સમરાંગણ/૫ બાળક નહનૂ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫ બાળક નહનૂ

“નહનૂ!” “જનાબ!” “આંહીં આવ.” બાર વર્ષનો એક બાળક ધ્રૂજતોધ્રૂજતો ઇતમાદખાનની પાસે આવી, અદબ કરી ઊભો થઈ રહ્યો. “ક્યાં હતો!” “ભાગોળે રમતો હતો." “શું છુપાવ્યું છે એ?” બાર વર્ષના છોકરાએ પોતાની ઇજારમાં કશુંક સંતાડ્યું હતું. એ જવાબ ન આપી શક્યો. “શું છે? બોલ કાઢી નાખ, જે હોય તે.” “કંઈ નથી.” “અચ્છા, કપડાં ઉતાર. આ નવા પોશાક ધારણ કરી લે. દેખ આ ખુશબોભર્યો ઝરિયાની કપડાં : આ ઝરીભરી ટોપી, આ કિનખાબી સુરવાલ, ગમશે ને તને?” બાળ નહનૂને ગમ પડી નહિ. એ તો પોતાની મેલી, ફાટેલી ઇજારને જ સંકોડતો ઊભો રહ્યો. “નિકાલ એ ભિખારીનો વેશ. પહેરી લે આ નવો પોશાક, નહનૂ! હું તને સુલતાન બનાવીશ.” “મારે નથી બનવું, મારે નથી પહેરવો નવો પોશાક.” “ઈધર આ.” ઇતમાદખાને હુક્કો પીતાંપીતાં ત્રાડ પાડી. નહનૂને પોતાની પાસે ખેંચી લઈ એની ઇજાર ત્યાં ને ત્યાં ચીરી નાખી. ટુપ દઈને એના બે પગ વચ્ચે દબાવેલી ચીજ નીચે પડી. પડેલી ચીજ રાતની રોશનીમાં ચમકી ઊઠી. ઈતમાદખાને ઉઠાવીને જોયું. “આ શું? અસ્તરો? બેવકૂફ! કાટી બેસીશ!” “જનાબ,” નહનૂ દયામણે મોંએ બોલ્યો : “મને એ અસ્તરો પાછો આપો. મારું તમામ લઈ લો. મને વીસ ચાબુક ફટકાવો, પણ મને એ અસ્તરો પાછો આપો.” “હ-હ-હ," એ નાચીજ હથિયારને હાથમાં રમાડતો ઉમરાવ ઇતમાદ હસ્યો. “તકદીરમાં જેને સુલતાનિયતની સમશેર લખી છે, તેને ​ આવાં નાપાક ઓજારો ફેરવવાનું દિલ થાય છે. અચ્છા, રાખ, જા ને પહેરી લે આ નવા લેબાસ.” બાળક નહનૂએ આગના ભડકા જેવાં વસ્ત્રાભૂષણો પહેરતે પહેરતે જાણે કે દાહ અનુભવ્યો. પોશાક પૂરો પહેરીને એ ઊભો રહ્યો ત્યારે ઇતમાદે દાઢી પર હાથ દઈને હર્ષનો લલકાર કર્યો : “ઇન્શાલ્લા! દેખો તો ખરા. રંડીનો બચ્ચો, પણ કેવો રૂપાળો! દેખ છોકરા, મિરાત (દર્પણ)માં નજર કર. તું તારા તકદીરને ન ભૂલ, બદબખ્ત! ગામની ભાગોળે તું સરાણિયાની છોકરીઓ સાથે મિટ્ટીમાં રગદોળાવા જન્મ્યો છે શું? ચાલ, તને સુલતાન બનાવું.” એમ કહી, બાળકનો હાથ પકડી, અમદાવાદના માતબર ઉમરાવ ઇતમાદખાને ભદ્રના સુલતાની રાજમહાલની દિશાએ ઘોડવેલને હંકારી. ૨સ્તામાં એણે ડોળા ફાડીને શિખામણ દીધી : “ખબરદાર નહનૂ, કહીશ ના કોઈને કે તું સરાણિયાની છોકરીઓ જોડે ખેલતો હતો.” “નહિ બોલું, જનાબ!” “કાલથી ત્યાં ખેલવા જતો