સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૩૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૩૨ : ગુણસુંદરીનું શમન

ચંદ્રકાન્તને મળનાર સાધુજન પાછો ગયો; તે વાતમાં પોતાને જિજ્ઞાસા ન હોય એવું પોલીસ – ઉપરી સરદારસિંહે દર્શાવ્યું. ચંદ્રકાંત પાછલે પહોરે સુંદરગિરિ તરફ ઊપડ્યો. રસ્તામાં પોતાની સાથે સંકેત કરનાર સાધુએ એને મળવાનો સંકેત કર્યો. પ્રભાતમાં વિદ્યાચતુરે ગુણસુંદરીને બોલાવી. સરસ્વતીચંદ્ર વિષ્ણુદાસના મઠમાં છે અને કુમુદ પણ જીવતી છે, એ સમાચાર વિદ્યાચતુરે આપ્યા. કુમુદના સમાચારથી મા મલકાઈ, પણ તે સરસ્વતીચંદ્ર પાસે જ છે એમ જાણતાં ગુણસુંદરીનું મોં લેવાઈ ગયું, નીચું જોઈ રહી ને આંસું ટપકવાં લાગ્યાં. હવે જીવવાં શાં ને જોવાં શાં? હું જાઉં છું. એ દીકરી ને તમે બાપ. હું છૂટી ને છૂટીશ.’ વિદ્યાચતુરે ધીરે ધીરે ગુણસુંદરીને નરમ પાડી. ‘ગુણિયલ! મારા હૃદયના સર્વ પડદા દૂર કરી વાત કહું છું તે સાંભળી લે. કુમુદનો સરસ્વતીચંદ્ર સાથેના સંબંધનો અપવાદ[1] ખોટો હશે તો કાંઈ દુ:ખ છે જ નહીં. મારી શ્રદ્ધા છે કે તું, સુંદર અને ચંદ્રકાંત મળી સરસ્વતીચંદ્રને સમજાવી શકશો ને કુસુમનું ભાગ્ય ઊઘડશે. કુમુદની ઇચ્છાથી અવળી ચાલે એટલું કુસુમના હૃદયનું ગજું નથી. પણ લોકનો અપવાદ ખરો હોય તો આપણે આપણો ધર્મ હવે ન ચૂકવો. સરસ્વતીચંદ્ર ઉપરથી કુમુદનું હૃદય દૂર થઈ શક્યું ન હોય તો દોષ કોનો? આપણો જ.' છેવટે ગુણસુંદરી સઘળાં કુટુંબ સાથે સુંદરગિરિ ઉપર જાય ને બધી તપાસ કરે એ નક્કી થયું.

