સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૪.૫ પરિધિ (વિવેચન) : દિગીશ મહેતા


૪.૫
‘પરિધિ’, દિગીશ મહેતા, ૧૯૭૬

વેધક દૃષ્ટિ અને વિચારસંભાર શ્રી દિગીશ મહેતા ધંધાદારી લેખક નથી તેમ ધંધાદારી વિવેચક પણ નથી. એ ઘણું થોડું લખે છે (વાળીચોળીને ભેગું કર્યું ત્યારે અહીં માંડ ૨૦૦ પાન થયાં), પણ જે કંઈ લખે છે તેની અવશ્ય નોંધ લેવી પડે એવું લખે છે. વિવેચન તો એમણે બહુધા આવી પડેલી ફરજ રૂપે કર્યું હોય એમ એમના ઘણા સ્વાધ્યાયનાં નિમિત્તો જોતાં જણાય છે. વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક પાસેથી આ ૨૦૦ પાનાંના નાનકડા ગ્રંથના પહેલા મોટા વિભાગમાં સમાવાયેલી સામગ્રી આપણને સાંપડી શકે (એમાં દિગીશભાઈની આગવી વિચારછટા છે... તોપણ) પરંતુ બીજા નાનકડા વિભાગની સામગ્રી તો દિગીશભાઈ પાસેથી જ મળી શકે એમ લાગે છે. કેમ કે એમાં ‘પોતાનાં ભાષાસાહિત્ય વિશે સહાનુભૂતિ’ પ્રગટ થાય છે જે બહુ ઓછા અંગ્રેજીના અધ્યાપકોમાં જોવા મળે છે અને કેટલાક ગુજરાતીના અધ્યાપકોમાં પણ જોવા મળતી નથી. દિગીશભાઈના ‘આરંભિક’માંના થોડા શબ્દો અહીં ઉતારવા જેવા છે : “વિદેશી વિભાવનાઓ, સર્જકો, સ્વરૂપો વિશે ભલે લખ્યું હોય પણ જો ઉપયોગી થવું હોય તો તેમાં પોતાનાં ભાષાસાહિત્ય વિશે સહાનુભૂતિ જોઈએ. આ સહાનુભૂતિ સૂત્રો ઉચ્ચારવાથી નથી આવતી, એ શૈલીથી નથી સધાતી, એ વિચારો કરીને નથી ઉપજાવાતી. એક રીતે એ આપણી ગુજરાતી ભાષા જ કેમ, વાસ્તવિકતાનોય સ્વીકાર છે... આ લેખોમાં સમાજ અને સાહિત્ય વચ્ચેના સંબંધ પર વારંવાર ભાર મુકાતો જોવા મળે તો તેની પાછળ તર્કથી જેનું મૂલ્ય સમજાયું છે તે આ વાસ્તવિકતાથી આમ તો વિખૂટા રહ્યાનો ડંખ છે.” વિચાર, વેદનશીલતા અને વાણીમરોડોમાં પાશ્ચાત્ય પ્રભાવ તથા પોતાનાં મૂળિયાં ક્યાં પડેલાં છે તેની શોધ – આ બે વચ્ચેનાં તાણ-ખેંચાણે કેટલેક અંશે દિગીશભાઈની સર્જકતાને તેમ તેમના વિવેચનને પણ ભૂમિકા પૂરી પાડેલી છે. એથી વિવેચનની એક આગવી કહેવાય એવી આબોહવા સર્જાય છે. દિગીશભાઈએ ગુજરાતી સાહિત્ય બહુ ઝાઝું વાંચ્યું હોય એવો સંભવ ઓછો છે. એમની સિદ્ધાંતચર્ચામાં ગુજરાતી સાહિત્યનાં ઉદાહરણો જડવાં મુશ્કેલ છે. બીજા વિભાગમાંના ‘પદ્યનાટકની વિભાવના’ના લેખમાં પણ કોઈ ગુજરાતી પદ્યનાટકનો અછડતોયે ઉલ્લેખ નથી. અત્રત્ય સાહિત્યવિચારણાના સંદર્ભોથી પણ એ બહુધા અસ્પૃષ્ટ છે. તેમ છતાં સહાનુભૂતિની મૂડી એમને ઢાંચાઢાળ સિદ્ધાંતો, અભિપ્રાયો, આગ્રહો વગેરેમાંથી મુક્ત કરી જુદી રીતે વિચારતા કરે