સાફલ્યટાણું/૨. દલુ કલુના સાંનિધ્યમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. દલુ કલુના સાંનિધ્યમાં

વિનીતની પરીક્ષા આપવાનું નક્કી કર્યા પછી માંડ માંડ બે અઠવાડિયાં વાંચવા માટે મળ્યાં હતાં, તે પણ અણધાર્યું છીનવાઈ ગયાં. મારી જમણી આંખે આંજણી થઈ. આ પહેલાં મને આંજણીનો અનુભવ ન હતો. પ્રમાણમાં એ ઠીક ઠીક મોટી હતી. એને લઈને વાંચવાનું મુશ્કેલ બન્યું; પણ એથી વધુ ખરાબ તો મારા મન પર જે અસર થઈ તે હતું. જાણે લડતનું કામ છોડી પરીક્ષામાં દિવસો બગાડવાનું મેં સ્વીકાર્યું એમાં એક વર્ષમાં સ્વરાજ્ય મેળવવાના સંકલ્પમાંથી હું કંઈક ચલિત થયો હોઉં તેવી લાગણી મનમાં અજંપો જગાડવા લાગી. એની જાણે સજા હોય તેમ આંજણી થઈ તેવું મેં માન્યું; અને ફોર્મ ભરાયું હોય તો છો, પણ પરીક્ષા તો નથી જ આપવી એવા નિર્ણય ઉપર હું આવ્યો. પરિણામે અભરાઈ પર ચડાવી દીધેલાં પુસ્તકો મેં પાછાં ફંફોસવા માંડ્યાં હતાં તે કામ પડતું મૂકવા હું પ્રેરાયો. પણ એટલામાં એક બીજો અકસ્માત બન્યો. આશ્રમમાં પૂ. દયાળજીભાઈનાં વૃદ્ધ વિધવા માતુશ્રી હતાં. એ બધા છાત્રોને ઓળખે. અવારનવાર તેમની સાથે વાતચીત કરે, તેમના ઘરના સમાચાર પૂછે અને કોઈકની કંઈ મૂંઝવણ હોય તો તે ઉકેલવામાં મદદ કરે. દયાળજીભાઈનો તેમને માટેનો ભક્તિભાવ ઘણો બધો. હું તેમના ખાસ પરિચયમાં આવેલો નહિ એટલે તેમના સંબંધી મને કોઈ ખ્યાલ ન હતો પણ હું જમીને આવતો હતો ત્યાં રસ્તામાં તે મને મળ્યા અને મને જોતાંવેંત કહ્યું:

‘ભાઈ, તું તો બહુ નસીબદાર.’

મેં કહ્યું, ‘અહીં આશ્રમમાં આવ્યો એટલે ને?’

‘એ તો ખરું; પણ આ આંખે આંજણી થઈ તે.’

‘આંજણી થઈ તેમાં વળી નસીબ કયું? મારે એ પરીક્ષા આપવી ન હતી. તે ઇચ્છા હવે આ આંજણીથી બર આવશે એટલો નસીબદાર ખરો.’

‘એમ નહિ. આંજણી તો શુકનની નિશાની. અને “ભાઈ” કહેતા હતા કે તું તો પહેલો નંબર લાવે તેવો છે એટલે આ તો શુકન થયા.'

‘પણ બા, હું હવે પરીક્ષા નથી આપવાનો. આ તો ભગવાને મને ચેતવણી આપી છે કે સ્વરાજ્ય મળ્યા પછી આવતે વર્ષે ભણવાનું ચાલુ કરવાનું. ત્યાં સુધી તો દેશનું જ કામ.’

પરીક્ષાને હવે ક્યાં વાર છે? એ પછી તારે જેટલું કામ કરવું હોય તેટલું કરજે. આ તો શુકન થયા. જા દીકરા, તારો પહેલો નંબર આવવાનો છે અને ભાઈની રજા વિના હવે બીજું કાંઈ ન કરાય.'

