સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/સર્જકોનું સંમેલન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સર્જકોનું સંમેલન
(રસળતી કલમે)
દ્વૈત-અદ્વૈત

કાવ્ય અને તેનું વિવેચન એ બંને જાણે કે એકીસાથે જ જન્મતી પ્રવૃત્તિ છે. કવિ અને વિવેચક જાણે કે જોડિયા ભાઈઓ છે, સાથે જ જન્મતા, સાથે સાથે જ મોટા થતા અને સાથોસાથમાં જ બધી ગતિ કરતા. કેમ કે કાવ્ય, કવિતા, કળામાત્ર એવી પ્રવૃત્તિ છે કે તે પોતે ગતિમાં આવવાની સાથે જ વિવેચનને પણ ગતિમાં લાવે છે. બેશક, ‘વિવેચન’ શબ્દને આપણે અહીં થોડા બહોળા અર્થમાં લઈશું. આ વિવેચન એટલે છાપાંની અવલોકન કટારોમાં કે વિવેચનગ્રંથોમાં કે વાર્ષિક સમીક્ષાઓમાં આવતું વિવેચન એટલું જ નહિ, પણ કાવ્યનો રસ લેવા નીકળેલા ભાવુકના ચિત્તમાં પ્રતિક્ષણે ચાલી રહેલું પ્રતિસંવેદન, રસગ્રહણ એ પણ વિવેચન છે. કાવ્યનો ભાવ તેના શ્રોતા, દૃષ્ટા કે વાચકના ચિત્તમાં જે ક્ષણે ઝિલાવો શરૂ થઈ જાય છે તે જ ક્ષણે તેના વિવેચનની શરૂઆત થઈ જાય છે. કાવ્યને ગ્રહણ કરતું ચિત્ત કાવ્યની પ્રત્યેક ગતિએ કાવ્યના વસ્તુને અમુક રીતે ઝીલે છે, અમુક રીતે સત્કારે છે, એ વસ્તુ પ્રત્યે તે અમુક રીતે પ્રસન્નતા અનુભવે છે, તો એ વસ્તુ તરફ તે પ્રતિકૂળ ભાવો પણ અનુભવે છે, કાવ્ય વિષે તે અસંતોષ અનુભવે છે, કાવ્યની ગતિનો ઇનકાર પણ કરી દે છે. આમ કાવ્યમાં નિતાન્ત ડૂબી જવાની સ્થિતિથી માંડી કાવ્યથી સર્વથા દૂર ભાગી જવા સુધીની વિવિધ અવસ્થાઓમાં વાચક વિચરે છે. કાવ્ય વાંચતાં વાંચતાં વાંચનારને બગાસું આવે તે પણ કાવ્યનું એક વિવેચન જ છે. કોઈ સુંદર ગણાતી રચના વાંચતી વેળા રસ્તે જતી રમણી તરફ તમારી દૃષ્ટિ આકર્ષાય તો કાવ્યમાં જે કાંઈ રમણીયતા હોય તેના પ્રતિ તે એક વિવેચના જ બની રહે છે. આવો વાચક બગાસું ખાઈને પુસ્તક બંધ કરી દેશે, અથવા તો પુસ્તકમાં આંગળી રાખી તેને બંધ કરી તે પેલી માર્ગ પર વિચરતી રમણીને ઘડીભર મન ભરીને નિહાળી લેશે. વળી જો તે થોડીઘણી ગીતા ભણ્યો હશે તો કૂર્મની પેઠે પોતાની ઇન્દ્રિયોને સંકેલી લઈ, પેલી રમણીને ભૂલી જઈ, કાવ્યની રમણીયતામાં પાછો સ્થિર થશે, અથવા તો તે એ રમણીનાં દર્શનની સ્મૃતિને તાજી રાખી એ રમણીના અસ્તિત્વમાંથી પોતાના કાવ્યને માટે કોઈ વધુ રસાદ્રતા ઉપજાવશે. આ બગાસું ખાનાર, કે રમણીથી આકર્ષાનાર વ્યક્તિ હવે જો ચિંતક અને વક્તા હશે તો એને ત્યાં કોઈ મિત્રો મળવા આવ્યા હશે તેમની સાથે પોતે જે વાંચતો હોય છે, તેની વાતચીત કે ચર્ચા કરશે, સૌન્દર્યની તુલનામાં ઊંડો ઊતરશે, અને તે લેખક હશે તો તો પછી તેની વિવેચના લખશે, કવિતાના ભૂત, ભાવિ અને વર્તમાનને યાદ કરશે, કાવ્યનાં સગાંસંબંધી, નાતજાત, કુટુંબકબીલા બધાંની ખબર લેશે અને એ કવિતા સુંદરીને સજાવનાર સૌ કોઈ તેલીતંબોળી, સોની, માળી વગેરેની પણ ઘટતી પહેરામણી કરશે. એવા વિવેચકને વિવેચન માટે સુવર્ણચંદ્રકો પણ મળે અને પેલા બગાસું ખાઈ પુસ્તકને પૂરું કરનારને કાવ્ય-અરસિકનું બિરુદ પણ મળે. પણ સળંગ રીતે જોઈએ તો આ બધા જ કાવ્યના વિવેચકો છે. દરેક પોતાની સંવેદનાની અભિવ્યક્તિ જુદી જુદી રીતે કરે છે એટલું જ. આથી આગળ જઈને જોઈશું તો એ પણ જણાશે કે વિવેચનની આ ક્રિયા કવિથી ભિન્ન વ્યક્તિમાં જ થાય છે એમ નથી. ખુદ કવિમાં પોતામાં પણ આ વિવેચન ચાલી રહેલું હોય છે. વાચકની પાસે કાવ્ય હાજર થાય છે તે પહેલાં કવિની ચિત્તભૂમિમાં અને તેના કાગળો પર એ કાવ્ય અંગે તેમ જ એ કાવ્ય ઉપર કેટલીયે છેકભૂંસ થઈ ગયેલી હોય છે, કેટલીયે લીટીઓ લખાઈ લખાઈને છેકાઈ ગયેલી હોય છે, કેટલાયે અલંકારો ઘડાઈ ઘડાઈને ભાંગી ગયેલા હોય છે. પ્રખરમાં પ્રખર વિવેચકને પણ કદીક ખ્યાલ ન આવે એટલી પ્રખર વિવેચનામાંથી પસાર થઈને કાવ્ય જન્મેલું હોય છે. અને આ રીતે તો પછી કઈ ક્રિયા સર્જનની અને કઈ વિવેચનની એ વચ્ચે ભેદ પાડવો પણ મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ બની રહે છે. અહીં તો કવિ અને વિવેચક માત્ર જોડિયા ભાઈઓ જ નથી રહેતા પણ એક જ વ્યક્તિ બની જાય છે. આત્મા જેવી રીતે કર્તા હોય છે અને સાથે સાથે દૃષ્ટા અને સાક્ષી પણ હોય છે એના જેવું આ કંઈક બનતું હોય છે, અને અહીં પછી કવિ અને વિવેચકનું દ્વંદ્વ એક શુદ્ધ અદ્વૈતમાં જઈને ઊભું રહી જાય છે. પણ જેવી રીતે મૂળ અદ્વૈતરૂપી ચેતનાએ જગતનું સર્જન કરવા માટે દ્વૈતનો આશ્રય લીધો, એ દ્વૈત વિના જગતની ગતિ બનતી જ નથી તેવી રીતે કવિ અને વિવેચકનું મૂળ અદ્વૈત પણ જગતમાં દ્વૈતની રીતે વિસ્તરે છે. અને દ્વૈત એટલે ભેદ, અને એ ભેદમાંથી તો પછી અનેક રીતના સંબંધો વિસ્તરે છે. એ ભેદ પછી મનભેદ બને છે, એ ભેદોમાં પછી દૃષ્ટિભેદ, રુચિભેદ, રસભેદ, દર્શનભેદ, શક્તિભેદ એમ ભેદની પરંપરા ઊભી થતી જાય છે. એ દ્વૈતનાં પાત્રો એક બાજુ પૂર્ણ સંવાદની રીતે ગતિ કરે તો સામી બાજુએ પૂર્ણ વિસંવાદમાં પણ પહોંચી જાય. બે વ્યક્તિઓ ભેગી મળીને યુગલ નૃત્ય કરે તો દ્વંદ્વ યુદ્ધ પણ કરે. અને આ સંઘર્ષ માત્ર બહારનો જ હોય એવું નથી, આંતરિક પણ હોઈ શકે છે. આમ કવિ અને વિવેચક, કવિતા અને તેનું વિવેચન અનેક રીતે, અનેક કક્ષાઓમાં અનેક રીતના સંવાદ-વિસંવાદોમાં પ્રસન્નતા અને ગ્લાનિ પ્રેરે એવી રીતે, અનેકધા સંબંધમાં આવતાં રહેલાં છે, અને જગતના પદાર્થોની જેવી વિવિધ લીલાઓ, રમ્ય અને રૌદ્ર રૂપની રહેલી છે, તેવી તેમની પણ લીલાઓ રહેલી છે.

