સાફલ્યટાણું/૨૨. ઇતિહાસ અને રાજશાસ્ત્રના અધ્યાપક તરીકે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૨. ઇતિહાસ અને રાજશાસ્ત્રના અધ્યાપક તરીકે

સ્નાતક થયા પછી શું કરવું એ હું વિચારતો હતો ત્યાં વિદ્યાપીઠમાં અધ્યાપક તરીક જોડાવાનું મને નિમંત્રણ મળ્યું. આવું નિયંત્રણ બીજા ચાર સ્નાતકોને પણ મળ્યું. એ હતા કીકુભાઈ દેસાઈ, નગીનદાસ પારેખ, ગોપાળદાસ પટેલ અને જેઠાલાલ ગાંધી. વિદ્યાપીઠનું સંચાલન વખત જતાં વિદ્યાપીઠના સ્નાતકોને હસ્તક મુકાય અને ગુજરાતીનો શિક્ષણના માધ્યમ તરીકે અસરકારક રીતે ઉપયોગ થાય તે માટે તેઓ પૂરી નિષ્ઠાથી પોતાની બધી શક્તિ વાપરે એવી ગાંધીજીની આ નિયુક્તિ પાછળની મુરાદ હતી.* મને ઇતિહાસનો વિષય સોંપાયો. એમાં મારે યુરોપનો ઇતિહાસ, પ્રાચીન ભારતનો ઇતિહાસ, દંડનીતિ (પ્રાચીન ભારતીય રાજ્યબંધારણ) અને પ્રથમા (FY.Arts)ના વર્ગમાં ગુજરાતી કવિતા શીખવવાની હતી. સામાન્ય રીતે અભ્યાસ માટે જે ખાસ વિષય લીધો હોય તેમાં જ અધ્યાપનકાર્યની જવાબદારી સોંપાય. એ રીતે મને ગુજરાતી કવિતા સોંપાય એ એક અપવાદ લેખાય; પણ તે મારી કાવ્યપ્રવૃત્તિને આભારી હતું. મારે ઇતિહાસ શીખવવાને માટે ઘણી સખત મહેનત કરવાની આવી. એ વિષયને, એક કલાક સુધી વિદ્યાર્થીઓને રસ પડે એ રીતે રજૂ કરવાનું અત્યંત કઠિન હતું. કવિતા શીખવવામાં આવી કોઈ મુશ્કેલીઓ ન હતી; પણ ઇતિહાસમાં તો હકીકતોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવી, એમાં રસક્ષતિ થવા ન પામે તે જોવું, ભાષાના વિવેકભર્યા ઉપયોગથી અભિવ્યક્તિને દીપ્તિમંત બનાવવી વગેરે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની આવી. તેને માટે પુસ્તકાલયનો શક્ય તેટલો લાભ લઈ બને તેટલી રસિક વિગતો નોંધી મારું વ્યાખ્યાન હું તૈયાર કરતો. આ તૈયારીઓમાં રોજ સવારે પાંચ-સાડા પાંચથી, નવ સાડા નવ સુધીનો સમય કોઈ પણ જાતના વિક્ષેપ પડવા દીધા વિના હું ગાળતો. તે વખતે વીજળી આવી ન હતી એટલે અજવાળું થાય ત્યાં સુધી મારી ઓરડીમાં હરિકેન લેન્ટર્નથી હું વાંચતો અને અજવાળું થયા પછી છાત્રાલયની અગાશીના એકાંતમાં મારા સ્વાધ્યાય કરતો. આવી તૈયારી છતાં મને લાગતું કે વિષયને પૂરો ન્યાય હું આપી શકતો નથી. શરૂઆતના પહેલા વર્ષનો આ અસંતોષ, બીજે વર્ષે ઠીક ઠીક ઓછો થયો અને વધુ આત્મવિશ્વાસ સાથે હું વર્ગ લેવા મંડ્યો. મારે જેમને ભણાવવાનું હતું