બાએ માથે હાથ ફેરવ્યો. મારી આંખમાં ઝળઝળિયાં આવ્યાં. કાશીબા યાદ આવી ગયાં. ભલે નાપાસ થાઉં પણ આ બંને માતાઓ, પૂજ્ય ભાઈ, પૂ. છોટુભાઈ, ભટ્ટાચાર્ય એ બધાં મારાથી ઓછાં દેશભક્ત હતાં? અને રાષ્ટ્રીય વિદ્યાપીઠની પરીક્ષા આપવી તે પણ લડતનું એક અંગ જ હતું ને? મારું મન ચગડોળે ચડ્યું. મારા સ્વભાવની આ અસ્થિરતાથી હું અકળાયો. એ ઘટનાને આજે ખાસી અડધી સદી ક્યારની પૂરી થઈ હોવા છતાં હું જોઉં છું કે મારા મનને હું વધુ કેળવી નથી શક્યો. આંજણી એ તો શુકનની નિશાની છે અને પુરુષને માટે જમણી આંખની આંજણી ખૂબ જ સારી, આ બાનું શુકનશાસ્ર પણ મને લોભાવી ગયું અને મેં પરીક્ષા નહિ આપવી એવો થોડી ક્ષણ પહેલાં કરેલો સંકલ્પ સરી પડ્યો.

હું હવે પરીક્ષાની તૈયારીમાં પડ્યો. વાંચવાનું તો પૂરું થઈ શકે તેમ હતું નહિ અને વચ્ચેના ત્રણ મહિના ચોપડીઓ તરફ પાછા વળીને જોયું ન હતું એટલે પરીક્ષા માટે કેમ તૈયાર થવું એની તરકીબમાં હું પડ્યો. ભાઈ નાથુભાઈ પણ આંશ્રમમાં જ હતા. એમણે પણ અસહકાર કર્યો હતો અને એ સિક્સ્થ (આજની દસમી) માં હતા એમ છતાં એમની તેજસ્વિતા જોઈ વિનયમંદિરના આચાર્યે એમને વિનીતની પરીક્ષામાં બેસવાને યોગ્ય લેખ્યા હોવાથી એમણે પણ ફોર્મ ભર્યું હતું. એ વખતે છઠ્ઠીના પહેલા-બીજા છોકરાઓને પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવાનો રિવાજ કેટલીક શાળાઓમાં હતો. મેં પણ મુંબઈની ટ્યુટોરેિયલ હાઈસ્કૂલમાં આ રીતે છઠ્ઠીમાંથી પ્રિલિમ આપેલી. અંગ્રેજીના પાઠ્યપુસ્તકના પેપર સિવાયનાં બીજાં બધાં જ પેપરમાં હું બેઠો હતો અને તેમાં મોખરાના સ્થાને ઉત્તીર્ણ પણ થયો હતો. આ યાદ તાજી થતાં મને હિંમત આવી. નાથુભાઈએ મૅટ્રિકનું પાઠ્યપુસ્તક વાંચ્યું ન હતું. તે થોડા દિવસમાં તેમણે તૈયાર કરી લીધું હતું અને અભ્યાસક્રમ લગભગ પૂરો કર્યો હતો. તે જોતાં બાકી રહેલા થોડા દિવસોમાં અમે બંને જો જૂનાં પેપરો અને બીજી. સ્કૂલનાં પ્રિલિમનાં પેપરો સાથે મળીને જોઈ જઈએ તો ઘણું થઈ શકે તેમ લાગતાં અમે સાથે સ્વાધ્યાય શરૂ કર્યો; પણ વિઘ્ન હજુ પૂરાં થયાં ન હતાં. આંજણીની પીડા વધી, તાવ પણ થોડો થોડો આવવા માંડ્યો અને પરીક્ષાને દિવસે તાવ સાથે હું મંડપમાં ગયો.

