સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/મેઘાણીના અનુવાદો (અનુવાદનું રસાયણ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મેઘાણીના અનુવાદો : અનુવાદનું રસાયન

‘—his poetry is not to be separated from his translation, for the latter is part of it.’ એઝરા પાઉન્ડની અનુવાદ-રૂપાન્તરની પ્રવૃત્તિ વિષે એક અંગ્રેજ વિવેચકે દર્શાવેલું આ મન્તવ્ય મેઘાણીની સર્જકમુદ્રાથી અંકિત એવા તેમના અનુવાદો વિષે યોજી શકાય તેમ છે. એ તો સ્પષ્ટ છે કે મેઘાણીના અનુવાદો માત્ર ભાષાન્તર નથી, એટલું જ નહિ એમની સર્જન પ્રવૃત્તિના એક અંશરૂપ પણ છે. એટલે પ્રશ્ન એ છે કે મેઘાણીના આ અનુવાદોને માત્ર ટ્રાન્સલેશન કહીશું ? પ્રો. દાવરે આ અનુવાદો માટે ટ્રાન્સફ્યુઝન શબ્દ આપ્યો છે. આપણે એ અનુવાદોને ક્રિએટિવ ટ્રાન્સલેશન અર્થાત્‌ ટ્રાન્સક્રિએશનની કોટિમાં રાખી શકીએ ? ગુજરાતીમાં રૂપાન્તર, અનુસર્જન એવા શબ્દો છે જ. મેઘાણીના અનુવાદો મુખ્યત્વે બંગાળીમાંથી અને અંગ્રેજીમાંથી છે. બંગાળીમાંથી એમણે રવીન્દ્રનાથનાં કાવ્યોના અનુવાદ કરીને ‘રવીન્દ્ર વીણા’ આપી છે, અને પ્રસિદ્ધ બંગાળી નાટકકાર દ્વિજેન્દ્રલાલ રાયના બે નાટકો ‘રાણો પ્રતાપ’ અને ‘શાહજહાં’ના અનુવાદો કર્યા છે. વળી રવીન્દ્રનાથની ‘કથાઓ કાહિની’ પરથી ‘કુરબાનીની કથાઓ’ આપી છે. રવીન્દ્રનાથનાં કેટલાંક કાવ્યો એમણે બંગાળીના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં ઉતાર્યાં છે. અંગ્રેજીમાંથી મુખ્યત્વે મેઘાણીએ કેટલાંક બેલાડ્‌જનાં અને કેટલાંક કાવ્યોનાં રૂપાન્તરો કર્યાં છે. આ સિવાય તેમણે બેએક નવલકથાઓ ‘સત્યની શોધમાં’ અને ‘અપરાધી’ અંગ્રેજી નવલકથાઓ પરથી ઉતારી છે. આમ મેઘાણીની અનુવાદપ્રવૃત્તિ પદ્ય, નાટક, નવલકથા સુધી વિસ્તરે છે. અનુવાદોમાં પદ્યાનુવાદની અનેક સમસ્યાઓ છે. કવિતા એટલે ‘that which gets lost from verse and prose in translation’–કવિતાની ફ્રોસ્ટની આ વ્યાખ્યામાં રહેલા તથ્યાંશનો ઇન્કાર કરી શકાય તેમ નથી; તેમ છતાં પદ્યના અનુવાદની પ્રવૃત્તિ થતી જ રહે છે. વિશ્વની અનેક ભાષાઓની કવિતાનો પરિચય આપણે તો અનુવાદથી જ કરતા આવ્યા છીએ ને ? પદ્યના અનુવાદની મુખ્યત્વે ત્રણેક રીતિઓ પ્રચલિત છે એક તો છે : મૂળનો યથાશક્ત લગભગ શબ્દશ : અનુવાદ. બીજી રીતિ છે : અનુવાદકની આવશ્યકતા મુજબ મૂળમાં ઉમેરણી કે કંઈક બાદબાકી કરીને સમાંતર અર્થ આપતા સ્વતંત્ર અનુવાદ. ત્રીજી રીતિ છે : કોઈ પરભાષી રચનાને માત્ર આધાર બનાવી થતા એકદમ સ્વૈર અનુવાદ. આપને પહેલી રીતિ માટે ‘અનુવાદ’ કે ‘ભાષાન્તર’ એવો શબ્દ આપી શકીએ. બીજી રીતિ માટે કદાચ ‘રૂપાન્તર’ શબ્દ અધિક યોગ્ય લાગે છે, જ્યારે ત્રીજી રીતિ માટે ‘અનુસર્જન’ શબ્દ આપી શકાય. બીજી રીતિનો ઉત્તમ દાખલો છે – ફિટ્‌જરાલ્ડના ઉમર ખૈય્યામની રુબાઈયતોનો અંગ્રેજી અનુવાદ. ક્વચિત્‌ અનુવાદની આ બીજી રીતિ ઉત્તમ પ્રકારના સાહિત્યનું નિર્માણ કરતી હોય છે. સ્વૈર અનુવાદોનું દૃષ્ટાંત પાઉન્ડના અનુવાદો (મોટા અર્થમાં) છે. મેઘાણીના પદ્યનુવાદો બીજી રીતિની – એટલે કે રૂપાન્તરની વધારે નિકટ છે. પણ ક્યારેક તે પહેલી બીજી રીતિની વચ્ચે અથવા બીજી ત્રીજીની વચ્ચે ક્યાંક મૂકીએ તે રીતિના પણ છે. ‘કોઈનો લાડકવાયો’ કે ‘રાતાં ફૂલડાં’ જેવી રચનાઓ બીજી ત્રીજી રીતિની એટલે કે રૂપાન્તરઅનુસર્જનની વચ્ચે મૂકી શકાય. પાઉન્ડમાં જે ‘ક્રિએટિવ ફાયર’ છે. તે મેઘાણીમાં નથી. એમની સર્જકતા સરાસરી કક્ષાની છે. (એમની સ્વતંત્ર રચનાઓ પણ ક્યાંક પ્રેરિત હોય છે તે આ સંન્દર્ભમાં સૂચક છે.) જ્યારે કોઈ અન્ય કવિની કવિતા – એના ભાવ મેઘાણીના ભાવજગતને બંધ આવે છે ત્યારે રૂપાન્તરમાં મેઘાણીની સર્જકશક્તિનો ઉત્તમ આવિષ્કાર થતો જોવા મળે છે, એ રૂપાન્તર એમની જ સર્જનાત્મકતાનો એક અંશ બની રહે છે અને જાણે કે સ્વતંત્ર રચના તરીકે રસોત્તીર્ણ બની રહે છે. એ એમની મોટી સિદ્ધિ છે. અન્યપક્ષે કવચિત્‌ મૂળ રચનામાં કશુંક ઉમેરવા કે બાદ કરવાની પ્રક્રિયામાં ઇષ્ટ પરિણામ સિદ્ધ નથી પણ થતું અને મૂળ કર્તાને પણ અન્યાય કરનાર થઈ પડે છે ત્યારે પેલો ‘ટ્રાન્સલેટર ટ્રેઈટર’નો ઈટાલિયન શબ્દપ્રયોગ યાદ આવી જાય છે.

