< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/કવિતા
કવિતા
સને ૧૮૮૮ના જાન્યુઆરી માસ અને તે પછીના ‘બુદ્ધિપ્રકાશ’ના અંકોમાં પ્રસિદ્ધ થયેલો નિબંધ.
‘કવિતા તે શું’ એ વિષય પર ચર્ચા ગુજરાતી પુસ્તકસમૂહમાં સમૂળગી છે જ નહિ એમ કહેવું એ કંઈ ખોટું નથી. એ ચર્ચાની જરૂર છે એમાં સંદેહ નથી. બીજી ભાષાઓ પેઠે ગુજરાતીમાં પણ કવિતા પ્રધાન પદવી ધરાવે છે. પુસ્તક લખનાર વર્ગમાંથી ઘણાને કવિતા રચવાની અને કવિ થવાની આકાંક્ષા હોય છે. પુસ્તકસમૂહના આ મુખ્ય ભાગ વિશે વિવેચન થાય નહિ ત્યાં સુધી ભાષાની ઉન્નતિ થઈ શકે નહીં. ગુજરાતી વાંચનાર વર્ગને આ ખોટ નથી લાગવા માંડી એમ નથી. દરેક ચોપાનીઆમાં અને ઘણી ચોપડીઓમાં કવિતાને નામે પદ્ય છપાય છે; ઘણા કાવ્ય કહેવાતા ગ્રંથો છપાય છે, ઘણા પોતાને કવિ કહેવડાવે છે અને બીજા કવિ ન કહેવાય એમ ઇચ્છે છે. ઘણાને મહોડે સાંભળીએ છીએ કે ‘કવિતા તે શું’ તે ઘણા સમજતા નથી. કવિતાને નામે ચાલતા પદ્યમાંથી કેટલી કવિતા છે, કવિનું નામ ધરનારામાંથી કેટલા કવિ છે અને બીજા પર કવિતાના સ્વરૂપના અજ્ઞાનનો આરોપ મૂકનારામાંથી કેટલા પોતે જ એ વિષય બરાબર સમજે છે, એ ચર્ચાની ઉત્કંઠા પુસ્તકો વાંચનારને થાય એ સ્વાભાવિક છે. ઇંગ્રેજી અને સંસ્કૃત કવિતા વાંચનારને ગુજરાતીમાં કવિતા સર્વોત્તમ રૂપે બહુ થોડી છે એ લાગ્યા વિના રહેતું નથી. એ ખોટ પૂરી પાડવી એ ઈશ્વરદત્ત બુદ્ધિશક્તિવાળાનું કામ છે. એ બુદ્ધિપ્રભાવ પારખવો એ દરેક સંસ્કાર પામેલા વાંચનારનો ધર્મ છે. ગુજરાતી કવિતા વાંચનારામાંથી ઘણો ભાગ એ કવિતામાં ચર્ચેલા વિષય કે વાર્તા અથવા તેમાં વાપરેલા શબ્દ માટે વાંચે છે. રસગ્રહણ, ગુણદોષની પરીક્ષા, કે એકબીજા સાથે મુકાબલા માટે વાંચનારા ઘણા થોડા છે. કવિતાનો સૂક્ષ્મ રીતે વિચાર અને અભ્યાસ થવા માંડશે ત્યારે જ ગુજરાતી સાહિત્યનો ઉત્કર્ષ શરૂ થશે. એ સૂક્ષ્મ અભ્યાસ માટે કવિતાનું ધોરણ નક્કી કરવું એ આ નિબંધનો અલ્પમતિ યત્ન છે.
સામાન્ય રીતે કવિતાનું સ્વરૂપ બધી ભાષામાં એનું એ જ છે. સંગીતશાસ્ત્ર, ચિત્રવિદ્યા, વગેરે માટે જુદી જુદી પ્રજાના અભિપ્રાયનાં મૂળતત્ત્વ એનાં એ જ છે પણ તેના વિવેચનમાં ફેર પડે છે. કવિતામાં પણ તેમ જ છે. જુદા જુદા દેશના લોકોના પહેરવેશ, રીતભાત, ખોરાક, રિવાજ, રંગ, કદ, ટેવ, વગેરેમાં ફેર હોય છે, તેમ તેમની કવિતામાં પણ ફેર હોય છે. પણ તેમનું સર્વનું મનુષ્યત્વ એક જ અને મનુષ્યની એક જ વ્યાખ્યા સર્વને લાગુ પડે છે. તે જ પ્રમાણે કવિતાનું પણ એક જ લક્ષણ હોય.
તે માટે પહેલાં અમે કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ નક્કી કરીશું અને પછી તે ધોરણ ગુજરાતી કવિતાને લાગુ પાડીશું. તેમાં પ્રસંગ પ્રમાણે જૂના અને નવા કવિઓની કવિતા પર ટીકા કરવી પડશે. તેમાં અનુકૂલ અથવા પ્રતિકૂલ મત કોઈ કવિને પોતાને માટે નહિ પણ તેની કવિતા માટે જ છે એ વાંચનારે ધ્યાનમાં રાખવું; એ અમારી વિનંતી છે. અમે પણ સ્નેહ કે દ્વેષની વૃત્તિ વિના માત્ર નિષ્પક્ષપાત ટીકાકારનો હક લક્ષમાં રાખીશું.
દરેક પ્રજાની ભાષામાં ગદ્ય અને પદ્ય પહેલાં લખાય છે. ગ્રીક ભાષામાં સહુથી પહેલું નિબંધન પદ્યમાં છે. ભારતવર્ષમાં આર્યોનું સહુથી પહેલું નિબંધન વેદ પદ્યમાં છે. વૈદાદિ બાદ કરતાં ગ્રંથકારોમાં પહેલા વાલ્મીકિ ગણાય છે. તેમનું નિબંધન રામાયણ પદ્યમાં છે. આ ગ્રંથો કવિતા નથી એમ કહેનારું કોઈ નથી. આથી આટલું સિદ્ધ થશે કે માણસમાં કવિત્વશક્તિ સ્વાભાવિક છે અને તે જ્ઞાનથી એટલે યત્ન કરીને સંપાદન કરેલા જ્ઞાનથી ઉત્પન્ન થતી નથી. જે કાળમાં હાલ કરતાં સંપાદન કરેલાં જ્ઞાન અને અનુભવ થોડાં હતાં તે કાળમાં કવિતા હાલ કરતાં ઊતરતી નહોતી. મેકોલે તો એટલે સુધી કહે છે કે જેમ પ્રજાના આચારવિચારમાં સુધારો થતો જાય તેમ તેની કવિતા ઊતરતી પંક્તિની થતી જાય એવો નિયમ છે. સૃષ્ટિજ્ઞાન (Science) આગળ ઘણું થોડું હતું અને હાલ ઘણું વધારે છે. પણ સંગીતશાસ્ત્ર, ચિત્રકળા, કે શિલ્પ વિદ્યાના જ્ઞાનમાં તેમ નથી એવો તેનો અભિપ્રાય છે. તે કહે છે કે “માણસને પહેલું ઇંદ્રિયગોચર જ્ઞાન થાય છે અને ત્યાર પછી પૃથક્ સવિકલ્પક જ્ઞાન થાય છે. સમસ્ત પ્રજાના જ્ઞાનનો પણ આવો જ ક્રમ છે. મનુષ્યતા જ્ઞાનની વૃદ્ધિ સારુ અનુભવથી થયેલું સામાન્ય જ્ઞાન અવશ્ય છે. પણ કલ્પના વડે નવી સૃષ્ટિ કરવામાં તો સામાન્ય થવા નહિ પામેલા વિશેષ જ્ઞાન વિના ચાલે જ નહિ. જેમ મનુષ્યનું જ્ઞાન વધતું જાય છે અને તે વધારે વિચાર કરતો થાય છે તેમ વિશેષ જ્ઞાન તરફ તેનું લક્ષ ઓછું જાય છે. ઉપર કહ્યું તેમ કવિતા માટે વિશેષ જ્ઞાનની જરૂર છે, તેથી મનુષ્યના જ્ઞાન અને વિચારશક્તિની વૃદ્ધિ થાય તેમ કવિતાશક્તિ ઘટતી જાય.” મેકોલેના આ મતમાં સત્યતા કેટલી છે તે અગાડી તપાસીશું. હાલ આટલું જ નક્કી કરીશું કે કવિતાની ઉત્પત્તિ માટે જ્ઞાન અવશ્ય નથી. જ્ઞાન હોય તો કવિતા બગડે કે સુધરે તેનો વિચાર અગાડી જતાં કરીશું.
કવિતા માણસમાં સ્વાભાવિક છે પણ તે માણસના ક્રિયા સ્વભાવની ઉત્પત્તિ છે? માણસનું મન જુદે જુદે પ્રસંગે જુદી જુદી અવસ્થામાં આવે છે. તેમાંથી કઈ અવસ્થામાં આવીને તે કવિત્વશક્તિ ધારણ કરે છે? કવિત્વશક્તિને અનુકૂળ માણસનો કયો સ્વભાવ છે એ માટે વિદ્વાનોમાં મતફેર છે. એરિસ્ટોટલ કહે છે કે માણસમાં અનુકરણ (Imitation) કરવાનો સ્વભાવ છે, અને કવિતા તેનું ફળ છે. સૃષ્ટિમાં જે નજરે પડે છે તેના જ જેવું પોતાની મેળે ઉત્પન્ન કરવાનો માણસનો સ્વભાવ છે. આ અનુકરણ કરવાની ઇચ્છાથી કવિતા થાય છે. બેકન એથી ઊલટો વિચાર દર્શાવે છે. તે કહે છે કે માણસ પોતાના તર્ક અને કલ્પના (Imaginaton)થી સૃષ્ટિમાં ન હોય તેવું ઉત્પન્ન કરે છે, અને તેનું નામ કવિતા. સૃષ્ટિમાં જે નજરે પડે છે તેથી માણસના મનને સંતોષ થતો નથી. નિયમોથી બંધાઈ ગયેલી સૃષ્ટિ તેની રુચિને અનુસરતી નથી આવતી. તેથી સૃષ્ટિના નિયમ સુધારીને વાજબી ન્યાય પ્રમાણે પોતાને પસંદ પડે એવી નવી સૃષ્ટિ તે કલ્પના વડે ઉત્પન્ન કરે છે. એરિસ્ટોટલના મત પ્રમાણે કવિતામાં અનુકરણ અને સત્ય આવે; જેવું સૃષ્ટિમાં હોય તેવું માણસ પોતાના મનમાં ઉત્પન્ન કરે. બેકનના મત પ્રમાણે કવિતા અનુકરણ નથી કરતી પણ નવું ઉત્પન્ન કરે છે. સત્ય વાત નથી સ્વીકારતી પણ કલ્પિત ભાવ દાખલ કરે છે.
એક મત પ્રમાણે માણસના સ્વભાવમાં સૃષ્ટિમાં નજરે પડે તેનું અનુકરણ કરવાની વૃત્તિ છે. બધી કળાઓ અનુકરણ કરે છે અને જુદા જુદા સાધનથી અનુકરણ કરે છે. ચિત્રવિદ્યા દૃષ્ટિગોચર અનુકરણ દર્શાવે છે. કવિતા ઉચ્ચાર કરેલી વાણીથી અથવા તો છંદ ઉમેરીને ઉન્નત અને સુશોભિત ભાષાથી અનુકરણ કરે છે. સામા મત પ્રમાણે માણસને સૃષ્ટિમાં જે નજરે પડે છે તે પોતાના મનની રુચિ પ્રમાણે ન હોવાથી તે પોતાને સંતોષ થાય તેવી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. સૃષ્ટિમાં જે હોય તે લઈને પોતાની ઇચ્છા અને કલ્પના પ્રમાણે તેને ફરીથી ઘડે છે અને જ્યાં કુદરતી સૃષ્ટિમાં વાજબી યોજના ન લાગે ત્યાં ન્યાય્ય યોજના કરે છે કે તેથી પોતાને આનંદ થાય. સર્વ ઠેકાણે તે સદ્ગુણીનો જય કરે છે અને દુર્ગુણીનો પરાભવ કરે છે. સૃષ્ટિમાં હમેશ તેમ થતું નથી.
ડેવિડ મેસન કહે છે કે વસ્તવિક રીતે કવિતા વિશે (ઉત્પત્તિ વિચારતાં) બધા પક્ષની તકરારનું મૂળ અનુકરણવાદ કે કલ્પનાવાદની તકરારમાં છે. અમે અગાડી જતાં દર્શાવીશું કે કવિતાની ઉત્પત્તિનાં આ બે સિવાય બીજાં મૂળ છે. તો પણ કવિતાના વર્ણન સંબંધે ઘણાક મતનું પૃથક્કરણ કરતાં અનુકરણવાદ કે કલ્પનાવાદ કોઈ રીતે આવે છે એમાં સંશય નથી. મહા કવિ વડર્ઝવર્થના મત પ્રમાણે હૃદયનું આકર્ષણ અથવા ઉદ્દીપન કરે એવા ખરેખરી સૃષ્ટિના બનાવોને વાસ્તવિક રીતે વપરાતી ભાષામાં દર્શાવવા એ કવિનું કામ છે. આ એરિસ્ટોટલનો અનુકરણમત છે, કેમ કે એ પ્રમાણે કવિતામાં સત્ય વાત જ આવશે. કોલેરિજ વર્ડ્ઝવર્થની કવિતા પરથી મત બાંધતો તે છતાં બેકનનો મત ખરો માનતો. તે કહેતો કે ખરેખરો વિરોધ ગદ્ય અને કવિતા વચ્ચે નથી પણ કવિતા અને સૃષ્ટિવિજ્ઞાન (Science) વચ્ચે છે. સૃષ્ટિવિજ્ઞાનનું કામ સૃષ્ટિમાં વાસ્તવિક રીતે બનતું હોય તે વર્ણવવાનું છે. તેથી ઊલટું, કવિતા સૃષ્ટિમાં ન બનતું હોય તે દર્શાવે છે; એટલે બેકનના મત પ્રમાણે મનની ઇચ્છા પ્રમાણે કૃત્રિમ વસ્તુ કલ્પવી તે કવિતાનું કામ છે. લી હંટ પણ આ મત સ્વીકારે છે. કવિતા તે કલ્પનાશીલ મનોરાગ છે એવો તેનો અભિપ્રાય છે. ડેલાસ કવિતાની કલ્પનાશીલ આનંદ એવી વ્યાખ્યા આપે છે. ડેલાસ પોતે એરિસ્ટોટલ, બેકન, વગેરેની વ્યાખ્યાને ખોટી કહે છે. પણ તેની પોતાની વ્યાખ્યા બેકનની વ્યાખ્યાનું જ રૂપ છે. કવિતા નવી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે એ સહુથી વધારે સ્પષ્ટ રીતે મમ્મટે જણાવ્યું છે. કવિતાના ગુણ ગાતાં કહે છે કે, “પ્રકૃતિના નક્કી કરેલા નિયમોના બંધનથી છૂટી, આનંદ માત્રથી ભરેલી, પરતંત્રતા, વિનાની, નવ રસવાળી અને રુચિર આવી નવી સૃષ્ટિ ધારણ, કરનારી કવિની વાણીનો જય-વાસ્તવિક સૃષ્ટિમાં તો અમુક નિયમ પ્રમાણે જ થાય, કવિતામાં તેવું કાંઈ નહિ. ખરી દુનિયામાં સુખ, દુઃખ અને મોહ એ ત્રણે આવે, કવિની દુનિયામાં આનંદ માત્ર આવે. વિધાતાને સૃષ્ટિના સૃજતાં અમુક કારણો પર આધાર રાખવો પડે, કવિને તેવું કંઈ નહિ. ખરી સૃષ્ટિમાં છ રસ છે, કવિની સૃષ્ટિમાં નવ રસ છે. ખરી સૃષ્ટિ હમેશ રુચિર નથી હોતી. કવિની સૃષ્ટિ તો રુચિરતા જ જાણે છે. સર્વ રીતે કવિની બનાવેલી સૃષ્ટિ વાસ્તવિક સૃષ્ટિ કરતાં જુદી જ જાતની અને વધારે આનંદ આપનારી છે.” આ સૃષ્ટિ કલ્પના વડે જ થઈ શકે એટલે મમ્મટનો આ મત પણ બેકન તરફનું છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ વચન પણ સૃષ્ટિના નિયમ ઉલ્લંઘીને નવી કલ્પના યોજવી એ કવિતાનું કામ છે એમ જણાવે છે.
અનુકરણશીલ રાગ અને કલ્પનાશીલ રાગની આ હરીફાઈ એકલી કવિતામાં નથી. વડર્ઝવર્થ કવિતામાં તેમ રેફેલે ચિત્રવિદ્યામાં નવો ફેરફાર કર્યો છે. રૈયનોલ્ડ્સના પક્ષકારો બેકનના કલ્પનામત પ્રમાણે ચિત્રવિદ્યાનું વિવેચન કરે છે. ડિકન્સની ‘નોવેલ’ (વાર્તાગ્રન્થ) કલ્પનામય હતી. હમણાં ઇંગ્લાંડમાં થેકરીની ‘નોવેલ’ વધારે પસંદ થાય છે. થેકરીએ વાસ્તવિક રીતે દુનિયામાં બને છે તે વર્ણવ્યું છે. બાગની રચનામાં પહેલાં વાડ અને ઝાડનાં કલ્પનામય વિચિત્ર આકારો પસંદ થતા. હાલ લોકની રુચિ સૃષ્ટિમાં ઊગે તેવાં જ ઝાડ અને વાડ રાખવા તરફ છે.
ત્યારે આમાંથી ખરું શું? કવિતા અનુકરણ કરે છે કે કલ્પના કરે છે? એમ કહીએ કે કવિતાનું કામ અનુકરણ કરવાનું છે તો પછી અદ્ભુત વાત પર થયેલી બધી કવિતાને ક્યાં નાખીશું? હંસે નળને દમયંતીનું વર્ણન આપ્યું તે હંસ ક્યારે બોલવા ગયો હતો? દિલીપ અને કામધેનુને અથવા સિંહને વાત થઈ તે ક્યારે વાસ્તવિક રીતે બન્યું હતું? એવું સૃષ્ટિમાં ક્યાં બને છે કે તેનું અનુકરણ થાય? તે માટે એમ કહેવું કે વ્યાસ અને કાલિદાસ કવિ નહોતા? હનુમાને પૂંછડા પર ચીંથરાં બાંધીને લંકા બાળી તે સૃષ્ટિના કયા બનાવનું અનુકરણ છે? અનિરુદ્ધ રિપુ ઉત્પન્ન થયો અને બાણાસુરનો કેતુદંડ તૂટી પડ્યો એવો ચમત્કાર હમેશ સૃષ્ટિ બતાવી શકશે? ડેવિડ મેસન એક બીજો વધારે વિશેષ જણાવે છે. ગદ્ય મૂકીને પદ્ય થયું ત્યાંથી જ નવો માર્ગ ગ્રહણ થયો. દેવદમની અને ભોજ રાજાને ચોપાઈ દોહરામાં વાત નહિ થઈ હોય. ઓખાએ અનિરુદ્ધને અસુર સાથે યુદ્ધ ન કરવાની વિનંતી રાગ મારુ કે રાગ મેવાડામાં નહિ કરી હોય. અજે ઇન્દુમતીના મરણ પછી વૈતાલીય છંદમાં વિલાપ નહિ કર્યો હોય. આ પરથી એમ લાગશે કે કવિતાનું કામ સૃષ્ટિના બનાવોનું અનુકરણ કરવાનું નથી, પણ ઉલ્લંઘવાનું છે. અંગ્રેજી શબ્દ Poetry નું મૂળ Poico=I make છે એટલે કાંઈ નવું ઉત્પન્ન કરવું એ કવિતા.
બીજા પક્ષવાળા કહેશે કે કવિતાનું કામ નવી કલ્પના કરવાનું છે એમ કહેશો તો પછી કવિતાની શરૂઆત ક્યાં અને છેડો ક્યાં? જે કાંઈ અદ્ભુત વાત, જે કંઈ અસંભવિત કલ્પના, જે કાંઈ તરેહવાર ગપ માણસના મગજમાં આવે તે બધી કવિતા? “કહોડ કહોડ ચણો આપ” એ વાત પણ કવિતા? સૃષ્ટિના નિયમથી ઊલટું કલ્પાય તે કવિતા ત્યારે જાદુના પ્રયોગ એક ચોપડીમાં લખ્યા હોય તો તે કવિતા? ગમે તેવા કઢંગા વિકરાળ સ્વરૂપના રાક્ષસની કલ્પનાને કવિતા માનવી એ કેવું પરુષ લાગશે? અજના અથવા રતિના વિલાપમાં શી નવી કલ્પના છે? એ અવસ્થામાં આવેલું આદમી જેમ ધારે ને બોલે તેમ એમાં લખ્યું છે એ વિચારી આપણે એ કવિતાને વખાણીએ છીએ. યક્ષની સ્થિતિમાં આવેલો આદમી જેવો સંદેશો કહાવે તેવો જ મેઘદૂતમાં છે માટે મેઘદૂત શ્રેષ્ઠ કાવ્ય ગણીએ છીએ. વનમાં એકલી પડેલી દમયંતીની સ્થિતિ કલ્પિત માનવાથી મનને આનંદ થતો નથી. પણ એ સ્થિતિમાં એમ જ બને તેથી એ અનુકરણ છે એમ માનવાથી સંતોષ થાય છે. લી હંટે કવિતાની કલ્પનાશીલ રાગ એવી વ્યાખ્યા આપી છે, પણ તે પોતે જ અગાડી કહે છે કે “કવિતામાં લાવણ્ય અને સત્ય એકરૂપ થઈ જાય છે. કવિએ પોતાના મનને બીજું બધું મૂકીને પ્રેમ અને સત્યનો અભ્યાસ પાડવો; અને ક્ષણભંગુર અને અસત્ય વાતને દૂર જ રાખવી.” આ મતનો સાર એ કે કવિતામાં સત્ય જોઈએ, કલ્પના નહિ.
ત્યારે, આ તકરારનો નિવેડો કઈ રીતે આણવો? બન્ને પક્ષ ખરા અને બન્ને પક્ષ ખોટા લાગે છે. કલ્પનાવાદ સત્ય ભાસે છે તેમ જ અનુકરણવાદ અસત્ય નથી દીસતો. આમાં જ બધો જવાબ આવી રહ્યો છે. કવિતા કલ્પના કરે છે પણ તે અનુકરણ કરીને કલ્પના કરે છે. કવિતા કૃત્રિમ બનાવો ઉત્પન્ન કરે છે પણ તેમને સૃષ્ટિના નિયમ પ્રમાણે ઉત્પન્ન કરે છે, અને ઉત્પન્ન કર્યા પછી તેમને સૃષ્ટિના નિયમમાં રાખે છે. તે જ પ્રમાણે કવિતા અનુકરણ કરે છે. પણ કલ્પના સારુ અનુકરણ કરે છે. અનુકરણમાં કલ્પના દાખલ કરે છે. કલ્પના વિના અનુકરણ કરે તો તેમાં કાંઈ ચમત્કાર આવે નહિ. પણ અનુકરણ વિના ન ચાલે. કલ્પના કરીને રાક્ષસ આણ્યો તો તે પણ પ્રહારથી કે અપમાનથી ગુસ્સે જ થાય છે. ખુશી થતો નથી. તેને પણ સૃષ્ટિના મનુષ્યના જેવા જ વિકાર છે. તે પણ મૃત્યુથી ડરે છે. ટૂંકમાં કવિતાનું અનુકરણ કલ્પવાનું છે. કોઈ ઢાલને બે તરફ જુદા જુદા રંગ હોય તો તેને બન્ને તરફથી નિહાળવાથી જ તેનું ખરું સ્વરૂપ માલૂમ પડે.