મંડપનું વાતાવરણ ખુશનુમા હતું. આમે ય તે મૅટ્રિકની પરીક્ષામાં બેસનારાઓના લાલનપાલનની કોઈ કમીના હોતી નથી; પરંતુ આ તો આઝાદીના આશક નવલોહિયાઓ, મા ભારતીની આંખનાં રતન; એમને જોવા, એમને પ્રેરણા આપવા, એમને સુરતની અનન્ય લેખાતી કીમતી ખાદ્ય વાનગીઓ આપવા અનેક સ્ત્રી-પુરુષો મંડપની ફરતે એકઠાં થયાં હતાં. એ ઉત્સાહ જોતાં મેં નવી તાજગી અનુભવી. તાવ ભુલાઈ ગયો. વિનીતની પરીક્ષા આપવી એ પણ એક દેશભક્તિનું મહાન કાર્ય છે એવી પ્રતીતિ મારા મનમાં બંધાઈ. અમે બધા મહાન બ્રિટિશ સલ્તનત સામેની પ્રચંડ ક્રાંતિના પ્રાણવાન પ્રતીકરૂપ છીએ એવો સાત્ત્વિક ગર્વ મારા અંતરમાં છલકાઈ ઊઠ્યો. એ સલ્તનતના સ્તંભરૂપ લેખાતા અનેક વિખ્યાત હિંદીઓ જેને જીવનની મોટી સિદ્ધિ લેખતા તે સરકારી યુનિવર્સિટીઓની પદવીઓ અને એનાથી મળતી તકોને ઠોકરે મારી અમે લોકો સ્વાધીનતાની પ્રાપ્તિ એ જ સાચી ‘કેરિયર’ છે એનો જાણે લોકોને જ્વલંત પુરાવો આપતા હોઈએ એવી ખુમારી મેં અનુભવી.

મનની આ પ્રસન્ન સ્થિતિમાં જ્યારે પરીક્ષાનો પ્રશ્નપત્ર હાથમાં આવ્યો ત્યારે મારી આંખ આનંદથી થનગની ઊઠી. હિ આવડે એવું એમાં કશું જ ન હતું. એક ઇતિહાસનું પેપર બાદ કરતાં બધાં જ પેપરોમાં, શરીરમાં તાવ હોવા છતાં મેં આનંદ અનુભવ્યો. ઇતિહાસમાં મુશ્કેલી એ હતી કે એ વિષય માહિતીપ્રધાન હોઈ, બધી માહિતી પર નજર નાખી જવા જેટલો સમય હું મેળવી શક્યો ન હતો; પણ હું જે કાંઈ લખી શક્યો એનાથી મને અસંતોષ ન હતો. વધુમાં તો પરીક્ષા આપીને આશ્રમમાં જાઉં એટલે તરત જ બા આવે, શરીર પર હાથ ફેરવે અને કાંઈ નહિ ભાઈ, તાવ જરાક જ છે અને આંજણીના શુકન ખોટા નહિ પડે.’ આમ ધીરજ આપે અને હું મોં મલકતું રાખી કહું, ‘આંજણીના તો કાંઈ નહિ, પણ બા, તમારો હાથ ફરે છે એટલે મને એમ લાગે છે કે મેં કાંઈ ભૂલ કરી હશે તે પણ પેપર તપાસનારના ધ્યાનમાં નથી આવવાની. તમારા આશીર્વાદ ફળવાના જ છે.'

