સાફલ્યટાણું/૧. અસહકારનું આહ્વાન
ઑકટોબર-૧૯૨૦: કોઈ મોટા ગુરુત્વાકર્ષણથી હોય તેમ ભરૂચથી અમે કેટલાક વિદ્યાર્થીઓ, સુરતના ‘પાટીદાર આશ્રમ'માં ખેંચાઈને ગયા. તે વખતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે એક પ્રચંડ સભા યોજાઈ હતી. એ સભાને ગાંધીજી સંબોધવાના હતા. માત્ર વિદ્યાર્થી જગતમાં જ નહીં પણ આખા જાહેરજીવનમાં પણ ભારે ઉત્સાહનું પૂર આવ્યું હતું. ટ્રેઈન મારફતે, બળદગાડાં મારફતે કે પગપાળા ઠેરઠેરથી, ગામગામથી વિદ્યાર્થીઓ, જુવાનો અને વૃદ્ધોનો પ્રવાહ અસ્ખલિત રીતે સભાના સમયથી ઘણો વહેલો ‘પાટીદાર આશ્રમ' તરફ વહેતો થયો હતો. ગાંધીજીને જોવાનું અને એમને સાંભળવાનું ભારે કુતૂહલ લોકોનાં મનમાં હતું. કંઈક અવનવું બનવાનું છે, અંગ્રેજ સરકારના પાયા ડગમગવા લાગ્યા છે અને દક્ષિણ આફ્રિકામાં મોટી જીત મેળવી ગાંધીજી આવ્યા હતા તેમ આપણે ત્યાં પણ સરકાર સામે તે એવો જ વિજય મેળવવાના છે એવી લોકોને જાણે કે ખાતરી થઈ ગઈ હતી; જો કે અસહકારની લડતનો પૂરો ખ્યાલ ન હતો. એ લડતનો પ્રકાર કેવો છે એની પણ કોઈ માહિતી એમની પાસે ન હતી. એમણે પોતે શું કરવાનું છે એનો પણ એમને ખ્યાલ ન હતો. એમને એક જ ખ્યાલ હતો, ને તે એ કે ગાંધીજી જે કંઈ કહે તેવું અચૂક થાય જ. આવી અખૂટ શ્રદ્ધા, ગાંધીજીને જેમણે જોયા ન હતા, સાંભળ્યા ન હતા, પણ જેમનાં કેટલાંક લખાણો વાંચ્યાં હતાં, તેવા અમારા જેવા વિદ્યાર્થીઓના મનમાં હતી. ગાંધીજીને મેં આ પહેલાં કદી જોયા ન હતા; પણ મારે મન તે ચિરપરિચિત જેવા હતા. ચારેક વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૧૬-૧૭ના અરસામાં મેં ઉદ્બોધનનું એક જોડકણું લખ્યું હતું. તેમાં એમનો બહુ અહોભાવપૂર્વક મેં ઉલ્લેખ કર્યો હતો. આથી એમને જોવાની તક મળી ત્યારે મેં રોમાંચ અનુભવ્યો. આજે લગભગ છ દાયકા બાદ પણ એ ભવ્ય દૃશ્યને વર્ણવવા મારી પાસે શબ્દો નથી. પહાડ જેવા મૌલાના શૌક્તઅલી અને મહંમદઅલીની વચમાં સળેકડા જેવા ગાંધીજીને જોવા એ એક અપૂર્વ અનુભવ હતો. અલીભાઈઓના લીલા ઝભ્ભા અને ચાંદ-તારા અંકિત ઊંચી ટોપી ભવ્ય દૃશ્ય સર્જતાં હતાં. એ બંનેની વચ્ચે એક બાજુ સહેજ ઢળતા મસ્તકે ગાંધીજી બેઠા હતા. માત્ર હું નહીં, મારા બધા સાથીઓ પણ મંત્રમુગ્ધ બની એ દર્શનમાં લીન થઈ ગયા. ગાંધીજીનું ઉદ્બોધન ખાસ કરીને વિદ્યાર્થીઓને અનુલક્ષીને હતું. એમાં એક વર્ષને માટે જો આખો દેશ અસહકાર કરે, શાળાકૉલેજોનો વિદ્યાર્થીઓ બહિષ્કાર કરે, વકીલો કૉર્ટનો, સરકારી અધિકારીઓ સરકારી નોકરીનો, ધારાસભ્યો ધારાસભાનો બહિષ્કાર કરે તો સ્વરાજ્ય એક વર્ષમાં હસ્તામલકવત્ બને. ગાંધીજીની જાદુભરી વાણી મારા ચિત્તતંત્રને કોઈ નવા પ્રકાશથી ભરી ગઈ. મુંબઈથી મારા અધ્યાપક ભટ્ટાચાર્યના બોલાવ્યાથી મૅટ્રિકની પરીક્ષામાં પહેલા દસમાં સ્થાન મેળવી જગન્નાથ સ્કૉલર બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે હું ભરૂચ આવ્યો હતો. સિદ્ધિઓનાં તે રંગીન સ્વપ્નાં, કાશીબા ને નાનાં ભાઈબહેનો ચિ. ગુલાબ, ગજરા, પાર્વતી માટેની ચિંતા-એ બધું જાણે કે મનમાંથી સરી પડ્યું;-શેષ રહી માત્ર એક જ ઝંખના-શાળા છોડી દઈ મુક્તિસંગ્રામમાં સ્વયંસેવક બનવાની અને તે માટેની પાત્રતા પામવાની. એ માટે સૌથી પહેલું કામ તો શાળા છોડવાનું હતું. એ મારે માટે કેટલું બધું મુશ્કેલ હતું એનો વિચારકરવામાં પણ જાણે બલિદાન માટેની પાત્રતા ઝંખવાતી હોય એવી મારા મનની સ્થિતિ બની. સૌથી પહેલાં મારા સાથી ભાઈ ઠાકરે મને મૅટ્રિકની પરીક્ષા જે હાથવેંતમાં હતી તે થતાં સુધી થોભી જવા આગ્રહ કર્યો. તેની દલીલ એ હતી કે મૅટ્રિક થયા પછી એકબે વર્ષ ભણવાનું પડે તો આગળ વધવાની તક જતી રહે એવું નથી; પરંતુ મૅટ્રિક થયા ન હોઈએ અને વચ્ચે એકબે વર્ષ જતાં રહે તો ભણવાનું લગભગ અશક્ય બની જાય. પરંતુ આવી બધી દલીલો મને સ્પર્શી શકી નહીં; કારણ કે એક વર્ષમાં તો સ્વરાજ આવી જવાનું હતું. ગાંધીજીનું એ વચન હતું. એમાં શરત એ હતી કે દેશ જો પોતાની ફરજ બરાબર અદા કરે તો સ્વરાજ એક વર્ષમાં અચૂક આવે. મૅટ્રિકની પરીક્ષાને હજુ ચારપાંચ મહિના બાકી હતા. એટલે વર્ષમાં જો સ્વરાજ આવવાનું હોય તો મારો ફાળો એટલો ઓછો જ રહે. એ મને મંજૂર ન હતું. ભટ્ટાચાર્યને મેં મારો વિચાર જણાવ્યો. તેમણે કહ્યું: ‘આ પ્રશ્ન મને પણ મૂંઝવે છે. જો વિદ્યાર્થીઓ શાળા-પાઠશાળા છોડે તો અધ્યાપકોએ પણ છોડવી રહી. હું એમ માનું છું કે આ પળે સૌએ પોતાની ફરજ બજાવવી જ જોઈએ, પણ એમાં દરેકે પોતપોતાની રીતે નક્કી કરવું જોઈએ અને તમારે આ નિર્ણય કરવામાં જો કોઈની પણ સલાહ લેવાની હોય તો તમારાં માતુશ્રીને પૂછવું જોઈએ.’ ભટ્ટાચાર્યની એ વાત મારા મર્મને હલમલાવી ગઈ. હું કઈ રીતે કાશીબાની પાસે જાઉં, કઈ રીતે એમની પાસે રજા માગું? એ તો રાહ જોતાં હતાં કે ક્યારે એમનો બોજ હું હળવો કરું. પણ જે પ્રચંડ આહ્વાન હતું, એની આગળ આ બધી વસ્તુ ઓગળી જતી લાગી. મને થયું મારે કાશીબા પાસે જવું જ જોઈએ અને તેમની રજા મેળવવી જ જોઈએ. પણ પછી થયું, બા રજા ન આપે તો? ગાંધીજીએ તો પ્રહ્લાદનું ઉદાહરણ આપ્યું હતું. પિતા પૂરતું એ ઉદાહરણ કદાચ ઠીક હશે; પણ માતાનો-અને તે પણ જેમણે પોતાનાં સર્વ સુખો કેવળ અમારી કલ્યાણંકામના આગળ ગૌણ બનાવી દીધાં હતાં તેવી માતાનો બોલ કેમ ઉથાપી શકાય? હું ભારે મૂંઝવણમાં મુકાઈ ગયો. ઘડીભર તો થઈ ગયું કે એમને વેદના થાય એવું મારે ન કરવું જોઈએ. આ મનોમંથન ભારે અજંપો પેદા કરે એવું હતું; પરંતુ એમાંથી કાશીબા પાસે જવાનો મારો સંકલ્પ સફળતાપૂર્વક બહાર આવ્યો અને હું ચીખલી પહોંચ્યો. એ દિવસનું દૃશ્ય આ લખતાં મારા મનમાં હૂબહૂ તાજું થાય છે. બા રસોડામાં જ હતાં. મને જોતાં જ કલ્લોલ કરી ઊઠેલાં મારાં નાનાં ભાંડુઓનો કલબલાટ અબોટિયાને પાલવે હાથ લૂછતાં કાશીબાને રસોડામાંથી અમારી પઠાર (પરસાળ) માં લઈ આવ્યો. મને જોતાંવેંત તેમની આંખ મલકી ઊઠી; પણ તરત જ જાણે ધરતી પર ચોંટી ગયાં હોય તેમ એકીટશે મારા તરફ જોઈ રહ્યાં. મારો પહેરવેશ નવતર હતો. અમારા ગામના હિરજનો વણતા એવી દોટી (ખાદી) નો લગભગ પગની પાની સુધી પહોંચે એવો પાદરીઓના ડગલા જેવો લાંબો ઝભ્ભો ને માથે એવી જ દોટીની સફેદ ટોપી. એ પહેરવેશ હજુ ચીખલી સુધી પહોંચ્યો ન હતો. એના અણસાર લોકોને આવ્યા હતા, ને અવારનવાર વાતવાતમાં એનો ઉલ્લેખ પણ થતો. મારાં ભાઈબહેનો માટે તો એ રમૂજની ઘટના બની; ને નાની પાલી (પાર્વતી) ને ખડખડાટ હસતાં ને તાળી પાડતાં આંખમાં પાણી આવી ગયાં. બાની દૃષ્ટિમાં ન કળાય એવા ભાવ હતા; પણ જરા વારમાં પોતાની જાતને સંભાળી લઈ મુખ મલકતું કરી એમણે મારા કુશળ સમાચાર પૂછવા માંડ્યા. ત્યાં અડોશીપડોશીઓ પણ મોં મલકાવતા ભેગા થઈ ગયા. પ્રશ્નોની ઝડી વરસી ને બધા પ્રશ્નોના હું ઊલટભેર જવાબ આપતો ગયો. પહેરવેશ અંગેના પ્રશ્નો પણ એમાં હતા જ-ને હસતાં હસતાં મેં એમને જે જવાબો આપ્યા તેમાં કંઈક એવું હતું કે, ‘મહાત્મા ગાંધી' જેવા આવી દોટીનાં કપડાં પહેરે છે એટલે મને થયું કે લાવ, આપણે પણ પહેરી જોઈએ.’ આમ કરવામાં કુતૂહલ કે દેખાદેખીથી પ્રેરાયેલા આચરણ કરતાં મારા મનમાં કંઈક વિશેષ હતું કે કેમ તેની અટકળ કરવાનો લોકોને અવકાશ ન મળે એ રીતે એ પ્રસંગ મેં ઉકેલ્યો. ચિ. ગુલાબ, ગજરા, પાર્વતી નિશાળે ગયાં ને અમે માદીકરો એકલાં પડ્યાં એટલે બાએ વાત ઉપાડી. વગરકારણે ગાડીભાડું ખરચું એવો હું ન હતો એ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં મારા અણધાર્યા આગમનનું કારણ તેમણે પૂછ્યું. અલીભાઈઓ ને ગાંધીજીને સાંભળ્યાની તેમને મેં વાત કરી, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને તેમણે કરેલું ઉદ્બોધન જે આખો વખત મારા મનમાં ઘૂંટાતું હતું તેનો ઊર્મિલ શબ્દોમાં તેમને મેં સાર આપ્યો. જે સરકારના હાથ ખિલાફતને થયેલા અન્યાય ને પંજાબના ગોઝારા હત્યાકાંડથી ખરડાયેલા છે તેની શાળામાં એક દિવસ પણ ભણવું એમાં પાપ છે એ વાત મેં બને તેટલા ઝનૂનથી કહીં. ખિલાફત શું, એને થયેલો અન્યાય શું, એના કશા જ ખ્યાલ તે વખતે મને ન હતા; પણ અમે બધા એ વખતના એક પ્રચંડ ઊર્મિઉછાળની ટોચ પર હતા; ગાંધીજી જે કંઈ કહે તે અમારે મન વેદવાક્ય જેવું હતું. તેમના શબ્દોનું પોપટની જેમ પુનરુચ્ચારણ કરવું એમાં અમને અમારી દેશભક્તિની સાર્થકતા લાગતી. બાને માટે તો એ બધું હું અંગ્રેજી બોલતો ને તે એનો અર્થ સમજ્યા વિના સ્મિત સાથે સાંભળતા તેના જેવું હતું. હા, પંજાબના જુલમની વાત નોખી હતી. જેમ મને એનો ખ્યાલ હતો તેમ બાને પણ એની માહિતી હતી. જલિયાંવાલા બાગની નિર્દય કતલ, માર્શલ લૉના અત્યાચારો, લોકોને પેટે ચલાવવાના, જાહેરમાં ફટકા મારવાના ને એવા બનાવોનાં કારમાં ચિત્રો અમારા મનમાં પૂરાં અંકિત થઈ ગયેલાં હતાં, અને એનો અમને ભારે રોષ હતો. એટલે એ તો સમજાય એવું હતું ને ખિલાફતની વાત ભલે ન સમજાઈ હોય, પણ એટલું તો સ્પષ્ટ હતું કે મુસલમાન ભાઈઓના દિલમાં એ વાતનું ભારે દુઃખ હતું. મૌલાના શૌક્તઅલી ને મૌલાના મહંમદઅલીના વીરત્વની, એમની નીડરતાની ને હિંમતની કોઈ અદ્ભુત પ્રતિમા અમારા મનમાં અંકાઈ હતી. એ બે ભાઈઓ વચ્ચે બેઠેલા ગાંધીજીનું દર્શન કરવા તો ફિરસ્તા પણ સ્વર્ગમાંથી ધરતી પર ઊતરી આવ્યા હશે એવું મને એ દૃશ્ય લાગ્યું હતું. તે વખતે તો હું કવિતા લખતો ન હતો પણ મારામાં જે કંઈ કવિતા પ્રસુપ્તપણે પડેલી હશે તેને ઢંઢોળી, જગાડી મેં બા આગળ એ દૃશ્યનું બહુ સુરેખ શબ્દચિત્ર દોર્યું. બાએ એ બધું શાંતિથી સાંભળ્યું. પછી ધીરે રહીને તેમણે કહ્યું, ‘ભાઈ, મૅટ્રિકની પરીક્ષા પછી આ બધું કરે તો?’ તેમની આંખોમાં ને વાણીમાં જે ઊંડી સંવેદના હતી તે મને સ્પર્ધા વિના રહી નહિ. ઘડીભર તો મને થયું કે એમની વાત સ્વીકારી લઈ ત્રણચાર મહિના થોભી જાઉં; પણ સુરતના પાટીદાર આશ્રમમાં સાંભળેલી પ્રેરક વાણીનું ઘેન જબરદસ્ત હતું, એટલે બાની વાતનો સ્વીકાર કરવાની મારા મનની સ્થિતિ ન હોવા છતાં તે વખતે મેં એટલું જ કહ્યું કે, ‘હવે સ્વરાજ આવ્યું જ સમજો. એમાં અંગ્રેજ સરકારનાં સર્ટિફિકેટોની શી કિંમત રહેવાની છે?' આ પણ નેતાઓને મોઢે સાંભળેલા શબ્દો હતા. સ્વરાજ મળતાં કેમ જાણે બધાં મૂલ્યોમાં પણ આમૂલ ક્રાંતિ સર્જાવાની હતી એવી પ્રતીતિ અમારા મનનો કબજો કરી બેઠી હતી અને તેથી જ એ ખરબચડી દોટી ને વિદૂષકના ડગલા જેવી કફની એ બધાંનો અમે ભારે ભારે મહિમા કરતા થઈ ગયા હતા. અમારી આ વાત ચાલતી હતી તેવામાં અમારા પડોશની એક બહેન ખબરઅંતર પૂછવા આવ્યાં ને અમારી ચર્ચા અધૂરી રહી. જમીને હું બાલુભાઈને મળવા ગયો. તેમની સાથે વધુ વિગતે ચર્ચા થઈ. હું જે પગલું લઈ રહ્યો હતો તેની ગંભીરતાનો મારા કરતાં તેમને વધુ વાસ્તવિક ખ્યાલ હતો. અંગ્રેજ સરકાર કૈસર સામે યુદ્ધમાં ઊતરી હતી તે વખતે જો આવી લડત ઉપાડાઈ હોત તો હિંદુસ્તાનના લોકોને મનાવી લીધા વિના એનો છૂટકો થાત નહિ; પણ જર્મનીની હાર પછી તો અંગ્રેજ સરકારના હાથ ઘણા મજબૂત બની ગયા હતા. જનરલ ડાયરે જે કંઈ કર્યું હતું તે કેવળ અકસ્માત ન હતો. જર્મનીને હરાવ્યા પછીના અંગ્રેજ મિજાજનું એ એક જંગલી પ્રદર્શન હતું. એનું પુનરાવર્તન કરતાં ઈંગ્લૅન્ડના સામ્રાજ્યવાદીઓ સંકોચ નહિ અનુભવે. એટલે વિજયના નશામાં એ લોકો જ્યારે ચકચૂર છે, ત્યારે પોતાના ભયાનક પશુબળથી લોકોને દબાવી દેતાં એ રોક્યા રોકાશે નહિ; પણ જો લોકો ગાંધીજીના માર્ગને બરોબર અનુસરે તો અંગ્રેજોને રાજ કરવું ભારે પડે. દક્ષિણ આફ્રિકાના એમના સત્યાગ્રહ જેવા અખતરામાં ઘણાં મોટાં પરિણામોની શક્યતા રહેલી છે. સદ્ભાગ્યે આપણા દેશના બીજા નેતાઓ પોતાના અંગત મારા મિત્ર, પરિચય માટે જુઓ ‘મારી દુનિયા’, વિચારોને બાજુએ મૂકી ગાંધીજીના પ્રયોગને અજમાવવા તૈયાર થયા છે, એ જોતાં અસહકારની લડતથી પૂરું સ્વરાજ નહિ તો સાંસ્થાનિક ઢબનું સ્વરાજ મળવાની ઘણી બધી શક્યતાઓ રહેલી હોવાનો ઈનકાર થઈ શકે એમ નથી. સવાલ માત્ર એટલો કે વ્યક્તિગત રીતે આપણે કેટલો ભોગ આપવાની તૈયારી રાખવી? આમ બહુ વેધક રીતે પરિસ્થિતિની છણાવટ કરી તેમણે મેં લેવા ધારેલા પગલાની ગંભીરતાનું મને પૂરું ભાન કરાવ્યું. એમની વાત સાંભળ્યા પછી જ્યારે તેમણે મારા નિશ્ચયમાં મને અડગ જોયો ત્યારે નહિં ત્યાળ ત્ ઋશ્ચિત્ – તિ તાત પતિ એ ભગવાનના વચનમાં શ્રદ્ધા રાખી કાશીબાના મનનું સમાધાન કરી હું અસહકાર કરું તે માટે સંમતિ આપી. વિદ્યાર્થીઓ અને અસહકાર અંગે બાલુભાઈની સમજ કંઈક આ પ્રકારની હતી: સરકારી શાળા-કૉલેજો છોડાવી ગાંધીજી વિદ્યાર્થીઓને રઝળાવવા નહોતા માગતા. ગાંધીજીનો અસહકાર એટલે સમાંતર સકારની સ્થાપના. સરકારની અદાલતોની જગ્યાએ લોકોની અદાલતો સ્થપાય અને લોકો એને અપનાવતા થાય, સરકારી શાળા-કૉલેજોની જગ્યાએ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય શાળામાં જાય ને એ જ પ્રમાણે સરકારી નોકરીનો ત્યાગ, ધારાસભાઓનો બહિષ્કાર આદિ અસહકારના બીજા કાર્યક્રમો જો બરોબર અમલમાં મુકાય તો સરકાર માટે કામ કરવાનું અશક્ય બની જાય. એટલે હું જો અસહકાર કરું તો એનો અર્થ એ નહિ કે મારું ભણવાનું બંધ થાય. હું સરકારી શાળા છોડી રાષ્ટ્રીય શાળામાં જાઉં એ એક વિદ્યાર્થી તરીકે મારે પૂરતું લેખાય. એટલે કાશીબાને જે એટલી ખાતરી કરાવી શકાય કે અસહકાર કરવાથી ભણવાનું બંધ નથી થતું તો તેમની સંમતિ મેળવવામાં બહુ મુશ્કેલી નહિ પડે. બાલુભાઈ સાથેની વાતમાંથી મારા મનના ધૂંધળા વાતાવરણમાં કંઈક ઉઘાડ થતો દેખાયો ને કાશીબાની