સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૪.૧ કાવ્યમાં શબ્દ (વિવેચન) : હરિવલ્લભ ભાયાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વિભાગ-૧ : સાહિત્યવિચાર

૪.૧
‘કાવ્યમાં શબ્દ’, હરિવલ્લભ ભાયાણી, ૧૯૬૮

નાનાં ડગ, પણ સ્થિર અને ચોક્કસ ગુજરાતીમાં સાહિત્યતત્ત્વની મીમાંસા વૈજ્ઞાનિક રીતે થતી નથી એ વિશે મેં બે વર્ષ પહેલાં ‘મેઘાણીની વિવેચનપ્રવૃત્તિ’ વિશે લખતાં ટકોર કરેલી. સાહિત્યતત્ત્વ વિશેનાં સર્વસામાન્ય ચીલાચાલુ અર્ધસત્યોનાં ગોળગોળ અને ઘણી વાર કવેતાઈ ઉચ્ચારણોથી આપણે બહુધા સંતુષ્ટ રહીએ છીએ અને કોઈ વાર આવેશમય પક્ષિલ આત્યંતિક વાદસૂત્રો સાંભળવા મળે તો એથી આપણે અંજાઈ જઈએ છીએ. અન્ય વિજ્ઞાનોની મદદથી સાહિત્યતત્ત્વને સમજવાના જે સમર્થ પ્રયત્નો પશ્ચિમમાં થાય છે તેની ઝાંખી પણ આપણે ત્યાં થતી નથી. આવી સ્થિતિમાં ડૉ. ભાયાણી એમના આ લઘુગ્રંથમાં વિશ્લેષણમૂલક સાહિત્યતત્ત્વચર્ચાના જે થોડા નમૂનાઓ આપે છે તે ઘટના ખરે જ ખૂબ આનંદ ઉપજાવે છે અને ગુજરાતી વિવેચનને આમાંથી એક દિશા સાંપડી રહેશે એવી અપેક્ષા જાગે છે. ભાષાવિજ્ઞાની ડૉ. ભાયાણીને નામે સાહિત્યચર્ચાનો ગ્રંથ જોઈ પહેલાં તો કોઈને ‘વસ્તુને શું જાણે વ્યાકરણી?’ એવો ભાવ કદાચ થાય, (અમારા ગ્રંથાલયમાં ‘કાવ્યમાં શબ્દ’ને વ્યાકરણવિભાગમાં મૂકી દેવામાં આવેલું. ‘શબ્દ’ વિશેનો ગ્રંથ અને લેખક ડૉ. ભાયાણી, એટલે બીજું શું થાય? ડૉ. ભાયાણીને વળી કાવ્ય સાથે શું લેવાદેવા?) પરંતુ આ ગ્રંથ વાંચ્યા પછી અવશ્ય લાગશે કે વસ્તુને વ્યાકરણી જે રીતે જુએ છે – જાણે છે એ પણ જાણવા જેવું છે અને વસ્તુના મર્મ સુધી પહોંચવામાં મદદરૂપ થાય એવું છે. ભાષાવિજ્ઞાનીનો લખેલો આ ગ્રંથ છે એ કંઈ અછતું રહે તેવું નથી. અહીં શબ્દ, અર્થ, છંદ, લય, શૈલી, પદ્યનાટક (‘પદ્ય’ ઉપર ભાર છે) આદિના – એટલે કે સાહિત્યના જેને શૈલીગત અંશો કહીએ એની ચર્ચા કરતા લેખોનું મોટું પ્રમાણ એ હકીકતની પ્રતીતિ કરાવી રહે છે. અને ભાષાવિજ્ઞાની પોતાની ભાષાવિષયક જાણકારીને સાહિત્યના કોઈ મુદ્દાને અજવાળી આપવા કેવી કામે લગાડી શકે છે તે પણ અહીં જોવા મળે છે. એક જ સાદું ઉદાહરણ લઈએ : ‘છંદ અને ભાષા’ એ લેખમાં ડૉ. ભાયાણી બતાવે છે કે દૃઢ નિયંત્રણોવાળાં અક્ષરમેળ વૃત્તો સંસ્કૃત કવિતાને બહુ નડે તેમ ન હતાં, કેમ કે સંસ્કૃત રૂપરચનાપ્રધાન અને સમાસપ્રવણ ભાષા હતી. છતાં “સંસ્કૃતને આની કિંમત જબરી ચૂકવવી પડી છે. ત્યારે ગુજરાતીમાં તો ‘સંસ્કૃત વૃત્તોના દૃઢબંધે ગુજરાતી કાવ્યભાષાને વ્યવહારભાષાની તુલનાએ ઉચ્ચારણ, શબ્દભંડોળ અને શબ્દવિન્યાસની બાબતમાં વધુ પડતી ‘કૃત્રિમ’ બનાવી, અભિવ્યક્તિની કેટલીક ગૂંગળામણ સરજી અને કાવ્યને વિશાળ વર્ગથી દૂર રાખવામાં ફાળો આપ્યો.” ડૉ. ભાયાણીનું આ પૃથક્કરણ યથાર્થ છે એમ કોણ નહીં કહે? પરંતુ આ સંગ્રહમાં સાહિત્યના શૈલીગત અંશોની