સહરાની ભવ્યતા/ઈશ્વર પેટલીકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઈશ્વર પેટલીકર


બી. એ. સંસ્કૃતનો વર્ગ. પ્રો. સી. એલ. શાસ્ત્રી શિક્ષણ અને જ્ઞાનનો સંબંધ ચર્ચી રહ્યા હતા. એમણે મુદ્દાની સ્પષ્ટતા માટે દાખલો આપ્યો:

શ્રી પીતાંબર પટેલ અત્યારે આકાશવાણીમાં વાર્તાલાપ વિભાગ સંભાળે છે અને એમણે કેટલી બધી કૃતિઓ લખી છે! એ ભણ્યા છે કેટલું? માત્ર મૅટ્રિક સુધી. આ બધો વિકાસ એમણે પછી કર્યો.

મેં કહ્યું કે સાહેબ આપનો મુદ્દો સાચો છે પણ દાખલો ખોટો છે. પીતાંબરભાઈ તો રીતસર એમ. એ. થયેલા છે અને તે વખતથી જ એમણે વિકાસ કરેલો છે. જેમણે પાછળથી વિકાસ કર્યો અને જે પહેલાં મેટ્રિક જ થયેલા હતા એ તો શ્રી ઈશ્વર પેટલીકર.

મેં નમ્રતાથી કહ્યું હતું અને શાસ્ત્રીસાહેબનો મારા પર પ્રેમ હતો પણ એ મારી વાત માનવા તૈયાર ન થયા. પેટલીકર માત્ર મૅટ્રિક સુધી જભણેલા હોય એ તથ્ય એમના ગળે ઊતરે એમ ન હતું. એમણે પેટલીકરના ઘણા લેખો વાંચ્યા હતા. એ લેખો કોઈક અભ્યાસી અને વિચારક જ લખી શકે. આ મુદ્દાસર વાત કરનાર પાસે એમ. એ. સુધીની તાલીમ તો ઓછામાં ઓછી હોય.

આ વાંચતાં પીતાંબરભાઈને ખોટું ન જ લાગે… એ જાણે કે એમના સૌથી મોટા પ્રશંસક પેટલીકર છે, એમના ઉત્સાહના પ્રશંસક. પીતાંબર એટલે ઉત્સાહ. પન્નાલાલ એટલે કોઠાસૂઝ અને પેટલીકર એટલે વિવેક. પન્નાલાલ નીરક્ષીર છુટ્ટાં પાડવાની પંચાતમાં પડ્યા વિના છાશથી ચલાવી લે, પીતાંબર દૂધ અને પાણીનું પ્રમાણ નક્કી કરવા નવેસરથી દૂધ–પાણી ભેગાં કરી જુએ, જ્યારે પેટલીકર સામે હોય એને જ છૂટું પાડી આપે. અને બંનેને ભેગાં કરનાર દોણી સુધી જ નહિ, મૂળ ગાય–ભેંશ અને કૂવા–તળાવ સુધી જાય.

પેટલીકર જૈન નહોતા, પણ વિભાજ્યવાદી હતા. પૃથક્કરણ કરે, એકાન્ત દૃષ્ટિનો ત્યાગ કરે, વસ્તુને અલગ અલગ ખૂણેથી જુએ અને એદરેક અધૂરા દર્શનને ખોટું માન્યા વિના અંતે સૌના સમાહાર રૂપે સત્ય કહેવા મથે. પેટલીકરે ગીતા વિશે તો વાંચન–લેખન કર્યું હતું પણ એમણે અનેકાન્તવાદનું પણ અધ્યયન કરવું જોઈતું હતું. એમને જલદી સમજાત. એ મોટા વિચારનું કેટલુંક પહેલાંથી એમના આચારમાંપડેલું હતું.

તપસ્યાના પરિણામે ભગવાન મહાવીરે અનેકાન્ત – દૃષ્ટિની ચાર શરતો કહી છે એમાંની ત્રીજી પંડિત સુખલાલજીએ આ શબ્દોમાં કહી છે:

“ગમે તેવા વિરોધી દેખાતા પક્ષથી ગભરાવું નહીં અને પોતાના પક્ષની જેમ એ પક્ષની પણ આદરપૂર્વક વિચારણા કરવી અને પોતાના પક્ષતરફ પણ વિરોધી પક્ષની જેમ આકરી સમાલોચક દૃષ્ટિ રાખવી.”

પેટલીકર અજાતશત્રુ રહેવાનો લોભ રાખ્યા વિના આકરામાં આકરી ટીકા કરી શકતા. એ વખતે ટીકા કરવાની સભાનતા રાખતા નહીં. એમની સામે મુદ્દો જ હોય. તેથી જેની ટીકા એમણે કરી હોય એ પણ એમનામાં વિશ્વાસ મૂકે. અને જેમણે અગાઉથી એમનામાં વિશ્વાસમૂકેલો હોય એની પણ એ ટીકા કરી શકે. ક્યારેય દુ:ખી પતિ કે વિખૂટી પડેલી પત્ની પત્ર દ્વારા મદદ માગે તો ક્યારેક બંને પક્ષો એકસાથેએમની સલાહ લેવા આવે. ક્યારેક પંડિતો અને શાસકો વચ્ચેના ઝઘડામાં એમણે લવાદ થવાનું આવે. ગૂજરાત વિદ્યાપીઠના સંચાલકો અનેઅધ્યાપકો વચ્ચેનો એક વિવાદ એમણે ઉકેલી આપ્યો હતો. જાહેર વિવાદ બનેલા ઘણા પ્રશ્નોનું એમણે તટસ્થ વિશ્લેષણ કર્યું હતું. જેમનેપોતે આદરણીય માનતા હોય એવા ઉમાશંકરભાઈના કુલપતિ તરીકેના નિર્ણયની કે પરમ સ્નેહી યશવંતભાઈના આગ્રહભર્યા દ્રષ્ટિબિંદુનીએમણે વિપક્ષે રહીને ચર્ચા કરેલી છે. સરેરાશ ગુજરાતી જેટલું શાણપણ તો પેટલીકરમાં હતું જ પણ આવા પ્રસંગે એનો ઉપયોગ કરીને એમૂંગા રહેવાનું પસંદ કરતા નહીં. આપણા ઘણા સાક્ષરો દાખવે છે એવી ઉદાસીનતાને પેટલીકર પાપ સમજતા. એ કહેવામાં માને અને સૂઝેએ બધું કહે, વિવેકપૂર્વક, પ્રવાહમાં તણાયા વિના. એ તટસ્થ રહેવાનું જાણે, પન્નાલાલને તરતાં આવડે, પીતાંબર કોઈક નૌકાની રાહ જોતાઆમતેમ ફરીને સક્રિય રહે. સામાન્ય રીતે બે વ્યક્તિઓ વચ્ચે મૈત્રીનો ભાવ વધુ વિકસતો હોય છે. પરંતુ આ ત્રણમાંથી એક પણ અલગ કેઅન્યત્ર હોત તો બાકીના બે વચ્ચે મૈત્રી સ્થપાઈ જ ન હોત અને સ્થપાઈ હોત તો લંબાઈ જ ન હોત. એમણે ત્રણ પાંખિયા મૈત્રીનો આદર્શસિદ્ધ કરી બતાવ્યો છે. પન્નાલાલની કોઈક યોજનાનું અર્થઘટન કરતાં કરતાં પીતાંબરભાઈ આવેશમાં આવી ગયા હોય કે પન્નાલાલ એમનુંટીખળ કરી રહ્યા હોય ત્યારે પેટલીકર મધ્યસ્થી થવાની સાથે એ પરિસ્થિતિને માણવાનું પણ ન ચૂકે. એમના લેખનમાં ભાગ્યે જ જોવામળતી વિનોદવૃત્તિ એમની વાતચીતમાં વારંવાર જોવા મળે. એ ગમે ત્યારે ગમે તેને ગમે તે પૂછી શકે. આચાર્યશ્રી એમ. સી. દેસાઈઅમદાવાદમાં ઘણા જાણીતા. ઉમાશંકર કુલપતિ હતા ત્યારે સિન્ડિકેટમાં ખાસ ચાહીને એમની સલાહ પૂછતા. દેસાઈ સાહેબ ઇંગ્લેન્ડ ગયેલાત્યારે પોતાના વિષયનું ભણવાની સાથે શ્યાહી બનાવવાનું પણ શીખી લાવેલા. તેથી બનાવે અને વેચે. પેટલીકરે એમને ‘સંદેશ’માં અનેકવારજોયેલા. વાતો થયેલી પણ પ્રિન્સિપાલ દેસાઈની પાછલી ઉમ્મરે જ પેટલીકરે જાણ્યું કે એમનું મુખ્ય કામ કયું છે. તે એમણે ભારે નવાઈ સાથેપૂછેલું: ‘હેં! તમે પ્રોફેસર છો?’