તેમાં કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ હતા. શ્રી દિનકર મહેતા, શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી, શ્રી મનહર મહેતા, શ્રી મૃદુલાબહેન સારાભાઈ વગેરેના વર્ગ લેવાની તક મળે એ સતત પડકારરૂપ હતું. એમાં પાછા પડવાપણું ન આવે એ માટે હું ચીવટ રાખતો. [1] ભરૂચ બટુકનાથ વ્યાયામશાળામાં મેં જે થોડીઘણી તાલીમ લીધી હતી તે વધુ વિકસાવવાની તક વિદ્યાપીઠમાં આવ્યા પછી મને શરૂઆતથી જ મળી હતી. વ્યાયામની તાલીમ આપવાને શ્રી તલેને અધ્યાપક નીમવામાં આવ્યા હતા. કુસ્તી માટેની તેમ જ વેઈટ લીટિંગ, લાઠી, ઢાલ-લકડી, ડમ્બેલ્સ, મગદળ આદિ સાધનોની વ્યવસ્થિત તાલીમ મળે એવો પૂરો પ્રબંધ કરવામાં આવ્યો હતો. એ સગવડનો લાભ લઈ દરરોજ સાંજે હું વ્યાયામશાળામાં જતો. મારા સાથીઓમાં બેત્રણ શારીરિક તાકાત અને કૌશલ્યમાં ઘણા જાણીતા થયા હતા. એ પૈકી શ્રી લાલીવાલા નામના એક મુસ્લિમ વિદ્યાર્થી જે સદ્ભાગ્યે હજુ હયાત છે, તે કેટલાક સુંદર પ્રયોગો કરતા એમાં સાંકળથી બંધાઈ તેને તોડી બહાર આવવાનો પ્રયોગ ઘણો આકર્ષક હતો. આમ તો એ એકવડા બાંધાના હતા; પણ અંગ પૂરેપૂરાં કસાયેલાં હતાં. એમની સાથે કુસ્તીમાં એક વખત એમના ગળા ઉપર મેં ભરડો લીધો અને અચાનક તકલેસાહેબની નજર પડતાં તે દોડી આવ્યા અને હાથ છોડાવતાં મને કહ્યું કે, ‘આ શું કરે છે?’ હું હસ્યો, ‘મને શા માટે વઢો છો? સાંકળ તો એ તોડે છે. જોખમ તો મારે હતું! મારો આ હાથ તૂટ્યો નથી એ મારું સદ્ભાગ્ય નહિ?’ અને અમે બધા ખડખડાટ હસી પડ્યા. એ વખતે ભાઈ ગોપાલદાસ જીવાભાઈ પણ અવારનવાર અખાડામાં આવતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી એ.પગની બીમારીથી ઘર બહાર જઈ શકતા નથી. આથી એકવાર એમની ખબર કાઢવા હું ગયો ત્યારે મેં એમની આ બીમારીનું કારણ પૂછ્યું. ત્યારે એમણે હસીને કહ્યું, ‘તમે ભૂલી ગયા? કુસ્તીમાં મને પછાડ્યો હતો તેનું આ પરિણામ!’ હું નવાઈ પામ્યો. એ વાત કેમે કરીને મને યાદ આવી નહિ. મને ઘણું દુઃખ થયું. કુસ્તીની પૂરી આવડત નહિ હોવાને લઈને મારાથી એવું થઈ ગયું હશે એમ મને લાગ્યું. વ્યાયામશાળામાં અવારનવાર વેઈટ લિફ્ટિંગ પણ હું કરતો અને ૧૩૫ પાઉન્ડ જેટલું વજન કોઈ પણ જાતના આંચકા વિના હું માથા ઉપર અદ્ધર લઈ જઈ શકતો. દંડબેઠકની પણ ઠીક તાલીમ મેં લીધી. લાઠી ફેરવવાનો પણ થોડોક અનુભવ મેળવ્યો. વખત જતાં