સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/કવિ રાજેન્દ્ર શાહને સાહિત્ય અકાદેમીની સદસ્યતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કવિ રાજેન્દ્ર શાહને સાહિત્ય અકાદેમીની મહત્તર સદસ્યતા

સાહિત્ય અકાદેમી, દિલ્હીએ આપણા એક શ્રેષ્ઠ કવિ રાજેન્દ્ર શાહને અકાદેમીના ફૅલો – મહત્તર સદસ્ય તરીકે અભિષિક્ત કરી એમનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન કર્યું, તે આપણા સૌને માટે આનંદની વાત છે. સદસ્યતાપ્રદાનનું આ પર્વ ગુજરાતી સાહિત્ય પરિષદના આતિથ્ય પદે તા. ૨૨/૭/૯૯ના રોજ પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં ગુજરાતી ભાષાના સર્જકો અને સાહિત્યરસિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ માટે દિલ્હીથી સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ અને ઓડિયા ભાષાના પ્રતિભાસંપન્ન કવિ, સરસ્વતીસમ્માનવિભૂષિત રમાકાન્ત રથ, સાહિત્ય અકાદેમીના ઉપાધ્યક્ષ અને ઉર્દૂના નામી સમીક્ષક ગોપીચંદ નારંગ અને અકાદેમીના સચિવ તથા મલયાલમ ભાષાના ઉત્તમ કવિ સચ્ચિદાનંદન ખાસ પધાર્યા હતા. અમદાવાદને આંગણે સાહિત્યિક ઉત્સવનું આ ટાણું બની રહ્યું. સાહિત્ય અકાદેમીએ દેશની ભાષાના સાહિત્યકારને શ્રેષ્ઠ સમ્માનથી પુરસ્કૃત કરવા આ ફૅલોપદની આયોજન કરી છે. આપણા દેશની ૨૨ જેટલી ભાષાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી આ રાષ્ટ્રીય અકાદેમીના આવા ફૅલોની સંખ્યા માત્ર ૨૧ જ હોય છે. અકાદેમી ફૅલોપદ આજીવન હોય છે. કોઈ ફૅલોનું સ્થાન રિક્ત થયા પછી જ નવા ફૅલો પસંદ થાય છે. ઘણું ખરું જેમણે સાહિત્યક્ષેત્રે ઉત્તમ કક્ષાનું પ્રદાન કર્યું હોય, એવા વયોવૃદ્ધ પંક્તિના સાહિત્યકરોને અકાદેમી ફૅલો તરીકે પસંદ કરે છે. ગુજરાતી ભાષામાં આ ફૅલોપદનું સન્માન અગાઉ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી અને ઉમાશંકર જ જોશીને આપવામાં આવ્યું હતું. હવે ઘણાં વર્ષો પછી ગુજરાતમાંથી રાજેન્દ્ર શાહ વરણી પામે છે, એ વખતે ગુજરાતી સલાહકાર સમિતિના આવાહક અને અકાદેમીની કારોબારીના વર્તમાન સદસ્ય રઘુવીર ચૌધરીના આ અંગેના પ્રયાસ માટે એમને ધન્યવાદ આપવા જોઈએ. ઘણીવાર એવું બને કે સાહિત્ય અકાદેમીના અધ્યક્ષપદે વિરાજમાન વ્યક્તિ કઈ ભાષામાં, કયા સાહિત્યકાર આ પદ મ માટે યોગ્ય છે, તે જાણવા સમર્થ ન હોય. એવે વખતે જે તે ભાષાની સલાહકાર સમિતિના આવહકનું કર્તવ્ય હોય છે કે આ પદને યોગ્ય એવા, પોતાની ભાષાના અગ્રણી સાહિત્યકાર વિશે તે આગ્રહપૂર્વક ભલામણ કરે. આપણી ભાષામાંથી અત્યારે સૌથી અગ્રણી સર્જકોમાં રાજેન્દ્ર શાહ કે