સંમતિ મેળવવાની મને શક્યતા જણાવા લાગી. બાલુભાઈનાં માતુશ્રી દેવકોરબાએ શરૂઆતમાં તો કાશીબાના જેવું જ વલણ લીધું, પણ બાલુભાઈ તેમની અસંમતિને ઘણી શિથિલ બનાવી શક્યા ને તેમણે મને વધુ એકબે દિવસ કાશીબા સાથે ગાળી બધી બાજુનો વિચાર કરી જે તે નિર્ણય લેવા સૂચવ્યું. બાલુભાઈ સાથે હું જ્યારે કાશીબા પાસે આવ્યો ત્યારે તેમણે અમારા હાળી બુધિયાને વલસાડ મામા પાસે મોકલ્યાના સમાચાર આપ્યા. જ્યારે બહુ અગત્યની બાબત હોય ત્યારે પગપાળા સંદેશા મોકલવાનો રિવાજ તે વખતે પ્રચલિત હતો. તાર કરતાં પણ એ વધુ અગત્યનું લેખાતું. જો કાશીબાએ એમને બોલાવ્યા ન હોત તોય છેવટનો નિર્ણય લેતાં પહેલાં હું એમને મળવાનો હતો જ, એટલે મને એ સમાચારથી આનંદ થયો. કાશીબા બાલુભાઈ આગળ પોતાના મનનો ડૂમો હળવો કરે એવી મારી ઇચ્છા હોઈ એમને બાલુભાઈ સાથે વાત કરતાં મૂકી હું આડોશીપાડોશીઓને મળવા ગયો. મેં કહ્યું ન હતું. તે રીતે મારા વિચારો ફરીફરીને કાશીબા તરફ જ વળતા હતા. એમણે મારે માટે શું શું નો'તું કર્યું? કેટકેટલું જાતે વેઠી મને ફૂલની જેમ જાળવ્યો હતો! મારે અંગે એમણે કેવાં કેવાં સ્વપ્ન સેવ્યાં હતાં! મલ્લિકાર્જુનના દેરામાં પથ્થર ઊંચકી હું કલેક્ટર થવાનો છું એવી કેવી દૃઢ પ્રતીતિ એમના મનમાં એમણે ગૂંથી લીધી હતી! એ મનોરથ એમણે કેટકેટલી વાર વાગોળ્યો હશે! આવા આવા અનેક વિચારો મારા પડોશીઓ સાથે વાત કરતો હતો તે દરમિયાન મારા મનમાં ડોકાઈ મને અન્યમનસ્ક બનાવા લાગ્યા. પણ પાટીદાર આશ્રમના પટાંગણમાંથી જે મંત્રશક્તિએ મારા મનનો કબજો લીધો હતો તેનું વશીકરણ આ બધી લાગણીઓ આડે કઠોર ખડકની જેમ આકાર લઈ રહ્યું હતું ને હું ભાવનાના તરંગો પર ફંગોળાયે જતો હતો. સમાચાર મળતાં મામા જરા પણ સમય ગુમાવ્યા વિના તરત જ આવ્યા. તેમણે પણ મૅટ્રિકની પરીક્ષા આપી જે કંઈ કરવું હોય તે કરવાની સલાહ આપી; પણ મારું મન વધુ ને વધુ મક્કમ બનતું ગયું. મારા નાના ભાઈ ચિ. ગુલાબે પણ અમારી આ સમસ્યા હલ કરવામાં પોતાનો હિસ્સો નોંધાવ્યો... મારા નિર્ણયને ટેકો આપવામાં તેણે સહેજ પણ સંકોચ દાખવ્યો નહિ. આમ તો તે હજુ સાતમીમાં જ હતો; પણ મારી ગેરહાજરીમાં અમારાં ભાંડુઓમાં ઘરમાં તે સૌથી વડો હોઈ બાને સલાહ આપવાનો તે પોતાનો અધિકાર સમજતો. પોતાના વિચારોને આવેશ સાથે તેમ જ ઉગ્રતાથી વ્યક્ત કરવાની એને નાનપણથી જ ટેવ. એટલે આ વખતે એણે જાલિમ સરકારને હટાવવા માટે આખા કુટુંબે ફના થઈ જવું પડે તો તેમ કરતાં અચકાવું ન જોઈએ એવું ક્યાંક કોકના ભાષણમાંથી મેળવેલું કહ્યું. પણ એ તો બાળક, એટલે એના અભિપ્રાયો તરફ બધા રમૂજથી જુએ. મારા એક જૂના શિક્ષક આવ્યા. તેમણે પણ આ ચર્ચામાં ભાગ લઈ કહ્યું: ‘ભક્તાણી (મારાં બાને આ નામથી પણ લોકો બોલાવતા), ભગતજીના ગયા પછી તમે આ ઘરનો બોજ જેની સહાયથી ઉપાડતાં આવ્યાં છો તે ભગવાનને ભરોસે હવે બધું છોડી દો. ગાંધી અવતારી પુરુષ છે. એને પગલે ચાલનારનું બૂરું નહિ થાય, એ વિશ્વાસ રાખી હવે તમે ઝીણાને આશીર્વાદ આપી એને જે કરવું હોય તે કરવાની છૂટ આપો. પણ મારી કસોટી હજુ પૂરી થઈ ન હતી. મારા આચાર્ય છોટુભાઈ પુરાણી પાસે રજા મેળવવાનું મુશ્કેલ બન્યું. એ તો મોટા ત્યાગી અને દેશભક્ત, સાચા બ્રાહ્મણ-પરંતુ તેમને મારા ભાવિની દૃષ્ટિએ મૅટ્રિકની પરીક્ષા સુધી થોભી જવામાં મારું હિત રહેલું