સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૧૫ : કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી

નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર જ છે, ચંદ્રકાંત હવે તેને મુંબઈ લઈ જશે, તે પાછો મુંબઈનગરીમાં યશસ્વીપણે વર્તશે, એવા વિચારથી આનંદમાં આવેલી કુમુદસુંદરી પ્રાત:કાળે એ સર્વ આશાનું ઉચ્છેદન કરવા સુવર્ણપુરમાંથી પણ જતો રહેતો એને જુએ એના જેવી વેદના બીજી કઈ? પિયર જઈને આ વાત માતાપિતાને કરું ને સરસ્વતીચંદ્રની શોધ કરવી.. એમ કરીને જ હરભમ વગેરે સવારોને તેણે મનહરપુરી મોકલ્યા હતા; પોતાને બીજે દિવસે નીકળવાનું હતું.

એ જવાની, તે વાતથી કૃષ્ણકલિકા અને પ્રમાદધન પણ આનંદમાં આવ્યાં હતાં. પણ બુદ્ધિધને તેમના રંગમાં ભંગ પાડ્યો એટલું જ નહીં, બુદ્ધિધને પોતાને શિક્ષા કરવી ધારી છે જાણી પ્રમાદધનને ગભરાટ છૂટ્યો. નવીનચંદ્ર મદદ કરવા ના કહીને ચાલ્યો ગયો જાણી ગભરાટ વધ્યો. કોઈ ન મળતાં કૃષ્ણકલિકાની જ સલાહ લેવા ધાર્યું ને રાજેશ્વરમાં બોલાવી. એણે બતાવ્યું કે ‘કુમુદસુંદરી અને નવીનચંદ્રને આડો સંબંધ છે તે વાત મેં તમને કહી એટલે જ કુમુદસુંદરીએ આ આરોપ નાખ્યો.’ એવું કહેલું. પ્રમાદધન ઘેર ગયો. એને થયું કે આ વાત કહીશું તે કોઈ માનશે નહીં. વિચાર કરતાં મેડીમાં ફરવા લાગ્યો ને ફરતાં ફરતાં ‘મર્મદારક ભસ્મ'માંનો એક વણબળ્યો ફાડી નાખેલો ચારપાંચ કડકાવાળો કાગળ હાથ આવ્યો. કડકા સાંધી વાંચી જોયા. નવીનચંદ્રના અક્ષર ઓળખ્યા. એમાં લખ્યું હતું :

‘હતી લક્ષ્મી! હતા તાત! હતી વ્હાલી! હતો ભ્રાત!'