પહેલાં એ પેન્ટ નહોતા પહેરતા. પછી પણ એમનું શરીર ઝભ્ભામાં જ વધુ ગોઠવાતું. પણ એમને કશાનો છોછ કે વળગણ નહોતું. એરૂઢિદાસ નહોતા, તેમ નર્યા રૂઢિભંજક પણ નહોતા. જે રૂઢિ કે રિવાજમાં લોકસંગ્રહનું તત્ત્વ બચેલું હોય એને એ બિરદાવે પણ ખરા. જેપરિસ્થિતિ અને પ્રભાવો વચ્ચે એ ઊછર્યા એમાં એમના ભાગે ક્રાન્તિકારી નહીં પણ સુધારક થવાનું આવ્યું. પેટલીકર જોખમ ન જ ખેડે એવુંનહોતું.

એમણે એમની લોકબોલીના સાનુનાષિક ઉચ્ચારો અને ‘એ રીતે’ જેવી અંગત લઢણ વર્ષોથી સાચવી રાખ્યાં હતા. બીજું બધું કેળવ્યું હતું. મેળવ્યું હતું. પ્રસન્ન દામ્પત્યની મનોવૈજ્ઞાનિક ચર્ચા કરી શકે અને જાતીય પ્રશ્નો વિશે વૈજ્ઞાનિક દૃષ્ટિએ વાત કરી શકે એટલું સામર્થ્ય કાલક્રમે એમની ભાષામાં આવી ગયું. એ નિયમિત સ્વાધ્યાયનું પરિણામ હતું.

પેટલીકરે ઉત્તરાવસ્થામાં મુખ્યત્વે નિબંધો અને લેખો લખ્યા. પુનરુક્તિ થવાની બીકે વાર્તા–નવલકથા લખવાનું એમણે ટાળ્યું. જે હતું એનોજાણે હિસાબ અપાઈ ગયો છે. શક્ય છે કે લાંબા વિરામ બાદ જાતને ઢંઢોળત તો કશુંક નવું નીપજી આવત. રાજકીય વસ્તુ લઈને એ‘ભદ્રલોક’ નવલકથા લખવાનો મનસૂબો ધરાવતા હતા, પણ એ શક્ય ન બન્યું. ઘણાં વરસ પછી એમણે ‘પરોઢનું અંધારું’ નવલકથા આપી. એમાં કૅમેરાની રીતે કલમ ચલાવી હતી. ‘નવો નાતો’ એમની છેલ્લી નવલકથા. માનવ સંબંધોમાં આવેલો વળાંક અહીં નિરૂપાયો છે.

મડિયા પન્નાલાલ અને પેટલીકર વચ્ચે ઝાઝો ભેદ નહોતા કરતા. મને પણ ‘ગ્રામચિત્રો’ અને ‘પટલાઈના પેચ’ના પેટલીકર ‘ભવસાગર’ સુધી ગ્રામજીવનના આલેખનમાં પૂરતા અધિકૃત લાગ્યા છે. એમને નવજીવનની સગવડો અને ખાનાખરાબીનો પૂરતો પરિચય થઇ ચૂક્યોહતો. રમણલાલનો ઉત્તરાધિકાર મળ્યો ત્યારે જે સમસ્યાઓ એમણે કલ્પી પણ ન હતી એ સામે ચાલીને એમની મુલાકાત લેવા આવી. એપેઢીના નવલકથાકારો પાસેથી સામાજિક નવલકથા માગવાની થતી ત્યારે પેટલીકર પહેલા યાદ આવતા.

પેટલીકરની ઇચ્છા હતી સાઠ વર્ષે નિવૃત્ત થવાની. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં પરંતુ કમાવા માટે લખવામાંથી મુક્તિ જોઈતી હતી. લેખનઆજીવિકા સાથે જોડાવું ન જોઈએ. એ સ્વાન્ત: સુખાય થવું જોઈએ.

સમાજચિંતક પેટલીકરથી સર્જક પેટલીકર દબાયેલા રહે છે એ દલીલ એ સ્વીકારતા નહોતા. એ કહેતા કે હું ટીકાનો વિરોધ નથી કરતો. ટીકા સાચી પણ હોઈ શકે પરંતુ અનુમાન ખોટું છે. એમને વિશ્વાસ હતો કે સામાજિક પ્રશ્નો પર સુંદર કથાઓ લખી શકાય પણ એ માટેપૂરતી નિરાંત જોઈએ. હું શબ્દશ: બે વાર લખું એ ટેવને એ વખાણતા: એથી એક એક શબ્દ પર ટકોરો વાગે છે.

