સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૩.૩ (પ્રેમાનંદનું) ‘નળાખ્યાન’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩.૩
[પ્રેમાનંદનું] ‘નળાખ્યાન’

‘નળાખ્યાન’ પ્રેમાનંદનાં આખ્યાનોમાં વિશિષ્ટ સ્થાન ભોગવે છે. કેટલાકને મતે પ્રેમાનંદનું એ શ્રેષ્ઠ આખ્યાન છે. કંઈક વિશેષ પ્રમાણમાં રહેલો કથારસ, માંડી-મલાવીને વાત કહેવાની કળા, વસ્તુનો ધીમો સરલ સુરેખ પ્રવાહ, વર્ણનોમાં છલકાતો સંસ્કૃત કથાકારોની રીતિનો વાગ્વિલાસ, ઘેરાં અને લોકગમ્ય પ્રસંગાલેખન અને ભાવાલેખન – આ બધાને કારણે, મુનશીના શબ્દોમાં કહીએ તો, “પરંપરાગત નમૂનાની એક ઉત્તમ કૃતિ (masterpiece) સર્જવાનો એમાં પ્રયત્ન” દેખાય છે.૧ [1] આમ છતાં ‘સુદામાચરિત્ર’ અને ‘મામેરું’ જેવાં રસઘન આખ્યાનોથી એ જુદું તરી આવતું લાગે. પણ સંભવ છે કે ‘નળાખ્યાન’ વધારે લોકપ્રિય બને. મધ્યકાળની ગુજરાતી નળકથા ‘મહાભારત’ની નળકથાથી એકબે બાબતમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. એક તો, એમાં મત્સ્યસંજીવન અને હારચોરીના પ્રસંગો ઉમેરાય છે, જેથી કથારસ વધે છે અને નળદમયંતી – ખાસ કરીને દમયંતી – પ૨ પડેલી વિપત્તિમાં વધારો થતાં કરુણરસ ઘેરો બને છે. આ ઉપરાંત, મત્સ્યસંજીવનનો પ્રસંગ નળના મનમાં દમયંતી વિષે અવિશ્વાસનું એક બીજ રોપે છે, જેનો ઉપયોગ – કદાચ દુરુપયોગ – કરીને પ્રેમાનંદ નળને એક સામાન્ય પ્રાકૃત માણસની પેઠે વિચારતો-વર્તતો બનાવી દે છે. બીજું, ઘણા પ્રસંગોનું કર્તૃત્વ કળિમાં આરોપાય છે – વાવ, સરોવર, વાડી ઉજાડી મૂકનાર કળિ. વનમાંથી દમયંતીનાં પગલાં ભૂંસી નાખનાર કળિ. હારની ચોરી કરનાર પણ કળિ. સર્પ, બગલો, છરી, જોગી, સિંહ, જોષી બનીને આવનાર પણ કળિ. આથી, નળના દોષોનો બચાવ થઈ શકે છે, નળદમયંતી વધારે દયાપાત્ર લાગે છે અને કથામાં અદ્‌ભુતરસ વધે છે, પણ એકંદરે માનવવર્તનની સાહજિકતા અળપાય છે, પાત્રો કલિનાં સોગઠાં હોય એવું લાગે છે અને પ્રસંગો કૃત્રિમ અને તાલમેલિયા લાગ્યા કરે છે. મધ્યકાળના કથાકારોને અને પ્રેમાનંદને સ્થૂળ ચમત્કારોનું કેટલું બધું આકર્ષણ હતું તે આ પરથી સમજાય છે. ૬૫ કડવાંની આ કૃતિ આમ જોઈએ તો એના વસ્તુના પ્રમાણમાં પથરાટવાળી લાગે. તેમાંયે નળદમયંતીનાં લગ્ન સુધીની વાત જ અર્ધું આખ્યાન રોકે છે. આ વિસ્તાર આપણને અસહ્ય નથી લાગતો, ઊલટું કેટલેક ઠેકાણે તો એ રમણીય બન્યો છે. એનું કારણ પ્રેમાનંદે અહીં યોજેલી એક વિશિષ્ટ વર્ણનરીતિ છે. સંસ્કૃત મહાકાવ્ય અને ગદ્યકાવ્યની અલંકારપ્રચુર વર્ણનશૈલીમાં પ્રેમાનંદ પાત્રોનાં રૂપગુણનાં ભભકભર્યાં ચિત્રો આલેખે છે. આ જાતનાં વર્ણનોમાં કૃત્રિમતા અને અત્યુક્તિ આવ્યા વિના રહે નહિ. છતાં એમાંની કલ્પનાઓ પ્રેમાનંદની તરંગશક્તિની, વિદગ્ધતાની અને વિનોદવૃત્તિની પ્રતીતિ આપણને અવારનવાર કરાવે છે. પ્રેમાનંદને સંસ્કૃત શૈલીનો વાગ્વૈભવ પણ કેટલો સહજ છે એનો ખ્યાલ આવે છે. પ્રેમાનંદનો વાગ્વૈભવ અહીં કેટલો છલકાય છે એનો ખ્યાલ તો એના પરથી આવશે કે એ દમયંતીનું રૂપવર્ણન ત્રણત્રણ વાર કરે છે – કુલ લગભગ ૧૫૦ લીટીમાં. એમાં એક વાર તો શબ્દાનુપ્રાસની રમઝટ મચાવે છે. અરે, આદર્શ રાજ્યતંત્રનાં પણ ત્રણ વાર વર્ણનો આવે છે અને એમાં કેટલીક કલ્પનાઓ પુનરાવર્તન પણ પામે છે. વર્ણનોમાં અસંગત રેખાઓ પણ આવી જાય છે. નળને શોધતી દમયંતી “અરધું પટકૂળ પહેરિયું” એમ કહેવાની સાથે “કંઠે મોતીનું લહેરિયું”, “મુગટે માણેક ઝળકતાં” એવું વર્ણન પણ કરે છે! આ જાતની વર્ણનછટા પ્રેમાનંદના આ આખ્યાનમાં જ, અને તે પણ મુખ્યત્વે આખ્યાનના પૂર્વાર્ધમાં દેખાય છે તે બતાવે છે કે અહીં ‘નૈષધીયચરિત’ની અસર કામ કરી રહી છે. પ્રેમાનંદે અલબત્ત ‘નૈષધીયચરિત’ની કલ્પનાઓ સીધેસીધી ઓછી વાપરી છે પણ એના સંસ્કારોએ પ્રેમાનંદના ચિત્તને ઉત્તેજિત કર્યું છે. પ્રેમાનંદે ‘નળાખ્યાન’નું આયોજન બે અડધિયામાં કર્યું છે એ તરત નજરે ચડે એવી વસ્તુ છે. નળદમયંતીના પરિણયની કથા અને એમના પર પડેલી વિપત્તિઓની કથા. બંને કથાભાગોનું વાતાવરણ જુદું હોય એ તો સમજાય એવું છે. પણ બંને કથાભાગોની શૈલી પણ જુદી પડી જાય છે, કેમ કે ઉત્તરાર્ધ બહુધા કથનાત્મક છે અને જ્યાં વર્ણનાત્મક છે ત્યાં પ્રેમાનંદની સાદી નિરલંકાર શૈલી જ દેખા દે છે. આપણને ખૂંચે છે તે તો એ કે પ્રેમાનંદ પહેલા કથાભાગમાંથી બીજા કથાભાગમાં અત્યંત ઉતાવળે અને અણધારી રીતે સરી જાય છે. આથી બન્યું છે એવું કે પ્રેમાનંદે નળદમયંતીનાં રૂપગુણનાં ભભકભર્યાં વર્ણનો કરી, બંનેના મનમાં એકબીજા માટે ઉત્કટ અભિલાષા જગાડી. દેવોનેય અવગણીને બંનેને પરણતાં બતાવ્યાં, પરંતુ એમના પરિણીત જીવનને – સંયોગશૃંગારને નિરૂપવાની તો તક જ ન લીધી! આ બાબતમાં ‘નૈષધીયચરિત’માંથી પ્રેમાનંદને પ્રેરણા મળી શકી હોત, પરંતુ પ્રેમાનંદે ‘નૈષધીયચરિત’ના સંસ્કાર ભાલણ મારફતે મેળવ્યા હોય કે ગમે તેમ. પણ એનું લક્ષ આ તરફ ગયું નથી. નળદમયંતીના પ્રેમ અને પરિણયની કથા, છતાં એના સંયોગશૃંગારની એક રેખાયે ન આવે એ માની શકાય એવું નથી. છતાં એ એક હકીકત છે. અહીં નિરૂપાયો છે તે તો છે અભિલાષનિમિત્તક વિપ્રલંભશૃંગાર. એ પણ બહુધા નળદમયંતીનાં રૂપગુણનાં વર્ણનો પર નિર્ભર છે. છતાં અવારનવાર નળદમયંતીના પરસ્પરના ઔત્સુક્યની, હૃદયની