સમૂળી ક્રાન્તિ/4. અર્થવૃદ્ધિનાં સાધનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
4. અર્થવૃદ્ધિનાં સાધનો

દેશની આર્થિક સમૃદ્ધિ વધારવી જોઈએ એ વિશે આજના જુદા જુદા મતો ધરાવનાર વચ્ચે મતભેદ નથી. ગાંધીવાદી બીજા ઉદ્યોગોની બાબતમાં ગમે તેટલી ઉદાસીનતા રાખતો હોય, પણ અનાજ અને બીજાં ખાદ્યો, દૂધ–ઘી, કાપડ, સુઘડ ગામો અને મકાનો, સારા રસ્તા વગેરેની આજને મુકાબલે બહુગણી વૃદ્ધિ થવી જોઈએ એ વિશે ઉદાસીન નથી.

મતભેદ થાય છે તે અર્થવૃદ્ધિની મર્યાદાની અને રીતની બાબતમાં. જીવનની કેટલીક બાબતોમાં માણસે સ્વાવલંબી જ રહેવું જોઈએ, કઈ બાબતોમાં પરસ્પરાશ્રય જ કેળવવો જોઈએ, કેટલી હદ સુધી ‘જરૂરિયાતો‘ ઘટાડવી કે વધારવી જોઈએ, ઉત્પાદન વગેરેની રીતો કેટલી સાદી અને સસ્તી હોવી જોઈએ, અથવા કેટલી હદ સુધી યાંત્રિક અટપટાપણું સ્વીકારવું જોઈએ, જીવન કેટલું અગવડ–વેઠિયું અને તિતિક્ષાવાન હોવું જોઈએ અને કેટલું સગવડશોધું અને આરામપ્રિય હોવું જોઈએ – આ બાબતોમાં મતભેદ ઉત્પન્ન થાય છે.

વિચાર કરતાં જણાશે કે આ વિશેના મતેભેદોના મૂળમાં માનવચારિત્રની જુદી જુદી બાજુઓને કેટલું મહત્ત્વ આપવું તે વિશે જ દૃષ્ટિભેદ છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કરતાં નીતિના અને ભાવનાના ઉત્કર્ષના સિદ્ધાંતો વિશે વિચારોની અસ્પષ્ટતા છે.

એક વાર મેં એક દુકાનમાં પિપરમીટનાં ફૂલની બાટલીઓ જોઈ હતી. પા ઔંસથી માંડી બે ઔંસ સુધીની બાટલીઓ હતી. પણ મેં જોયું કે બહારથી એ બધી બાટલીઓ એકસરખા કદની અને છલોછલ ભરેલી દેખાતી હતી. આમ શી રીતે થઈ શકે એ કુતૂહલથી મેં બાટલીઓ હાથમાં લીધી, તોમારા જોવામાં આવ્યું કે બાટલીઓ કંઈક નીચેના જેવી હતીઃ

આમ બાટલીઓની દીવાલોની જાડાઈના ભેદથી બહારથી સરખી અને છલોછલ દેખાતાં છતાં તેમાંનાં ફૂલનું પ્રમાણ ઓછુંવત્તું હતું. આમાંની પહેલી શીશીની દીવાલ અંદરથી ઘસવામાં આવે તો તે બીજી કે ત્રીજીના જેટલી મોટી થાય, છતાં બહારથી એના કદમાં કશો ફરક કરવો ન પડે.