દ્વંદ્વની ભીતરમાં

આપણે અત્રે કવિના આંતર જગતની વાતમાં ઊંડે જઈશું નહિ. એની અંદર સર્જક અને વિવેચક, સર્જનશક્તિ અને વિવેચન શક્તિ, પ્રેરણા અને પ્રજ્ઞા, શબ્દને ઝીલતી અને એ ઝિલાતા શબ્દને અવલોકતી શક્તિ, એ બધાં કઈ રીતે કામ કરતાં હોય છે એ રસિક વિષયમાં ઊતરીશું નહિ. જોકે કાવ્ય અને તેના વિવેચનના સંબંધનું ખરું રહસ્ય તો આપણને મૂળ કવિમાં ચાલતા આ સર્જનવિવેચનના આંતરિક સંબંધમાંથી જ મળી આવશે અને એ સંબંધને આધારે જ આખો વિષય સમજી શકાય તેમ છે. પણ તેમાં જઈએ તે પહેલાં કવિ અને વિવેચકના શુદ્ધ દ્વૈતની ભૂમિકા પરના સંબંધોને થોડા જોઈ લઈએ કે જેથી પેલા મૂળ તત્ત્વ ઉપર સ્થિર થવાનું આપણને વધુ સરળ બનશે.

કાલિદાસ અને ભવભૂતિ

કવિ અને વિવેચક વચ્ચેના સંબંધોની જે છેલ્લામાં છેલ્લી હદની બે ઊલટાસૂલટી સ્થિતિઓ છે તેનું દૃષ્ટાંત આપણને કાલિદાસ અને ભવભૂતિમાં જે રીતે જોવા મળે છે તેથી વધુ ઉત્તમ રીતે બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે. કાલિદાસ તે વિવેચકની આજ્ઞાને શિરોધાર્ય કરનાર સર્જકની પ્રતિમૂર્તિ જેવો છે, જ્યારે ભવભૂતિ તે વિવેચકના અભિપ્રાયની કશી પણ પરવા વિના પોતાને માર્ગે વધ્યે જતા સર્જકનો પ્રતિનિધિ છે. કાલિદાસને મંત્ર છે,–‘અુપરિતોષાદ્‌ વિદૂષાં |’ વિદ્વજ્જનોને પૂર્ણ પરિતોષ થાય ત્યારે જ મારી કૃતિનું સાર્થક્ય- સાફલ્ય હું સમજું. જ્યારે ભવભૂતિ કહે છે કે – ‘તાન્‌ પ્રતિ નૈષ યત્નઃ |’ ના ભાઈ, હું કાંઈ આ વિદ્વાનોના પરિતોષ માટે કંઈ જ કરવાનો નથી, એમની કૃપાની રાહ જોઈ હું બેસી રહેવા માગતો નથી. પણ આ બંને મનેભાવોની સાથે બીજું પણ એક અનુગુંજન ચાલે છે. વિદુષાં પરિતોષની ઝંખના કરનાર આ કાલિદાસ પણ કહે છે – ‘મૂઢઃ પરપ્રત્યયનેયબુદ્ધિઃ’ – બીજાની બુદ્ધિ પ્રમાણે તો માત્ર મૂઢ જ ગતિ કરે. એટલે બીજાઓના-હરેક માણસના અભિપ્રાયને માથે ન ચડાવાય. પણ એ પુરુષો જે જ્ઞાની હોય તો તેમના અભિપ્રાયને શિરસા વંદ્ય ગણવો ઇષ્ટ બને. ભવભૂતિએ પોતાના વર્તમાન વિવેચકોને છટ કરીને બાજુએ હડસેલી દીધા એમાં તેણે કાલિદાસની આ સૂક્તિનું – પરપ્રત્યયનેયબુદ્ધિ ન બનવાનું જ જાણે પાલન કર્યું છે. અને છતાં તેને પણ કોઈકના પરિતોષની ઝંખના તો રહી છે જ – એ પણ પોતાના કોઈક સમાનધર્માને શોધે છે કે જે આવીને કવિને બિરદાવે, કવિને પોરસ ચડાવે. એ પોતે કેવલ આત્મસ્થ રહીને, સ્વપ્રત્યયને જ માત્ર ખ્યાલમાં રાખીને રચના કર્યા કરવા નથી ઇચ્છતો. એ પોતાની મહેનતને જગતમાં સફલ-ચરિતાર્થ થતી જોવા ઇચ્છે જ છે, અહીં નહિ તો કોઈ બીજે સ્થળે, આજે નહિ તો કોઈ કાલે, આ માણસો નહિ તો બીજા કોઈ મારા સમાનધર્મા માણસો પાસે મારું કાવ્ય તેનો યોગ્ય ન્યાય પામશે.

‘ઉત્પત્સ્યતેઽસ્તિ મમ કોઽપિ સમાનધર્મા |
કાલોહ્યયં નિરવધિર્વિપુલા ચ પૃથ્વી ||
સન્તઃ અને સમાનધર્મા