ચર્ચા કરતા જ લેખો નથી; સુંદરતા, આકૃતિ, નવલકથા, ટૂંકી વાર્તા, સર્જનપ્રક્રિયા, સર્જનનાં પ્રયોજનો આદિ વિષયોને લગતા લેખો પણ છે. એ ડૉ. ભાયાણીનું એક બીજું જ પાસું આપણી સમક્ષ પ્રગટ કરે છે. ડૉ. ભાયાણી માત્ર ભાષાવિજ્ઞાની ને સાહિત્યના અભ્યાસી નથી, સૌન્દર્યશાસ્ત્ર – કલાશાસ્ત્રમાં પણ એમની જિજ્ઞાસા અને જાણકારી છે. ડૉ. ભાયાણીના સંસર્ગમાં આવનાર સૌ કોઈ જાણે છે કે તેઓ પશ્ચિમના કલાશાસ્ત્રના અદ્યતન પ્રવાહોના સંપર્કમાં રહે છે અને ઉપર્યુક્ત લેખો એ હકીકતની સાક્ષી પૂરે છે. ભાષાશાસ્ત્રમાંથી ડૉ. ભાયાણી સૌન્દર્યશાસ્ત્રમાં કેવી રીતે પહોંચ્યા એ આપણે જાણતા નથી, પરંતુ એક કારણ એ હોઈ શકે કે બન્ને શાસ્ત્રોને માનવચિત્તના અનુભવો સાથે કોઈ ને કોઈ રીતનો સંબંધ છે. ભાષા અનુભવનું પ્રતીકીકરણ છે; સૌન્દર્ય કે કલા અનુભવનું રૂપવિધાન છે. બન્નેની સીમાઓ ક્યાંક એકબીજીને સ્પર્શતી પણ હોય. આ લખાણોમાં વિષયપસંદગીમાં અને વિષયની ચર્ચામાં ડૉ. ભાયાણી પોતાની આગવી ભાત ઊભી કરે છે. જરાયે મહત્ત્વાકાંક્ષી બન્યા વિના ડૉ. ભાયાણી સાહિત્યનો નાનકડો મુદ્દો હાથમાં – કે મનમાં લે છે, એનો પોતે કયા દૃષ્ટિકોણથી વિચાર કરવા માગે છે તે નક્કી કરી રાખે છે અને પછી જેટલું સાધાર અને સયુક્તિક કહી શકાય તથા કહેવું અનિવાર્ય હોય એટલું જ કહે છે. આથી એમનું એકેએક કથન સાભિપ્રાય બની રહે છે. કશુંયે ઉભડક, અદ્ધર, અછડતું રહી જતું લાગતું નથી અને લખાણ સ્પષ્ટરેખ અને તર્કબદ્ધ બને છે.૧ [1] લેખો સરેરાશ દશ પાનાંના છે, અને કોઈ કોઈ લેખ તો પાંચ-છ પાનાંના જ છે (એક લેખ તો દોઢ-બે પાનાંનો છે) એ હકીકતનું રહસ્ય આ વાતમાં રહેલું છે. “મારે એક ડગલું બસ થાય” એવી વૃત્તિથી ડૉ. ભાયાણી લખે છે, પરંતુ એમનું એકેએક ડગલું ચોક્કસ અને સ્થિર હોય છે, આપણને કંઈક ને કંઈક આગળ લઈ જાય છે. અત્રત્ય અને પાશ્ચાત્ય વિવેચકોનાં મંતવ્યો ટાંકીને કાવ્યાર્થની અનન્યતાની આજે હવે સ્વયંપ્રતીત લાગતી વાતને રજૂ કરતો લેખ ‘કાવ્યાર્થ’ કદાચ ખાસ નોંધપાત્ર ન લાગે. બાકી અહીંનો એકેએક લેખ કાં તો આપણી સમજણને સ્વચ્છ કરી જાય છે, કાં તો આપણા મનની કોઈ ગૂંચ દૂર કરી જાય છે, કાં તો નવી જાણકારી આપી જાય છે, કાં કોઈ વિચારપ્રેરક મુદ્દો મૂકી જાય છે. ‘સુંદરતા’ નામક નાનકડો લેખ લો. સુન્દરતાનાં કારણોનું ડૉ. ભાયાણીએ કેવું વિશદ છતાં દ્યોતક પૃથક્કરણ કરી આપ્યું છે! ઘણા લેખો તો સંજ્ઞાવિચારના લેખો છે. વૈજ્ઞાનિકની ચોકસાઈથી ડૉ. ભાયાણી સંજ્ઞાઓને તપાસે છે. એમને વળગેલા અર્થોનું પૃથક્કરણ કરે છે અને એમનું ઔચિત્ય ચર્ચે છે. ‘લય’ શબ્દને અનુપ્રાસ, વર્ણસંવાદ, કાકુ, સંઘટના જેવા ભળતા અર્થમાં આપણે વાપરીએ છીએ એ ડૉ. ભાયાણીએ દૃષ્ટાંતો આપીને બતાવ્યું છે તે આપણા ઘણા નવ્ય વિવેચકોને બોધક બને એવું છે અને ‘અનિયમિત લય’ એવી સંજ્ઞા પણ અમુક અંશ લયબદ્ધ હોય અને અમુક અંશ લયરહિત