ડેવિડ મેસનનો આથી જુદો અભિપ્રાય છે. તે તો બેકનનો કલ્પનાવાદ જ સ્વીકારે છે. તે કહે છે કે કવિત્વની અથવા કલ્પનાની શક્તિ તે બુદ્ધિ વડે નવા અથવા કૃત્રિમ પદાર્થ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય. તે પોતાના મતના સમર્થન માટે ગેટીનો અભિપ્રાય ઉતારે છે કે કલાનો અર્થ જ એ કે કુદરતથી કંઈ જુદું. કવિતા પણ એક કલા છે માટે તે કુદરતી સૃષ્ટિથી જુદી જ હોવી જોઈએ. આનો ઉત્તર એ આપીશું કે કલા કુદરતથી જુદી જ છે પણ તેનો હેતુ કુદરતની ખોટ પૂરી પાડવાનો છે. કલા કુદરતનું અનુકરણ ન કરી શકે તો કલા નિષ્ફળ થયેલી ગણાય. તેથી કવિતા કલા છતાં તેને સત્ય સ્વીકારવું જ પડે.
આ સિવાય બેકન અને ડેવિડ મેસનની વ્યાખ્યામાં એક બીજી ખામી છે. મનને આનંદ આપે એવી કલ્પના વડે કરેલી નવી સૃષ્ટિ, અથવા બુદ્ધિ વડે ઉત્પન્ન કરેલા નવા અથવા કૃત્રિમ પદાર્થ, – આ વ્યાખ્યામાં એકલી કવિતા નહિ આવે. ચિત્રવિદ્યા અને શિલ્પકલા એ પણ કલ્પના વડે મનને આનંદ આપે એવી નવી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. તેથી આ બે કલા પણ કવિતાની ઉપલી વ્યાખ્યાઓમાં આવી જશે. એક વિદ્વાને તો આ બે કલાને કવિતા જ ગણી છે. ત્રણે કલા વચ્ચે સંબંધ છે તો પણ ભેદ એટલો સ્પષ્ટ છે કે કોઈ પણ ભૂલ ન કરે. આ દોષ દૂર કરવા માટે ‘ઉચ્ચારમય વાણી વડે કલ્પના’ એટલું કવિતાની વ્યાખ્યામાં કેટલાક ઉમેરે છે. સામા પક્ષમાં ‘ઉચ્ચારમય વાણી વડે અનુકરણ’ એ વ્યાખ્યા ચાલે. પણ અમે પહેલેથી જ કહ્યું છે કે કલ્પના અને અનુકરણ સિવાય કવિતાનાં બીજાં મૂળ છે.
હજી સુધીના કવિતાની કલા તરીકેના વિવેચનથી એમ લાગશે કે કવિતાની ઉત્પત્તિ રચનારની ઇચ્છાને આધીન છે. પણ વાસ્તવિક રીતે કવિતા સ્વયંભૂ અને સ્વચ્છંદ છે. કવિતા મનને પરમ આનંદ આપે છે એ તો સત્ય છે, પણ આનંદ આપે એવું કંઈ ઉત્પન્ન કરવું એ કવિનું કામ, – એ લક્ષણથી કવિતા કૃત્રિમ અને પરતંત્ર સ્વરૂપે માલૂમ પડે છે. કદાચ એમ કહીએ તો ચાલે કે પરમ આનંદ આપે એવું જેના લખાણમાં ઘણું હોય તે કવિ. આ પરમ આનંદ તે શું અને તે આપી શકે એવું લખાણ તે કયું તેનો વિચાર કવિતાના સ્વરૂપના વિવેચનમાં કરીશું. હાલ સ્વયંભૂ તરીકે કવિતાને નીરખતાં તેનું મૂળ શોધીએ. વડર્ઝવર્થે કહ્યું છે કે “કવિતા તે મનની શાંતિના સમયમાં સંભારેલો ચિત્તલોભ છે.” એટલે કોઈ વખતે કવિને ચિત્તક્ષોભ થાય, તેના મનમાં કંઈ ભાવ ઊછળી આવે, અને ચિત્ત શાંત થયા પછી કોઈ વખતે તે ક્ષોભના સ્મરણથી જે લખાય તે કવિતા. પાણીને ધક્કો લાગ્યા વિના તે ઊછળતું નથી તેમ મનને કંઈ વિકાર કે લાગણી થયા વિના તેને ક્ષોભ થતો નથી. મનની લાગણી થયા વિના. મનને કંઈ લાગ્યા વિના, તે કવિતા કરવાની વૃત્તિમાં આવતું જ નથી. ‘ચલો, કવિતા કરવા બેસીએ,’ એમ ધારી કદી કવિતા કરાતી નથી. કવિઓનો કવિ અને અંતર્ભાવની પ્રેરણા ગાનારનો શિરોમણિ શૈલી કહે છે કે “કવિતા તે કંઈ વિચારશક્તિ જેવી નથી કે તેને મનની ઇચ્છા પ્રમાણે વાપરી શકાય. કોઈ માણસ એમ ન કહી શકે કે હું કવિતા રચીશ. મહોટામાં મહોટો કવિ હોય તે પણ એમ ન કહી શકે; કેમ કે કવિતા રચવાની ક્રિયામાં ગૂંથાયેલું મન હોલવાઈ જતા અંગારા જેવું છે; અસ્થિર પવન માફક કોઈ અદૃશ્ય બળ આવી આ અંગારા જેવા મનને ક્ષણભર ઉજ્જ્વલ્લિત કરે છે; ફૂલ જેમ ખીલતું જાય તેમ તેનો રંગ જતો જાય અને બદલાતો જાય; આ રંગ અંદરથી નીકળે છે તેમ મનને ઉજ્જ્વલિત કરનાર આ શક્તિ પણ અંદરથી નીકળે છે; આ શક્તિ આવે કે જાય તે જ્ઞાનેંદ્રિયોને માલૂમ પણ નથી પડતું.” વાંચનાર ધ્યાનમાં રાખશે કે આ ચિત્તક્ષોભ અથવા અંતર્ભાવ કવિત્વશક્તિ કે જેને કોલેરિજ દિવ્ય શક્તિ કહે છે તેનાથી જુદી જ છે. મમ્મટ કહે છે તેમ એ શક્તિ કવિત્વના બીજરૂપ એક જાતનો સંસ્કાર છે; તેના વિના કવિતા થાય જ નહિ અને થાય તો હસવા સરખી થાય. આ એટલું સ્પષ્ટ છે કે આ વિષય પર વિશેષ વિચાર નહિ કરનારા પણ તે જાણે છે. બુલાખીરામ કહે છે કે “કોટી કાલે કવિ તેમ કિધેલો થતો નથી.” ખરેખર, નથી જ થતો. આશ્ચર્ય એટલું જ છે કે આ જ્ઞાન છતાં ઘણા કવિ થવા યત્ન કરે છે. કવિતા રચવાને આ ઈશ્વરદત્ત શક્તિની જરૂર છે એ સર્વને માન્ય છે તેથી તે વિશે વધારે વિવેચનની જરૂર નથી. વધારે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શક્તિવાળા પણ હરકોઈ વખતે અને હરકોઈ વિષય પર કવિતા કરી શકતા નથી. કવિતાનું ઉત્પન્ન થવું અને કવિતાનું શબ્દમાં રચાવું એ બે જુદાં જુદાં કામ છે. શેલીનું કહેવું સત્ય છે કે “કવિતા તે ઉત્તમ અને સહુથી ધન્ય મનોનો ઉત્તમ અને સહુથી ધન્ય ક્ષણોનો હેવાલ છે.” પ્રથમ તો કવિતા સારુ ઉત્તમ અને ધન્ય મન જોઈએ. આવાં મન હમેશ નહિ પણ કોઈ શ્રેષ્ઠ ભાગ્યશાળી ક્ષણમાં જે કરે તે કવિતા. કવિ કોઈ ફલ જુવે, કોઈ સુંદર રૂપ જુવે, કોઈ સૃષ્ટિનો દેખાવ જુવે, કોઈ જગામાં થઈ ગયેલો ફેરફાર જુવે, કોઈ ઠેકાણે ઈશ્વરની ચમત્કૃતિ ભાળે, કોઈ અસરકારક વાત કે વિચિત્ર ધ્વનિ સાંભળે, કોઈ રમ્ય ગંધ સૂંઘે, કોઈ થઈ ગયેલી, થતી કે થવાની બિનાનો વિચાર કરે, ત્યારે મનમાં કાંઈ લાગણી થાય અને તેથી કાંઈ જોસ્સો થઈ આવે. એ લાગણીથી કલ્પાય અને જોસ્સાથી રચાય તે કવિતા, બીજી બધી તો વેશધારી. મન પર આવી રીતે થયેલી અસર કે લાગણીથી જે ચિત્તક્ષોભ થાય તે જ કવિતાનું મૂળ. કલ્પના અને અનુકરણ એ તો સાધનભૂત છે. આ ચિત્તક્ષોભ કંઈ બોલાવેલો આવતો નથી. એક ફૂલ લઈને કોઈ કવિ વિચાર કરે કે ‘એના પર હું કાંઈ કવિતા કરું’ તો તે ન કરાય. છંદ ગમે એટલા રચે; પણ તેનામાં કવિત્વશક્તિ હોય તો પણ તે ક્ષણે મનની લાગણી અથવા અંતર્ભાવ વિના કવિતા ક્યાંથી ઉત્પન્ન થાય? થીઓડર વોટ્સનું કહેવું સ્વીકારવા યોગ્ય છે કે “કવિતા ઉત્પન્ન કરવા સારુ આત્માએ ઉત્પન્ન કરવાની ઘડીએ
દુઃખે ઊઠ્યો ચમકિ, અથવા તેમ લાગ્યું મને ત્યાં;
સત્કાર્યોમાં દૃઢ મતિ કરી, યત્ન ઉચ્ચારવાનો
કીધો; મ્હોટો કદિ મગજમાં કોઈ આવ્યાથિ તર્ક
જેવી થાયે સ્થિતિ, વળિ બને ગાલ બે લાલ લાલ.
આ લીટીઓમાં દર્શાવી છે તેવી ઉન્નતિની અને જ્ઞાનેંદ્રિયથી અગોચર સ્થિતિએ પહોંચવું જોઈએ. પોતાની કલામાં કવિ ગમે એટલો પ્રવીણ હોય તો પણ આવી વૃત્તિમાં આવ્યા વિના તેનાથી એકે ખરેખરી કવિત્વવાળી લીટી લખાય નહિ.” ઉપર કહ્યું તેમ જે ઘડીએ કવિતા ઉત્પન્ન થાય તે ઘડીએ જ તે શબ્દમાં રચાવી જોઈએ એવો નિયમ નથી. લાગણીથી ક્ષોભ થાય ત્યારે કવિતા ઉત્પન્ન થાય. એ કવિતાને વાણીમાં રચવી એ કવિની કલા. વર્ડ્ઝવર્થ કહે છે તેમ ઘણી વખત ચિત્ત શાંત થયા પછી લાગણીને ફરી ચિત્ત અગાડી પ્રત્યક્ષ કરી કવિ કવિતા રચે છે. અલબત્ત, લાગણીનો સંસ્કાર તો મનમાં રહેલો જ હોય. અંતઃક્ષોભ મૂળથી એક વાર કવિતાનો છોડ ઊગે તો પછી રચના કરવાના મહાવરાથી કલામાં જે નિપુણતા આવી હોય તે વડે તેને સુશોભિત કરાય. મૂળ વિના છોડ જ ન ઊગે. પછી બધી કલા શા કામમાં આવે?
કલ્પના અને અનુકરણને અંતઃક્ષોભનાં સાધનભૂત કહ્યાં છે. કારણ, કલ્પના અને અનુકરણ એ કવિતા ઉત્પન્ન કરતાં નથી. પણ કવિતા રચવાની કલાનાં અંગ છે. કલાના વ્યાપાર એ તો મનની ઇચ્છાને આધીન છે; બોલાવેલા આવે છે અને કાઢી મૂકેલા જાય છે. અંતઃક્ષોભ તો સ્વતંત્ર છે. ત્યારે કોઈ પ્રશ્ન કરશે કે ‘મનની સત્તાથી સ્વતંત્ર રાગથી જ કવિતા થાય અને બીજા કશાથી કેમ નહિ? કેટલાક લોકનો વિચાર એવો છે માટે તે જ સત્ય એમ કેમ કહેવાય?’ આનો ઉત્તર એ કે, પ્રથમ તો સર્વ માન્ય કરશે કે ઈશ્વરદત્ત શક્તિ વિના કવિ થવાય જ નહિ. એ શક્તિ અભ્યાસથી આવતી નથી. આ ઈશ્વરદત્ત શક્તિનું ઉત્સ્ફુરણ માત્ર ‘ઈશ્વરદત્ત પળે’ થાય તો જ એ દાન સાર્થક થાય. આ ઈશ્વરદત્ત પળમાં ચિત્તને જે લાગે, જે તર્ક આવે, તેનું નામ લાગણી, અને તે જ ચિત્તમાં ક્ષોભ કરી કવિત્વશક્તિને સફળ કરે. આ રીતે ઈશ્વરદત્ત પળ તે જ અંતઃક્ષોભની ઘડી. આવી ધન્ય ક્ષણે થતી વૃત્તિ સ્વેચ્છાધીન નથી એ ‘ઈશ્વરદત્ત શક્તિ’ અને ‘ઈશ્વરદત્ત પળ’ આ નામ જ સિદ્ધ કરી આપે છે. વળી, જે કારણથી કવિતા આપણને સ્વીકાર્ય થાય છે, જે કારણથી કવિતા આપણું આકર્ષણ કરે છે તેનું પૃથક્કરણ કરીશું તો જણાશે કે કવિતા હૃદયનો સ્પર્શ કરે છે. લાગણીને જગાડી રુચિ ઉત્પન્ન કરે છે અને એ રીતે આનંદ આપે છે. તત્ત્વજ્ઞાન, ગણિત, પદાર્થ વિજ્ઞાન વગેરે બુદ્ધિની તીક્ષ્ણતાના વિષયોથી કવિતા જુદી જ રીતે મનને ગ્રહણ કરે છે. અર્થાત્ કવિતા વિચારવિષયક નહિ પણ વિકારવિષયક છે. વિકાર એટલે મનનું બદલાવું, હૃદયમાં લાગણી થવી, ભાવનું ઉત્પન્ન થવું. વિકાર મનના પ્રયાસથી, ચિત્તે ઇચ્છા કર્યાથી ઉત્પન્ન થતા નથી પણ હૃદયની કોઈ સ્થિતિને લીધે આપોઆપ ઉદ્ભૂત થાય છે. હૃદયને વિકારયોગ્ય સ્થિતિમાં બુદ્ધિ લાવી શકતી નથી, વિકાર માટે ઇચ્છા કર્યાથી વિકાર થતા નથી. આવા વિકાર સત્ય, ઉદારતા, સૌન્દર્ય, અદ્ભુતતા, ઉચ્ચતા વગેરે ભાવનાવાળા હોય છે ત્યારે તે કવિત્વમય બને છે.
ઉપર બતાવ્યું તેમ પ્રેરણાથી મનમાં કવિતા ઉત્પન્ન થયા પછી તેને વિસ્તારથી પ્રગટ કરતાં ઘણી વખત કલ્પના અને અનુકરણનો કવિ ઉપયોગ કરે છે. આ બે અંગની મદદ વિના એકલી પ્રેરણાથી રચેલી કવિતા, પ્રેરણામાં આ બે અંગ ઉમેરી રચેલી કવિતા, અને પ્રેરણા વિના માત્ર આ બે અંગથી રચેલી કવિતા, આ સર્વનો મુકાબલો હવે પછી કરવાનું રાખી લાગણીથી થયેલી પ્રેરણાથી – અંતઃર્ભાવ કે ચિત્તક્ષોભથી થાય તે જ ખરી કવિતા એટલો હાલ નિર્ણય કરીશું.
આ કવિતા ગુજરાતી સાહિત્યમાં છે? અફસોસ, હજારમાંથી એક ભાગ જેટલી પણ નથી! ગદ્યને બદલે પદ્યમાં રચવાની કલાને કવિતા ગણવાનો ખોટો માર્ગ એટલા વખતથી પડ્યો છે, કે સર્વ તે જ ચીલે ચાલ્યા જાય છે. બુલાખીરામ પદપૂર્તિના વિષયમાં “કર્યું ભગાના જેવું”, “પેટ કરાવે વેઠ”, “બકરું કાઢતાં પેસે ઊંટ”, “રાણીનો સાળો”, એવાં એક પછી એક પદ લઈને તેની પૂર્તિ કરી તેના સંગ્રહને ‘કાવ્ય કૌસ્તુભ’નો કિતાબ આપે છે.
“માથામાં મગરૂબી રાખી ઠાઠ રચે છે ઠાલો,
દૈવતનું તો દિંટ મળે નહીં એ રાણીનો સાળો.”
“ઘ્રત માખણ ને દહિં બને બહુ દૂધ દે બેશ,
પાડો પુત્ર પ્રગટ જાણે અકલ બડિ કે ભેંશ.”
“ગોળ મળે જો ગંડુને નાક કપાવવા નાજ.
કદિ કહે નહિ મુખ થકી નાગાને શી લાજ.”
કોણ કહેશે કે લાગણી થઈ આવ્યાથી આ લીટીઓ લખાઈ હશે? એક પદ લઈને બેઠા અને તેના સૂઝે એટલા દાખલા લખી કાઢ્યા એ કદી અંતઃક્ષોભથી થાય? દિવ્યશક્તિ હશે તો એ તે આ રચવામાં કામ લાગી હશે? આ રચતી વખતની પળને કોણ ઈશ્વરદત્ત કહેશે? આવી લીટીઓને કવિતા જ ન કહી તો કંઈ નુકસાન છે?
રા. દલપતરામે વિજયવિનોદમાં વર્ણવ્યું છે કે રાજાની સભામાં કોઈ કવિને એક જણે પૂછ્યું કે ખેડૂત કેવો હોય તો શોભે? બીજાએ પૂછ્યું કે ઘોડો કેવો હોય તો શોભે? ત્રીજાએ પૂછ્યું કે ખાટલો કેવો હોય તો શોભે? ચોથાએ પૂછ્યું કે નિશાળીઓ કેવો હોય તો શોભે? પાંચમાએ પૂછ્યું કે સરદાર કેવો હોય તો શોભે? આ પાંચ જણની તર્કશક્તિ કેવી હશે તેનો વિચાર કરવાની આ જગા નથી. પણ તેવા જ છઠ્ઠાને કવિનું નામ આપી તેના જવાબને કવિતા કહેવી એટલે સુધી કવિતાનું માનભંગ! એ પાંચ જણને એ પ્રશ્નો પૂછવાની ઇચ્છા થઈ આવી તો ખેર, પણ કવિને એ પાંચે વિષય પર સામટી લાગણી થઈ આવી ને એકદમ જવાબ દઈ દીધો કે
ખેડુ ઘોડો ખાટલો, નિશાળિયો સરદાર,
સારા શોભે હોય જો, પંડે પાટીદાર.
દોહરામાં પાંચ જ આવી શક્યા માટે પાંચ મૂક્યા; પચાસ આવી શકતા હોત તો પચાસ જણા પ્રશ્ન પૂછત અને કવિને પણ પચાસ વિષય પર સામટી લાગણી થઈ આવત!
નર્મદાશંકર ‘ઋતુવર્ણન’ની પ્રસ્તાવનામાં લખે છે કે “આ ગ્રંથમાં (સૃષ્ટિના) બહારના દેખાવોનો આબેહૂબ ચિતાર આપી તેના સરખો અથવા ઊલટા દિલના જોસ્સોનો પણ આબેહૂબ ચિતાર આપેલો છે. અને એ જ આ ગ્રંથની ખૂબી છે. અલંકાર પણ નવા છે, કોઈને શક ઊપજશે કે કુદરતના દેખાવ સંબંધી વિચારો મારા પોતાના અનુભવના નથી પણ સંસ્કૃત અંગ્રેજી ચોપડીમાંના હશે. પણ એમ નથી જ. કુદરતના દેખાવની છાપ મારા મન ઉપર મારા બાળપણમાંથી જ સારી પેઠે પડી હતી; અલબત્ત ઝાંખી તો ખરી. એ ઝાંખી છાપો જ્યારે હું સુરતમાં ત્રણ વરસ રહ્યો હતો ને ગામડાંઓમાં ફરતો હતો ત્યારે ચિત્રરૂપે થવા આવી હતી તે, કવિતા શરૂ કર્યા પછી પ્રસંગ તથા વિચારને જોરે આપોઆપ આબેહૂબ ચિત્રરૂપે બહાર નીકળી પડી છે.” અંતઃક્ષોભપ્રેરિત કવિતા આ જ પ્રમાણે થાય. મન ઉપર પડેલી છાપ અને દિલમાં ઊઠેલો જોસ્સો એ જ લાગણી અને અંતઃક્ષોભ. એ જોસ્સો સૃષ્ટિના દેખાવના સરખો એ હોય અને તેથી ઊલટો એ હોય. સૃષ્ટિની સુખમય રચના જોઈ કવિને પોતાનું કે મનુષ્ય જાતનું સુખ સાંભરે. વળી કોઈ વખત પક્ષીના સુખી જોડાને જોઈ કવિને પોતાનું દુઃખ કે વિરહ સાંભરે. આ વિચારો કોઈ ચોપડીમાંથી લીધા હોય તો પછી ત્યાં છાપ કે જોસ્સો શાનાં હોય? પોતાના મન પરની છાપથી એ વિચારો ઉત્પન્ન થવા જોઈએ. એ છાપ હૃદયમાં પડે તે વખતે તેનો જોસ્સો ચિત્રરૂપ બહાર પડે એ કાંઈ જરૂરનું નથી એ અગાડી જણાવ્યું છે. બાળપણમાં છાપ પડી હોય અને ફરી એવી લાગણીનો પ્રસંગ આવતાં તેનો આવિર્ભાવ ઘણાં વર્ષ પછી થાય એથી કાંઈ કવિતામાં હાનિ ન આવે. અલબત્ત, એ છાપનો જોસ્સો આપોઆપ જ બહાર આવે. તે જ માટે અલંકાર નવા હોય, અલંકાર જોસ્સાથી નહિ પણ કલ્પનાથી થાય છે. પણ નવા જોસ્સામાં નવી કલ્પના સાધનરૂપ થાય એ કવિતાની ખૂબી છે. ઘણી વખત બીજા કવિઓની કલ્પના ઉપયોગ સારુ ખોળતાં પોતાની લાગણી કોરે જ રહી જાય એ સ્વાભાવિક છે. કવિતાની ઉત્પત્તિનું ઉપલું વર્ણન તો આબેહૂબ છે, પણ ‘વસંતવર્ણન’ની બધી કવિતા એ પ્રમાણે થઈ છે એ શક ભરેલું છે. વળી, કુદરતના દેખાવથી થયેલી પુરુષ અને સ્ત્રીની લાગણી સરખી જ હોય તે ઠેકાણે ઋતુવર્ણનનો ચિતાર અંતઃક્ષોભપ્રેરિત હોઈ શકે ખરો. પણ જ્યાં નાયિકાની લાગણી સ્ત્રીજાતિને લગતી વિશેષ જાતની હોય ત્યાં તેમ ન જ હોય એ દેખીતું છે. આવા પ્રસંગની કવિતા સ્વચિત્તક્ષોભની પ્રેરણાથી નહિ પણ અન્યચિત્તક્ષોભની સૂક્ષ્મ પરીક્ષાથી થઈ હોય તો તે ખૂબીદાર ગણાય કે નહિ તે વિચારવાનું હજી બાકી છે. કવિતાનું એ મૂળ આ પ્રકરણ પૂરું કરી શોધીશું. ઉપર બતાવ્યા તે સિવાય અંતઃક્ષોભ વિનાના ઋતુવર્ણનમાં ઘણા પ્રસંગ છે. કેટલેક ઠેકાણે લાંબાં લાંબાં સાવયવ રૂપક અને તેવી જ ઉપમા એટલાં ક્લિષ્ટ છે કે તેની કલ્પના યત્ન કરી બેસાડેલી છે એ તરત માલૂમ પડે છે.
‘નાળાં નદીનું જળ જેમ પીધું, સૂર્યે વિયોગે નુર ચૂસિ લીધું;
ખારે ભરી હું ખડિયાં સ્વરૂપે, ખૂંચું સગાંને ઘણિ હૃૂનિ ધૂપે.
અત્યંત તાપે તપિ ખાર ભૂમિ, મારે મૃગોને લલચાવિ ખૂની;
જાણી સુવાણી રસ જે પિવાવે, તેને ભુંડી આ બતરીસિ ચાવે.”
આવી લીટીઓ સમજાવતાં લાંબી લાંબી ટીકા આપવી પડી છે અને કોઈ કોઈ ઠેકાણે તો બબ્બે રીતે અલંકાર બેસાડ્યા છે એ જ બતાવી આપે છે કે એમાં અંતઃકરણનું સ્વાભાવિક ઉત્સ્ફોટન નથી. વળી, કેટલેક ઠેકાણે એવા હલકા પ્રસંગ લીધા છે કે તે કવિતામાં શોભતા જ નથી.
‘મોરો ખર્યા ને પસરી અળાઈ.’
‘સાથે ન કાફી પિધિ ચાહ સારી
હૂંનાં જમ્યાં ના દુધપાક ઘારી.’
આ લખવાની અંતઃક્ષોભથી પ્રેરણા થાય તો ચાહ કાફી પીવાની અને દૂધપાક ખાવાની કેમ પ્રેરણા ન થાય?
શીઘ્રકવિત્વ માટે પણ એ જ પ્રમાણે કહેવું પડશે. એક કાંકરી ઊંચી નાખી તે પાછી પડે તેટલામાં અમુક વિષય પર કવિતા રચવી એ ચાલતા સંપ્રદાયમાં મહા કવિત્વશક્તિ ગણાય છે. એટલા વખતમાં કવિનું મન તે વિષય ગ્રહણ કરે, તે પર વિચાર કરે, તેના અંતરાત્મામાં ક્ષોભ થાય અને તે રૂપ લઈ બહાર નીકળે, એ બધું કદાચ બની શકે, પણ કવિ ઇચ્છે તે ઘડીએ તે કેમ થાય? કોઈની આજ્ઞાથી કે કવિની ઇચ્છાથી અંતઃક્ષોભ કેમ થાય? કવિની શક્તિ તે શું પાણીનો બમ્બો છે કે હલાવવા માંડ્યો એટલે તરત કવિતા નીકળવા માંડે? ચતુરાઈથી પદ્ય ગમે તેટલાં જોડી કહડાય પણ તે અંતઃક્ષોભથી થયેલી કવિતા તો ન જ હોય. પૂર્વનો સંસ્કાર કામ ન લાગે કેમ કે આમાં તો વિષય પણ નવો જ આપેલો હોય, અને હૃદયની વિરલ ધન્ય ક્ષણ વિના સર્વ શુષ્કતા હોય. કવિ એકલી કલ્પના કરે તો એ તે એટલા વખતમાં ઘણી નીરસ અને ક્ષુદ્ર કલ્પના કરી શકે. તે માટે અમે તો ‘શીઘ્ર કવિતા’ એ શબ્દવિરોધ જ ગણીએ છીએ. દુષ્ટ પવિત્રતા કે ક્રૂર દયા હોય, તો શીઘ્ર કવિતા હોય. આ માટે ‘ફાર્બસ વિલાસ’માંનાં પૂછતાં વારને જોડી કાઢેલાં ‘મુંબાઈ વિષે’, ‘દિવાળી વિષે’, ‘આગગાડી વિષે’, ‘નિંદા કરનાર વિષે’, ‘આળસુ વિષે’, ‘વ્યભિચારી વિષે’નાં એક પછી એક આવતાં સંબંધ વગરનાં પદ્યોને કવિતા કહેવાની ના પાડીએ તો અમને ક્ષમા મળવી જોઈએ.
‘ફાર્બસ વિલાસ’ના કરતાં ‘ફાર્બસ વિરહ’માં કવિત્વનો અંશ ઘણો વધારે છે તેનું કારણ જ એ કે પહેલામાં કહેવાતું શીઘ્રકવિત્વ દેખાડવા, શબ્દરચના બેસાડવા, ચતુરાઈ દર્શાવવા, કોઈનાં વખાણ કરવા કે કોઈની આજ્ઞા પાળવા મનને ભાડે ફેરવ્યું છે, અને બીજામાં તેને ઘણુંખરું સ્વચ્છંદ દોડવા દીધું છે.
શહર મુંબઈ જ મોટાથિ મોટું,
જહાં છાપરું એક નહિ છેક છોટું;
શેઠિયા સર્વ જ્યાં મોટા મોટા વસે,
કોટિ નાણાં તણું થાય કોટું.
(ફાર્બસ વિલાસ)
અને
તે મુજ મિત્ર ગયો તદનંતર, અંતર દુઃખ નિરંતર આવે,
જાતું રહ્યું સુખ તો શત જોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે;
તેનિ છબીજ તરે નજરે, કદિ એક કલાક ન છેક છુપાવે,
કષ્ટ કથા દલપત્ત કહે, કહું કોણ કને દુઃખ કોણ કપાવે.
(ફાર્બસ વિરહ)
આ બેમાંથી કયાને કવિતા કહ્યાથી કવિતાનું માન રહે એમ છે તે પારખવું અઘરું નથી. અનુપ્રાસ આણવાનો કે પ્રબંધ જોડવાનો યત્ન કર્યા વિના કવિએ પોતાની લાગણીને જ બહાર પડવા દીધી હોત તો ‘ફાર્બસ વિરહ’ છે તેથી એ સરસ થાત.
અષ્ટાવધાન, શતાવધાન, કે લક્ષાવધાન, અદ્ભુત સ્મરણશક્તિના પ્રયોગ માટે ગમે એટલાં ચમત્કારી હોય પણ તેમાં રચેલાં પદ્ય તો શીઘ્ર (અને તેથી) અકવિતાના વર્ગમાં પ્રથમ પદવીએ આવે. અમારું તો માનવું છે કે કોઈ કવિ પોતાની ઈશ્વરદત્ત શક્તિને આવા પ્રયોગમાં વાપરવા યત્ન કરે તો તેની તે શક્તિને હાનિ થાય. કુલવધૂને નટના ખેલ કરવા નીકળવાનું કહ્યાથી અપમાન લાગે તેમ અષ્ટાવધાનમાં વાપરવા કાઢ્યાથી દિવ્યશક્તિ પણ રિસાઈ જાય.
ચિત્તક્ષોભની પ્રેરણાની ખોટને લીધે યુક્તિની અને ચતુરાઈની કવિતા તથા શીઘ્ર કવિતા તે કવિતા નહિ એમ ઉપર દર્શાવ્યું. આ પ્રેરણા ઉન્મત્ત થયેલાના પ્રલાપ કે વિષયાન્ધના મનોવિકારના ઉચ્ચારણથી બહુ જ જુદી જાતની છે. ઉન્મત્ત થયેલાનું ચિત્ત ભમી ગયેલું હોય, અને વિષયાન્ધનું મન ઘણી અધમતાને પામ્યું હોય, પણ કવિત્વથી પ્રેરિત હૃદય તો ઘણી ઉન્નતિ અને ઉદારતાની સ્થિતિએ પહોંચ્યું હોય છે, તથા સત્યનાં ઊંડાં તત્ત્વનું દર્શન કરે છે. જ્ઞાનશાસ્ત્રથી કવિતા જુદે જ રસ્તે જાય છે તેથી પંડિતના વચનમાં અને કવિના વચનમાં ઘણો ફેર છે. ઉન્મત્ત કે વિષયાન્ધનાં વચન પણ પંડિતનાં વચનથી જુદી જાતનાં હોય. પણ કવિ જે વિચિત્ર વસ્તુસ્થિતિ કલ્પે તે સત્યગ્રાહી, ચમત્કારી અને પરમ આનંદ આપનારી હોય. ઉન્મત્તનું બકવું અને વિષયાન્ધનો જોસ્સો તે મૂર્ખત્વથી ભરેલાં, હસવા સરખાં અને બીભત્સ હોય તે માટે, નર્મદાશંકરની ‘શી આ તગતગતી તસવીર તાકતાં તીર, તીરવાં રંગે’ એ લાવણીને અને એવાં બીજાં પદ્યને કવિતાનો ઇલકાબ ઘટતો નથી. બીજાને વર્ણન કરવાને અયોગ્ય અથવા બીજા વર્ણન કરતાં શરમાય તેવી સ્થિતિનું વર્ણન કરવાનું કવિનું કામ નથી. કવિની શક્તિ તો જે વર્ણન બીજાથી ન થઈ શકે, જે વર્ણન કરવા બીજા અશક્ત હોય તે વર્ણન કરવામાં હોય છે. પ્રેરિત ચિત્તની સ્થિતિ જ્ઞાનેન્દ્રિયોથી અગોચર હોય છે, એ લાવણીમાં વર્ણવેલી સ્થિતિ તો જ્ઞાનથી ભ્રષ્ટ છે. કવિતા અને નીતિના સંબંધનું વધારે સ્પષ્ટ વિવેચન અગાડી જતાં કરીશું. કવિના મનને બાળકના મન જેવું કેટલાકે કહ્યું છે. તે એટલા માટે તે બાળકનું મન ભ્રાંતિથી કે વિષયના જોસ્સાથી મલિન થયેલું નથી હોતું, અને તેથી પંડિત પેઠે બુદ્ધિના પ્રયાસ કર્યા વિના દિવ્ય સત્યોનાં તત્ત્વો સ્વાભાવિક શક્તિથી પ્રેરણાકાળે તે ગ્રહણ કરી લે છે. એ જ માટે બાળકમાં સ્વર્ગીય અંશ વધારે છે એમ વડર્ઝવર્થને લાગતું.
વડર્ઝવર્થના મતને અનુસરી ચિત્તક્ષોભથી થયેલી કવિતાને જ ખરી કવિતા કહ્યાથી કદાચે શંકા ઊઠશે કે એકલી કલ્પનાથી રચાયેલી કવિતા તે ખરી કવિતા નહિ? કાવ્યસાહિત્યનો ઘણો ભાગ અંતઃક્ષોભપ્રેરિત નથી, પણ સુંદર અને ઉન્નત કલ્પનાની ઉત્પત્તિ છે એ ખોટું નથી. ફક્ત ચિત્તમાં લાગણીથી થયેલા ક્ષોભથી ઉત્પન્ન થયેલી કવિતા ઘણી થોડી છે અને તે ઘણી થોડી જ હોય. ઈશ્વરદત્ત પળો ઘડી ઘડી નથી આવતી અને આવે ત્યારે બહુ વાર ટકતી નથી. આથી અંતર્ભાવ પ્રેરિત કાવ્યો ઘણાં લાંબાં નથી હોતાં અને કોઈ વખત લાંબાં થઈ જાય છે ત્યારે અંદર અકવિત્વનો કંઈક અંશ આવી જાય છે. આ વિષયનો અનુભવી શૈલી કહે છે કે “કવિત્વશક્તિને જાગ્રત કરનારું અદૃશ્ય બળ આવતી વેળાના જેવું જ શુદ્ધ અને સમર્થ રહે તો પરિણામ કેવાં મહોટાં નીપજે તે કળી નથી શકાતું; પણ કવિતા રચાવા માંડે એટલામાં તો પ્રેરણાને ક્ષય શરૂ થયો હોય છે. લોકને નિવેદિત થયેલી કવિતામાંથી પરમ કીર્તિવાળી લઈએ તો તે પણ કવિના મૂળ ભાવની મંદ છાયા હશે. હાલના મહોટામાં મહોટા કવિઓને હું પૂછું છું કે ઉત્કૃષ્ટ કાવ્યો અભ્યાસ અને શ્રમથી થાય છે એમ કહેવું ભૂલભરેલું છે કે નહિ? ટીકાકારો મહેનત લેવાની અને વિલંબ કરવાની શિખામણ આપે છે તેનો ખરો અર્થ એ જ કે પ્રેરણાની પળો પર સંભાળથી લક્ષ રાખવું અને પ્રેરણાની છૂટક છૂટક સૂચનાઓ વચ્ચે સાંકેતિક પદોના ગ્રંથન વડે કૃત્રિમ સંબંધ બેસાડી દેવો. કવિત્વશક્તિ જાતે ઘણી ઓછી છે તેથી આમ કરવાની જરૂર પડે છે. ‘પેરેડાઈસ લોસ્ટ’નો સમગ્ર ભાવ મનમાં થયા પછી મિલ્ટને તેને વિસ્તારથી વિભાગ પાડી કાવ્ય રચ્યું.” આનું તાત્પર્ય એ કે ઈશ્વરદત્ત પળે પ્રેરણાથી કાંઈ ભાવ કવિને થઈ આવે તેમાં કલ્પના ઉમેરી વિસ્તારથી લાંબો કાવ્યનો ગ્રંથ થાય. આ કારણથી શુદ્ધ પ્રેરણામય કાવ્યો ઘણાં ટૂંકાં હોય છે. લાંબાં કાવ્યોમાં પ્રેરણાનો ભાગ ઘણો થોડો હોય અને કલ્પના પ્રધાન હોય છે. પણ ખરા કવિને પહેલી ઉશ્કેરણી લાગણીથી થયેલી પ્રેરણાથી થાય. કાલિદાસ કહે છે કે રઘુવંશ લખવાને હું ‘ચાપલાય પ્રણોદિત’ થયો છું. ચપળ થઈ કંઈ રચવું એવી તેને પ્રેરણા થઈ. એ પોતે જ લખે છે કે આ સ્વેચ્છાધીન નહિ હતું. કલ્પનાઓને કાવ્યસાહિત્યમાં વપરાતા શબ્દો વડે ગૂંથીને આગળ થયેલી પ્રેરણાઓને તે વડે તેણે સંબંધમાં લીધી. રઘુવંશના પાંચમા સર્ગમાંનું નર્મદામાંથી નીકળતા હાથીનું વર્ણન, કે તેરમા સર્ગમાંનું ગંગા-યમુનાના સંગમનું વર્ણન અનુભવેલા ભાવમાં કલ્પના ઉમેરી રચ્યાં છે એ જણાઈ આવે છે. આ પ્રમાણે પ્રસંગ આવે તેમ કવિ પોતાના અંતર્ભાવ વચ્ચે વચ્ચે મૂકતો જાય. મહોટા ગ્રંથમાં બહુધા કલ્પના જ હોય. આથી સિદ્ધ થશે કે ખરી કવિતા તે શુદ્ધ અંતર્ભાવપ્રેરિત હોય તે જ. આવી ઘણી થોડી હોય. કલ્પનામય કવિતા સાધનભૂત અને ઊતરતી પંક્તિની છે. કલ્પના આમ સાધનભૂત છે પણ, તે એ મહાકવિમાં વિશેષ મહત્ત્વવાળી હોય છે. અંતર્ભાવનું પણ તેમ જ સમજવું. ચિત્તક્ષોભ તો દરેક મનુષ્યને થાય છે અને કલ્પના પણ દરેક મનુષ્યને હોય છે; પણ કવિમાં તે વિશેષ જાતનાં હોય છે. સરસ વાણીમાં તેમનું ઉચ્ચારણ કરવાની કલા એ વિશેષ તો આ ઉપરાંત. પ્રિય બાંધવના મૃત્યુથી ચિત્તક્ષોભ તો દરેક મનુષ્યને થાય પણ તે પરથી કવિતા તો ઈશ્વરદત્ત શક્તિવાળા જ કરે. સૂર્યોદયને નિહાળી દરેકના મનમાં કંઈ કલ્પના આવે પણ ઉત્તમ કલ્પના તો કવિની જ હોય. આમાંથી સાધારણ અને ઉન્નતનો ભેદ પાડવો એ ઘણું કઠણ કામ છે. આ પરીક્ષાનો આધાર કવિત્વના વિષય અને વિચારના સરળપણા તથા મહત્ત્વ પર રહેલો છે. ચિત્તક્ષોભ તે નીરસ ઉચ્ચત્વહીન ઉદ્ગાર નથી. ‘ફાર્બસ વિલાસ’માંની
‘આ તે આગગાડી છે કે ગણીએ ગરૂડગાડી
નિરમી નિરંજને, છે જનમનરંજની;
... ... ... ... ... ... ... ...
કહે દલપત્ત, મહીસાગરને કુદી જાય,
ઈંજન કહું કે હનુમાનની મા અંજની.’
આ લીટીઓ કવિની પ્રેરણાવાળી ન કહેવાય. તેમ જ કલ્પના તે
‘પીલતણી પંચાતથી, દુનિયાં રીઝે દીલ;
ફરે કરેલો ફેંસલો, એ તો જાણ અપીલ.’
એવી ચતુરાઈ, કે
‘વાહરે વાહ રસાળિ મહીજ, જંહી મળિ સાર હવા રે હવા;’
આવી યુક્તિ નહિ; પણ, રા. હરિલાલના
‘પેલો ઊંચો ગિરિવર અહા! એકલો અભ લેખે!
ઝાંખો જેવો દુર વરસતા બંધુ-શ્રીએ ઉવેખ્યું!
હા! શા ચીરા હૃદય પડિયા વજ્ર-ઘાયે હું પેઠ!
એ લોહી કે ઝરણ ઝરપે! દુઃખ વ્યાપ્યું શું ઠેઠ?’
આ શ્લોકમાં કરી છે તેવી સુંદર, મહાન અને હૃદય પર અસર કરે એવી શોભા. ભારતવર્ષમાં અમે ઉપર બતાવ્યું તે જ પ્રમાણે કવિતા પહેલી ઉત્પન્ન થઈ છે. વેદની ઋચાઓમાં સૃષ્ટિના દેખાવ જોઈ ચિત્તમાં ઊઠેલી ઊર્મિઓનો જ આવિર્ભાવ છે. અનુપ્રાસ આણવા કે અલંકાર બેસાડવા પોતાના મનને ન લાગ્યા હોય તેવા કૃત્રિમ ભાવ લખવા એ તે વખતના કવિઓ જાણતા નહોતા. વેદ મૂકી આદિ કવિ વાલ્મીકિ કહેવાય છે. વાલ્મીકિએ સભામાં ચતુરાઈ દેખાડવા કે કોઈની આજ્ઞાને અનુસરવા કવિતા કરવા નહોતી માંડી. વનમાં ફરતાં ક્રૌંચ પક્ષીના જોડામાંથી એકને કોઈ પારધીએ મારી નાંખેલું જોઈ તેના મનમાં લાગણી થઈ તેનો ઊભરો આ પ્રમાણે નીકળી આવ્યો :
‘મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ |
યત્ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્ ||
શોકાર્દ્ર હૃદય કવિની વાણી નીકળી કે ‘પારધી! ક્રૌંચ પક્ષીના જોડામાંથી કામથી મોહિત થયેલા એકને તેં માર્યું તો તું કોઈ પણ કાળે પ્રતિષ્ઠા ન પામતો!’ સંસ્કૃત ભાષામાં આ સહુથી પહેલો જ શ્લોક કહેવાય છે. એમાં ઝડઝમક, ગતાગત ભેદ કે કોઈ પ્રબંધ નથી. માત્ર હૃદયનો જ ઊભરો છે. આ શ્લોકમાં કવિતાના કેટલા વિષયોનો સમાવેશ થયો છે તે લક્ષમાં લેવા જોગ છે. પ્રથમ તો શોકની લાગણી એ આ કવિતાનું મૂળ છે. વળી કીર્તિ (પ્રતિષ્ઠા) આનન્ત્ય (શાશ્વતીઃ), કાલ (સમાઃ), પક્ષી તેનું જોડું, મૃત્યુ (અવધીઃ), કામ, અને મોહઃ એટલા વિષયો એમાં આવ્યા છે. અંતર્ભાવની પ્રેરણાથી થયેલી કવિતામાંની ઘણીખરી આ વિષયો પર જ થઈ છે. વળી આ કવિતા સંબોધન છે, એ લક્ષણ પણ પ્રેરણામય કવિતામાં ઘણી વાર જોવામાં આવે છે. એક બીજો વિશેષ આ શ્લોકમાં છે. ‘મા અગમઃ’ એ પ્રયોગ વ્યાકરણના નિયમથી વિરુદ્ધ છે. ‘લુઙ્ અગમઃ’ સાથે ‘મા’ આવતાં ‘લોટ્’ના અર્થમાં ‘મા ગમઃ’ એવો પ્રયોગ થવો જોઈએ. વ્યાકરણના નિયમથી કવિતાને કંઈ છૂટ મળી છે તેનો આ પટો છે એમ કહીએ તો ચાલે. અમારો કહેવાનો અર્થ એવો નથી કે વાલ્મીકિએ આ ભૂલ જાણી જોઈને કરી છે, કે વાલ્મીકિએ આ ભૂલ કરી તેથી જ તેમ કરવાનો હક બીજાને મળ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં તો આને દોષ ગણ્યો છે અને તે કરવાની રજા જ નથી. આ હકનો ગમે તેમ નિર્મર્યાદ ઉપયોગ કરવો એ પણ અમારો અભિપ્રાય નથી. વિષયોનો શ્લોકમાં થયેલો સમાવેશ જે ઉપર બતાવ્યો તે માત્ર અકસ્માત છે. કવિની ઇચ્છા તેમ કરવાની હતી એ અમારું કહેવું નથી. બાળપણથી અદ્ભુત કવિ કીટ્સ કહે છે તેમ કવિના હાથનો ચમત્કાર તો અકસ્માત જ થઈ જાય. કવિને પણ માલૂમ ન પડે કે મારી કવિતામાં ચમત્કાર આવી ગયો.
અંતર્ભાવપ્રેરિત કવિતાની તૃષાથી ગુજરાતી સાહિત્યમાં ફરતાં બધે જલશૂન્ય રણ દેખી નિરાશ થયેલા મનને આશ્વાસન આપનારી, હર્ષમાં લાવનારી એક જ નદી હમણાં કોઈ પર્વતમાંથી નીકળી છે. નહાનાં નહાનાં ખાબોચિયાં કોઈ કોઈ ઠેકાણે હશે પણ વિસ્તારથી વહેતી ખરેખરાં લક્ષણવાળી કાવ્યસરિતા તો ‘કુસુમવાળા’ જ છે. સૂકા અરણ્યમાં એ લીલું કુંજધામ દેખી કોનું મન આનંદમાં આવી ઉપકાર નહિ માને! કુસુમવાળા ગળામાં પહેરવી એ તો ધન્ય સહૃદયના ભાગ્યમાં હોય. તેની સુગંધ લેતાં અમે ઝટ ધરાઈ ન રહીયે તો વાંચનારે કૃપા દૃષ્ટિથી જોવું. કુસુમવાળા પર વધારે વિસ્તારથી વિવેચન કરતાં કાળ વ્યર્થ નથી ગુમાવ્યો એ એની મેળે જ માલૂમ પડશે એવી અમને આશા છે. કુસુમમાળા કેવી પ્રેરણાથી લખાઈ છે તે એમાંના પહેલા જ કાવ્યમાંની સહસ્રલિંગ તળાવ કાંઠે ઊભા રહી અનુભવેલી
‘ગૂજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં,
કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિ જળમાં?’
