સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/ઍન્ટાયર ગુજરાતી!
જાણીતા હિન્દી કવિ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં હિન્દી વિષયના પ્રૉફેસર કેદારનાથ સિંહે યુનિવર્સિટીઓના હિન્દી વિભાગોમાં કથળતા ધોરણોની ચિંતા કરતાં કહ્યું કે એક વિદ્યાનુશાસનના વિષય તરીકે હિન્દી મરતી જાય છે. એ જ દિવસોમાં દિલ્હીનાં અખબારોમાં દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દી અને સંસ્કૃતના અનુસ્નાતક વર્ગોમાં પ્રવેશ માટે નક્કી કરેલી ટકાવારીક નીચે ઉતારવા છતાં જગ્યાઓ ખાલી રહે છે – એનો નિર્દેશ હતો. ભાષા સાહિત્યોના એક વિદ્યાકીય અનુશાસન – એકેડેમિક ડિસિપ્લિન – તરીકેના અધયયન માટે અન્ય વિદ્યાકીય અનુશાસનોની તુલનામાં વરતાતી ઓટ લગભગ દેશની ઘણી યુનિવર્સિટીઓમાં જોવા મળે છે, કદાચ અંગ્રેજીને બાદ કરતાં. યુનિવર્સિટીઓના ભાષાવિભાગોમાં વિદ્વાન અધ્યાપકોનું પ્રમાણ ઘટતું જાય છે, ભલે અધ્યાપકોના વેતનમાં વધારો થતો જાય. હમણાં એક-બે યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટીકક્ષાના પ્રૉફેસરોની નિમણૂક માટે ઇન્ટરવ્યૂ લેતાં એ ઉમેદવારોની જાણકારી અને સાહિત્યપદાર્થની સમજણ જોઈ નિરાશા સાંપડી. એમ.ફિલ. કે પીએચ.ડી.ની પદવી ધરાવનારની સંખ્યા કદાચ વધતી જાય છે, પણ એકંદરે સાહિત્યના અનુશીલનની સીમાઓ સંકુચિત થતી જાય છે. આપણે ત્યાં ગાંધીયુગમાં પૂર્વવર્તી ‘પંડિતયુગ’ શબ્દ જરા નિન્દાત્મક અર્થમાં વપરાયો. યુનિવર્સિટીઓમાં ભાષાસાહિત્યના વિભાગોમાં ‘સહૃદય પંડિતો’ની જ જરૂર હોય છે. તો જ વિભાગોમાં અધ્યયન-અધ્યાપન તેજસ્વી બને છે. એક સમય હતો જ્યારે ભાષાસાહિત્યના અભ્યાસક્રમમાં એક મુખ્ય ભાષા ઉપરાંત એક ગૌણ ભાષા અનિવાર્ય હતી. આઠ પ્રશ્નપત્રોમાં મુખ્ય વિષયમાં છ અને ગૌણ વિષયમાં બે પ્રશ્નપત્રો. એથી ગુજરાતી લેનાર વિદ્યાર્થી બે પ્રશ્નપત્રો સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી કે અંગ્રેજીમાં ભણતો. એથી એનો અભિગમ સહજ રીતે તુલનાત્મક તો બનતો, પણ એક બીજી ભાષાના સાહિત્યના અધ્યયનથી તેના અભ્યાસમાં એક નવું પરિણામ ઉમેરાતું. આપણા ઘણા ગુજરાતીના જૂના અધ્યાપકો પાસે સંસ્કૃતસાહિત્યની સારી એવી ભૂમિકા હતી. ઉમાશંકર જોશી હંમેશાં કહેતા કે એવો તે કેવો સાહિત્યનો વિદ્યાર્થી હોય, જે એક સાહિત્યનો હોય. એ કહેતા કે મારું ચાલે તો ભાષાના મુખ્ય વિષયનાં હું તો ચાર જ પ્રશ્નપત્રો રાખું. બાકીનાં ચારમાં બીજા ભાષાસાહિત્યનાં અને ભાષાવિજ્ઞાન / સમાલોચના આદિનાં હોય. ખરેખર તો ઉમાશંકરનું ચાલી શક્યું હોત, જો એમણે એ માટે ઉદ્યમ કર્યો હોત - યુનિવર્સિટીમાં એ એવે સ્થાને હતા. પણ એમણે જે ધાર્યું હતું – તેનાથી વાત તદ્દન સામી દિશાએ છે. મુખ્ય