મેઘાણીની અનુવાદ પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરતાં પહેલાં અનુવાદ વિષેના એમના દૃષ્ટિબિન્દુને પણ ખ્યાલમાં રાખવું આવશ્યક છે. આ વિષે એમણે મુખ્યત્વે ‘રવીન્દ્ર વીણા’ની ભૂમિકામાં કહ્યું છે અને કંઈક આછોતરા સંકેત ‘સત્યની શોધમાં’ કે ‘અપરાધી’ નવલકથાઓની ભૂમિકામાં કર્યા છે. ‘આ કૃતિઓ કોની કહેવાય (‘રવીન્દ્રવીણા’માંની) ?’ એવા પ્રશ્નાર્થનો ઉત્તર આપતાં એ પુસ્તકની ભૂમિકામાં લખે છે : વસ્તુ સામગ્રી તો અકબંધ મેં ટાગોરની અપનાવી છે. મૂળના કોઈ પણ ભાવને કે વિગતને, એના પોતાના જ પૂરેપૂરા પ્રાકટ્યને ખાતર થઈને મારે જે સહેજસાજ ‘ટચીઝ’ આપવા પડે તેથી વિશેષ મોટા ફેરફારો કરવાની છૂટ લીધી નથી. મારી સમજમાં નહિ આવ્યું હય તેવું જૂજજાજ મેં કોઈ કોઈ સ્થળે મૂળમાંથી છોડી દીધું હશે... એ રીતે કોઈ કોઈ ઠેકાણે મૂળના ભાવ કે કલ્પનામાંથી, મારા કશા યત્ન વગર આપોઆપ જે કોઈ ભાવ કે કલ્પનાનો ફણગો મારામાં ફૂટ્યો હશે તેને મેં અનુવાદમાં આસાનીથી આવવા દીધો છે...અસલના કલ્પનાચિત્રને મારી ભાષા મળવાની સાથે મારા મનનો ઘાટ–આકાર પણ મળ્યો છે !’ ‘એ અનુવાદો છે એવું લાગશે નહિ તોપણ હું નવાઈ નહિ જ પામું ! ખેદ તો પામું જ શાનો ? કારણ કે એ અનુવાદિત છે એવો આભાસ સરખોયે ન થવા દેવાનો તો મારો પ્રયત્ન છે અરે, પ્રયત્ન છે એમ પણ શા માટે કહું ? સાચું તો આ છે, કે મૂળ કૃતિઓએ મારા ચિદાકાશમાં, મારા અન્તસ્તલમાં શક્ય તટેલી આત્મસાત્‌ થઈ ગયા પછી, પોતાની મેળે જ મારા ગુજરાતી અવતાર ધારણ કરેલ છે : બહિરંતર બેઉરૂપે ગુજરાતી.’ આ અવતરણો મેઘાણીની અનુવાદ પ્રક્રિયાનો તેમજ તેમના અનુવાદ-આદર્શનો ખ્યાલ આપી રહે છે. અનુવાદ અનુવાદ ન લાગે તે તો ઈષ્ટ જ છે, પણ મૂળ રચનાની ધબકનો પણ અનુભવ ન થાય તે તો કેમ ચાલે ? મૂળ રચના જ્યાં માત્ર આધાર તરીકે લઈ પોતાનું કોઈ સ્વતંત્ર વેરિએશન આપવાનું હોય તેની તો જુદી જ રીતે વાત થાય. મેઘાણી મોટે ભાગે તો અનુવાદો આપવા માગે છે. જ્યાં તે રચના સ્વતંત્ર ચાવતી હોય – મૂળનો આધાર માત્ર લઈને – ત્યાં એનું પરીક્ષણ એક સ્વતંત્ર અને સર્જનાત્મક રચના તરીકે જ થાય, પણ યત્રતત્ર થોડાંક પરિવર્તન – પરિવર્દ્ધન કરીને થતાં રૂપાંતરો – અનુવાદોને તો એ અનુવાદની ઊપસી આવતી નિકષરેખાને આધારે મૂલવવાં જોઈએ. એટલે હવે પ્રશ્ન આવે છે આદર્શ અનુવાદનો – પદ્યાનુવાદનો. શબ્દશ : થતા નિર્જીવ અનુવાદો કે એકદમ થતા સ્વૈર અનુવાદોની આત્યંતિકતા ત્યજીને અનુવાદો ઉમાશંકર જોશી કહે છે, તેમ— ‘મૂળકૃતિ સાથે સાદૃશ્ય ધરાવતી, મુળકૃતિની લગોલગ પહોંચતી, ભાષાન્તર હોવા છતાં નરી છાયામાત્ર ન હોય એવી અને સાથે સાથે એક સ્વતંત્ર કૃતિ તરીકે ઊભી રહી શકે એવી અનુવાદ –રચના આપવી જોઈએ.’ મેઘાણીમાં અનુવાદો ‘સ્વતંત્ર કૃતિ તરીકે ઊભા રહી શકે તેવા’ સિદ્ધ થાય છે, પણ એ અમુક રીતે પ્રતિબદ્ધ હોવાથી તેમનાથી મૂળ કૃતિનું સાદૃશ્ય ધરાવવાનું કે લગોલગ પહોંચવાનું – ખાસ તો રવીન્દ્રની રચનાઓમાં – બન્યું નથી. ગુજરાતીકરણ કે સોરઠીકરણ, તળપદું વાતાવરણ સિદ્ધ થવું જોઈએ એવી પ્રતિબદ્ધતા (‘કમિટમેન્ટ’) એમને બહુ નડી છે. સાથે એ કહેવું જોઈએ કે એ જ પ્રતિબદ્ધતા બેલાડ્‌જના રૂપાંતરોમાં અદ્‌ભુત રીતે સહાયક બની છે, કારણ કે એમાં તળપદા ઢાળો અને વાતાવરણ મૂળ કૃતિનું સાદૃશ્ય ધરાવતાં લાગે છે અને કંઈક અંશે તેની ધબકનો સંસ્પર્શ કરાવે છે. હવે આપણે ‘રવીન્દ્રવીણાના’ના કેટલાક અનુવાદો ઉદાહરણ રૂપે જોઈશું. અહીં અનુવાદ વિષેના મેઘાણીના દૃષ્ટિ કોણથી કેવાં પરિણામ સિદ્ધ થાય છે, તે તપાસવાનો ઉપક્રમ છે.