નહિ.” છોકરાની મોટી આંખો એની મૂંગી મુખમુદ્રા પર બે સોપારીઓ ચોડી હોય તેવી, બીડેલ પોપચે જ સ્થિર બની રહી. ઊંચું એણે જોયું નહિ. “જતો ના, બેવકૂફ” ફરી અમીરે દમ ભરાવ્યો. “પણ જનાબ! કલ તો એની શાદી છે. માટલાં ફૂટવાનાં છે. મને જોવા આવવા ઈજન છે.” “ચુપ કર, કંગાલ! તું સુલતાન બનવા જાય છે, સરાણિયો બનવા નહિ.” ત્યાં તો ભદ્રના ઝાકઝમાળ ઝરૂખાને ઉંબરે બગીના બંકા ઘોડા ઊભા રહ્યા. બારણું ખોલી અમીર ઇતમાદખાન નીચે ઊભો રહ્યો. ઊભીને એણે બાળક નહનૂ સામે ઝૂકી ઝૂકીને, કમર કાટખૂણે કરીને “જહાંપના મેરે! ખાવંદ મેરે! ગુજરાત કે માલક! ખમા તુમકો!” એવા શબ્દે કુરનસો ​ કરીને કહ્યું : “આઈયે, ઊતરીયે, આપકે પેરોંકો ચૂમ લેને કે લિયે સુલતાન-મલક કા હરએક પથ્થર ભી તડપ રહા હૈ.” બાળ નહનૂ આ નાટકથી હેબતાયો, યંત્રવત્ બન્યો, હેઠે ઊતર્યો અને ઇતમાદનો દોર્યો એ જે ઘડી ભદ્રના દીવાનમાં દાખલ થયો તે ઘડીએ પચીસેક ઇતમાદો – અર્થાત્ ઇતમાદ સરીખા પચીસ ઉમરાવો – કોઈની રાહ જોતા બેઠા હતા. દીવાનના દ્વાર પર ઊભા રહીને ઇતમાદખાને એ પચીસેકને કહ્યું : “ઉમરાવ દોસ્તો, અદબ કરો આપણા સુલતાનની.” “ઇતમાદખાન,” સૈયદ મુબારકે કહ્યું : “પિછાન આપો.” “સુલતાન મહમૂદશાહના આ શાહજાદા છે.” “થોડી વાર એ જનાબને બાજુના દીવાનમાં બેસાડશો, ખાંસાહેબ? આપણે એમની તખ્તનશીનીની તૈયારી કરી લઈએ.” એ બોલનાર સૈયદ મુબારક હતા. ઇતમાદખાને નહનૂને બીજા ખંડમાં મૂક્યો. પછી એ અમીરો પાસે આવ્યો. અમીરોમાં હસાહસ ઊઠી. “આફરીન. આફરીન, ખાંસાહેબ! આખરે પત્તો લગાવીને લાવ્યા ખરા!” એક અમીરે પેટ પકડ્યું. “તે દિવસ તો, ખાંસાહેબ,” સૈયદ મુબારકે યાદ દીધું : “આપે જ જાહેર કર્યું હતું ને કે સુલતાન મહેમૂદના આપના અંશેઅંશ જાણીતા જનાનખાનામાં કોઈ કરતાં કોઈને ગર્ભ જ નથી.” “તો આ ક્યાંથી ફૂટી નીકળ્યા શાહજાદા!” બીજાએ આંખનો સુરમો લૂછતે લૂછતે હાસ્ય કર્યું. “ખામોશ, ઉમરાવ સાહેબો!” ઇતમાદખાને ખુલાસો આપ્યો. “એની મા સુલતાનની રીતસર શાદી કરેલી બેગમ નહોતી.” “ત્યારે?” “એક છોકરી હતી. એને સુલતાનથી જ ગર્ભ રહ્યો હતો. એનો ગર્ભપાત કરવા માટે મને સોંપવામાં આવી હતી એ છોકરી. એનો ગર્ભ પાડી નાખવા મેં બહુબહુ ઇલાજ કરેલા. ગરમ તેજાબ જેવી દવાઓ મેં ​ એના મોંમાં ડાચું ઝાલીઝાલીને રેડાવી હતી. એને કેટલી તકલીફ પડેલી તે મને યાદ છે. એ અભાગણી છોકરીએ ચીસો પાડી