હોય ત્યારે જ વાપરી શકાય એ એમણે કરેલી સ્પષ્ટતા પણ મહત્ત્વની છે. ‘પરંપરિત ઝૂલણા’ આદિ સંજ્ઞાઓ સામે ડૉ. ભાયાણી વાંધો ઉઠાવે છે તે પણ આપણે મંજૂર રાખ્યા વિના નહીં ચાલે. કોઈપણ છંદના બીજના યથેચ્છ આવર્તનને એ છંદનું નામ કેમ આપી શકાય? આકૃતિની બે પ્રકારની વિભાવનાઓની, ‘છંદોમુક્તિનાં ઇંગિત’ એ લેખમાં ગેયતા, પાઠ્યતા અને પ્રવાહિતાના ખ્યાલોની, અને ‘ઇમેઇજ’ના ગુજરાતી પર્યાયોની ડૉ. ભાયાણીએ કરેલી ચર્ચા પણ નોંધપાત્ર છે. આ સંજ્ઞાચર્ચા કંઈ શબ્દકોશની દૃષ્ટિથી અહીં નથી થઈ, કાવ્યવિચારને સાચા રાહે ચલાવવા માટે થઈ છે, તેથી ડૉ. ભાયાણી કાવ્યકલા કે કાવ્યપરંપરાના સંદર્ભને સ્પર્શ્યા વિના રહેતા નથી. એમ ન કરે તો કેટલીક વાર ગેરસમજૂતી થવાનો સંભવ પણ રહે. દાખલા તરીકે, ‘ઇમેઇજ’ના પર્યાયોની ચર્ચા કર્યા પછી અંતે ડૉ. ભાયાણી કહે છે કે “ઇતર પ્રતિરૂપ અને સૌન્દર્યપરક પ્રતિરૂપ વચ્ચે ફરક સામાન્ય રીતે સ્વરૂપગત નહીં, પણ કાર્યગત હોય છે.” આવો અછડતો નિર્દેશ પણ ડૉ. ભાયાણીની ચોખ્ખી કાવ્યસૂઝ બતાવી આપે છે. છંદોવિચારને લગતા લેખોનું પ્રાચુર્ય આ સંગ્રહમાં ધ્યાન ખેંચે છે : ‘છંદ – સ્થૂળ કે સૂક્ષ્મ?’, ‘છાંદસ-અછાંદસ’, ‘લય’, ‘પરંપરિત’, ‘છંદોમુક્તિનાં ઇંગિત’, ‘યતિ’ અને ‘પદ્યનાટક’. (આમાંથી ત્રણ તો મૂળ એક જ વ્યાખ્યાનના અંશો છે.) તેથી જ આ દિશામાંની ડૉ. ભાયાણીની કામગીરી ખાસ તપાસવા જેવી ગણાય. આ લખાણોમાં ડૉ. ભાયાણીએ લય, પરંપરિત, અછાંદસ વગેરે વિશે આપણાં મનમાં રહેલી કેટલીક ગેરસમજણો દૂર કરવા પ્રવાસ કર્યો છે. અછાંદસમાં બીજા વિવિધ પ્રકારના લયો આવે છે તે બતાવી અછાંદસના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે, ગુજરાતી છંદપ્રયોગોમાં આવેલા મુખ્ય વળાંકો ઝડપથી અવલોક્યા છે. છંદોમુક્તિનું સ્વરૂપ અને તેનાં કારણો ચર્ચ્યાં છે, કાવ્યમાં છંદ કેવી રીતે સમર્પક થઈ અંતર્ગત તત્ત્વ બની જાય છે તે સદૃષ્ટાંત બતાવ્યું છે અને નાટકમાં પદ્ય વાપરવાની સાથે બીજાં કયાં કાવ્યતત્ત્વોની અપેક્ષા ઊભી થાય છે તે દર્શાવી એ કાવ્યતત્ત્વોને નાટકની સિદ્ધિમાં સમર્પક બનાવવામાં પદ્યનાટકની ખરી સમસ્યા રહેલી છે તેવું પ્રતિપાદન કર્યું છે. ઉપરાંત, છંદ જેવાં ઘટકતત્ત્વોની ઉપાદાન લેખે, વિશ્લિષ્ટ રૂપે અને સંશ્લિષ્ટ રૂપે એમ ત્રણ રીતે વિચાર થઈ શકે છે તે સમજાવી ડૉ. ભાયાણીએ છંદોવિચારને યથાયોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યો છે; કાવ્યની પ્રથમ પ્રેરણા છંદોલય રૂપે થતી હોવાની કવિઓએ કરેલી કબૂલાત નોંધી છે તે છંદોલયના મહત્ત્વની દૃષ્ટિએ જ નહીં પણ સર્જનપ્રક્રિયાની દૃષ્ટિએ પણ વિચારપ્રેરક છે તેમ જ માત્રાછંદોના માની લીધેલા ગેયતાદોષ તરફ અને યતિને સ્વરરચના સાથે સંબંધ હોવાના સંભવ તરફ ડૉ. ભાયાણીએ ધ્યાન દોર્યું છે તે પણ ખાસ ધ્યાન આપવા લાયક છે. છંદ અને છંદને લગતી બાબતોની આ બધી ચર્ચા સમગ્ર કાળ-ઘટનાને સમજવા માટે ઉપકારક થાય તેવી છે. એકબે ઠેકાણે મને થોડી મુશ્કેલી વરતાઈ છે તેનો નિર્દેશ કરું. ‘છંદ – સ્થૂળ કે સૂક્ષ્મ?’ એ લેખમાં ડૉ. ભાયાણી છંદની સમર્પકતા બતાવવા પ્રવૃત્ત થયા છે. યતિસ્થાનો અને પ્રાસની સમર્પકતા એમણે સદૃષ્ટાંત ખૂબ સરસ રીતે બતાવી પણ છે પણ પ્રાસની સમર્પકતાની ચર્ચા કર્યા પછી તેઓ કહે છે : “આ બધી અસરોને નિપજાવવામાં તે-તે પંક્તિઓ જે-જે છંદમાં ગોઠવાઈ છે તેમના આરોહ-અવરોહ અને લયોનો મોટો ફાળો છે.” અહીં તે- તે પંક્તિઓના છંદોલયના પૃથક્કરણ દ્વારા આ વાત સિદ્ધ કરવાનું બની શક્યું નથી. ડૉ. ભાયાણી પાસે આ અપેક્ષા રહે જ. ‘છાંદસ-અછાંદસ’ એ લેખમાં “પદ્ય નહીં તે બધું ગદ્ય’ એવી વ્યાખ્યા સામે તેઓ વાંધો લેતા જણાય છે – કેમ કે બધું ગદ્ય એક લાકડીએ હાંકી શકાય એવું નથી હોતું – અને ‘અપદ્યાગદ્ય’ સંજ્ઞાનો સ્વીકાર કરતા જણાય છે; પરંતુ પૃ. ૧૧૪ પર તેઓ કહે છે કે “નિયત કે આવર્તની લય એ પદ્યનું લક્ષણ માનીએ તો, જેનું પિંગળ થઈ શકે તે પદ્ય અને બીજું બધું ગદ્ય એમ જ વિવેક કરવો પડે અને એ માપે ‘અપદ્યાગદ્ય’ ગદ્ય જ ગણાય.” પ્રચલિત અને સ્થૂળ લાગતી સમજ પાછળ પણ કેટલીક વાર કંઈક તથ્ય રહેલું હોય છે એ બતાવવાનું તટસ્થ વિચારકે ચૂકવું ન જોઈએ. બીજા બેત્રણ લેખો પણ ડૉ. ભાયાણીની સ્વકીય સૂઝના નિદર્શનરૂપ છે. ‘ટૂંકી વાર્તા’ એ લેખમાં જૂની વાર્તા અને નવી વાર્તા વચ્ચે ઘટના, પાત્ર અને જીવનદર્શનની દૃષ્ટિએ જે ભેદોે છે તે, એ ભેદોને જન્મ આપનાર પલટાયેલા જીવનસંદર્ભની પીઠિકા સાથે, કેટલાક પાશ્ચાત્ય વિવેચકોને આધારે, અત્યંત વિશદ અને માર્મિક રીતે સ્ફુટ કરી આપ્યા છે. નૂતન કથાવાર્તા માટેનું રોબ ગ્રિયેનું આ વિધાન ખૂબ અર્થપૂર્ણ છે : ‘It isn’t events that are lacking, it is only their character of certainty, their tranquility and innocence.” પરંતુ આ લેખના આરંભમાં literary kind અને literary genreનો ભેદ કરી ડૉ. ભાયાણીએ કથાપ્રકારોની ચર્ચાનો જે સાચો માર્ગ બતાવ્યો છે તે ખૂબ નોંધપાત્ર છે. ‘શબ્દ અને અર્થ’ એ લેખમાં એ બંનેનો સંબંધ વ્યવહારમાં અને કાવ્યમાં કેવા પ્રકારનો હોય છે તેની મુદ્દાસર, પૃથક્કરણપૂર્વક, ચોકસાઈથી વ્યવસ્થિત રજૂઆત કરી છે. વાણી અને અનુભવના સંબંધ વિશેનું કેટલુંક વિવરણ સમગ્ર પ્રશ્નને સમજવામાં ખૂબ ઉપકારક થાય તેવું છે. “વાચ્યાર્થને અવલંબીને જ સૂચિતાર્થનું આકલન થાય” એમ કહેતી વખતે વર્ણાયત્ત અર્થનો અપવાદ નોંધવાનું પણ ડૉ. ભાયાણી ચૂક્યા નથી. આ લેખમાં નાના-નાના ૨૮ જેટલા ખંડો રૂપે કરેલું સૂત્રાત્મક કથન એક બાજુથી વક્તવ્યની ચોકસાઈમાં ખૂબ ફાળો આપે છે, તો બીજી બાજુથી પ્રવાહનો અભાવ થોડો ખૂંચે છે અને વિચારની સમગ્ર છાપ ઊભી કરવામાં મુશ્કેલી પડે છે. એક-બે પ્રશ્નો પણ ઊભા થાય છે. પૃ. ૬ પર ડૉ. ભાયાણી કહે છે, “કાવ્યમાં શબ્દ, ઉક્ત અર્થમાં