મનુષ્યો કંઈક અંશે આ બાટલીઓના જેવા છે. બધા માનવ જીવો સરખી બાટલીઓમાં ભરેલા છે. જેમ ઉપલી બાટલીઓ સફેદ, લાલ, પીળી વગેરે રંગોની હોય તે અંદરના પદાર્થને સમાવવા માટે મહત્ત્વનું નથી પણ એની દીવાલોની જાડાઈ જ મહત્ત્વની બાબત છે, તેમ માનવદેહની ચામડીના અથવા એનો ઉછેર પૂર્વમાં થયો છે કે પશ્ચિમમાં વગેરે બાહ્ય ભેદો તેમાં સમાયેલા ગુણોની બાબતમાં મહત્ત્વના નથી. જે મહત્ત્વનું છે તે એની ભાવનાઓરૂપી દીવાલો સ્થૂળ છે કે સૂક્ષ્મ, સંસ્કૃત છે કે અસંસ્કૃત એ છે, જેમ બહારથી સરખી દેખાતી બાટલીઓને તેમાં વધારેમાં વધારે માલ માઈ શકે એવી કરવા માટે અંદરની દીવાલોને – બાટલી ભાંગી ન પડે અને બહુ નબળી ન બની જાય એટલું સાચવીને – ઘસવી જોઈએ, તેમ બહારથી સરખા જણાતા મનુષ્યોને વધારેમાં વધારે મૂલ્યવાન બનાવવા માટે એનું શરીર ભાંગી ન પડે અને બહુ નબળું ન પડી જાય એટલું સાચવીને તેની નૈતિક ભાવનાઓને સૂક્ષ્મ બનાવવી એ માનવની ધર્મ પ્રવૃત્તિઓનું ધ્યેય હોવું જોઈએ. જેમ બાટલીને ઘસવા માટે લેથ, જુદી જુદી જાતનાં અને માપનાં ઘર્ષકો (abrasives) વગેરે સાધનો જોઈએ, અને દરેક બાટલીને ચકાસીને તેને માટેની યોગ્ય રીતો અને સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, તેમ ભાવનાઓને સંસ્કારી બનાવવા માટે જુદા જુદા માનવો માટે જ નહીં, પણ દરેક માનવ માટેયે જુદી જુદી વખતે જુદી જુદી રીતો અજમાવવી પડે. સમગ્ર માનવજાતિને સદાને માટે એક જ લાકડીએ હાંકવાની રીત ચાલી શકે નહીં.

અને આ જ બાબતમાં આપણે ભુલાવામાં અને વિચારભેદોમાં પડીએ છીએ. કાં તો બધાં સાધનોના રાજારૂપ કોઈ એક જ સાધન શોધવાનો અને તેને બધાયને લાગુ કરવાનો આપણો પ્રયત્ન હોય છે. આ પ્રયત્ન બે સ્થાન વચ્ચેના અંતરને શેર અને તોલાથી બતાવવાની અથવા તાવને ફૂટપટ્ટીથી માપવાની પ્રવૃત્તિ જેવો છે.

અથવા, અનેક સાધનોની જરૂર પડે છે, માટે એમાં વ્યવસ્થા લાવવાનો પ્રયત્ન જ નકામો છે અને દરેક વ્યક્તિને માટે સ્વતંત્ર જ માર્ગ હોય એમ સમજવાની ભૂલ થાય છે. તોલના, વજનના, ગરમી, વાયુ, વીજળી વગેરેનાં માપનાં સાધનો અને પરિભાષા જુદાં હોય છે, માટે માપની વ્યવસ્થા કરી જ ન શકાય એમ કહેવા જેવું આ છે.

આ જ રીતે બધા જ માણસો સાત્ત્વિક વૃત્તિના અથવા બધા જ રાજસ વૃત્તિના અથવા બધા જ તામસ વૃત્તિના છે એમ સમજી કેવળ ઉપદેશ, કેવળ લોભ, કેવળ દંડનાં સાધનો પર જોર દેવું, અથવા બધાને માટે તદ્દન સાદાં સાધનો અથવા બધાને માટે અટપટાં સાધનો યોજવાં, અથવા બધા જ મજબૂત નીરોગી માણસો હોય છે એમ સમજીને સાધનો યોજવાં, કે બધા જ રોગી અને નબળા હોય છે એમ સમજીને યોજવાં, અથવા કેવળ સ્નાયુઓના વિકાસને કે કેવળ કર્મેદ્રિયો કે જ્ઞાનેદ્રિયોની ઝડપને કે ઝીણી કુશળતાને, કે કેવળ તાર્કિક કે શોધકશક્તિને, કે કેવળ શ્રદ્ધાની જ ભાવનાને મહત્ત્વ આપવું, અથવા કોઈ એક જ એવું સાધન શોધવું કે જે બધાં ઇષ્ટ પરિણામો લાવી શકે અને અનિષ્ટ પરિણામો ટાળી શકે – એ પ્રયત્નો ભુલાવામાં નાખનારા થાય છે.