છે અને અહીંના બીજા વિભાગ જેવો એક ધ્યાન ખેંચતો લેખસમુચ્ચય આપણને મળે છે. તો, પહેલાં આપણે બીજા વિભાગના લેખો તરફ જ વળીએ. ‘સાહિત્ય અને સામાજિક વાસ્તવ’ એ લેખ મારી દૃષ્ટિએ ઘણો અગત્યનો છે. એક પેચીદા સવાલને પોતીકા ઝુકાવથી લેખકે એમાં જોયો છે અને આ ઝુકાવ આપણી આજની સાહિત્યિક આબોહવામાં જરૂરી લાગે એવો છે. ગુજરાતી વિવેચનનાં કેટલાંક ગૃહીતો લેખકે નિખાલસતાથી અને માર્મિક રીતે પ્રગટ કરી આપ્યાં છે : ગુજરાતી વિવેચક પશ્ચિમના પ્રભાવ નીચે સાહિત્યની રૂપગત તપાસમાં ઘણો રસ લે છે. પણ સાહિત્યને બાહ્ય વાસ્તવના સંદર્ભમાં જોવાની એને ઘણી ઓછી જિજ્ઞાસા છે. વાસ્તવવાદની કે એવી કશી વિભાવનાઓની નહીં, રૂપનિર્માણની ચર્ચા જ એને મન મહત્ત્વની છે. એટલું જ નહીં, ભારતીય તેમ જ ગુજરાતી સામાજિક સંસ્થાઓની હસ્તી વિશે એ સાશંક છે અને સાહિત્યમાં એનું પ્રતિબિંબ પડતું હોય તો એ તેને મન દુઃખદ છે. વાસ્તવવાદી લેખકોને આપણા સાહિત્યના ઇતિહાસોમાં ઘણું ઓછું સ્થાન મળતું થયું છે એ અત્યારની સાહિત્યિક મૂલ્યબોધની તાસીર બતાવે છે. બીજી બાજુથી બદલાતી સાહિત્યરુચિનો વાહક તો વાચકવર્ગ છે. વિશાળ વાચકવર્ગને તો વિવેચન લક્ષમાં જ ક્યાં લે છે? “વાચકવર્ગ એ આપણા વિવેચનનું ખોવાયેલું પાત્ર છે.” આપણે ત્યાં આ પરિસ્થિતિ કેમ નીપજી છે? લેખકની દૃષ્ટિએ કદાચ “ગુજરાતી સાહિત્ય ગુજરાતી જ રહે તો તે સાહિત્ય ન કહેવાય, તે તો દસ્તાવેજ કહેવાય” એવી ‘વણતપાસાયેલી’ માન્યતા એને માટે જવાબદાર છે. લેખકના આ અનુમાનમાં ઠીકઠીક તથ્ય હોવાનો સંભવ છે. દિગીશભાઈનો ઝુકાવ સ્પષ્ટ છે : સામાજિક વાસ્તવના સ્વીકારનો. એકથી વધુ સ્તરે : સાહિત્યની સામગ્રી, અભિવ્યક્તિ, વાચક સાથેના સંબંધો વગેરેના સ્તરે. મૉડર્નિસ્ટોને આ ઝુકાવ સ્વીકાર્ય નહીં લાગે, પણ દિગીશભાઈએ પ્રતીતિના આછા અભિનિવેશથી અસરકારક કાકુઓથી આ ઝુકાવ પ્રગટ કર્યો છે. આજની સાહિત્યિક આબોહવામાં એક જુદી ફૂંક એમણે મારી છે. જોઈએ, એનાથી કોઈ નવાં વિચારવર્તુળો પેદા થાય છે? આટલી પલટાતી આવેલી સામાજિક સ્થિતિનો સાંકેતિક ચિતાર પણ દિગીશભાઈએ આ લેખમાં આપ્યો છે : વધુ સાચા અર્થમાં ગુજરાતી બનતો ગયેલો – ‘ઍબ્સર્ડ’ નાટકને ફાર્સમાં ઢાળી દેનારો બહોળો નવો વાચકવર્ગ – પ્રેક્ષકવર્ગ, જનતા-સાહિત્ય અને ભદ્ર-સાહિત્ય એવાં બે પ્રકારનાં સાહિત્યો તથા જનતા-સાહિત્યરુચિએ ભદ્રસાહિત્યરુચિ તરફ જવું જોઈએ એવા આગ્રહનો થઈ રહેલો હ્રાસ. સાહિત્ય અને વિવેચને જે સ્વીકાર કરવાનો છે તેમાંનું એક આ છે. માણસના દુઃખનાં