zoom in zoom out toggle zoom 

< સાફલ્યટાણું

સાફલ્યટાણું/૧૨. ખોરવાઈ ગઈ જીતની બાજી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨. ખોરવાઈ ગઈ જીતની બાજી!

મારી પરીક્ષાના પરિણામની ભાઈ શાસ્ત્રી, સૂળે અને ફડિયાએ મને તારથી જાણ કરી. મને પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. સ્વાભાવિક રીતે જ અમે બધાં ખૂબ આનંદ પામ્યાં. કાશીબા પણ ઘણાં રાજી થયાં અને તેમને શ્રદ્ધા બેઠી કે હું હવે આગળ અભ્યાસ કરીશ. એમને આવો આશાવાદ સેવવા માટે જે મોટા બનાવો બન્યા હતા તે કંઈક અંશે કારણભૂત હતા. એ બનાવો તે અમદાવાદ કૉંગ્રેસના સીધી લડતના ઠરાવને અમલમાં મુકાતાં ઊભી થયેલી નવી પરિસ્થિતિ. ગાંધીજીએ એવી દોરવણી આપી કે સરકારના એવા એક કાયદાનો સવિનય ભંગ કરવો જેથી સરકાર હલબલી જાય. એ દૃષ્ટિએ જમીન મહેસૂલ ન ભરવાનો પ્રસ્તાવ લોકો સમક્ષ આવ્યો અને એ માટે બારડોલી તાલુકો પસંદ થયો. વિશેષમાં એ આદેશ પણ એમણે આપ્યો હતો કે બારડોલી સિવાય બીજા કોઈ ભાગમાં આવી લડત ઉપાડવી નહીં અને પ્રજાએ કડક શિસ્તનું પાલન કરી પોતાની બધી શક્તિ બારડોલી સત્યાગ્રહને સફળ કરવા પર કેન્દ્રિત કરવી.

ગુજરાત માટે આ ગૌરવના દિવસો હતા. આખા દેશની નજર બારડોલી ઉપર કેન્દ્રિત થઈ. પ્રખ્યાત હિંદી કવિ મૈથિલીશરણ ગુપ્તે ગાયું:

હે વિશ્વસ્ત બારડોલી,
ભારતકી તું હય થર્મોપીલી

આપણા કવિ ખબરદારે ગાયુંઃ

વાટે ઘાટે, છાતી ફાટે,
થાય સ્મશાની દુનિયા.
નવલખ આંખે
વ્યોમ રૂએ પણ
પાછું જુએ ન મરણિયા.
માયા સૌ ઘરબાર તણી ને
સુખની ડોલી દફની
આત્મશૌર્યનાં શ્વેત સજ્યાં પટ-
ના કાયરની કફની!

એ વખતે આ પંક્તિઓમાં ગૂંથી લેવાયેલા બારડોલી પ્રયોગમાં કોઈ કૃત્રિમતા હોવાનું અમને લાગ્યું ન હતું, ઊલટું એમાં કંઈક ચમત્કૃતિ લાગી. પાછળથી એના ઉપર આવેગ મુક્ત થઈ જ્યારે હું વિચાર કરતો થયો ત્યારે મને થયું કે એ બેમાંની પહેલી પંક્તિમાં ઘરબારમાં ‘બાર’ સહજ રીતે આવ્યું હતું; પણ બીજી પંક્તિમાંનો ‘ડોલી' શબ્દ સ્વાભાવિક ન હતો. એ જ પ્રમાણે એમાં વીરા ને ચીરા જેવા નબળા પ્રાસ પણ હતા. નવજીવનમાં કવિતા છપાતી નહીં; પરંતુ સ્વામી આનંદ જેવા કાવ્યના મર્મીએ આ કવિતા છાપી હતી અને એનો પણ એ વખતે અમારા મન ઉપર પ્રભાવ હતો.