આમ અનેક વિઘ્નો છતાં વિનીતની પરીક્ષા તો હેમખેમ પાર પડી. હવે પરીક્ષા પહેલાં યાંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી પાછું શરૂ કરી દેવાનું હતું. સુરત એ વખતે દલુ-કલુની જોડીથી ગાજતું હતું. દલુ એટલે શ્રી દયાળજીભાઈ દેસાઈ અને કલુ એટલે શ્રી કલ્યાણજીભાઈ મહેતા. જીવનમાં ઘણાં શક્તિશાળી સ્ત્રી-પુરુષોનો પરિચય મેળવવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. સમર્થ અધ્યાપકોને ચરણે બેસી જ્ઞાનામૃતનું પાન કર્યું છે. ગુજરાત વિદ્યાપીઠ, મુંબઈ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સરદાર વલ્લભભાઈ યુનિવર્સિટી આદિ યુનિવર્સિટીઓની સેનેટ અને અધિકારમંડળોમાં તથા રાજ્યકક્ષાની, ભારતીય કક્ષાની તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક પરિષદોમાં પણ ભાગ લેવાનું અને એ નિમિત્તે ઘણી તેજસ્વી વ્યક્તિઓના સમાગમમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. પણ દલુ-કલુની મારા મન પર જે છાપ રહી છે અને એનું સ્મરણ કરતાં મારું મન જે આનંદથી પુલકિત થઈ ઊઠે છે, જે ઊંડી ઉષ્મા અનુભવે છે તેવું આચાર્ય કૃપાલાનીજી કે ગિદવાણીજી જેવી વિરલ વ્યક્તિઓ બાદ કરતાં આંગળીને વેઢે ગણી શકાય તેવી પરિમિત વ્યક્તિઓ માટે જ મેં અનુભવ્યું હશે. દક્ષિણ ગુજરાતની ગભરુ, નિખાલસ ને બાળક જેવી સરળ આમજનતામાંથી આવેલા આ બંને ધરતીજાયા એ પ્રદેશના ઉત્તમ પ્રતિનિધિઓ જેવા હતા. ફળદ્રુપ એવા એ પ્રદેશમાં નદી, નાળાં, ઝરણાં અને તળાવોની મનોરમ ફૂલગૂંથણીથી ભરેલી એની હરિયાળી વાડીઓ જે માનવીઓના અખૂટ પરિશ્રમ અને તપથી પલ્લવિત બનતી રહી છે તે ખેડૂતોના એ વારસ હતા. દયાળજીભાઈ જ્ઞાતિએ અનાવિલ બ્રાહ્મણ અને કલ્યાણજીભાઈ પાટીદાર. બેમાંથી એકે યે યુનિવર્સિટીનું પ્રવેશદ્વાર દીઠેલું નહિ; પરંતુ એમની ચોમેરની અનેક યુગોના અનુભવોથી ભરેલી પ્રકૃતિએ એમને નિતપાંગરતા ને નિતતાજા રાખ્યા હતા, અને બેઉ આપણી ઉચ્ચ કોટિના કર્મનિષ્ઠ આજીવન સારસ્વત બન્યા. દયાળજીભાઈએ પોતાની કોમના વિદ્યાર્થીઓ માટે સુરતમાં અનાવિલ આશ્રમની સ્થાપના કરી અને કલ્યાણજીભાઈએ પણ એમના મોટા ભાઈ કુંવરજીભાઈ સાથે મળી અનાવિલ આશ્રમની બાજુમાં જ એમની કોમનાં બાળકો માટે પાટીદાર આશ્રમ સ્થાપ્યો. આ બંને આશ્રમો સહોદરની જેમ વિકસ્યા અને બંનેની ક્ષિતિજો પણ વિસ્તીર્ણ બનતી ગઈ. વખત જતાં નાતજાતનાં બંધન વિના એમાં સૌ કોઈને પ્રવેશ મળે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ અને એમણે રાષ્ટ્રીય સંસ્થાનું બિરુદ પ્રાપ્ત કર્યું.

આ બે સંસ્થાઓનો હું જ્યારે વિચાર કરું છું ત્યારે એ વખતના ગુજરાતમાં જે નવી સાંસ્કૃતિક ચેતના ઉદય પામી રહી હતી તેનું પ્રેરક દૃશ્ય નજર સમક્ષ રમી રહે છે. એ જ અરસામાં ચરોતરમાં શ્રી મોતીભાઈ અમીન અને સૌરાષ્ટ્રમાં શ્રી નાનાભાઈ ભટ્ટ જેવા જીવનવીરોએ જ્ઞાનની નવી રોશનીઓ પ્રગટાવી હતી અને ગુજરાત એના વિવિધ ભાગોમાં પ્રગટેલી જ્ઞાનની આ નાની નાની ઘીની દીવડીઓના મઘમઘાટભર્યા પ્રકાશથી દીપી રહ્યું હતું. આ બધું જાણે ગાંધીજીના આગમનની તૈયારી રૂપ હોય, અને પોતાની ચોક્કસ યોજના મુજબ પ્રજાઓના જીવનને વળાંક આપવાના કુદરતના ક્રમ રૂપ હોય, એવું હું વર્ષોથી માનતો રહ્યો છું.