હતી. એનું બદન નિચોવાઈ જતું હતું. એના ડોળા ફાટી રહેતા હતા. પણ પૂરા પાંચ મહિનાનું એ ઓધાન પડ્યું નહિ. હું તોબાહ પુકારી ગયો. એને મેં જીવવા દીધી. પૂરે મહિને જ બેટો જન્મ્યો તેને મેં પાળી ચુપચાપ મોટો કર્યો છે. એ પોતે જ આ નહનૂ. ઉગ્રમાં ઉગ્ર મસાલાઓ સામે પણ જેણે માતાના પેટમાં ટક્કર ઝીલી, એ જ આ જોદ્ધાર આપણા સુલતાન. એની મા તો પોતાનાં પાપની પુકારો પાડવા જહન્નમમાં ગઈ છે.” “ખાસ્સી વાત, ખાંસાહેબ! શપથ કરો છો?” “લાવો કુરાને શરીફ.” કુરાને શરીફ હાજર થયું. ઈતમાદખાને એના પર પંજો મૂકીને સાચી હકીકતના સોગંદ લીધા. “મંજૂર! બસ, મંજૂર!” સર્વ ઉમરાવોએ સુલતાનની ઓલાદનો એકાદ જીવતો માંસ-લોચો મળી જવાના હર્ષમાં મંજૂરી જાહેર કરી. “તેડી લાવો સુલતાનને, તખ્ત તૈયાર છે.” બાળક નહનૂને બાજુના જ ખંડમાં બેસારેલો હતો. બારણું ઉઘાડું હતું. ગાદી પર બેઠેલા બાળકે ઇતમાદખાનની વાત સાંભળી હતી. અરધી સમજ્યો હતો, અરધી નહોતો સમજ્યો. સમજ્યો હતો આટલું જ ફક્ત, કે પોતાને જન્મ આપનારી કોઈ એક છોકરીને ઇતમાદખાને તેજાબ પિવરાવેલા, ને એ માતાએ મૃત્યુ વેદનાની ચીસો પાડેલી, વેદનાના પછાડા મારેલા, આંખોના ડોળા ઊંચા ચડાવેલા. એ બયાન ઇતમાદખાન કરતો હતો અને એ બયાનની વચ્ચેવચ્ચે અન્ય અમીરો મશ્કરીના બોલ બોલતા હતા, હસતા હતા, મુસ્કરાતા હતા. બાર વર્ષનો બાળક પોતાના દિલને પૂછતો હતો કે આ લોકો હસે છે શા માટે? મારી જન્મદાત્રી આટલું દુઃખ પામેલી, તે શું હસવા જેવું દુઃખ હશે? કોઈ માણસ તરફડિયાં મારે તો આપણે હસીએ કે નહિ? હા જ તો. મુરઘીને હલાલ કરે છે તે વેળા એના પછાડા જોઈને હું ​ નહોતો હસતો વળી? ઢેઢગરોળીની પૂંછડી કાપ્યા પછી એને ઊડઊડ થતી જોઈ મને કેવી મજા પડે છે! મારી માએ પણ એવી જ રીતે આ સૌને હસાવ્યા હશે. મા તરફડી હશે, રડી હશે, સૌને મજા પડી હશે. એ વિચારદોર સમેટીને નહનૂ ખડો થયો. પચીસ અમીરોની ઝૂકતી કુરનસોની કેડીએ કેડીએ એ રત્નજડિત તખ્ત પર બેઠો. ને એના મુબારક નામની ઘોષણા થઈ : “નિગાહ રખો... સુલતાન નહનૂ મુઝફ્ફર ત્રીજા.” નગારે દાંડી પડી. છત્ર ને ચંદ્રવા ચડ્યા. પણ શરૂઆતમાં રાત્રિઓમાં કાંકરિયાની પાળે અને નરોડાનાં સરાણિયાના પડાવોમાં ભમતો નાનો નહનૂ મશરૂના પલંગો પર નિદ્રા ન પામી શક્યો. ઝબકીઝબકીને એ જાગી ઊઠતો, કે હાય, કશુંક સુંવાળુંસુંવાળું સાપ જેવું મારી હેઠળ સળવળ સળવળ કરી રહ્યું