સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૨૩ : કુસુમની ચિંતા

હાલમાં એક પાસથી કુમુદની ચિંતા અને બીજી પાસથી કુસુમની ચિંતા, એ બે દુઃખથી ભરેલાં બે ત્રાજવાંના ભાર ગુણસુંદરીના મનની દાંડીને બે પાસથી નમાવતા હતા. દુઃખકાળે ઊછરેલી, દુ:ખોમાં ધાવેલી રંક કુમુદસુંદરીની બુદ્ધિસુંદરતાનો સ્વામી એને યોગ્ય બની શક્યો નહીં, ત્યારે ઊછળતી કુસુમસુંદરીને યોગ્ય સ્વામી જડતોપણ ન હતો. એ બે દુઃખ વચ્ચે કયું દુ:ખ અધિક ગણી સંભારવું અને કયા દુઃખને ન્યૂન ગણી ભૂલવું તે માતાને સૂઝતું ન હતું. મેનારાણીના બાગમાંથી પોતાને ઘેર આવી, આ દુ:ખી અબળા થોડી વાર મનમાં ને મનમાં રોઈ. પ્રમાદધનને ઠપકો દઈ તેના પાસેથી ન્યાય માગતી હોય તેમ દયામણે મોંએ કહેવા લાગી : ‘અથવા બેટા પ્રમાદધન! તને ગુણ ઓળખતાં જ ન આવડ્યા, તો તારે શો દોષ? અરેરે! મીઠી નદીને ખારા સમુદ્રમાં ભેળવી ખારી કરી નાખવાનું પાપ તે તો મારે જ માથે – સમુદ્રને શો ઠપકો દેવો? તે તો મૂળથી જ ખારો હતો. હરિ! હરિ!' આંખમાંથી આંસુની ધારા ચાલી રહી. દુઃખથી થાકી, ઊભી થઈ, બારી બહાર પોતાની વિશાળ વાડી ઉપર દૃષ્ટિ ઠારી તે આશ્વાસન શોધવા લાગી. આ વાડી રત્નનગરી અને મુંબઈ બેના નમૂનાઓના મિશ્રણરૂપ હતી. પ્રધાનપદે ચડ્યા પછી વિદ્યાચતુરને મહેલમાં જવું પડ્યું. તે પ્રાસાદ-મહેલ નગરીની બહાર એક મોટા ઉદ્યાનમાં હતો. આ ઉદ્યાનની વ્યવસ્થા પ્રધાનપત્નીએ લીધી હતી અને તેમાં વિવિધ સામગ્રી સજવામાં આવી હતી. કુંજો, ગલીઓ, ફુવારા, ઝરા, નાનાં તળાવો, ઝાડની ઘટાઓ, રેતીનાં અને ઘાસનાં ઉઘાડાં મેદાન જેવા ભાગો, ઊંડી ગુફાઓ, નીચાં કોતર, ઊંચા પર્વતનાં અનુકરણ અને કૃત્રિમ મિનારાઓ – આ સર્વ આ ઉદ્યાનના જુદા જુદા ભાગમાં ખડાં ક્યાં હતાં. આ ઉદ્યાનનું નામ મણિરાજે સૌન્દર્ય ઉદ્યાન પાડ્યું હતું. એમાં રાજા, રંક, વિદ્વાન, બાલક, યુવાન, વૃદ્ધ સર્વેને પ્રસંગે પ્રસંગે આમંત્રણ થતું. જે વિધાતાએ કુમુદના