પ્રધાનપણે નથી ઇંગિતરૂપ, નથી પ્રતીકરૂપ કે નથી સંકેતરૂપ.” ઉક્ત અર્થમાં નહીં તો બીજા કોઈ અર્થમાં કાવ્યમાં શબ્દ ઇંગિત, પ્રતીક કે સંકેતરૂપ છે કે નહીં અને હોય તો એનો આધાર વ્યવહાર ખરો કે નહીં? એ જ પાના પર ડૉ. ભાયાણી આગળ જતાં લખે છે : “વ્યવહારમાં શબ્દની રૂપવિધાયકતા બાહ્યનું આકલન કરવાનું સાધન છે.” હંમેશાં આમ હોય છે ખરું? વ્યવહારમાં શબ્દ મનોભાવને સૂચિત નથી કરતો હોતો? મનોભાવ પણ ‘બાહ્ય’ કહેવાય? આમ છતાં ડૉ. ભાયાણીનો આ લેખ અભ્યાસપૂર્ણ અને દૃષ્ટિયુક્ત છે અને આપણા અભ્યાસનો પણ એ અધિકારી છે. ‘ઔચિત્ય’ વિશેના લેખમાં ડૉ. ભાયાણીએ ઔચિત્યના વિભાવને સૂક્ષ્મ તર્કથી તપાસ્યો છે. ક્ષેમેન્દ્રની ‘ઔચિત્યવિચારચર્ચા’ માટે તેઓ જે અભિપ્રાય આપે છે કે એને કોઈ મહત્ત્વનો સિદ્ધાંતગ્રંથ કે કાવ્યવિચારમાં નવું પ્રસ્થાન માની લેવાની ભૂલ ન કરવી જોઈએ તે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરંપરાનો કોઈ પણ જાણકાર, જો એના ચિત્તમાં કશો પૂર્વગ્રહ ન હોય તો, સહેજે સ્વીકારી શકે. ક્ષેમેન્દ્રનો પણ એવો કોઈ દાવો હોય એમ લાગતું નથી. હકીકતે ‘રસસિદ્ધ’ કાવ્યનો ઉલ્લેખ કરી એ રસસિદ્ધાંતની પીઠિકા ઉપર પોતાની વાત માંડી રહ્યો છે. પણ ડૉ. ભાયાણીનો મુખ્ય મુદ્દો તો બીજો છે. તેઓ એમ પ્રતિપાદન કરે છે કે “ ‘ઔચિત્ય’ શબ્દ કોઈ સ્વરૂપવર્ણક સંજ્ઞા નથી, પણ વસ્તુ પરત્વેનો એ નિર્ણય છે –decision કે judgement છે. એ કોઈ સિદ્ધાંત નથી, પણ કોઈ સિદ્ધાંત, ધોરણ કે પ્રયોજનને આધારે લીધેલો નિર્ણય છે...” આગળ ચાલતાં તેઓ એમ પણ કહે છે કે “તે કૃતિનિષ્ઠ નથી, પણ ભાવકનિષ્ઠ કે સર્જકનિષ્ઠ છે.” આ મંતવ્ય જરા વિચારવા જેવું લાગે છે. ઔચિત્ય એટલે કૃતિના ઘટક અંશોનું સામંજસ્ય. એ કૃતિનિષ્ઠ ન કહેવાય? એ સામંજસ્ય પ્રતીત આપણે કરીએ છીએ માટે? તો પછી રસ પણ આપણે પ્રતીત કરીએ છીએ, એટલે એ પણ કૃતિનિષ્ઠ ન કહેવાય ને? આ રીતે તો આપણે કલાની આત્મગતતા સુધી પહોંચી જઈશું. ઔચિત્ય એ સંબંધપરક – relational – વિભાવ છે તેથી એ અલંકાર, વક્રોક્તિ, ધ્વનિના જેવું, વસ્તુલક્ષી તત્ત્વ ન લાગે એ સમજાય એવું છે. એમ તો રસને પણ વસ્તુલક્ષી તત્ત્વ ન ગણી શકાય. વળી, ઔચિત્યને બુદ્ધિથી પાછળથી કરેલા નિર્ણય રૂપે ઘટાવવું અનિવાર્ય છે? એને કાવ્યમાં પ્રતીત થતું, કાવ્યની અખંડતામાંથી સ્ફુરતું, સંવેદનાનો વિષય બનતું એક તત્ત્વ ન ગણી શકાય? રાઘવન ઔચિત્યને ‘harmony of beauty’ તરીકે ઓળખાવે જ છે. ઔચિત્યના પ્રાચીન વિભાવનો આ કદાચ અર્થવિકાસ ગણાય, તો રામનારાયણ પાઠક કહે છે તેમ, “આપણે આધુનિક દૃષ્ટિથી એ સિદ્ધાંતને વધારે વ્યાપક વિકસિત કરી શકીએ.” ડૉ. ભાયાણી પોતે પૃ. ૧૬૬ પર ઔચિત્યનું જે તાત્પર્ય સમજાવે છે તે કંઈ ઓછા મહત્ત્વનું નથી લાગતું. હકીકતે ડૉ. ભાયાણીએ પોતે એમનાં લખાણોમાં અવારનવાર ઔચિત્ય જેના તરફ આપણને લઈ જાય છે એ અખંડતાવાદી