મેઘાણી સ્વભાવે રોમાન્ટિક મુડના કવિ છે, પરન્તુ એમનું રોમાન્ટિક માનસ ઓગણીસમી સદીના અંગ્રેજ કવિઓથી કે રવીન્દ્રનાથથી પણ પ્રભાવિત નથી. એમની રોમાન્ટિકતા આપણા મધ્યકાલમાં રહેલી છે. મધ્યકાલીન શૈર્યવીર્ય સંસ્કારોથી પ્રભાવિત એમનું આ રોમાન્ટિક માનસ છે. સોરઠી બહારવટિયાની સૃષ્ટિ કે ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય એમને પ્રેરક બની રહે છે. વળી તે પત્રકારત્વના માણસ પણ છે. એક કવિ તરીકે આ કારણે મેઘાણીએ જે સિદ્ધિ મેળવી હોય તે તેમની, પણ રવીન્દ્ર–કવિતાના અનુવાદક તરીકે આ માનસ મર્યાદા બને છે. બેલાડનાં ગુજરાતી રૂપાંતર કરતી વેળાએ અગાઉ કહ્યું તેમ મેઘાણીની મધ્યકાલીન રુચિ અને એ કારણે તળપદા લોકઢાળો અને ચારણી ઢાળો પ્રત્યેનું એમનું આકર્ષણ સહાયક બને છે. રવીન્દ્રનાથની કવિતાના હાર્દને તો મેઘાણી કદાચ પામ્યા છે, પણ રવીન્દ્રકાવ્યની ઈબારતના મહત્ત્વનો ખ્યાલ અનુવાદક મેઘાણીએ નથી કર્યો લાગતો. રવીન્દ્રકવિતાનું આગવું આકર્ષણ રવીન્દ્રનાથની કોમલકાન્ત બાનીમાં છે. રવીન્દ્રનાથ સૌન્દર્યવાદી કવિ છે, એમના શબ્દોનું લાલિત્ય અદ્‌ભુત છે, એમના છંદોનું લાસ્ય મુગ્ધકર છે. રવીન્દ્રકવિતામાં આમ શબ્દાન્વય, છંદોલય આ બધાંની અપૂર્વ બહિરંગલીલા તેના અંતરંગ સાથે અભિન્ન છે. એટલે જ્યારે મેઘાણી બહિરંગ પરત્વે સોરઠી પદાવલી કે દેશી ગેય ઢાળો પ્રત્યે ઢળે છે ત્યારે રવીન્દ્રની ‘શ્રીમયી, લક્ષ્મીમયી તિલોત્તમા ભાષા’ની માધુરી નંદવાય છે. ‘અભિસાર’ કવિતાની આખરની પંક્તિઓમાં રવીન્દ્રનાથે ભાષા અને છંદોલયથી જે વાતાવરણ સિદ્ધ કર્યું છે તે કેવું મોહક છે ! સંન્યાસી ઉપગુપ્ત પરિત્યક્ત રુગ્ણ વાસવદત્તાની પરિચર્યા કરી રહ્યા છે ત્યારે :