આટલું બોલતામાં પ્રમાદધન આનંદમાં આવી ગયો. ‘આથી શો બીજો પુરાવો? વાહ, વાહ, ભણેલી! મને ખબર નહીં કે નવીનચંદ્રની વહાલી તું હઈશ!’ એટલામાં કુમુદસુંદરી આવી. એ કંઈ પૂછે એટલામાં તો પ્રમાદધન જ ધડકી ઊઠ્યો : ‘કેમ મારાં ડાહ્યાં ને શાણાં ભણેલાં! તમે આવાં ઊઠ્યાં કે?' કુમુદસુંદરી અત્યાર સુધીના દુઃખમાં જડ બની ગઈ હતી. ધીરજ પકડી, અત્યંત નરમાશથી ધીરે પણ સ્થિતિ સ્વરે બોલી : ‘શું છે?' અધીરાની ધીરજ રહી નહીં. વધારે ખિજાઈને બોલ્યો : ‘શું છે, શું છે, શું? આ પેલા નવીનચંદ્રની વહાલી થનારી તે તું નહીં કે? વાંચ આ અને ફોડ આંખો!' કાગળના કડકા ધ્રૂજતી કુમુદ ઉપર ફેંક્યા. ગરીબ બિચારી કુમુદસુંદરી! એને બળતામાં ઘી હોમાયું, પડ્યા ઉપર પાટુ થયું. ‘અરેરે! હું સાચી વાત કોને કહું અને કોણ માનશે? ઓ પરમેશ્વર! તારે જે કરવું હોય તે કર. હું તો અપરાધી પણ નથી અને નિરપરાધી પણ નથી. શું બોલું?' કંઈ પણ ઉત્તર દીધા વિના કાગળના કડકા પ્રમાદધનના હાથમાં પાછા મૂક્યા. પ્રમાદધન વધારે ચિડાયો : ‘કેમ ખરી વાત માનવી છે કે નહીં? બોલ!' કુમુદસુંદરીને એક લપડાક ચઢાવી દીધી. કાગળના કડકા ખીસામાં નાખી ગુસ્સાથી સળગી પ્રમાદધન ચાલ્યો ગયો. પ્રમાદધને કૃષ્ણકલિકાને શોધી કાઢી, હકીકત કહી. શિખામણ મળી કે ‘હવે કુમુદસુંદરી સાથે લાંબું કરવામાં માલ નથી. ‘તારી પરીક્ષા કરવા આટલું કર્યું હતું. તું ભ્રષ્ટ નથી.' એવું કહી વહાલ દેખાડો ને છેતરી પિયર મોકલી દ્યો. એ જાય એટલે આપણા બેનો કાંટો જશે. તે પછી આ કાગળના કડકા તમારા પિતાને બતાવજો ને કહેજો કે તમને કુમુદની નઠારી ચાલની ખબર પડી એટલે એણે આ સામી વાત ચલાવી. પણ બધું એના ગયા પછી કરજો.' પ્રમાદધનને આ યુક્તિ ગમી. કુમુદસુંદરી છેતરાઈ અને પિયરના ને સસરાના સવારોની વચ્ચે ગાડી રાખી, તેમના રક્ષણમાં રહી, સરસ્વતીચંદ્ર નીકળ્યો હતો તે દિવસ વીતતાં છેક પાછલી રાત્રે નીકળી. સાસુ અને નણંદ તે પ્રસંગે વહુને ભેટ્યાં, સર્વે પુષ્કળ રોયાં, બુદ્ધિધન ગળગળો થઈ ગયો અને પ્રમાદધન વગર ઘરનાં સર્વ માણસ ઉદાસ જેવાં થઈ ગયાં. બુદ્ધિધનના ઘર આગળથી ગાડી ચાલી. ‘કુમુદસુંદરી, વહેલા આવજો.' ‘ભાભી, જોજે પંદર દિવસથી વધુ એક દિવસ પણ રહેશો નહીં હોં!' ‘બેટા, પિયરમાં તો સૌને આનંદ થશે, પણ મારું ઘર તો તમે આવશો ત્યાં સુધી સૂનું હોં! બેટા! સાસુની દયા જાણજો!' આવા આવા શબ્દોથી સર્વના શોકને સમાસ આપતી રોતી કુમુદસુંદરી રથમાં બેઠી. કુમુદસુંદરીએ ગામ છોડ્યું ત્યાર પહેલાં વનલીલા મળી. કૃષ્ણકલિકાને પ્રમાદધન મળ્યો હતો અને તેમની વચ્ચે વાત થઈ હતી તે સર્વ એણે અકસ્માત્ સંતાઈ રહી છાનીમાની સાંભળી હતી. કુમુદસુંદરીને કહેવાનો વખત ન હતો, તેમ એને જાણીને દુઃખ થશે કરી આ વાત કહી ન હતી. છેવટે વાત તો કહેવી જ એમ નક્કી કરી કાગળ પર ચીતરી કાઢી ને રથ ઊભો રખાવી, સવારે અજવાળું થાય ત્યારે તે વાંચવા કહ્યું. કુમુદ જતાં જતાં વનલીલાને ફરીફરી ભેટી અને રોઈ; આખરે બે જુદાં પડ્યાં. કુમુદસુંદરીએ એ કાગળ નિશ્ચિતપણે કમખામાં મૂક્યો. રથ ચાલ્યો. સરસ્વતીચંદ્રના, પ્રમાદધનના, સાસુ-સસરાના, નણંદના અનેક વિચારો કરતી બાળા હાલતા ખડખડતા રથમાં શરીર અને મન થાકી જતાં ઊંઘી ગઈ. ઝાડોનાં પાંદડાંમાં, ફૂલોની સુગંધમાં; સુકાતા ખખડતા ઘાસમાં, તળાવોમાં, નદીઓમાં અને વિશાળ આકાશમાં થઈ આવતો શાંત ઠંડો વાયુ રથના પડદાઓમાં પેસી ગરીબ કુમુદના નિદ્રાવશ હૃદયની શાંતિ વધારવા અને અબળાની આશિષ લેવા લાગ્યો.