મનુભાઈ પંચોલી ‘દર્શક’ જેવાનાં નામની ભલામણ પણ કરવાની હોય નહિ. મનુભાઈને દેશનું એક સર્વોત્તમ સાહિત્યિક સમ્માન ‘સરસ્વતીસમ્માન’ પ્રાપ્ત થયું છે. રાજેન્દ્ર શાહનું નામ પણ ભારતીય જ્ઞાનપીઠના પુરસ્કાર માટે પેનલ પર રહેતું હોવા છતાં એમની કવિતાઓના ઉત્તમ અનુવાદોના અભાવે ચયન સમિતિના સદસ્યો કવિ તરીકેની એમણી શ્રેષ્ઠતા અંગે નિર્ણય ક્યાંથી કરે? એવી સ્થિતિમાં અન્ય ભાષાના જે કેટલાક સાહિત્યકારોનાં નામ રાષ્ટ્રીય કક્ષાએ એક યા અન્ય કારણે ઊછળતાં હોય છે, એમાંથી પસંદગી થવાની તકો વધી જાય છે. સરસ્વતીસમ્માન કે જ્ઞાનપીઠ પુરસ્કાર સંદર્ભે, કવિ રાજેન્દ્ર શાહ સર્જન અને સાધનાની એટલી ઊંચી ભૂમિકાએ છે કે એ તો આ બાબતે નિસ્પૃહ વૃત્તિ જ ધરાવે, પરંતુ આપણને વસવસો થાય કે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતી ભાષા કેમ હાંસિયા પર ઠેલાઈ જાય છે? ૧૯૧૩માં જન્મેલા કવિ રાજેન્દ્ર શાહ એક રીતે તો સુન્દરમ્‌-ઉમાશંકરની પેઢીના ગણાય, પરંતુ ગાંધીયુગની આબોહવામાં શ્વાસ લેવા છતાં, રાષ્ટ્રીય આંદોલનોમાં ભાગ લેવા છતાં, આ કવિ સુન્દરમ્‌-ઉમાશંકરની પેઢીની બ્રેક ઑફ કરે છે. સુન્દરમ્‌-ઉમાશંકર-શ્રીધરાણીની સમાંતરે લખવા છતાં કવિ તરીકે રાજેન્દ્ર શાહે પોતાની આગવી કેડી કંડારી છે. ૧૯૫૨માં, ‘કાવ્યમંગા’ અને ‘વસુધા’ના કવિ સુન્દરમ્‌નો ‘યાત્રા’ સંગ્રહ પ્રગટ થયો. ૧૯૫૩માં ‘ગંગોત્રી’ અને ‘નિશીથ’ આદિ સંગ્રહોના કવિ ઉમાશંકરનો ‘વસંતવર્ષા’ સંગ્રહ પ્રગટ થયો. ૧૯૫૧માં પ્રગટ થયેલો રાજેન્દ્ર શાહનો ‘ધ્વનિ’ સંગ્રહ પોતાના આ સમકાલીન ‘મેજર’ (major) કવિઓથી કેટલો બધો જુદો છે? ગાંધીયુગ જેવા ગાંધીયુગ આ કવિની કવિતાઓનો રચનાકાળ છે પણ એનો જાણે કવિ નિરંજન ભગતે અનુક્રમે ‘છંદોલય’ (૧૯૪૭) અને ‘કિન્નરી’ (૧૯૫૦) નામના બે સંગ્રહો આપ્યા હતા – એ કવિ પણ ‘છંદોલય’નું છેલ્લું ‘સંસ્મૃતિ’ કાવ્ય બાદ કરતાં એ સમયની મુખ્યધારાથી કેટલું જુદું ભાવજગત ધરાવે છે? આપણે જાણીએ છીએ કે ગાંધીયુગના પ્રબળ જુવાળ વખતે જ ઈ. ૧૯૪૦માં કવિ પ્રહ્‌લાદ પારેખ રવીન્દ્રનાથની સૌંદર્યચેતના સાથે ‘બારી બહાર’ કાવ્યસંગ્રહ લઈને આવ્યા હતા અને ગુજરાતી કવિતામાં એક નવા વળાંકની ઘોષણા, ગાંધીયુગના કવિ ઉમાશંકરે જ એ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં ‘આંખ નાક કાનની કવિતા’ એવા અભિધાનથી કરી. એ વખતે બીજા એક કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ ગુજરાતીમાં માત્ર અંગ્રેજી નહીં, યુરોપીય કવિતાના સંસ્કાર અવતારે છે. ‘ધ્વનિ’ને એની સૌંદર્યચેતનાને લીધે પ્રહ્‌લાદ પારેખના ‘બારી બહાર’નો સગોત્ર સંગ્ર