વ્યાયામશાળામાં જવાનું ઓછું થયું અને દોડવાની કસરત તરફ હું વળ્યો. વિદ્યાપીઠની અગાશીમાં દરરોજ સવારે લગભગ ચાર વાગ્યાથી મારી દોડ શરૂ થતી અને પૂરા ચાલીશ આંટા એટલે કે લગભગ સાડા નવ કિલોમિટર જેટલું હું દોડતો. એ વખતે આદર્શ શરીર માટે સેન્ડો નામના એક યુરોપીઅન પહેલવાનનું નામ લેવાતું. પગની ફુલાવેલી પિંડી (Calf Muscle), હાથનો ફુલાવેલો દ્વિશિર સ્નાયુ (Biceps) અને ગળું એ ત્રણેનું માપ એકસરખું હોય તો એ કાયા આદર્શ લેખાય. આ કક્ષાએ હું પહોંચી શક્યો હતો અને આહારવિહારમાં મેં કદી પણ કાળજી રાખી નહિ હોવા છતાં આજે પ્રમાણમાં હું જે ઠીક સ્વાસ્થ્ય ભોગવું છું તે હું માનું છું કે મારી કિશોરવય અને યૌવનમાં તરવાનો અને દોડવાનો મેં જે આનંદ માણ્યો હતો તેને આભારી છે. પરોઢિયે દોડવાની મારી આ ટેવની એક હળવી બાજુ પણ છે. પાઠકસાહેબ અમારી સાથે જ વિદ્યાપીઠમાં રહેતા. એમની ઓરડી મારી ઓરડીની નજદીક હતી. સામાન્ય રીતે રાત્રે મોડે સુધી એ વાંચતા અને ચાર વાગે હું દોડવાનું શરૂ કરું ત્યારે તો એમની ઊંઘની અડધી મજલ માંડ પૂરી થઈ હોય ને અગાશીમાંથી નીચે સુધી ધમધમ અવાજ સંભળાય. મને અવારનવાર એ ટોકતા ને કહેતા કે, ‘રસ્તાં પર દોડતા શું થાય છે? કે અહીં બધાંની ઊંઘ બગાડે છે!’ અને હું ‘સારું’ કહી, બીજે દિવસે સવારે અગાશીમાં પહોંચી ગયો હોઉં! એટલે આપણે એક કાવ્ય લખ્યું. એનું શીર્ષક અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં હતું. એ હતું- ‘An Original Poem and its Conditional Dedication.’ ‘એક નવીન કાવ્ય અને તેનું શરતી અર્પણ’ એ કાવ્યને પાઠકસાહેબે એમના ‘શેષ’નાં કાવ્યોમાં’ સ્થાન આપ્યું છે. શ્રી નગીનદાસ પારેખે એના ઉપર બાલબોધિની ટીકા પણ લખી છે. તેને પણ પાઠકસાહેબે ટિપ્પણમાં સ્થાન આપ્યું છે. એ કાવ્ય નીચે પ્રમાણે છે.

તારું નામ સ્નેહરશ્મિ – તારું નામ સ્નેહરશ્મિ,
પણ વાત પડી છે વસમી તારી વાત પડી છે વસી.
તારી વાતો છે ધુરી, સ્નેહી, વાતો છે મધુરી,
પણ યાદદાસ્ત અધૂરી, રશ્મિ, યાદદાસ્ત મધૂરી.
તને ખીલ પડ્યા’તા મોટા, સ્નેહી, ખીલ પડ્યા’તા મોટા,
તો ય કરતો દોટંદોટા, રશ્મિ, કરતો દોટંદોટા.
તારાં ચશ્માં કાળાં કાળાં, સ્નેહી ચશ્માં કાળાં કાળાં,
જારો બંધ બારણે તાળાં, રશ્મિ, બંધ બારણે તાળાં.
તારી કવિતા છે ધુરી, સ્નેહી, કવિતા છે મધુરી,
પણ સવાર આદત બૂરી, રશ્મિ, સવાર આદત બૂરી.