*

નિદ્રાવશ કુમુદસુંદરીને લઈ રથ ચાલ્યો. રથને વચ્ચે રાખી રવાલદાર ઘોડાઓ ઉપર બેઠેલા સવારો ચારેક ગાઉ ચાલ્યા હશે. એટલામાં રાત્રિ પૂરી થવા આવી. કુમુદ પાછલી રાતની મીઠી નિદ્રા ભોગવતી હતી. ચારે પાસ પૃથ્વી ઉપર અંધારામાં આછું આછું તેજ ભળતું હતું. પૂર્વ દિશાના આકાશમાં ધોળો તેજનો પડદો ચઢતો હતો. આ વખતે આ મંડળને માનચતુરનું મંડળ સામેથી મળતાં સૌ સવારો ચમક્યા. અબ્દુલ્લાએ પોતાનો ઘોડો તેમની પાસે લઈ જઈ સૌ સમાચાર કહ્યા. માનચતુરે રથનો પડદો ધીમેથી ઊંચકી જોયો અને કુમુદસુંદરીને ઊંઘતી જોઈ, રથની જોડે ઘોડો રાખી ડોસાએ ચાલવા માંડ્યું. સૌ વધારે સાવધાન – સજ્જ થઈ ગયા અને હથિયારો સંભાળતા ચાલ્યા. અંધકારનો પડદો ઊપડી ગયો. લાલ પીળાં અને ધોળાં નાનાં મોટાં ફ્લોને ધારણ કરનાર નાના નાના લીલા છોડવા માર્ગની બે પાસ આઘાપાછા રહી પવનની ધીમી લહેરમાં નાચવા લાગ્યા. પક્ષીઓની કોમળ જાતિઓ ઝાડો ઉપર ઊડાઊડ કરવા લાગી, કલ્લોલ કરી રહી, અને જુદા જુદા મધુર સ્વરની ગાયન કરવા મંડી. મળસ્કું થયું, અંધારું ગયું, રંગ અને આકાર ઉઘાડા થયા. પવનની લહરે અને તડકા વગરના તેજે કુમુદની આંખો ઉઘાડી. જાગતાંની સાથે વનલીલાનો પત્ર કમખામાંથી કાઢ્યો અને આતુરતાથી વાંચવા લાગી. એક વાર, બે વાર, ત્રણ વાર, કાગળમાંના કેટલાક ભાગ ફરીફરી વાંચવા લાગી.

કૃષ્ણકલિકા અને પ્રમાદધનની સંતલસની વિગત પત્રમાં પૂરી લખી હતી. પતિના મનમાંથી કિલ્મિષ[1] ગયું નથી એટલું જ નહીં, પણ હજી એના ઉપર કણકલિકાની સત્તા છે, અને એના ઉપરના પક્ષપાતને વશ થઈ પતિએ દુષ્ટ સંકેત રચ્યો છે, એ વિચારથી કુમુદના મનમાં કાંટો પેઠા જેવું થયું. ‘શું મારી પૂંઠ પાછળ મારી ફજેતી કરવા ધારી? દેવી અને અલકબહેન મને કેવી જાણશે? સસરાજી શું ધારશે?