વાતાવરણમાં જ્યારે આવી પ્રચંડ ગાજવીજ થઈ રહી હતી, બારડોલી તાલુકો સ્વાધીનતા માટે ખેદાનમેદાન થવા થનગની રહ્યો હતો ત્યારે એક અણધારી ઘટના બની. ગાંડા બનેલા કેટલાક લોકોએ ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરામાં એક પોલીસ ચોકીને આગ ચાંપી, અને તેમાં એકવીસ પોલીસોને જીવતા બાળી દીધા. આ સમાચારથી ગાંધીજી સખત આઘાત પામ્યા. એમણે સત્યાગ્રહ માટે દેશ ઉપર શિસ્તનું જે કડક નિયમન લાધ્યું હતું તેનો થયેલો ભંગ એમણે એમાં જોયો; અને એ કારણે સત્યાગ્રહની લડત મુલતવી રાખી. દેશને માટે તેમ જ અમારા જેવા અનેકને માટે ગાંધીજીનો આ નિર્ણય અત્યંત આઘાતજનક હતો. અમે ઉગ્રતાથી એની ચર્ચાઓ કરી. આવડા મોટા વિશાળ દેશમાં જો આવી કોઈ ઘટનાથી લડત મોકુફ રહે તો એવા બનાવો સર્જવામાં સરકારને કઈ મુશ્કેલી પડે? સંપૂર્ણ અહિંસક વાતાવરણ દેશમાં કદી પણ સર્જાય નહીં; પણ એવા બધા વિરોધ ગાંધીજીના નિર્ણય આગળ ખડક પર પછડાઈ પાછાં વળતાં મોજાં જેવા હતા. * અંગ્રેજ સરકાર માટે પણ આ નિર્ણય અણધાર્યો હતો. એ વખતના મુંબઈના ગવર્નર સર જ્યોર્જ લોઈડે નોંધ્યું હતું કે ગાંધી સફળ થવાની અણી પર હતા ત્યાં અમે એને જીવતા દફનાવી દીધા. એનું આ વિધાન અક્ષરશઃ સાચું હતું કારણ કે સરકારને નમતું જોખ્યા વિના છૂટકો ન હતો. હતાશાના વાતાવરણનો લાભ લઈ થોડા જ વખતમાં સરકારે ગાંધીજીના યંગ ઇન્ડિયામાંના ત્રણ લેખો માટે એમની ગિરફતારી કરી એમના પર કામ ચલાવ્યું. મુકદમો અમદાવાદમાં શાહીબાગમાં આવેલા સરકીટ હાઉસમાં જજ બ્રૂમફીલ્ડ આગળ ચાલ્યો અને ગાંધીજીને છ વર્ષની આસાન કેદની સજા ફરમાવવામાં આવી. એ ઐતહાસિક મુકદ્દમાનું ચિત્ર આપવાનું પ્રલોભન ખાળવું મુશ્કેલ છે; પરંતુ એ અંગે સંયમ જાળવી માત્ર જજ દ્રુમફીલ્ડે એ સજા કરતાં ગાંધીજી માટે જે વિધાન કર્યાં હતાં તેનો થોડોક ઉલ્લેખ અહીં આસ્થાને નહીં લેખાય:

[1]

‘કાયદો કોઈની શરમ નથી રાખતો, આમ છતાં આજ સુધી મેં જે જે વ્યક્તિઓનો ન્યાય તોળ્યો છે અને ભવિષ્યમાં પણ જેમનો ન્યાય તોળીશ તે સૌ કરતાં તમારી કક્ષા અનોખી જ છે એનો ઈનકાર થઈ શકે એમ નથી. તમારા લાખો દેશબાંધવોને મન તમે એક મહાન દેશભક્ત અને મોટા નેતા છો એ હકીકતનો ઈનકાર કરવાનું અશક્ય છે. જેઓ રાજકારણમાં તમારાથી ભિન્ન મત ધરાવે છે, તેઓ પણ તમને ઉચ્ચ આદર્શવાળા અને માત્ર અભિજાત નહિ; પણ એક સંતપુરુષ પણ લેખે છે.

જો ભારતમાં બનતી ઘટનાઓ તમારી સજામાં ઘટાડો કરવાનું સરકાર માટે શક્ય બનાવે ને તમને વહેલા જેલમુક્ત કરે તો મારા કરતાં વધુ આનંદ બીજા કોઈને નહિ થાય.'