આ બે લીટીઓ પરથી જ જણાઈ આવશે. પણ સવિસ્તાર વિવેચનમાં ઊતર્યા પહેલાં એક બીજો અગત્યનો વિચાર કરવા યોગ્ય ધારીએ છીએ. રા. નરસિંહરાવે પોતાનાં કાવ્યોને ‘સંગીતકાવ્યો’ એ નામ આપ્યું છે. ‘સંગીતકાવ્ય’ એવો એમણે અંગ્રેજી શબ્દ Lyricનો અર્થ કર્યો છે. Lyre એટલે વીણા પરથી થયાથી Lyric શબ્દ સંગીત સંબંધે વપરાય છે ખરો પણ કવિતાના સંબંધમાં જે અર્થમાં એ શબ્દ વિશેષ વપરાય છે, અને, પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’માં અને રા. નરસિંહરાવની કુસુમમાળામાં એ શબ્દથી જે વિશેષાધાન, જે વિશેષ લક્ષણનું સૂચન થાય છે તે એકલા ‘સંગીતકાવ્ય’ શબ્દથી બરોબર નથી થઈ રહેતું. હૃદય પરની અસરથી પ્રેરાયેલી, અંતર્ભાવદર્શક, – એ અર્થ આ ગ્રંથોના લક્ષણમાં વિશેષ ઇચ્છેલો છે. અસલના વખતમાં કવિઓ પોતાના ભાવ સંગીતમાં કહાડતા, અને ગાયનની પેઠે કવિતા હૃદયમાંથી નીકળી આવે છે એનો આભાસ ‘સંગીત’ શબ્દથી થાય છે તેની અમે ના નથી પાડતા. પણ એ આભાસ ઝાંખો અને તે એ સૂક્ષ્મદૃષ્ટિએ વિચારવાથી જ થાય છે. ‘સંગીત’ કરતાં આ અર્થ માટે વધારે યોગ્ય શબ્દ ‘રાગ’ છે. સંગીતના અર્થની સાથે આ શબ્દ ‘હૃદયના ભાવ’ એ અર્થનો પણ વાચક છે : Lyricની જ માફક કાંઈક શ્લેષથી અને કાંઈક સ્વભાવથી, વસ્તુસ્થિતિથી. ‘રાગ’ શબ્દમાં ‘હૃદય પર અસર’ આટલું ગર્ભિત છે માટે જ તેના બે અર્થ થાય છે. તેથી, Lyric શબ્દનો અર્થ ‘રાગધ્વનિ-કાવ્ય’ આ શબ્દથી ઘણી સારી રીતે સમજાશે; રાગનું કે હૃદયભાવનું જ આવિષ્કરણ ‘રાગધ્વનિ’ નામના કાવ્યમાં આવે એ વાત સ્પષ્ટ થશે. વૈયાકરણો પરથી અલંકારશાસ્ત્રમાં ‘ધ્વનિ’ શબ્દ લીધો છે તેમ એ શબ્દ લેવાથી અવાચ્ય રાગ રૂપી સ્ફોટનો કાંઈક અંશે ધ્વાન – આ અર્થ યથાયોગ્ય જ થશે. વળી સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ કાવ્યને ‘ધ્વનિ’ નામ આપ્યું છે તેની સાથે વિરોધ ન આવતાં Lyric તે પણ ઉત્તમ કાવ્ય કે ‘ધ્વનિકાવ્ય’ છે એ બતાવવું સહેલું પડશે. આ કારણો માટે ‘સંગીતકાવ્ય’ કરતાં ‘રાગધ્વનિકાવ્ય’ એ વધારે યોગ્ય પદ છે એમ અમારું માનવું છે. આ પદ કુસુમમાળાનાં કાવ્યોને ન ઘટે તો બીજા કોને ઘટે એ સમજવું અઘરું છે.
હવે સંસ્કૃત અલંકારશાસ્ત્રનું ધ્વનિકાવ્ય એ પધ આ રાગધ્વનિ કાવ્યને અપાય, એટલે રાગધ્વનિકાવ્યમાં એ ધ્વનિકાવ્યનાં લક્ષણ છે એ બતાવવું જોઈએ. આ બતાવવાનો યત્ન પાશ્ચાત્ય કવિતાનાં વખાણ કરવા માટે કે સંસ્કૃત ગ્રંથકારોમાં હોય ન હોય પણ ગમે તે રીતે શ્રેષ્ઠતા સિદ્ધ કરી આપવા માટે નહિ પણ અમારા અભિપ્રાયમાં વસ્તુસ્થિતિ તેવી જ છે તે માટે કરીએ છીએ. આનંદવર્ધન અને મમ્મટે જે કાવ્યમાં વાચ્ય અર્થ કરતાં વ્યંગ અર્થ ચઢિયાતો હોય તેને ધ્વનિકાવ્ય કહ્યું છે. વાંચતા વારને તરત માલૂમ પડે તે વાચ્ય અર્થ. અંદર ગૂઢ રહેલો, તરત માલૂમ ન પડી આવે પણ જરા ઊંડા ઊતર્યાથી સહૃદયને, કાવ્યની ખૂબીની પરીક્ષા કરવાના અનુભવવાળાને માલૂમ પડે તેવો અર્થ તે વ્યંગ્ય કહેવાય. કોઈ કાવ્યમાં આવો અર્થ હોય અને તે ઉપરના વાચ્ય અર્થથી સરસ હોય, વધારે ચમત્કારી હોય ત્યારે તે કાવ્ય ‘ધ્વનિ’ કહેવાય.
ધ્વનિ કાવ્યમાં આ જે વ્યંગ્ય હોય તે જ રસ. અલંકારશાસ્ત્રમાં વ્યંગ્ય તે રસાદિ અને બીજા ધ્વનિ એમ કહ્યું છે, અને રસાદિના વર્ગમાં એકલો રસ નહિ પણ તેની જોડે ભાવ, રસાભાવ, ભાવાભાસ, ભાવશાન્તિ, ભાવોદય, ભાવસંધિ અને ભાવશબલત્વ, એટલાં આવે; પણ આ વિશે વિવેચન અમે હજી સુધી કર્યું નથી માટે હાલ રસ જ લઈએ છીએ. રસ સંજ્ઞા એ સાધારણ રીતે સર્વને માલૂમ છે. તેમ જ આ સર્વમાં એ રસ મુખ્ય છે. પંડતરાજ જગન્નાથ ‘રસગંગાધર’માં કહે છે કે ‘ઉત્તમોત્તમ જે ધ્વનિકાવ્ય તેના અસંખ્ય ભેદ છે, તેના પાંચ ભેદ પાડતાં તેમાં પરમ રમણીય રસધ્વનિ છે. આ રસધ્વનિનો આત્મા રસ છે.’ આ રસની ઉત્પત્તિ કેમ થાય તે જોઈએ. હૃદયમાં રતિ, શોક, ક્રોધ વિસ્મય વગેરે કેટલાક ભાવો વાસના રૂપે રહેલા હોય છે, એટલે આ ભાવોનો અનુભવ થયાથી મનમાં તેમનો સંસ્કાર હમેશ રહે છે. આ ભાવોને સ્થાયી ભાવ કહે છે, પૂર્વે થનારાં કેટલાંક કારણ, પછી થનારાં કેટલાંક કાર્ય, અને સાથે જ થનારાં કેટલાંક સહકારીથી આ સ્થાયી ભાવ વ્યક્ત થાય છે એટલે બહાર માલૂમ પડી ગોચર થાય છે ત્યારે તે સ્થાયી ભાવ રસ કહેવાય છે. સાહિત્યદર્પણકાર વિશ્વનાથ કહે છે કે, ‘દૂધનું રૂપ બદલાય તે દહીં કહેવાય છે તેમ સ્થાયી ભાવ તે જાતે જ રસ થાય છે.’ સ્થાયી ભાવ રસ તરીકે ગોચર થતાં તે પૂર્વે થનારાં કારણોને વિભાવ કહે છે. વિભાવના બે પ્રકાર છે, આલમ્બન અને ઉદ્દીપન. દાખલો લીધાથી વધારે સ્પષ્ટતા આવશે. શૃંગારરસનો સ્થાયી ભાવ રતિ છે. મનુષ્યના હૃદયમાં રતિની હમેશ વાસના રહેલી હોય છે. (વાસના જેમને ન હોય તે રસ ગ્રહણ ન કરી શકે. મહેશ્વર કહે છે તેમ, રસિક નાટક થતું હોય ત્યાં આ વાસના વગરનામાં અને રંગભૂમિના થાંભલા કે ભીંતમાં ફેર નથી પડતો.) રતિની પૂર્વે થતા વિભાવમાં આલમ્બન તે સ્ત્રી કે પુરુષ છે, અને ઉદ્દીપન તે ચાંદની, વસંત કે સુંદર બાગ વગેરે છે. પુરુષને સ્ત્રી સંબંધે તથા સ્ત્રીને પુરુષ સંબંધે (રતિનો) શૃંગારરસ થાય છે. આ રસનું ઉદ્દીપન ચાંદની જોવાથી, વસન્તનો બહાર નિહાળવાથી, બાગની શોભા નજરે પડવાથી, કે એવા કોઈ કારણથી થાય. આ રસમાં નિમગ્ન થયેલો પુરુષ રસની આલમ્બનભૂત પ્રિયાનું મુખ જોયાં કરે, તેના ગુણનું કીર્તન કર્યાં કરે ત્યારે રસની પછીથી થતા આ મનના ભાવ અનુભાવ કહેવાય છે. પછીથી થાય માટે આ સાત્ત્વિક અનુભાવ કાર્ય કહેવાય છે. શૃંગારની જોડે જ સ્મૃતિ, ચિન્તા વગેરે કેટલાક ભાવ થાય છે. તેમને સહકારી કે વ્યભિચારી ભાવ કહે છે. આ રીતે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવથી વ્યક્ત થતો સ્થાયી ભાવ રસ કહેવાય છે. રસની આ રીતે ઉત્પત્તિ થાય છે, તે વિચારતાં માલૂમ પડશે કે રસધ્વનિકાવ્ય અને રાગધ્વનિકાવ્યમાં કંઈ ફેર નથી. રાગધ્વનિકાવ્ય અંતર્ભાવપ્રેરિત હોય છે એ અગાડી દર્શાવ્યું છે. તેમ જ રસની નિષ્પત્તિ પણ ભાવથી જ થાય છે. રાગધ્વનિનો ચિત્તક્ષોભ તે જ રસધ્વનિમાં વિભાવથી થતું ઉદીપન, રસધ્વનિમાં રસની પછીથી થતા અનુભાવ નામના સાત્ત્વિક એટલે મનના ભાવ અને રસની જોડે આવતા ચિન્તા, મોહ, સ્મૃતિ, હર્ષ વગેરે વ્યભિચારી ભાવ આવે છે. રાગધ્વનિ આ જ ભાવના બહાર પડવાથી થાય. પંડિતરાજ જગન્નાથે આપેલો કરુણરસનો દાખલો લઈએ :
‘તજી દઈ સહુ બાન્ધવની ચિન્તા, છોડિને ગુરુતણો પ્રણય;
રે તનય વિનયવાળા! કેમ જ પરલોક ચાલ્યો તું?’
મૃત્યુ પામેલો પુત્ર તે અહીં આલમ્બન છે. મૃત્યુ સમયે બાન્ધવોનું દર્શન તે ઉદ્દીપન. રડવું તે અનુભાવ. દીનતા તે વ્યભિચારી ભાવ. એમ રસની નિષ્પત્તિથી આ રસધ્વનિકાવ્ય છે. તેમ જ પુત્રના મૃત્યુ સમયે બાન્ધવોને જોઈ મનમાં દીનતા થઈ અને રડવું આવ્યું; આ ભાવ દર્શાવ્યો છે માટે આ રાગધ્વનિકાવ્ય છે. આલમ્બન તે ચિત્તવૃત્તિનો વિષય, ઉદ્દીપનનું નિમિત્ત તે કવિની ગોચરતામાં આવતી વસ્તુઓ, વ્યભિચારી કે સહકારી ભાવ તે લાગણી કે છાપ, અને અનુભાવ તે અંતઃક્ષોભ કે જોસ્સો.
આ પ્રમાણે રાગધ્વનિ કે રસધ્વનિ કાવ્ય આ બેનું ઐક્ય છતાં Lyric માટે અમે રાગધ્વનિ શબ્દ વધારે પસંદ કરીએ છીએ તે એટલા જ માટે કે ‘રાગ’માં સંગીતનો પણ અર્થ આવે છે. ઉત્પત્તિનું વિવેચન કરતાં રાગ શબ્દ રસ કરતાં વધારે સૂચક લાગે છે. સ્વરૂપ વિચારતાં રસ શબ્દ વધારે વાપરીશું.
હવે રાગધ્વનિ કે રસધ્વનિ તે શું તે મનમાં રાખી કુસુમમાળા તરફ વળીએ. પ્રસ્તાવનામાં રા. નરસિંહરાવે કવિતાનું ખરું સ્વરૂપ શું તેના શુષ્ક વિવેચનની ચર્ચા કરવા કરતાં તેનાં ઉદાહરણ આપવાં એ વધારે ઉચ્ચગ્રાહી ઉદ્દેશ છે એમ કહ્યું છે. ટીકાકાર કરતાં કવિનો ઉદ્દેશ બહુ વધારે ઉન્નત છે તે સત્ય છે; પણ કસોટી વિના સુવર્ણની કિમ્મત પરખાતી નથી અને સુવર્ણના ગુણથી અજાણ્યા સુવર્ણ માટે ઇચ્છા કરતા નથી અને તેમાં શ્રેષ્ઠતા માનતા નથી. વળી કવિત્વ માટે ઈશ્વરદત્ત શક્તિની જરૂર છે. આ કારણ માટે અમારું ‘શુષ્ક’ વિવેચન છેક નિરર્થક નહિ ગણાય એવી આશા રાખીએ છીએ.
આ દેશની કવિતાની પદ્ધતિથી પાશ્ચાત્ય દેશની કવિતાની પદ્ધતિ કંઈ જુદી જ છે એ ખોટું નથી. આપણા હાલના સાહિત્યમાં અન્તર્ભાવપ્રેરિત કવિતાની ખોટ છે તે અમે બતાવ્યું છે. પણ રસધ્વનિ કાવ્યના વિવેચનથી સ્પષ્ટ થાય છે કે એ કવિતાની ઉત્તમતા સંસ્કૃત અલંકારશાસ્ત્રજ્ઞોના જાણ્યામાં નહોતી એમ નહિ. પ્રેરણાનું મહત્ત્વ જોઈએ તેટલું તેમણે ચર્ચ્યું નથી પણ એ માર્ગ તેમણે દેખાડ્યો છે ખરો. અમે અગાડી કહી ગયા છીએ કે કવિતાનું સામાન્ય લક્ષણ સર્વ દેશમાં એક જ હોય અને તેની ઉત્પત્તિ એક જ રીતે થાય. તેથી રા. મણિલાલે ‘પ્રિયંવદા’માં કરેલી “છૂટાં છૂટાં” કાવ્યકુસુમની માલા રચવામાં જે કારીગરી વપરાઈ છે, તે હાલમાં સર્વને મોહ પમાડનાર પાશ્ચાત્ય રીતિની છે, છતાં સસાર છે, એ વિશેષ ચમત્કૃતિ” આ ટીકા તદ્દન અપ્રસ્તુત અને અયુક્ત છે. હાલમાં ભૂલભરેલે રસ્તે ચઢેલા સ્વદેશાભિમાનનો જે વા વાય છે તેની આ અસર છે. રાગધ્વનિ કાવ્ય છૂટાં છૂટાં જ હોય એ અમે ઉપર બતાવ્યું છે. સંસ્કૃત કવિતાસાહિત્યમાં પ્રેરણાનું મહત્ત્વ વિશેષ ચર્ચાયું નથી તેથી તેમાં છૂટાં છૂટાં કાવ્યોની માલા ઘણી થોડી છે. માટે એ રચવામાં વધારે કેળવાયેલી પાશ્ચાત્ય કારીગરી પર દોષૈકદૃષ્ટિથી જોવું એ સ્વેદશાભિમાન કહેવાતું હોય તો ભલે, પણ સાહિત્યના વિષયમાં તો એ ઉપપત્તિવિરોધ કે અયોગ્યતા જ ગણાય. પંડિતરાજ જગન્નાથનો ભામિનીવિલાસ અન્તર્ભાવની પ્રેરણાથી રચાયેલો છે. એમાંના શ્લોક છૂટાં છૂટાં કાવ્યો જ છે. મહાકવિ કાલિદાસનું મેઘદૂત અન્તર્ભાવપ્રેરિત છે અને તેથી એ કાવ્ય ઘણું નાનું છે અને તેનું વૃત્તાન્ત ઘણું ટૂંકું છે. તેથી, આ પાશ્ચાત્ય કવિતાનું વિશેષ લક્ષણ નથી પણ ઉત્તમોત્તમ કવિતાનું અવશ્ય વિશેષ લક્ષણ છે. ‘પાશ્ચાત્ય કાવ્યકુસુમો પ્રાયશઃ રસરૂપગંધ વર્જિત છે’ આ વાક્ય રા. મણિલાલનું પાશ્ચાત્ય કવિતાનું જ્ઞાન કેટલું છે તે બતાવી આપે છે. આથી ઉપર બતાવેલી એમની ભૂલનું કાંઈ કારણ મળે છે ખરું, પણ પાશ્ચાત્ય હોય એટલું બધું અસાર એવો દુરાગ્રહ એ એનું વિશેષ કારણ છે અને તે જ માટે એ અન્યાય વધારે શોચનીય છે. ‘પાશ્ચાત્ય સાહિત્યમાં કેવલ રસ એ જ કાવ્યનું પ્રાણપદ લક્ષણ એમ નિર્બંધ નથી.’ આ સ્વેચ્છાથી સ્વીકારેલું અજ્ઞાન પણ ઉપરનાં જ કારણોનું ફલ છે. મિલ્ટને કહ્યું છે કે કવિતા રાગમયી (એટલે ઉપર બતાવ્યું તેમ રસમયી) હોવી જ જોઈએ. લી હંટનું પણ કહેવું છે કે કવિતા રસમયી છે કેમ કે કવિ ચિત્તવૃત્તિમાં જ અનુરાગ લઈ તેને આધીન થઈ જાય છે. પંડિતરાજ જગન્નાથે પણ રસને કે તેના સ્થાયીભાવને ‘ચિત્તવૃત્તિ’ કહ્યા છે. આ રીતે પાશ્ચાત્ય ટીકાકારો અને આ દેશના અલંકારશાસ્ત્રકારોના મતમાં કાંઈ ભેદ નથી. રસ એ કાવ્યનો આત્મા છે તે આ સર્વ ટીકાકારો અને કવિઓએ કબૂલ કર્યું છે. વળી, પાશ્ચાત્ય સાહિત્યમાં ‘વર્ણનાત્મક કાવ્ય’ એ ઉત્તમ કવિતા નથી ગણાતી. ગોલ્ડન ટ્રેઝરીની પ્રસ્તાવનામાં પાલ્ગ્રેવ લખે છે કે ‘આ પુસ્તકમાં રાગધ્વનિકાવ્યોનો સમૂહ છે માટે એમાં વર્ણનાત્મક કવિતા દાખલ નથી કરી.’ સંગીત (રાગધ્વનિ) કાવ્ય તે ઉત્તમ કવિતા છે એટલું ગર્ભિત રાખી રા. નરસિંહરાવે પણ વર્ણનમયી કવિતાને ‘વર્ણનાત્મક કાવ્ય’ એ પદ આપ્યું છે અને ‘વર્ણનાત્મક સંગીત’ એ પદ નથી આપ્યું અને તે યથાયોગ્ય છે. કેમ કે, વર્ણનાત્મક કાવ્ય કલ્પનાથી જ થાય છે; અન્તર્ભાવની પ્રેરણા એમાં બહુ જ થોડી જોવામાં આવે છે. સૃષ્ટિસૌન્દર્ય જોઈ હૃદયમાં જે ઊર્મિ થાય તેનું ચિત્ર આપનારી કવિતા ઉત્તમ ખરી, પણ સૃષ્ટિના એ દેખાવનું વર્ણન જ કરે તે કવિતામાં આ ખૂબી ન હોય.
કુસુમમાળામાં વર્ણનાત્મક કવિતા બહુ થોડી છે અને તે જ માટે તે માળા વિશેષ ચમત્કારવાળી છે. ‘સરોવરમાં ઊભેલો બગ’ ‘કોયલનો ટહુકો’ આવા વિષયો પરની કવિતા એ બનાવોનું વર્ણન નથી કરતી પણ તે જોઈ કે અનુભવી થયેલી ઊર્મિઓ બતાવે છે.
‘તે મૂકીને પારય નજર બાગ નાંખે લાંબી,
કરિને ઊંચી ડોક, જુવે જય્હાં ભૂમિ વિરામી,
ને વળિ ત્હેની પારય ઊંડાં નભમાંહિં નિહાળે,
નવ લેખે નિજ છાય પડી જે જળમાં મ્હાલે.
હું પણ આ જગરાન મહીં ઊભો રહિ ઝાંખું
જીવનકેરું ક્ષિતિજ, દૃષ્ટિ વળિ ઊંડી નાંખું,
નાંખિ નિરખું જે દૂર સિન્ધુ પડિયો ફેલાઈ,
ને ન ગણું નિજ છાય પડી જે આ સ્થળમાંહિ.’
અહીં ઉદ્દેશ સરોવરમાં ઊભેલા બાગનું વર્ણન કરવાનો નથી પણ તે જોઈ થતા ભાવનું ચિત્ર આપવાનો છે. આ કાવ્યમાં અદ્ભુત રસ છે. આલમ્બન તે જીવન, બગનું ઊંચી ડોક કરી દૂર દૃષ્ટિ નાખવી એ ઉદ્દીપન છે, એટલે એથી હૃદયમાં ભાવ ઊછળી આવ્યો છે. કવિની પોતાની સ્થિતિની સ્મૃતિ એ સહકારીભાવ છે. ‘ને ન ગણું નિજ છાય પડી જે આ સ્થળ માંહિ,’ આ સાત્ત્વિક ભાવ અનુભાવ છે. પાશ્ચાત્ય પદ્ધતિની આ કવિતા આમ રસવાળી છે ત્યારે પાશ્ચાત્ય પદ્ધતિને નિંદવી શું કામ? ચમત્કારી દેખાવ જોઈ આવી કવિતા સર્વ ગુજરાતી કવિઓ લખતા હોય તો વાંચનારના આનંદની સીમા જ ન રહે. આ આનંદ કમલપ્રબન્ધ કે નાગપાશપ્રબન્ધ આપી શકે? આ અન્તઃક્ષોભ કે અનુભાવદર્શક કવિતા સાથે ચાલતા સંપ્રદાયની રા. દલપતરામની આવા જ વિષય પરની કવિતા લઈએ. એમના ‘સાયંકાળ વર્ણન’માં વર્ણવ્યું છે કે,
‘અજાતણાં વૃંદ દિઠાં પછી બે,
બધાં ઉચારે મુખ શબ્દ બે બે;
જાણે થશે ભાવિક તે ભણે છે,
અંતિ જિવોની ગતિ ઠામ બે છે.’
અહીં ઉદ્દીપન છે એમ ગણીએ તો તે શાથી થયું છે? બકરાનું બેં બેં બોલવું સાંભળી! ગુજરાતી ભાષામાં સંખ્યાવાચક ‘બેં’ શબ્દ છે માટે બકરાં ને ‘બેં’ ને બદલે ‘બે’ બોલતાં કરવાં પડ્યાં. દુનિયાનાં બધાં બકરાંને ગુજરાતી ભાષા બોલતાં કરી લીધેલો આ અનુભાવ, સરોવરમાં ઊભેલા બગને જોઈ થયેલા અનુભાવ આગળ કેટલો નીરસ લાગે છે! કૃત્રિમ અને સ્વયંભૂ કવિતામાં આટલો ફેર છે. ‘સાયંકાળ વર્ણન’ અને ‘પ્રભાત વર્ણન’માં દરેક શ્લોકમાં તે સમયે બનતો અકેક બનાવ આપ્યો છે અને તેની જ જોડે અકેક ઉપમા, રૂપક કે ઉત્પ્રેક્ષા લગાડ્યાં છે; તેથી જાણે કુદરતને ઘેર જપ્તી બેસાડીને ઘરમાંથી નીકળતા બધા સામાન પર તેના મૂલની ચિઠ્ઠી ચોઢી હોય એમ લાગે છે. અને તેથી જ,
‘સ્ત્રિયો દિવાની દિવટ્યો કરે છે,
હાથેળિયો બે વચમાં ધરે છે.’