ઝરિછે મુકુલ, કૂજિ છે કોકિલ
યામિની જોછના મત્તા

"કે એસેછ તુમિ ઓગો દયામય"
શુધાઈલ નારી, સંન્યાસી કય—
"આજિ રજનીતે હયે છે સમય,—
એસેછિ વાસવદત્તા."

મેઘાણીનો અનુવાદ જોઈએ :

પૂછે રોગી : "મુજ પતિતની પાળ ઓ આવનારા !
આંહી તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા ?"
બોલે યોગી : "વિસરી ગઈ શું કોલ એ વાસુદત્તા !
તારા મારા મિલનની સખિ ! આજ શૃંગારરાત્રિ."
ઝર્યાં પુષ્પો શિરે એને, કોકિલા ટહુકી ઊઠી
પૂર્ણિમા રાત્રિની જાણે જ્યોત્સના છોળ છલી ઊઠી.

અહીં મૂળની જે મોહિની છે તે ગુજરાતીમાં વિલય પામે છે. ‘ઝરિછે મુકુલ...’એનું ગુંજરણ કર્યે જ જાઓ. વળી મૂળમાં આરંભમાં પ્રકૃતિની આ પશ્ચાત્‌ભૂમાં વાસદત્તા – ઉપગુપ્તનો પ્રશ્નોત્તર છે ત્યાં અનુવાદમાં પહેલે પ્રશ્નોત્તર અને પછી મૂળમાં નથી સૂચવાતો એવો પ્રકૃતિનો પ્રતિભાવ દર્શાવી મેઘાણીએ પેલી રંગદર્શિતાનો પરિચય કરાવ્યો છે. વળી મૂળમાં જે સંકેતિત માત્ર છે – જે કવિતાનો પ્રાણ કહેવાય – તે અહીં મુખરિત બની જાય છે. મૂળ ‘અભિસાર’ કવિતામાં પ્રાસની લીલા તે તો જાણે નર્તન્તી વાસવદત્તાની સ-ઠેક ગતિ છે. પ્રત્યેક કડીમાં પહેલી-છેલ્લી અને બીજી-ત્રીજીનો પ્રાસ છે. પહેલી ચોથી લીટીના બધા પ્રાસો જોડાક્ષર હોઈ એક થડકા સાથે કડી પૂરી થતાં જાણે ઉન્મત્ત વાસવદત્તા ઠેક લઈ ચાલતી હોય તેવો અનુભવ સમગ્ર કવિતામાં થાય છે, અહીં એ ‘અવલુપ્ત’ છે. ‘મેઘાણીની લાક્ષણિક શૈલી ‘રવીન્દ્રવીણા’માં ઢાકાની મલમલને સોરઠી લોબડીના નવા આકર્ષક સ્વરૂપે રજૂ કરે છે’—ઉમાશંકર જોશીનું આ વિધાન માર્મિક છે. એમાં ‘આકર્ષક’ વિશેષણ જાણે આ પ્રવૃત્તિને પુરસ્કૃત કરે છે પણ આ અનુવાદો ઉમાશંકર જેને આદર્શ અનુવાદ તરીકે સ્વીકારે છે તે મૂળનું સાદૃથ્ય અને સામીપ્ય ગુમાવે છે તેનું શું ? એની આકર્ષકતા શેમાં ? એક અન્ય ઉદાહરણ : ‘નવવર્ષા’ કવિતામાં :

ઓલી કોણ કરી લટ મોકળિયું ખડી આભ મહોલ અટારી
ઊંચી મેઘમહોલ અટારી પરે !
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન વાદળ પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે
મૂળ છે :
ઓગો પ્રાસાદેર શિખરે આજિકે કે દિયેછે કેશ ઍલાયે
કબરી ઍલાયે
ઓગો નવઘનનીલવાસખાનિ
બુકેર ઉપરે કે લયેછે ટાનિ,...

આ કવિતામાં મેઘાણીએ પસંદ કરેલા ઢાળે મૂળ કવિની ગતિ અને આવેગને જાળવી રાખ્યાં છે પણ "મોકળિયું" શબ્દ કે ‘ચાકમચૂર બે ઉર પરે’ જે મૂળમાં નથી – એવો અનુવાદ હાનિ પહોંચાડે છે. વળી આ કવિતામાં છેલ્લે જતાં એક આખી કડી અનુવાદકે છોડી દીધી છે. રવીન્દ્રનાથના ‘ભષ્ટ્ર લગ્ન’નો અનુવાદ ‘ચુકાયેલી ઘડી’થી આવ્યો છે. મંદાક્રાન્તામાં થયેલો આ અનુવાદ મૂળનું કૈંક સામીપ્ય જાળવી શકે છે. આ કાવ્યનો ગદ્યાનુવાદ પણ ‘રવીન્દ્રવીણા’માં છે, જે નગીનદાસના અનુવાદ સાથે સરખાવી જોવો રસપ્રદ થઈ પડશે. પણ જ્યારે મેઘાણી ‘અનાવશ્યક’નો ‘નિરર્થક’ એ નામથી અનુવાદ આપે છે ત્યારે અનુવાદ મૂળ કાવ્યની હત્યા કરે છે. મૂળમાં દીર્ધલયાન્વયી પંક્તિઓ છે અને મેઘાણી એને માટે ‘અંજનિ’ છંદ પર પસંદગી ઢોળે છે ! મૂળે અમ છે :

‘આમાર ઘરે હયનિ આલો, જ્વાલા,
દેઉટિ તવ હેથાય રાખો, બાલા.’