વાદ એટલે એકાદ–બે સ્લોગન – અતિવ્યાપક સૂત્રો – બનાવવાં અને તેમાં પોતે જ ગૂંચવાઈ જવું. રેંટિયો સૂતર કાઢવાનું સાધન છે, અને તેને આપણા દેશની આજની પરિસ્થિતિમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે. એ એક આર્થિક વિધાન છે; અને તેથી તેના પ્રચાર પાછળ યોજાતી શક્તિની ઉપયોગિતા સહુ કોઈ સમજી શકે. પણ તે સત્ય અહિંસાનું પ્રતીક છે, તેને ચલાવનાર સ્ત્રી–ધન વિષયમાં ચારિત્રવાન જ હોય, તે કોઈ દિવસ જૂઠું નહીં બોલે, અસ્પૃશ્યતા નહીં માને, કોઈનું ખૂન નહીં કરે, ચોરી નહીં કરે, છેતરશે – રંજાડશે નહીં – વગેરે ચારિત્રવૃદ્ધિનુંયે પોતાના ‘સ્વરૂપથી જ‘ સાધન છે, એમ સમજવા માંડીએ એટલે આપણે પોતે જ તેની જાળમાં ગૂંચવાઈ જઈએ છીએ. પછી આપણે એમ કહેવા માંડીએ છીએ કે જે અહિંસામાં ન માનતો હોય, હિંદુમુસલમાન ઐક્યમાં ન માનતો હોય, સત્ય, બ્રહ્મચર્ય વગેરેમાં ન માનતો હોય, જે ચારિત્રમાં શુદ્ધ ન હોય તે રેંટિયો છોડી દે. આમ વસ્ત્રનિર્માણના સાધનને ચારિત્રનિર્માણનુંયે સહેલું સાધન કરી લેવા જતાં, જ્યારે આપણને તેમાં યશ નથી મળતો, ત્યારે જે માટે તેનો ઉપયોગ કરી શકાય એમ છે તે પણ ન કરવો – એવી ભાષા આપણા જ મોંમાંથી નીકળે છે.

જપ સર્વે સાધનોનો રાજા છે, એમ ભક્તિમાર્ગી ગુરુએ કહી દીધું. પણ રાતદિવસ ‘રામ‘ ‘રામ‘ કરતા રહેતા છતાં અનેક માણસો ખોટાં કામોમાં રચેલાપચેલાયે જોવામાં આવે છે. એ જોઈને પછી એ જપની વ્યાખ્યા કરવી પડે છે. કયો જપ સાચો, કયો ખોટો, કઈ રીતે કરાય, કેવો ભાવ રાખવો જોઈએ, કેવું અનુસંધાન રાખવું જોઈએ વગેરે સૌ કોઈ સમજી શકે અને આચરી શકે એ દૃષ્ટિએ પ્રથમ ‘જપ‘ યોજાયો, અને તેનો પ્રચાર થયો. પણ એટલો બિનશરતી જપ નકામો જ નીવડયો. તેથી, તેના પર એવી શરતો આવી કે એકાદ તીવ્ર સાધક જ જપનો અધિકારી થઈ શકે, બીજાઓ માટે એ લવારા જેવો જ ગણાય. હકીકતમાં જપ અનેક સાધનો – ચારિત્રની લાયકાતો – સિદ્ધ કરીને અને કરતાં કરતાં મદદરૂપ થનારું એક યૌગિક સાધન છે. ઈંટોને જોડનાર ચૂનો છે; પણ ઈંટો વિના કેવળ ચૂનો શું કરે? સુકાઈને ચાકનો પથ્થર બને એટલું જ. તેમ જપનું.

એ જ રીતે રેંટિયો વસ્ત્રનિર્માણ તથા વસ્ત્રસ્વાવલંબનનું અને તેટલે અંશે આર્થિક સમૃદ્ધિનું ઉપયોગી સાધન છે. અને તેટલા પ્રમાણમાં એમાં જપ કરતાં વિશેષતા એ છે કે જપ બીજી શરતો વિના લવારો થઈ શકે છે, તેમ રેંટિયાનું નથી. એ એટલું કામ તો કરી જ આપે. એ ઉપરાંત પ્રજામાં નિર્માણ કરવાના બીજા ગુણો માટે બીજી પ્રવૃત્તિઓ અને સાધનો જોઈએ જ. રેંટિયો હોય તો અહિંસા જ સિદ્ધ થાય, વગેરે માની લેવું ન જોઈએ. રેંટિયા વિના અહિંસક સમાજરચના થવી અશક્ય નહીં તોયે મુશ્કેલ છે, એમ કહેવું શક્ય છે ખરું.