ખરી વાત તો એ છે કે સામસામી દિશામાં ગતિ કરતા દેખાતા આ બંને કવિઓ એક જ સત્યમાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ બંને મળીને સત્યનું એક સર્વતોભદ્ર દર્શન ઊપજાવી ગયા છે. કાલિદાસ અને ભવભૂતિ એ બંનેને તેમના સમકાલીન વિવેચકોના ચાબુકો વેઠવા પડેલા લાગે છે. ભવભૂતિને પોતાની આરંભની કૃતિઓ અંગે વિવેચકો તરફથી ઉમળકાભર્યો નહિ પણ ઘણો ઠંડો આવકાર મળ્યો અને તેણે પછી સામી સાંગ મારી ‘યે નામ કિચિદિહ નઃ પ્રથયત્ન્યવજ્ઞાં, જાનન્તિ તે કિમપિ તાન્પ્રતિ નૈષ યત્નઃ |’ નહિ નહિ, મને અવગણનારાઓ મારા પર પ્રસન્ન થાય તેટલા માટે હું આ નથી લખતો. કાલિદાસને પણ વિદ્વદરુચિ કે લોકરુચિની આવી પ્રતિકૂળતા અનુભવવા મળેલી. જૂના કવિઓનાં કાવ્યો શું ખોટાં છે તે વળી આ નવો લખનારો પાક્યો છે અને આ મહા શાણો કવિ કહે છે ‘પુરાણમિત્યેવ ન સાધુ સર્વં’ – જૂનું છે તે બધું સારું નથી ‘ન ચાપિ કાબ્યં નવમિત્યવદ્યમ્‌’ કાવ્ય નવું છે માટે જ હીન છે – અવદ્ય છે એમ પણ ન હોય. ભલા માણસ, કાવ્ય પોતે કેવું છે, નવું છે કે જૂનું છે એની ગડભાંજ મૂકીને, સ્વતંત્ર રીતે, કાવ્યના અંતર્ગુણ જ તપાસી જુઓ. અને આ કામ તે કોણ કરશે? કાલિદાસનો જવાબ છે–‘સન્ત’; ભવભૂતિનો જવાબ છે–‘સમાનધર્મા.’ વિવેચનશાસ્ત્રનો એક મોટામાં મોટો શબ્દ છે – સહૃદય. કાવ્યની ચરિતાર્થતા, તેની ઉત્કૃષ્ટતાની કસોટી કોઈ હોય તો તે છે સહૃદયો તરફથી તેને મળતો સત્કાર. આ સહૃદય એટલે કે પ્રથમ તો જેનામાં હૃદય છે, સંવેદનશીલતા છે, સંવેદનોની ઉચ્ચમાં ઉચ્ચ અનુભૂતિએ પહોંચવાની શક્તિ છે અને ઉપરાંત તે કાવ્ય પ્રત્યે, કવિ પ્રત્યે અનુકૂળ હૃદયવાળો, સહાનુભૂતિશીલ છે; એ કોઈ કારણે તદ્દન અ-હૃદય-heartless નિષ્ઠુર બનીને કૃતિને ચીરવા બેઠેલો નથી, પણ એક ઋજુ સમભાવપૂર્ણ ચિત્તથી કૃતિને અવલોકે છે, સમજે છે, તેના ગુણ અ-ગુણોને ઓળખે છે, અને કવિને કાંઈ કહેવું હોય, કાંઈ દોષ બતાવવા હોય ત્યારે પણ તે સહૃદયતાથી જ બતાવે છે. કાવ્યજગતમાં આવો સહૃદય રીતનો જે વ્યાપાર છે તે જ સૌથી ઉત્તમ રીતનો છે, પરંતુ જગત આવું આદર્શ સ્થિતિમાં કદી પણ રહેલું છે કે કેમ તે પ્રશ્ન છે. એટલે જ ભવભૂતિને કોઈ કઠોર રીતના પ્રત્યાઘાતો મળ્યા અને તે કકળી ઊઠ્યો – જાઓ, મારે તમારી પડી નથી. તમે નહિ તો તમારા ભાઈ. દુનિયા બહોળી છે, અને નિરવધિ કાળમાં કોઈક તો એવું જન્મશે જ કે જે મારા કાવ્યમાંના ગુણને સમજશે. ભવભૂતિનો આ જે મિજાજ છે, સમકાલીનોની કદર, યશ, વાહવાહ તે પ્રત્યે જે એની લાપરવાહી છે, પોતાના ભાવિમાં અને પોતાની વાક્‌સમૃદ્ધિમાં, પોતાના સ્વતઃ પ્રકાશમાં એને જે શ્રદ્ધા છે એ વસ્તુ હરેક કવિને માટેની પહેલી ગુણસંપત્તિ છે. પણ ભવભૂતિ કેવલ આત્મનિષ્ઠાની અંદર જ અટકી જતો નથી. એ પોતાને લાધેલા સત્યની પ્રતીતિ બહારના જગતમાં તેનું યથાર્થ પ્રતિબિંબ ઝિલાય એ રીતે મેળવવા માગે છે. જ્યાં લગી મને દેખાયેલું સત્ય કે સૌંદર્ય તે જગતને પણ સત્ય કે સૌંદર્ય રૂપે પ્રતીત ન થાય ત્યાં સુધી તે યથાર્થ સત્ય કે સૌંદર્ય છે એમ કેમ ગણાય? અને એટલે જગતમાં સમાનધર્માની શોધમાં નીકળે છે, અને એના હાથમાં પોતાના કાવ્યનો ન્યાય મૂકવા માગે છે. પણ કાલિદાસ ભવભૂતિ કરતાં એક ડગલું આગળ વધે છે, અને તે સાચી રીતે. કેમ કે, સમાનધર્મા એટલે શું? જૈસે કો તૈસે મિલે – સમાનશીલવ્યસનેષુ સખ્યમ્‌ – એના જેવું તો ન થાય ને? સમાનધર્મા મળ્યા તેથી ન્યાલ ન થઈ જવાય. નહિ, આ જે ધર્મોનું સમાનત્વ છે તે ધર્મો કયા છે? કવિ અને વિવેચક બંને સમાનધર્મા, બંને એકમત થતા હોય, પરસ્પરને બિરદાવતા હોય ત્યારે પણ તે બંને ગોટાળામાં હોઈ શકે, ભૂલમાં હોઈ શકે, એ બંનેના ધર્મો, તેમનાં લક્ષણ, ચારિત્ર્ય સમાન હોવા છતાં અનેક રીતની ઉચ્ચાવચવાળાં હોઈ શકે. એટલે કાલિદાસ કહે છે, કાવ્ય માત્ર સમાનધર્માની સંતૃપ્તિ આગળ અટકી ન શકે. આ સમાનધર્મા તે ‘સન્તઃ’ – સત્‌ પુરુષો હોવા જોઈએ. કવિને માત્ર સહૃદય વિવેચક, ભોક્તા મળે એટલું જ નહિ પણ તે સત્‌ કોટિનો, સત્યમાં સ્થિત થયેલો વિવેચક હોવો જોઈએ. વિવેચકમાં સહૃદયતા ઉપરાંત તે સત્‌ બનેલો હોવો જોઈએ, સત્યમાં સ્થિત થયેલો, ઋત – ચિત્‌ – સત્ય ચેતનવાળો જોઈએ. એણે જો સત્યનું દર્શન પ્રાપ્ત કર્યું હોય તો જ તેના અભિપ્રાયનું મૂલ્ય રહે, ન અન્યથા. અને આમ કાલિદાસ આખો કેસ સત્ય-ચેતનાના હાથમાં સોંપી દે છે. પણ ત્યાંથી તો પાછી મુશ્કેલીઓની પરંપરા ઊભી થાય છે. સત્ય એટલે શું? ‘ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયામ્‌’ – સત્‌ તો કાંઈ વાટમાં બેઠું નથી. જીવનમાં પદે પદે શંકા અશંકાઓ, ભાસ આભાસ ઊભાં થતાં રહે છે, સારાસારનો વિવેક કરતાં કરતાં માણસના ગુડા ભાગી જાય છે, –‘ભ્રમતીવ ચ મે મનઃ’ જગતમાંથી અનેક દિશાઓમાંથી અનેક અવાજો આવે છે : આ સત્ય છે. આ જ સત્ય છે. ના ના, પેલું સત્ય છે, આ તો અર્ધસત્ય છે, આ તો મિથ્યા છે, આ તો ભ્રાંતિ છે, સત્ય તો ત્યાં રહ્યું. આમાંથી માણસ કઈ વસ્તુને સત્ય તરીકે દૃઢપણે પકડી શકશે? એ કોયડાનો ઉકેલ એક ડગલું આગળ વધીને દુષ્યંત પાસે કાલિદાસે કરાવ્યો. એ જાણીતો ઉકેલ, ઉકેલ જેવો ન લાગે તોપણ એ જ એક ઉકેલ છે.