(મારા ઘરે દીવો પેટાવ્યો નથી, તારો દીવો, હે બાલા, અહીં રાખતી જા.) મેઘાણી કહે છે : પૂ. ૧૬

મેં કહ્યું ‘મારે ઘેર નથી રે
પેટાયો દીવો;’
‘દેતી જાને દિવેટ તારી
પેટાવું દીવો.’

‘ચિરાયમાના’ કાવ્ય ‘આવ ચાલી’ એ શીર્ષકથી ઉતારે છે. આરંભ છે :

—જૅમન આછ તેમનિ એસો આર કોરો ના સાજ
અનુ : તું જેમ છો તેમ જ આવ ચાલી
શોભા ઠઠારા અબ છોડ ખાલી–

—એસો દ્રુત ચરણદુટિ તૃણેર પરે ફેલે
અનુ : દેરી ન કર, દોડ ઉતાવળી થા
ખુલ્લા પગો નૈ તળવાય, બી ના.

—અસો હેસે સહજ બેસે આર કોરો ના સાજ
અનુ : આંજ્યા વિના ફક્કડ આંખડી છે
આંધી ચઢે છે ઝટ આવતી રે.

અનુવાદમાં યોજાયેલી પદાવલિ અને તેમાંથી ઊઠતો ભાવ રવીન્દ્રવિશ્વને કદાચ અપરિચિત છે. અનુવાદ પોતાની ભાષાની પ્રકૃતિને સમજીને જ પરભાષા માંથી અનુવાદ કરતો હોય છે. પણ તે મૂળભાષાનો ટોન પણ એણે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. મૂળની ભાષા પ્રચલિત, અલંકૃત કે બોલાચાલની હોય તો અનુવાદની ભાષા પણ તેની પ્રકૃતિ મુજબ પ્રચલિત, અલંકૃત કે બોલવાની આવે તે આદર્શ ગણાય. મૂળ લેખક જો અનુવાદની ભાષામાં લખવાનો હોય તો કેવી ભાષા પસંદ કરત તે વિચારવું મહત્ત્વનું બને છે. દાંતેનો અનુવાદ કરતી વેળાએ મૂળના રૂપને સાચવવા ચિઆર્ડી દાંતેની ઈટાલિયન જે રીતની છે – મુહાવરેદાર, તે રીતની અંગ્રેજી ભાષા અનુવાદ માટે યોજે છે. એ ‘ઈન્ફર્નો’ના એના અનુવાદની ભૂમિકામાં લખે છે : The only way I could see of trying to preserve that gestalt was to try for a language as close as possible to Dante’s. અહીં મારો કહેવાનો આશય એ છે કે ઢાકાની મલમલને સ્થાને સોરઠી લોબડી ઉપયુક્ત નથી. અહીં રવીન્દ્રનાથના કાવ્યોના સુરેશ જોષીના કેટલાક પદ્યાનુવાદ કે નિરંજન ભગતનો ‘ચિત્રાંંગદા’નો અનુવાદ યાદ કરી શકાય. ખાસ તો એટલા માટે કે ઢાકાની મલમલને મલમલ તરીકે રજૂ કરી શકાય તેમ છે. ભારતીય આર્ય ભાષાઓ તો એ રીતે ઘણી બધી નજીક છે અને તેથી અનુવાદમાં મૂળ રૂપને જાળવવાનું કંઈક અંશે શક્ય તો છે જ. મેઘાણીએ એ તકનો લાભ લીધો નથી. રવીન્દ્રપદાવલિ તત્સમ સંસ્કૃતપ્રધાન છે. ગુજરાતીમાં એટલી તત્સમપ્રધાનતા કદાચ ન ચાલે, પણ એની નજીક તો અવશ્ય રહી શકાય છે. અહીં તો ‘રવીન્દ્રવીણા’માંય (એક મિત્રે કહેલું તેમ) મેઘાણીના ‘એકતારા’ના સૂર સંભળાયા કરે છે. ‘રવીન્દ્રવીણા’નું પ્રથમ કાવ્ય છે ‘જાગેલું ઝરણું’ મૂળનું શીર્ષક છે ‘નિર્ઝરેર સ્વપ્નભંગ.’ ગુજરાતી કાવ્યની પ્રથમ અને ધ્રુવપંક્તિ ‘કોણ જગાડે રે’ આખું ઉમેરણ છે; અને એને ધ્રુવપંક્તિ બનાવતાં કાવ્યનો સ્ટ્રેસ બદલાઈ જાય છે. વળી મૂળ કવિતાનો નિર્ઝરનો દ્રુતવેગ અહીં ધ્રુવપંક્તિના આવર્તનથી સ્ખલિત થતો લાગે છે, અને એના ‘રે’માં વિલય પામે છે, કવિતાનું ગેસ્ટાલ્ટ (બહિરંગ)–રૂપ પણ જળવાતું નથી. છેલ્લી કડીમાં ‘ભેદુ કોણ ભેટાડે’ કોઈ ગુજરાતી અગમ વાણીના ભજનની ઉક્તિ બની જાય છે અને મૂળની ‘ભાઙ્‌ ભાઙ્‌ કારા’નો ધ્વનિ સંભળાતો નથી. ‘બે પંખી’ના બે અનુવાદો છે, તેમાં લાવણીની લઢણમાં કરેલું ભાષાન્તર કંઈક વિશેષ મૂળની નજીક છે, પણ તેમાંયે છેલ્લી કડી શિથિલ બની જાય છે. ‘સ્વર્ગેથી વિદાય’ સંસ્કૃત વૃત્તમાં અનુવાદ છે. એમાંય ‘જુહાર ઝાઝા’ એવા શબ્દો બેસતા નથી. પણ ‘રક્ત પટ્ટામ્બર’નું ‘ચુંદડી’ યોજે છે ત્યારે શોભે છે. કાવ્યમાં એક સ્થળે છે : ‘પડિયાછે ખસિ ગ્રંથિ શરમેર’ એનું કરે છે ‘સરી ગઈ હશે નિવી.’ ‘ભારતતીર્થ’ની બીજી કડીમાં ‘પશ્ચિમે આજિ ખુલિયાછે દ્વાર’ વાળી લીટીઓ ઉડાવી દીધી છે તે તો ઠીક પણ જ્યાં રવીન્દ્ર કહે છે : ‘એસો બ્રાહ્મણ, શુચિ કરિ મન ધરો હાત સબાકાર’—આવો બ્રાહ્મણ મનને પવિત્ર કરીને સૌ કોઈનો હાથ પકડો’ એ પંક્તિ –કેન્દ્રપંક્તિ જ અનુવાદમાં નથી. ‘સોનાર તરી’ કાવ્ય ‘સોનાનાવડી’ જાણે સ્વતંત્ર રીતે આવે છે. અનુવાદક પોતે કહે છે તેમ મૂળ કાવ્યની પંક્તિ પછી પંક્તિનો ક્રમ સાચવીને નહિ, પણ સ્વતંત્ર ક્રમ અનુસરવામાં આવ્યો છે. મૂળમાં કાવ્યની ઉક્તિ નાયકના મુખમાં છે. પણ બંગાળીમાં લિંગભેદ ન હોવાને કારણે લેખકે પોતાની મનોવૃત્તિ અનુસાર કાવ્ય નાયિકાના મુખમાં મૂક્યું છે. ‘કૃપણ’ કાવ્યમાં રવીન્દ્રનાથે કડીની પ્રત્યેક પહેલી પંક્તિમાં ૧૮ અક્ષરનો પયાર રાખી અને બાકીની ચારને ૧૬ અક્ષરના પયારમાં રાખી પંચાક્ષરી કડી એવી પાંચ કડીમાં આ કાવ્યનું સંઘટન યોજ્યું છે. અહીં ગુજરાતી અનુવાદમાં સ્રગ્ધરાની પસંદગી ઉચિત રીતે થઈ છે, પણ મૂળનું સંઘટન જળવાયું નથી. વળી બીજી લીટીમાં ‘પ્રભુજી’ કે અંતમાં જતાં ‘હરિ’ શબ્દનો પ્રયોગ કરી, કાવ્યમાં જેને આવૃત્ત રાખવાનું છે, તેને અનાવૃત્ત કરી કાવ્યને હાનિ પહોંચાડી છે. અંતમાં પાંચેક જેટલા અનુવાદો ગદ્યમાં પણ છે, તેમાંથી બેએક મૂળ બંગાળીના અંગ્રેજી અનુવાદ પરથી છે. ‘મૃત્યુને’ કાવ્ય ‘ભાનુસિંહેર પદાવલિ’માંથી છે. વૈષ્ણવ વ્રજબુલિમાં લખાયેલું આ કાવ્ય અનુવાદમાં અધૂરું અને અનાસ્વાદ્ય છે. ‘રવીન્દ્રવીણા’ની પ્રત્યેક રચનાને અહીં મૂળ સાથે સરખાવવાનું ઇષ્ટ માન્યું નથી, પરંતુ મેઘાણીની અનુવાદપ્રવૃત્તિનો ખ્યાલ આવે તે રીતે કેટલાંક ઉદાહરણો પસંદ કર્યાં છે. અનુવાદક તરીકે મેઘાણીમાં મર્યાદાઓ હોવા છતાં, જો આપણે ભૂલી શકીએ કે આ રચનાઓ રવીન્દ્રનાથની છે તો સ્વતંત્ર ગુજરાતી કાવ્યો તરીકે મેઘાણીની ‘રવીન્દ્રવીણા’ની કેટલીક રચનાઓ અત્યંત આસ્વાદ્ય બની રહે છે. બે પંખી, વીર બંદો, માની યાદ, કૃષ્ણકળી, દીઠી સાંતાલની નારી, નવી વહુ – વગેરે રચનાઓ જાણે ગુજરાતી બની ગઈ છે. અગાઉ કહ્યું છે તેમ ફિટ્‌જરાલ્ડના અનુવાદની જેમ રૂપાન્તર કક્ષાની આ રચનાઓ ગુજરાતી ભાષાનું ધન બની રહે છે. મેઘાણીએ અંગ્રેજી પરથી જે અનુવાદો કર્યા છે, તેમાં મુખત્વે બેલાડ છે. ‘આખરી સંદેશ’—‘ધ ન્યુઝ ઑફ બેટલ’ પરથી; ‘સૂના સમદરની પાળે’ ‘બિન્જન ઑન ધ ર્‌હાઈન’ પરથી; ‘રાતાં ફૂલડાં’–‘ફાઈન ફલાવર્સ ઇન ધ વેલી’ પરથી, ‘કોઈનો લાડકવાયો’ ‘સમબડીજ ડાર્લિંગ’ પરથી; ‘કવિ તને કેમ ગમે ?’ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના ‘માસ્ક’ પરથી રચાયેલાં રૂપાંતરો છે. આ અનુવાદો – રૂપાંતરોમાં મેઘાણીના કસબે એમને અજબની યારી આપી છે. બેલાડ કે લોકગીત તો મેઘાણીની નસમાં ધબકે છે, અને તેથી આ બેલાડ કે લોકગીતોને ગુજરાતીમાં ઉતારતાં એ મૂળનું ગેસ્ટાલ્ટ–રૂપ અદ્‌ભુત રીતે સિદ્ધ કરે છે. આખું વાતાવરણ ઊભું કરે છે. અહીં મેઘાણીમાં રહેલી ઉત્તમ સૂઝ—શક્તિનાં દર્શન થાય છે. ‘ફાઈન ફ્‌લાવર્સ ઇન ધ વેલી’—‘રાતાં ફૂલડાં’માં કૌમાર્યમાં પ્રાપ્ત થતા બાળકની મા દ્વારા થતી હત્યાનો પ્રસંગ કોઈ લોકકવિએ ગાયો છે. મેઘાણી અહીં સમાંતર અર્થ કંઈક અંશે આપવા છતાં અત્યંત સ્વતંત્રપણે ચાલે છે. મૂળ કાવ્યનો ઉપાડ છે :