કારણો તેની આજુબાજુની નક્કર સામાજિક પરિસ્થિતિમાં હોય એ સામાજિક વાસ્તવની ભૂમિકા અને એનું દુઃખ એની માણસાઈમાં જ જડાઈને પડેલું હોય એ સામાજિક વાસ્તવથી પર એવા છેવટના વાસ્તવની ભૂમિકા. આ બે વાસ્તવભેદો પેલા બે સાહિત્યભેદો સાથે સંકળાયેલા છે અને દિગીશભાઈનું નિદાન છે કે આ પરત્વે આપણા લેખકમાં મૂલ્યવિષયક અનિશ્ચિતતા છે જે એની કારકિર્દીના સાતત્યને તેમ જ તેની કૃતિની સુગ્રથિતતાને જોખમાવે છે. શ્રી સુરેશ જોષીને તેઓ આના દાખલા તરીકે ટાંકે છે. સામે પક્ષે વાચકવર્ગના રુચિઉન્મેષોથી દોરવણી પામી પોતાની સર્જનપ્રવૃત્તિ વિકસાવતા લેખક તરીકે તેઓ મધુ રાયનો નિર્દેશ કરે છે. દેખીતી રીતે જ, ગુજરાતી સાહિત્ય વિશે લેખકે અહીં વ્યાપકભાવે અને દાખલા તરીકે જ વાત કરી છે. એ દાખલાઓ પણ બરાબર આખા ગણી આપવાનું કામ એમણે માથે લીધું નથી. એટલે એ વિશે તો આપણા મનમાં પ્રશ્નો થવાના જ. પણ દિગીશભાઈ, એમના પોતાના શબ્દોમાં, શાસ્ત્રીય અભ્યાસી કરતાં આર્મચેર વિચારક વધારે છે. વિચારો વહેતા મૂકવાનું એમને વિશેષ ફાવે છે, વિચારોને પૂરા તર્ક સાથે કાંતી આપવાનું પણ નહીં. ‘નવલકથા – નવું ઉત્થાન’માં ચંદ્રકાંત-શ્રીકાંત જેવા એકબે લેખકોની અલ્પ સામગ્રી ઉપર થયેલાં કેટલાંક અછડતાં નિરીક્ષણો છે, તો ‘ગુજરાતી ગદ્ય : કેટલીક સંભાવનાઓ’માં ભાષાના અનેક તાણાવાણામાંથી અંગ્રેજીના ચાલુ શબ્દોવાળી ભાષા અને ટૂંકા બોલચાલની વાક્યોવાળી ભાષા – એવા બે તાણાવાણા તરફ લેખકે લક્ષ દોર્યું છે. સામાજિક વાસ્તવ તરફનો લેખકનો ઝુકાવ પણ આ લેખોમાં ડોકિયાં કરી ગયા વગર રહ્યો નથી – રઘુવીર જેવા જમણેરી લેખકો માટે આ પળે અવકાશ છે એમ કહે છે ત્યારે અને ‘ભદ્રંભદ્રે’ શુદ્ધ ભાષાની પેરડી કરીને, માત્ર ભાષાથી સાહિત્ય ન રચાય, એથી આગળ વાસ્તવ પણ છે એ બતાવ્યું એવું નિરીક્ષણ કરે છે ત્યારે. આ રીતે આ લેખોને પહેલા લેખના અનુસંધાનમાં પણ વાંચી શકાય. આ વિભાગમાં ચારપાંચ લેખો ગુજરાતી કૃતિઓ વિશેના છે. એમાંથી ‘જનાન્તિકે’ વિશેનો લેખ મારી દૃષ્ટિએ ઉત્તમ છે. એક તો સુરેશ જોષીના અનુભવજગતનું એમાં મર્મદર્શન છે, એમની નિબંધપદ્ધતિની એક હૃદયંગમ ઓળખ છે અને એમની એકબે નિષ્ફળતાઓ તરફ પણ અંગુલિનિર્દેશ છે; અને બીજું, દિગીશભાઈએ ‘જનાન્તિકે’ વિશે લલિત નિબંધની રીતે, કલ્પનપ્રચુર ગદ્યમાં અને જાતસંડોવણીથી લખ્યું છે. સર્જનાત્મક વિવેચન એવી જો કોઈ સંજ્ઞા આપણે સ્વીકારતા હોઈએ તો આ એનો એક સરસ નમૂનો છે. ‘ચંદ્રકાંત બક્ષીની નવલકથાઓ’માં કહેવાની વાત કંઈ બહુ જુદી કે નવી