છે, અથવા સેંકડો ખિસકોલીઓ મારા શરીર હેઠળ ચગદાઈ રહી છે. વળતા દિવસે એણે પોતાના મહેલ ફરતા ચોકીપહેરા નિહાળ્યા. આખો દિવસ લોકોની, અમીરોની, મહાજનોની, શેઠ-સોદાગરોની, તેમ જ લશ્કરોની સલામો ઝીલતાં ઝીલતાં એ થાકી લોથ થઈ ગયો. એવા ત્રણેક દિવસ ગયા. પાણીમાં ડૂબનારો બહાર નીકળવા ટળવળે એમ એ ટળવળ્યો. પણ એ બહાર જવા નીકળે કે તત્કાલ એની સાથે ટોળું ચાલતું થાય. એણે આક્રંદ કરીને કહ્યું : “શા માટે મને સતાવો છો? મને મારી મુનસફી મુજબ કેમ ફરવા દેતા નથી?” ચોથે દિવસે સાંજે એણે પોતાની પાસેના નાના નોકરનાં કપડાં માગી લઈ, પહેરી, ભદ્રની બહાર પલાયન કર્યું. સીધેસીધો નરોડા તરફ નાઠો. એક ખૂણે સરાણ ચાલતી હતી, તણખા ઝરતા હતા, જુવાન સરાણિયો તલવારનાં તેજ તપાસતો તપાસતો ચક્કર ફરતા પથ્થર પર ઘસતો હતો, એના શિર પર મધરાશિયાનો ફેંટો હતો ને ફેંટા સાથે લીલી તૂઈ મૂકેલું છોગું હતું. એના ઝૂલતા કેડિયાની બાંયોના છેડાની ફાડ્યો હાથમાં પોંચા પર ઊંડઊડ થતી હતી. સામે બેસીને ચૌદ વર્ષની એક તાજી પરણેલી લાગતી કન્યા ​ સરાણના પટા ખેંચતી હતી. નહનૂને જોતાંની વાર જ એ પુકારી ઊઠી : “ભાઈ, તું આવ્યો? તું તે કિયાં ખોવાઈ ગયો’તો?” “ભેંણ! તેં પરણી લીધું?” “હા, તું તો ન આવ્યો ને!” “હું તો સુલતાન બન્યો સુલતાન!” “ને અમારાં તો માટલાં બરોબર ફૂટ્યાં.” “કેમ કરીને?” “તું જોવા આવ્યો નૈ ને? ખરું, માલા! કેવાં માટલાં ફૂટ્યાં? ઓણ સરાણિયાની પંદર છોકરિયું પરણી, પણ. આવાં રૂડાં માટલાં કોઈ કરતાં કોઈનાં માવતરનાં ફૂટ્યાં નથી. અમે તો ન્યાલ થઈ ગયાં, ન્યાલ!” સરાણ-પટ્ટો ખેંચતીખુંચતી આખી કાયાનું કલેવર હીંડોળે ડોલાવી રહેલ કન્યાના મોં પર સુખની ને સૌભાગ્યની લહેરો રમવા લાગી. બેઠી હતી તેની આસપાસ ચાલીસેક હાથનો ઘેરાવો રચીને એનો ભાતીગળ ઘાઘરો પથરાયો હતો. એના બાજુબંધોમાંથી પીળાં ફૂમતાં ઝૂલતાં હતાં. માનવ-લોકનું એ જાણે પાંખ-દુપટ્ટા ઝુલાવતું પતંગિયું હતું. “ભેંણ! વાત તો કહે, કેવી રીતે હાંડલાં ફૂટ્યાં?” “જો,” કન્યાએ સમજ પાડી : “આ બેઠો છે ને રઢિયાળો મારી સામે, એની માએ પોતાને પેટે હાંડલું બાંધ્યું, ને મારા બાપે એને પેટે હાંડલું બાંધ્યું. બેય જણાં સામસામાં દોટ દઈને ભટકાણાં. બેય હાંડલાના ભૂકેભૂકા થઈ ગયા. અમારી દેવી પરસન થઈ ગઈ. બેડો પાર થઈ ગયો. હવે અમે સુખી થાશું, કેમ, નૈ માલા?” માલો નામે