તારી પગકેરી પાની, સ્નેહી, પગકેરી પાની,
નવ સવારમાં રહે છાની, રશ્મિ, સવારમાં રહે છાની.
તું ચાલે એવો ધમ ધમ સ્નેહી, ચાલે એવો ધમધમ,
મુજ હૈયે વાગે પડઘમ, રશ્મિ, ધૈયે વાગે પડઘમ.
તું અગાશિયે જઈ દોડે, સ્નેહી, અગાશિયે જઈ દોડે,
તોય નીંદરનાં જળ ડોળે, મારી નીંદરનાં જળ ડોળે.
જો કંપે ઊગતાં સવિતા સુધી જંપે ઊગતાં સવિતા,
તો અર્પણ કરું આ કવિતા તુજને અર્પણ કર્યું આ કવિતા.

એ કવિતા રાત્રે લખી ક્યારે હું દોડીને પાછો આવું એની રાહ જોતાં, પાઠકસાહેબ સવારે જાગ્યા; પણ તેમને નિરાશ થવું પડ્યું કારણ કે હું તે દિવસે દોડવા ગયો ન હતો, એટલે મારી ઓરડીમાં આવ્યા અને કહ્યું કે, ‘મારે ખરેખર હવે આ કવિતા અર્પણ કરવી પડવાની!’ એમ કહી એમણે એ કવિતા મને સંભળાવી. હું ખૂબ હસ્યો. મેં કહ્યું, ‘હવે લગભગ એક મહિના સુધી તો આ અર્પણ હું સ્વીકારી લઉં છું.’ એટલે એમણે પૂછ્યું, ‘કેમ?’ મેં કહ્યું, ‘આજથી મેં ચૌદ દિવસના ઉપવાસ શરૂ કર્યાં છે.’ નવાઈ પામતાં તેમનાથી બોલાઈ ગયું, ‘ઉપવાસ? ચૌદ દિવસના!’ મેં એમને ઉપવાસના કારણની માહિતી આપી અને તેમણે ઠપકો આપ્યો, ‘આવું ગાંડપણ કરાય?’ વાત એમ બની હતી કે આંખના ખીલ અંગે મને થયું કે ઉપવાસનો જો પ્રયોગ કરું તો બનવાોગ છે એની અસર થાય. એ વખતે ઉપવાસથી સારા થતા રોગો પરના બર્નાર્ડ મૅકફેડનના લેખો ખૂબ પ્રચારમાં આવ્યા હતા, અને તેણે ઉપવાસ માટે સારી એવી જિજ્ઞાસા લોકોમાં જગાડી હતી. ગાંધીજી ઉપવાસના નિષ્ણાત હતા. એટલે મને થયું કે એમની સાથે ચર્ચા કરી ઉપવાસ કરવા જેવું લાગે તો એ પ્રયોગ મારે કરી જોવો. આથી હું એમની પાસે ગયો. એમણે મેં જે જે ઉપચાર કરાવ્યા હતા તે બધાની માહિતી મેળવી. વિશેષમાં મેં કાળી માટીનો પ્રયોગ કરી ચૂક્યો હતો એટલે એમણે કહ્યું, ‘કરવા જેવું બધું તમે કરી લીધું છે એટલે હવે તો ડૉકટર કહે એમ જ કરવું રહ્યું.’ મેં પૂછ્યું, ‘ઉપવાસનો ઈલાજ અજમાવવા જેવો ખરો?’ એમણે કહ્યું, ‘કરી જોવા જેવું ખ. ફાયદો કદાચ નિહ થાય તોપણ નુકસાન નહિ થાય.’ મેં પૂછ્યું, ‘એકવીસ દિવસના ઉપવાસ કરું?’ એમણે કહ્યું, ‘ના, એ તો વધુ પડતું થાય. ચૌદ કરો તો બસ.’