આ બે સારસ્વતો પૈકી આપણા સદ્ભાગ્યે શ્રી કલ્યાણજીભાઈ મહેતા હજુ પણ (૧૯૭૧) આપણી વચ્ચે છે. જીવનના આઠ દાયકા એ વટાવી ચૂક્યા છે. અનેક આધાતોમાંથી એ પસાર થયા છે. મુક્તિ પછી જે નવા ભારતનું સર્જન એ ઝંખતા હતા એ ઝંખના અધૂરી રહી છે એટલું જ નહિ પણ ન ગમે અને વિષાદ પ્રેરે એવું ઘણું બની રહ્યું છે. આમ છતાં યુવાનીમાં જે વિશ્વાસથી એ પોતાની આવતી કાલને જોતા હતા તે જ શ્રદ્ધા અફર અને અચૂક રીતે આજ પણ એમની વાણી ને વર્તનમાંથી નીતરે છે. એ સમયની એમની એક કવિતા જે લાખો લોકોની જીભને ટેરવે રમતી થઈ ગઈ હતી તે એમને જોતાં મનમાં તાજી થાય છે, તેમાં એમણે કરેલી ઘોષણા-

“દીવાલો દુર્ગની ફાટે, તમારા કેદખાનાની,
તૂટે જંજીર લોખંડી, તમારી આત્મશ્રદ્ધા તો.”

આજે પણ એમના મુખ પરની કરચલીઓમાં સુરેખ રીતે અંકિત થયેલી નજરે પડે છે. માસિક રૂપિયા સાતના પગારથી પ્રાથમિક શિક્ષક તરીકે શરૂ થયેલી એમની જીવનયાત્રાએ એમને ‘ગરવી ગુજરાતી'ના માનભર્યા સ્થાને પ્રતિષ્ઠિત કર્યા છે. વિધાનસભાના સ્પીકરપદે એમની થયેલી વરણીથી એ આદરને પ્રત્યક્ષ આકાર પણ સમકાલીનોએ આપ્યો. એ પદે એમની વરણી થઈ ત્યારે એમના ભવ્ય પુરુષાર્થ માટેની વર્ષોથી મારા મનમાં બંધાયેલી પ્રતિમા વધુ સુરેખ બની. અભ્યાસકાળમાં એ અંગ્રેજી ભણ્યા ન હતા, વખત જતાં એમની જાહેર પ્રવૃત્તિઓમાં એમને અંગ્રેજીની જાણકારી જરૂર જણાતાં ખપ પૂરતું અંગ્રેજી એમણે શીખી લીધું. કાયદાનો અભ્યાસ કરવાની એમને ભાગ્યે જ કોઈ જરૂરિયાત ઊભી થઈ હોય એટલે જ્યારે સ્પીકર તરીકે એમની વરણી થઈ ત્યારે એમાં માત્ર એમની સેવાઓને જ અંજલિ ન હતી; પણ એમની નીરક્ષીરવિવેકશક્તિ, ન્યાયબુદ્ધિ, તટસ્થ વૃત્તિ અને સૂક્ષ્મ મેધાને પણ વિધાનસભાનો એ ભવ્ય અર્થ હતો. અનાવિલ આશ્રમના મારા અલ્પ સમયના વસવાટ દરમિયાન એમને નિકટથી જોવાની અને એમની વાણીમાંથી પ્રેરણા મેળવવાની મને જે તક મળી તે જે નવી કેડી પર મારું જીવન ફંટાઈ રહ્યું હતું તેમાં ઘણી પ્રેરક બની.