‘ઓ રે હરિ! સત્યતણા તું સંગાથી
હરિ, હું તો કંઈએ નથી સમાતી.’[2]

દમયંતીના કરતાં પણ મારે માથે ભૂંડો આરોપ આવશે! હું સૌને શું મોં દેખાડીશ? ઓ પ્રભુ, હવે તો મારે એક તું રહ્યો.’ આટલું કહી રોઈ પડી. આંખો લોહી પડદો ઉઘાડી રથ બહાર જોયું તો નવાં માણસો જોયાં અને માનચતુરવાળા ઘોડા ઉપર નજર ગઈ. માનચતુરે પડદો ઊઘડતો દીઠો કે તરત રથની પાસે આવ્યો. કેટલોક સ્નેહભર્યો મીઠો વાર્તાલાપ કરી, બહારવટિયાઓને કારણે પોતે માણસો લઈ આવ્યો છે તે કહ્યું. કુમુદ ચોંકી, પણ ડોસાએ કુમુદના સસરાજીને મળેલા કારભારની આનંદકથામાં આ વાત ખૂબીથી વિસારે પાડી. એટલામાં સુભદ્રા નદી ઉપર બૂમ પડી. સૌ સજ્જ થઈ ગયા. માનચતુર ઘોડા ઉપર ઊછળી ટટાર થઈ ગયો, અને એકદમ તલવાર ઉઘાડી કરી – ઊંચી કરી બોલી ઊઠ્યો : ‘સબૂર! જખ મારે છે. બહેન, ડરીશ નહીં, હું તારી પડખે છું.’ કુમુદસુંદરી છળી ગયા જેવી થઈ ગઈ ને ‘શું છે? વડીલ શું છે?' એમ પૂછવા લાગી. એટલામાં માનચતુરની ટુકડીમાંથી એક સવાર ઘોડો દોડાવતો આવ્યો ને બહારવટિયાઓને આંતરી કેવા નસાડ્યા તેની વાત ઉત્સાહભેર કરી. ‘શાબાશ! ફતેસંગ! શાબાશ! જેસા તેરા નામ તેસા જ તેરા કામ હૈ.' અબ્દુલ્લો ફતેસંગની પરાક્રમકથા સાંભળી બોલ્યો. આ સમાચારથી ગૌરવ અનુભવતા માનચતુરે કુમુદને હિંમત આપી. ‘બહેન, અર્ધી ચિંતા ગઈ – હરામખોર વેરાઈ ગયા. હવે જે સાવધાની રાખીએ છીએ એ તો અમસ્તી.' એટલામાં એક સવાર આઘેથી આવ્યો. કુમુદસુંદરીના રથ જોડેના બુદ્ધિધનના માણસોએ તેને ઓળખ્યો. શંકર બોલ્યો : ‘મહારાજ, ફિકર કરશો નહીં. મારી પાછળ મારા ગામના માણસ આવે છે. અમે સુરસંગને મળી જવા જઈએ છીએ.' શંકર સુરસંગની ટુકડીમાં ભળી ગયો અને સુરસંગને પાનો ચઢાવ્યો. ‘રથ પુલની પેલી પાસે છે, તેમાંથી કુમુદસુંદરીને ઉપાડી લ્યો એટલી વાર. હું નજરે જોઈને આવ્યો છું.’ પ્રતાપ ખુશ થઈ ગયો. સુરસિંહે ઘોડો મારી મૂક્યો. પણ શંકરે ખોટી દિશા જ બતાવી તેથી સૌ દક્ષિણ દિશામાં વળ્યા! સુવર્ણપુરની સીમમાં, બુદ્ધિધનની આણમાં સૌ આવ્યા – તેનું કોઈને ભાન ન રહ્યું. માનચતુરે તે મંડળ પોતાની પાછળ બેત્રણ ખેતરવા રહી રસ્તાની પેલી બાજુ જઈ પોતાના ભણી આવતું દીઠું. સૌ સજ્જ થઈ ગયા. સુરસિંહ સુવર્ણપુરની હદમાં પેઠો તેની સાથે હરભમની ટુકડીનો વેગ વધ્યો. જોતજોતામાં કુમુદસુંદરીના રથની અને