ભાગ્યનો અસ્ત કર્યો તેણેક કુસુમનો ઉદય કર્યો. પ્રથમ પુત્રી કુમુદને પારકે હાથે ઊછરવા દીધી હતી તે માતાએ બીજી પુત્રીને પોતાના હાથમાં લીધી. પ્રધાનના આવાસનો જે ભાગ સ્ત્રીવર્ગ માટે રાખેલો હતો તેની પાછળનો ઉદ્યાનભાગ કુસુમને માટે તૈયાર કરાવ્યો હતો. આ ઉદ્યાનભાગમાં કુસુમને બેસવા, ઊઠવા, અભ્યાસ કરવા, વ્યાયામ કરવા, નિર્દોષ સ્વતંત્ર વિકાસ પામવા યોગ્ય સામગ્રી રાખી હતી. પ્રિય પુત્રી આ સ્થળે હોય ત્યારે પણ તેના પર મહેલમાંથી ગુપ્ત નજર રાખી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. માતા આશ્વાસન માટે બારી આગળ ઊભી; ત્યાં વિકસતી રમણીય કુસુમનું દર્શન માતાને વધારે ચિંતાજનક નીવડ્યું. બારી નીચે પાસે એક માંડવો હતો. તેને ચારે પાસ લાકડાની ચીપોની જાળી હતી. જાળીની ચારે પાસ વેલાઓ ચઢાવી દીધા હતા. તેનાં લીલાં પાંદડાંઓ ઉપર ભૂરાં ધોળાં, પીળાં અને લાલ ફૂલોએ ભાત પાડી હતી. આ માંડવામાંથી નીકળવાના દ્વાર આગળ બટમોગરા અને ગુલાબના છોડ દ્વારપાળ પેઠે ઊભા રાખેલા હતા. એક દ્વાર સામે નાનો-સરખો પાણીનો કુંડ હતો. ગુણસુંદરી બારી આગળ આવી તે વેળા કુસુમ એક પાસેની જાળી આગળ આવી ઊભી હતી. ગૌર અંગની ઊભી રેખા એક વેલી પેઠે કશાને આધારે ટેકાઈ ચળકતી હતી, તેને વચગાળે પર્વેપર્વે ફૂલ જેવા રૂપાના આંકડા સૂર્યતેજથી વિશેષ ચળકાટ મારતા હતા. એટલામાં કુસુમ એક પાતળા ઝાડને બાઝી – તેનો વાંસો લટકતા કેશભારથી ઢંકાઈ ગયો – જોતજોતામાં ચઢી, આકાશમાં નાજુક વાદળી તૂટી પડે તેમ કુંડમાં કૂદી પડી, નીચે ઘડી ઉપર કરતી રંગેલી નાની વિહારતરણિ[1] પેઠે ટૂંકા વામ ભરતી તરવા લાગી. એટલામાં સુંદર પાછળથી આવી ગુણસુંદરીને કહેવા લાગી : ‘ચંદ્રકાંતભાઈ જોડેના ખંડમાં એકલા અત્યંત શોકમાં બેઠા છે.’ ચંદ્રકાંત સરસ્વતીચંદ્રને ઉદ્દેશીને બોલતો હતો : ‘હરિ! હરિ! બની બનાઈ બન રહી – અબ બનનેકી નાહી – એક વાર જોડ થઈ હતી તો થઈ હત. હવે બીજી જડ બંધાવી અશક્ય.’