*

કુમુદ વસંત ગુફામાંથી નીકળી તે પહેલાં તો પ્રધાનકુટુંબ માટે તૈયાર થયેલા બેવડી કનાતના તંબુઓમાં કુટુંબ દાખલ થઈ ગયું હતું. મોહનીમૈયા આવી અને પરિચયવિધિ થતાં ગુણસુંદરીએ કહ્યું : ‘તમારી પાસે કાંઈ ગુપ્ત વાત કહેવી છે ને પૂછવી છે. મધુરીમૈયા નામની બાળા તમારે ત્યાં છે?' ‘એ સાધ્વીઓનું જીવન થઈ પડી છે. પરમ દિવસે જ એ સ્વેચ્છાથી કંથાધારિણી થઈ છે.' ‘અમે ડૂબી ગઈ ધારેલી એ મારી પુત્રી હોવાનો સંભવ છે.’ ‘કમળમાં પરાગ જન્મે તે ઉચિત જ છે.’ સુંદરગૌરી આ વાત સાંભળી બોલી : ‘શું મોહનીમૈયા, આ મારી કુમુદ તમારામાં સાધુડી થઈને રહેશે ને તમે અમને પાછી નહીં સોંપો?' ‘અમે કોઈને શરણે લઈએ છીએ ખરાં, પણ પારકાને શરણે મૂકતાં નથી. એ આપમેળે આનંદથી તમારી પાસે આવે તો અમને કશી હરકત નથી.’ મોહની ગઈ તેની સાથે સુંદર અને કુસુમને લઈ ગુણસુંદરી પોતાના તંબુમાં ગઈ. એને પગલે વૃદ્ધ માનચતુર આવ્યો ને પૂછવા લાગ્યો. ‘ગુણસુંદરી, મોહની પાસે કાંઈ નવીન જણાયું?' ‘ચંદ્રાવલી એને લઈ થોડી વારમાં આવશે અને આપણાં નાક રહેવાનાં છે કે કપાવાનાં છે તે કહેશે.’ ‘આપણાં નાકબાક છે એવાં ને એવાં રહેશે. દીકરીને નકામા ડામ દેશો નહીં. બહારવટિયામાંથી બચી ને જળમાંથી જીવી તો સાધુઓમાં સમાશે. જગતને તે જાણવાની કાંઈ જરૂર નથી. જુઓ, બળઝળી રાંક દીકરી તમારી પાસે આવે ત્યારે એને વઢશો નહીં, અબોલા રાખશો નહીં, દિલાસો આપજો, ને એનાં આંસુ લોહજો. એને ને કુસુમને જુદાં તંબુમાં જવા દેજો. બે બહેનો એકબીજાની વાત જાણી લેશે. બેટા કુસુમ! બહેનને કહેજે કે કોઈ એના ભણી નહીં રહે તો દાદાજી તો રહેશે જ, ને જેમ બહારવટિયાઓમાંથી તને ઉગારવા ઘોડે ચઢ્યા હતા, તેમ સંસારનાં દુ:ખમાંથી તને ઉગારવા તારા દાદાજી ખડા ઊભા છે, માટે રજ ચિંતા કરીશ નહીં.’ માનચતુર ગયો. કુસુમ જતાં જતાં અકળાઈને બોલી : ‘હું હવે જાઉં છું. મને મારી જરી ચિંતા નથી; પણ આટલાં દુ:ખની ચેહમાં ગરીબડી કુમુદબહેનને નાખી, તેને હવે શાંતિ આપવાની વાત તો રહી, પણ દાઝ્યાં ઉપર ડામ દો છો, ને નથી કોઈ જોતું ન્યાય કે અન્યાય; તે તો કુસુમથી નહીં ખમાય.’ સુંદરગૌરી : ‘જા, બાપુ! જા.’ કુસુમ બીજા તંબુમાં જઈ બહાર રસ્તા પર દૃષ્ટિ જાય તેમ બેઠી. ઉપર ઝાડની ઘટા, નીચે લાલ માટી, આખે રસ્તે પાંદડાંઓમાં થઈને આવતા તડકાની-કરોળિયાની હાલતી જાળ જેવી – જાળીઓ અને તડકાના સાપ જેવા લિસોટાઓ – બહેનને જોવા આતુર આંખો થાકી નહીં. એ માર્ગને છેડે, માનચતુર રસ્તાની એક પાસ હાથમાં લાકડી ને લાકડીની ટોચ ઉપર હડપચી ટેકવી બેઠો હતો ને જે આવે તેની પાછળ કોણ છે એવું પૂછતો હતો. અંતે ચંદ્રાવલી અને કુમુદ દેખાયાં. કુમુદ બોલવા જતી હતી એટલામાં માનચતુર જ તેની પાસે આવ્યો ને બોલ્યો : ‘બેટા કુમુદ!' ‘હા, વડીલ! આપ ખુશીમાં છો?’ બોલતાં કુમુદની આંખમાં આંસુ ભરાયાં. ‘બેટા! તું રજ પણ ગભરાઈશ નહીં. કોઈ તારું નહીં થાય તો હું થઈશ. પણ તારો આ લેખ મારાથી જોવાતો નથી. આ ઊંચેથી આભ પડશે તેની તારા દાદાને ચિંતા નથી; પણ તારી આંખમાં આંસુનું ટીપું સરખું દેખું છું ત્યાં મારો જન્મારો ધૂળ વળ્યો સમજું છું. સૌ તંબુ ભણી વધ્યાં. હરિણી પેઠે કુસુમ દોડતી આવી ને બળથી કુમુદને વળગી પડી. બે બહેનોની આંખમાં હર્ષનાં આંસુ હતાં. ‘કુસુમ! બહેન તું હવે એકલી જ રહી! હવે એનાં ભગવાં કઢાવવા એ તારી ચતુરાઈની કસોટી!' ‘દાદાજી! ભગવાં તો મને પણ ગમ્યાં. આપે ગુણિયલને શિખામણ દીધી તે શેઠની શિખામણ ઝાંપા સુધી રહી છે. માટે અમે બે આ તંબુમાં બેસી વાતો કરશું ને આપને ગુણિયલનો વિશ્વાસ પડે ત્યારે અમને બોલાવજો.’ ‘દાદાજી! ગુણિયલને કહેજો કે કુમુદ જેવી રાંક હતી તેવી જ હજી છે. એને મોં દેખાડવા યોગ્ય નહીં ગણો, તો આજ સુધીનાં એનાં નવ્વાણું ટૂંકાં ભાગ્યમાં સોમું ઉમેરાશે. દાદાજી! ભગવાનો ત્યાગ હવે કરું તે ફરી અવતારના કૂવામાં પડવા જેવું છે. દાદાજી! હું પરમ સુખી થઈ છું તે જાણી આનંદ પામો.' ડોસો નીચે બેસી કપાળે હાથ દઈ રોવા લાગ્યો. કુમુદ એને ગળે વળગી આંસુ લોહવા લાગી. કંઈક સ્વસ્થ થઈ માનચતુર બોલવા લાગ્યો : ‘તારા જેવી બાળકીને જ્યારે ભગવાં જ ગમશે, ત્યારે હું પણ જ્યાં તું ત્યાં હું – મને પણ ભગવાં ગમશે. ભગવાં ધરીશ. પણ જે બેચાર વર્ષ જીવવાનાં બાકી હશે એટલાં તને જોતો જોતો પૂરા કરીશ ત્યારે જ મારો જીવ ગતે જશે.’ એક તંબુમાં માનચતુર, ગુણસુંદરી, સુંદર અને ચંદ્રાવલીની વાતો ચાલી. ચંદ્રાવલીએ ગુણસુંદરીને કુમુદની કથા માંડીને કહી ને ગુણસુંદરી ભૂતકાળનો શોક છોડી શાંત થઈ, પુત્રી ભ્રષ્ટ નથી જાણી નિવૃત્તિ પામી. કુમુદ પ્રત્યેના કઠોર વર્તનથી દુભાયેલી કુસુમને શાંત કરી સુંદરગૌરી બંને બહેનોને ગુણસુંદરી પાસે લઈ આવી. કુમુદ માતાને ચરણે માથું મૂકી પગે પડી, પણ બોલાયું નહીં. માનચતુર કુમુદને ઉઠાડવા લાગ્યો : ‘કુમુદ, બેટા! હવે ઊઠ. હવે તો જેટલી વધારે વાર તું પગે પડી રહીશ એટલી ગુણિયલને શિક્ષા થાય છે.’




  1. નિંદા. (સં.)