‘સતાં હિ સંદેહ-પદેષુ વસ્તુષુ પ્રમાણમન્તઃ કરણપ્રવૃત્તયઃ |’

જગતના આ કોલાહલો કરતા અવાજોમાં પ્રમાણરૂપ તો એક જ અવાજ બની શકે – અંતઃકરણ પ્રવૃત્તિ. અને એ અંતઃકરણ તે સત્‌ પુરુષનું અંતઃકરણ હોય. ગમે તેવા અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણરૂપ – સત્યરૂપ ન બની શકે. અંતઃકરણના અવાજને જો હમેશાં ન અનુસરી શકાય તો તો પછી પાછી મુશ્કેલી રહી જ ને? એટલે એ અંતઃકરણને તમે હરેક અવસ્થામાં ન અનુસરી શકો. તો પછી કોને અનુસરવું? સંતોના અંતઃકરણને. તમારું અંતઃકરણ જો સત્‌ અવસ્થામાં પહોંચ્યું નથી તો જેનું અંતઃકરણ એ સત્ય-ચેતનામાં પહોંચ્યું હોય તેની પાસે જાઓ – અને એ સત્યને પામો – ‘તદ્વિદ્ધિ પ્રણિપાતેન, પરિપસ્નેન, સેવયા |’ આમ સત્યમાં પહોંચવા માટેનો માર્ગ સ્પષ્ટ બની જાય છે. કવિના માટે ભવભૂતિનો મિજાજ આપણને થોડેક સુધી મદદ કરી શકે છે, પણ પછી તો કાલિદાસની વિનમ્રતા ‘મન્દઃ કવિયશઃપાર્થી’ – એ વધારે આરાધ્ય બને છે. અને આપણી કવિતાને જ, આપણી અખિલ ચેતોવૃત્તિને ‘સદસદ્‌વ્યક્તિહેતવઃ’ સદ્‌ અસદ્‌નો વિવેક કરી શકનાર ‘સન્તઃ’ના હાથમાં સોંપવાની રહે છે. અને આવા સદ્‌-અસદ્‌નો વિવેક કરી શકે તેવા જગતમાં કેટલા છે, કોણ કોણ છે? શ્રી અરવિંદ એક સ્થળે કહે છે : ‘It is only the few that can be trusted to discover the true value of things in poetry and art. – કવિતા અને કળાનાં સાચાં મૂલ્યો પારખી શકે તેવી વ્યક્તિઓ તો જગતમાં ગણીગાંઠી જ હોય છે.’

સર્જન-વિવેચનના દેશમાં

આ મહાસત્ય કવિઓ અને વિવેચકો બંનેની આખીયે સૃષ્ટિને લાગુ પડે તેવું છે. માણસ વિવેચન લખતો થયો એટલે તેની કલમમાંથી જે કાંઈ નીકળે તે બ્રહ્માક્ષર જ હોય એવું બનતું નથી, અને કવિ પોતાના મિજાજમાં બેસી, સરસ્વતી તો મારે ઘેર પાણી ભરે છે - ‘વાગ્વશ્યેવાનુવર્તતે’ એમ કહી ગમે તેટલું લખે છતાં કંઈ તેની વાણી સત્ય કે સૌન્દર્યની અપરૂપ મૂર્તિ બની શકતી નથી, કવિતા અને કળામાં – સર્જનની પ્રવૃત્તિમાં ઉચ્ચાવચતાની કેટલી કેટલી કક્ષાઓ છે, એમાં કલાસર્જનના કેટલા કેટલા ભાસ અને આભાસો છે તે જાણીતી વસ્તુ છે, અને એવું જ વિવેચનની બાબતમાં પણ ક્યાં નથી? જોકે વિવેચકો – મને કમને પણ જેમને સત્ય-સૌન્દર્યના દૃષ્ટાનો આ સ્વાંગ ધારણ કરવો પડે છે – તે આ ‘સત્‌’ પુરુષો વિવેચનાની ક્ષતિઓનો એટલી બધી સરળતાથી સ્વીકાર કરતા નથી. પણ જેવી મર્યાદા સર્જકની છે તેવી જ વિવેચકની છે. એના અભિપ્રાયો, એણે ઉપજાવેલાં મૂલ્યો, એના મંતવ્યો, એનાં તારણો તે કોઈ અફર ત્રિકાલાબાધિત સત્ય દર્શન જ હોય છે એવું હંમેશાં હોતું નથી. વિવેચકોની એક પેઢીએ આંકેલાં મૂલ્યો બીજી પેઢીમાં ઊલટાં થઈ જાય છે. વિવેચકોએ તરછોડેલા સર્જકો બહુમાન પામે છે. તો બહુમાન કરેલા સર્જકો પાછા અલ્પગુણ બની જાય છે. આમ આ નરી મર્યાદાઓની સૃષ્ટિમાં આપણે વિચરી રહ્યા છીએ એ વાત આપણે સતત ધ્યાનમાં રાખવાની છે. એમાંથી નીકળવાનો એકમાત્ર એ જ માર્ગ છે – આપણી જાતને સતત ઉત્ક્રાન્ત કરતા રહીએ – આજે આ૫ણને જે વસ્તુ સાચી લાગતી હોય તે નિર્ભય અને વિનમ્ર રીતે અવશ્ય કહીએ પણ સાથે સાથે આપણને દેખાતી વસ્તુ, તે સત્ય કે અસત્ય જે કાંઈ હો તેમાંથી આપણે વધુ મોટા તત્ત્વમાં, વધુ મોટા સત્યમાં પહોંચતા રહીએ એવી આપણી સતત જાગ્રત તપસ્યા રહે.

તપસ્વી ગિરિ-આરોહકો

આ તપ કરવાને માટે આપણે કવિ અને વિવેચક બંનેને આમંત્રણ આપવાનું છે. આમ તો આપણે જ્યારે જગતભરની કવિતાનો વિચાર કરીએ છીએ, અને જગતમાં વિકસેલી વિવેચનાનો વિચાર કરીએ છીએ, એનાં ઉન્નત શિખરોને જોઈએ છીએ ત્યારે એ એક ખરેખર તપોભૂમિ છે એવો ખ્યાલ જરૂર આવે છે. આપણા પોતાના કવિઓ અને વિવેચકોને જોઈએ છીએ, વાલ્મીકિ, વ્યાસ કે કાલિદાસને જોઈએ છીએ, ભરત, અભિનવગુપ્ત, મમ્મટને જોઈએ છીએ, આપણે ઘરઆંગણે આપણા કવિઓ નરસિંહ, પ્રેમાનંદ, અખો કે દયારામ, બાલ, કલાપી કે નાનાલાલ, આપણા વિવેચકો નવલરામ, નરસિંહરાવ કે બળવંતરાયને કે વિશ્વનાથ કે વિજયરાયને દૃષ્ટિ આગળ ખડા કરીએ છીએ ત્યારે તેમની આસપાસ તપશ્ચર્યાનું એક પુનિત આભામંડળ વરતાય છે. જાણે કે કવિતા અને કળાનાં સાચાં મૂલ્યોની શોધમાં નીકળેલી ગિરિ-આરોહકોની એક હારમાળા અખંડ ગતિએ ઊંચે ને ઊંચે ચડી રહી છે. ઓ, એમના હાથમાં ખીલાવાળી લાકડી છે, ખભે ઑક્સિજન ગૅસ છે, કમરે દોરડું લટકે છે, અને બધા ચડી રહ્યા છે, સત્યનાં સૌન્દર્યનાં નવાં નવાં શિખરો તેઓ સર કરી રહ્યા છે. પણ આ પ્રદેશોમાં આમ આવા ગિરિ-આરોહકો છે તો તળેટીમાં અટવાતા રહેલાઓની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી, વિવેચકો અને સર્જકો બંને અલ્પદર્શનમાં અને અર્ધદર્શનમાં, અલ્પસર્જન અને અર્ધસર્જનમાં અટવાય છે. અને એમનામાં ઊર્ધ્વગતિ માટે કશી વૃત્તિ નથી, કશી દૃષ્ટિ નથી, કશી શક્તિ પણ નથી. આ બેસુમાર પ્રાકૃત માનવતાનાં એ પણ પ્રાકૃત પ્રાણીઓ જ છે. એમાંથી અમુક વિરલ જ એવા છે કે જે આ પ્રાકૃતતાને પ્રાકૃતતા તરીકે જાણે છે અને એમાંથી આગળ જવા કટિબદ્ધ બને છે અને આગળ નીકળી જાય છે. આપણે જે નજર માંડવાની છે તે આ અતિ-પ્રાકૃત પુરુષ તરફ છે.