દૃષ્ટિબિંદુનો આગ્રહ રાખ્યો છે. ડૉ. ભાયાણીએ પોતાના નિવેદનમાં પોતાના લેખો સ્થળેસ્થળે અત્યારની પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા અને કલામીમાંસાથી પ્રેરિત અને પ્રભાવિત હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ એથી આ બધાં લખાણોમાં એમનો પોતાનો જે પ્રયાસ છે એનું મૂલ્ય જરાયે ઓછું થતું નથી. આપણી સૌ કોઈની સાહિત્યવિચારણા પશ્ચિમની સાહિત્યમીમાંસાથી પ્રેરિત-પ્રભાવિત ક્યાં નથી હોતી? પરંતુ કેટલાક લેખોમાં ડૉ. ભાયાણીએ પશ્ચિમની સાહિત્યવિચારણાને સીધી રીતે ઝીલી છે એટલે એમનો એ રીતે જુદો ઉલ્લેખ કરવો ઠીક પડશે. જેમ કે, ‘શૈલીગત શબ્દ’૨ [2] એ લેખમાં પશ્ચિમના શૈલીવિજ્ઞાનના વિકાસનો અને ‘શુદ્ધ કવિતામાં અર્થ’ એ લેખમાં પશ્ચિમના શુદ્ધ કવિતા અંગેના બદલાતા રહેલા ખ્યાલનો પરિચય કરાવ્યો છે; ‘કથાના પ્રકાર’માં શોલ્સ અને કૅલોગે કરેલું કથાપ્રકારોનું વર્ગીકરણ આપ્યું છે; ‘નવલકથાની પ્રકૃતિ’માં મેડનના એ અંગેના વિચારો વિશે ઊહાપોહ કર્યો છે; ‘કાળની સર્જનપ્રક્રિયા’માં બિઅર્ડ્‌ઝલી, ક્રીગર આદિની તદ્‌વિષયક વિચારણા રજૂ કરી છે અને ‘સર્જનનાં પ્રયોજનો’માં એને લગતી માનસશાસ્ત્રીય વિચારણાનું ટૂંકું તારણ આપેલું છે. આ બધા લેખોમાં ડૉ. ભાયાણીની વિશેષતા એ છે કે તેઓ મહત્ત્વના મુદ્દાઓ તારવી લઈ અત્યંત વિશદતાથી અને ચોકસાઈથી રજૂઆત કરે છે. એથી વાત ક્યાંય ગૂંચવાતી નથી કે નકામો ભાર ક્યાંય વધતો નથી. કાવ્યની સર્જનપ્રક્રિયા જેવા અપ્રત્યક્ષને લગતા અને અટપટા પ્રશ્નમાંયે ડૉ. ભાયાણીની કલમ કેટલા પ્રસાદથી અને છતાં સંપૂર્ણ તર્કનિષ્ઠાથી ચાલે છે તે જોવા જેવું છે. આમાં કેટલીક વાર ડૉ. ભાયાણી વિષયનું સમાપન જે રીતે કરે છે એમાં એમની મર્મગ્રહણની સૂક્ષ્મ શક્તિ દેખાઈ આવે છે. દાખલા તરીકે, ‘શુદ્ધ કવિતામાં અર્થ’ એ લેખમાં અંતે ડૉ. ભાયાણી, “પ્રશ્ન એ રહે જ છે કે પરિચિત અર્થના ટેકા કે સહારા વિના શબ્દના કેવળ વર્ણો કે તેમનો કેવળ લય કાવ્યની આગવી અનુભૂતિ કેટલી કરાવી શકે કે તેનો વિશિષ્ટ આસ્વાદ કેટલો આપી શકે?” એમ કહી એક મહત્ત્વની વાત કરે છે કે “હકીકતે ધ્વનિ, રંગ વગેરેને કેવળ તેમની ખાતર જ આસ્વાદવાની આપણી શક્તિ પણ અત્યંત મર્યાદિત છે.” એમ લાગે છે કે ડૉ. ભાયાણીએ પ્રશ્નને યોગ્ય ભૂમિકા પર મૂકી આપ્યો છે. એ જ રીતે, ‘નવલકથાની પ્રકૃતિ’માં પણ અંતે તેઓએ સમસ્યાને ચાર મુદ્દાઓ રૂપે રજૂ કરી એનું હાર્દ પ્રગટ કર્યું છે. આ લેખો આપણને ઘણી વિચારપ્રેરક સામગ્રી આપે છે અને ડૉ. ભાયાણીએ જે મહેનત ઉઠાવી છે તે પૂરેપૂરી સાર્થક છે. એકબે મુદ્દાઓ ચર્ચવા જેવા લાગે છે. ‘સર્જનનાં પ્રયોજનો’માં એક વાત એવી કરવામાં આવી છે કે “માત્ર કલાના ક્ષેત્રમાં જ નહીં, અન્યત્ર બધે પણ માનસિક વિકૃતિ અને રુગ્ણતાથી મુક્ત હોય તેવી સ્વસ્થ વ્યક્તિઓમાં સર્જકતા અનિવાર્યપણે હોવાનું જણાયું છે.” આનો