સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૬
સુરસિંહના મંડળ ભણી અબ્દુલ્લો, ફતેસંગ વગેરે ગયા અને માનચતુર થોડા માણસ સાથે રથ પાસે રહ્યો, અને આતુરતાથી, સાવધાનપણે, જે દિશામાં ધીંગાણું મચવાનું હતું તેની પાસ દૃષ્ટિ ફેરવતો ઊભો. કુમુદસુંદરી રથના પડદામાંથી ઘડીક પડદો આડો કરી, ઘડીક ઊંચો કરી, દાદાનું મુખ જોતી હતી અને એ મોંના ફેરફાર પરથી આઘે શું થાય છે તેની કલ્પના કરતી હતી. સર્વના મનમાં બહારવટિયાઓનો વિચાર ચાલતો હતો; તે પ્રસંગે પ્રમાદધનથી નિરાશ થઈ બહારવટે નીકળી પડ્યું હોય તેમ, આ ભયંકર પ્રદેશમાં સરસ્વતીચંદ્રનું શું થયું હશે તે જાણવા ને તેને શોધી કાઢવા ચંદ્રકાંત જોડે નીકળી પડ્યું હોય તેમ, એ અનાથ અબળાનું હૃદય અસ્વસ્થ થયું અને અનેક સંકલ્પવિકલ્પો કરવા લાગ્યું. ઘડીક તે પડદા બહાર જોતી હતી, ઘડીક બંધ પડદે રોઈ લેતી હતી, ઘડીક વનલીલાનો કાગળ વાંચતી હતી, ઘડીક આઘેનાં ઝાડો જોતી હતી, ઘડીક નદીનો ખળખળ વહેતો પ્રવાહ સાંભળતી હતી, તેનું ઊંડાણ કલ્પતી હતી, નિઃશ્વાસ મૂકતી હતી અને વળી ધૈર્ય પણ ધરતી હતી.
‘અહા! સરસ્વતીચંદ્ર! અત્યારે ક્યાં હશો? તમે કહો છો કે ‘પતંગો ઊડતી જેવી હવે મારી ગતિ તેવી.’ પતંગ પૃથ્વી સાથે સૂત્રથી સંધાય છે – તમને તો તે પણ ગમતું નથી. મોઈ એ કુમુદ! પથ્થર ન જન્મી. એનું ટૂંકું ભાગ્ય ટૂંકું રહ્યું તેમાં તમે શાનું પ્રાયશ્ચિત્ત કરો છો? અહો મારા જહાંગીર!‘નૂરજહાન તુજ નૂર વિનાની, તે કાજ તું ટટળે શાને?
પ્રમાદધનને પણ નથી ગમતી, તે ગમતી તુજને શાને?'
રથના પડદા ઊંચા કરી આઘનાં ઝાડો ભણી જોઈ ગણગણી : ‘બીગરી કોન સુધારે નાથ બિન? ‘બીગરી કોન સુધારે રી? – ખરી વાત છે, પણ મારી બેવડી બીગરી' તો નાથ પણ સુધારે એમ નથી. મારા સ્વામીનાથને હું ઝાંખરા જેવી વળગી છું તે છૂટી જાઉં એ એમની ઇચ્છા છે. મને પણ એ ગમતી વાત છે. એથી મારે માથે જે કલંક આણનારું વાદળ ચઢ્યું છે તે ઊતરી જશે અને મારાં માતાપિતા અકારણ અપયશમાંથી ઊગરશે.’ એટલામાં જાણે સરસ્વતીચંદ્ર બોલતો હોય એમ ભણકારો વાગ્યો : ‘વહાલી કુમુદ! તું તારા આત્માને વ્યર્થ ફોસલાવે છે. સન્મૃત્યુ તે મોક્ષ છે, અપમૃત્યુ તે મોક્ષ નથી. જે વાટ ફૂંક મારી હોલવિયે છીએ તેમાંથી ધુમાડો નીકળે છે, દુર્ગન્ધ પ્રસરે છે; જે વાટ પૂરેપૂરી બળી જાય છે તે શાંત થાય છે.’ આવા વિચારોમાં પડેલું મન ઓચિંતી બૂમો સાંભળી ચમક્યું. સુરસિંહ પકડાતાં પાછું ફરતું મંડળ આઘેથી બૂમો પાડતું હતું. ભયમાંથી બચવા એક નાનું ખંજર કેડ આગળ સંતાડેલું હતું તે ઉપર હાથ ફેરવી સજ્જ થઈ, કુમુદસુંદરી સાવધાન બેઠી. માનચતુર પાસે આવી બોલ્યો : ‘બહેન, ભય ગયો. આપણાં માણસ જીતીને પાછા ફરે છે.’ માનચતુરે પોતાનાં માણસને કહ્યું : ‘મારા બહાદુર સવારો, હવે જરા ઘોડા પરથી ઊતરો. ઘોડાઓને વિશ્રામ આપો. સુભદ્રાનું તાજું પાણી પાઓ અને સ્વસ્થ થાઓ. મુખી, તમે મનોહરપુરી જાઓ અને ગુણસુંદરી ચિંતાથી સમાચારની વાટ જોતાં હશે તેમની પાસે તુરંત જઈ વધામણી ખાઓ. કહો કે બેચાર કલાકમાં કુમુદને લઈ અમે આવીએ છીએ.’ સૌ નીચે ઊતર્યા, ઘોડાઓને થાબડવા લાગ્યા, બીડી પીવા અને પાનસોપારી ખાવા મંડી ગયા. માત્ર સામેથી આવી પહોંચેલો શંકર ઘોડા ઉપરથી ન ઊતરતાં, ચારે દિશામાં લાંબી નજર નાખતો ફરવા લાગ્યો. માનચતુર ઘોડેથી ઊતરી કુમુદસુંદરીને કહેવા લાગ્યો : ‘બહેન, સૌ વિસામો લે છે એટલામાં ગમે તો જરી ઊતરો અને નદી પાસે હરોફરો. ફતેસંગ, નદી પાસે રથની જાજમ નંખાવ. બહેન બેસે અને પાણીબાણી પીએ.’ ગર્વથી ફૂલતો પ્રચંડ દેખાવનો શૂરવીર ડોસો પૌત્રીને જાજમ ભણી અત્યંત વહાલથી દોરી ગયો. આ સર્વ સ્વસ્થ દેખાવમાં શંકર અસ્વસ્થ હતો. કેમ કે તેને લાગતું હતું કે સુરસિંહના બે દીકરા બચી નાસી ગયા છે તેમાંથી પ્રતાપ કપટી છે, દુષ્ટ છે નીચ છે. કુમુદસુંદરીને પકડવા એણે પ્રતિજ્ઞા કરી છે. માનચતુરને એણે આ વાત કરી અને ચાર માણસને ચારે તરફ નજર રાખવા કહ્યું. અત્યારે પ્રાત:કાળના સાતેક વાગ્યા હશે, પણ જંગલમાં આઠનવ વાગ્યા જેવું લાગતું હતું. સ્વચ્છ અને ચળકતું સૂર્યબિમ્બ આકાશમાં ઉતાવળું ઊંચું ચડતું હતું. આકાશ એક મોટા ચોગાન જેવું લાગતું હતું અને ચારે પાસ તડકાથી ચળકતી ધોળી ભૂરી રેતી ભરેલું દેખાતું હતું. વાદળું તો હતું જ નહીં. પાસે નદીનો પુલ હતો તેની નીચે થઈ પાણી અથડાતું, સ્વર કરતું, જોરથી ચાલ્યું જતું હતું. ‘વડીલ, આ પાણી કેટલું ઊંડું હશે?' પૂછતી કુમુદસુંદરી પાણીમાં નીચું જોવા લાગી; પણ નિર્મલ નદીનું તળિયું દેખાતું ન હતું. નદીના પટમાં તેના વિચાર લીન થઈ ગયા. ‘સરસ્વતીચંદ્ર, તમે સાહસ તો નથી કર્યું? આ પાણીમાં ઝંપલાવ્યું તો નથી? અલી સુભદ્રા! તું ચતુર છે. એને નીરમાં