સરાણિયો જુવાન તો શાંત ઘેઘૂર આંખડીએ બેઠો હતો. હાંડલાં ફૂટ્યાં તેનું શુકન તેને માટે બસ હતું. હાંડલાના ફૂટવામાં જ તેમના સુખસૌભાગ્યની તસલ્લી હતી. પ્રારબ્ધે પોતે જ હાંડલામાં હોંકારો આપ્યો હતો. પરસ્પર ક્લેશ કે દુઃખ પમાડવાનો આ યુગલને હવે હક્ક જ નહોતો રહ્યો. તકદીરને ખોટું પાડવું નથી; હાંડલાંનું ફૂટવું એ તકદીરની વાણી હતી : આપણો વિવાહ આપણે એ વાણીને લાયક ​ બનાવી બતાવવો જ રહ્યો : આ હતી સરાણિયાંની જીવન-ફિલસૂફી. “નહનૂ! વીરા!” છોકરીએ કહ્યું : “હવે અમે કાલ તો હાલી નીકળશું.” “ક્યાં?” “જ્યાં રોટલા રળાય ત્યાં.” “આંહીં કેમ ન રહો?” “એક ને એક ઠેકાણે રોટલા મીઠા લાગે નહિ અમને.” “હું ય સુલતાન થયો છું, એટલે ઠેકાણઠેકાણે આથડીશ.” “હા રે હા, નહનૂ સુલતાન!” છોકરી ખડખડાટ હસીહસી પતિની સામે જોઈ ઇશારા કરે છે, કે નિહાળો આ મુસલમાનના નમાયા-નબાપા છોકરાની ગમ્મત. “હેં ભેંણ! તું ક્યાં જવાની?” “સોરઠ દીમની.” “હું સોરઠનો પણ સુલતાન છું તને ગોતવા ફોજ લઈને આવીશ.” “હા રે હા, સુલતાન!” “ભેંણ, તારું સંભારણું મેં બરાબર સાચવ્યું છે. મારી પાસેથી લઈ લેતા હતા. મેં ન આપ્યું.” નહનૂએ અસ્તરો બતાવ્યો. “આપીશ મા હોં, ભાઈ! તારો છેલ્લી વેળનો ઉગા૨ એ સજાયો જ છે. લાવ તો! એને નવોનકોર કરી દઈએ.” નહનૂએ પોતાની ઇજારમાંથી જ્યારે એ અસ્તરો બહાર કાઢ્યો ત્યારે વરવહુ બેઉએ મોં મલકાવ્યાં. છોકરીએ ધણીની સામે હાથ લંબાવીને કહ્યું : “આ લે તો, સટ કર્ય તો. પાંચ તણખા ખેરી દે. લે હું બેક પટા ખેંચું.” સજાતો અસ્તરો ચીસો પાડતા ભડકા કાઢતો હતો. “જોઈ એને ભડકે ભાત્ય પડે છે?” છોકરીએ ધણીને પૂછ્યું. “તું જાણી શકછ?” “તમેં નૈ? મારો દાદો હતો, ઇણે આ ઓજાર સજર્યું’તું. સજ્યા ​ ભેળું જ ઇણે સંભળાવી દીધું’તું કે આ ઓજારમાં જીવતું મોત છે, પણ ઇજ્જતનો ઉગાર છે. મારી માં મને કહે કે એને નાખી દે, રાંડ, નાખી દે, ઈ કાળકમ્મું ઓજાર છે, ઈ અપશુકનિયાળ હથિયાર કહેવાય. પણ, મેં સંતાડી રાખેલું, તે આ છોકરો રમવા આવતો ઈને આપી દીધું.” “કેમ ઇને આપ્યું?” “ઈ કહે કે મને આમાં માણસોની કાપાકાપી કળાય છે. મારે દાદે કહ્યું’તું કે જેને આમાં ધીંગાણું કળાય તેને આપી દેજો. ઇ જ આનો ધણી. કોઈ બીજું રાખશો નૈ. લે જોઉં, પિયાલા જેવો સજી દે એને. ઇને મેં મારો ભાઈ કર્યો છે.” એમ કહીને કન્યાએ ઝૂલતે હાથ-ફૂમતે સરાણની દોરી