અર્થ એ કે દરેક સ્વસ્થ વ્યક્તિમાં સર્જકતા હોય છે? અને કોઈ અસ્વસ્થ વ્યક્તિમાં સર્જકતા હોતી નથી? તો પછી પશ્ચિમના કેટલાયે સાહિત્યસર્જકો રુગ્ણ મનોદશાવાળા હોવાના હેવાલો પ્રચલિત છે એનું શું? ‘કાવ્યની સર્જન પ્રક્રિયા’માં “બીજરૂપ લાગણી કે ભાવ શબ્દના માધ્યમ સાથેના આઘાતપ્રત્યાઘાતથી અને તે માધ્યમ દ્વારા જ વ્યાકૃત થતું, અંકુરિત થતું, ખીલતું અંતે કાવ્ય તરીકે પરિણમે” એ રીતે સર્જનપ્રક્રિયાને જોવામાં આવી છે. પછીથી પણ કહ્યું છે, “ભાવનો તેના ઊંડાણ, સૂક્ષ્મતા, જટિલતા સહિત તો જ અવબોધ થઈ શકે, જો તે શબ્દના માધ્યમ દ્વારા વ્યાકૃત અને આકૃત બને.” એટલે કે મૂળ જે કંઈ અસ્ફુટ છે એ સ્ફુટ થાય છે. એના કરતાં જી. રૉસ્ત્રેવર હૅમિલ્ટન૩ [3] કાવ્યસર્જનને અનુભૂતિના સર્જન તરીકે જુએ છે એ મને વધારે પ્રતીતિકર લાગે છે. શબ્દો પોતાના ભાવસંસ્કારો લઈને આવે છે એ વાત સમજાવી એ કહે છે કે “As the poem gets itself written, the attention of the poet is increasingly transferred from the first impelling experience to the divergent experience which he is creating through the words.” પણ કાવ્યસર્જનની પ્રક્રિયા જ એટલી ગૂઢ છે કે એ વિશે મતમતાંતરો ચાલ્યા જ કરવાનાં. ડૉ. ભાયાણીના આ ગ્રંથની એક વિશેષતાની અવશ્ય નોંધ લેવી જોઈએ. ગ્રંથમાં બસો પાનાંનાં મૂળ લખાણ પાછળ પચાસ પાનાંનાં પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. આ પરિશિષ્ટોમાં, બે-ત્રણ અપવાદો બાદ કરતાં, લેખવિષય કે લેખવિષય સાથે સંકળાયેલા કોઈ મુદ્દા વિશેનાં પશ્ચિમના સાહિત્ય-કલામીમાંસકોનાં વિવરણો કે મંતવ્યો ઉદ્ધૃત કરેલાં છે. પૂરક કે વિશેષ વાચનસામગ્રીની આ યોજના આકર્ષક છે. કેટલુંક તો એમાં ખૂબ સત્ત્વશીલ છે. જેમ કે ‘ભાષા અને સાહિત્ય’ (સપિર), ‘કલામાં સ્વરૂપ : બાહ્ય અને આંતરિક’ (બોઝાંકે), ‘ફૉર્મના અર્થના વિવિધ સ્તરો’ (આલ્બર્ટ હોફસ્ટાટર), ‘નવલકથામાં પાત્ર’ (રોબ ગ્રિયે) વગેરે. ‘ગદ્ય અને પદ્ય’ વિશેની જોન લોત્સની અને ‘કલાકૃતિમાં લય’ વિશેની ઑટો બેન્શની નોંધો પણ માર્ગદર્શક બને તેવી છે. ‘કાવ્ય અને દેવકથા’ (વિમ્સેટ અને બ્રૂક્સ)માં એ બન્ને વચ્ચેની સમાનતા ઠીક સમજાવી છે, પણ ભેદનું પૂરતું વિવરણ નથી અને અવચેતન આદિની અનુભૂતિઓને પ્રગટ કરતી પ્રતીકયોજના વગેરેમાં પ્રતીત થતી શબ્દશક્તિ – જેના દૃષ્ટાંત રૂપે આ પરિશિષ્ટ ડૉ. ભાયાણીએ આપ્યું છે – તેના ઉપર એથી ખાસ પ્રકાશ પડતો નથી. ‘કલાકૃતિના અર્થ – રમણીય અને ઇતર’ (લુસિઅસ ગાર્વિન), ‘કૃતિની અખંડતા’ (લેન્ગર આદિ), ‘ચિત્ર જોતાં’ (સાર્ત્ર), ‘લયની નાનાર્થતા’માંની રેમોં બાયર, અત્યેન સૂરિઓ અને જોય્‌સની નોંધો વગેરે કાં તો લેખવિષય સાથે બહુ સંબંધ ધરાવતી નથી અથવા એમાં કશું નોંધપાત્ર વિશેષ નથી. ‘ચિત્ર જોતાં’ (સાર્ત્ર), ‘લય : એક નૂતન વ્યાખ્યા’, ‘કલાનું