સમરાંગણ/૬ ‘કહોને મા!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬ ‘કહોને મા!’

સુલતાન નહનૂ મુઝફ્ફરશાહની આવી સુરક્ષા કરી રહેલો અમાત્ય ઇતમાદખાન જ્યારે બીજા વજીરોને આરામ આપતો હતો ત્યારે નવાનગર, જામનગર, ઉર્ફે નાગની બંદરમાં વજીર-બેટો નાગડો સમજણી ઉમ્મરમાં પ્રવેશતો હતો. જીવનમાં સૌ પહેલી સમજણ એના અંતર પર એ પડી હતી કે બાપુ નામનું ઘરનું માનવી પોતાને ચાહતું, બોલાવતું કે તેડતું નથી. બીજી સમજણ એ પડી હતી કે મા નામનું ઘરનું માણસ ઓછાબોલું ને એકાંતપ્રેમી બન્યું છે. ને ત્રીજી સમજણ એને માનવીની ભાષા માંહેલા એક વિચિત્ર શબ્દની પડી. ‘મા’ અને ‘બાપુ’ એ બે શબ્દો ભણેલો બાળક પાદરે રમતા છોકરાઓની ગુસપુસ વાતમાંથી ત્રીજો બોલ પકડતો : ‘જોરારનો’. આ શબ્દ છૂટથી બોલાતો નહોતો. ચોરીછૂપીથી બોલાતો હતો. મને દેખીને જ કેમ આ ઉચ્ચાર નીકળી રહેલ છે? મારે ને આ શબ્દને શો સંબંધ છે? આશાપુરા માતાના મંદિર-ઓટે નવકૂંકરી ૨મતા બુઢ્‌ઢા જાડેજાઓ પણ મને જોયા પછી પોતાની કૂંકરીઓની ચાલ ચલાવતા ચલાવતા કાં કહે છે કે ‘હત જોરારના’, ‘માર એ જોરારની કાંકરીને’, ‘મેલું નહિ જોરારનાને’, ‘કોણ બોલાવે ઇ જોરારનાને’. બાળ નાગડાને ધીરે ધીરે એમ લાગવા માંડ્યું કે ‘જોરારનો’ શબ્દને ને પોતાને કશોક ગુપ્ત રહસ્યમય સંબંધ છે. પણ ખુલાસો પૂછવાની હિંમત એને હૈયે હાલતી નહોતી. કોને પૂછે? બાપુ તો પાસે ય આવવા દેતા નથી. પૂછું છું તેના પૂરા ધીરા પ્રત્યુત્તરો તો એક મા જ આપે છે. માને પૂછું? પૂછવા જેવી વાત હશે? “મા” એક દિવસ પંડ્યાની ધૂડી નિશાળેથી પાછો આવીને એ માના ખોળામાં ધીરે રહી બેઠો ને પૂછવા લાગ્યો : “હેં મા! જોરારનો એટલે શું?” ચાર વર્ષો એ શબ્દ બોલાયાને વીતી ગયાં હતાં, પણ માના કલેજામાં એનું ઝાડવું ઊગ્યું હતું. મા જાણતી હતી કે ‘જોરારનો’ શબ્દ ​ નાગનીમાં પ્રચલિત પણ થઈ ચૂક્યો છે. રાજા જેવા રાજાના મોંમાંથી પડેલો એ બોલ, તે દિવસની સંધ્યા-સવારીના અસવારોએ ચલણી કર્યો હતો, ગોલાંગોલીઓએ પરસ્પર વિનોદમાં વાપર્યો હતો, ફૂલ વેચતી માલણને હાટડે લટકતા પીંજરામાંથી પોપટ પણ ટૌકો કરતા હતા. એ જ શબ્દનો : ‘જોરારનો’. “તારે રોટલો ખાવો છે, નાગડા?” માએ વાતને રોળીટોળી નાખવા ખાવાનો વિષય કાઢ્યો. “મા, રોટલો નથી ભાવતો.” “જે ભાવે તે મગાવી આપું.” “કાંઈ ભાવતું નથી.” “કેમ?” “મને કહોને, માડી, જોરારનો કોને કહેતાં હશે?