આવું આવું પણ વર્ણવવું પડ્યું છે. જપ્તી બેસે ત્યારે તો ઘરમાં કોડિયું હોય તે એ હરાજ થાય. વર્ણનાત્મક કવિતાનો જ આ દોષ છે. અન્તર્ભાવપ્રેરિત કવિતામાં કવિની લાગણી ઉશ્કેરે એવા જ બનાવ લેવાય અને કેવળ વર્ણનાત્મકમાં તો કંઈ મૂકી દેવાય નહિ અને તેને કવિતામાં ખપાવવા તેની જોડે ગમે તેવો કૃત્રિમ ભાવ દાખલ કરવો પડે.
નર્મદાશંકરે પણ ‘ઋતુવર્ણન’ ને પુષ્પવિદ્યાનો ગ્રંથ બનાવવા ઘણે ઠેકાણે આ જ રીતે યત્ન કર્યો છે.
‘ગુલ્લાલા ગૂલાલ મુકુંદ જાઈ, પારીજાતે કેવડે વાડિ છાંઈ;
જૂઈ ચાંપા મોગરો ને બકૂલો, બાળે ફૂંકી વાસને અબ્જ ફૂલો.
ફૂલો શોભે છે કરમ્દીકડાનાં, કેસૂડાનાં સાગ સામેરકેરાં;
ખૂલે રાતાં આ બપોંર્યાં કરેણાં, ખૂણે મારે તો રડે છે ઘરેણાં.’
રા. નરસિંહરાવનું કાવ્ય કુસુમની જ માળા છે પણ તે કુસુમો કવિનાં ગૂંથેલાં છે, માળીનાં નહિ. તેથી રા. મણિલાલે કુસુમમાલામાં સર્વ વર્ણનાત્મક કાવ્ય છે એમ જે દોષનો આરોપ મૂક્યો છે તે તદ્દન ગેરવાજબી છે, કુસુમમાલા તો રસથી ઊભરાઈ જાય છે. “માંડવા તળે એકએકની ડાળી ગૂંચવી રહેલાં બે ઝાડ જોઈ નીકળેલા ભાવના ચિત્રને કોણ વર્ણનાત્મક કાવ્ય કહેશે?
‘ગુંથી ડાળી ડાળી ભિડિ સજડ આલિંગન ત્હમે
રહ્યાં છો વીંટાઈ, નહિ અલગ થાશો વળિ ક્યમે;
ભલે ગાજે ઘૂમે પવન કરિ તોફાન ઉપરે,
ત્હમે ર્હેશો ભેટ્યાં તદપિ રહે આ મંડપ તળે.”
અહીં શૃંગાર રસ સાથે કંઈ અદ્ભુત રસ માલૂમ પડે છે. દરેક રસમાં અદ્ભુતની છાપ તો હોય જ. વિશ્વનાથ પોતાના પડદાદા નારાયણનો અભિપ્રાય કહે છે કે ‘રસનો સાર ચમત્કાર છે, અને દરેક રસમાં તેનો અનુભવ થાય છે. સર્વ ઠેકાણે ચમત્કારનો પ્રાણ અદ્ભુત રસ છે.’ ભાવનું ઉદ્દીપન થાય ત્યાં અદ્ભુત રસ તો હોય જ. આ જ કારણ માટે દીવાની દીવેટ, ચાહ કાફી કે દૂધપાક ઘારી ઉપરની કવિતાને અમે નીરસ કહીએ છીએ. આવા વિભાવમાં કંઈ અદ્ભુતતા હોતી જ નથી.
કુસુમમાળાનાં કાવ્યોના સ્વરૂપ પર ઘણું વિવેચન અવશ્ય છે, પણ આ પ્રકરણમાં તેમની ઉત્પત્તિ જ તપાસીએ છીએ. ‘પ્રભાત’, ‘મેઘ’ અને ‘ચંદા’ એ વર્ણનાત્મક કાવ્ય છે. એમાંનાં વર્ણન લોકોત્તર છે એટલે સાધારણથી ઘણી ઊંચી જાતનાં છે, અને કલ્પના ઘણી સુંદર અને મનોહર છે. કુસુમમાળાની ખરી ખૂબી તો ધ્યાન દઈ વાંચી જોવાથી જ સમજાય. એમાંના ભાવ કેવા અદ્ભુુત છે તેનો એક દાખલો લઈએ. મધ્યરાત્રિએ કોયલનો ‘ટુહુ’ રવ સાંભળી આનંદમાં આવી જઈ કવિ પોતાના હૃદયની સ્થિતિનું ચિત્ર આપે છે કે,
‘સૃષ્ટિ સઘળી શાન્ત રાખી મૂજને જ જગાડતો
ટહુકો મિઠો તુજ પવનલહરી સંગ જે બહુ લાડતો;
ગાન તુજ સીંચે હૃદયમાં મોહની કંઈ અવનવી,
ભુલિ ભાન, તજિ મુજ રમ્ય શય્યા, હઈડું દોડે તવ ભણી;
દોડિ ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં,
આનંદસિન્ધુતરંગમાં નાચંતું એ ઉછરંગમાં; –
હા! વિરમિ પણ ગયો ટહુકો, હૃદય લલચાવે બહુ,–
ફરી એક વેળા, એક વેળા, બોલ્ય, મીઠિ! ટુહૂ, ટુહૂ!’
કોયલનો રવ તો દરેક જણે ઘણી વાર સાંભળ્યો છે પણ તે સાંભળી આવી ઊર્મિ કેટલાના હૃદયમાં ઊઠી છે? અહીં કવિ ચિત્તવૃત્તિને આધીન જ થઈ જાય છે, તેનું હૃદય ઉદ્દીપન કરનારી વસ્તુને જ દેખે છે અને જાણે મત્ત થઈ તેની પાછળ જ ભમે છે. આવી કવિતા વાંચનારનું હૃદય પણ તેવી જ વૃત્તિમાં આનંદ માને. નીરસ હૃદય પણ આવા ભાવ અનુભવી ઊભરાઈ આવે. આ વાંચતાં માલૂમ પડે કે આ લીટીઓ અવળી ને આડી પણ વંચાય છે અને એના પહેલા અક્ષરથી તો લખનારનું નામ નીકળે છે તો હૃદયને કેટલું માનભંગ લાગે! અડધો આનંદ તો જતો રહે.
બીજા બધા રસ મૂકી દઈ શૃંગારનું જ પાન કરાવનારા ‘બુલબુલ’ની વાણી પણ ગુજરાતી સાહિત્યમાં નવીન કવિતાનો અનુભવ કરાવે છે. એક જ વૃત્તિ અને એક જ વિષયમાં તલ્લીન થયેલા હૃદયના-ભાવને ઘટતી જ ભાષામાં-ઉચ્ચારણનું ગાન પહેલવહેલું ‘બુલબુલે’ જ કર્યું છે. બીજાએ એ વિષય પર કેવા વિચાર કર્યાં છે અથવા બીજા હવે પછી એ વિશે કેવા વિચાર કરશે એ ચિન્તા કોરે મૂકી પોતાનો જ અનુભવ ગાવો એ કવિનું કામ જાણી ‘બુલબુલે’ એ જ માર્ગ ગ્રહણ કર્યો છે; અને આવી કવિતામાં એ જ ઘટિત છે. કવિએ દર્શાવેલા વિચાર બાહ્ય સ્વરૂપે ખરા હોય કે ખોટા હોય પણ વાંચનારાને લાગે કે કવિના હૃદયમાં આ ભાવ ઉત્પન્ન થયો છે, કવિને આ લાગ્યું છે, અને અને સત્યની સ્થાયી ભાવનાથી અન્તે વિરોધ ન હોય, તો બસ છે. પોતાના વિભાવના આલંબનને ‘બુલબુલ’ કહે છે.
‘સુખ સૃષ્ટિમાં તુજ વિષે, તું સદ્ગુુણ ભંડાર;
નિર્મળ નેહનું રૂપ તું, માટે પ્રભુ અવતાર.
રહે કદી દૂર પણ પાસે–જણાયે તું બધે વાસે;
પુરી રહી નાર એ ભાસે–બધે તું તું છબીલી હા!’
વિચારશક્તિથી તપાસતાં આ હસવા સરખું ભાસશે, ધર્મ કે તત્ત્વજ્ઞાનના ગ્રન્થમાં (ઉદ્દિષ્ટ વ્યક્તિ વિશે) આ મત લેશ માત્ર સમર્થ નહિ ગણાય, પણ કવિને શિર એ જવાબદારી છે જ નહિ. કવિત્વની પ્રેરણાની ક્ષણે આ ભાવ થયો છે એ જ કવિતાની કસોટી છે. સહૃદય વાંચનાર પણ કવિના ભાવ અનુભવશે. અમુક વ્યક્તિને ‘પ્રભુ અવતાર’ સિદ્ધ કરવાનો અન્ત્ય આશય નથી તેથી સત્ય સાથે વિરોધ નથી, અને પ્રભુ ‘સુખમય, સદ્ગુણ ભંડાર, નિરમળ નેહનું રૂપ છે’ એ સત્ય ભાવનાનું અનુસરણ થાય છે.
ઉપલું કારણ બતાવી ’બુલબુલ’ પૂછે છે,
‘જોઉં તેને આકાશમાં, ભૂમાં ધ્રુમાં તુંય;
દશ દિશ માંહિ તું ભરી, તુજ વિણ છે કહે શુંય?!’
‘કંઈ જ નહિ’ એ જવાબ સહૃદયને કબૂલ રાખવો પડશે. કૃત્રિમ અલંકાર અથવા સાહિત્યના સાંકેતિક પદ કોરે મૂકી હૃદયને લાગે તે લખવું એ ‘બુલબુલ’નો નિશ્ચય જણાય છે અને તે જ એની ખૂબી છે. સુંદર કપાળ સામું જોતાં ચમત્કારજનક દેખાવ નિહાળી નીકળેલી
‘વિખરી વાંકી અને કાળી–લલિત લટ શોભતી બાળી;
અટકી ભાલે જ રૂપાળી!! અરે જા શું ખસેડે છે?!’
આ વાણી ભાવને જ અનુસરે છે અને તેનું જ ભાન કરાવે છે. આ અનુભવ થતાં આમ જ વૃત્તિ થાય, એમ જાણતાં વાંચનારને કેટલો આનંદ થાય છે! પ્રેમહીન હૃદયને પણ ક્ષણભર પ્રેમના ચમત્કારનો અનુભવ કરાવે એવી આ લીટીઓ છે. આની સાથે નર્મદાશંકરની, એમણે પોતે પહેલા નંબરની ગણેલી, એક લાવણી સરખાવીએ :
‘પછી સાસુ સ્વામિને કેહ, કરવું છે તેહ, કરીને આવો
અહીં જમાઈ બેસે છેય, રૂડો બહુ લ્હાવો.
રે ગયો શ્વશુર તો એમ, સાસુ ગઈ તેમ, જમાઈ ચાલ્યો
જહાં ગઈ હતી વહુ પ્હેલ, રંગ બહુ મ્હાલ્યો.’
આ અને આની પછીથી લીટીઓ—જે અહીં લખાય તેવી નથી તે-ને પ્રેમમત્ત હૃદયની વાણી કોણ કહેશે? એમાં તો વિષયાન્ધનો જોસ્સો જ જોવામાં આવે છે. સહજ પ્રશ્ન ઊઠે છે કે આમાં ભાવ શો છે, કવિતા કરવા જેવું એમાં શું છે, કવિત્વપ્રેરિત હૃદય એ તરફ કેમ ખેંચાયું, અહીં ચમત્કાર શો છે? વાંચનારનું હૃદય એની જોડે જવાને બદલે એ તરફથી પાછું ફરે છે.
કવિતાનું એક મૂળ તપાસવું હજી બાકી છે. તે વિશે અમે અગાડી ઇશારો કર્યો છે. અન્તર્ભાવપ્રેરિત (Emotional) તે જ ખરી કવિતા એ અમે ઉપર બતાવ્યું છે. પોતાના અનુભવથી ઉત્પન્ન થયેલા કવિના ભાવનું ચિત્ર એમાં આવે એ વાંચનારને સ્પષ્ટ થયું હશે. પોતાના અનુભવવાળી આ કવિતાને અંગ્રેજીમાં Subjective કહે છે. રા. નવલરામે આ શબ્દનો અર્થ ઘણી યોગ્ય રીતે, ‘સ્વાનુભવરસિક’ એ પદથી કર્યો છે. અન્તર્ભાવપ્રેરિત કવિતાના વર્ગમાં સ્વાનુભવરસિક સિવાય એક બીજો ભેદ છે અને તેનું નામ ‘સર્વાનુભવરસિક’ (Objective) એ પદ પણ રા. નવલરામે ઘણી યોગ્યતાથી કલ્પ્યું છે. સ્વાનુભવરસિક કવિતામાં કવિના પોતાના અનુભવથી થયેલા ચિત્તક્ષોભનું ચિત્ર હોય, અને સર્વ ઠેકાણે કવિના અન્તરાત્માની મૂર્તિ છપાયેલી હોય. સર્વાનુભવરસિક કવિતામાં કવિથી પૃથક્ બાહ્ય વસ્તુસ્થિતિનું ચિત્ર હોય. એમાં કવિ પોતાનું અન્તઃસ્વરૂપ ગુપ્ત રાખી જુદાં જુદાં રૂપ અને નવી નવી સ્થિતિ સાથે એકાત્મ થઈ સૂક્ષ્મ પરીક્ષાથી ચમત્કાર આપે છે. એ વિષય પર ડેવિડ મેસન કહે છે, “કેટલાક કવિ એવા હોય છે કે તેમની કવિતા મુખ્યત્વે કરીને સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવઃ એ ત્રણના અનેકતાને લીધે થોડા કે ઘણા સંકુલ સંયોગોની બનેલી હોય છે : આ સર્વ ઇન્દ્રિયબોધ, સ્મૃતિ, અભ્યાસ, અને ધ્યાનયુક્ત વિચાર, એ બધાંથી કલ્પનાને મળેલાં સાધનો વડે વિશેષ જાતના કૌશલથી રચેલાં હોય છે; આ રચાય તેવાં જ તે કવિના પોતાના સ્વભાવના વિશેષ પૃથક્ સ્વરૂપ (Personality)થી ઘણુંખરું તદ્દન જુદાં જ પડે છે, અને તેમને પૃથક્ પદાર્થ બનાવી કાળના વહેલા પર તરતાં મૂકવામાં આવે છે. આ કવિઓ સર્વાનુભવરસિક કહેવાય છે; એમનો પોતાનો વિશેષ સ્વભાવ શો છે તે એમના લખાણ પરથી નક્કી કરવું એ ઘણું મુશ્કેલ કામ છે. શેક્સપિયરે જુદી જુદી વૃત્તિવાળા નાયકો જુદે જુદે પ્રસંગે બનાવ્યા છે; આ સર્વ ચિત્રમાંથી શેક્સપિયરની પોતાની છબી કયામાં વિશેષ કરીને છે તે નક્કી કરવામાં માત્ર નાયકનાં ચિત્રને પૂરતું પ્રમાણ ગણવું એ સહેલો રસ્તો કામ નહિ લાગે. આપણે જુદાં જુદાં ચિત્રો એક પછી એક શેક્સપિયરના મનમાંથી બનીને નીકળતાં જોઈએ છીએ, અને આપણે જાણીએ છીએ કે આસપાસની સૃષ્ટિમાંથી તે મનને મળેલાં સાધનોને સૂક્ષ્મ કૌશલથી વાપરી એ ચિત્રો રચેલાં છે; પણ એ મનની અંદરની રચના કેવી હશે-એ ચિત્રોની રચનાનો શ્રમ ચાલતો હશે તે વેળા ત્યાં કેટલો વિષાદ, ખેદ, કે વ્યાકુલતા વ્યાપી રહ્યાં હશે-તે એ ચિત્રો પરથી બરોબર માલૂમ પડતું નથી. અલબત્ત, રચનાર વિશે બીજું બહારનું જ્ઞાન આપણને હોય તો તેના ગ્રંથમાં તેની પોતાની છબી માલૂમ પડે ખરી. વળી ઊંડી તપાસ કરનારા ટીકાકારોને એવા સૂક્ષ્મ નિયમો પણ જડે છે કે તેથી કલ્પનાનો કવિના પોતાના વિશેષ સ્વભાવ તથા જીવનરીતિ જોડેને સંબંધ માલૂમ પડે. પણ સર્વાનુભવરસિક કવિના વિશેષ સ્વભાવ અને તેનાં રચેલાં ચિત્રોનાં સ્વરૂપ વચ્ચે જે સંબંધ આખરે જડ્યો હોય કે જડે તેવો હોય તે, જે ઝટ જડે એવો સ્પષ્ટ સંબંધ સ્વાનુભવરસિક કવિના વિશેષ સ્વભાવ અને તેના તરંગો વચ્ચે રહેલો હોય છે તેનાથી ઘણી જુદી જ વસ્તુ છે. સ્વાનુભરસિક કવિની કવિતા અને તેના સ્વભાવ વચ્ચેનો સંબંધ શોધી કાઢવામાં કદી મુશ્કેલી પડતી જ નથી. એવા કવિની કવિતા તે તો માત્ર તેના પૃથક્ વિશેષ સ્વભાવનો કલ્પના દ્વારા ઊભરો હોય છે. તેના કેટલાક દૃઢ મત હોય છે; તેનું મન કેટલીક વૃત્તિઓમાં નિત્ય રહે છે, અને સત્ અસત્ વિશે તેના કેટલાક વિશેષ અભિપ્રાય હોય છે; તેની કલ્પના જે જે ચિત્ર રચે છે તે સર્વમાં તે આ મત, વૃત્તિ, અને અભિપ્રાયનો વિસ્તાર કરે છે.” ધ્યાન દઈ વાંચનારને આ પરથી જણાશે કે કેટલાક કવિમાં સ્વભાવથી જ સ્વાનુભવરસિક કવિતા તરફ વલણ હોય છે, અને કેટલાકમાં સ્વભાવથી જ સર્વાનુભવરસિક કવિતાની શક્તિ હોય છે. આ ભેદ કવિની ઇચ્છા પ્રમાણે થતો નથી. વળી, કોઈ મહાકવિ એવા પણ હોય છે કે તેમનામાં બન્ને શક્તિ હોય છે. સર્વાનુભવરસિક કવિતાના ત્રણ વિષય ઉપર જણાવ્યા : સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ. સૃષ્ટિરચનાના વિષયથી વર્ણનાત્મક કાવ્ય બને; કવિમાં એટલાની જ શક્તિ હોય તો તેની કવિતા ઘણી ઊતરતી પંક્તિની થાય. પ્રસંગથી કલ્પનાને જે વિષય મળે તેથી ચમત્કારજનક બનાવ કે ચિત્તનું આકર્ષણ કરે એવું કોઈ કથાનું વૃત્તાન્ત આપવામાં કવિની શક્તિ જણાય. પણ સર્વાનુભવરસિક કવિનો સહુથી ઉત્તમ વિષય જનસ્વભાવ છે. જનસ્વભાવના ચિત્રથી નાટક બને. ખરેખરા સર્વાનુભવરસિક કવિની શક્તિ નાટકમાં જનસ્વભાવનાં ચિત્ર આપવામાં અને જુદા જુદા પ્રસંગે જુદી જુદી વૃત્તિવાળાં સ્ત્રીપુરુષોના મનની આબેહૂબ સ્થિતિ અને ભાવ દેખાડવામાં જણાય. સર્વાનુભવરસિક કવિના ચિત્રસંયોગ સુગમ નહિ પણ સંકુલ હોય છે, કેમ કે એ કવિ પોતાના એક વિષયમાં તલ્લીન ન થતાં અનેક વિષયોમાં ફરી વળે છે અને જુદી જુદી વૃત્તિઓમાં જુદે જુદે રૂપે દેખાવ દે છે. આ ચિત્રો અદ્ભુત કૌશલથી રચાય છે એ શેક્સપિયર કે કાલિદાસ જેવા મહાકવિના ગ્રન્થ વાંચી તેમાં વાસ્તવિક બનાવો કલ્પના વડે કેવી રીતે મનોહર કર્યા છે અને નીરસ વૃત્તાન્ત મૂકી દઈ સ્વાભાવિક તેમ જ રસમય ચિત્રો પસંદ કરી તેમાંના ભાવ કેવી રીતે પ્રદર્શાવ્યા છે તે વિચારી જોવાથી માલૂમ પડશે. આ વિશેષ વિવેચનનો કવિતા કરતાં નાટકના વિષય સાથે વધારે સંબંધ છે. કવિની કલ્પનાને ઇન્દ્રિયબોધ, સ્મૃતિ, અભ્યાસ અને ધ્યાનયુક્તવિચાર – આ સર્વથી સાધન મળે છે. આથી એમ સમજવું નહિ કે આ કવિતા અન્તર્ભાવરહિત હોય છે અને તે હરકોઈથી ઉપલાં સાધનો વડે રચી શકાય. શેક્સપિયરનો પ્રખ્યાત ટીકાકાર પ્રોફેસર જર્વાઇનસ કહે છે, “મનની સ્થિતિ સાથે સંબંધ વિનાના બહારના અભ્યાસથી કે કવિતાના સ્વરૂપની યોગ્યતાના નિયમો સાચવ્યાથી શેક્સપિયરની કવિતા ઉત્પન્ન થઈ નથી, પણ અન્તરના અનુભવ અને ચિત્તની ભાવપ્રેરણા, એ એની કવિતાનાં ઊંડાં મૂળ છે : દરેક વિશાળ કવિત્વશક્તિવાળાની કવિતાને આ ન્યાય લાગુ પડે છે.” આ અન્તરના અનુભવ સ્વાનુભવરસિક કવિના અનુભવ જેવા સ્પષ્ટ નથી હોતા, પણ તે હોય તો ખરા જ. સર્વાનુભવરસિક કવિઓના શિરોમણિ શેક્સપિયરના સર્વાનુભવ અને સ્વાનુભવનો સંબંધ જર્વાઇનસ આ પ્રમાણે બતાવે છે : ‘કવિને અન્તરમાં મહા અનુભવ થયા હતા, અને તે વિશે તેણે આત્મચિન્તન કર્યું હતું; તેણે કાવ્યો, નાટકો અને કલ્પિત કથાઓમાં વાતો વાંચી હતી, અથવા ભૂત અને વર્તમાનકાળના ઇતિહાસમાં તેણે એવા બનાવો અને વૃત્તાન્તો નીરખ્યાં હતાં કે તેમાં તેના હૃદયને વિશેષતા જણાઈ અને તેમાં ચમત્કારવાળી ચેતના છે એવું તેને માલૂમ પડ્યું; કેમ કે તેના પોતાનામાં, તેના સ્વભાવમાં કે તેની જીવનરીતિમાં એના સરખી જ સ્થિતિઓનો તેને અનુભવ હતો, જેથી એ બીનાઓનું ખરું તત્ત્વ તેને સમજાતું; આવા મળેલા કે અનુભવેલા સંસ્કારો, ભાવનાની આ બન્ને રીતિઓથી વધારે ઉજ્જ્વલિત થયા; કવિએ તે સંસ્કારોને નાટકો રચવાના ઉપયોગમાં લીધા અને નિપુણતાથી તેમને મનોહર રૂપ આપી રચ્યા.” આ પરથી સ્પષ્ટ થશે કે નાટકની કવિતા એકલા અભ્યાસની કે યોગ્યતાના નિયમો સાચવ્યાથી રચાતી નથી, પણ તેમાંએ મૂળમાં અન્તર્ભાવ હોવો જોઈએ અને તેથી ભાવના સંસ્કાર જેમાં થઈ શકે તેવા હૃદયમાંથી, જ એવી કવિતા નીકળે. તેમ જ એકલી જનસ્વભાવનું નિરીક્ષણ કરવાની શક્તિ એ કવિતા માટે બસ નથી. જ્યાં જ્યાં નિરીક્ષણ કરે ત્યાં ત્યાં ચમત્કાર ને ચેતના જોઈ શકે તે જ હૃદય કવિતામાં નવાં નવાં ચિત્ર રચી શકે. જ્યોર્જ મોઈર કહે છે, “શાન્તપણે કરેલું નિરીક્ષણ અને જીવનરીતિ તથા જનસ્વભાવનો અભ્યાસ એ બે અગત્યનાં ખરાં. પણ સર્વ સંપ્રદાય, સર્વ દેશ અને સર્વ વયમાં સ્વભાવવૃત્તિનાં જે મૂળતત્ત્વો એનાં એ જ રહે છે તેની કલ્પના કરવા સારુ વાસ્તવિક સંસારમાં જનસ્વભાવનું નિરીક્ષણ, અથવા જે રાગ અને વલણથી સ્વભાવનું અમુક રૂપ બનેલું હોય છે તેનું પૃથક્ પરીક્ષણ-એ બસ નહિ થાય. શેક્સપિયરનાં સ્ત્રીસ્વભાવનાં ચિત્રો તરફ દૃષ્ટિ કરો. હરણાં ચોરી જનારા, નાટક કરનારા અને નાટક લખનારા જેવા હલકી સ્થિતિના લોકોની સોબતમાં રહેનાર તરુણ (શેક્સપિયર) જેને શિષ્ટ સ્ત્રીસમાજ વિશે કશું જ્ઞાન જ નહિ હોય તેણે ક્રૂર, ઉદ્ધત સ્ત્રીઓનાં, તેમ જ શાન્ત રાજોચિત પ્રતાપવાળી સ્ત્રીઓનાં અને તેમ જ સરલ સ્વભાવવાળી સ્ત્રીઓનાં ચિત્ર સરખી જ અનુપમ પ્રવીણતાથી આપ્યાં છે તેનાં સાધનો તેણે વાસ્તવિક સૃષ્ટિમાં ક્યાંથી મેળવ્યાં હશે?” આ પ્રમાણે જનસ્વભાવનું ચિત્ર કવિના હૃદયના ભાવથી નીકળેલું હોય છે, પણ, તે ચિત્ર પરથી કવિના સ્વભાવનું વિશેષ સ્વરૂપ શોધી કાઢવું ઘણું કઠણ છે. સ્વાનુભવરસિક કવિની કવિતામાં એ હરકત નથી પડતી; કેમ કે, તે તો સર્વ જગતને પોતાની વૃત્તિવાળું જ દેખે છે, પોતાના જ અનુભવનું સ્પષ્ટ ચિત્ર આપે છે, અને પોતે જ જુવે છે તે સર્વ સૃષ્ટિ જુવે છે એમ કલ્પે છે. રા. નરસિંહરાવ પોતે ‘ભૂમિ જહિં રહ્યાં છે ચિરસુખો’ જુવે છે ને સરોવરમાં ઊભેલા બગને પણ તે જ ભૂમિ તરફ નજર નાંખતો કલ્પે છે. પોતે બધે આનન્ત્ય જોઈ ધૂમકેતુની ‘જ્યોતિનદી’માંથી પણ ‘ઊંડવીથિ અનન્તપણાની’ ઊઘડતી દેખે છે. પોતાના પ્રેમમય હૃદયથી એકલા ભૂમંડળને જ નહિ પણ અનંત બ્રહ્માંડને પણ ‘પ્રેમસિન્ધુ’ આલિંગી લેતો નિહાળે છે. આ રીતે સ્વાનુભવરસિક કવિતામાંથી કવિના અભિપ્રાય, વૃત્તિ અને સ્વભાવ કેવા છે તે કળવું સહેલું પડે છે. સર્વાનુભવરસિક કવિ જ્યાં સ્વાનુભવરસિક કવિ બને છે, ત્યાં પણ એમ જ થાય છે. શેક્સપિયરના મનની અન્તઃસ્થિતિ બરોબર રીતે તેનાં નાટકોમાંથી નહિ પણ તેના (સ્વાનુભવરસિક) ‘સૉનેટ્સ’માંથી શોધી શકાય છે. કાલિદાસનાં હૃદય ને જીવનરીતિ કેવાં હશે તે ‘શાકુન્તલ’ પરથી નહિ પણ ‘મેઘદૂત’ પરથી કળી શકાય છે. શેક્સપિયરે જુદી જુદી વયે જુદા જુદા રસનાં નાટકો લખ્યાં છે અને અમુક વૃત્તિવાળાં પાત્રો તેણે વિશેષ રુચિ તથા કળાથી કલ્પ્યાં છે, એ પરથી તેના મનનો ઇતિહાસ શોધાય ખરો; પણ તેના ‘સૉનેટ્સ’ પરથી તેના મનની જેવી આબેહૂબ છબી ઝટ જડે છે તેવી અહીં નથી મળતી. એક ગ્રન્થકાર રૂપક કલ્પે છે તેમ સ્વાનુભવરસિક કવિ કાચના ઘરમાં રહે છે અને જે જે ભાવો ને વૃત્તિઓ તેને થાય છે તે સર્વ ચેષ્ટા તથા અવયવોના ઇંગિતથી તે પ્રકાશિત કરે છે, તથા બહારથી જોનારા લોકને તે બધું માલૂમ પડે છે. સર્વાનુભવરસિક કવિ પથ્થરના ઘરમાં રહે છે અને થોડાં બાકાં ને છિદ્રોથી બહારની સૃષ્ટિને નીરખે છે; પણ તે અંદર રહ્યો રહ્યો શું કરે છે અને અમુક વૃત્તિઓથી કેવા વ્યાપાર તેના દિલમાં ઉત્પન્ન થાય છે તે બહારના લોકને દેખાતું નથી. કોઈ વિશેષ પ્રવીણતાવાળા ટીકાકાર હોય તે બહાર સંભળાતી કવિની વાણીથી તેની ચેષ્ટા અને વ્યાપારનું રૂપ પારખી શકે. આનું કારણ કવિના સ્વભાવની વિશેષતા જ છે. કીટ્સને પોતાના સ્વભાવની આ વિશેષતા ખબર હતી અને કવિએ તેવા જ હોવું જોઈએ એ તેનો અભિપ્રાય હતો. તે કહે છે કે સાહિત્યમાં નિપુણતા મેળવનારમાં ‘તત્ત્વમુખી યોગ્યતા’ જોઈએ, એટલે તેનામાં એવી યોગ્યતા હોવી જોઈએ કે શ્રમ ને કષ્ટ વેઠી દુર્લભ તત્ત્વ અને સત્ય તરફ પહોંચવાનો યત્ન ન કરતાં તે સંદેહ, ગુહ્યતા ને શંકામાં જ રહી શકે અને તેમાં જ આનંદ માને. આ સર્વાનુભવરસિક કવિનું લક્ષણ છે. સ્વાનુભવરસિક કવિનું વલણ તો પોતાના સ્વભાવ તથા વૃત્તિને અનુસરતું તત્ત્વ શોધવા તરફ જ હોય છે. રા. નરસિંહરાવને
‘આ હૃદયમથન પ્રશ્નનો ન કો ઉત્તર વાળે;—
હા! કોણ એહવો આહિ સંશય મુજ ટાળે?’