ડુબાડીશ નહીં; એને તો કંઠે જ રાખજે. સુભદ્રા! મારા ભાગ્યની અદેખાઈ કરવાનું તારે કાંઈ કારણ નથી હોં! મારા સ્વામી છે તે મારા ઉપર સ્નેહ નથી રાખતા; મારા ઉપર સ્નેહ રાખે છે તે મારો સ્નેહી તો ખરો જ, પણ તેના ઉપર સ્નેહ રાખવાનો મને અધિકાર નથી. એટલે હું નહીં સ્વામીની ને નહીં સ્નેહીની!' કુમુદસુંદરીનું હૃદય આમ નિરંકુશ દ્રવતું હતું. નદી ઉપર વળેલી નેતર પેઠે – નાજુક વેલી પેઠે – તે ઘણીક વાર સુધી આમ ઊભી રહી. ચંદ્રગોળ નદી ઉપર આકાશમાં લટકી રહે તેમ એનું શોકના શાંત તેજથી તેજસ્વી મુખ નીચું વળી નદીમાં લટકતું હતું. આમ સૌ સ્વસ્થ અને શાંત હતાં તે વચ્ચે એકદમ શંકર કૂદ્યો અને શિકારી ગરુડ પર્વતના શિખર ઉપરથી અચિંત્યો પૃથ્વી ઉપર જાય તેમ નદીમાં ઊડી પડ્યો. ‘શું થયું? શું થયું?’ કરી સર્વ ત્યાં આગળ ગયાં તો નદીના પ્રવાહમાં પુલ ભણી ત્રણ જણ ખેંચાય! આગળ અર્ધી ડૂબતી કુમુદસુંદરી, પાછળ તરતો બહારવટિયો પ્રતાપ, અને તેની પાછળ લાંબા વામ ભરતો શંકર! બીજાં એક-બે માણસ પાછળ પડ્યાં, પણ નદીનો વેગ એટલો હતો કે આગળનાં ત્રણ માણસ ને તેમની વચ્ચે ઘણું અંતર પડી ગયું. પુલની પેલી પાસ કુમુદ ખેંચાય તે પહેલાં ત્યાં જઈ સામેથી નદીમાં પડવા માનચતુર ઘોડા પર એકદમ સવાર થઈ દોડ્યો. બીજાં માણસ પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વર્તવા દોડ્યાં. નદી અર્ધા ગાઉએ પાછી વળતી હતી તે સ્થળે કેટલાક દોડ્યા. બે જણ મનોહરપુરી દોડ્યા. રથ એમનો એમ રહ્યો. ગાડીવાન સુવર્ણપુરનો હતો અને પ્રમાદધનની ખાનગી વાતોનો કંઈક ભોમિયો હતો. ગાડીવાનને શંકા થઈ કે ભેખડ ભાંગી પડવાથી પગ સરતાં ભાભી પડી ગયાં હશે કે બહારવટિયે પગ ખેંચી ઘસડ્યાં હશે કે ભાઈથી કંટાળી આપઘાત કર્યો હશે? – તેને કાંઈ સૂઝ્યું નહીં. જાજમ સંકેલી, ગાડીમાં નાખી, કુમુદસુંદરીની ગાંસડી ને કાગળો એકઠા બાંધી, રત્નનગરીનો એક સવાર રથ જોડે હતો તેને આપ્યાં ને કહ્યું : ‘ગુણસુંદરીને આપજો. નદીના વેગ આગળ કંઈ આશા પડતી નથી. જે ઈશ્વર સામું જુએ તો તો સૌ સારાં વાનાં છે ને મનોહરપુરી જઈશું. જો અવળું જ થશે તો હું સુવર્ણપુર જઈશ.' સવાર આંખો લોહતો લોહતો ગાંસડી લઈ ઘોડે ચઢ્યો. ગાડીવાને બળદ જોડ્યા ને નિઃશ્વાસ મૂકી બંને જણ પુલ આગળ રસ્તા વચ્ચે ઊભા ને કુમુદસુંદરીના ગુણ સંભારવા લાગ્યા. સવાર કહેવા