પેટલીકર માણસ તરીકે વ્યવસ્થિત લાગતા. સુઘડ તો હતા જ. પણ એમની નિયમિતતા જરા વધારે પડતી લાગ્યા કરે. લેખક અને એમાંયનવલકથાકાર થોડો બેજવાબદાર હોય, મૂડ પ્રમાણે ચાલનારો હોય, એ ગમે ત્યારે ગમે તેની સાથે લડી પડે એવો હોય તો ઠીક. પણપેટલીકર કશું ચૂકતા નહીં, મારા જેવી ભૂલો કરે નહીં.

પરિષદ ભવન માટે ફાળો ઉઘરાવવા નીકળવાનું હતું. ભવનના નકશા પરથી લાકડાની આકૃતિ બનાવવાનું સૂચવ્યું. સારામાં સારાફોટોગ્રાફર પાસે ફોટો પડાવવાનો આગ્રહ રાખ્યો. અમે સાડા પાંચે મળવાના હતા. હું તે દિવસ સમયસર હતો. રિક્ષામાંથી ઊતરું છું ત્યાં પેટલીકર. અમે સ્ટુડિયોમાં બેઠા. લેઆઉટની ચર્ચા શરૂ કરી. ત્યાં ફોન આવ્યો. પાંચ વાગે ‘નિરીક્ષક’ની મિટિંગ હતી. પેટલીકરે ડાયરી કાઢી. લખેલું હતું. નવાઈ દાખવી. એમણે હસી પડતાં કહ્યું: ‘હું ડાયરીમાં લખું બધું પણ ડાયરી જોઉં તો ને?’

તે દિવસ મને ઠીક લાગ્યું. એટલું જ નહીં, આનંદ થયો. એમની ભૂલ પર સાથે હસવાની તક મળી.

પત્રકારત્વ સાથે એ એવા જોડાઈ ગયા હતા કે સાહિત્યને ખાતર એને સમૂળગું છોડવું એમના માટે શક્ય રહ્યું નહીં. છોડે તો એ પ્રકારના પત્રકારની ખોટ પડે. ગુજરાતને એ પાલવે નહીં.

1980ની ચૂંટણીઓમાં એમણે લોકસમિતિના ઉપક્રમે મતદાર જાગૃતિનું કામ કર્યું હતું. ગુજરાત–સૌરાષ્ટમાં ઠેર ઠેર ઘણી સભાઓ સંબોધીહતી. પરિણામ સાવ અણધાર્યું આવ્યું. એમણે આઘાત પામી મતદારો પર ગુસ્સો ન કર્યો. ઈન્દિરાજી ફરીથી ચૂંટાશે તો એકાધિકારના ભોગબનવું પડશે એ માન્યતા લોકોએ ફગાવી દીધી છે. લોકશાહી ઉપરના જોખમનો પ્રચાર સાંભળ્યો નથી અને સ્થિર સરકારનો વિકલ્પ પસંદકરી કોઠાસૂઝ દાખવી છે — એ મતલબનો લેખ લખ્યો. એમની પૃથ્થકરણ શક્તિમાં વિશ્વાસ રાખતા એક વાચકે આથી અકળાઈને પત્રલખ્યો. એનું એક વાક્ય લઈને એમણે શીર્ષક બાંધ્યું: ‘પેટલીકર પાસે કાચંડાવૃત્તિની આશા રાખી ન હતી.’

આ વિરોધનું પણ એમણે તટસ્થ વિશ્લેષણ કરી બીજા લોકશાહીવાદી વિચારકોના અભિપ્રાય ટાંક્યા. પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ વચ્ચે સંતુલનસાધવાની એમની આ શક્તિ એમના માટેના વ્યાપક આદરનું મુખ્ય કારણ.

પેટલીકર કેમ યાદ આવે છે?

‘લોહીની સગાઈ’ જેવી અનન્ય કલાકૃતિને કારણે? સતત વેદનાથી સીંચાઈને છેલ્લે મરણને શરણે જતી સૂરજનું તટસ્થતાપૂર્વકના તાદાત્મ્યથી આલેખન કરતી નવલકથા ‘ભવસાગર’ અને સ્વમાની કર્મઠ ગ્રામીણ યુવતી ચંદાનું ચિત્રણ કરતી ‘જનમટીપ’ ને કારણે?

સમાજના જાગ્રત પ્રહરી તરીકે એ ‘લોકસાગરને તીરે’ ઊભાં ઊભાં નીરક્ષીર વિવેક કરતા રહેતા હતા તેથી?

સંબંધ શોધતાં યુવક–યુવતી કે સંબંધોની દુનિયામાં પોતપોતાની કે સહિયારી ભૂલોથી અટવાયેલાં યુગલોની મૂંઝવણો સાંભળી એ આશાયેશઆપતા તેથી?