આવી સ્થિતિથી શાંતિ નથી મળતી અને જે ‘બનિ કાવ્યપદો કંઈ બોધ ઝરે’ તેને જ તે અભિનંદે છે. સર્વાનુભવરસિક કવિમાં આ વૃત્તિ જોવામાં નહિ આવે. સિડનિ કોલ્વિન કહે છે તેમ કીટ્સમાં ‘સર્વસ્વીકારયોગ્યતા’ હતી, એટલે તે પોતાની વિશેષ વૃત્તિ કોરે મૂકી હૃદયમાં સર્વને પ્રવેશ કરવા દેતો. કીટ્સ કહે છે, “(સર્વાનુભવરસિક) કવિને આત્મસ્વરૂપ હોતું જ નથી. તે નિત્ય બીજાં રૂપોમાં જ પેઠેલો હોય છે.” બીજે પ્રસંગે તે કહે છે, “કદાચ આ ઘડીએ હું પોતાના સ્વરૂપથી નહિ બોલતો હોઉં પણ બીજા કોઈ સ્વરૂપના આત્મામાં હું હાલ વસી રહ્યો હોઈશ અને તેની વતી બોલતો હોઈશ.” સર્વાનુભવરસિક કવિનો સ્વભાવ બહુરૂપી હોય છે. તેનામાં એવી શક્તિ હોય છે કે તે ‘બહુ રૂપ અનુપમ નિત્ય ધરે.’
ઉપલા વિવેચનથી સિદ્ધ થશે કે સર્વાનુભવરસિક કવિની વૃત્તિ વિશેષ જાતની હોય છે. તેની કવિતા અન્તર્ભાવપ્રેરિત હોય છે તો પણ તેનો અન્તર્ભાવ ગૂઢ રહેલો હોય છે. બહારની જ સૃષ્ટિનાં અને વિશેષે કરીને જનસ્વભાવનાં તથા બીજાના અન્તર્ભાવનાં ચિત્ર આપવામાં તેનું વિશેષ કૌશલ હોય છે. તેની સરજેલી વિચિત્ર સૃષ્ટિના નૃત્યને નિયમમાં રાખનારી ઘણી ઝીણી દોરી હાથ લાગે તો તે અંતે તેના હૃદયના ભાવ સાથે સાંધેલી માલૂમ પડે. સૃષ્ટિરચના એ આ કવિતાના વિષયમાં છે તેથી એ વૃત્તિવાળા કવિ કોઈ વખતે વર્ણનાત્મક કાવ્ય રચે છે. કાલિદાસનો ‘ઋતુસંહાર’ એ આવી કવિતાનો નમૂનો છે; પણ આવી કવિતા ઘણી ઊતરતી પંક્તિની છે તે ‘ઋતુસંહાર’ ને ‘શાકુન્તલ’ એ બેને સરખાવી જોવાથી માલૂમ પડશે. વર્ણનાત્મક કાવ્યમાં જ્યાં ચમત્કાર હોય છે ત્યાં જડ સૃષ્ટિમાં કવિએ ચેતના નીરખ્યાથી એટલી ખૂબી આવેલી હોય છે. માત્ર વસ્તુઓનાં નામ ગણાવ્યાથી કે તેમની સ્થિતિ વર્ણવ્યાથી ચમત્કાર નથી આવતો. પ્રસંગ એ પણ સ્વાનુભવરસિક કવિતાનો વિષય છે. એ વિષયમાં વાંચનારાના હૃદયનું આકર્ષણ કરે એવી કથા કે વૃત્તાન્ત આવે. પ્રેમાનંદના ગ્રન્થોમાં આવી જાતની કવિતા છે. અહીં કવિની ખૂબી નીરસ બિનાઓ મૂકી દઈ એક પછી એક ચમત્કારવાળા બનાવ આણવામાં અને વાંચનારની ઉત્કંઠા ઉત્પન્ન કરવામાં ને તે ઉત્કંઠાને સંતોષ આપવામાં જણાય છે. સામળભટની કથાઓ જેવી એકલી વાત કે કહાણી તે આવી કવિતા ન ગણાય. કેમ કે તેમાં નીરસ હોય તેટલું મૂકી દેવાની અને ચમત્કારવાળું એટલું પસંદ કરી લેવાની કળા વાપરેલી હોતી નથી. પણ સર્વાનુભવરસિક કવિતાનો મહોટામાં મહોટો અને કવિની શક્તિનું પ્રમાણ દેખાડનારો વિષય તે જનસ્વભાવ છે. અહીં કવિની કળા અમુક પ્રસંગે અમુક વસ્તુસ્થિતિ કલ્પવામાં અને તેને લીધે અમુક પાત્રોમાં થયેલાં અમુક વૃત્તિ અને ભાવ-થાય તેવાં-આપવામાં હોય છે.
સાહિત્યદર્પણકાર વિશ્વનાથે કાવ્યના દૃશ્ય ને શ્રવ્ય (શ્રાવ્ય)-એવા બે ભેદ પાડ્યા છે. દૃશ્ય કવિતા તે જોઈને સમજવાની, ભજવી બતાવ્યાથી, વર્ણવેલી અવસ્થાનું અનુકરણ કર્યાથી ગ્રહણ કરવાની; અને શ્રવ્ય તે માત્ર સાંભળ્યાથી ગ્રહણ કરાય તે. આ ભેદ કવિને લાગતા ઉત્પત્તિના પ્રકાર પ્રમાણે નથી કર્યો. પણ, સમજનારને લગતા કવિતા ગ્રહણ કરવાના પ્રકાર પ્રમાણે કર્યો છે. સર્વાનુભવરસિક કવિતામાં દૃશ્ય ઉપરાંત શ્રવ્ય કવિતા પણ આવે, એ ઉપર બતાવ્યું છે. તેથી, સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક તથા દૃશ્ય અને શ્રવ્ય, એ બે ભેદ એક જ રૂપના નથી. એ બેના વિષયવિભાગમાં ફેર પડે છે. પણ સર્વાનુભવરસિક કવિતાનો મુખ્ય ભાગ નાટક છે તેથી એ કવિતાના વિવેચનમાં દૃશ્ય કાવ્ય લક્ષમાં પ્રધાન રહે છે. નાટકના ભાવ નિપુણતાથી વાજબી બતાવ્યાથી ખરેખરા ખૂબીદાર માલૂમ પડે છે તેથી નાટક દૃશ્ય કાવ્ય કહેવાય છે. નાટકના સ્વરૂપનું કે યોગ્ય પ્રયોગ થઈ શકે એવી તેની રચનાનું વિવેચન આ વિષયની બહાર છે, માટે નાટકના કવિતા સાથે સંબંધી અંશનું જ અહીં વિવેચન કરીશું. બધી ભાષાનાં સાહિત્યોમાં નાટક તે કવિતા છે એમ નિર્વિવાદ માની લેવામાં આવ્યું છે એ ધ્યાનમાં લેવા જોગ છે. નાટકકારનો કવિપદ માટેનો હક શ્રવ્ય કવિતા કરનારના જેટલો જ સબળ ગણવામાં આવ્યો છે. કાદમ્બરી કે કલ્પિત કથા (Novel) લખનાર પણ આ પ્રમાણે કવિપદને યોગ્ય છે કે નહિ એ વિશે મતભેદ છે. વિશ્વનાથે શ્રવ્ય કાવ્ય પદ્યમાં હોય અને ગદ્યમાં પણ હોય એમ અભિપ્રાય આપી કલ્પિત કથા લખનારને કવિપદ આપ્યું છે. પ્રખ્યાત કાલ્પત કથા લખનાર લૉર્ડ લિટન કહે છે કે ‘ગદ્યમાં કે પદ્યમાં કંઈ નવું કલ્પે કે સૃજે તે કવિ, એ કવિ શબ્દનો અર્થ.’ તોપણ, આ મત બધા ગ્રંથકારો સ્વીકારતા નથી, અને સાધારણ રીતે કથા લખનારા કવિ કહેવાતા નથી. આનું એક કારણ એ છે કે કવિતા તેમ જ નાટકનો શ્રેષ્ઠ ભાગ પદ્યમાં હોય છે અને કલ્પિત કથાઓ ગદ્યમાં હોય છે. પણ, ઉપરનો આકાર મૂકી દઈ ઊંડા તત્ત્વની તપાસ કરનારને પરીક્ષા કરવા સારુ આ સિવાય બીજાં કારણો છે. ગદ્યમય કે પદ્યમય, સર્વ સાહિત્ય બુદ્ધિના વ્યાપારથી જીવવાળું હોય છે; પણ કલ્પનાશીલ સાહિત્યમાં વિશેષ ચેતના ભાવથી આવે છે. કલ્પિત કથાઓમાં ભાવની ચેતના હોય છે ખરી, પણ, તે ચૈતન્યરહિત વસ્તુ સાથે ભળી જઈ નબળી થયેલી, પાણીમાં પસરાઈ ગયેલા રંગ જેવી, આછી ને ઝટ ભુસાઈ જાય એવી હોય છે. ગુલાબજળ ને ગુલાબના અત્તર વચ્ચે ફેર છે તેટલો કલ્પિત કથા ને કવિતા વચ્ચે ફેર છે એમ કહી શકાય. કવિતામાં ભાવનો સાર આવી રહેલો હોય છે, અને તેમાં બધે ઠેકાણે ભાવની ચેતના જોવામાં આવે છે. તેટલા માટે જ રસ તે કવિતાનો આત્મા ગણાય છે; ભાવનો સાર, સર્વસ્વ, જે રસ તેથી આવેલી ચેતનાથી કવિતા ચમત્કાર આપે છે. નાટકમાં પણ આ વિશેષતા છે. ‘નાટક એ દૃશ્ય કવિતા છેઃ’ આ વાક્ય દેખાય છે તેના કરતાં ઘણું વધારે ગર્ભિત છે. સહૃદયને કવિતાના સંબંધમાં નાટકમાં જે જોવાનું છે તે ભજવી બતાવનારના પ્રયોગ કે અભિનય નથી. એ તો જોવાનાં સાધન છે. એ વડે કવિતા જોવાની છે. ભજવનારે પોતે ભાવ ગ્રહણ કર્યાંથી તેના અભિનયમાં કવિતા મૂર્તિમતી થઈ રહે છે ત્યાં તેનું સ્વરૂપ સહૃદય જોનાર પારખે છે. આ કારણને લીધે નાટકોમાં કવિતા-પદ્યમયી કવિતા-ઘણી હોય છે. નાટકનું ગદ્ય પણ કવિત્વભાવવાળું હોય છે, પણ, જ્યાં ભાવ એકાએક એકઠો થઈ જાય છે, જ્યાં વધતો વધતો રસ સમગ્ર થાય છે ત્યાં તે પદ્યમાં-કવિતામાં નીકળી આવે છે. ભાવનો આ વિશેષ સ્વભાવ છે તેથી તે આવું રૂપ ગ્રહણ કરે છે. તેથી, અમુક પાત્રો પદ્યમાં વિશેષ બોલે અને અમુક પાત્રો ગદ્યમાં વિશેષ બોલે એવા નિયમ કરતાં, ચીતરતા ભાવને ઉછેરે તેમ તે અનુભવતો જતો કવિ જ્યાં પદ્યની વૃત્તિ થાય, જ્યાં કવિતાની પ્રેરણા થાય, ત્યાં તેમ કરતો જાય એ રીત વધારે યોગ્ય છે. અને, સ્વયંભૂ ને સ્વચ્છંદ કવિતા એ જ રીતે બરાબર પ્રકાશી શકે. ઊંચાં અને વિશિષ્ટ પાત્રો ઉન્નત સંસ્કાર ને રસિકતાને લીધે પદ્યની વૃત્તિમાં વધારે આવે અને તેમને કવિત્વપ્રેરણા વધારે થાય, તેથી ઉપરનો નિયમ સકારણ છે ખરો; પણ નિયમોના બંધનને લીધે કવિતાનો ઉલ્લાસ થવો જોઈએ તેવો થતો નથી, કેમ કે કોઈ વખત ખૂબી નિયમ તોડ્યાથી જ આવી શકે એમ હોય છે. આવા વિષયમાં સહૃદયતા (Taste) એ જ ખરું પ્રમાણ છે. પોતાની બુદ્ધિ ન વાપરતાં બીજાએ પાડેલે ચીલે ચાલ્યા જનારા હાલનો કેટલાક શબ્દની જ ટીકા કરનારા સાહિત્યમાં આપેલા નિયમના હિમાયતીઓ કહે છે કે નિયમિત ન હોવાને લીધે સહૃદયતા ઝનૂની થઈ જાય છે. અમે કહીએ છીએ કે નિયમિત હોય ત્યારે જ સહૃદયતા ઝનૂની થઈ જાય છે. ધર્મમાં, સાહિત્યમાં કે બીજા શાસ્ત્રમાં કેટલાક ઝનૂની થાય છે તેનું કારણ જ એ કે અગ્રેસરોએ બતાવેલા માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ ખરો હોય કે સમૂળગો હોય એમ તેમને સમજણ જ નથી પડતી, અને સત્ય ગ્રહણ કરી અસત્યનો ત્યાગ કરવો એ જ ખરી રીત છે એમ જ માનતાં કરેલે નિયમે ચાલવામાં જ સાર્થકતા છે અને તેમ ન કરવામાં દોષ છે એમ તેમની બુદ્ધિને ભાસે છે. કલ્પનાશીલ સાહિત્યમાં સાર અસારની પરીક્ષા સહૃદયતાથી થાય છે માટે એ વિષયમાં સહૃદયતા એ જ પ્રમાણ છે. સહૃદયતાથી માન્ય થયેલી સૂચનાઓ પણ ધ્યાનમાં ન લેવી એમ અમારું કહેવું નથી; કેમ કે એમ હોય તો સહૃદયતાનું પ્રયોજન રહેતું નથી. પણ, સહૃદયતા કરતાં નિયમને વધારે અગત્યના ગણ્યાથી કવિતાનો સ્વચ્છંદ ને સ્વયંભૂ રહેવાનો અધિકાર જતો રહે છે અને માત્ર પરબુદ્ધિથી વિચાર કરનારને હાથે તેનું અપમાન થાય છે.
શેક્સપિયરે તો બધાં પાત્રોને બધે સમયે-વિશેષ પ્રસંગ સિવાય તે પદ્યમાં જ બોલતાં કર્યાં છે અને જેમ જેમ તેનામાં વધારે પ્રવીણતા આવતી ગઈ તેમ તેમ તેણે અનુપ્રાસનાં બંધન પણ તોડી નાખ્યાં છે. એ મહા કવિની કલા એવી છે કે સાધારણ વાંચનારને વાંચતી વેળા યાદ પણ નથી રહેતું કે દરેક પાત્રની ભાષા સ્વાભાવિક છતાં પદ્યમાં છે. નાટકના વિષયમાં પ્રવેશ ન કરતાં અહીં એટલું જ કહેવું બસ છે કે પદ્યમાં કે ગદ્યમાં કોઈ પણ પાત્રની વાણી એકે પ્રસંગે અસ્વાભાવિક ન હોવી જોઈએ. રસ વિશેષ હોય ત્યાં પદ્ય હોવું જ જોઈએ; સર્વ પ્રસંગે પદ્ય છતાં સ્વભાવિકતા રહે તો કવિની વિશેષ ખૂબી. તેમાંએ યોગ્ય લાગે ત્યાં ગદ્ય મૂકવાની કલા હોવી જોઈએ.
નાટકની કવિતા પાત્ર અને પ્રસંગને અનુસરતી હોવી જોઈએ, તે જ પ્રમાણે પાત્ર ને પ્રસંગ પણ કવિતાને ઘટે તેવાં હોવાં જોઈએ. ભાવનો અવસર જ ન હોય ત્યાં માત્ર ભાષાની સ્વાભાવિકતાથી કવિત્વ કેમ આવે? કૃત્રિમ ભાવ કે ભાવહીનતાવાળાં પદ્ય જ્યાં હોય ત્યાં કવિ રસ આણી શક્યો નથી એ તરત માલૂમ પડી આવે છે. પણ આ પરીક્ષામાં દરેક જણે પોતાની મેળે વિચાર કરવો જોઈએ, અને પોતાની સહૃદયતાથી તપાસ કરવી જોઈએ, કેમ કે તે વિના રસ ગ્રહણ ન થઈ શકે. પરબુદ્ધિથી વિચાર કરનાર કેટલી ભૂલ કરે છે તેનો એક દાખલો કોલેરિજ આપે છે. તે કહે છે, “મારા એક મિત્રે કોઈ ઠેકાણે વાંચ્યું કે સાંભળ્યું હતું કે શેક્સપિયરના ‘કિંગ જોન’ નાટકમાં આરથરના મૃત્યુ માટે વિલાપ કરતી તેની માતા કોસ્ટન્સની નીચેની વાણી સ્વભાવિક નથી :
‘મારો ગયો તનય, તેની હવે જગાએ
આવી રહ્યો પ્રિય થતો સઘળો જ શોક;
તે શોક પુત્ર પ્રિયને શયને સુવે છે,
ને તે ફરે અહિ તહીં સહુ મારિ સાથ;
તેના ધરે મુખનિ સુંદર સર્વ કાન્તિ;
બોલે બધાં વચન તે પ્રિય મૂર્તિ કેરાં;
તેના બધા શુભ ગુણો સ્મૃતિ સાથે લાવે;
વસ્ત્રો વિશે ફરિ મુકે સહુ અંગ તેનું;
જે આમ પુત્ર મુજ થાય ફરીથિ તે જ,
લાગે ન કેમ પ્રિય શોક મને ખરે તે?’