જણાયું. મૅટ્રિકની પરીક્ષામાં એ સૌની ધારણા હતી તે મુજબ જો હું પહેલા દસમાં આવું, સંસ્કૃતની સ્કૉલરશિપ મેળવું ને પછી અસહકાર કરું તો મારો એ ત્યાગ ઘણો મોટો લેખાય અને એમાંથી અનેકને પ્રેરણા મળે. આમ જુદી જુદી દલીલો કરી પ્રેમથી, વાત્સલ્યથી તેમણે મને સમજાવવા પ્રયત્ન કર્યો; પણ મારો નિર્ણય અફર રહ્યો. મેં અસહકારમાં ઝંપલાવ્યું અને જોતજોતામાં ભરૂચમાં એ લડતના એક વિદ્યાર્થીનેતા તરીકેનું મને સ્થાન મળી ગયું. બટુકનાથ વ્યાયામ શાળાના મેદાનમાં મળેલી એક સભામાં મને ભાષણ કરવાની તક મળી. એ વખતે મારી સમજ પ્રમાણે વાણીની છટા સાથે ઉગ્ર તથા ઝનૂનભર્યાં વિધાનો મેં કર્યા; અને એ વખતે ઉપરાઉપરી પડતી તાળીઓથી હું જાણે કે સાતમા આસમાને ચડ્યો. આ ઘેન ઘણું ભારે હતું અને હું વ્યાખ્યાન કરવાની તકો શોધવા માંડ્યો. મારી શાળા હજુ અસહકારમાં ભળી નહોતી. એ વખતે શાળાઓને સરકારી અંકુશમાંથી મુક્ત કરાવવા માટે પિકેટિંગ કરવાનો પવન શરૂ થઈ ગયો હતો. એ પવન અમારે ત્યાં પણ જોરથી ઊઠ્યો; અને મારી પોતાની જ શાળા ઉપર પિકેટિંગ કરવા માટેનાં ટોળામાં હું ફંગોળાયો. છોટુભાઈને જોતાં હું લગભગ ભાંગી ગયો. તે મારી પાસે આવ્યા. તેમણે કહ્યું, ‘આપણે પોતાને જે ઠીક લાગે તે કરવા સ્વતંત્ર છીએ; પરંતુ બીજાના ઉપર આપણા વિચારો બળજબરીથી લાદવા એ શું બરોબર છે? આપણે આપણી શાળાને પણ અસહકારમાં લઈ જવી છે; પણ એને માટે બધાની સંમતિ જોઈએ, એમાં કદાચ થોડો સમય પણ જાય'... એ વખતની એમની બધી વાતો તો મને યાદ નથી; પણ એમના ગૌરવભર્યા વ્યક્તિત્વ આગળ હું અત્યંત શરમિંદો બની ગયો. મને થયું કે હું જે કંઈ કરી રહ્યો હતો, તેમાં અવિનયની પરિસીમા હતી. તેમાંથી પાછા વળવાનું મેં વિચાર્યું, પણ મારા સાથીઓએ મને પડકાર્યો. શાળાનાં પગથિયાં આગળ સૂઈ જવાની મને તેઓ ફરજ પાડવા મંડ્યા. એને તો હું વશ ન થયો. પણ ટોળાની બહાર પણ ન જઈ શક્યો. મારો સાથી ભાઈ ઠાકર મારી સાથે સંમત ન હતો. એને આ બધું ક્ષણિક ઊભરા જેવું લાગતું હતું, એટલે એ અસહકાર માટે બિલકુલ તૈયાર ન હતો. અને એથી પિકેટિંગની પરવા કર્યા વિના દઢતાથી શાળામાં જવાના મક્કમ નિર્ધાર સાથે તે આવ્યો હતો. પણ જ્યારે આંગણામાં સૂતેલા વિદ્યાર્થીઓને એણે જોયા, ને એક શિક્ષકને એમની વચ્ચેથી રસ્તો કરી શાળામાં દાખલ થતા જોયા ત્યારે એનો સંયમ તૂટી ગયો. એણે એની પાસેનાં પુસ્તકો ફગાવી દીધાં અને મારી પાસે આવી કહ્યું: ‘હું અસહકાર નથી કરતો. એમાં હું માનતો નથી; પણ મને લાગે છે કે આ વાતાવરણમાં હું ભણી નહિ શકું. મારી કારકિર્દી જો આથી રોળાઈ જાય તો એનું પાપ તારા જેવાને માથે છે.' એના બોલથી મેં ઘણો આઘાત અનુભવ્યો. મને કંઈ સમજ ન પડી કે મારે શું કરવું. એ તો ત્વરિત ગતિએ ત્યાંથી પાછો ફરી ગયો. એને સમજાવવા, મનાવવા પાછળ જવા એમ ન હતું. લાગણીઓનાં આવા તુમુલ દ્વંદ્વો જાણે ડગલે ને પગલે અનુભવ પડવાનાં ન હોય એનો મને ખ્યાલ આવ્યો, ને ત્યારે મને થયું કે સ્વરાજ્ય આવવાનું જ હોય તો એની પાછળ કેટલી બધી યાતનાઓ પડેલી હશે! અમે બંને જ્યારે પાછા મળ્યા ત્યારે શું બોલવું એની કંઈ સમજ પડતી ન હતી. અમે એક જ ઓરડામાં રહેતા, સૂતાં સૂતાં રોજ વાતો કરતા-આજે વાત માટે અમારા બેમાંથી એકેયની જીભ ઊપડતી ન હતી. બીજે દિવસે સવારે તો તે પોતાને ગામ ચાલ્યો ગયો. એ પછી મારો એની સાથેનો સંપર્ક