અંગ્રેજ સત્તા સામે મારા મનમાં પ્રચંડ રોષ હતો અને અનેક વખત આકરાં વેણ પણ નીકળતાં; પરંતુ જનરલ ડાયર જેવા થોડાક બર્બરોને બાદ કરતાં વ્યક્તિગત અંગ્રેજો માણસ તરીકે સભ્ય હતા એવું જે ધીરજથી અસહકારની લડતનો તેઓ સામનો કરતા રહ્યા હતા તે ઉપરથી મને લાગતું. અંગ્રેજોનો આ વર્તાવ એમની લાંબી લોકશાહી પરંપરાને જેટલો આભારી હતો તેટલો જ ગાંધીજીની અહિંસા અને સૌજન્યને પણ આભારી હતો. વંદેમાતરમ્ શબ્દ માટે અસહિષ્ણુ બનતા અંગ્રેજ હાકેમો પોતાની સરકારને માટે ગાંધીજીના મુખમાંથી પડતા સેતાની વિશેષણને જે ધીરજથી સહી લેતા હતા એમાં મને અહિંસામાં એક શસ્ર તરીકે રહેલા બળની ઝાંખી થતી. થોડુંક વિષયાંતર કરીને પણ હું આ એથી નોંધું છું કે આજે જ્યારે આપણે આપણા પોતાના જ સાથીઓના રાજવહીવટ હેઠળ છીએ ત્યારે જે અનુભવીએ છીએ તેવો આની સરખામણીમાં આપણે કેવી રીતે બચાવ કરી શકીશું?

આજથી છ દાયકા પહેલાં ઈ. સ. ૧૯૨૦ માં રાજાજીએ પોતાની જેલડાયરીમાં જે આશ્ચર્યજનક ભવિષ્યકથન કર્યું હતું તે આ લખતી વખતે યાદ આવે છે. રાજાજીએ લખ્યું હતું કે,

‘સ્વરાજ આવતાની સાથે જ ચૂંટણીઓ અને તે સાથેના ભ્રષ્ટાચાર, અન્યાય, સત્તા અને ધનની તાનાશાહી અને સરકારીતંત્રની કાર્યપંગુતાથી જીવન ઝેર જેવું બની જશે, લોકો જૂની સરકારના વધતેઓછે અંશે પ્રામાણિક અને પ્રમાણમાં ન્યાયી, કાર્યકુશળ અને શાંતિપ્રિય તંત્રને નિઃશ્વાસ સાથે યાદ કરશે. જમા પક્ષે આપણે માટે પરાધીનતા અને અપમાનિત દશામાંથી ઊગરી ગયાનું એક માત્ર આશ્વાસન હશે.' (Encounter with the Eminent: R. M. Lala p. p. ૧૦૭)

ગાંધીજીના કારાવાસ પછી દેશને જે પ્રચંડ આંચકો લાગ્યો તેણે અસહકા ૨ી છાવણીમાં જાણે કે ઉલ્કાપાત મચાવ્યો. જે વકીલો વકીલાત છોડી આવ્યા હતા તેમાંના અનેક ફરીથી કૉર્ટનાં પગથિયાં ચડવા માંડ્યા. શાળા-પાઠશાળા છોડી આવેલા વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના ફરીથી પોતાની જૂની શાળા તરફ દોડવા માંડ્યા. ધારાસભાનો બહિષ્કાર ઉઠાવી લેવો જોઈએ એવી માગણીઓ થવા માંડી. અસહકારી નેતાઓમાં બે જૂથ પડી ગયાં. એક જૂથના નેતા હતા જવાહરલાલ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજાજી આદિ તો બીજા જૂથના નેતા હતા દેશબંધુ દાસ, પંડિત મોતીલાલ નહેરુ, વિઠ્ઠલભાઈ પટેલ વગેરે. એમાંના પહેલા નાફેરવાદી તરીકે ઓળખાયા અને બીજા સ્વરાજવાદી તરીકે. આમ દેશમાં જ્યારે હતાશાનું વાતાવરણ ફેલાયું હતું ત્યારે મારા કેટલાક સાથીઓ પણ ડગી ગયા અને ફરીથી પોતપોતાની સંસ્થાઓમાં જતા રહેવાની તૈયારીમાં પડ્યા. મારે માટે પણ આ કસોટીની પળ હતી. અસહકાર કરેલો તે વખતે તો મનમાં એવું હતું કે એક વર્ષમાં સ્વરાજ મળશે. એ પછી આપણે અભ્યાસ કરી શકીશું; પણ એ તો હવે ગાંધીજી જેલમાંથી પાછા આવે અને નવી લડતનું એલાન આપે ત્યારની વાત. મનમાં પ્રવેશતી આ જાતની નબળાઈ સામે મારી બુદ્ધિ સાવધ બની. રાજાજી, સરદાર અને નહેરુ આદિ નેતાઓ ઉપર મેં મારી મીટ માંડી ને એ નિરાશાના વાતાવરણમાં આશાના કોઈ તંતુને પકડવા મથામણ કરી. ‘અર્ધ્યમાંના મારા એક કાવ્યમાં એ વખતની મારા મનની સ્થિતિ આલેખી બળ મેળવવા મેં પ્રયત્ન કર્યો. એ કાવ્યની કેટલીક કડીઓ હું નીચે ઉતારું છું. એની ઉપર ટાગોરનું વિખ્યાત કાવ્ય ‘એકલો જાને રે’ની અસર જોઈ શકાશે. જે સંજોગોમાં ટાગોર એ કાવ્ય લખવા પ્રેરાયા હતા તેવા જ સંજોગોમાં મુકાયેલા મારા જેવા માટે આ ઉદ્ગારો સહજ હતા–