*

વિદ્યાચતુરનું કુટુંબ એકઠું થઈ ગયું. વૃદ્ધ માનચતુરે ઘેર આવી કુમુદ વિશે આશા મૂકી અને મુકાવી. બુદ્ધિધનના પત્રથી પ્રમાદધનના મૃત્યુની કૃષ્ણપત્રી જણાઈ ગઈ. એક દિવસમાં રંક પુત્રીનું અને મૂર્ખ જમાઈનું મરણ સિદ્ધ થયું. અમાવાસ્યાની રાત્રિના અંધકારમાં ચોમાસાનાં વાદળાંનો અંધકાર ભળે – નિદ્રાની જડતા અને વૃષ્ટિનું શૈત્ય[2] ભળે – તેમ વિદ્યાચતુરના મહેલમાં થઈ ગયું. પ્રમાદધન નામ ઉપર આરોપ, ઠપકા અને શાપની વૃષ્ટિ પૂરી ન થઈ ત્યાં પ્રમાદધનના સમાચારે સૌને શાંત કર્યાં. મણિરાજ પોતે સર્વને આશ્વાસન આપી પાછા ગયા. મિત્રો, કુટુંબીઓ, જ્ઞાતિજનો, રાજમહેલનું મંડળ, અધિકારી-મંડળ વગેરેની આવજા ચાલુ રહી અને એ વ્યવહારમાં શોક કંઈક શમી ગયો. ગુણસુંદરીને કુમુદનો ઘા અતિશય લાગ્યો. એ હૃદયશૂન્ય જેવી દેખાતી હતી; પણ ઘરની જવાબદારી અને કુસુમની ચિંતાથી કુમુદના શોકે એને ઘડીભર મુક્ત કરી. સુંદર એક પાસથી ગુણસુંદરીની પાછળ ભમતી અને બીજી પાસથી કુસુમ પર દેખરેખ રાખતી. કુસુમના સ્વચ્છન્દ લાગતા આવેશને દાબેલો રાખવામાં સુંદરની ચિંતાઓ વહેંચાઈ ગઈ અને જન્મપર્યંત પોતાને આભારી કરનારી ગુણિયલ દેરાણીના ઉપકારોનો બદલો વાળવાનો ઈશ્વરે આ પ્રસંગ આપ્યો માની સુંદર તેમાં શિથિલ થઈ નહીં. પોતાના લતાગૃહના માંડવામાં, પાસેના તળાવની કોર ઉપર અને આસપાસની કુંજગલીઓમાં, કુસુમ એકલી એકલી ફરવા લાગી અને કુંવારા રહેવામાં શો લાભ છે, લગ્ન પછી પણ તેની છાયા રૂપે પાછળ રહેતું, કુમુદબહેન જીવતાં હોત તો આવત તે વૈધવ્ય કેવું ચિંતાજનક ને શોકજનક છે, વગેરે વિચારવા લાગી. કુસુમ આમતેમ દોડાદોડ કરતી હતી તેને સુંદરે ટકોરી : ‘બેટા, તું દોડાદોડ કરે એ તે આટલી વયે છોકરી માણસને માટે કાંઈ સારું કહેવાય? ગુણિયલને તારી કેટલી ચિંતા થાય છે તે તને ખબર છે? કુસુમ! હવે તું ડાહી થા; આવે કાળે માની ચિંતા તું ઓછી નહીં કરે તો પછી ક્યારે કરવાની હતી?’ આ વાક્યના મર્મભાગે સફળ પ્રહાર કર્યો અને કુસુમ અંકુશમાં આવી ગંભીર થઈ. ગુણસુંદરી કુમુદના શોકમાં ડૂબી જડ જેવી દેખાતી હતી; તે કુસુમ તરફ ધ્યાન આપી શકતી ન હતી. આ દરમિયાન ફ્લોરા નામની અંગ્રેજ કુમારિકા જે મણિરાજનાં પત્ની કમલાવતી રાણીની શિક્ષિકા હતી. તેને ઘડીક કુસુમ પાસે મોકલવાની વ્યવસ્થા થઈ. કુસુમ અંગ્રેજ સ્ત્રીઓના સુઘડ સંસ્કારોની રસિયણ હતી. વળી અંગ્રેજ સંસારમાંથી આપણા દેશી સંસારને કેટલું અનુકૂળ અને પ્રતિકૂળ છે તે શોધવાની કુસુમને અભિલાષા હતી અને ફ્લોરા અને કુસુમના વાર્તાવિનોદ રસભર થવા માંડ્યા. વિલાયતમાં સ્ત્રી ધારે તો કુમારિકા રહી શકે, પરાણે પુત્રીને પરણાવવી એ તો પાપ છે. વગેરે ફ્લોરા પાસેથી કુસુમે જાણ્યું ને એનો કુંવારા રહેવાનો અભિલાષ વધુ દઢ થયો. જોકે સુંદર વારેવારે એને આ વિચારમાંથી પાછી જ વાળવા મથતી હતી. પોતાના ખંડ આગળ આવીને કુસુમ જાગી હોય તેમ બોલવા લાગી : હાં હાં! જખ મારે છે. પિતાજી ગમે તે કરે પણ વર મળશે ત્યારે પરણાવશે કની? સરસ્વતીચંદ્ર જડવાના જ નથી ને બીજો વર મળવાનો જ નથી. પિતા મારા સામું નહીં જુએ પણ અનાથનો બેલી ઈશ્વર કહ્યો છે તેયે શું મારા સામું નહીં જુએ?' નવી આશાના ઉમંગથી સ્વસ્થ થયેલી બાળકી કમાડ ઉઘાડી અંદર પેઠી અને કમાડ વાસી દીધાં. સુંદર બધું સાંભળતી પાછળ પાછળ ચાલતી હતી તે ઊભી રહી અને છાતીએ હાથ ફૂટી બોલી ઊઠી : ‘છોકરી! ગજબ કર્યો! હવે તો તું બાપનીયે ન રહી!'