પોતાની મેળે વિચાર કર્યા વિના મારા મિત્રે પોતે પણ અભિપ્રાય આપ્યો કે આ લીટીઓમાંનો ભાવ સ્વાભાવિક નથી. આ વાતને ત્રણ મહિના થયા નહિ એટલામાં તે મરણ પામ્યો. હું તેની માને મળવા ગયો. તેને પુત્ર વહાલો ઘણો હતો. પણ તે ભણેલી નહોતી, અને તેણે શેક્સપિયરનું નામ પણ ભાગ્યે જ સાંભળ્યું હશે, તો તેનાં નાટકો તો ક્યાંથી જ વાંચ્યાં હોય? કોન્સ્ટન્સને ફિલિપે દિલાસો આપ્યો હતો તેમ મેં તેને દિલાસો આપવાનો યત્ન કર્યો. તે શોકથી બહુ વેદના પામતી હતી ત્યારે તેને શાંત કરતાં મેં કહ્યું કે પુત્ર વહાલો હતો તેટલો જ તમને શોક પણ વહાલો લાગતો જણાય છે. તેણે શો જવાબ આપ્યો હશે? લગભગ શેક્સપિયરની જ ઉપલી વાણીનું ગદ્યમાં તેણે અનુકરણ કર્યું – એ જ વિચારો ઘણુંખરું એ જ શબ્દોમાં, પણ જુદી રચનાથી જણાવ્યા. આવી સાબિતી હજાર ટીકાકારોના મત કરતાં વધારે સબળ છે.”
હાલનાં ગુજરાતી નાટકો તરફ નજર કરતાં દૃશ્ય કવિતા કેટલાં થોડાંમાં જોવામાં આવે છે? પ્રયોગની અયોગ્યતા કોરે મૂકતાં, ખરી કવિતા જ ક્યાં જોવામાં આવે છે? સંભાષણના રૂપમાં કહાણી લખી તેમાં વિષયવાસનાને ઉદ્દીપ્ત કરવી, ગમે તે રીતે હાસ્ય ઉપજાવવું, કે કોઈ પાત્રને ઉપદેશક બનાવી તેની પાસે ડહાપણનાં ટાહેલાં કરાવવાં, એ નાટક લખનારાઓ પોતાનું કામ સમજે છે. ઉપદેશ એ નાટકનો અપ્રધાન હેતુ છે, માટે તે કોઈ પ્રસંગે સ્પષ્ટ ન મૂકતાં સમજનારને આખા નાટક પરથી પોતાની મેળે જ કાઢી લેવા દેવો જોઈએ તે તો કોઈ જાણતા જ નથી. અપ્રધાન હેતુ વિશેનું આવું અજ્ઞાન છે તેમને પ્રધાન હેતુરસ ઉત્પન્ન કરી આનંદ આપવો તે-ની તો ખબર જ ક્યાંથી હોય? અયોગ્ય શ્રાવ્ય કવિતા કરતાં અયોગ્ય નાટક જનસમાજને વધારે નુકસાન કરે છે, કેમ કે વિષયવાસનાની તૃપ્તિ શોધનારને એવાં નાટક વાંચતાં શ્રમ ઓછો પડે છે અને ગમ્મત વધારે પડે છે. વળી જેમ એવાં નાટક પસંદ કરનારા વધારે તેમ તે વધારે સહેલાઈથી ઉત્પન્ન થાય છે. તે ભજવ્યાથી ભજવનારને પૈસાનો ને જોનારને હલકી મજાનો ફાયદો થાય છે. તેથી શ્રાવ્ય કવિતા કરતાં એવાં નાટકને વધારે ઉત્તેજન મળે છે. નાટક જોનારમાંના ઘણાખરા હસાહસ, અવિનય કે ગાયનની જ આકાંક્ષા રાખે છે. પ્રયોગની તો વખતે કંઈક દરકાર રખાય છે, પણ કવિતાની, કવિત્વવાળા ભાવની, તો કોઈ ઇચ્છા જ નથી કરતા અને તે છે કે નહિ તેની તપાસ જ નથી કરતા. તે એટલે સુધી કે સમજાય નહિ તેવી ભાષા (કઠણ ફારસી શબ્દોથી ભરેલી ઉર્દૂ)માં સારું ગાયન થાય તો રસિક નાટક થયું એમ નિર્વિવાદ માની લેવાય છે. ભજવનારની ભાષા સમજ્યા વિના તેની ઉચ્ચારેલી કવિતા સમજવી, તેનો રસ ગ્રહણ કરવો એ અમાનુષ શક્તિ જણાય છે. તેનું માનુષ બુદ્ધિથી વિવેચન કરવાનું અભિમાની સાહસ અમે કરી શકતા નથી. આ વિલક્ષણ સંભવ એ, વિચિત્ર વિરોધોના સંસ્થાન અને ઘણી વાર સ્વબુદ્ધિ વાપરવામાં દોષ દેખનાર ટોળાંની ભૂમિ મુંબાઈની ખૂબીનો દાખલો છે. ગાયનની ખૂબી ગમે એટલી હોય પણ સમૂળગી કવિતા ન હોય તે છતાં તેને નાટક કેમ કહેવાય? નાટકની અધમ સ્થિતિનું આ સિવાય એક બીજું કારણ છે, અને તે એ કે ગુજરાતી સાહિત્યમાં સર્વાનુભવરસિક કવિ ઘણા થોડા કે ભાગ્યે કોઈ જ છે. કેટલાક નાટક લખનારને સાહિત્યનું કંઈ જ્ઞાન હોય છે ખરું પણ તેથી કંઈ કવિત્વશક્તિ આવતી નથી. સાંકેતિક નિયમો પાળેલા અને સાંકેતિક પદો વાપરેલાં જોવામાં આવે છે, પણ ભાવનો પ્રવેશ તો કોઈ ઠેકાણે નજરે પડતો નથી. પદ્યસંભાષણમાં કોઈ સુન્દર સ્ત્રીનું કંઈ પણ અપૂર્વતા વિના ચાલતી પદ્ધતિમાં વર્ણન આપવું કે કોઈ બિનાનો હેવાલ આપવો એ કવિત્વશક્તિનું કામ ગણાય છે. દેખાદેખી ચાલનાર અને તેવી જ રીતે વિચાર કરનાર વાંચનાર વર્ગે ‘પ્રશંસાના શિખર ઉપર ચઢાવેલા’ ‘લલિતાદુઃખદર્શક’ નાટકમાં કવિતા ખોળવા બેસીએ તો તે ક્યાં જડે છે? એમાંની વખાણાતી કવિતાનો એક દાખલો જોઈએ. હેવાલ આપવાને જ પંથીરામ પદ્યમાં બોલે છે કે,
‘હું નગર પાસે બહુ ઉલાસે, પો’ચિયો જેણી ઘડી;
બહુ શોભતી વળી ઓપતી, નજરે મને વાડી પડી.
તે નીકળી નંદનતણી, પોતે હતા તે વાડિયે;
પ્રિયંવદા ગણિકા હતી, કીધેલ વર વશ લાડિયે.
ત્યાં પત્ર વાંચ્યો તેણિયે, મેં તે સુણ્યો સંતાઈને;
વળી સુણ્યું તેનો સાર એ જે-મસ ઉડાવ્યા ભાઈને.’
એક પછી એક કડીઓ વાંચ્યા જઈએ છીએ પણ એકે ઠેકાણે રસ ગ્રહણ કરવા અટકવાનું હૃદયને જડતું નથી. બધું વાંચી રહ્યા પછી પ્રશ્ન ઊઠે છે કે આ હેવાલ પદ્યમાં આપવાનું શું વિશેષ પ્રયોજન છે? આગલા સંભાષણ કરતાં અહીં કંઈ વિશેષતા છે કે કંઈ વિશેષ ભાવ છે કે તેણે કવિતાનું રૂપ લીધું? એવું તો કંઈ જોવામાં આવતું નથી. નીરસ લાંબા હેવાલને પદ્યમાં મૂક્યાથી તેમાં કંઈ ચમત્કાર આવતો નથી. અમે ઉપર બતાવ્યું છે તેમ સર્વાનુભવરસિક કવિતામાં પણ મૂળમાં અન્તર્ભાવની પ્રેરણા હોવી જોઈયે. તેના સંસ્કાર વિના એકલા પદ્યબંધનથી કવિતા થતી નથી. કાલિદાસનું ‘શાકુન્તલ’ વાંચતાં તુરત માલૂમ પડે છે કે કવિએ જે ભાવ ચીતર્યો છે તે પોતાના હૃદય સમક્ષ ઉત્પન્ન થતાં તેણે પોતે અનુભવ્યો છે. પોતે લગ્ન કબૂલ ન રાખ્યાથી શકુન્તલાની થયેલી અવસ્થાનું દુષ્યન્તે આપેલું વર્ણન લઈએ. દુષ્યન્ત કહે છે કે તેને
‘ન મેં સ્વીકારી ત્યાં સ્વજનનિ પછાડી ગઈ જવા,
“ઊભી રહે” કીધો એ હુકમ ગુરુશિષ્યે સ્વર ઊંચે;
કીધાં આંસૂએ ત્યાં ભરિ નયન હું ક્રૂરનિ ભણી,
મને ભોક્યું જાણે સવિષ શર, બાળે બહુ જ એ.’
અહીં બોલનાર દુષ્યન્તનો અનુભવક વિના હૃદયમાં પૂરેપૂરો ઊતર્યો છે તેથી જ ખૂબી આવી છે. હેવાલ વર્ણવ્યાની ખૂબી અહીં નથી, કેમ કે શકુન્તલાનો સ્વીકાર ન કર્યો તે વેળા બીજું ઘણું બન્યું હતું. તેનું સ્મરણ કરતાં હૃદયને લાગે એવું હોય તેટલું જ અહીં લીધું છે. ભાવ અનુભવનાર કવિમાં જ આ કૌશલ જોવામાં આવે છે. હાલના નાટકમાંની કવિતાનો એક બીજો દાખલો લઈએ. ‘નૃસિંહ નાટક’માં દૈત્યોએ બ્રાહ્મણોને કરેલી પીડાના વર્ણનમાં આ શ્લોક છે :
‘દ્વિજ્વરા જવ રાખિ પળ્યા કહીં,
ધિરજ ના રજ નાથ રહી જહીં;
ધન મહીં ન મહીં ચિત્તને;
ઉપરિ ત્યાં પરિત્યાગી કુટુંબને.’
આ વર્ણનમાં ઉપલા વર્ણન માફક કંઈ ભાવ જોવામાં આવે છે? તે નથી તો, વર્ણન આપનારે ચીતરેલો ભાવ અનુભવ્યો છે, અને કવિતાનું મૂળ કવિની ભાવપ્રેરણામાં છે એવું ક્યાંથી માલૂમ પડે? કવિતાને અધમતાના ખાડામાં નાખતા કૃત્રિમ શબ્દાલંકારયમક-સિવાય બીજું અહીં શું જોવામાં આવે છે? પીડા પામતા બ્રાહ્મણોના હૃદય પર કેવી અસર થઈ તેનું ચિત્ર નથી આપ્યું તો કવિતા વાંચનાર કે નાટક જોનારના હૃદય પર શી અસર થાય? ત્યારે પછી આવાં પદ્યને કવિતાનું નામ શું કામ આપવું?
ગુજરાતી ભાષાનાં નાટકોમાં એક જ ખરેખરું નાટક જોવામાં આવે છે. તે એક સિવાય ખરેખરી દૃશ્ય કવિતા બીજા કોઈ નાટકમાં માલૂમ પડતી નથી. જનસ્વભાવનું ખરું ચિત્ર અને અનુભવેલા ભાવનો કવિતામાં અનુપ્રવેશ ‘કાન્તા’ સિવાય બીજું કોઈ નાટક આપતું નથી. સર્વાનુભવરસિક કવિતાનાં દૃષ્ટાન્ત શોધનારને રા. મણિલાલની જ કવિતા આશ્રય આપે છે. લગ્ન સમયે લજવાતી કન્યાના હૃદયના ભાવનું
‘આડી કરી નજર જોઈ નીચું નિહાળે,
ને અંગુલી મૃદુથી હાથ મિષે તું ડાબે;
જોતાં પિતા હસિ નિહાળી ડબાઈ જાતી,
આ હાર હાલી વદતો-ધડકંતી છાતી.’
આ ચિત્ર કોને સ્વાભાવિક નહિ લાગે? કોને અહીં દૃશ્ય કવિતા માલૂમ નહિ પડે? કોના હૃદયમાં આ ભાવ નહિ ઊતરે? નાટક લખનાર કવિને જનસ્વભાવનો અનુભવ હોવો જોઈએ, એટલે, અમે અગાડી બતાવ્યું છે તેમ વાસ્તવિક સૃષ્ટિમાં બનતા બનાવોમાં ચેતના નીરખી શકવાની અને પોતે નિહાળી ન હોય તેવી સ્થિતિ હૃદય અનુભવીને સમજી શકે તેવા હૃદય-અગાડી ઉત્પન્ન કરી તેમાંના ભાવ ગ્રહણ કરવાની ને ચીતરવાની તેનામાં શક્તિ હોવી જોઈએ. આ શક્તિને લીધે જ જયચન્દ્રના મુખારવિન્દ પરથી તેના હૃદયનો ભાવ સુરસેન પાસે રા. મણિલાલે કળાવ્યો છે. સુરસેન કહે છે કે જયચંદ્ર આમ વિચારતો દીસે છેઃ
‘ક્યારે હણી રિપુતણાં શિર રોળી નાખું,
ક્યારે ચઢી સમર સન્મુખ શસ્ત્ર ફેંકું;
ફેડું કદા સરવ કંટક રૂપ શત્રુ,
એવું વદે કુટિલ એવું વિકાસતી ભ્રૂ.’
આ તે સર્વાનુભવ રસિક કવિતા. ભજવનારના અભિનય પરથી ગ્રહણ કરાય તે આવી દૃશ્ય કવિતા. અમે અગાડી બતાવી ગયા છીએ કે સર્વાનુભવરસિક કવિમાં ‘સર્વસ્વીકારયોગ્યતા’ હોય છે એટલે તે પોતાના હૃદયની વિશેષતા ગુપ્ત રાખી પારકા હૃદયને પોતાનામાં પ્રવેશ કરવા દે છે અને તેનું સ્વરૂપ પારખી લે છે. આ જ કારણથી હરદાસ અને રત્નદાસ પાસે રા. મણિલાલે સ્ત્રીજાતિના સ્વભાવ વિશે જુદા જુદા, એક એકથી ઊલટા, અભિપ્રાય અપાવ્યા છે. કવિએ બન્નેના અનુભવ પારખ્યા છે; તેથી આ સર્વાનુભવરસિક કવિતા છે. કાન્તાના ગળાના હારની દોરી કાપવા જતી તરલા પોતાના કર્મની દુષ્ટતા વિચારી કલ્પિત રક્ષકની ભ્રાન્તિથી બીએ છે, તે વખતના તેના હૃદયના ભાવ પોતાના હૃદય સમક્ષ ઉત્પન્ન કર્યાથી જ, પોતે અનુભવ્યાથી જ, તેના મહોડામાં આ વાણી રા. મણિલાલે મૂકી છે :
‘આંખ કરી વિકરાળ કરાળ સુરક્ષણ કરતો આ અહીં ઊભો,
ખઙ્ગ રહ્યું ઝળકે કરમાં, મુજને હણવા નયને મનસૂબો;
દૃષ્ટિ કરું જવ હાર ભણી તવ એ ધસતો ઝટ ખઙ્ગ ઉગામી,
ના કરું ના કરું હું કશુંએ મનમાં સહુ તર્ક ગયા મુજ વામી.’
આ સર્વાનુભવ રસિક કવિએ આપેલું ચિત્ર છે એ ધ્યાનમાં રહે ત્યારે જ તેની ખૂબી સમજાય.
‘કાન્તા’ સર્વ રીતે દોષરહિત છે કે તેમાં ઉત્કૃષ્ટતાની પરાકાષ્ઠા છે એમ અમારું કહેવું નથી. કોઈક ઠેકાણે એમાં અલંકાર દોષવાળા છે, કોઈક ઠેકાણે વસ્તુસંકલનમાં કૌશલ નથી અને કોઈક ઠેકાણે પાત્રના ચિત્રમાં એકરૂપતા તૂટે છે. પણ એ દોષો અનુકૂલ માર્ગે જતી વિશેષ બુદ્ધિશક્તિનાં પદસ્ખલન છે, અલ્પબળનો પર્વત ઉલંઘવાનો નિષ્ફળ પ્રયત્ન નથી. છે તેવું પણ એ નાટક ગુજરાતી ભાષામાં અનુપમ છે. વિશિષ્ટ સર્વાનુભવરસિક કવિત્વનાં બીજ એમાં રહેલાં છે. સુંદર કલ્પનાનો વિલાસ, સર્વ ઇંદ્રિયોના સુખનો ઉત્કટ અભિલાષ, સર્વાનુભવનો કૌશલથી સ્વીકાર, સૃષ્ટિલીલાનું અનેક રૂપે દર્શન, રુચિથી વર્ણન તરફ વલણ, (અને અનુપ્રાસ ન રાખવાની વૃત્તિ)ઃ મહાસર્વનુભવરસિક કવિનાં આ સર્વ લક્ષણ ‘કાન્તા’ પ્રથમ પ્રયત્ન છતાં તેમાં જોવામાં આવે છે. પણ, તે સર્વ બીજ રૂપે. પોતાની શક્તિને અનુકૂલ આ માર્ગ મૂકી દઈ રા. મણિલાલે જેટલો પોતાની કીર્તિને તેટલો જ ગુજરાતી ભાષાને અન્યાય કર્યો છે. એ શક્તિ એમણે કેળવી હોત તો ગુજરાતી સાહિત્ય તેમના વિશેષ ઉપકારનું નિત્ય સ્મરણ રાખત.
સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક કવિના ઉદ્દેશમાં શો ફેર છે, અને એ બે સ્વભાવની કવિતા શી રીતે જુદી પડે છે તે વાંચનારને સ્પષ્ટ થયું હશે. હવે, સ્વાનુભવરસિક કવિ અને સર્વાનુભવરસિક કવિ એ બેની પરસ્પર તુલના કરીએ. એ બેમાંથી શ્રેષ્ઠ કોણ? ગુજરાતી ભાષામાં તો બન્ને વર્ગની પ્રશંસાયોગ્ય કવિતા ઘણી થોડી છે. પણ, લોકો રસિક પુસ્તકો વાંચતા હોય તો એક વાર ‘કાન્તા’ વાંચી ફરીથી તે વાંચવાની ઇચ્છા કરનારા વધારે નીકળે; પણ એક વાર ‘કુસુમમાળા’ વાંચી જઈ ફરીથી તે પુસ્તક ઉઘાડવાનું મન કરનારા પ્રમાણમાં થોડા જડે. બધી ભાષામાં સ્વાનુભવરસિક કવિતા કરતાં સર્વાનુભવરસિક કવિતા વધારે લોકપ્રિય હોય છે. ઇંગ્રેજીમાં શેલી કે વડર્ઝવર્થ વાંચનારની સંખ્યા કરતાં શેક્સપિયર વાંચનારની સંખ્યા ઘણી વધારે છે. પણ લોકપ્રિયતાથી કવિત્વનું પરિમાણ નથી કહડાતું. એ લોકપ્રિયતાનું કારણ છે ખરું; પણ તે કવિત્વઅંશની પરીક્ષાથી જુદું છે.
સ્વાનુભવરસિક કે રાગધ્વનિ૧ કવિતા લખનારા કવિઓ, કવિવર્ગ (કે સહૃદય વર્ગ)ને વધારે પસંદ હોય છે. સાધારણ વાંચનારની રુચિ સર્વાનુભવરસિક કવિતા માટે વધારે હોય છે. આનું કારણ એ છે કે સર્વાનુભવરસિક કવિતાનો વ્યવહાર સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ જોડે હોવાથી એ કવિતા સાધારણ લોકને ઉપરથી સમજવી સહેલી પડે છે, તેનાં વર્ણનો તરફ તેમનું મન વળે છે, તેમાં વાર્તા હોય છે તેથી તે તેમને રસિક લાગે છે અને તેમાંના વિચારની પરંપરા ને તેની વસ્તુરચના તેમને સરળ ભાસે છે. સર્વાનુભવરસિક કવિની શક્તિ જુદાં જુદાં રૂપ ધરી વિસ્મય પમાડે છે. સ્વાનુભવરસિક કવિને દૃઢ વિચારો ને અભિપ્રાય હોય છે. મેસન કહે છે તેમ એવા કવિની વૃત્તિ પદાર્થો વાસ્તવિક રીતે જે અનંત સંકુલ સ્વરૂપે ભાસે છે તેને ન છેડતાં, વસ્તુમાત્રમાં તત્ત્વ છે, જ્યાં જ્યાં અસ્તિત્વ ત્યાં ત્યાં ભાવરૂપ કંઈ મૂળ છે એમ માની, તે શોધવા તરફ હોય છે. પ્રકૃતિના સર્વ અવયવોનો આથી નીકળતો પરસ્પર સંબંધ મગજને ઝાઝી મહેનત નહિ આપનારા સાધારણ વાંચનારને સમજાતો નથી. તત્ત્વ શોધવા કવિ સાથે ઊંડા ઊતરવામાં, કવિના પ્રયાસનું ફળ તપાસવામાં, એવા વાંચનારને રસ પડતો નથી. રા. નરસિંહરાવની વિશાળ કલ્પના ગંભીર ભાવ ધરી અજવાળી મધ્યરાત્રિએ નદી કિનારે પસરેલા “કંઈ ગૂઢ અલૌકિક સત્ત્વ જેહ નવ જાય કળ્યું”નું ભાન કરાવે છે અને વિરલ ઉત્તમ કવિત્વવૃત્તિમાં આવી વિનંતી કરે છે કે
‘ઓ સરિતા! ને ઓ ચંદ! રજનિ ઓ દિવ્ય જ જો!
ઓ તરુ રાજતણાં વૃન્દ! -સત્ત્વ એ દાખવજો.’