ઋજુતાની, દીનતાની, વિવશતાની, વિરહની પીડાની જે રેખાઓ દોરાતી આવે છે તે હૃદયંગમ છે. અર્ધા કાવ્યને વ્યાપીને પડેલી, ભલે વિપ્રલંભ પ્રકારનો પણ, શૃંગારરસ, છતાં નળાખ્યાનની કથા પ્રેમનું મધુર ચિત્ર આપવા માટે યોજાઈ નથી. એ પ્રેમના ચિત્ર પર નિયતિની કાળી છાયા કેવી ઊતરે છે એ બતાવવા યોજાયેલી છે. એટલે રામચંદ્ર શુક્લ કહે છે તેમ “૨૮ કડવાં સુધી દુઃખનું નામ પણ ન સાંભળતાં યુધિષ્ઠિર ગભરાયા હશે.”૨ [2] ‘નળાખ્યાન’નું તાત્પર્ય કરુણરસનું છે અને એ રીતે કરુણરસને આપણે ‘નળાખ્યાન’નો મુખ્ય રસ કહી શકીએ. મર્મવેધી અને આર્દ્રકરુણની રેખાઓ અહીંતહીં પડેલી છે – “હરિ હું ક્યહીંએ નથી સમાતી.” એ દમયંતીનો ઉદ્‌ગાર જુઓ, બાહુક પોતાના પુત્રોને જોઈ ગળગળો થાય છે એ પ્રસંગ જુઓ; છતાં સ્થૂળ, ઘેરા, નાટકી – ‘મેલોડ્રામેટિક’ કરુણ તરફનું પ્રેમાનંદનું વલણ અહીં તીવ્રતાથી વ્યક્ત થાય છે. વિપત્તિઓની પરંપરા યોજીને પ્રેમાનંદને સંતોષ થતો નથી; એ દમયંતીને વેપારીઓ પાસે ગડદાપાટુ ખવડાવે છે, સુદેવને જોતાંવેંત દમયંતીને મૂર્છા પામતી બતાવે છે તથા દમયંતીની માસી અને ઋતુપર્ણ બંનેને, પોતે કંઈક ખોટું કર્યું છે એમ લાગતાં, મરવાની અણી સુધી લઈ જાય છે. કરુણનું ગાન પ્રેમાનંદ કંઈક મોટા અવાજે, તારસ્વરે – કહો કે ઢોલ પીટીને – અને વળ ચડાવીને વણથાક્યો કરે છે. ‘નળાખ્યાન’ના હાસ્યમાંયે સ્થૂળ અતિરંજક ‘ફાર્સિકલ’ તત્ત્વો છે. દેવોને વાનરમુખા ને રીંછમુખા એ બનાવે છે. ઋતુપર્ણને બાહુકને કરગરતો, રથની આસપાસ એની પૂંઠે ફરતો બતાવે છે. બાહુકને સરડકા તાણતો અને ટૂંકડા કર નચાવતો વર્ણવે છે. દેહાદિની વિકૃતિ અને સ્થૂળ ચેષ્ટાઓમાંથી જન્મતું આ હાસ્ય બહુ ઊંચી કોટિનું નથી, છતાં પ્રેમાનંદ એ ચેષ્ટાઓને કેટલીક માનવવૃત્તિઓના આવિષ્કાર તરીકે નિરૂપીને હાસ્યને ઊંચી કોટિએ લઈ જાય છે. દેવો કેવા ઈર્ષાળુ છે! ઋતુપર્ણ કેવો ગરજુ છે! ખરેખર હાસ્યપાત્ર એમની ચેષ્ટાઓ નથી પણ આ વૃત્તિઓ છે. હાસ્ય પણ અહીં પ્રચુરતાથી અને પ્રસ્તારથી વર્ણવાયેલો રસ છે, પણ કરુણની પેઠે એ કથનનિર્ભર નથી; એનો આધાર કવિનો અવાજ નથી, પણ એની આંખ છે. હાસ્યના ભર્યાંભર્યાં પ્રત્યક્ષ ચિત્રો પ્રેમાનંદ ઉપજાવે છે. દમયંતીના સ્વયંવર વખતે લગ્નોત્સુક રાજવીઓ અને દેવોનાં કેવાં અને કેટલાં બધા ઠઠ્ઠાચિત્રો પ્રેમાનંદે દોર્યાં છે! દમયંતીના સ્વયંવરના સમાચાર આવતાં ઋતુપર્ણ જે અકળામણ અનુભવે છે તે જુઓ, બાહુક જે છણકા કરે છે અને ઋતુપર્ણ એને જે રીતે મનાવે છે એ જુઓ, બાહુકે રથને જોતરેલાં ચાર કોડીનાં ટાટવાં જુઓ અને અંતે રચાયેલો વરઘોડો જુઓ! પ્રેમાનંદનું