દયાળજીભાઈ સાથે મારે લાંબું રહેવાનું થયું ન હતું; પરંતુ જે થોડો સમય એમની સાથે ગાળ્યો તેમાં એમના વ્યક્તિત્વથી હું અત્યંત પ્રભાવિત થયો અને એમની પાસેથી ઘણું શીખ્યો. જ્યારે જ્યારે એમનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે સ્વામી વિવેકાનંદ યાદ આવે છે. સ્વામીજીની અને એમની મુખમુદ્રા લગભગ એકસરખી. મુંડન કરેલું તેજસ્વી માથું, શરીર ઘાટીલું ભરાવદાર ને ગોળમટોળ. પહેરવેશ સાદગીના ઉત્તમ નમૂના જેવો. અર્ધી બાંયનું બદન અને ટૂંકી ચડ્ડી. ફરવા જાય ત્યારે હાથમાં માથાથી ચાર આંગળ ઊંચી લાઠી, જેવો એમનો પહેરવેશ તેવું જ સાદું એમનું જીવન ને વર્તન. અવાજ ભવ્ય અને બુલંદ. એ વખતે લાઉડસ્પીકરો ન હતાં, છતાં તાપીના ડક્કા ઓવારા ઉપરની એમની વાણીના સામે કાંઠે પણ પડઘા પડતા હોવાનું એમના અવાજ અંગે કહેવાતું. એમને પહેલવહેલાં મેં સાંભળ્યા ત્યારે એમના જેવો અવાજ, એમની વાક્છટા અને એમની નિર્ભયતા કેળવવાની મહત્ત્વાકાંક્ષા મારા મનમાં જાગ્યા વિના રહી નહિ; અને એકાંતમાં તક મળતાં હું એના અખતરા પણ કરી જોતો. આમ તો એક છાત્રાલયના ગૃહપતિ તરીકેની જ એમની કારકિર્દી; પણ એમના શીલ અને એમની પ્રતિભાની માત્ર અનાવિલ સમાજ ઉપર જ નહિ પરંતુ આખા દક્ષિણ ગુજરાતની સમગ્ર આમજનતા ઉપર બહુ ઊંડી છાપ. દંતકથા જેવી લેખાય એવી એમની કડક શિસ્તની અનેક વાતો લોકોમાં પ્રચલિત થઈ હતી. નીતિના એમના આગ્રહની યુવાનોમાં ઠેકડી પણ થતી; પરંતુ એ ઠેકડી પણ એમને માટેના આદરમાં જ પરિણમતી. મને એ શિસ્તના સાક્ષી કે ભાજન બનવાની તક સાંપડી નહિ, કારણ કે હું જ્યારે એમના પરિચયમાં આવ્યો ત્યારે એમનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ બની ગયું હતું. અસહકારની લડતના એક સેનાનીપદે એ નિયુક્ત થઈ ચૂક્યા હતા અને એથી એમનો ઘણો સમય સભા, સરઘસ આદિ પ્રવૃત્તિઓમાં જતો હતો. સરઘસોમાં મોખરે રહી શંખનાદ કરતી અને લોકોને વચ્ચે વચ્ચે પોતાના બુલંદ અવાજથી ઉદ્બોધતી એમની આકૃતિ લોકોની કલ્પનામાં ત્વરિત ગતિથી અંકિત થઈ જતી હતી, અને લોકોના પ્રેમની વૃષ્ટિમાં એમની પ્રતિભા નવપલ્લવિત બની રહી હતી. મને ખબર નથી આપણી સ્વાધીનતાના ઇતિહાસમાં કોઈ જગાએ નોંધાયું છે કે કેમ; પરંતુ ટિળક સ્વરાજ્ય ફાળા વખતે ગુજરાતે આપવાની રકમ કેટલી ભરાઈ છે એનો હિસાબ મેળવવા ભરૂચમાં જ્યારે દિનકરભાઈ દેસાઈના મેડા ઉપર ગાંધીજીની હાજરીમાં કાર્યકર્તાઓની સભા મળી ત્યારે રકમ ઘણી અધૂરી હોવાની માહિતી બહાર આવી. સંજોગવશાત્ તે સભામાં હાજર રહેવાની મને તક મળી હતી એટલે ત્યાં જે કાંઈ બન્યું એનો હું પ્રત્યક્ષ સાક્ષી હતો-જોકે બધી વિગતો પૂરી યાદ નથી. ગાંધીજીએ કહ્યું કે ગુજરાતે તો આખા દેશને દાખલો પૂરો પાડવાનો છે અને ફાળે આવતી રકમ પૂરેપૂરી ભરપાઈ કરવાની છે. આ સાંભળતાં દયાળજીભાઈએ કહ્યું, ‘આપની રજા હોય તો મારું બધું ટિળક ફાળામાં આપવા રાજી છું.’ ગાંધીજીએ એ વિનંતી તરત સ્વકારી લીધી એટલે દયાળજીભાઈને પગલે ડૉ. ચંદુલાલ, કલ્યાણજીભાઈ અને ગાંધીજીના આફ્રિકાના સાથી પ્રાગજીભાઈએ પણ પોતાની મિલકતો ગાંધીજીને ચરણે ધરી દીધી. ભવ્ય હતી આ ઘટના. આની અસર એ થઈ કે ગુજરાતે પોતાને ફાળે આવતી રકમ ઉમળકાથી ભરી દીધી અને સ્વાધીનતાની લડત માટે પોતાની પાત્રતાને બિરદાવી.