*

હિંદુ સંસારમાં કુસુમ કુમારિકા કેમ રહી શકે, પણ ત્યારે પુત્રીની સ્વતંત્રતાયે કેમ નષ્ટ થાય – આવા વિચારોમાં ડૂબી ગયો. પણ હસતો હસતો વિદ્યાચતુર એક મધ્યાહ્ને ભોજનનો નશો ચઢેલો તેથી નિદ્રાવશ થઈ ગયો. થોડી વારે તેની આંખ ઊઘડી ત્યાં તેના હાથમાં પત્રો મૂકતી કરમાયેલે મોંએ ગુણસુંદરી બોલી : ‘સૌભાગ્યદેવીએ પણ સ્વર્ગવાસ કર્યો!' ‘હેં! શું થયું?' કરી વિદ્યાચતુર ચમકી ઊઠ્યો અને પત્નીના સામું આતુરતાથી અને શોકથી જોઈ રહ્યો. ‘પુત્ર દુષ્ટ નીવડ્યો અને ગયો, કુમુદ પણ પ્રમાદધનને લીધે જ ગઈ. સાથેલાગો સર્વ પાસથી માર પડ્યો અને માયાળુ હૈયું ફાટી ગયું. બુદ્ધિધનભાઈને માથે હવે બાકી ન રહી. આપણું દુ:ખ હવે ઢંકાઈ ગયું. ઈશ્વરે કંઈક તેના સામું જોયું છે તે છ માસનો ગર્ભપુત્ર અવતર્યો છે, પણ એટલા અણવિકસ્યા ફૂલ ઉપરની આશા તે તો કાચા સુતરનો તાંતણો!' ગુણસુંદરી બોલી. વિદ્યાચતુરે કાગળો ટેબલ પર મૂકી દીધા, આસનમાં શરીર કળી ગયું અને આંખોમાં પાણી ભરાઈ આવ્યું. વિદ્યા : ‘હવે બીજી વાત કરો. આ પત્રોમાં તેં કહ્યું તે જ છે કે કાંઈ મારે જાણવા જેવું વિશેષ છે?' ગુણ : ‘એક પત્ર અલકકિશોરીનો છે ને બીજો વનલીલાનો છે, તે મેં વાંચ્યા છે. બીજા પત્રો પુરુષોના છે તે મેં ઉઘાડ્યા નથી. અલકકિશોરી પોતાના પિતાને માટે કુસુમનું માગું કરે છે. વનલીલા પણ એ જ વિશે લખે છે.’ વિદ્યાચતુર આભો બન્યો. ‘કુસુમ બુદ્ધિધનને માટે?' ગુણસુંદરી સ્વસ્થ રહી બોલી : ‘છૂટકો નથી. દેશ-પરદેશ-નાતમાં કોઈ બીજો નથી.’ વિદ્યા : ‘ગુણિયલ! તું શું બોલે છે? દુઃખબાબહેનની ભાણીને માટે જે વયનો વર તેં જ ન જોયો તે કુસુમને માટે જોવાની વાત તું શી કરે છે? પ્રમાદને કુમુદ દીધી તે કાળે ઉતાવળ થઈ ગઈ. પણ એ તો એકલી વિદ્યાનું જ કજોડું હતું અને આ તો સાથે સાથે વયનું પણ કજોડું.’ ગુણ : ‘અલકનો પત્ર કાળજું વલોવે છે. તે વચન આપે છે કે બુદ્ધિધને દેવી ઉપર જે સ્નેહ રાખેલો તે પરથી સમજી લેવું કે કુસુમને પણ તેવા જ સુખની સીમા થશે.’ વિદ્યા : ‘એ તો ગમે તે કહે. એ કરતાં કુસુમ કુમારી સારી. પુત્રી દેતાં પુત્રીના જ સ્વાર્થનો વિચાર કરવો.’ ગુણ : ‘બીજા બે પત્રો તો વાંચો.’ વિદ્યા : ‘હું તો એ પત્રો કાંઈ વાંચતો નથી. ગુણિયલ સરસ્વતીચંદ્રનું નક્કી થાય ત્યાં સુધી કાંઈ વિચાર કરવો નથી.’ દ્વાર અર્ધ ઉઘાડું હતું ત્યાં ઊભી ઊભી કુસુમ આ સૌ સાંભળતી હોય તેમ વિદ્યાચતુરને લાગ્યું અને તેણે ધીમે રહી તેને બોલાવી, ‘કુસુમ!' દ્વાર આગળથી કુસુમ વીજળીના ચમકારા પેઠે ઝપાટાબંધ બીજી પાસ ચાલી ગઈ. જન્મ્યા પછી તેમની આજ્ઞા આજ જ પહેલવહેલી એણે લોપી. એની આંખોમાં તીવ્ર રોષની રતાશ અને અનાથતાના ભાને આણેલી આંસુની છાલક સ્પષ્ટ હતી. છેટેથી પણ તે માતાપિતા જોઈ શક્યાં. દ્વાર આગળ જઈ ગુણસુંદરીએ એને બેત્રણ વાર બોલાવી છતાં કુસુમ દેખાઈ પણ નહીં અને બોલી પણ નહીં. માતાપિતાની વિશ્રમ્ભકથા[3] કુસુમે સાંભળી લીધી અને ત્યાંથી જ તેના મનને મોટો ધકકો લાગ્યો. પોતાના ખંડમાં તે આવી, દ્વાર બંધ કરી દીધાં અને સુંદર-ઉદ્યાનમાં એક બારી પડતી હતી ત્યાં કઠેરે ટેકો દઈ ઉદ્યાનના લાંબા વિસ્તાર ઉપર દૃષ્ટિ નાખતી ઊભી. કાને પડેલા શબ્દોએ એને દિગ્મૂઢ બનાવી દીધી અને તે શબ્દોએ ઉત્પન્ન કરેલી કલ્પનાએ એનાં આંસુને ગાલ ઉપર જ સૂકવી દીધાં. તેના ડાઘ બારીમાં આવતા તડકાએ ચમકાવવા માંડ્યા. એની રોષભરી આંખોની રતાશ લીલાં ઝાડની ઘટા ઉપર પડતાં નરમ પડી અને એ શાંત થઈ. તેના વિચાર બીજી દિશામાં વળ્યા.

‘પિતાજી અને ગુણિયલ-બેમાંથી કોઈનો વાંક કાઢવા જેવો નથી. તેઓ મારા સ્વાર્થનો જ વિચાર કરી મારે માટે જ આટલો ક્લેશ પામે છે. આ ઝાડની ઘટાથી અને આ તડકાથી મારો ક્લેશ દૂર થયો. મીરાંબાઈ ગાઈ ગયાં છે કે :

‘મીરાં ભક્તિ કરે રે પ્રકટકી,
ઓ નાથ! તુમ જાનત હો સબ ઘટકી!'
ઓ પ્રકટ પ્રભુ! તું શું મને નહીં બચાવે?