ગણીએ, તોપણ ગહનતા અને ગાંભીર્યમાં અને કાવ્યકળાના કૌશલમાં ‘ધ્વનિ’ ચઢિયાતો સંગ્રહ બની રહે છે. ‘ગંગોત્રી’ ‘નિશીથ’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’ના વાચકોને ‘ધ્વનિ’ આવતાં જુદાં જ રસરુચિ દાખવવાં પડે એવું હતું. નિરંજન ભગતના ‘છંદોલય’ અને ‘કિન્નરી’ પણ એવા જ સંગ્રહો હતા. ગુજરાતી કવિતામાં સુન્દરમ્‌-ઉમાશંકર પછી એક નવો યુગ બેઠો – રાજેન્દ્ર-નિરંજનયુગ. જેમ યુરોપીય આધુનિકતાવાદના પ્રવક્તા એઝરા પાઉંડ હતા તેમ આ નવ્યકવિતાના પ્રવક્તા હતા કવિ નિરંજન ભગત. યુરોપીય પ્રતીકવાદી અને કલ્પનવાદી આંદોલનની ચર્ચાઓ ગુજરાતી કવિતાક્ષેત્રે થવા લાગી. ‘ધ્વનિ’ જ્યારે પાઠ્યપુસ્તક થયું, ત્યારે ગુજરાતીના રૂઢ અધ્યાપકોને એને ભણાવતાં મૂંઝવણ થાય એવું હતું. આ સ્થિતિને લક્ષમાં લઈને એની નવી આવૃત્તિમાં નિરંજન ભગતે મહત્ત્વનાં કાવ્યોના અર્થનિર્દેશ લખી પરિશિષ્ટ જોડ્યું – તે પણ નવ્ય વિવેચનાના પગરણરૂપ હતું. ગુજરાતી કવિતા ક્ષેત્રે પ્રતીક-કલ્પનનો મહિમા વધ્યો, બોધપ્રધાનતા અને ‘દ્વિજોત્તમ જાતિ’ની કવિતાની પ્રતિષ્ઠા ઓછી થઈ. હસમુખ પાઠક, પ્રિયકાન્ત મણિયાર અને નલિન રાવળ જેવા કવિતાઓએ રાજેન્દ્ર-નિરંજને પ્રવર્તાવેલી કાવ્યધારાને પોતાની વિશિષ્ટ અભિનવ કાવ્યરચનાઓથી પુષ્ટ કરી. ૧૯૬૫માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘સંસ્કૃતિ’માં ‘નવીન કવિતા’ વિશે લેખ લખ્યો, તેમાં આ નવા ભાવની અને નવી ટેક્‌નીકની કવિતાઓની ટીકા કરી. ઉમાશંકરે ‘સમકાલીન કવિતાનું વિવેચન’ એ શીર્ષકથી લેખ લખી વિષ્ણુપ્રસાદની, આ નવ્ય કવિતાને પામવાની દૃષ્ટિની મર્યાદા સૂચવી અને આ નવીન કવિતાની સિદ્ધિઓને રેખાંકિત કરી આપી. રાજેન્દ્ર શાહના ‘ધ્વનિ’ પર નવા કવિઓની પેઢી તૈયાર થતી ગઈ. એ વખતે ‘કુમાર’ એ આ નવ્ય કવિતાના પ્રસૂતિગૃહ જેવું હતું. અમારી પેઢી (ત્રીશના દાયકામાં જન્મેલા) તો મહિને મહિને ‘કમુમાર’ની પ્રતીક્ષા કરતી એટલું જ નહિ, બચુભાઈએ અનિયતકાલિક ‘કવિતા’ પત્રિકાના મણકા રમ્ય રૂપે પ્રકટ કરવા માંડ્યા હતા. રાજેન્દ્ર શાહે મુંબઈથી સુરેશ દલાલ સાથે ‘કવિલોક’ દ્વૈમાસિક શરૂ કર્યું. નિરંજન ભગતની જેમ રાજેન્દ્ર શાહ આંદોલનકર્તા ન હતા પણ તેઓ એક પછી એક પોતાના કાવ્યસંગ્રહો ‘શ્રુતિ’, ‘આંદોલન’, ‘શાંત કોલાહલ’ પ્રગટ કરતા ગયા. અલબત્ત, ‘ધ્વનિ’ તે ‘ધ્વનિ’ જ રહ્યો! ભલે ‘શાંત કોલાહલ’ને સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો. ‘ધ્વનિ’નું પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે’ રાજેન્દ્ર શાહની અર્ધશતાબ્દીવ્યાપી કવિતાસાધનાની નાંદી જ નહીં, ભરતવાક્ય પણ છે :