સર્જકમાં વિવેચક

અને ત્યાં આ૫ણને દેખાય છે કે આ બંને કવિ અને વિવેચક મળીને સત્ય અને સૌન્દર્યનું એક અવનવું જગત સરજી રહેલા છે. અહીં પછી સર્જક પહેલો અને વિવેચક પછી એવો કોઈ મોટો ભેદ રહેતો નથી. એક સર્જનાત્મક અને બીજો અ-સર્જક એમ રહેતું નથી. વિવેચકના એકાદ વાક્યથી સર્જકના સર્જનપ્રવાહો પલટાઈ જતા બનેલા છે; કોઈ અશ્રદ્ધાળુ સર્જક મહા શક્તિસંપન્ન બની ખીલી ઊઠ્યો છે, તો મોટા મોટા વિવેચકો સર્જકની સર્જનશીલતાને પગલે પગલે ચાલી પોતાના દર્શનની રેખાઓ બાંધતા ગયા છે. સર્જનમાંથી શાસ્ત્ર રચાયું છે, અને શાસ્ત્રના બળે સર્જકો વધુ સમર્થ બનેલા છે. કારણ કે સર્જક કે વિવેચક બંનેનું લક્ષ્ય તો એક જ છે, – આ જગતમાં જે કાંઈ સત્ય સૌન્દર્ય વ્યક્ત થયું છે એમાં હવે વિશેષ એવું કોઈ સત્ય સૌન્દર્ય ઉદ્‌ભાવી શકાય તેમ છે ખરું? સર્જકની અંદર બેઠેલો વિવેચક, સદ્‌-અસદ્‌નો પારખ, રૂપ-કુરૂપનો દૃષ્ટા, ભદ્ર-અભદ્રનો જાણકાર પોતામાં આકાર લેતી વસ્તુને પદે પદે પોતાનાં સર્જકશ્રેષ્ઠ આંગળાંનો સ્પર્શ આપતો રહે છે. આપણે સર્જક અને વિવેચકનું જે મૂળ અદ્વૈત જોયું છે તે જ અદ્વૈત તેના ઉચ્ચમાં ઉચ્ચ રૂપે આમ કવિમાં કામ કરે છે. અને વિવેચકમાં પણ. હા, એનામાં પણ સર્જક અને વિવેચક ભેગા મળીને કામ કરતા હોય છે. આ બાબતને આપણા વિવેચકોએ થોડો વખત ઠીક ઠીક ઊહ અને અપોહની રીતે વિચારેલી છે. વિવેચક તે સર્જકની કોટિનો જ કેમ નહિ, અરે, વિવેચક તે વળી સર્જક કહેવાય જ કેમ, એમ કંઈક ગજગ્રાહની રીતે વસ્તુ ચર્ચાતી હતી, વિશ્વામિત્ર તે રાજર્ષિ કે બ્રહ્મર્ષિ એના જેવું આ કંઈક હતું. એનો સીધો અને સાદો જવાબ તો એ અપાય કે, ભાઈ, ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ’. વિવેચકે આ અન્યના ધર્મ પોતા ઉપર ઓઢવાની આળપંપાળ શા માટે કરવી? શું એનું પોતાનું ગૌરવ કંઈ ઓછું છે? અને જરા આગળ જઈને જુઓ તો પોતાને સર્જક કહેવડાવનાર પણ સાચેસાચ સર્જક કેટલો હોય છે? સર્જનાત્મક ગણાતી પ્રવૃત્તિમાં પણ શું સર્જનહીનતા ઓછી નથી હોતી? એટલે આમ મોરચા બાંધી સામા પક્ષની કન્યાને હરી લાવવા જેવી જલદ ક્રિયાની કશી જરૂર લાગતી નથી. પરંતુ આ વસ્તુનું તત્ત્વ તો આપણે સમજવાનું રહે છે જ. અને તે આપણે સર્જક અને વિવેચકનું જે મૂળ અદ્વૈત જોઈએ છીએ તેમાંથી મળી આવે છે.

