સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એકસવારે
એક સવારે
એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી?
કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી?