સાત પગલાં આકાશમાં/કૃતિ-પરિચય
સાત પગલાં આકાશમાં
કુન્દનિકા કાપડિયાકૃત અતિપ્રસિદ્ધ અને દિલ્હી સાહિત્ય અકાદેમીના ૧૯૮૫ના પુરસ્કારથી સન્માનિત આ નવલકથા ૧૯૮૨ના જુલાઈથી શરૂ થઈ ૪૦ અઠવાડિયાં સુધી ધારાવહી રૂપે ‘જન્મભૂમિ–પ્રવાસી’ની રવિવારીય આવૃત્તિમાં પ્રગટ થઈ હતી. મોટાભાગની સત્યઘટનાઓ પર આધારિત આ સામાજિક નવલકથાએ ત્યારથી જ સાહિત્ય અને સમાજમાં સારી એવી હલચલ મચાવી દીધી હતી. આ નવલકથાનાં સ્ત્રીપાત્રોએ, ખાસ કરીને નાયિકા વસુધાએ નારીવાદી વલણો પ્રભાવક રીતે વ્યક્ત કર્યાં છે.
વસુધાના ગૃહસ્થજીવન નિમિત્તે સ્ત્રીના ગૌરવ, પુરુષના આધિપત્ય, પુરુષ દ્વારા થતું સ્ત્રીનું સૂક્ષ્મ શોષણ, આર્થિક સ્વતંત્રતા, વ્યક્તિત્વવિકાસ, પિતૃપ્રધાનતા – આવી આવી બાબતે સ્ત્રીને થતી સંવેદનાઓ અને તેની થતી ઉપેક્ષા, સ્ત્રીને ‘વ્યક્તિ’ ન ગણતાં ‘વસ્તુ’ ગણી તેની સાથે થતો વ્યવહાર વગેરે દૃષ્ટિબિંદુઓથી આ નવલકથા સર્જાઈ છે. સમાજમાં સ્ત્રીઓ માટે કેવી માન્યતાઓ છે અને કેવી હોવી જોઈએ એ અહીંના અનેક સ્ત્રીપાત્રો દર્શાવે છે. ૪૧૨ પૃષ્ઠમાં પથરાયેલી આ નવલકથાની ‘કારાગારથી કૈલાસ સુધી’ શીર્ષક ધરાવતી લેખિકાની પ્રસ્તાવના પણ ભાવક માટે વાંચવી જરૂરી છે.
લગ્ન પહેલાં વસુધાએ પોતાની જાતને એક વચન આપેલું, “આજે ભલે હું લગ્ન કરું, સંસાર વસાવું, પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઇચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ,... હું મારું પોતાનું એક ગીત રચીશ અને હું પોતે તે ગાઈશ.” અનેક ઘટના થયા બાદ, તે કુટુંબ છોડી જ્યાં દરેકના વ્યક્તિત્વને સ્વતંત્ર રીતે ખીલવાની મોકળાશ મળે છે તેવા આનંદગ્રામમાં જાય છે અને અંતે વધુ ઉમદા કાર્યો કરવા, મિત્રો સાથે હિમાલય તરફ પ્રયાણ કરે છે. ને આમ તે પોતાને આપેલા વચનનું પાલન કરે છે. અનેક સ્ત્રીપાત્રોનાં જીવનની ઘટનાઓ, તેમનાં વિચારો-કાર્યોમાં સત્ય ઘટનાઓનો લેખિકાએ આધાર લીધેલો હોવાથી ભાષામાં હૃદયસ્પર્શિતા અને સ-ચોટતા આવી છે. આ કૃતિએ સ્ત્રીઓ તરફ સમાજે કેવી રીતે જોવું જોઈએ તેની દિશા દર્શાવી છે. જેમ ‘ડૉલ્સ હાઉસ’ની નૉરા તેમ વસુધાનું ‘ઘર છોડવું’ એ એક ઘટના નારીજગત અને સમાજ માટે વિચારણીય બાબત બની રહે છે. આ કૃતિમાં સ્ત્રીને તેના સાચા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન થયો છે. વસુધાના નિમિત્તે ‘સ્ત્રી પણ એક માણસ છે’ – તે સિદ્ધ કરવામાં લેખિકા સફળ થયાં છે.
ગુજરાતીમાં કોઈ એક પુસ્તકને છ (૬) પારિતોષિક મળ્યાં હોય તેવું કદાચ પહેલી વાર આ નવલકથા બાબતમાં બન્યું છે. તેનો ભારતની કેટલીક ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.
– શ્રદ્ધા ત્રિવેદી