વિવેચકમાંનો સર્જક

આપણે ત્યાં અત્યારે વિવેચક અને તેની પ્રવૃત્તિવ્યવહારની રીતે ઘણી વિશિષ્ટ બની ગયેલી છે. છાપાંઓને તેમની કટારો સંભાળનારા ખાસ વિવેચકો હોય છે. સમીક્ષાની પ્રકૃતિ ઉપર જ પોતાની શક્તિ કેન્દ્રિત કરનાર લેખકો પણ હોય છે. જીવનભર વિવેચના કરવાનું વ્રત લેનાર ભેખધારીઓ પણ છે. પણ આટલા પરથી આ પ્રવૃત્તિની અંદરની ગૂઢ સર્જનાત્મક ગતિ અસ્તિત્વમાં જ નથી એમ ન કહેવાય. જે સર્જનાત્મક ગતિ કાવ્યના લેખનની પાછળ કામ કરતી હોય છે તેવી જ ગતિ વિવેચનના લેખનની પાછળ પણ હોઈ શકે છે અને હોય છે, અથવા તો હોવી જોઈએ. જેવી રીતે કાવ્યના સર્જન પાછળ એક પ્રેરણા સક્રિય હોય છે તેવી જ રીતે વિવેચનની પાછળ પણ એક પ્રેરણા કામ કરતી હોય છે. અને આ બંને પ્રેરણાનું સ્વરૂપ લગભગ એક જ હોય છે, ભલે તેના બાહ્ય આવિર્ભાવો જુદા હોય. આપણે એ વિચારી શકીએ છીએ કે વિવેચન પાછળ પાછળ કઈ પ્રેરણા હશે? અને એટલી વાત તો સ્પષ્ટ જ છે કે એ પ્રેરણા તે પોતાને સોંપાયેલાં પુસ્તકોનું અવલોકન લખી આપવું એ તો ન જ હોય. આ ધંધાદારી અને યાંત્રિક જેવી બની જતી વિવેચનપ્રવૃત્તિ સર્જનાત્મક ન રહે એવું કદીક બને, જોકે એમ થવું અનિવાર્ય તો નથી જ. કેમ કે વિવેચનનું ખાતું સંભાળવા માટે વિવેચકની વરણી થાય છે તે પહેલાં તેનામાં વિવેચક જન્મી ચૂક્યો હોય છે. અને એ જન્મેલો વિવેચક પોતાના પ્રત્યેક વિવેચનમાં પોતાની આદિમ સર્જકતાને સક્રિય રાખી શકે છે. અને આ વિવેચક કેવી રીતે જન્મતો હોય છે તે જોવા જઈએ છીએ તો જણાય છે કે જેવી રીતે કવિ જન્મતઃ કવિ હોય છે તેવી જ રીતે વિવેચક પણ જન્મતઃ વિવેચક હોય છે. જેવી રીતે કવિ પ્રેરિત બનીને કવિતા કરતો થયો હોય છે તેવી જ રીતે વિવેચક પણ પ્રેરિત બનીને જ વિવેચક બન્યો હોય છે. વિવેચકે જ્યારે પોતાનું સૌથી પહેલું વિવેચન લખ્યું હશે, તેના મનમાં જ્યારે વિવેચન કરવાની પ્રથમ સ્ફુરણા જાગી હશે ત્યારે કઈ વસ્તુ તેનામાં સક્રિય થઈ હશે? છોકરાઓને નિબંધ લખાવવામાં આવે છે એવી રીતે તો તે વિવેચક નહિ જ થયો હોય. કોઈએ તેને એમ નહિ કહ્યું હોય કે તું આ ચોપડી પર વિવેચન લખીને વિવેચક બની જા. ના, આ ભાવિમાં વિવેચક બનનાર વ્યક્તિની અંદર એક એવું ગૂઢ સ્ફુરણ થયેલું હોય છે કે જેને લીધે તેને જગતમાં પડેલાં અનેક કામોમાંથી વિવેચનનું કામ પોતાને માટે રુચિકર જણાયું, પોતાના સ્વધર્મ જેવું લાગ્યું. એનામાં કોઈક એવું ગૂઢ સ્ફુરણ થયું હોય છે કે જેને લીધે તેણે અનેક પુસ્તકોમાંથી અમુક જ પુસ્તકને વિવેચન માટે પસંદ કર્યું. આની પાછળ કોઈ યાંત્રિક મનોમય ક્રિયા નહિ પણ કોઈ ઊંડી સર્જનશીલ સહજપ્રજ્ઞા કામ કરતી હોય છે. અને એ સહજપ્રજ્ઞા તેને તેનો સ્વધર્મ બતાવે છે, અને એમાં તેને તેની ચરિતાર્થતા પમાડે છે. અને આ ગૂઢ સ્ફુરણ તે કવિને થતા ગૂઢ સ્ફુરણની કક્ષાનું બલ્કે એ જ સ્વરૂપનું હોય છે. કાવ્ય રૂપે સ્ફુટ બનતી ચેતનાની પાછળ એક સંવેદનશીલતા કામ કરતી હોય છે તેવી જ કોઈ સંવેદનશીલતા માણસને વિવેચનની ગતિમાં પ્રેરતી હોય છે. કવિ જગત અને જીવન જુએ છે અને એનો કંઠ કલ્લોલી ઊઠે છે, એની વાણી જીવનના રસનો આકાર આપે છે, જગતના સત્ય અને સૌંદર્યને અવનવા ઘાટમાં ઢાળે છે. વિવેચક પણ કવિને પ્રેરતા જગતના અન્ય પદાર્થોના જેવો આ કવિરચિત પદાર્થથી પ્રેરાય છે, આકર્ષાય છે, અને એ પદાર્થમાં અંતર્ગત બનેલા સત્ય અને સૌંદર્યનું અનુશીલન કરવા લાગે છે. અને તેને પોતાની રીતનો ઘાટ આપે છે. પણ એ ઘાટ પણ, આવાં પ્રેરિત બનેલાં વિવેચનો પણ પોતાની આગવી સૌંદર્યમયતા અને રસાવહતાથી મંડિત હોય છે. આપણે એમ કહીએ કે, ના ના, વિવેચક તો બૌદ્ધિક રીતે, પૃથક્કરણની રીતે, વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય રીતે કેવળ વિચાર તત્ત્વનો ગદ્યમય પ્રબંધ જ કરે છે, સર્જક કૃતિમાં જે સૌંદર્યતત્ત્વ હોય છે તે તેનામાં નથી હોતું. પણ આ એક આંશિક સત્ય છે. વિવેચનની અંદર પણ સંવેદનાનો એક સૂક્ષ્મ રણકાર હોય છે, એમાં પણ વિવેચકને થતી અનુભૂતિઓનાં આંદોલનો હોય છે, એનાં પણ ઘાટઘૂટનું સૌંદર્ય હોય છે. આ વસ્તુ ઉત્તમ કોટિનાં ગદ્યબદ્ધ વિવેચનોમાં તો હંમેશાં જોવા મળે છે. પરંતુ આ રસદર્શન પદ્યમાં પણ અભિવ્યક્તિ પામતું હોય છે અને ત્યારે એની પાછળ કેવી તો સર્જકગતિ હોય છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કળા અને સાહિત્યનાં ઉત્તમ સર્જન અંગે, કવિઓ અંગે પણ કવિતા ઓછી લખાઈ નથી. એવી કવિતા તે તે કૃતિનું કે કવિનું એક રીતનું વિવેચન જ છે. અને એ કેવું તો સૌંદર્યવાહી સુભગ સર્જન બનેલું હોય છે તે પુરવાર કરવાની જરૂર નથી. આપણા મહા કવિઓ અને મહાન કૃતિઓ અંગે લખાયેલી કવિતાઓ જુઓ, વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, શેક્સપિયર કે આપણા નાનાલાલ, કાન્ત, કલાપી જેવા કવિઓ વિષે કે એવી જ મહાકાવ્યો અને મહાકૃતિઓ અંગે લખાયેલી કવિતાઓ જુઓ, કીટ્‌સનું ચૅપમૅનના હોમર વિષેનું સૉનેટ જુઓ, ટાગોરનું કાલિદાસના મેઘદૂત વિષેનું કાવ્ય જુઓ, [અને મારો પોતાનો (!) દાખલો આપું તો મારા એક અવલોકન વિષે ‘શેષે’ લખેલી રચના – ‘એક વિવેચક મિત્રને’ જુઓ] – અને વિવેચન તે કેવી રીતે સર્જન બની જાય છે તે દેખાઈ આવશે. બેશક, કાવ્યસર્જન અને વિવેચન તે એક જ વસ્તુ છે એમ તો નથી જ. એ બંનેમાં આકારભેદ અને પ્રવૃત્તિભેદ છે, વૃત્તિભેદ તેમ જ તત્ત્વભેદ છે, છતાં બંનેની પાછળનો ધબકાર એક છે અને તે બંનેની ગતિઓ એકરૂપ નહિ તોપણ સમાંતર તો છે જ. કવિ અને વિવેચક બંને જણ એક જ મૂળભૂત વસ્તુનું અનુશીલન કરે છે અને તેની અભિવ્યક્તિ સાધે છે. બંને જગતના વ્યક્ત અને અવ્યક્ત સૌન્દર્ય અને સત્યનું અનુસંધાન કરે છે અને તેને અભિવ્યક્ત કરે છે. અને એ સત્ય અને સૌન્દર્યની જગતમાં અભિવૃદ્ધિ થાય તે માટે સરખી રીતે સક્રિય રહે છે. આમ વિવેચકની પણ સર્જકતા છે. અને એ સર્જકતા તે કેટલીક વાર તો કાવ્યના સર્જક કરતાં પણ ઘણી ઉચ્ચ કોટિની સર્જકતા બની જતી હોય છે. વિવેચક આમ તો સર્જકની કૃતિને પગલે પગલે ચાલતો હોય છે, મહા પ્રતિભાશીલ સૌન્દર્યદૃષ્ટા સર્જક કવિઓની રમ્ય સૃષ્ટિનો તે મુગ્ધ પ્રપૂજક બની તેનાં સૌન્દર્ય પગલાંને પૂજતો પૂજતો આગળ વધે છે. પરંતુ કેટલીક વાર સર્જક કરતાં વિવેચકની અવસ્થા ઘણી ઘણી ઉન્નત અધિત્યકા પરની હોય છે – કેમ કે સર્જકો અને વિવેચકોની અનેક ઉચ્ચાવચ કોટિઓ હોય છે એ વાત તો આપણે જોઈ ગયા – અને એ ઉન્નત અધિત્યકા પરથી આવતો વિવેચકની પરા પ્રજ્ઞાનો સ્પર્શ સર્જકને પોતાને જ એક નવી દૃષ્ટિ અને નવી શક્તિ બક્ષે છે. એવા વિવેચકના સ્પર્શથી પુનિત અને પુષ્ટ બનેલો સર્જક એ વિવેચકનું પોતાનું જ સર્જન બની રહે છે! અને કાવ્યો સર્જવાં એના કરતાં એનાં સર્જનહારને સર્જવો એ ભૂમિકા કંઈ નાનીસૂની નથી! અને જગતમાં આવા કાવ્યસર્જકના પણ સર્જકો છે એ ઘટના પણ કેટલી આ આહ્‌લાદક છે!

