સમૂળી ક્રાન્તિ/5. ચારિત્રનાં સ્થિર અને અસ્થિર અંગો

5. ચારિત્રનાં સ્થિર અને અસ્થિર અંગો

મનુષ્યે પોતા પ્રત્યે જોવાની દૃષ્ટિમાં સાફ થવાની જરૂર છે. એ બીજાં પ્રાણીઓની જેમ એકાદ નિશ્ચિત અને પ્રમાણમાં સરળ દિશામાં જ ખીલેલી પ્રજ્ઞાવાળું પ્રાણી નથી, તેમ એ અનંદ છતાં પૂર્ણપ્રજ્ઞ પ્રાણી પણ નથી. એને બીજાં પ્રાણીઓની જેમ એકપ્રજ્ઞ પ્રાણી બનાવી શકાય તેમ નથી. એ અનંતપ્રજ્ઞ થવા પ્રયત્ન કર્યા જ કરશે. એટલે કે બધા જ માણસોની એક જ પ્રજ્ઞા નહીં થઈ શકે. વિવિધ પ્રજ્ઞાવાળા જ રહેશે. એટલું જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ પણ સાવ એકપ્રજ્ઞ થાય એવો સંભવ નથી. એકાદ દિશામાં કોઈ વ્યક્તિ પ્રજ્ઞાની પરાકાષ્ઠા કરે, પણ બીજી દિશાઓમાં સાવ જ અણખીલ્યો રહે એમ સંભવ નથી. અને એક દિશામાં ખીલવેલી પ્રજ્ઞાથી ઇચ્છેલી પૂર્ણતા નહીં પામે, કે કૃતાર્થતા પણ નહીં અનુભવે. સાથે જ કોઈ પણ વ્યક્તિ પૂર્ણ અને અનંતપ્રજ્ઞ થવાનો સંભવ નથી. એમ થવાની કોઈક વ્યક્તિઓ કદી ન સિદ્ધ થનારી મહત્ત્વાકાંક્ષા રાખે એમ બને. પણ સમગ્ર માનવજાતિ પૂર્ણ તથા અનંતપ્રજ્ઞ થાય એ સંભવનીય નથી. એટલે કે પ્રજ્ઞાને જો મનુષ્યની છઠ્ઠી ઈદ્રિય ગણીએ તો તે ઈદ્રિય એક એવી જાતના અનંત સૂક્ષ્મ સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓરૂપી પાંખડીઓની બનેલી છે. કે જેની જુદી જુદી પાંખડીઓ ઓછીવત્તી ખીલેલી છે, ઓછીવત્તી કરમાયેલી છે, અને સર્વે હજી ખીલી જ નથી, અને બધી જ કોઈ એકી વખતે ખીલેલી સ્થિતિ દેખાડે એવો સંભવ નથી.

એક બીજા દૃષ્ટાંતથી વિચારીએ તો મનુષ્યસમાજ એક અજાણ્યા જંગલમાં છોડી મૂકેલા આંધળા અને બહેરા માણસો જેવો છે. હાથના સ્પર્શથી એ રસ્તો શોધવા, મિત્રો અને શત્રુઓને ઓળખળા, અને સારાંનરસાં સાધનો અને સ્થાનો નક્કી કરવા મથે છે. બધાનાં અનુભવો જુદા જુદા છે. કેટલાકે અમુક સાધનો અને સ્થાનોમાં પોતાનું જીવન ગોઠવી દીધું છે, કેટલાકનું તેટલામાં ગોઠવાતું નથી, અથવા તેમને હજુ તેવી અનુકૂળતાઓ મળી નથી. કેટલાકનું જીવન બીજાના ઉપર વિશ્વાસ અને પ્રેમ રાખવાથી સુખપૂર્વક વીત્યું છે, તો કેટલાકનું એ જ કારણથી દુઃખમય ગયું છે. કેટલાકે બીજાઓ પ્રત્યે અવિશ્વાસ રાખીને જ પોતાને સફળ થયેલા જોયા છે, કેટલાકે તેને લીધ જ ખતા ખાધી છે. કેટલાકને પોતાના હાથપગની શક્તિ જ મદદ આપનારી નીવડી છે, કેટલાકને પોતાની તર્ક, બુદ્ધિ કે વાણીની શક્તિ મદદગાર થઈ છે. કેટલાકે ડરી ડરીને ચાલવાથી પોતાને સુરક્ષિત રહેલા માન્યા છે; કેટલાકે સાહસથી પોતાને વધેલા જોયા છે. પોતપોતાના ટૂંકા અનુભવથી દરેકે વ્યાપક સિદ્ધાંતો તારવ્યા છે.