ભાવના અને વિવેક, ‘તળપદી જીવનદૃષ્ટિમાં માણસની અસલિયત’ સ્ત્રી–પુરુષની સમાનતાનો પ્રશ્ન અને પૂર્વ–પશ્ચિમનો સંસ્કારભેદ, યંત્રવિજ્ઞાને સર્જેલા ઝડપી પરિવર્તનમાં માણસ માણસ વચ્ચે વધતું અંતર અને ઉપનિષદોના નિયમિત સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત થતી અદ્વૈતદૃષ્ટિવિશે એમણે જાતે કેળવેલા અધિકારથી લખ્યું હતું. ધર્મ–અર્થ–કામ–મોક્ષ એ ચારેય પુરુષાર્થથી જીવનમાં સમતુલા સ્થાપી કામવૃત્તિ કેમ કરીનેમોક્ષની અભીપ્સામાં રૂપાંતર પામે એ માટેના ‘અમૃતમાર્ગ’ની એમણે શોધ આદરી હતી માટે?

પેટલીકર પ્રત્યેક મનુષ્ય સાથે સગાઈ અનુભવતા. લાખો વાચકોને એ પોતાના લાગતા.

એમણે કોઇને માફ ન કર્યા હોય એવું યાદ નથી આવતું. માફ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો. ઇર્ષા, દ્વેષ, કે તિરસ્કારનો એમને અનુભવ ન હતો, સુધારકને અણગમો હોય એટલે કે ન ગમતું સુધારવા પર એ ભાર મૂકે, પણ પેટલીકરને ગમા–અણગમામય આ સંસારની‘માયા’નો અણસાર આવી ગયો હતો. સ્થૂલ, સૂક્ષ્મ, શુદ્ધ, અસ્તિત્વ પ્રતિ એમનો સંચાર હતો. સામે સમગ્રતા હતી. એમાં બાદબાકીનો ભાવન હતો. ઓહો! કેટકેટલા પ્રશ્નોમાં એ ઊંડા ઊતર્યા હતા! જાણે કે બધા જ પ્રશ્નો એમણે પોતે અનુભવ્યા ન હોય! પોતાની મૂંઝવણો સામેમાથું ઊંચકીને માર્ગ કાઢવા તથ્ય અને સત્યની ઉપાસના કરી હોય એવી તન્મયતાથી એમણે પ્રશ્નો વિશે વિચાર્યું હતું, સમસ્યાકથાઓ રચીહતી. પોતાના યુગના સમાજદેહને શબ્દમાં સાકાર કરવા મથનાર આ આજીવન લોકશિક્ષક પોતાને સર્જક તરીકે નહીં, નિજ ધરતીના ખેડુતરીકે ઓળખાવતા. સર્જકત્વ એ યશ કે અર્થની પ્રાપ્તિ માટે નહીં, પરંતુ આત્મા અને આત્માના મિલને થતાં સ્વાન્ત: સુખાય હોય, તેથી તોહાડમારી પણ સર્જકત્વને બાધક નથી નીવડતી એવી ઉમદા એમની સમજણ હતી. લેખનને વ્યવસાય બનાવી દેવા અધીર સમકાલીનોનેએમણે સાવધ કર્યા છે. આપણા અધ્યાપકીય વિવેચનને ભાગ્યે જ સૂઝે એવા મુદ્દા એમને ગોવર્ધનરામ, નર્મદ અને અનુગામી લેખકોનાસ્વાધ્યાય નિમિત્તે પ્રાપ્ત થયા હતા. ગુજરાતી સાહિત્યની પરંપરા અને પ્રવાહ સાથે એ એકરૂપ હતા, નાના મોટા મિત્રોનાં કુટુંબોના એ છૂપાઆગેવાન હતા. પેટલીકરની ખોટ સાલે છે. જયંતિ દલાલની એકાએક વિદાયથી સમાજ, સંસ્કાર અને સાહિત્ય ક્ષેત્રે ઊભા થયેલાશૂન્યાવકાશ પછી પેટલીકરની આકસ્મિક વિદાય એ જ પરિમાણમાં અનુભવાય છે. હજી એમણે એક દાયકો કામ કરવું હતું. વહેલા જવાનુંથયું. પણ કશા અસંતોષ વિના, કશી ફરિયાદ વિના.

એ સંતોષ, એ આનંદ કયા તત્ત્વને આભારી છે?

પેટલીકર સાથેની આપણી સગાઈનું મૂળ એ તત્ત્વમાં હોઈ શકે છે.