વાચકનું સર્જન

અને આ વિચારણામાં છેવટે આપણે એક ત્રીજા પાત્રનો પણ થોડો વિચાર કરવો ઘટે છે. એ છે વાચક, નર્યો શુદ્ધ અભિભાવક, સહૃદય, કે જે સદા મૂંગો અને રંગભૂમિથી નીચે, પ્રેક્ષક વર્ગની જગાઓમાં જ બેઠેલો હોય છે. અને આપણે કવિ અને વિવેચક બંનેને સર્જકતાનું બિરુદ આપ્યું તો આ વાચકનું શું કરીશું? એને પણ જો આપણે કોઈક રીતે સર્જક બનાવી દઈએ તો આ અદ્વૈતની સ્થાપના પૂરેપૂરી થઈ જાય! અને તે ન થઈ શકે તેમ પણ નથી. વાચક પણ એક રીતનો સર્જક છે! કાવ્યનો અને વિવેચનનો રસ અને અભ્યાસ કરતો કરતો એ પણ ક્યાંક કાંઈક સરજી રહ્યો હોય છે. એ સર્જનમાં પ્રથમ વસ્તુ તે તેનું પોતાનું આત્મ-સર્જન છે, અને પછી કવિ અને વિવેચકનું પણ સર્જન છે. આમ તો વાચક અને વિવેચકને આપણે એક જ કક્ષામાં મૂક્યા છે, પણ એમાંથી વિવેચક તે શ્રોતાવર્ગમાંથી ઊઠીને વ્યાસપીઠ ઉપર જઈ વક્તા બનેલો છે, વધુ વિદ્વાન બનેલો છે એટલી જ તેની વિશેષતા છે. પણ આ વિદ્વત્તા અને વાચા વિનાનો શ્રોતાવર્ગ, આ વિશાળ જનવૃંદ એ પણ પોતાના કવિઓને અને વિવેચકોને કેવી રીતે ઘડી રહ્યાં હોય છે એ હકીકતની પણ નોંધ લેવાની રહી છે. એમ જે કહેવાય છે કે પ્રજાને તેના જે કવિઓ અને કલાકારો, નેતાઓ અને દ્રષ્ટાઓ મળે છે તે તેની પાત્રતા પ્રમાણે જ મળતા હોય છે, અર્થાત્‌ પ્રજા પોતાની પાત્રતા મુજબ પોતાના કવિઓ અને કળાકારો અને નેતાઓ અને દ્રષ્ટાઓ પામતી રહે છે. આપણે સો વર્ષ પહેલાં, દલપતરામના વખતમાં નાનાલાલનો ઉદય થવો કલ્પી શકતા નથી. કાલિદાસ કે ટાગોરને આપણે તેમના યુગની પહેલાંના યુગમાં મૂકી શકતા નથી. ખરી રીતે તો આ બધી સર્જક વિભૂતિઓ તે પ્રજાનું પોતાનું જ મુખ હોય છે, અને પ્રજાદેહની જે અવસ્થા હોય છે તે મુજબ એ મુખનો આકાર રચાતો હોય છે. નાનાલાલને આપણે ખંડેરાવના દરબારમાં જઈ ઇન્દુકુમારનું કાવ્યગાન કરતા કલ્પી ન શકીએ, અને આજના ગઝલકારોને આપણે શામળભટ્ટના દરબારમાં મૂકી ન શકીએ. આમ પ્રજાજીવનની ભૂમિકા જેમ જેમ વિકસતી જાય છે તેમ તેમ તેના અંતસ્તત્ત્વની અભિવ્યક્તિનાં રૂપો અને માધ્યમો વિકસતાં અને બદલાતાં જાય છે. પોતાના સર્જકોને સર્જવાની આ ક્રિયા પ્રગટ કરતાં અપ્રગટ રીતની વિશેષ છે. જનસમાજ જગતમાં વિકાસસાધક બળોને આધારે સંસ્કારમાં, સંવેદનક્ષમતામાં જિજ્ઞાસામાં અને ભાવનાત્મકતામાં ખીલતો જાય છે. અને તેના કળાસર્જકો એ ઉન્નત ભૂમિકાએથી વધુ ઉન્નત ભૂમિકા તરફ પોતાની ફાળ ભરતા હોય છે. પોતાના યુગના દર્શનની ભૂમિકા પર ઊભો ઊભો કવિ આગળની ભૂમિકાનું દર્શન પ્રાપ્ત કરે છે, અને એ દર્શન પોતાના યુગને આપી એ યુગને તે દર્શનની અવસ્થામાં મૂકી આપે છે. અને આમ ‘પરસ્પર ભાવયન્તઃ’ની રીતે પ્રજા અને તેના સર્જકો આગળ વધે છે. અને પોતાના સર્જકો દ્વારા સર્જાતા રહેવું એ તો પ્રજાના જીવનની ધન્યતા છે. ‘સરસ્વતીચંદ્ર’ અને નાનાલાલનાં પાત્રોનાં નામો આજે ઘરેઘરમાં હરતાંફરતાં થઈ ગયાં છે. જયા અને જયન્ત અને કુમુદ અને કુસુમ કલાપી કે બાલાશંકરના જમાનામાં પણ ન હતાં. આમ સદાસર્વદા સર્જકે, યુગદ્રષ્ટાએ ગાયેલી અને દીઠેલી જીવનગતિને જનતા આત્મસાત્‌ કરે છે અને પોતાનું નવસર્જન કરતી રહે છે. વળી એક બીજી વસ્તુ એ પણ જણાય છે કે વાચક પણ કવિ કે વિવેચકની પેઠે પ્રેરિતની રીતે ગતિ કરતો હોય છે. કવિ કે વિવેચક જેવી રીતે યાંત્રિક રીતે ગતિ નથી કરતા, પણ પોતાની ગૂઢ અંતઃપ્રેરણાને અનુસરતા રહે છે તેમ જ વાચકનું પણ હોય છે. વાચક અમુક કાવ્ય વાંચે છે, અમુક નાટક જુએ છે, અમુક લેખકને વાંચે છે ત્યારે તેની પાછળ કઈ વસ્તુ કામ કરતી હોય છે? આપણાં બાળકો, વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રાકૃત બહુજનસમાજ તો એક યાંત્રિક રીતે, ગતાનુગતિક રીતે કળાના – કાવ્યના સંપર્કમાં આવતાં રહે છે. પણ માણસ જ્યારે ખરેખર કાવ્ય વાંચતો હોય છે, એ ચાહીને કોઈ પુસ્તક ખરીદતો હોય છે, ચાહીને કાવ્ય વાંચવા બેસતો હોય ત્યારે તેનામાં એક ગૂઢ અવ્યક્ત અભિમુખતા કામ કરતી હોય છે. એનું ચૈતન્ય કોઈ અદૃષ્ટપૂર્વ, અકલ્પિત વસ્તુ તરફ ખુલ્લું બને છે, અને જીવનના કોઈ અવનવીન તત્ત્વ સાથે, કોઈ અનનુભૂત અનુભૂતિ સાથે રસની, સૌન્દર્યની, સત્યની કોઈ નવી ઝલક અને નવી ગતિ સાથે તે સંપર્કમાં આવે છે. આ વસ્તુઓ તેનામાં ઝિલાય છે, સીંચાય છે, અને એ કાવ્યના પરિશીલનને અંતે તે એક વિશેષ સમૃદ્ધ વ્યકિત બનીને બહાર આવે છે. – આ વૃદ્ધિ અને વિકાસની ગતિ સૂક્ષ્મ હોય છે. છતાં એ બધા સંસ્કારોના સંચયમાંથી કોઈ વાર ધીમે ધીમે અદૃશ્ય રીતે તો કોઈ વાર એકદમ વીજળીના ઝબકારાની પેઠે માણસમાં કંઈ નવીન તત્ત્વની સ્થાપના બને છે.