‘અહિંસા‘ શબ્દને પણ એ રીતે આપણે જ આપણે હાથે ગૂંચવણમાં નાખનારો શબ્દ કરી મૂક્યો છે. તેમાંથી ‘સિદ્ધાંત‘ અને ‘નીતિ‘, ‘શૂરવીરની અહિંસા‘ અને ‘કાયરની અહિંસા‘, ‘અહિંસક પ્રાણહરણ‘ અને ‘હિંસક પ્રાણહરણ‘, ‘અહિંસક પ્રાણરક્ષા‘ અને ‘હિંસક પ્રાણરક્ષા‘, ‘સત્ય વિનાની અહિંસા‘ અને ‘સત્ય સહિત અહિંસા‘, ‘અહિંસા અને દેશરક્ષા અથવા આત્મરક્ષા‘, ‘અહિંસા અને યુદ્ધ‘ – ઇત્યાદિ ચર્ચાઓ ઊભી થઈ છે. એક જ શબ્દમાં બધાયે ગુણઓ, વૃત્તિઓ અને કૃતિઓનો સમાવેશ કરવાનો આપણે આગ્રહ ન રાખીએ અને અમુક એકને સિદ્ધ કરવાથી બીજું બધું આપોઆપ સિદ્ધ થઈ જાય છે એમ માની લેવાની ભૂલ ન કરીએ, પણ દરેક શબ્દ તથા ભાવને એની વિશિષ્ટ મર્યાદામાં જ લઈએ તો આમાંની ઘણી ચર્ચાઓ અને મતભેદો ટળી જાય.

અર્થના ઉત્પાદન અને વૃદ્ધિ માટે માણસમાં અમુક પ્રકારનું ચારિત્ર – ગુણો અને ટેવો – જોઈએ; તેના સુખ–સંયમ અને ન્યાયપૂર્વક ઉપયોગ અને ઉપભોગ માટે અમુક અમુક પ્રકારનું; અને માનવની સર્વ પ્રવૃત્તિઓનું ધ્યેય પણ એનામાં સન્માનવના ગુણો અને ટેવોની સિદ્ધિ હોવું જોઈએ. પણ કોઈ એક શબ્દ કે કોઈ એક સાધન સર્વે આવશ્યક ગુણો અને ટેવોને દર્શાવી સિદ્ધ કરી દઈ શકતાં નથી. એકાંગી દૃષ્ટિએ જોઈએ તો પરસ્પર વિરોધી દેખાનારાં સાધનો અને ગુણો તથા ટેવો પણ જરૂરી હોઈ શકે છે, અને અત્યંત ઉત્કૃષ્ટ જણાતો ગુણ પણ વિવેકને અને બીજા ગુણોને અભાવે મનુષ્યના શુભ વિકાસને બાધક થઈ શકે છે. એક સમયે અમુક ગુણ પર ભાર મૂકવાની જરૂર પડે અને બીજી વખતે બીજા પર એમ પણ બને. માટે સર્વે કાળને માટે એક માર્ગ બનાવી શકાય નહીં. દરેક જમાનામાં અને દરેક સમાજમાં આગેવાનોએ દક્ષતા અને વિવેકથી પોતાના સમય પૂરતી જ મર્યાદાઓ શોધવી જોઈએ, અને ભવિષ્યની પ્રજાઓ તેને મુશ્કેલીથી બદલી શકે એમ જકડી ન દેવી જોઈએ.

ચારિત્ર સમૃદ્ધિનું સાધન છે, અને સમૃદ્ધિનું સાધ્ય પાછું ઉન્નત ચારિત્ર છે, એ બરાબર સ્વીકારાયેલું ન હોવાથી, આજે વિજ્ઞાનસંપન્ન માનવસમાજ હાથમાં આગ લગાડવાનાં સાધનો ધરાવનારો અને તેની કળા શીખેલો વાનરસમાજ છૂટો મૂક્યો હોય તેવી સ્થિતિમાં દુનિયામાં વિચરે છે. માટે અર્થવૃદ્ધિનાં સાધનોનો વિચાર કરતી વખતે આદિ, મધ્ય અને અંત ત્રણેમાં ચારિત્રનાં અંગોનો વિચાર કરીને જ પગલાં ભરવાં જોઈએ.

17-10-’47