સહૃદય વાંચનાર આવી અદ્ભુત કવિત્વશક્તિ તરફ સાનંદાશ્ચર્યથી જોઈ રહે છે. કવિના ભાવ અનુભવી વિસ્મય પામે છે અને તેની પ્રશંસા કરવા તેને યોગ્ય શબ્દ જડતા નથી. ત્યારે, સાધારણ વાંચનારને જડ પદાર્થોમાં ગૂઢ સત્ત્વ કેમ હોય તે જ સમજાતું નથી અને ચમત્કાર ઉત્પન્ન કરનારી જે ગંભીરતા તે જ તેના મનથી ગ્રહણ કરાતી નથી. એવા વાંચનારને વાર્તા જ પસંદ પડે છે અને તેથી સર્વાનુભવરસિક કવિતા વાંચવી તેને ગમે છે. એવી કવિતામાં પણ કવિનો મૂળનો અન્તર્ભાવ કે તેની કલ્પનાના પ્રવાહનો નિયમ તેનાથી કળાતો નથી. કવિતામાં જે કવિને લગતું અને જેથી જ કવિતામાં ચૈતન્ય આવે તે તેનાથી ગ્રહણ કરાતું નથી. સ્વાનુભવરસિક કવિતામાં કવિને લગતું ઘણું વધારે અને કવિતામાંના ચિત્રનો ને તેને ઉત્પન્ન કરનારા કવિના હૃદયનો સંબંધ પ્રધાન ને સ્પષ્ટ હોય છે, આ જ કારણથી એ કવિતા સાધારણ વાંચનારને રુચતી નથી અને એ જ કારણથી સ્વાનુભવરસિક કવિ સર્વાનુભવરસિક કવિ કરતાં ઘણે દરજ્જે શ્રેષ્ઠ છે. કંઈક ઊંડા તર્કથી આ વધારે સ્પષ્ટ થશે. મનુષ્યના મનના વ્યાપાર બે પ્રકારના છે : બુદ્ધિવિષયક અને વિકારવિષયક, બુદ્ધિવિષયક અથવા વિચારવિષયક વ્યાપારો મગજને લગતા છે. એ વ્યાપારથી ગણિત ને બીજાં વિજ્ઞાનશાસ્ત્રો થાય છે તે સમજાય છે અને તેમાં વિચારના વિષયી મનની ઇચ્છા ન ગણતાં વિચારના વિષયની ખરેખરી સ્થિતિ કેવી છે તે બુદ્ધિ મનની સમક્ષ આણે છે અથવા આણવા પ્રયત્ન કરે છે. વિકાર વિષયક વ્યાપારો૨ હૃદયને લગતા છે. એ વ્યાપારોથી હૃદયમાં વિકાર કે ફેરફાર થાય છે, એટલે હૃદયમાં જુદી જુદી લાગણી થાય છે, મનની રાગશક્તિ જુદી જુદી સ્થિતિઓ અનુભવે છે. આથી જણાશે કે બુદ્ધિવિષયક વ્યાપાર જોડે કવિત્વશક્તિને (ઉત્પત્તિ વિચારતાં) સંબંધ નથી. કવિતા એ મનુષ્યના હૃદયની, રાગશીલ વ્યાપાર કરનાર શક્તિની ઉત્પત્તિ છે. આ વિકારો-રાગશીલ વ્યાપારો, ભાવ કહેવાય છે. (એક રીતે બુદ્ધિવિષયક વ્યાપારો તે પણ મનના વિકાર જ છે, મનનો ઇંદ્રિયવિષયો સાથે સંબંધ થતાં મનમાં થતા ફેરફાર જ છે. પણ ગમે તે શબ્દ વાપરતાં સ્થાનનો અને ક્રિયાનો ફેર કાયમ જ રહેશે. વળી આ સૂક્ષ્મ વિવાદ આ વિષયની બહાર છે. અને અર્થની સ્પષ્ટતા રાખવા તેમાં ઊતરવાની જરૂર નથી). આ રીતે કવિતા ભાવથી૩ ઉત્પન્ન થાય છે. આ ધ્યાનમાં નહિ રાખવાથી કે નહિ જાણવાથી જ અનેકાર્થી પદ્યોના સંગ્રહને કવિતાનું નામ આપવામાં આવે છે અને શીઘ્રતાથી પદ્ય જોડવાની શક્તિને કવિત્વનું નામ આપી કવિતાને દૂષિત કરવામાં આવે છે. એક શબ્દસમૂહમાં અનેક અર્થ આણવા કે ક્ષણમાં અમુક ક્રમમાં અમુક અર્થવાળા શબ્દો ગોઠવવા એ તો બુદ્ધિનો વ્યાપાર છે; તેને કવિતા જોડે શો સંબંધ? ચિત્તની ગંભીર વૃત્તિમાં લાગણીની પ્રેરણા થયાથી કવિતાનો ઉદ્ભવ થાય છે, અને બે જુદા જુદા અર્થનો શ્લેષ કરવાના મનોવ્યાપારમાં કંઈ ઊંડી લાગણી સમાયેલી હોતી જ નથી. ખરી ગંભીર કવિત્વવૃત્તિને અભાવે જ વાક્યોની આવી રમતો કરવામાં પદ્યકારો ગૂંથાય છે. કવિતા કરતા કવિનું મન ઉન્નત અને ઉદાર ભાવની ઊર્મિથી પ્રેરાયેલું હોય છે. એક શબ્દરચનામાં બે અર્થ પેસાડવાના ક્લેશ તથા શ્રમમાં પડેલું મન એવી ઊર્મિ ધારણ કરી શકતું જ નથી. ગુજરાતી પદ્યસાહિત્યમાં આવી ક્લિષ્ટ રચનાઓ અને ગાંભીર્યહીન રમતો ઘણી છે માટે તે સાહિત્યની ઉન્નતિ ખાતર એવા પદ્યના પ્રયાસ બંધ થવાની અમે આકાંક્ષા રાખીએ છીએ. બુદ્ધિવિષયક વ્યાપાર તરીકે પણ અનેકાર્થી પદો કૃત્રિમ, ગૌરવહીન અને વ્યર્થ છે. ઊંડાં તત્ત્વચિંતન કદી શ્લેષની સહાયતાથી થતાં નથી. સંસ્કૃત કવિઓએ સંપ્રદાયને અનુસરી શ્લેષ, યમક વગેરેની કૃત્રિમ રચનાઓ કરી છે ખરી. પણ, તેમાંના ઉત્તમ વર્ગે એવી રચનાઓનો આશ્રય બહુ જ થોડો કર્યો છે, અને કર્યો છે ત્યાં ભાવક્ષતિ થઈ છે જ. સંસ્કૃત અલંકારવિવેચક પંડિતોએ આવી રચનાઓને હલકી જ ગણી છે અને તે જાતે કવિત્વમય નથી એ સ્પષ્ટ દર્શાવ્યું છે. શ્લેષ, યમક વગેરેમાં રહેલી બુદ્ધિવ્યાપારની ચાલાકીથી જે મનોરંજન થાય છે તે કવિતાના આહ્લાદથી જુદી જ વસ્તુ છે. પદ્યમાં હોવાથી જ તે કવિતા હોવાની ભ્રાન્તિ થાય છે. આ વિષયમાં સામાન્ય લોકોના મત અથવા એવી રચના કરનારાના મત પ્રમાણભૂત થવા ન જોઈએ. જાતે વિચાર કરવાનું નાપસંદ કરી નામમાં જ પ્રમાણ દેખનારાં ટોળાં ભલે કારણ કોરે મૂકી આપ્તવાક્ય સ્વીકારે. એવાંની સભા શીઘ્ર પદ્યનિબંધનની શક્તિથી વિસ્મય પામી જઈએ શક્તિને કવિત્વ કહેવાનું કબૂલ રાખે તેથી કંઈ વસ્તુસ્થિતિ બદલાતી નથી. એ શક્તિને કવિત્વ કહેવા માટે અપાતાં કારણો તપાસતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે નિઃસાર મન્દ વાક્યો (Platitudes) એ સહૃદયતાનું લક્ષણ નથી, તેમ આવાં વાક્યોથી કવિતા બનતી નથી.
‘કવિતા કરે તે કવિ’ આ વાક્યમાં એક પક્ષે જ સત્યતા છે. અલબત્ત, અમુક પુરુષ કવિ છે કે નહિ તે તેણે રચેલાં પદ્યો પરથી જણાય. એ પદ્યોમાં કવિતા હોય તો તે રચનારો કવિ. કવિત્વશક્તિ પારખી કાઢવામાં આ ન્યાય લાગુ પડે છે ખરો. કવિતા એ કવિત્વ શક્તિનો માત્ર જ્ઞાપક હેતુ છે, એટલે અમુક હૃદયમાં કવિત્વ છે કે નહિ તે બીજાને તે જણાવે એટલું જ. પણ, કવિતાની ઉત્પત્તિનો ક્રમ વિચારીએ તો ‘કવિ કરે તે કવિતા’ એ જ ખરી સ્થિતિ છે. સૃષ્ટિમાં પહેલા કવિ થયા છે ને પછી કવિતા થઈ છે. ‘કવિ’ શબ્દ પરથી ‘કવિતા’ શબ્દ થયો છે. ઇંગ્રેજીમાં પણ તેમ જ છે. મનુષ્યના હૃદયમાં કવિત્વશક્તિ ન હોત, રાગશીલ કલ્પના કરનારું કોઈ ન હોત તો કવિતા ક્યાંથી ઉત્પન્ન થાત? કવિ ન હોત તો કવિતા કંઈ પ્રકૃતિનાં તત્ત્વોની પેઠે મનુષ્યના અસ્તિત્વથી સ્વતંત્ર ઉત્પન્ન થઈ ન હોત. ત્યારે, ‘કવિતા કરે તે કવિ’ એ વાક્યમાં ઉત્પત્તિ વિચારતાં કાર્યકારણનો વિપર્યક છે. કવિ એ કવિતાનો જનક હેતુ છે, ઉત્પન્ન કરનાર છે. માટે, ‘કવિ કરે તે કવિતા’ એ જ કવિતાના અન્વેષણમાં ધ્યાનમાં રાખવાનું છે. કવિના હૃદયમાં થતા વ્યાપારની પરીક્ષા એ મહોટું નિર્ણયસાધન છે. ગમે તેવી મનોરંજક રચનાને કવિતા કહી તેના રચનારને કવિ કહી શકાય તેમ નથી.
આ રીતે કવિનો પોતાનો પૃથક્ સ્વભાવ એ જ કવિતા ઉત્પન્ન કરે છે. કવિના સ્વભાવની છાપ સ્વાનુભવરસિક કવિતામાં વધારે ઊંડી અને વધારે સ્પષ્ટ હોય છે એ અગાડી બતાવી ગયા છીએ. તે માટે સ્વાનુભવરસિક કવિ કવિવર્ગમાં શ્રેષ્ઠ છે. તેની રચનામાં કવિતા સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. કદાચ શંકા ઊઠશે કે કવિતા સ્વયંભૂ ને સ્વચ્છંદ છે ત્યારે તેની ઉત્પત્તિનો આધાર કવિના પર કેમ હોય? આનો ખુલાસો એ કે કવિત્વશક્તિ ઈશ્વરદત્ત છે અને તે મનુષ્યપ્રયત્નથી સંપાદન કરાતી નથી. ઉત્પન્ન થતી કવિતા કોના હૃદયમાંથી નીકળે કે કયે વખતે નીકળે એ પણ મનુષ્યની ઇચ્છાનુસાર નથી. પણ, મનુષ્યને હૃદય જ ન હોય, કે કોઈ કવિ જ ન હોય, તો કવિતા ઉત્પન્ન થાય જ નહિ, અને તે માટે કવિના હૃદયની વિશેષતા એ જ તેની કવિતાને વિશિષ્ટ કરે છે. હૃદયના વિકારવિષયક વ્યાપારો બે પ્રકારના છે; વલણ અને રાગયુક્ત કલ્પના. વલણથી કવિને દૃઢ વિચારો ને અભિપ્રાયો થાય છે, અને કલ્પના વડે તે વિચારો ને અભિપ્રાયો કવિના હૃદય પર અસર કરતાં સ્થાનોમાં છપાઈ કવિના ભાવનું ચિત્ર આપે છે. સર્વાનુભવરસિક કવિતા સાથે કવિના હૃદયના વલણને ઘણો ઓછો સંબંધ છે. સ્વાનુભવરસિક કવિનાં બધાં ચિત્રોમાં એ વલણનો રંગ હોય છે. તેથી, સર્વાનુભવરસિક કવિમાં કવિત્વનો એક વ્યાપાર જ(વલણનો) બહુ ઓછો હોય છે. સર્વાનુભવરસિક કવિ બનતી બિનાઓનો હેવાલ આપતો જાય છે તેથી તેની કવિતામાં ભાવનું આવિષ્કરણ ઓછું હોય છે. સ્વાનુભવરસિક કવિતામાં આખા કાવ્યમાં એક જ ભાવ સંપૂર્ણ સ્વરૂપે કવિને આધારે વ્યાપી રહે છે. સર્વાનુભવરસિક કવિતામાં જુદાં જુદાં ચિત્રોમાં જુદા જુદા ભાવ કકડે કકડે જુદા જુદા પ્રસંગ અને પાત્રોનો આશ્રય લઈ દેખા દે છે. એ સર્વેને અંતે એક રૂપમાં એકઠાં કરવાં અને તે બધા એક જ શરીરના અવયવો છે એવું બતાવવું એમાં સર્વાનુભવરસિક કવિનું મહાકૌશલ છે. ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ઇલિયડ’, એ વીરરસ કાવ્યો સર્વાનુભવરસિક કવિતાના વર્ગમાં આવે છે, એમાં સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ એ ત્રણે એકઠાં થાય છે. એ પરથી જણાય છે કે સંસ્કારી સાહિત્યના ઇતિહાસમાં સર્વાનુભવરસિક કવિતા સ્વાનુભવરસિક કવિતાની પહેલાં આવે છે. તોએ, વાલ્મીકિના આદિ (સ્વાનુભવરસિક) શ્લોકના અગાડી આપેલા પૃથક્કરણ પરથી જણાશે કે એવા કવિની વૃત્તિ પણ પ્રથમ સ્વાનુભવ ગાવાની હોય છે. સહુથી જૂની વેદની ઋચાઓ સ્વાનુભવરસિક છે.
આથી સિદ્ધ થાય છે કે સર્વથી ઉત્તમ કવિ તે સ્વાનુભવરસિક. પૂરેપૂરું શુદ્ધ કવિત્વ તે તેનામાં જ. પોતાના વિષયનો તે સંપૂર્ણ અધીશ્વર છે. સર્વાનુભવરસિક કવિ પારકા મુલક પર રાજ્ય ચલાવે છે અને તેથી કોઈ વેળા તેને અકવિતાના પ્રદેશમાં ઘસડાવું પડે છે. પણ તે સાધારણ વાંચનારને વધારે પસંદ પડે છે સ્વાનુભવરસિક તે કવિઓના કવિ, સર્વાનુભવરસિક તે લોકનો કવિ. પણ લોકપ્રિયતાને ઉત્તમતાનું પ્રમાણ ગણ્યાથી ઘણી વાર વિપરીત અનુમાન નીકળે છે. ચિત્રના પ્રદર્શનમાં જ્યાં કોલાહલ કરતું ને મહોટેથી વખાણ કરતું ટોળું મળ્યું હોય તે જગાના કરતાં જ્યાં ગંભીર આકૃતિ અને ઊંડી ભ્રરચનાવાળા ત્રણચાર પુરુષો સ્થિર દૃષ્ટિથી વિચાર કરતા હોય અને અંતે મુખની રેખા પરથી આનંદ ને સંતોષ બતાવતા હોય તે સ્થાનમાં ભાવયુક્ત અને સૌન્દર્યવાળાં ચિત્ર હોવાનો વધારે સંભવ છે. શેક્સપિયર અને કાલિદાસ જેવા મહાકવિઓ જે સ્વાનુભવ અને સર્વાનુભવ બન્નેના રસિક છે અને બન્ને વિષયમાં પરમ સંપત્તિમાન છે તેમની શ્રેષ્ઠતા તો અનુપમ જ છે. તેમની વિધાનકલા અને કવિત્વસામર્થ્ય અપૂર્વ છે, પરંતુ તેમના હૃદયમાં રહેલું સ્વાનુભવરસિકત્વનું આધિક્ય જ તેમના ભાવપ્રવાહની ઉત્કૃષ્ટતાનું અન્ય મૂળ છે.૪
આ કારણો માટે ગુજરાતી કવિતામાં ‘કુસુમવાળા’ને અમે પ્રથમ પદવી આપીએ છીએ. જૂના અને નવા સર્વ ગુજરાતી કવિઓની પરસ્પર તુલના અને તેમના ગુણદોષની પરીક્ષા કરવાનો આ પ્રસંગ નથી. ભક્તિ અને જ્ઞાનની કવિતા મૂકી દેતાં, પ્રધાન વર્ગના મુખ્ય કવિઓનાં વિશેષ લક્ષણનાં નામ સૂચવવાં એ જ અહીં બસ થશે. નરસિંહ મહેતાની કવિતા બાલ્યાવસ્થામાં છે. બાળક માફક તે હસતી હસતી રમે છે. તેની કલ્પના વિશાળ નથી, તેના ભાવ ગંભીર નથી; સુંદરતાના સરોવરમાંથી તે માત્ર આચમન જ કરે છે. પ્રેમાનંદની મનોહર કલ્પના બહુ દૂર ફરી ન વળતાં પોતાના ચક્રમાં જ નિરંતર નૃત્ય કરે છે. પણ, એ કવિ સર્વાનુભવરસિક છે એટલે એના હક માટે વધારે કહેવાની જરૂર નથી. તેનામાં સ્વાનુભવરસિકત્વ નથી, અને તેનું સર્વાનુભવરસિકત્વ વિશાળ કલ્પના કે વિવિધ જનસ્વભાવની પરીક્ષાથી અંકિત નથી. સામળને કહાણીઓ કહેવાનું ને સાધારણ વહેવારના બનાવો એકઠા કરવાનું પસંદ છે એટલે તેને મૂકી દેવામાં અન્યાય નથી. દયારામ બહુ વધારે માનનીય છે. તેની કવિતા લીલાથી વિલાસ કરે છે. એની કલ્પનાને રસની ખોટ પડતી નથી. સ્પષ્ટ રીતે ગંભીરતા ધર્યા વિના ગંભીર ભાવ ગર્ભિત રાખવાનું અનુપમ કૌશલ તેનામાં છે. રાગ અને કલા બન્નેમાં તેની વિશેષતા છે. પણ કવિતાના સર્વ પ્રદેશમાં તે ફરી વળ્યો નથી. પ્રકૃતિ સાથે એકરૂપ થવાનું વલણ કરી સર્વ ઠેકાણે કાવ્યમય દૃષ્ટિથી જોવાનું તે શીખ્યો નહોતો. પ્રેમને ગોપી ને શ્યામના સંબંધનું જ રૂપ આપવાની ચાલતી સાંકેતિક રીતિ સ્વીકારી તેમાં પણ પોતાની ખૂબી તેણે બતાવી છે. પણ, એ રીતિ મૂકી દઈ હૃદયને નિરંકુશ કરવાની તેની ઇચ્છા નહોતી કે તેનામાં શક્તિ નહોતી. રા. દલપતરામની કેટલીક રસમય કવિતા સિવાય તેમનાં બીજાં બધાં ચાતુર્ય કે સભારંજનના ઉદ્દેશવાળાં પદ્યોને કવિત્વથી જુદી જ શક્તિની ઉત્પત્તિ કહીએ તો ચાલે. એમને માર્ગે જનારાઓમાં તો આ પાછલી જ શક્તિ છે. નર્મદાશંકરની કવિતા લાગણીથી પ્રેરાયેલી અને ‘પોતાના જ તાનમાં મસ્ત’ છે, પણ તેની કલ્પના ઘણી વાર શુષ્ક થઈ જાય છે, તેને ઊર્મિની મદદ મળતી બંધ થઈ જાય છે, અને તેના ભાવમાંથી અસાધારણતા જતી રહે છે. ‘બુલબુલ’માં હૃદયનો જ ઊભરો છે અને લાગે તે જ લખવું એ માર્ગ ગ્રહણ કર્યાથી તેમાં ખૂબી આવી છે; પણ કવિને લગતું, કવિના વિશેષ સ્વભાવની છાપનું ચિત્ર આપનારું તેમાં કંઈ નથી. પ્રેમીની એમાં ઊર્મિ છે પણ પ્રેમભક્તિ સાથે કવિની વિશેષતા એમાં નથી. વળી, કલ્પના વિશાળ નથી, અને મનુષ્યત્વના બહુ થોડા અંશ તરફ તેનો ઉદ્દેશ છે. આ માટે, વિસ્તારથી વહેતી ખરેખરાં લક્ષણવાળી કાવ્યસરિતા તો “કુસુમમાળા” જ છે એમ અમારું ધારવું છે. રા. નરસિંહરાવની કલ્પના જેટલી વિશાળ અને દૂર પહોંચનારી છે તેટલી જ તે લલિત અને મનોહર છે. તેનો વાસ જ સુન્દરતાના સરોવરમાં છે. એમની કલ્પનાને હૃદયની ઊર્મિ ઘડી ઘડી આવી મળે છે અને બન્ને મળી રસને સમગ્ર કરે છે. ભાવનું દર્શન આપવાની એમની ઘણુંખરું એક જ રીતિ છે પણ તે કલામાં કદી દોષ આવતો નથી. ચિત્રરચનાની કુશલતા (Artistic Skill) જે બાયરનમાં પણ નહોતી તે રા. નરસિંહરાવમાં સંપૂર્ણ ને ઉત્કૃષ્ટ છે.
નોંધ :
- ૧. અહીં ‘રાગધ્વનિ’ને બદલે ‘રસધ્વનિ’ નહિ વપરાય, કેમ કે રસધ્વનિમાં સર્વાનુભવરસિક કવિતા પણ આવશે. રાગધ્વનિ તો સ્વાનુભવરસિક જ. તે માટે ઉત્પત્તિ વિચારતાં અમે ‘રાગધ્વનિ’ પદ વાપરીએ છીએ.
- ૨. પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયેલી સચેતન શરીર વિદ્યા પ્રમાણે હૃદયનો કંઈ ચેતનાયુક્ત વ્યાપાર જ નથી. બોધની બધી ક્રિયાઓ મગજ જ ચલાવે છે. પ્રત્યક્ષ પ્રમાણની અવગણના કરવાનો મૂર્ખાઈ ભરેલો પ્રયત્ન કરવાનો અમારો ઇરાદો નથી. એ શાસ્ત્ર પ્રમાણે પણ ઉપલા વ્યાપારોનાં મગજમાં જુદાં જુદાં સ્થાન છે. વિકારવિષયક વ્યાપારો–જેના આધિક્યથી હૃદય ધડકે છે, તે લોકરૂઢ ભાષામાં ને કવિતામાં હૃદયને લગતા કહેવાય છે. અશુદ્ધિ શબ્દની જ છે. એટલું નિઃસંદેહ છે કે એ બે વ્યપારો એવા જુદા છે કે તેમની વચ્ચેનો ભેદ સહજ માલૂમ પડી આવે છે.
- ૩. ‘ભારતી ભૂષણ’માં સાહિત્યદર્પણ પર કોઈ ટીકા લખનાર ‘અન્યથા વિકાર તે ભાવ’ – રસતરંગિણીનું એ વાક્ય લઈ કહે છે કે આપણી પાસેના ટેબલ ખુરશી પરથી દૂરના નદી પર્વત પર આપણું મન જાય તે અન્યથા વિકાર કે ભાવ. આ ભૂલ શાનો ‘અન્યથા વિકાર’ તે નહિ સમજવાથી થયેલી છે. હૃદયનો અન્યથા વિકાર તે ભાવ. મગજના વ્યાપારોને વિકાર કહી પછી તેને ભાવ કહેવા એ ભ્રાન્તિ-બુદ્ધિ ને રાગ, મનના એ બે ધર્મમાં ફેર નહિ સમજવાથી થઈ છે. દૂર રહેલા પદાર્થોને કે મનની ગોચરતામાં એક વાર આવી ગયેલી બિનાઓને પ્રત્યક્ષ કરવાં તે બુદ્ધિનું કામ છે. નહિ થયેલો રાગશીલ અનુભવ ઉત્પન્ન કરવો કે થયેલામાં રાગ ઉમેરવો એ હૃદયનું કામ છે. એકમાં તર્કસંયોગ છે, બીજામાં રાગસંયોગ છે. બન્નેમાં એ ક્રિયા ‘કલ્પના’ કહેવાય છે. પણ સૃષ્ટિને બુદ્ધિથી જોનારની તથા કવિત્વની જોનારની કલ્પનામાં ફેર છે. નહિ તો, પાડો જોઈ બીજી ચોપડીમાંનો પાડાનો પાઠ સાંભરે એ અન્યથાવિકાર કે ભાવ કેમ ન કહેવાય? શબ્દના દુરાગ્રહથી એને ભાવ કે વિકાર ભલે કહો, પણ તેને રાગ કે કવિતા જોડે કંઈ સંબંધ જ નથી.
- ૪ ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એ પદો વાપરતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે subjective અને objective એ શબ્દોના અર્થમાં આ શબ્દો રસપ્રમાણ વિષયોમાં જ વપરાય. તત્ત્વશાસ્ત્રમાં ‘સ્વવિષયક’ અને ‘પરવિષયક’ એ એ શબ્દોના ખરા અર્થ છે.