બુદ્ધિધનની પિતા સ્પષ્ટ ના કહે છે અને ગુણિયલ હા કહે છે. મેં જાણ્યું કે સરસ્વતીચંદ્ર જડવાના નથી એટલે નિરાંત થઈ, ત્યારે આ નવું ક્યાં જાગ્યું? મારે એકનુંયે કામ નથી ને બીજાનુંયે નથી. ઈશ્વર કરે ને આ વાતમાં ગુણિયલ હારે ને સરસ્વતીચંદ્ર જડે નહીં તો મારું ધાર્યું થાય! માટે હું પણ હાલ તો એમ જ કરું કે બુદ્ધિધનને ચોખ્ખી ના કહું – એટલે ગુણિયલ હારશે ને પિતા ફાવશે. દ્વાર ઉઘાડ્યું અને માતાપિતાને ગયેલા દીઠાં. તેમના ખંડમાં કુસુમ ગઈ. ટેબલ ઉપર પત્ર હતા તે લીધા. નરભેરામનો પત્ર વિદ્યાચતુર ઉપર હતો તેમાં બુદ્ધિધનને માટે કુસુમનું માગું હતું. બુદ્ધિધનની હવે લગ્ન માટે ઇચ્છા નથી પણ મહારાણાસમેત સર્વનો વિચાર દૃઢ છે એમ પણ લખેલું હતું. કુસુમને આશા પડી. બીજો પત્ર બુદ્ધિધનનો હતો. કુસુમ વાંચવા લાગી. એમાં લખ્યું હતું : ‘મારા ગૃહસંસારનાં બે રત્ન ખોવાયાં. પથ્થર ડૂબ્યો અને તેના ભારથી ચંપાઈ તેની તળે રત્ન પણ ડૂબ્યાં... મારા ઘરમાંથી કુમુદસુંદરી ગયાં ત્યારથી મારું સર્વસ્વ ગયું. કુમુદસુંદરીની સાસુ વહુના શોકથી ગઈ! તમારો ગુણસુંદરી ઉપર સ્નેહ તે ઉપરથી મારો મારી ધર્મપત્ની ઉપરનો સ્નેહ જાણી લેજો. એણે મારો વિપત્તિકાળ દીઠેલો ને મારો સંપત્તિકાળ પણ દીઠો. હવે મને કશી વાસના નથી. નવો ભોગ કે નવો અવતાર ઉભય હવે મને અનિષ્ટ છે. દેવી એક બાળકપુત્ર મૂકી ગઈ છે. જો તે જીવશે તો તેની બહેનને હાથે ઊછરશે, નહીં જીવે તો મને શોક નથી. મોટો કરેલો પુત્ર મૂવો તો વીજળી પેઠે ક્ષણવાર ચમકતો બાળક સુપુત્ર નીવડશે એ જાણવું કઠણ છે. ચિ. કુસુમને કોઈ વિદ્વાન, નીતિમાન, રૂપવાન, શ્રીમાન, યુવાન સ્વામી મળે એવો મારો અંત:કરણનો આશીર્વાદ છે; અને મારે પોતાનો આપેલો આશીર્વાદ હું જાતે નિષ્ફળ નહીં કરું. કુમુદસુંદરીની નાની બહેન તે મારી પુત્રીરૂપ છે.' કુસુમને શેર લોહી ચઢ્યું. ‘હા... શ! હવે જગત જખ મારે છે. કુસુમની પ્રાર્થના પ્રભુએ સાંભળી. બુદ્ધિધનભાઈ! તમારું ઘણું જ કલ્યાણ થજો!... સરસ્વતીચંદ્રને પણ મારી પેઠે છે – એ તો મારા પ્રથમ ગુરુ હવે માત્ર ગુણિયલ અને કાકીને જીતવાં રહ્યાં. સરસ્વતીચંદ્ર નહીં જડે એટલે પિતાજીની ચિંતા નથી.' – એમ વિચારતી કુસુમ ભાવિજીવનની કલ્પના કરવા લાગી.




  1. વિહાર-નૌકા (સં.), જોલીબોટ
  2. શીતળતા, ઠંડી. (સં.)
  3. ખાનગી વાત (સં.)