She set down below a thorn,
Fine flowers in the valley;
And there she has her sweet babe born,
And the green leaves they grow rarely.

મેઘાણીમાં જુઓ :

વનરાતે વન કેરી કાંટયમાં રે, રાતાં ફૂલડાં,
હાંરે બાઈએ પધરાવ્યાં પેટનાં બાળ—
વનરામાં ગલ રાતાં ફૂલડાં.

મેઘાણી પંક્તિની વ્યવસ્થા બદલે છે, વાતાવરણ પણ બદલે છે. મૂળમાં છૂરી વડે બાળહત્યા કરવાની વાત છે, જ્યારે મેઘાણી ડોક દબાવીને હત્યા કરવાની વાત મૂકે છે. મૂળમાં છે :

‘Smile na sae sweet, my bonny babe,
Fine flowers in the valley
And ye smile sae sweet ye’ll smile me dead...’

મેઘાણી આપે છે :

હસ મા એવલડું, હો લાડકડા રે, રાતાં ફૂલડાં
હેં રે મારાં કળીએ કાળજડાં કપાય

અહીં ‘ye’ll smile me dead’નો કેવો સુભગ અનુવાદ થયો છે ! મેઘાણી રાતાં ફૂલડાં – વનરા તે વન કેરી કાંટ્ય, લાડકડા, જેવા શબ્દો યોજી લોકગીતની સુવાસ આપી રહે છે. મૂળમાં ‘ચર્ચ’માં જવાની વાત અહીં ‘હરિમંદિર’ રૂપે આવે છે. કાવ્યનો ઉત્તરાર્ધ લગભગ તદ્દન સ્વતંત્ર રીતે ચાલે છે.
મેઘાણીનું ‘કોઈનો લાડકવાયો’ એ કાવ્ય આપણા સૌનું એક જમાનાથી લાડકવાયું કાવ્ય બન્યું છે. મેઘાણીએ પસંદ કરેલો ઢાળ, કરેલા ભારતીય વાતાવરણને ઉચિત પરિવર્તનો અને પરિવર્દ્ધનો એક સ્વતંત્ર સર્જનની કક્ષાએ કૃતિને મૂકી દે છે. અહીં મૂળ કાવ્ય લગભગ નિમિત્ત બને છે. ‘સોનાનાવડી’ને નહિ પણ આ કૃતિઓને તો હું અનુસર્જન કહીશ. અહીં સર્જન છે જ. પાઉન્ડના કેન્ટોઝ વિષે કહેવાયું છે :
Pound is at his best when he is using what Another poet has said to express his own feelings and ideas.
મેઘાણી વિષે આવાં કેટલાંક રૂપાંતરો – અનુસર્જનો જોઈ આમ કહી શકાય. આ કાવ્યો મેઘાણીની કવિતાનો જ એક અંશ બની રહે છે. ભલે મેઘાણીએ રવીન્દ્રનાથની ઘણીબધી રચનાઓ ગુજરાતીમાં ઉતારી હોય પણ રવીન્દ્રકાવ્યભૂમિ મેઘાણીના માનસને કંઈક અજાણી બની રહેતી લાગે છે, પણ આ કાવ્યમાં મેઘાણી at home છે. મૂળકાવ્યની છેલ્લી છ લીટી અને એનો અનુવાદ જુઓ. કબરને સ્થાને ચિતા પર પોઢવાની વાત કહી અને તેમાંયે અગનપિછોડી શબ્દ યોજીને મેઘાણીએ મેઘાણીત્વનો પરિચય આપ્યો છે; પંક્તિઓ છે :

And there he lies, with his blue eyes dim,
And the smiling, childlike lips apart.
Tenderly bury the fair young dead,
Pausing to drop in his grave a tear;
Carve on the wooden slate at his head --
"Somebody’s Darling slumbers here."

–એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન–પિછોડી ઓઢે :
કોઈના લાડકવાયાને
ચૂમે પાવક–જ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ–ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી;
લખજો : ખાક પડી આંહી.
કોઈના લાડકવાયાની.’
એવું જજ અનુસર્જનાત્મક કાવ્ય છે—‘સૂના સમદરની પાળે’

બેસતું ચિત્ર આપવાની કોશિશ કમેઘાણીએ પ્રસિદ્ધ બંગાળી નાટકકાર દ્વિજેન્દ્રલાલ રાયના બે બંગાળી નાટકો ‘રણો પ્રતાપ’ (૧૯૨૩)અને ‘શાહજહાઁ’ નાટકનાં પાત્રો સંસ્કૃત તત્સમ ભાષાનો પ્રયોગ કરે છે, તે તો ઠીક પણ શાહજહાઁ પણ ‘ખુદા’ને બદલે ઈશ્વર શબ્દનો પ્રયોગ કરે છે. નાટકના પ્રથમ દૃશ્યમાં જ દુઃસંવાદ, સેનાધ્યક્ષ, માતૃહારા, અન્તઃપુર, દુષ્પ્રવૃત્તિ, ભાતૃદ્વન્દ્વ એવા અનેક શબ્દો આવે છે. ગુજરાતી અનુવાદમાં આ શબ્દો ચાલી શકે પણ મેઘાણી નાટકનું મોગલાઈ વાતાવરણ જળવાય તે રીતે શબ્દો પસંદ કરે છે. ઉપરના શબ્દોને ક્રમે જોઈએ તો બુરા ખબર, સેનાપતિ, નમાયાં, જનાનખાનું મોગલાઈ વાતાવરણ જળવાય તે રીતે શબ્દો પસંદ કરે છે. ઉપરના શબ્દોને ક્રમે જોઈએ તો બુરા ખબર, સેનાપતિ, નમાયાં, જનાનખાનું, રમખાણ, ભાઈભાઈનો જંગ એવો શબ્દોનો વ્યવહાર કરે છે. કદાચ ગુજરાતી અનુવાદ વખતે મેઘાણીની સામે આ નાટકનો રૂપનારાયણ પાંડેયનો હિન્દી અનુવાદ હશે, જે મેઘાણી કરતાંયે વધારે અરબીફારસી શબ્દોનો પ્રયોગ મૂળ સંસ્કૃત શબ્દોને સ્થાને કરે છે. આ અનુવાદો એકંદરે સફળ બની શક્યા છે. મેઘાણીએ નવલકથાના અનુવાદો કર્યા છે, એમ કહેવા કરતાં લગભગ સ્વતંત્ર સ્વૈર અનુકૃતિઓ રચી છે, એમ કહેવું વધારે ઉચિત થશે. એમની ‘સત્યની શોધમાં’ (૧૯૩૨)અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ–ધ સીકર’ પરથી ઉતારવામાં આવી છે. મૂળ લેખકની વસ્તુસંકલના અને વિચારણા રાખીને લેખકે અહીંના સંસારને બંધરી છે. ‘અપરાધી’ (૧૯૩૮) નવલકથા હોલ કેઈનની ‘માસ્ટર ઑફ મેન’ પરથી લખાયેલી છે. મૂળ કૃતિમાં ‘આઈલ ઑફ મેન’ એ નવલકથાના પ્રસંગોની લીલાભૂમિ છે. મેઘાણીએ તેમાંથી ‘કાઠિયાવાડી જીવનસ્થિતિને બંધ બેસે’ તે રીતે ફેરફારો કર્યા છે. ભૂમિકામાં મેઘાણી લખે છે :

‘અપરાધી’ મુળ ૧૯૩૬’૩૭ના ‘ફૂલછાબ’માં ચાલુ
વાર્તા લેખે વર્ષ–સવા વર્ષ સુધી પ્રગટ થઈ હતી.
શરૂઆતના છ મહિના સુધી તો મારી પાસે અસલ
પુસ્તક નહોતું. ને મેં અગાઉ વાંચેલ તે પરથી જ
વાર્તાનું બને તેટલું સ્વતંત્ર ઘડતર હું કર્યે જતો હતો.’

આ નિવેદન મેઘાણીની અનુવાદ – અનુકૃતિની પ્રવૃત્તિને સમજવામાં ઉપકારક થઈ પડે છે. વાસ્તવમાં તો મેઘાણીની સર્જનશક્તિને આવા કોઈ અવલંબનની આવશ્યકતા રહી છે. અહીં પણ મેઘાણી કહે છે : ‘અન્ય લેખકની અનુકૃતિ ઉતારવામાં સફળતા મેળવવી એ મૌલિક સર્જન કરવા કરતાં જરાકે ઊતરતી સાધના મારા મનથી નથી.’

૧૯૬૮
(‘પૂર્વાપર’)

૦૦૦