લાગ્યો : ‘અરેરે, બહારવટિયાને સૌ પૂરા પડ્યા ત્યારે આમ થયું! કુમુદસુંદરી તો કોક અલૌકિક અવતાર! એ મૃત્યુ-લોકને કેમ છાજે? જ્યાં જાય ત્યાં એને પગલે પગલે લક્ષ્મી! બોલે તો જાણે મોતી ખરે!' ગાડીવાન બોલ્યો : ‘ખરી વાત છે, ભાઈ! આવાં અલકબહેન તે પણ ભાભીસાહેબને પગલે પગલે ભમતાં. બુદ્ધિધનભાઈ પણે એમ જ જાણે કે કુમુદસુંદરી તે શી વાત? એનાં પગલાં તો દૂધે ધોઈને પીએ એવાં! એમને પેટે તો અવતાર લઈએ એવા એમના ગુણ!' સરસ્વતીચંદ્રને જોગી લોક લઈ ગયા ત્યારે કુમુદને આમ નદી લઈ ગઈ. બેના માર્ગ જુદા હતા; દિશા એક હતી.[1]
સુંદરગિરિના ઠેઠ યદુશૃંગ નામના શિખર ઉપર જોગીઓનો મઠ હતો. ગુરુજી સહિત સર્વ જોગીઓ આ સુંદરગિરિ ઉપર કલાકમાં જોસભેર ચઢી ગયા. મધ્યરાત્રિ વીતતાં જેમજેમ સૌ ઉપર ચઢ્યા તેમતેમ ટાઢ વધવા લાગી. અને સરસ્વતીચંદ્રને ચૈત્ર માસ છતાં ટાઢ વાવા લાગી. પર્વત ઉપરની ટાઢે એનાં શરીરને સચેત કર્યું, એના પ્રાણમાં નવા પ્રાણ મૂક્યા અને એનો શ્રમ ઊતરી ગયો. એને જાગ્રત થયેલો જોઈ જોગીઓ ખુશ થયા, એની ચારે પાસ વીંટાઈ વળ્યા. મોહનપુરી એને વાંસે હાથ ફેરવી આતુરતાથી પૂછવા લાગ્યો : ‘કેમ ભાઈ, તમે બરાબર જાગ્રત થયા? તમારે શરીરે સુખ છે?' પોતે અહીં ક્યાંથી આવ્યો ને આ કયું સ્થાન છે એમ પૂછ્યું. મોહનપુરીએ સરસ્વતીચંદ્રને સ્થળનો ઘટતો પરિચય આપ્યો ને બાવા વિષ્ણુદાસ સુંદરગિરિ પર આવેલા આ મઠના અધિષ્ઠાતા છે તે જણાવ્યું. સરસ્વતીચંદ્ર ક્ષુધાનું શમન કરી સૂઈ ગયો તે પ્રાત:કાળે રાધેદાને ઉઠાડ્યો ત્યારે જાગ્યો. કાલ પોતે જંગલમાં હતો, પરમ દિવસે જ રાણા ભૂપસિંહના દરબારમાં મગજને ગભરાવે એવો ઠાઠ જોયો હતો; ને અત્યારે સુંદરગિરિના આ અતિથિ આગળ વળી કોઈ નવું જ દૃશ્ય ખડું થયું. તે ચારે પાસ જોવા લાગ્યો. પાસે કાળા પ્રચંડ બાવાઓ પણ આ પર્વતના ખડકો જ હોય તેમ ચોપાસ દૃષ્ટિ ફેરવવા લાગ્યો. એ બેઠો હતો ત્યાંથી પંદરેક હાથ છેટે મઠ હતો ત્યાંથી સ્વર આવવા લાગ્યો. વિષ્ણુદાસ ગાતા હતા અને ગાન તંબુરામાં ઉતારતા હતા. વિહારપુરી સરસ્વતીચંદ્રના મોં સામું જોઈ તેને કહેવા લાગ્યો : ભાગ્યશાળી જુવાન! તમે વિષ્ણુદાસ બાવાના મઠના અતિથિ છો. તેમના અત્યંત પ્રસાદનું પાત્ર છો, માટે કોઈ રીતની શંકા ન રાખશો. તમે મહાપવિત્ર સ્થાનમાં અત્યારે છો. તમે કોઈ દુ:ખી પુરુષ જણાઓ છો, પણ શ્રીયદુનંદનની કૃપાથી તમારા ત્રિવિધ તાપ અહીં ભાંગશે. માટે અમારો સત્કાર સ્વીકારો.’ રાધેદાસે એક પથ્થર ઉપર દાતણપાણી મૂક્યાં. પર્વત પરથી પશ્ચિમનો સર્વ દેખાવ દૃષ્ટિ આગળ પથરાતો હતો. અને તેની પેલી પાસ સમુદ્ર ઉછાળા મારી રહ્યો હતો. સમુદ્ર દેખાતાં જ સરસ્વતીચંદ્રને મુંબઈ સાંભર્યું, પિતા સાંભર્યાં ને તેમની શી અવસ્થા હશે તે વિચારતાં આંખમાં પાણી ભરાઈ આવ્યું. રાધેદાસે નવીનચંદ્રરૂપ સરસ્વતીચંદ્રને પર્વત પરથી ઉપર-નીચેની ચારે પાસની સૃષ્ટિનો ખ્યાલ આપ્યો. તળેટી સુધી સરતા પાણીના ધોધ, સામે સમુદ્ર, વચ્ચે ધોળાં દહેરાં, આ પાસ સુભદ્રામાં ચોપાસથી ઊભરાતું અનહદ પૂર ને નીચે કાળા ડાઘા જેવી દેખાતી સુરગ્રામની વસ્તી. રત્નનગરીના મહારાજ મણિરાજ ને તેમના અમાત્ય વિદ્યાચતુર પણ આ સ્થળ પર કેટલી બધી આદરયુક્ત પ્રીતિ ને સદ્ભાવ રાખે છે, અહીં કેવી સ્વતંત્રતા પ્રવર્તે છે, વગેરે રાધેદાસે જણાવ્યું. સરસ્વતીચંદ્ર શિલા ઉપરની શિલા ઉપર ઊભો થયો અને સુવર્ણપુર આગળ શ્રીરત્નાકર સાથે સંગમ પામતી ભદ્રા નદીની શાખા સુભદ્રા ઉપર પૂર્વથી પશ્ચિમ સુધી દૃષ્ટિ નાખવા લાગ્યો. તીર ઉપરનાં ઝાડોની બે રેખાઓ વચ્ચે પાણીના શ્વેત પ્રવાહની રેખા – બે ઓઠ વચ્ચે ઉઘાડા પડેલા દાંતની હાર જેવી – દેખાતી હતી તે જોઈ રહ્યો. જ્યાં પોતે લૂંટાયો હતો તે સ્થળ કલ્પવા લાગ્યો. દૃષ્ટિમર્યાદાની પેલી પાસ સુવર્ણપુરને કલ્પવા લાગ્યો. અંતે સુવર્ણપુરથી કુમુદસુંદરી નીકળતી હોય અને બહારવટિયાઓના હાથમાં આવી પડતી હોય એવું જાણે દેખવા લાગ્યો. વાદળી સમુદ્રમાં પડતું મૂકતી લાગી એ જ સ્થાને કુમુદસુંદરી ઝંપલાવતી લાગી અને જાણે કે તેની કારમી ચીસ સરસ્વતીચંદ્રે સાંભળી. ‘સરસ્વતીચંદ્ર! મુંબઈથી મને છોડી નાઠા, સુવર્ણપુરથી પણ મને છોડી નાઠા, તો આ સ્ત્રીહત્યા તમારે શિર!' આમ બોલતી કુમુદ સમુદ્રનાં પાણીની કાળી પહોળી લેખામાં અદૃશ્ય થઈ ગઈ. એટલામાં રાધેદાસે સરસ્વતીચંદ્રને વિચાર-નિદ્રામાંથી જગાડ્યો ને ગુરુજીને મળવા સરસ્વતીચંદ્ર નીચે ઊતર્યો. સરસ્વતીચંદ્ર ચાલતો હતો ત્યાં આકાશમાંથી જાણે કુમુદસુંદરીઓની હારની હાર અધ્ધર ચાલતી હતી ને વનલીલાના જેવો રાગ કાઢી લહેંકા કરી ગાતી હતી.
‘પ્હેલી શાને કરી'તી પ્રીતિ સુંદરી રે લોલ,
પ્રીતિ કીધી તો શાને તજી સુંદરી રે લોલ!'
- ↑ ‘સરસ્વતીચંદ્ર' (ભા. ૨)