સહરાની ભવ્યતા/આ રેખાચિત્રો

આ રેખાચિત્રો


‘ગ્રંથ’ના તંત્રી શ્રી યશવંત દોશીએ ‘તસવીર’ નામે જે શ્રેણી 1967-68માં ચલાવેલી એમાં ઉમાશંકર અને જયંતિ દલાલ વિશે મેં લખેલું. પછી ‘સંદેશ’ના તંત્રી શ્રી ચીમનભાઈ પટેલે ‘સાહિત્યસંગમ’ વિભાગ સોંપ્યો તેમાં પંચોતેરમી વરસગાંઠ પ્રસંગે નગીનભાઈ વિશે લખ્યું. આપુસ્તકને રેખાચિત્રના વિભાગમાં મૂક્યું છે પણ કેટલાંક લખાણોમાં અભ્યાસલેખનું સ્વરૂપ પણ દાખલ થયું છે. એ ઠીક થયું છે માનીને સંચયકર્યો છે.

નામ ‘સહરાની ભવ્યતા’ એવું આપ્યું એ જયંતિ દલાલ વિશે વાંચતાં સ્પષ્ટ થશે. ‘સહરા માત્ર ભૂગોળમાં જ નહિ, દરેક માનવીને હૈયે છે’ એમ કબૂલીને કવિ ઉમાશંકરે કહેલું છે કે માણસોનાં હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી.

એ ભવ્યતા મને દલાલમાં દેખાયેલી. સુખલાલજી જેવામાં સાગરની ભવ્યતા પણ જોઈ શકાય. પણ કહે છે કે અત્યારે કેટલાંક રણ છે ત્યાંપહેલાં સાગર હતા.

મને એમ છે કે સર્જકનું સંવેદન જગતના ઉધાર પાસાને વધુ ત્વરાથી ઝીલે છે. પલાયનવાદીઓ, સીનિકો, નખશિખ નાસ્તિકોને શોધવાજનારે પહેલાં કલાકારોની દુનિયામાં ડોકિયું કરવું. સમૃદ્ધિ નકારાત્મક પણ હોઈ શકે, ફકીરોમાં હોય છે તેવી. જેનો ખાલીપો વિશાળ હશેએણે આખા આકાશને ધાર્યું હશે. જ્યાં વિશ્વ સમગ્રની છાયા–છબિ ઝિલાય એ સહરાને હું ભવ્ય કહું છું. દલાલને અહીં યોગ્ય સંગત મળીહશે. એમને પંગતની જરૂર ન હતી.

31-5-1980


બીજી શોધિતવર્ધિત આવૃત્તિ સને 1987માં પ્રગટ થઈ હતી.

ત્રીજી શોધિત આવૃત્તિ ‘શિષ્ટ પુસ્તક પ્રકાશન શ્રેણી’ અંતર્ગત પ્રગટ કરવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર.

25-2-2003


શ્રી મહેન્દ્ર મેઘાણીએ સહરાની ભવ્યતાની પ્રથમ આવૃત્તિથી આજ લગી સદ્ભાવ દાખવ્યો છે. વાડીલાલ ડગલી, યશવંત દોશી, ડંકેશ ઓઝા, હરિકૃષ્ણ પાઠક, વિનોદ ભટ્ટ, સંજય ભાવે આદિ સહૃદયોએ સહરાની ભવ્યતા અને તિલક કરે રઘુવીર 1-2નાં રેખાચિત્રોની ઝીણવટભરી મુલવણી કરી છે. એથી આ સ્વરૂપ સાથેનો મારો નાતો સ્વાભાવિક હોવાની ખાતરી થઈ છે.

14-2-2007 અમદાવાદ-15

રઘુવીર ચૌધરી