તૂટી ગયો. એનું સરનામું પણ મારી પાસે ન હતું. આજ પણ તે દિવસની સ્મૃતિ મને બેચેન કરે છે. અસહકાર તો કર્યો અને બાને હું કહી પણ આવેલો કે હું રાષ્ટ્રીય શાળામાં ભણવાનું ચાલુ રાખીશ; પણ એક વર્ષમાં સ્વરાજ મળવાનું હતું અને એ માટે ભણવાનું પણ એક વર્ષ મુલતવી રહે તો ઘણું સારું એવી સલાહ વિદ્યાપીઠની સ્થાપના કર્યા છતાં ગાંધીજ તરફથી મળી હોવાથી મને થયું કે જો આપણે બનતું કરી છૂટવું જ હોય તો એમાં કોઈ પણ વાતની કમીના શા માટે રાખવી? વળી ભરૂચમાં હજી રાષ્ટ્રીય શાળાની શરૂઆત થઈ નહોતી એટલે મારે માટે એ વિકલ્પ પણ ઊભો થયો ન હતો, એટલે મેં સ્વયંસેવક તરીકે જોડાઈ જે કામ સોંપાય તે કરવાનું વિચાર્યું. આ વાત મેં બાલુભાઈને લખી, ત્યારે તેમણે બા સાથે જે સમજૂતી થઈ હતી, તેમાં આ એક પ્રકારનું સ્ખલન હોવાનું મને જણાવ્યું. મેં પત્ર દ્વારા એમની સાથે સંવાદ શરૂ કરી દીધો. ભરૂચમાં રાષ્ટ્રીય શાળા શરૂ થતાં તરત તેમાં જોડાઈશ, એવું મેં તેમને જણાવ્યું; પણ રાષ્ટ્રીય શાળા માત્ર અક્ષરજ્ઞાન માટે ન હતી, આઝાદી માટે પણ હતી. એટલે જો સરઘસ વગેરેમાં ભાગ લેતાં મારે પકડાવાનું થાય તો ભણતર તો આપોઆપ જ અટકવાનું હતું. એ બધું જોતાં અસહકાર કર્યા પછી આનુષંગિક જે કંઈ જવાબદારી આવે તે ઉપાડવામાં બા સાથે થયેલી સમજૂતીનો ભંગ થતો હોવાનું મને લાગતું ન હતું, એમ બાલુભાઈને જણાવી હું ભરૂચનાં ગામડાંમાં કામ કરવા ઊપડી ગયો. લડતના કામમાં જોડાયા પછી મારે સુરત જવાનું થયું. એ વખતે સુરતમાં પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમ તો જાણે યુદ્ધનાં મોટાં કેન્દ્રો બની ગયા હતા. એકમાં સેનાપતિ તરીકે હતા કલ્યાણજીભાઈ, બીજામાં હતા દયાળજીભાઈ. હું અનાવિલ આશ્રમમાં ગયો, ત્યાંના વાતાવરણથી પ્રભાવિત થયો. ત્યાંનું આશ્રમ-જીવન મને ઘણું ગમી ગયું. મળસકે ચાર વાગ્યે ઊઠવાનું, એ પછી સમૂહ પ્રાર્થના ને ત્યાર પછી નિત્યકાર્ય વગેરે. એ બધું અત્યંત આકર્ષક હતું અને તેમાં હવે અસહકારી વિદ્યાર્થીઓ જ હતા, એટલે આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું હતું. અહીં હું દયાળજીભાઈના સંપર્કમાં આવ્યો. ને તેમણે મને આખા વખતની પ્રવૃત્તિ મળી રહે એવાં કામોમાં જોતર્યો. મારા બનેવી અને પ્રિય સાથી નાથુભાઈ પણ આ જ આશ્રમમાં હતા. એ મારાથી એક વર્ષ પાછળ. એ પણ અસહકારમાં જોડાયા. એમના પિતાએ સખત વાંધો લીધો; પણ એ મક્કમ રહ્યા. એ ઉપરાંત બીજા પણ અનેક નવા સાથી મને મળ્યા એમાં મારાથી વયમાં નાના ને પાછળથી હોમિયોપાથ ડૉક્ટર ત ૨ીકે ઘણા જાણીતા બનેલા ડૉ. મગનલાલ દેસાઈ અને દિલ્હીના સરદાર વિદ્યાલયના આચાર્ય તરીકે ખ્યાતનામ બનેલા ડૉ. રઘુભાઈ નાયક સાથેનો સંબંધ જીવનભરનો બન્યો. એ ઉપરાંત મારાથી એક વર્ષ આગળ અને મૅટ્રિકમાં આખી યુનિવર્સિટીમાં અગિયારમાં નંબરે પાસ થયેલા ડૉ. મનુભાઈ નાયક પણ મારા મિત્ર બન્યા. એમની પાસેથી મને ઘણી પ્રેરણા મળી. શાંતિનિકેતન ભણવા ગયેલા કીકુભાઈ પણ આવી પહોંચ્યા ને એમની સાથે પણ મારી જીવનભરની મૈત્રીની ગાંઠ બંધાઈ. આ વાતાવરણમાં ભણવા વગેરેનું તો નામ લેવાપણું રહ્યું નહિ અને લડતની ધૂન જ મન ઉપર આખો વખત સવાર થઈને વિહરતી હતી. ભરૂચ સાથેની ગાંઠ પણ છૂટતી ન હતી, એટલે અવારનવાર તક મળતાં હું ત્યાં જતો અને ભટ્ટાચાર્ય સાથે રહેતો. એ દરમિયાન ભરૂચની મારી