સુરસિંહની વચ્ચે હરભમની ટુકડી આવી ઊભી. સુરસિંહ સમજ્યો કે મારો ભેદ કળાયો છે. તે પાછો ફરવા લાગ્યો ત્યાં શંકરે સુરસિંહના માણસોને ઉશ્કેર્યાં, બંદૂકના ખાલી વાર કર્યા ને ધીંગાણું મચાવ્યું. સુરસિંહે તેના સાથીદારો ભીમજી, ચંદનદાસ વગેરેની આતુરતાથી વાટ જોઈ; પણ કોઈ આવ્યું નહીં. થોડી વારમાં ફતેસંગ અને હરભમના માણસોએ તેને ઘેરી લીધો. આખરની વખતે કાયર શૂરો બને તો શૂરને શૌર્ય ચઢે એમાં શી નવાઈ? સુરસંગે હાકલ કરી તે સાંભળી એનાં માણસો ઊછળ્યાં. અને વાઘજી ને પ્રતાપ પિતાની બે પાસ ખડા થઈ ગયા. સુરસિંહે જ ફતેસંગ ભણી ધસારો કર્યો ત્યાં બહારવટિયાઓમાંથી શંકર ને તેનાં માણસો જુદાં પડ્યાં. ‘ખમા મહારાણા ભૂપસિંહને’ કરી મોટી બૂમ પાડી શંકર ગાજી ઊઠ્યો. શંકર ફરી ગયો તે સુરસંગે જોયું ને સુરસંગનાં માણસોને તેની હાકલથી બમણું શૌર્ય ચઢ્યું હતું તે ઊતરી ગયું. આમાંથી કુમુદ મળે એમ નથી એમ જોઈ, પ્રતાપ સૌની નજર ચુકાવી છાનોમાનો અદૃશ્ય થઈ ગયો. ઘેરાઈ ગયેલો સુરસંગ નિરાશ થઈ પ્રતાપને શોધવા લાગ્યો. ત્યાં વાઘજીએ શૂર પિતાનું શૌર્ય વધારવા ચારણકૃત્ય કર્યું. ‘શાબાશ, શાબાશ, બાપા શાબાશ! શાબાશ! ધ્રૂજે ધરતી! ધ્રૂજે વેરી! હતેહ! ફતેહ! રાખ્યો રજપૂતરો રંગ!' ‘રંગ' શબ્દ પૂરો થતાં જ આકાશમાં ઘોડો કુદાવી સુરસિંહ શંકરના ઘોડા પર ત્રાટક્યો, ને ફૂંફાડા મારતા નાગની પેઠે ધસતી બેધારી તલવાર શંકરને વીંધી આરપાર જતી દેખાઈ. પણ શૂર બ્રાહ્મણે ડાબો હાથ પહોળો કરી શરીર આબાદ ખસેડી દીધું. તલવાર ખાલી જગામાં ખૂંપી જવા દીધી અને પોતાના જમણા હાથમાંની તલવારથી બળવાન ઘા કરી સુરસિંહનો જમણો હાથ કાપી નાખ્યો. ઝાડ પર કુહાડો પડતાં ડાળું તૂટી પડે તેમ બહારવટિયાનો હાથ છૂટો પડ્યો. તે જ વેળા વાઘજીએ તરાપ મારી શંકર ઉપર તલવારનો ઘા કર્યો. પણ હરભમે એ તલવાર ઝીલી લીધી ને શંકર બચી ગયો. ઘવાયેલો સુરસિંહ ઘોડા પરથી ગબડી પડ્યો. ત્યાં વાઘજી સૌને આશ્ચર્યમાં નાખી ઘોડો કુદાવતો ક્યાંય અદૃશ્ય થઈ ગયો. સુરસિંહને શંકરનાં માણસો જીવતો કેદ કરી સુવર્ણપુરની દિશામાં લઈ ગયાં. વિદ્યાચતુરનાં માણસો શંકર-સુરસિંહ અને વાઘજીના પરાક્રમની સ્તુતિ કરતાં કરતાં કુમુદના રથ ભણી હર્ષભેર ચાલ્યાં અને બૂમો મારવા લાગ્યાં, ‘ફતેહ! ફતેહ!'



  1. પાપ અપરાધ (સં)
  2. ‘નળાખ્યાનમાંથી