ભાષા સાથે ગૌણ ભાષા લેવાની છેક ૧૯૮૦ સુધી લગભગ આપણી યુનિવર્સિટીઓમાં અનિવાર્યતા હતી. ત્યાં એકાએક ‘એન્ટાયર’નો વાયરો વાયો. એન્ટાયર ગુજરાતી, એન્ટાયર હિન્દી, એન્ટાયર સંસ્કૃત, એન્ટાયર એટલે આઠેઆઠ પ્રશ્નપત્રો તે ભાષાનાં. આ ‘એન્ટાયર’નો જોકે હજુ યોગ્ય પર્યાય શોધવાનો છે! (પહેલાં એક માત્ર અંગ્રેજીમાં એન્ટાયર અંગ્રેજ હતું – પણ ખરેખર તો તેમાં છ પ્રશ્નપત્રો જ (બ્રિટિશ) અંગ્રેજી સાહિત્યનાં રહેતાં, બાકીનાં બે તો જેને ‘કૉન્ટિનેન્ટલ લિટરેચર’ તરીકે ઓળખવામાં આવતાં તે યુરોપીય સાહિત્યનાં કે ઇન્ડોએંગ્લિયન ભારતીય અંગ્રેજી સાહિત્યનાં પ્રશિષ્ટ પુસ્તિકોનાં રહેતાં.) વળી આ ‘એન્ટાયર’ને એક ભ્રામક મહત્ત્વ પણ અપાતું ગયું. છ પ્રશ્નપત્ર ગુજરાતી અને બે સંસ્કૃત લઈ એમ. એ થનાર કરતાં ‘એન્ટાયર ગુજરાતી’વાળો પસંદગીમાં આગળ રહે. ખરેખર તો એથી વિરુદ્ધનું બનવું જોઈએ. જેની પાસે બે સાહિત્યની ભૂમિકા છે, એની વધારાની યોગ્યતા ગણાવી જોઈએ. ખરેખર તો કોઈપણ ભાષા-સાહિત્યના અભ્યાસક્રમમાં મુખ્ય ભાષા ઉપરાંત અન્ય એક-બે ભાષાઓમાંથી છાત્રની પસંદગીનાં બે-એક વૈકલ્પિક પ્રશ્નપત્રો લેવાની અનિવાર્યતા ગણાવી જોઈએ. અંગ્રેજી ભણનારને પણ એકબે બીજી ભાષાના સાહિત્યનાં પ્રશ્નપત્રો લેવાં જોઈએ, ભલે અંગ્રેજી અનુવાદમાં. એ રીતે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભણનારે બીજી ભાષાનાં બે પ્રશ્નપત્રો લેવાં પડે એવી જોગવાઈ અભ્યાસક્રમમાં ફરી વાર દાખલ કરવાની જરૂર છે. એ પ્રશ્નપત્રોમાં પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં થયેલા એ ભાષાના સાહિત્યની કૃતિઓના થયેલા અનુવાદોમાંથી પણ પસંદ કરી શકાય. મારે મતે કોઈ પણ ભારતીય ભાષાનો અભ્યાસ કરનાર છાત્રે ભારતીય સાહિત્યની પ્રશિષ્ટ પરંપરાને જાણવી પડે. એટલે એક પ્રશ્નપત્ર સંસ્કૃતની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓનું – રામાયણ, મહાભારતનો અંશ, શાકુન્તલ, ઉત્તરરામચરિત – ભલે ગુજરાતીમાં હોય. બીજું પાશ્ચાત્ય સાહિત્યની અને ભારતીય સાહિત્યની ગુજરાતીમાં પ્રાપ્ય પ્રશિષ્ટ કૃતિઓનું હોય, શેક્સપિયરનું એકાદ નાટક હોય, ગોલ્ડન ટ્રેઝરીની કેટલીક કવિતાઓ હોય, હાર્ડીની એકાદ નવલકથા હોય, દક્ષિણ ભારતની ભાષાઓમાંથી કે અન્ય ભારતીય ભાષાઓમાંથી પણ તેમાં કૃતિઓ હોય. એન્ટાયર ગુજરાતી, હિન્દીથી વિદ્યાર્થી બહુબહુ તો એ ભાષાની બેચાર વધારે કૃતિઓ ભણે એટલું જ થાય – એથી એની સાહિત્યિક સજ્જતાનો વ્યાપ બહુ વધતો નથી, પણ જો મુખ્ય ભાષાવિષય સાથે આવાં બે અનિવાર્ય પ્રશ્નપત્રો પણ અભ્યાસક્રમમાં રાખવામાં આવે, તો એક સાહિત્યના વિદ્યાર્થી તરીકે ભણનારની સાહિત્યિક ક્ષિતિજનો વિસ્તાર થશે.
ડિસેમ્બર ૧૯૯૭
(આવ ગિરા ગુજરાતી)
૦૦૦