સંસ્થાએ પણ અસહકારમાં ઝંપલાવ્યું હતું અને છોટુભાઈ, ભટ્ટાચાર્ય વગેરે પણ અસરકારના રંગે પૂરા રંગાયા હતા. છોટુભાઈને હું મળ્યો ત્યારે સૌથી પહેલી વાત તેમણે મારા સ્વાધ્યાયની કરી. મારે વિનીતની પરીક્ષા આપવી જ જોઈએ એવો તેમણે આગ્રહ કર્યો. મેં તો ચોપડીઓ અભરાઈ પર ચડાવી દીધી હતી, એટલે હવે ભણવાની વાત આવે ત્યારે ચૂંક આવતી હોય એવું લાગતું. એટલે છોટુભાઈની વાતનો મેં વિવેક ખાતર મોઢેથી સ્વીકાર કર્યો, પણ મનમાં એ માટેની કશી જ તૈયારી ન હતી. ભટ્ટાચાર્યે પણ મારે વિનીતની પરીક્ષા આપવી જ જોઈએ એવો આગ્રહ કર્યો; પણ છૂટી ગયેલો અભ્યાસ ફરીથી ચાલુ કેમ થઈ શકે અને પરીક્ષામાં સારી એવી સિદ્ધિ મેળવવાની જે ઝંખના હતી, તે હવે અલ્પ તૈયારીથી પાર પડી શકે તેમ ન હોઈ મેં પરીક્ષાને મારા મનમાં બહુ પ્રવેશવા દીધી નહિ. આમ થતાં જે ચારપાંચ દિવસ હું ભરૂચ રહ્યો તે દરમિયાન ભટ્ટાચાર્યે મારી સાથે ગુજરાતીના અમારા પાઠ્યપુસ્તકમાંથી કેટલીક કવિતાઓ વાંચી. એ પૈકી ‘ગિરનારને ચરણે'ના સંસ્કારો મારા મનમાં દૃઢપણે અંકિત થઈ ગયા. એમાંથી કેટલીક પંક્તિઓ જેવી કે
આદ્યંત આ જગત જીવનને ભરીને,
ઘોરે અઘોર નીર સાગર કાંલ કેરો;
ને તે મહા કમલની દલ પાંખડીમાં,
મોંઘો સખિ પરમ બ્રહ્મ પરાગ ઊઠે.
મારે માટે ચિરસ્મરણીય બની ગઈ. એમાં સાગરનું એક મહાકમળ તરીકેનું જે ચિત્ર અંકિત થયું છે તે સૌંદર્યાનુભૂતિ મારા ચિત્ત પર કાયમને માટે અંકિત થઈ ગઈ છે. સુંદર અને ભવ્યના આવા સુમેળે મારી ક્લ્પનાને ઘણી આંદોલિત કરી મૂકી. આ પંક્તિની જેમ–
લેતાં વિરાટ પગલાં સખિ, વિશ્વગોળે,
વર્ષો સહસ્ર કૂદતાં મૃગલાંની ફાળે...
પંક્તિઓથી જે ચિત્ર અંકાતું હતું તે મારે માટે ઘણું આસ્વાદ્ય બન્યું.
વળી,
ગાલે ઢળે નમણી પાંપણ અર્ધર્મીચી
ઢાંકે પુનઃ પુનઃ પાલવ ઉરદેશ;
સંકોરી કોર સરતી કરવેલડીએ
તેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો?
આ પંક્તિમાંથી આપણી કિશોરીઓ અને યૌવનાઓનું જે આભિજાત્યપૂર્ણ ચિત્ર ઊપસે છે તેમાં આપણી સંસ્કારિત્વની કેવી નિર્મળશ્રી છે! આજે પણ મને આપણા સાહિત્યમાં આ કવિતા વાણીની મોટી સિદ્ધિ જેવી લાગે છે. આમ થોડાક દિવસ ભટ્ટાચાર્ય પાસે રહી, સારી એવી પ્રેરણા પામી ફરીથી હું સુરત આવ્યો અને પરીક્ષાની વાત ભૂલી, આંદોલનમાં ગૂંથાઈ ગયો. એ દરમિયાન દયાળજીભાઈના વધુ પિરચયમાં મારે આવવાનું થયું, અને વિનીતની પરીક્ષાને પંદરેક દિવસ બાકી રહ્યા હશે, ત્યાં તેમણે મને કહ્યું, ‘તમારે વિનીતની પરીક્ષા તો આપવી જ જોઈએ.’ મેં જવાબ આપ્યો, ‘આવતે વર્ષે સ્વાધીન ભારતમાં આપીશ.' એ સંવાદનું સ્વરૂપ કંઈક આવું બન્યું: દ.: આ વર્ષ પરીક્ષા આપવામાં કશું બગડતું નથી. ઝી.: મારી તૈયારી નથી. દ.: વગર તૈયારીએ પણ તમે સારી રીતે પાસ થઈ શકો એમ છો. ઝી.: સારી રીતે પાસ થાઉં એ પૂરતું નથી. મારે તો રેન્ક પણ મેળવવી જોઈએ. દ.: વિનીતની રેન્કનો ખાસ મહિમા નથી. અંતિમ કક્ષાએ જે મેળવાય એનું મૂલ્ય છે અને તે તો તમે મેળવી શકશો. મારી અનેક આનાકાની છતાં તેમણે મારી પાસે વિનીતનું ફોર્મ ભરાવ્યું. ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ ગયેલી હોવા છતાં તારથી તેમણે પરીક્ષામાં બેસવાની મારે માટે મંજૂરી મેળવી અને જે બે અઠવાડિયાં રહ્યાં હતાં તેમાં હું પરીક્ષાની તૈયારી કરવામાં ગૂંથાઈ ગયો.