ફરીવાર ઘુમાવી. અને જુવાન સરાણિયો એ લોહ-તણખાની ફૂલઝરીમાં નાહતો ભીંજાતો ફરી વાર સજાયાના ચકચકાટ કાઢવા મંડ્યો. ઝાંખા દિવેલ-દીવડે એ ત્રણેય ચહેરા સજાયા પર એકધ્યાન બન્યા. વચ્ચેવચ્ચે કન્યા એના વર સામેથી ભાઈ સામે ને ભાઈ સામેથી વર સામે, જાણે કોઈ શાળવી વેજુ વણતો હોય તેમ પોતાની નજર-કોકડીના વાણાતાણા નાખી રહી. એકાએક તડબડાટી બોલી. ઘોડવેલનાં પૈડાં ધણેણ્યાં. પચીસ સવારોએ પોતાના પહાડી અશ્વોની લગામો કસકસી અને આગલો ઘોડેસવાર હાક પડતો ગયો કે “સુલતાન નહનૂ! સુલતાન નહનૂ! દેખા હૈ કોઈને સુલતાન નહનૂ કો!” બાળ નહનૂને ફાળ પડી. એ હેબતાઈને પોતાની ‘બહેન’ની બાજુએ લપાયો. એની પીઠ બજાર તરફ હતી. સજાતા અસ્તરાનાં ફૂલઝરોએ ત્રણેયને ઢાંકી દીધાં હતાં. ઘોડવેલ પસાર થઈ ગઈ. ઘોડાની પડઘી શમી ગઈ. “લે, આ તો મારો ભાઈ સાચો પડ્યો. આ તો તારા જ નામના સાદ પડતા’તા એલા. તેં હોંકારો ય ન આપ્યો! ગાડીમાં ચડી બેસવું’તું ને!" સરાણિયણ કન્યાને મનથી હજુ આ બધી હાંસી જ હતી. પણ ​ નહનૂ હાંફળોફાંફળો બની ગયો. “ભેંણ, મને જલદી અસ્તરો આપી દે. મને ચાબુકો ફટકાવશે. મને રજા દે, ભેંણ!” “કોણ ચાબુકો ફટકાવશે?” “અમીર ઇતમાદખાં.” “છોકરો ગાંડો થઈ ગયો છે. કોક પોતાનો નામેરી રાજા બન્યો એટલે આ ભરાંત ઊપડી લાગે છે.” “બસ, ભેંણ. જલદી આપ.” અસ્તરો લઈને ઇજારમાં છુપાવી એણે ઓટલેથી ઊતરીને દોડતી પકડી. ને પાછળથી એ સરાણિયણના છેલ્લા બોલ સાંભળ્યા : “સજાયો જીવની ઘોડે જાળવી રાખજે. ને હવે તો સોરઠમાં મળશું.” દૂર થંભી જઈ બહેનને બેઉ હાથે સલામો કરી, બાળક નહનૂ અમદાવાદ શહેરની આડી-અવળી ગલીકૂંચીઓ ચીરતો દોટમદોટ ભદ્રના રાજ્યાલયમાં પેસી ગયો. ભાગોળો ને તળાવ-પાળો ખૂંદતી ઘોડવેલ પણ સાથોસાથ આવી પહોંચી. અંદરથી ઇતમાદમાં ઊતર્યા. એના હાથમાં ચાબુક હતો. ચાબુકની લાંબી દોરીની શેડ્ય સાપની પૂંછડી પેઠે એની પાછળ ઘસડાતી આવી ને પછી બહાર ઊભેલા પહેરગીરોએ, મહેલના ખોજાઓએ, દાસદાસીઓએ, ચાબુકના ફટકારા અને બાળકની રૂંધાઈરૂંધાઈ નીગળતી ચીસો સાંભળી. “અદલ આવી જ પુકારો,” ઇતમાદખાન સુલતાનને મારતોમારતો હસતો હતો : “બરાબર આ જ ચીસો તારી અમ્માએ પાડી હતી, બદબખ્ત! અદલ એ જ સૂર, એ જ અવાજ તારી માનો હતો, કમનસીબ! હા-હા-હા-હાં–” ઇતમાદમાં દાંત કાઢતો હતો. એનું હસવું ને બાળકનું રુદન, બેઉની ત્યાં મહેલના ઘુમ્મટમાં સ્વર-ગૂંથણી થઈ રહી.