મારે જાવું એક્લ-હાથ!
નહીં આવે ભલે કો સાથ-
મારે જાવું એક્લ-હાથ!
કોઈ મારો ના સાદ સુણે ને
કોઈ ન ઝાલે હાથ:
ઘોર અંધારું ચોગમ રેલે
કોણ બતાવે વાટ?
મારે જાવું એક્સ-હાથ!
આભ સળગે ને અવનિ સળગે,
સળગે જગનું ઉર;
વજ્જર પડી છો ઉર ચીરાતું-
જાવું છે મારે જરૂર!
મારે જાવું એકલ-હાથ
એક મારો છે ધ્રુવ-સિતારો,
એક જ આશા-તાર-
એ રે તારે વળગીને મારે
જાવું હવે નિર્ધાર!
મારે જાવું એક્સ-હાથ!

આવા મનોમંથનમાં મેં મારા મનને મક્કમ કર્યું અને નક્કી કર્યું કે જયાં સુધી થોડા ઘણા પણ અસહકારીઓ અસહકારમાં મૂળ કાર્યક્રમને વળગી રહ્યા હોય ત્યાં સુધી મારે પણ મેં સ્વીકારેલા કાર્યક્રમમાંથી જરા જેટલું પણ ચળવું નહીં. મારા ગામના એક આગળ પડતા સાથી જેમણે ઈંટરમાંથી અસહકાર કર્યો હતો તે ફરીથી કૉલેજમાં જવા તૈયાર થયા ત્યારે કાશીબાએ મને કહ્યું કે, ભાઈ, બધા જ પાછા જાય છે તો તું શું વિચારે છે?’ મેં એમને મારી મૂંઝવણ કહી અને જણાવ્યું કે, “ભલે ગાંધીજી છ વર્ષ જેલમાં રહે પણ મને ખાતરી છે કે આ સરકાર હવે લાંબો વખત નહીં ટકે. અત્યારે ભલે આપણે બધાં બેબાકળાં બન્યાં હોઈએ પણ થોડા જ વખતમાં બાજી જરૂરથી પલટાશે. એટલે મને તો લાગે છે કે મારે ભગવાન પર શ્રદ્ધા રાખી આગળ ભણવું. હા, અત્યાર સુધી જેમ ભણતરને બાજુએ મૂકી પ્રચારકાર્યમાં જોડાતો હતો તેમ હવે નહીં કરું. જ્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠ ચાલશે ત્યાં સુધી સરકારી કૉલેજમાં જવાનું નહીં વિચારું અને કોઈ પણ ભોગે સ્નાતક થઈશ જ.”