-અને એ પછી એમણે મને ઉપવાસ કેમ કરવા તેની વિગતે સૂચના આપી. એમને મળીને એમની કુટિરનાં પગથિયાં ઊતરતાં મેં જાણે કે મારા વાંસા ઉપર ધબ્બો લગાવ્યો કે ‘મૂરખ! આવું ડહાપણ કરવા તને કોણે કહ્યું હતું? હવે ડોસાજી તારી ખબર લીધા વિના નહિ રહે.’ હકીકત તો એ હતી કે આ પહેલાં મેં કદી એક પણ ઉપવાસ કર્યો ન હતો. ચોવીસ કલાકના રાજકીય ઉપવાસનો જ્યારે આદેશ અપાતો ત્યારે હું એ કરતો. પણ એ ચોવીસ કલાક પૂરા કરતાં ધીરજની સારી એવી કસોટી થતી; પણ હવે તો તીર હાથથી છૂટી ગયું હતું અને ઉપવાસ કર્યે જ છૂટકો! ગાંધીજી આગળ જો હું બંધાઈ ગયો ન હોત, ને મેં મારી પોતાની મેળે આ નિર્ણય કર્યો હોત તો મને નથી લાગતું કે પહેલા દિવસની સાંજ સુધી પણ હું મારા નિર્ણયમાં ટકી રહ્યો હોત. પણ મારે માટે બધા જ દરવાજા બંધ થઈ ગયા હતા અને ચૌદ ઉપવાસ પાર પાડ્યે જ છૂટકો હતો. શરૂઆતમાં બેત્રણ દિવસ થોડીક મુશ્કેલીમાં પસાર થયા. એ મુશ્કેલી વિશેષ તો માનસિક હતી. ખાવાનાં સ્વપ્નાં પણ આવતાં; પણ બીજી રીતે આરોગ્ય સારી રીતે જળવાતું હતું. ગાંધીજી પણ બેએક વખત આવી મળી ગયા અને પોતાનો સંતોષ પણ તેમણે વ્યક્ત કર્યો. ઉપવાસ પાર પડ્યા; પણ ખીલ તો ડોરમન્ટ જ રહ્યા! વિદ્યાપીઠમાં અમદાવાદમાંથી આવતા વિદ્યાર્થી પ્રોપાયટરી હાઈસ્કૂલમાંથી વિનીતની પરીક્ષા આપતા. એ શાળા ઈ. સ. ૧૯૨૫ સુધી વિદ્યાપીઠ સાથે જોડાયેલી હતી ત્યાં સુધી અમદાવાદમાં બીજી કોઈ રાષ્ટ્રીય શાળાની જરૂર જણાઈ ન હતી. પણ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલે યુનિવર્સિટીની માન્યતા લેતાં રાષ્ટ્રીય શાળામાં ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો. આ સંજોગોમાં અમદાવાદમાં એક રાષ્ટ્રીય શાળા શરૂ કરવાનું વિદ્યાપીઠે નક્કી ર્યું અને એની શરૂઆત શહેરમાં હાલ જ્યાં ઍડવાન્સ થિયેટર છે ત્યાં એક ભાડાના મકાનમાં થઈ. પાઠકસાહેબના આચાર્યપદ નીચે વિદ્યાપીઠના અમારા જેવા કેટલાક અધ્યાપકોને મહાવિદ્યાલયના તેમના નિયત કામ ઉપરાંત આ વધારાની જવાબદારી પણ સોંપાઈ અને અમે તે ઉત્સાહપૂર્વક ઉપાડી લીધી. મારી નાની બહેન પાર્વતી જે એ વખતે પંદરેક વર્ષની હતી તેને એ શાળામાં અભ્યાસ કરવા મેં બોલાવી લીધી. એની સાથે મારા મિત્ર બાલુભાઈના નાનાભાઈ મનુભાઈ-જે પાછળથી જન્મભૂમિના તંત્રી બન્યા હતા તેમને પણ મેં બોલાવ્યા. આથી મારે ઘર માંડવું પડ્યું. સદ્ભાગ્યે