“ “તને કેટલા કક્કા આવડ્યા?” માએ આડી વાત નાખી. “મને કાંઈ આવડતું નથી. હું ધૂળમાં અક્ષરો ઘૂંટવા બેસું છું કે તરત ‘જોરારનો’ સાંભરે છે, મા! મને સમજાવો તો ખરાં.” આડીઅવળી વાતો નાખીને, અથવા કામનું કાંઈક બહાનું કાઢીને મા નાગડા પાસેથી સરી ગઈ. પોતાને મુખેથી ખુલાસો કરતાં પહેલાં એની જીભનાં રુધિરમાંસ ચૂંથાઉં ચૂંથાઉં થવા લાગ્યાં. વાત શું આટલી હદે પહોંચી ગઈ હતી? છોકરાને મોઢામોઢ મા સામી ગાળ દેવાનું શહેરમાં શરૂ થઈ ચૂક્યું હતું? એનું રોમરોમ ખદબદી ઊઠ્યું. “માડી, કહોને મને!” “આજ નહિ, ભાઈ.” “ત્યારે કે દિ’?” “મૂછડીએ વળ ઘાલશો તે દિ!” શૂરવીરતાનો કોઈ મંત્ર હશે શું આ એક જ શબ્દમાં? મૂછે પોતે વળ ઘાલશે છેક તે દિવસે જે વાત જનની સમજાવવાની છે, તે વાતનું જાદુ નાગડાના બાળ-હૈયામાં ટપકતું થયું. ને તે દિવસથી એણે પ્રભાતે ​ માતાની આરસીમાં, પિતાની તલવારના ચકચકિત પાનામાં અને માની કીકીઓમાં પોતાના મુખનું પ્રતિબિમ્બ નીરખ્યા કર્યું : મૂછડીએ વળ ક્યારે નીકળશે? તે પછી નાગડો પોતાનું કુરૂપ છુપાવીને લગભગ બિનસોબતી જ જીવન જીવતો. મા ને દીકરો બે જ મિત્રો હતાં. મિત્રો વચ્ચે મૌનનો સેતુ હતો. પહોરના બપોર સુધી ભેગાં બેઠાં રહે તો ય એકેય બોલ ન બોલે. શબ્દની વાણી સમાતી ગઈ. શબ્દોનું સ્થાન સાનોએ, ઇશારતોએ લીધું. ઈશારતોની ભાષા ગેબમાં રમનારી. અજાણ્યાંઓને એ ડરકામણી છે. પરિચિતોને એ તોછડી છે. વાપરનારને પોતાને ય એ એકલતાના ઊંડા અતલ તળમાં લઈ જનારી છે. જગત એનાથી વેગળું બને છે. ગગન એનો શ્રોતા બને છે. ધરતીનો એ હદપારી છે. નાગડો વાચાહીન બન્યો, તેની સીધી અસર તેના પોતાના જ કાન પર પડી. સાંભળવાની ક્ષુધા મરી ગઈ. સાધારણ શબ્દો સ્વરોથી વંચિત બનેલા કાન ફાગણ-ચૈત્રના પવન-ફણીધરોના સુસવાટાની, આષાઢ-શ્રાવણના ગગન-કડાકાઓની, ને નાગમતી નદીમાં ઘૂઘવતાં ઘોડાપૂરની રાહ જોતા. પણ રોજિંદો નાદ તો એને સાયંકાળના સો સો ઠાકરદુવારોની ઝાલરોના ઝંકારનો જ ખેંચી રહ્યો. ફાળ ખાતી માતાની ચોકીમાંથી સરી જઈને નાગડો નદીતીરના આઘેરા શિવાલયમાં નાસી જતો અને એક ખૂણે ઊભો રહીને ઝાલર બજાવતો. એક દિવસ એની નાસભાગનો ગાળો લંબાયો. માએ ફાળ ખાધી. પણ પાછો જડતાં ફિકર ટળી. બીજે દિવસ નાગડો વધુ ગેરહાજર રહ્યો. પણ પાછો મળતાં માને ટેવ પડી ગઈ. પછી એક દિવસ એનું પલાયન કાયમી બન્યું. વજીર પિતાને હૈયે છુટકારો વસ્યો, ને માએ પણ રોજની મેંણીઆત હાલતને હળવી થયેલી નિહાળી એકાદ વર્ષે આંખોમાં આંસુ સમાવ્યાં.