કાશીબા તો માત્ર મારે માટે જ નહીં; પણ મારાં ચારે ય ભાંડુઓ માટે અખૂટ શ્રદ્ધા ધરાવતાં હતાં. અમે કશું ખોટું કરીએ તેવું એ માનતાં નહીં અને બીજો વિશ્વાસ એમને ભગવાન પર હતો કે કર્તાહર્તા એ છે. એ જેમ રાખે તેમ આનંદથી રહેવું એટલે તેમણે મને સંમતિ આપી. આમાં તેમને બળ મળ્યું મારા સાથી કીકુભાઈ અને મનુભાઈ નાયક તરફથી. તેમણે પણ રાષ્ટ્રીય કૉલેજોમાં ભણવાનું ફરીથી શરૂ કરવાનું નક્કી કર્યું. કીકુભાઈએ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાત મહાવિદ્યાલયમાં પ્રવેશ લીધો. મનુભાઈ મુંબઈમાં સ્થપાયેલી નેશનલ મેડિકલ કૉલેજમાં દાખલ થવા ગયા. આ રીતે પોતાનો અભ્યાસ મુલતવી રાખી જે વિદ્યાર્થીઓ અસહકારનાં જુદાં જુદાં લડાયક અંગોના પ્રચાર અર્થે આવ્યા હતા તે બધા એક પછી એક પોતાને અનુકૂળ આવે તેવા ક્ષેત્રમાં જોડાવા લાગ્યા. મોટા ભાગના ફરીથી સરકારી શાળાપાઠશાળામાં દાખલ થઈ ગયા. એ વખતે આ રીતે પાછા ફરતા વિદ્યાર્થીઓ માટે બધી સરકારી વિદ્યાસંસ્થાઓનાં દ્વાર ખુલ્લાં હતાં અને તેમની પાસે સારા વર્તનની કોઈ બાંહેધરી લેવામાં આવતી નહોતી. આમ દેશના અગ્રગણ્ય મનાતા નેતાઓ પણ જ્યારે જે ધારાસભાઓનો તેમણે ત્યાગ કર્યો હતો તેમાં જવાનું વિચારતા થયા, જે વકીલોએ વકીલાત છોડી હતી તેમાંના ઘણા ફરીથી કૉર્ટમાં જવા માંડ્યા ત્યારે જેમના જીવન અખૂટ મહત્ત્વાકાંક્ષાથી ભર્યાં હતાં તેવા વિદ્યાર્થીઓ પોતાના માર્ગ આડે ખડા થઈ ગયેલા મોટા પહાડ જુએ ને રસ્તો બદલે એમાં એમનો કેટલો વાંક કાઢી શકાય? એટલે જે વિદ્યાર્થીઓ ફરીથી સરકારી વિદ્યાસંસ્થાઓમાં ગયા તેમને માટે મારા મનમાં કડવાશ ન હતી. આવી રીતે પાછા ગયેલા વિદ્યાર્થીઓમાં આઈ.સી.એસ. તરીકે પાછળથી વિખ્યાત બનેલા અને ભારત સરકારના મુખ્ય સચિવ બનેલા અમારા દક્ષિણ ગુજરાતના શ્રી મણીભાઈ જગદીશ જેવા પણ કેટલાક હતા. આ સંજોગોમાં અસહકારના કાર્યક્રમને દઢતાથી વળગી રહેવામાં મેં આત્મગૌરવ અનુભવ્યું!

હવે પ્રશ્ન એ આવ્યો કે મારે અભ્યાસ ક્યાં કરવો? મુંબઈ કે અમદાવાદ? અમદાવાદ જાઉં તો મારે નવા ક્ષેત્રમાં જવાનું હતું. ખર્ચને પહોંચી વળવા નવાં સાધનો ઊભાં કરવાનાં હતાં. એ દૃષ્ટિએ મુંબઈ મને વધુ પરિચિત હતું જયાં મને સ્વાવલંબી બનવા કામ મળી શકે તેવા સંબંધો પણ બંધાયા હતા; પરંતુ પીરભાઈ બિલ્ડિંગમાં અવારનવાર મેલેરિયાથી હું પટકાતો એટલે અને આટલી સસ્તી રહેવાની બીજે સગવડ મળે તેવી ખાતરી ન હોવાથી મેં અમદાવાદ તરફ મીટ માંડી, ત્યાં ગુજરાત મહાવિદ્યાલયના છાત્રાલયોમાં પ્રમાણમાં ઓછા ખર્ચે રહી શકાય તેમ હતું. વળી બદલાયેલા સંજોગોમા મુંબઈ કરતાં અમદાવાદનું વાતાવરણ વધુ પ્રેરક હતું, એટલે આ બધાં સંજોગોનો વિચાર કરતાં મેં કમળાબહેનને મારી મૂંઝવણ જણાવી. તેમણે મારા વિચારને અનુમોદન આપ્યું. મારી સાથે તે સંમત થયાં કે મુંબઈ કરતાં નાફેરવાદીઓના ગઢ તરીકે અમદાવાદ વધુ પ્રાણવાન હતું અને ત્યાં પલટાતા સંજોગોમાં આવતા ઊર્મિ ઉછાળ અને આઘાતોમાંથી ઠીક પ્રમાણમાં હું ઊગરી શકીશ. તેમણે મને જરૂરી આર્થિક સહાય કરવાનું પણ જણાવ્યું એટલે હું નિશ્ચિન્ત મને અમદાવાદ જવાની તૈયારીમાં પડ્યો.





  1. * ૧૯૪૨ની હિંદ છોડો લડત વખતે અહિંસાનો આગ્રહ રાખવા છતાં જો કોઈ જગ્યાએ હિંસા ચાય તો લડત થંભાવી દેવી એવું બંધન ન હતું.