નથી, પણ કહેવાની રીત ગમે એવી અને ધ્યાન ખેંચે એવી છે. ‘જનાન્તિકે’ પરના તેમ જ આ લેખમાં દિગીશભાઈ લેખકનાં જીવનવલણોને સાહિત્યિક ચર્ચામાં લાવે છે તે ખાસ નોંધપાત્ર છે. લેખકની સાહિત્યિક સબળતા-નિર્બળતામાં એનો પણ ફાળો હોય છે. ‘સધરો અને ગ્રહાષ્ટક’ને ‘ઉપેક્ષિત ચીલાની વાર્તાઓ’ કહીને દિગીશભાઈએ કૉમિક નવલકથા માટે જ નહીં પણ વાસ્તવની પ્રતિક્રિયા આપતી નવલકથા માટે ઉત્સાહ બતાવ્યો છે એ એમની સાહિત્યદૃષ્ટિ સાથે બંધબેસતું છે. ‘સ્વસ્થ વ્યક્તિવાદ’માં કાવ્યસંગ્રહના અવલોકનને અંતે જોડેલા પ્રશ્નો એમાંનાં નિરીક્ષણોને કારણે વધારે ધ્યાન ખેંચે છે. કાન્તના કાવ્ય ‘ઉદ્‌ગાર’ની સમીક્ષા ‘પ્રમત્તાવસ્થા’ના રામનારાયણ પાઠક કથિત અર્થને અવલંબીને ચાલી છે. એ અર્થ ન સ્વીકારીએ અને ‘પ્રમાદની અવસ્થા’ એવો જ અર્થ કરીએ તો? આમેય આ સમીક્ષામાં દિગીશભાઈ ‘મેટફિઝિક્સ’ની ગૂઢતાએ પહોંચી ગયા છે; મારે હાંસિયામાં આઠેક સ્થાને પ્રશ્નાર્થચિહ્નો અને એક સ્થાને ચોકડી કરવી પડી છે. પણ દિગીશભાઈમાં આવું થોડુંક હંમેશાં રહે છે. ‘સંજ્ઞા, અર્થ અને કવિતા’ના સંવાદમાં ડૉ. પ્રબોધ પંડિતને બે વખત કહેવું પડે છે – “જરા વધુ સ્પષ્ટ કરો તો?” તેમ આપણને પણ કહેવાનું મન થાય એવું. દુર્ભાગ્યે આપણી સાથે દિગીશભાઈનો કંઈ સંવાદ ચાલતો નથી હોતો, એ લખે અને આપણે વાંચવાનું હોય છે. ડૉ. પ્રબોધ પંડિત સાથેના આ વાર્તાલાપમાં કવિતા અને ભાષાના સંબંધ વિશેનાં કેટલાંક વિચારબિંદુઓ પડેલાં છે, પણ એમને વ્યવસ્થિત ફૉર્મ્યુલેટ કરી શકીએ ત્યારે જ લાભ થાય. ગ્રંથનો પહેલો વિભાગ પાશ્ચાત્ય સાહિત્ય અને સાહિત્યવિભાવનાઓ વિશેનો છે. ‘પદ્યનાટકની વિભાવના’ એ લેખને પણ અહીં મૂકવા જેવો છે. પદ્યનાટકમાં પદ્યના સ્વરૂપ અને સ્થાન વિશે કેટલાક મુદ્દાઓ એમાં છે, પણ છેલ્લે ગુજરાતી વાક્યમાં ક્રિયા છેલ્લી આવે છે, વાક્યને છેડેથી બહાર વહી જાય છે એમ કહી જે ચિંતા પ્રગટ કરી છે એ મને અર્થહીન લાગે છે. વાક્યરચનાની આ ખાસિયત વિશે કરવી હોય તો ઊલટી દલીલ પણ થઈ શકે. ઇમેજ વિશેના બંને લેખો બતાવે છે કે દિગીશભાઈ વિદ્વત્તાપૂર્વક લખી શકે છે. પહેલો લેખ તો કેટલાબધા સંદર્ભોથી ઊભરાય છે! સર્જનપ્રક્રિયા અને સ્વરૂપ એ બંને સંદર્ભે અહીં ઇમેજની ઘણી સૂક્ષ્મ અને મૂળભૂત તપાસ થઈ છે. ‘અંગ્રેજી કવિતામાં સ્વ-નિરૂપણ’ અને ‘કાવ્યની અખિલાઈ’માં એ દૃષ્ટિથી થયેલું મહત્ત્વનું ચિંતન-અવલોકન છે. પહેલા લેખમાંનો એક ફકરો તો અહીં ઉતારવા જેવો છે : “તો સાહિત્યને પોતાનું આગવું, નિરપેક્ષ, સત્ય