દયાળજીભાઈના વધુ નિકટના પરિચયમાં આવવાની મને તીવ્ર ઝંખના હતી; પણ કમભાગ્યે એ પાર પડી નહિ અને ૧૯૩૨ પછી એમણે રાજકારણમાંથી સંન્યાસ લઈ અનાવિલ આશ્રમ પર પોતાનું લક્ષ કેન્દ્રિત કર્યું. એ બે વર્ષ હું જેલમાં હતો અને ત્યાર પછી મારે મુંબઈમાં રહેવાનું થયું, એટલે દયાળજીભાઈ સંબંધી કોઈ અંગત માહિતી મેળવવાનું સદ્ભાગ્ય મને મળ્યું નહિ અને એમના અવસાનના જે કાંઈ સમાચાર મળ્યા એ ઘણા વેદનાજનક હતા.

દયાળજીભાઈ આજન્મ દૃષ્ટિવંત શિક્ષક હતા, પ્રાચીન ગુરુકુળોનો એમના મનમાં મહિમા હતો અને આપણા દેશમાં આપણી આજની શાળાઓની જગ્યાએ એવાં વસતિગૃયુક્ત ગુરુકુળો ઊભાં કરવાની એમની અરમાન હતી. એની શરૂઆત એક ન્યાતના છાત્રાલયથી થઈ પણ તેમાં તે સીમિત રહેવા માગતા ન હતા. એ જમાનો ન્યાતોની સેવામાં દેશસેવા જોનારો હતો. એથી એ વખતનાં બધાં દાનો અને જાહેર પ્રવૃત્તિઓ જ્ઞાતિઓને ધોરણે થતી. દયાળજીભાઈ એ બધી પ્રવૃત્તિઓનું સંગઠન કરી રાષ્ટ્રીય દૃષ્ટિ કેળવવાના મતના હતા. એથી અનાવિલ આશ્રમ, પાટીદાર આશ્રમ, એની વચ્ચે આવેલા સ્વરાજ્ય આશ્રમ અને નજીકમાં બીજી કોમના આશ્રમો એક થઈ શકે એ દૃષ્ટિએ ૧૯૨૦-૨૧માં રાષ્ટ્રીય કેળવણી મંડળ પાસે શિક્ષણનું એક વિશાળ સંકુલ ઊભું કરી શકાય એટલી જમીન એમણે ખરીદાવી હતી અને ત્યાં આ બધાં છાત્રાલયોને એકસૂત્રે સાંધે એવું વિનયમંદિર સ્થાપવાની એમની યોજના હતી. આ યોજના સાચે જ એક દૃષ્ટિવંત પુરુષની હતી અને એ જો પાર પડી હોત તો ગુજરાતને એક ભવ્ય સંસ્થા લાધી હોત; પણ વિધિનું નિર્માણ જુદું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ જે મંડળે આ જમીન લીધી હતી તેના એક ટ્રસ્ટી હતા. તેમણે એકજથે આવેલી સમતલ અને વિશાળ એવી આ જમીન દયાળજીભાઈ અને કલ્યાણજીભાઈના ઉગ્ર વિરોધ છતાં વેચાવી દીધી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પાટીદાર આશ્રમના એ વખતના ગૃહપતિ શ્રી નરોત્તમભાઈ પટેલ પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે કે, ‘આ જમીન વેચાતી અટકાવવા માટે સ્વ. દયાળજીભાઈએ આકાશ-પાતાળ એક કર્યાં. છેવટે ગાંધીજી સમક્ષ ધા નાખી; પરંતુ એમના પ્રયત્નો નિષ્ફળ ગયા. આ બનાવનો એમને ભારે આઘાત લાગ્યો અને બે જ દિવસમાં તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.' સરદાર વલ્લભભાઈની આ જમીન અંગે દૃષ્ટિ શી હતી એનો મને ખ્યાલ નથી એટલે અનુમાન કરવાનું સાહસ કર્યા વિના એટલું જ નોંધવું ઉચિત છે કે દયાળજીભાઈના જીવનનો આ પ્રસંગ જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે શુભ આશયના અભાવ વિના પણ કેવી કરુણ ઘટના સર્જાય છે તેનું અંતરખોજ કરાવતું દર્શન થાય છે.