સર્જકકર્મ હાસ્યમાં વિશેષ પ્રગટ થયું હોય એમ લાગે છે. પ્રેમાનંદ માણસના વિકૃત વર્તનમાંથી જ નહિ પણ સ્વાભાવિક વર્તનમાંથી પણ હાસ્ય જન્માવી શકે છે. અથવા કહો કે માણસના ભિન્નભિન્ન સહજ ભાવોને એ વિનોદથી રસી શકે છે. દમયંતી હંસને નળ “પરણ્યો છે કે કુંવારો?” એમ પૂછે છે એમાં એનું ઔત્સુક્ય વિનોદી રીતે છતું થાય છે. અરે, દમયંતીના વિરહમાં સંતાપ અનુભવતા બાહુકના કરુણને પણ પડોશીઓની નજરે જોઈ (“વારુ થયું જે વિપત પડી, આ ભૂતથી છૂટી બાપડી”) પ્રેમાનંદ હાસ્યના ચિત્રમાં પલટાવી દે છે ને! હંસ અને નારદ દ્વારા પ્રેમાનંદે કેટલોક ચતુરાઈભર્યો મર્માળો વિનોદ પણ મૂક્યો છે. છતાં ‘નળાખ્યાન’નું હાસ્ય મુખ્યત્વે કટાક્ષમય ચિત્રોનું હાસ્ય છે અને પ્રેમાનંદનું હાસ્યનું વૈવિધ્ય અહીં બહુ દેખાતું નથી. ‘સુદામાચરિત’, ‘મામેરું’ કે ‘દશમસ્કંધ’માં સ્વાભાવિક માનવલાગણીઓના યથાર્થ નિરૂપણમાંથી અવારનવાર જે સૂક્ષ્મ હાસ્ય પ્રગટે છે એની ઓછપ અહીં ખાસ વરતાય છે. ‘નળાખ્યાન’ના કરુણમાં પ્રેમાનંદનો ખુલ્લો અવાજ છે, તો હાસ્યમાં એણે ખુલ્લા રંગો પ્રયોજ્યા છે. પ્રેમાનંદ એની જનસ્વભાવની સૂઝ માટે પંકાય છે. પણ ભભકભરી વર્ણનછટાઓ અને વિસ્તારી રસનિરૂપણની શૈલીને કારણે જનસ્વભાવની ઝીણી લાક્ષણિક – માર્મિક રેખાઓ દોરવાનું એનાથી અહીં બહુ શક્ય નથી બન્યું. ક્વચિત્‌ દમયંતી ભીમકના નગરમાં આવે છે તે પ્રસંગે બન્યું છે તેમ કુટુંબભાવની સરસ રેખાઓ ઉપસાવવાની એ તક લે છે. માનવસ્વભાવના અનેક મધુર અંશો – વિદગ્ધતા, સ્નેહાર્દ્રતા, વફાદારી અને સૌંદર્યભક્તિ – હંસમાં આરોપીને પણ એક અત્યંત સજીવ અને હૃદયંગમ વ્યક્તિત્વ ઊભું કર્યું છે, પણ હંસ કંઈ ‘નળાખ્યાન’નું મુખ્ય પાત્ર નથી. મુખ્ય પાત્રો તો નળ અને દમયંતી છે. એ બંનેનાં આરંભનાં ચિત્રો તે મુગ્ધ યુવાનયુવતીનાં ચિત્રો છે. એમાં કોઈ ખાસ વિશિષ્ટ કે નવીન ચમત્કારક રેખા અંકાયેલી નથી. ત્યારે અને પછીથી દમયંતીની નળ પ્રત્યેની અચલ પ્રેમભક્તિની ભાવનાને પ્રગટ કરવા તરફ પ્રેમાનંદે ઠીક લક્ષ આપ્યું છે – એટલું કે ‘નળાખ્યાન’ને ‘દમયંતીઆખ્યાન’ કહેવાનું મન થાય, પણ આ તો આર્ય સ્ત્રીની લાક્ષણિક ભાવના છે અને પ્રેમાનંદને હાથે એ ક્યાંય નવીન રીતે આવિષ્કાર પામી નથી. રામનારાયણ પાઠકને આ કાવ્યમાં શરીરને અતિક્રમી જતા દામ્પત્યસ્નેહના વિકાસનો જે ધ્વનિ ફલિત થતો લાગેલો તે હકીકતમાં આર્ય સ્ત્રીને સહજ એવી પતિનિષ્ઠા છે, જે એને બાહુક રૂપે રહેલા નળનો સ્વીકાર કરવા પ્રેરે છે.