છતાં આમાં એક જાતની વ્યવસ્થા પણ છે. દરેકનો અનુભવ ટૂંકો છતાં, દરેકને પોતાના અનુભવનું સમર્થન કરનારા મળી આવે છે. એ બતાવે છે કે એ અનુભવો થોડાક વર્ગોમાં ગોઠવી શકાય એમ છે અને દરેક વર્ગના અનુભવમાં કાંઈક વિચારવા અને ગ્રહણ કરવા જેવો અંશ છે. પરંતુ કોઈ એક અનુભવ સર્વતોપરી પણ નથી, અને સર્વથા ત્યાજ્ય પણ નથી. બીજું એમ પણ કહી શકાય કે જુદી જુદી કોટિના કે પરિસ્થિતિના માણસોને માટે કોઈ એક વર્ગનો અનુભવ બીજાઓને મુકાબલે વધારે યોગ્ય થઈ શકે, તથા અમુક પરિસ્થિતિમાં કોઈ એકની વિશેષ મહત્તા અને બીજાની ઓછી હોય.

આ રીતે જોતાં એમ કહી શકાય કે નીચેની યોગ્યતાઓ સામાન્યપણે દરેક પૂર્ણાંગ મનુષ્યમાં હંમેશાં હોવી જોઈએ, અને એમાંથી બેચાર દરેકમાં વિશેષપણે હોવી જોઈએ; તથા વિશિષ્ટ પરિસ્થિતિમાં કેટલીક યોગ્યતાઓ ઘણી મોટી સંખ્યાના માણસોમાં હોવી જોઈએ.

શારીરિક

1. નીરોગી અને પૂરું ખીલેલું શરીર.

2. શ્રમ કરવાની શક્તિ અને ટેવ.

3. ટાઢતડકો, ભૂખતરસ વગેરે વેઠવાની શક્તિ અને ટેવ.

4. જ્ઞાનેદ્રિયો તથા કર્મેદ્રિયોનાં કામોને સ્વાધીનપણે અને વ્યવસ્થિત રીતે કરવાની આવડત અને ટેવ.

5. સ્ફૂર્તિ અને ત્વચા છતાં વ્યવસ્થિતતા અને નિયમન.

માનસિક

1. સાહસ – જોખમનો સામનો કરવાની સાધારણપણે હોંશ અને હિંમત.

2. ધૈર્ય – જોખમમાં ગભરાઈ ન જવાનું (panicky ન થવાનું) બળ.

3. સમયસૂચકતા – પરિસ્થિતિનો મુકાબલો કરવાની સૂઝ.

4. શ્રમાનંદ – મહેનત પડે, તાણ પડે ત્યારે કંટાળો ન આવતાં ઉમંગ વધવો.

5. ઘો–વૃત્તિ – પકડેલી વસ્તુ સહેજે ન છોડી દેતાં પકડી રાખવાનો સ્વભાવ.

6. તેજ અથવા સ્વાભિમાન – બીજાની ધમકી, લાલ આંખ વગેરેથી દબાઈ ન જવાનું બળ.

7. આત્મનિયમન – કામ, ક્રોધના વેગોને રોકવાની શક્તિ.

8. સદૈવપ્રગતિકરતારહેવાનીઅભિલાષા

9. ચોકસાઈ.

બૌદ્ધિક

1. જિજ્ઞાસા અને શોધનની વૃત્તિ.

2. અવલોકન, નિરીક્ષણ અને પ્રયોગની ટેવ.

3. અનુભવ વિરુદ્ધ કલ્પના, વસ્તુધર્મ વિ# આરોપિત ધર્મ, આદર્શ વિ# મહત્ત્વાકાંક્ષા અને ગગનવિહાર, વાસ્તવિકતા વિ# અભિલાષા વચ્ચે વિવેક કરવાની શક્તિ.

4. ગણિત અને આકલન.

5. સ્મૃતિ અને જાગૃતિ.

6. કીડીવૃત્તિ – જ્યાંથી મળે ત્યાંથી કીડી જેવા ઝીણા અને નમ્ર બનીને જ્ઞાનસંગ્રહ કરવાની વૃત્તિ.

7. અતિવ્યાપ્તિ તથા અત્યુક્તિ ન કરવાની ટેવ.

8. પૂર્વગ્રહો અને સાંપ્રદાયિકતાથી કે પક્ષથી પર થઈ વિચાર કરવાની શક્તિ.

ચારિત્રિક

1. અમૂઢ શ્રદ્ધા.

2. જીવાદર.

3. સમભાવ, કરુણા, દયા ઇ#

4. પરદ્રોહ અને ન્યાયરહિત સ્વજનપ્રેમ.