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે...
ક્યારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ
ક્યારેક મને સાદ કરે છે
કોકિલ મધુર-કંઠ;
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સહુ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશ.....

રાજેન્દ્ર શાહે સૉનેટના પરંપરિત રૂપને અપનાવ્યું છે. એમની ઉત્તમ કવિતા સૉનેટમાં સિદ્ધ થઈ છે પણ એમની પદાવલિ ગાંધીયુગ કરતાં ભિન્ન છે. બંગાળી ભાષા-સાહિત્યના પરિશીલનથી કે સંસ્કૃતનાદ સ્વાધ્યાયથી કવિ ક્વચિત્‌ એવો અલ્પપરિચિત શબ્દપ્રયોગ કરી બેસે કે ભાવકને માથું ખંજવાળવું પડે. ‘આયુષ્યના અવશેષે’ની સૉનેટમાળા તો ગુજરાતી કાવ્યરસિકોનો કંઠહાર અને ગુજરાતી કવિઓનો આદર્શ બની ગઈ ! ‘ખખડ થતી ને ખોડંગાતી એ જૂની ડમણી’ નવીન કવિતાની સામગ્રી અભરે ભરીને આવી હતી. નિરંજન ભગતે પોતાની વિવેચના દ્વારા આ સૉનેટમાળાનો અને રાજેન્દ્રની કલ્પનપ્રધાન કવિતાનો એવો મહિમા કર્યો કે ગાંધીયુગ પછીની કવિતાને પોતાનાં દિશા-દૃષ્ટિ મળ્યાં. ઉમાશંકરે ભલે ન્હાનાલાલનાં ગીતોની મહત્તા પ્રતિપાદિત કરતાં રાજેન્દ્ર-નિરંજન-યુગનાં ગીતો વિશે અનુત્સાહ બતાવ્યો હોય પણ ગીતને કવિતાની કોટિએ પહોંચાડવાનો આ બંને અને પછી પ્રિયકાન્ત મણિયાર જેવા કવિઓનો ઉદ્યમ ધ્યાનમાં લીધા વિના ચાલે એમ નથી. એમનાં ગીતોના લયાન્દોલથી ઝૂમતા અને એ ગીતોને ગુંજતા અનેક ભાવકો ત્યારે હતા :

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે

અથવા

મને જરા ઝૂંક વાગી ગઈ.
માલતીની ફૂલ કોમળી તોયે ડૂંખ લાગી ગઈ
વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું

જેવાં અનેક અનેક ગીતોનો અહીં નિર્દેશ કરી શકાય. અરે ‘ફેરિયો અને ફક્કડ’ જેવાં કાવ્યોના હિંદીટચમાં લખાયેલા સંવાદ પણ વાંચતાં વાંચતાં મોઢે થઈ જાય. ‘ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર’ ગીત તો કોઈ ચાર પાંચ મિત્રોની સંગતિમાં શરૂ કરતાં તુરત કોરસમાં ગવાવા લાગે – એટલું ભાવકોને કંઠે ચઢી ગયેલું. એનું ‘રે લોલ’ અગાઉનાં ગીતોનાં ‘રે લોલ’થી વિશેષ ઉલ્લાસમય એવી એની ગત્યાત્મકતાને લીધે એકદમ જુદો પ્રભાવ પડે છે. એવું એમનું ગીત ‘ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર ?’ એક કવિતા તરીકે જ નહિ, જીવનમાં કટોકટીને ટાણે ધારક બળ બને એવી પંક્તિઓથી પણ ગુંજતું રહ્યું છે : ‘આભ ઝ રે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર’ — પંક્તિ કોને યાદ નહિ હોય ? એવી રીતે ભજનના ઢાળમાં આવતું ગીત છે :

કાયાને કોટડે બંધાણે
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો....
કે પછી
આપણે આવળ બાવળ બોરડી,
કેસર ઘોળ્યા ગલના ગોટા જી;
હલકા તો પારેવાની પાંખથી,
મા’દેવથીય પણ મોટાજી
આપણા ઘડવૈયા બાંધવા !.... આપણે.

રતિલાલ જોગીએ રાજેન્દ્ર શાહની કવિતા વિશે લખતાં તેમને ‘સુષમા અને સુષુમ્ણાનો કવિ’ કહી એમની કવિતામાં વ્યાપ્ત સૌંદર્યબોધ એટલે કે પ્રેમ અને પ્રકૃતિ અને અધ્યાત્મબોધનો સમ્યક્‌ નિર્દેશ કર્યો છે. રાજેન્દ્રની કવિતામાં આરંભથી આ બંને વલણો પ્રબળ છે, તેમાં પછી ક્રમશઃ ક્વચિત્‌ તેમની માત્ર દીક્ષાગમ્ય – esoteric રચનાઓ આવતી ગઈ છે, જેની પ્રતીકાત્મકતા સામાન્ય વાચકને અપારદર્શી રહી જાય પણ ૧૯૫૧માં પ્રગટ ‘ધ્વનિ’થી શરૂ કરી ૧૯૯૮માં પ્રગટ તેમના ‘સ્મૃતિસંવેદના’ કાવ્યસંગ્રહ વચ્ચે પ્રકાશિત ૧૯ જેટલા કાવ્યસંગ્રહોમાં અપાર વૈવિધ્ય છે. ‘શાન્ત કોલાહલ’ની આલોચના એ વખતે તરુણ કવિ ચિનુ મોદીએ ‘શાન્ત માણસનો કોલાહલ’ તરીકે કરી હતી. સુરેશ જોષીના ‘ક્ષિતિજ’નાં પૃષ્ઠો પર શુદ્ધ કવિતાની વિવેચનાની ચર્ચાઓ આવવા લાગી હતી, તે કારણેય તે. પરંતુ નવી પેઢીનું પોતાની પુરોગામી પેઢી સાથેનું આ કન્ફ્રન્ટેશન હતું. તેમાં લાભશંકર ઠાકર આરંભમાં પરંપરાનુસારી અને પછી વિદ્રોહી રૂપે પ્રકટે છે. સિતાંશુ યશશ્ચંદ્ર અને ગુલામ મોહમ્મદ શેખ અછાંદસ અને સરરિયલ સૃષ્ટિ લઈને આવે છે પરંતુ રાજેન્દ્ર શાહની ‘ચિત્રણા’ કે ‘વિષાદને સાદ’ની રચનાઓય એકદમ અભિનવ પ્રકારની છે. એવી રીતે ‘પ્રસંગ સપ્તક’નાં સાત સંવાદકાવ્યોમાં રાજેન્દ્રની કવિતાની એક નવી દિશા જોવા મળે છે. પ્રાચીન મિથકોનું અર્થઘટન ‘પ્રાચીના’ જેવાં સંવાદ કાવ્યોમાં પ્રગટ થયું છે. રાજેન્દ્ર શાહની કાવ્યબાની છ દશકની કાવ્યયાત્રામાં લગભગ બદલાઈ નથી. એ બહુધા તત્સમ સંસ્કૃતપ્રધાન છે. આરંભમાં વિવિધ વૃત્ત છંદોના પ્રયોગ કરનારા આ કવિ બંગાળી પયાર અર્થાત્‌ આપણા વનવેલીને અપનાવે છે એ ખરું પરંતુ આ કવિએ ‘તેજછાયાના લોકમાં’ હંમેશા ‘પ્રસન્ન વીણા’ પર ‘પૂરવી’ છેડી છે. આ કવિએ કવિતાઓ રચી નથી, એ રચાઈ ગઈ છે. ૮૬ વર્ષની વયે પણ યૌવનની પ્રફુલ્લતાનો અનુભવ એમની નિકટ રહેવા મળતી બે ક્ષણોમાં પણ થઈ જાય એવી ભરપૂર પ્રસન્નતા એમના અંતઃબાહ્યમાં વિલસે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ બચુભાઈએ ‘કવિતા’ની અનિયતકાલિક પત્રિકા શરૂ કરેલી, નાનકડી રૂપરમ્ય એ પત્રિકાના પહેલા અંકમાં રાજેન્દ્ર શાહની એક કવિતા હતી. સાંભળ્યું હતું કે ‘કુમાર’ને બદલે ‘કવિતા’માં એનો પ્રથમ અંક સમૃદ્ધ લાગે માટે એ લેવી પડી, એનો થોડો વસવસો હતો. (એ ગીતમાં આપણા એક લોકગીત – ‘લાપસી લીધી, લુપસી લીધી ઉપર લીધું દહીં’નો ઢાળ છે, અને નહીં કે રાજેન્દ્ર શાહ માટે કહેવાતું તેમ, એ પરપ્રાન્તના ઢાળો લઈ આવે છે – એવો નિર્દેશ પણ હતો.) ગીતની આરંભની પંક્તિઓ છે :