૩ [3] નળના ચરિત્રમાં કેટલીક શક્યતાઓ હતી. એની દ્વિધાવૃત્તિને વાચા આપીને પ્રેમાનંદે એ શક્યતાનો થોડો ઉપયોગ પણ કર્યો છે. પરંતુ અતિઘેરા રંગોથી અને બાહુક તરીકે ઋતુપર્ણ અને દમયંતી સાથે કરેલા ગ્રામ્ય તોછડા વર્તનથી એ ચરિત્ર વિશિષ્ટ બનવાને બદલે અશિષ્ટ બની જાય છે. રામચંદ્ર શુક્લ સાચું કહે છે કે “બાહુકના જનમનરંજન માટે ઉત્પન્ન કરવામાં આવેલું પાત્ર – કરુણ પાત્ર નળનું વિનાશક બને છે.”૪ [4]આપણે ઉમેરી શકીએ કે પ્રણયી નળનું પણ એ વિનાશક બને છે. એકાદ નાનકડી ક્રિયા, સાહજિક વર્તન કે માર્મિક ઉક્તિથી પાત્રના સ્વભાવઅંશોને મૂર્ત કરવાની પ્રેમાનંદની કલાની ઝાંખી અહીં પણ થયા વિના રહેતી નથી. દમયંતીના આભિજાત્યને, એની કુલીનતાને એ “આવાસ ન આણ્યાં આંખડી તળે” એવી એક નાનકડી પંક્તિથી આપણને પ્રત્યક્ષ કરાવી દે છે, પણ આવું કેટલુંક વર્ણનની ભભકમાં અને રસના ઓઘમાં દબાયેલું રહે છે. ‘નળાખ્યાન’ની સંકલના બહુ સુશ્લિષ્ટ નથી. એમાંથી કોઈ અનન્ય સુસંગત ચરિત્ર ઊભું થતું નથી, એના રસોમાં અતિરંજકત્વ છે, છતાં પ્રેમાનંદે આ આખ્યાનમાં પોતાનો જીવ રેડ્યો છે એમ લાગ્યા વિના રહેતું નથી. આખ્યાન તો ગાવાનો સાહિત્યપ્રકાર. અહીં પ્રેમાનંદે કેવા ભિન્નભિન્ન રાગો પ્રયોજ્યા છે અને કેવી ભિન્નભિન્ન રીતે એ ગાતો હશે! કદાચ ગાનના તાનમાં જ પ્રેમાનંદે વર્ણનોને લડાવ્યાં છે અને રસોને દોહરાવ્યા છે. એણે આ આખ્યાનનો વિચાર ગાન-અભિનયની સંજ્ઞા(term)માં જ કર્યો જણાય છે. અને તેથી જ એક જાતની આગવી આબોહવા અહીં સર્જાયેલી દેખાય છે. આ આબોહવાનું એક લક્ષણ અતિશયતા છે. પણ એ અતિશયતા પ્રેમાનંદની સર્જકતાનો ઉલ્લાસ બતાવે છે. અહીં કંઈ ફિક્કું કે નિઃસાર નથી. કદાચ લોકસમૂહ પાસે ગાનઅભિનયથી રજૂ કરવાના આખ્યાન માટે આ પ્રકારની આબોહવા અને આ જાતનો આકાર વધારે અનુકૂળ પણ હોય. ‘મામેરું’ જેવી કૃતિ સાંભળતાં શ્રોતાઓ ક્યારેક સ્તબ્ધ બને, ક્યારેક એમનું હૈયું ભારે થાય, ક્યારેક તેઓ મરકમરક હસે; પરંતુ ‘નળાખ્યાન’ સાંભળતાં તો શ્રોતાઓ વાહવાહ કરે, પેટ પકડીને હસે અને હીબકાં પણ ભરે.

સંદર્ભનોંધો :

  1. ૧. ‘ગુજરાત ઍન્ડ ઇટ્‌સ લિટરેચર’, પૃ. ૨૪૫
  2. ૨. ‘ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન’, પૃ. ૧૪૩
  3. ૩. રામનારાયણ પાઠકના મત માટે જુઓ ‘કાવ્યની શક્તિ’, પૃ. ૧૨૧-૨ અને એના પરિહાર માટે જુઓ ઉપેન્દ્ર પંડ્યા, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ : ૨૦મું સંમેલન, હેવાલ’, પૃ. ૧૭૭-૧૮૮.
  4. ૪. ‘ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન’, પૃ. ૧૪૪

[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ગ્રંથ બીજો (૧૯૭૫)માંથી સંકલિત]

[‘અનુક્રમ’, ૧૯૭૫]

*