ત્રણ યાત્રિકો

અને આમ આ બધાં સર્જકોનું આપણે ખુશીથી એક સંમેલન કરી શકીએ છીએ. આખુંય જીવન એક મહા સત્ય તરફ, કોઈ મહા રસ અને સૌન્દર્ય તરફ ગતિમાન બની રહેલું છે. એ સત્ય અને સૌન્દર્ય, રસ અને આનંદ એક રીતે તો જગત ઉપર જાણે ઝૂલી રહેલાં છે અને માણસો તેમને ઝીલે તેની રાહ જોતાં હોય છે. એ ઝીલનારાઓમાં પ્રથમ તે કવિ છે, અદૃષ્ટ અને અનનુભૂતને તે પ્રથમ જુએ છે, અનુભવે છે અને કલકલ કંઠે માનવતા આગળ તેનો સંદેશ તે રેલાવે છે, હવામાં તરતી અને ફરતી સૃષ્ટિને તે પૃથ્વી ઉપર ઉતારે છે, જગતનાં સમતલ સમથળ પાણીમાં તે નવી નવી છોળો ઉછાળે છે. અને વિવેચક આ સૌન્દર્ય અને રસના મહા સમારોહનો મંડપ જાણે સાચવીને ઊભો રહે છે. એના સ્વસ્થ, ગંભીર પ્રજ્ઞામંડિત ચિત્ત વડે તે આ બધી ગતિઓને આલોકિત કરતો રહે છે અને કવિમુખે જે વ્યક્ત બન્યું છે તેને તે વધુ વ્યક્ત કરી આપે છે, કવિએ સાકાર કરેલા સૌન્દર્યને તે વધુ સાકાર કરી આપે છે, કવિએ આલેખેલી રેખાઓને તે વધારે સુરેખ કરી આપે છે. આ બે જણ મળીને વિશ્વની સૌન્દર્યનૌકાનાં સઢ અને સુકાન જાણે સાચવે છે અને એ નૌકામાં બેસી પૃથ્વીની માનવતા પોતાની આનંદયાત્રા આદરે છે. અને એ આનંદ તે કોઈ ક્ષણિક મનોભાવ કે ચંચલ વૃત્તિવિલાસ નથી. એ આનંદ જીવનની પરમ પુષ્ટિ છે. અન્ન પાણી અને હવા પ્રકાશ કરતાં પણ આ આનંદ જીવનને વધુ પુષ્ટ અને સમર્થ કરે છે. અને આ રીતે તે જીવનની એક સુસમૃદ્ધ સુપુષ્ટ સ્થિતિ બની રહે છે. આમ જીવનમાત્રની મહાયાત્રાના આ ત્રણ પ્રધાન યાત્રિકો છે : સર્જક, વિવેચક અને અભિભાવક. આ યાત્રાના મહાસંઘમાં આમ તો બીજા પણ મહા યાત્રીઓ છે. જીવનમાં કર્મપુરુષો છે, દ્રષ્ટા પુરુષો છે, મહા સંયોજકો છે, વિશ્વકર્માઓ છે અને વ્યવહારની ભૂમિકા તો આખી એમનાથી જ ભરાયેલી લાગે છે. જગતનું વિધાન તો કોઈ દ્રષ્ટાના મહામંત્ર પ્રમાણે થતું રહે છે. દ્રષ્ટાને સત્ય દેખાય છે અને તેની માંડણી કરનારા પછી મહારથીઓ નીકળી પડે છે. અરણ્યો કપાય છે, પ્રાસાદો રચાય છે, સંગ્રામો ખેડાય છે, સમાજો સર્જાય છે. પણ એ અનિવાર્ય મહા કોલાહલની ઉપર સર્જકનો અવાજ એક શામક આહ્‌લાદક પ્રેરક મંત્રની માફક વિસ્તરે છે. યુદ્ધની છાવણીમાં રાત પડે છે ને વાર્તાઓ મંડાય છે, ગીત ગુંજે છે. અને આમ જુઓ તો જે મહાદ્રષ્ટા છે તે કવિ જ છે. પરમાત્માનું વર્ણન પ્રથમ ‘કવિ’ શબ્દથી થાય છે. ‘કવિર્મનીષી પરિભૂઃ સ્વયંભૂઃ |’ કવિ તે જ મનીષી થાય છે. કૃષ્ણ મંત્ર આપે છે, તેમાંથી જ મહાભારતનો વ્યૂહ રચાય છે, અને એમને શંખધ્વનિ જ,–પહેલાં જેની વેણુ અપરૂપ માધુર્ય સર્જતી હતી તેનો જ હવે શંખ-યોદ્ધાનાં અંતઃકરણને ઉદ્રિક્ત કરે છે. આમ એક જ આદિ તત્ત્વ ક્રમે ક્રમે નવાં રૂપે, નવાં કર્તવ્યો, નવા ધર્મો ધારણ કરતું અવતરિત થાય છે, અભિવ્યક્ત થાય છે. અને એ પ્રત્યેક અભિવ્યક્તિને પોતાની અનન્યતા હોય છે. આમ સર્જકની, વિવેચકની અને વાચકની પણ અનન્યતા છે. જગતમાં મહા સર્જકોનાં, મહા વિવેચકનાં નામાંકનો થયાં છે, પણ જગતમાં નામાંકન થયા વિનાના મહા વાચકો પણ છે, અને એ પણ ભલે ઓછા ગવાયા હોય તોયે જગતની સાંગોપાંગ સમૃદ્ધિના અનન્ય સર્જકો છે, આપણે આ ત્રણેને નમસ્કાર કરીશું, જેમાંથી કોઈ એક તરીકે તો આપણે આપણી જાતને જ નમસ્કાર કરતા હોઈશું!

(૧૪-૭-’૫૮; ૧૫-૭-’૬૩)