સરળ અલંકાર-વિવેચન/વિરોધ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૨) વિરોધ :

બે વસ્તુઓ વચ્ચે ખરેખર વિરોધ ન હોવા છતાં તે પાસે પાસે એવી રીતે મૂકી હોય કે વિરોધનો આભાસ જન્મે, ત્યારે તે વિરોધાલંકાર બને છે. આમ વિરોધમાં હકીકતે વિરોધ હોતો નથી પણ વિરોધનો આભાસ જ હોય છે. આ વિરોધ બે વસ્તુઓ વચ્ચે, એકી સાથે તેમની રજુઆત કરતાં પ્રગટ થતો હોય છે. આવો વિરોધ શ્લેષમૂલક પણ હોય છે; ને તેથી શ્લિષ્ટ શબ્દનો એક અર્થ કરતાં વિરોધ થાય ને બીજો અર્થ કરતાં વિરોધનું શમન થાય, એ પ્રમાણે રચના કરવામાં આવેલી હોય છે. હવે થોડાં ઉદાહરણો જોઈએ :

હે શંભુ! તમે વિષમ દૃષ્ટિવાળા છતાં સમદૃષ્ટિવાળા છો.

હવે વિષમતા ને સમતા બેય સાથે શી રીતે સંભવે ? અહીં વસ્તુતઃ શ્લેષ છે. વિષમનો એક અર્થ સમતા વિનાના છે—તેથી અહીં વિરોધ જન્મે છે. પણ વિષમ એટલે અણસરખાં-ત્રણ નયનવાળા છો, એમ અર્થ લેતાં અહીં વિરોધનું શમન થાય છે. આમ અહીં શ્લેષમૂલક વિરોધ છે. નીચેનું ઉદાહરણ જુઓ :

દેખાય વામન છતાં ય ત્રિલોકકેરો,
માપે મહાપટ પદત્રય-વિક્રમે એ;
ઉદ્દામ મૃત્યુજલ–જીવન–સાગરે એ,
નર્તાવતો અમૃતનો મહિમા અનેરો.

(પારિજાત)

અહીં પણ વિરોધ છે. વામન એટલે વ્હેંતિયો ત્રિલોકને ક્યાંથી ખૂંદી વળે? આ વિરોધ. પણ વામનાવતારમાં એ શક્ય બન્યું હતું; એટલે વામનને બીજો અર્થ વામન ભગવાન લઈએ તો આ વિરોધનું શમન થાય; અથવા વામનમાં આવો શ્લેષ સ્વીકાર્યા વિના પણ જોઈ શકાશે કે કાળા માથાના નાનકડા માનવીએ અનેક શોધ કરીને આકાશ, પૃથ્વી ને પાણી ઉપર-ત્રિલોક પર તેનું વર્ચસ્વ સ્થાપ્યું છે; આમ વિરેાધ દેખીતો છે તે અંતે રહેતો નથી. ‘બાર હાથની દુધી ને તેર હાથનું બી’ અથવા ‘નાવમેં નદિયાં ડુબ જાય’ એમાં આ જાતનો વિરોધ રહેલો છે. વસ્તુત: આ અશક્ય છે, એટલે વિરોધ છે જ. પણ અહીં જે અસાધારણતા વર્ણવી છે તે ખ્યાલમાં રાખીએ તો વિરોધનું આપોઆપ શમન થશે. એવો જ વિરોધ નીચેની પંક્તિઓમાં જણાશે :

દીવા–તેજે નયન બનિયાં અંધ, તે અંધકારે
ન્યાળે છે કો નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય.

(ધ્વનિ)

ખરું જોતાં જે નેત્રો અંધ છે તે ક્યાંથી દેખી શકે? ને અંધકારમાં તો છતી આંખે ન દેખાય તો અંધથી શી જ રીતે દેખાય ? પણ કવિને કહેવાનું એ છે કે દિવસના તેજમાં જે આંખ જોવાનું જોઈ શકતી નથી તે રાત્રિના નિબિડ અંધકારમાં આ સૃષ્ટિની ગંભીરતા, ગહનતા, સંવાદિતા, માનવીની અલ્પતા-પંગુતા એમ ઘણું ઘણું જોઈ શકે છે. ઈશ્વરની રહસ્યમય કરુણાનો સાચો અનુભવ માણસને રાત્રે જ થઈ શકે તેમ છે—આ અર્થ લેતાં વિરોધનું શમન થાય છે. એવા જ બીજા દૃષ્ટાંત જુઓ :

કાયા એને નથી તદપિ શો ભાર અંધારનો છે !

(ધ્વનિ)

*

હવે એકે હસું છું ને રડું છું બીજી આંખથી
નિહાળી રહું બેયથી.

(નિશીથ)

*

ફૂલમાળા સંતાડી, પ્રગલ્ભ પણ શરમાતો,
સુખી પણ દુ:ખી, આશાભર્યો પણ નિરાશ,
તે દીન પણ ઉત્સુક પગલે ચાલે છે.

(શેષનાં કાવ્યો)

*

કબીરકો ઘર શિખર પર, જહાં સિલહલી ગૈલ,
પાંવ ન ટિકૈ પિપીલિકા, પંડિત લાદે બૈલ.

*

સિર રાખે સિર જાત હૈ, સિર કાટે સિર સોય,
જૈસે વાંતી દીપકી, કટિ ઉજિયારી હોય.

*

બુંદ સમાયા સિંધુમે, જાનત હૈ સબ કોય,
સિંધુ સમાયા બુંદમેં, જાર્નત વિરલા કોય.