છે એ, મને બીક છે કે, એક ફ્રેન્ચ આગ્રહ છે, ઇંગ્લિશ નહીં; જેને વિવેચકોએ વણતપાસ્યો આપણી વચ્ચે લાવી રોપ્યો છે અને જેને મિત્રવિહોણા નવા સર્જકો વારંવાર ટાંકે છે. તે જ રીતે સાહિત્યકાર કોઈ સ્થાપિત હિતનો હાથો બની જશે એ ભય પણ, હું ધારું છું કે ઇંગ્લિશ નથી, અમેરિકન છે. કેમકે ઇંગ્લિશ વિવેચનોમાં જે વારંવાર ડોકાયા કરે છે તે તો એ સામાન્ય સમજ છે કે વ્યક્તિસ્વાતંત્ર્ય અને કલાકારનું સ્વાતંત્ર્ય એ બે જુદી બાબતો છે. અને આખરે તો વ્યક્તિએ તેમ જ કલાકારે અમુક સમાધાનો દ્વારા જ પોતાનું સ્વાતંત્ર્ય સાધવાનું હોય છે.” બીજા લેખમાં લેખક લિંગ્વિસ્ટિક્સ, સાયકૉલજી, મેટફિસિક્સ અને ઇપિસ્ટમલૉજી – એ ચાર છેડાને સ્પર્શતી વિચારણામાં આપણને નાખે છે. વિવેચનાની ત્રિમૂર્તિને અંજલિ આપતો એ લેખનો બીજો ખંડ પહેલા ખંડ સાથે એકરસ થતો નથી. ‘ગુજરાતી સાહિત્ય પર પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવ’ એ લેખમાં અવલોકન અને દૃષ્ટિકોણ પણ મર્યાદિત છે પણ એક-બે સારાં સૂચનો પડેલાં છે. પાશ્ચાત્ય સાહિત્યસર્જકો અને કૃતિઓ વિશેના ચારેક લેખો અહીં છે. એમાં રિલ્કે વિશેનો લેખ વધારે શ્રમપૂર્વક તૈયાર થયેલો દેખાય છે. કથા અને કૃતિની મદદથી લેખક પોતાનું કામ ચલાવે છે તેથી ઘણે ઠેકાણે રસાળતા આવી છે અને દિગીશભાઈની જીવન અને સાહિત્યના મર્મો ઉઘાડી આપતી દૃષ્ટિની ઝાંખી પણ અવારનવાર થાય છે. બાકી રહેલા થોડા લેખો વિશે જુદું કહેવાની જરૂર નથી. માત્ર ‘વાંચવાની કલા’ એ લેખમાં પ્રો. લુઇસે કરેલું વાચનપ્રવૃત્તિનું મજાનું વિશ્લેષણ રજૂ થયું છે તે વાંચવાની અવશ્ય ભલામણ કરવી જોઈએ. નિર્વિવાદ મૂલ્યવાન લાગે એવી વેધક દૃષ્ટિ અને એવો વિચારસંભાર આ ગ્રંથમાં છે. લેખકની પોતાની સાહિત્યિક માન્યતા બધાં લખાણો પાછળ પડેલી વરતાઈ આવે છે. કેટલુંક તો ઉશ્કેરે એવું પણ છે. પણ લોકો વાંચે તો ને? દિગીશભાઈની વિચારપ્રક્રિયા અને અભિવ્યક્તિની લઢણોમાં એવું કંઈક છે કે જે પ્રવાહિતા અને વિશદતાને આવરે છે અને પહેલી છાપ દુર્બોધતાની પાડે છે. પાશ્ચાત્ય સાહિત્યના પ્રભાવને ગુજરાતી ભાષામાં ઓગાળવાની એક મથામણ અહીં છે, પણ એ કામ પૂરું થવાનું હજુ બાકી છે. એ પૂરું થશે ત્યારે દિગીશભાઈ મોટા વિવેચક બનશે. કદાચ ન પણ બને, કેમકે દિગીશભાઈનો જીવ મૂળ તો નિબંધકારનો છે. લિબરલ વિચારકનો છે, શાસ્ત્રીય વિવેચકનો નહીં. થોડાક વિચારધક્કાઓ, થોડીક સ્પર્શક્ષમ રજૂઆતો – એ આપ્યા કરવાનું એમને વધારે ગમશે.

[‘ગ્રંથ’, મે ૧૯૭૯]
[‘વ્યાસંગ’]

*