5. અમૂઢ પરોપકાર, ક્ષમા ઇ#.

6. અપરિચિત અને સ્વજન–વિરોધીઓ સાથે સાવધાનપૂર્વક છતાં ન્યાયી વ્યવહાર.

7. ચૈતન્ય કરતાં જડ પદાર્થોની ઓછી કિંમત.

8. ધનના વ્યવહારોમાં પ્રામાણિકતા, ચોખ્ખાઈ, સત્યપ્રતિજ્ઞતા, અવંચના, અજ્ઞાન ગરજુ કે ગરીબની મુશ્કેલીનો લાભ ન લેવો ઇ#.

9. સ્ત્રીની જિંદગી, પ્રતિષ્ઠા અને શીલની પોતાના જીવના જોખમે રક્ષા.

10. અવ્યભિચાર તથા અનત્યાચાર.

11. ઈશ્વરનિષ્ઠા – એટલે કે સર્વે પ્રયત્નો અને પુરુષાર્થ છતાં ધાર્યું ફળ નિપજાવવાની મનુષ્યની અશક્તિનું સ્મરણ અને તે સત્યને સ્વીકારતાં છતાં જગત પ્રત્યે નમ્રતાપૂર્વક મંગળકામના અને તે મંગળકામનામાં શ્રદ્ધા અને તે માટે આશાસહિત સતત પ્રયત્ન.

12. સ્વચ્છતા, વ્યવસ્થા અને સાદાઈની સુંદરતા.

13. રોગ, દારિદ્ર, અન્યાય, સ્થૂળ તથા સૂક્ષ્મ મલિનતા તથા હિંસાના નિવારણ માટે ઉદ્યમશીલતા.

14. સમાજહિતાર્થ પોતાના વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ, મમતો ગૌણ કરવાની અને અનેક સાથે સહયોગ કરવાની તત્પરતા. છતાં,

15. અન્યાય અને અસત્યની સામે અને સત્યાર્થે આખી દુનિયા સામે એકલા ઝૂઝવાની હિંમત.

ધ્યેયાત્મક અથવા શ્રદ્ધાત્મક

1. અસત્યમાંથી સત્ય, હિંસામાંથી અહિંસા, દૈત્યમાંથી ઐશ્વર્ય, આસક્તિમાંથી વૈરાગ્ય, અજ્ઞાનમાંથી જ્ઞાન, અવ્યવસ્થામાંથી વ્યવસ્થા, વિષમતા અને અન્યાયમાંથી સમતા અને ન્યાય, અધર્મમાંથી ધર્મ પ્રત્યે સતત વધવું અને પોતાની તેમ જ સમાજની પૂર્ણ માનવતા ખીલવવી.

2. સમગ્ર માનવજાતિની એકતા સ્વીકારવી અને તે સિદ્ધ કરવા પ્રયત્નશીલ થવું.

3. જીવનના મૂળ સત્યને શોધવા અને સમજવાનો પુરુષાર્થ.

આ યાદીને સંપૂર્ણ માનવાની નથી. એમાં સત્ય, અહિંસા, ક્ષમા, દયા, સંતોષ, ભાવના, શ્રદ્ધા, ઉપાસના, આત્મરક્ષા, લશ્કરી તાલીમ, ધંધો, કળા વગેરે વગેરે રૂઢ શબ્દો નથી, પણ વર્ણનાત્મક શબ્દપ્રયોગો વાપર્યાં છે, જેથી યોગ્યતાનું નિશ્ચિત સ્વરૂપ સમજી શકાય અને તેની જરૂરિયાત વિશે વિચાર કરી શકાય. આ બાબતોનો આર્થિક ક્રાન્તિના પ્રશ્નોમાં સમાવેશ કર્યો છે, કારણ કે એ મૂળ પાયા વિના કોઈ પણ આર્થિક યોજના સિદ્ધ થઈ શકશે જ નહીં. આ બધું તો છે જ એમ માનીને આર્થિક યોજનાઓ અને જુદા જુદા વાદો રચવામાં આવે છે. પણ જરા વિચાર કરતાં જણાશે કે આ બધું આપણી પ્રજામાં કે જગતમાં છે જ એમ માની લેવાને કશો આધાર નથી. ‘ના।઼સ્તિ મૂલમ્ કુતઃ શાખા‘ (મૂળ નથી શાખા ક્યાંથી?) એટલી જ ટીકા એ માટે બસ નથી; પણ ‘સન્મૂલસ્યાભાવાત્ પ્રસૂતા વિષવલ્લયઃ‘ (સારા મૂળને અભાવે વિષયની લતાઓ જ પ્રસરી છે).

20-10-’47