મન મારું નથી ભ્રમણે ભૂલ્યું
કોઈ ન એનો વાંક,
સાવ રે અભણ
તોય વેળાનો આવડ્યો એને આંક
લાખ મહીંથી લીધ રે ગોતી
એક નિરાળા તેજનું મોતી
અવરની પંચાત શી મારે,
અવર તે સૌ રાંક...

આ કવિને કબીરની જેમ નિરાળા તેજનું ‘મોતી’ મળી ગયું છે, એની પ્રતીતિ એમની આજ સુધીની રચનાઓ કરાવતી રહી છે. રાજેન્દ્રની કવિતા વારંવાર વાંચતા રહ્યા છીએ, ‘ધ્વનિ’ યુગની આરંભની રચનાઓ તો કંઠસ્થ થઈ જાય ત્યાં સુધી પણ પ્રત્યેક વાચને નવો આનંદ આપે એમ તે ખૂલતી જાય. કવિતાના અનુશીલનની એ જ તો પ્રક્રિયા છે. માલાર્મેએ કહ્યું હતું તેમ – guessing little by little. રાજેન્દ્ર શાહના જ ગીતની પંક્તિઓથી આ ચિંતનપ્રિય કવિની અર્થગર્ભ કવિતા વિશે કહીશું કે -

તને જોઈ જોઈ તોય તું અજાણી
(જાણે) બીજને ઝરુખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી

સહિત્ય અકાદેમી આવા કવિને મહત્તર સદસ્યતા આપે છે ત્યારે અકાદેમીના અધ્યક્ષ રમાકાન્ત રથના શબ્દોમાં : "It is not that Sahitya Akademi is honouring Shri Rajendra Shah through this fellowship; in conferring this Fellowship on him, the Sahitya Akademi is itself honoured." – અર્થાત્‌, આ મહત્તર સદસ્યતા અર્પિત કરીને સાહિત્ય અકાદેમી શ્રી રાજેન્દ્ર શાહને સમ્માનિત કરે છે એવું નથી, ખરેખર તો રાજેન્દ્ર શાહને આ મહત્તર સદસ્યતા અર્પીને સાહિત્ય અકાદેમી પોતે સમ્માનિત થઈ છે.

ઑગસ્ટ, ૧૯૯૯
(આવ ગિરા ગુજરાતી)

૦૦૦