મૂલ્યાંકન’, ‘સિમ્બલ’ (લેન્ગર) વગેરે નોંધો પૂરતાં સંદર્ભ કે દૃષ્ટાંતોને અભાવે ઠીકઠીક અસ્પષ્ટ રહે છે. આમ છતાં, આ બધી નોંધો સૌન્દર્યશાસ્ત્રમાં ડૉ. ભાયાણી કેટલા ઊંડા ઊતરેલા છે તે દર્શાવે છે. ડૉ. ભાયાણીની તીક્ષ્ણ અન્વેષક બુદ્ધિનાં આ સુફલો માટે એમને અભિનંદન આપ્યા પછી એકબે ફરિયાદ પણ કરવાની રહે છે. એમનાં આ લખાણોમાં સાહિત્યનો (એટલે સાહિત્યકૃતિઓનો) સાક્ષાત્‌ સંદર્ભ કંઈક ખૂટતો લાગે છે. તાત્ત્વિક ભૂમિકા ઉપર તેઓ કંઈક વધારે વિચરતા હોય એવું લાગે છે. તેથી જ કેટલીક વાર દૃષ્ટાંતો આપવાનું પણ એ ટાળે છે. જેમ કે, આદ્ય સિવાયની પંક્તિઓને આરંભે ‘પરંપરિત’ને ખંડિત ન કરી શકાય એવો તેઓ અભિપ્રાય આપે છે, પણ પરંપરિતનું ઉદાહરણ આપી તેઓ આ વાત સમજાવતા નથી. ‘શબ્દ અને અર્થ’ના ખંડ ૬, ૮, ૧૯, ૨૨માં પણ દૃષ્ટાંતોની અપેક્ષા રહે છે. બીજું, ડૉ. ભાયાણી ઘણી વાર સમસ્યાની ભૂમિકા જ બાંધતા જણાય છે, ઘણી વાર એ દિશાસૂચન કરીને જ અટકી જાય છે. જેમ કે, શૈલીવિચારમાં ભારતીય પરંપરાનો કેવળ નિર્દેશ કરીને ડૉ. ભાયાણી અટકી ગયા, પરંપરિતોનું પદ્ધતિસર વિશ્લેષણ કરવાનું એમણે બીજા માટે બાકી રાખ્યું અને પદ્યનાટકની સમીક્ષા કેમ થવી જોઈએ એનું દિગ્દર્શન કરવામાં જ એમણે ઇતિકર્તવ્યતા માની. આ બધું એમણે અહીં જ કરવું જોઈતું હતું એમ કહેવાનો આશય નથી. પોતાના મર્યાદિત પ્રયોજનને એ ચુસ્તપણે વળગી રહ્યા છે અને એનાં ઇષ્ટ પરિણામો આવ્યાં છે. પરંતુ આવા વિષયોના સર્વાંગી અભ્યાસ ડૉ. ભાયાણી કેમ ન આપે? એમણે જે જાતનો સમ્‌-આરંભ અહીંયાં કર્યો છે તે જોતાં એમની પાસે આવી અપેક્ષા રાખવાનો આપણો હક્ક થઈ જાય છે. સન ૬૬-૬૭ના એકાદ વરસમાં કલામીમાંસાના ક્ષેત્રને અહીંતહીં આટલું ખેડી નાખતા ડૉ. ભાયાણી પલાંઠી વાળીને બેસે તો આથીયે વધુ સત્ત્વસમૃદ્ધ અને મૌલિક વિવેચના આપી શકે એમાં કંઈ શંકા લાગતી નથી.

સંદર્ભનોંધો :

  1. ૧. નાનકડા અપવાદ, અલબત્ત, બતાવી શકાય. ‘કાવ્યાર્થ’ને અંતે મૂકેલું ઝાક મારિતાંનું લાંબું અવતરણ મને બિનજરૂરી લાગે છે, કેમ કે એ આપણને જુદા મુદ્દા તરફ લઈ જાય છે. એ જ રીતે, પૃ. ૧૯૬ પર “આ બધું જોતાં હવે એ પણ પૂરતું સ્પષ્ટ થઈ જાય છે કે અદ્યતન કથાકૃતિ રંજન કે પ્રત્યાયન કરવા માટે નહીં પણ પ્રક્ષુબ્ધ કરવા માટે રચાય છે.” એમ કહ્યું છે તે આગળની ચર્ચામાંથી આપોઆપ ફલિત થતું નથી. ઓછામાં ઓછું, એમાં ચર્ચા કે સ્પષ્ટતાને અવકાશ છે જ. ‘છંદ – સ્થૂળ કે સૂક્ષ્મ’માં પણ શુદ્ધ કવિતાની વિભાવનાના કેવળ નિર્દેશથી ચાલી શક્યું હોત. એના વીગતે ઉલ્લેખથી વાત થોડી ફંટાઈ જાય છે.
  2. ૨. મૂળ શીર્ષક ‘શૈલીવિજ્ઞાન અને ભાષાવિજ્ઞાન’ વધારે અનુરૂપ હતું એમ લાગે છે. એકલું ‘શૈલીવિજ્ઞાન’ પણ ચાલે.
  3. ૩. Poetry and Contemplation, G. Rostrevor Hamilton, Cambridge, ૧૯૩૭, pp. ૧૦૭-૧૮

[‘ગ્રંથ’, ડિસેમ્બર ૧૯૬૯] [‘વિવેચનનું વિવેચન’]

*