રમુખ સર્જકોમાંના એક છે. એમણે નવલકથા સિવાયનાં સાહિત્યનાં લગભગ બધાં સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમાં પણ આધ્યાત્મિક કવિતાનો પ્રવાહ અનેકરંગી ગુજરાતી કવિતાના આજના પ્રવાહમાં જે ભાત ઉપસાવે છે, એમાં સુન્દરમ્‌નો ફાળો અનન્ય કહી શકાય. એ જ રીતે ગાંધીજીના પ્રભાવને લીધે એમની કવિતામાં વ્યક્ત થતું દીન-દલિત-પીડિત સંવેદન અને વ્યાપક માનવપ્રેમનું પરિબળ પણ નોંધપાત્ર રહ્યું છે. ‘કોયાભગતની કડવી વાણી’ (૧૯૩૩)થી ‘રંગરંગ વાદળિયાં’ (૧૯૩૯) સુધીમાં એમની પાસેથી પાંચ કાવ્યસંગ્રહો મળ્યા છે. સર્જનાત્મક સાહિત્ય ક્ષેત્રે એમનું બીજું મહત્ત્વનું પ્રદાન ટૂંકીવાર્તા ક્ષેત્રે રહ્યું છે. એમની પાસેથી ‘હિરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮), ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯), ‘પિયાસી’ (૧૯૪૦), ‘ઉન્નયન’ (૧૯૪૫) અને ‘તારિણી’ (૧૯૭૭) એમ પાંચ વાર્તાસંગ્રહોમાં કુલ ૫૭ વાર્તાઓ મળે છે. એમાં ‘ગોપી’, ‘ખોલકી’, ‘નાગરિકા’, ‘મીનપિયાસી’, ‘માને ખોળે’ જેવી વાર્તાઓ ઘણી નોંધપાત્ર રહી છે. વિદ્યાર્થીકાળથી જ જેની શરૂઆત થઈ હતી તે વિવેચનક્ષેત્રે પણ સુન્દરમ્‌નું માતબર પ્રદાન છે. ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬), ‘અવલોકના’ (૧૯૬૫), ‘સમર્ચના’ (૧૯૭૮) અને ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) એમ ચાર વિવેચન ગ્રંથો એમની પાસેથી મળે છે. એમાં ‘અર્વાચીન કવિતા’ ઐતિહાસિક કાવ્યવિવેચનનો આકરગ્રંથ છે, જેને મહિડા પારિતોષિક એનાયત થયું હતું. ઉપરાંત ‘દક્ષિણાયન’ જેવું પ્રવાસનિબંધનું અદ્વિતીય પુસ્તક, આત્મવૃત્તાંત ‘પાવકના પંથે’, શ્રી અરવિંદનું ચરિત્ર, અનેક અનુવાદો અને બીજું કેટલુંક પ્રકીર્ણ સાહિત્ય મળી લગભગ પાંત્રીસ જેટલા પુસ્તકો સુન્દરમ્‌ પાસેથી પ્રાપ્ત થયાં છે. – કેસર મકવાણા