અગાઉ જ્યાં અમારી કૉલેજ હતી તે આગાખાનના બંગલા પાસેની ભુલાભાઈની ચાલમાં મને સરસ જગા મળી ગઈ. મારી પડોશમાં મારા અધ્યાપક મિત્રો શ્યામલાલ ભગવતી, ગોપાલદાસ પટેલ ઉપરાંત મારા મિત્ર રતીલાલ નાગરવાડિયા, રમણલાલ ભટ્ટ વગેરે હતા. પાર્વતી રસોઈ અને અન્ય ઘરકામમાં બહુ સારી રીતે તૈયાર થયેલી હતી. શાકભાજી વગેરે તો ત્યાં આવતી લારીમાંથી તે પસંદ કરીને લેતી; પરંતુ બજારમાંથી લાવવાની વસ્તુની જવાબદારી મારે શિર હતી અને તેમાં હું કોઈ કોઈ વખત પ્રમાદ કરી બેસતો. એક વખત તો કેરોસીન થઈ રહ્યું હતું અને ફાનસમાં પણ પૂરું થઈ ગયેલું હોઈ રાત્રે દીવા વિના રહેવાની પરિસ્થિતિ સર્જાઈ. પાર્વતીને રડતી સાંભળી ભગવતીનાં પત્ની શશીબહેને આવી મારો ઊધડો લઈ તેમની પાસેના કેરોસીનમાંથી પાર્વતીને આપ્યું. મારા તરફથી આવી થોડીક તક્લીફ બાદ કરતાં પાર્વતીનો સમય ખૂબ આનંદ અને ઉલ્લાસમાં વ્યતીત થતો હતો. મનુના સાથને લઈને એને ભણર્વામાં પણ મદદ મળતી, અમદાવાદના તાપથી અકળાઈ પાસે જ વહેતી સાબરમતીમાં તેઓ અવારનવાર નહાતાં. પાર્વતીને, શશીબહેન ઉપરાંત ગોપાળદાસનાં પત્ની કમુબહેન અને બીજી બેત્રણ બહેનોનો પણ સાથ હતો. નિશાળમાં તેને જ્યોત્સ્ના (પાછળથી ઉમાશંકરનાં પત્ની), પ્રમીલા, વસુંધરા, મૃણમયી આદિ બહેનોનો સાથ હતો. યુવક-પ્રવૃત્તિ નિમિત્તે પણ પાર્વતીના સંપર્ક વધ્યા. રમતગમતમાંની એની ચપળતા અને તાકાતથી એને ઠેર ઠેરથી પ્રોત્સાહન મળતું થયું. અનસૂયાબહેન સારાભાઈએ પણ એને લાડથી બોલાવી, ને આ બધાંને લઈને મને પણ જીવન જાણે ભર્યું ભર્યું લાગતું. એમાં કવિ ન્હાનાલાલના સંબંધે ઉમેરો કર્યો. આ વખતે જે યુવક-પ્રવૃત્તિ શરૂ થઈ હતી તેમાં રાજકીય મતમતાંતરો ઓગાળી ગયા હતા અને ગુજરાત કૉલેજના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બિરાદરીની ભૂમિકા ઉપર ભેગા થઈ યુવક જાગૃતિનાં કરવા જેવાં વિવિધ કાર્યો કરતા. વ્યાખ્યાનો, ચર્ચા, મનોરંજન આદિ પ્રવૃત્તિઓ વખતોવખત યોજાતી અને કૉલેજોમાં બહેનોની સંખ્યા ઓછી હોવા છતાં ભાઈઓ અને બહેનો છૂટથી હળતાંમળતાં અને બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં. એ વખતે શ્રી સરલાદેવી સારાભાઈ સંઘના પ્રમુખ હતાં અને એકવાર ‘રીટ્રીટ’માં સંઘનું સ્નેહસંમેલન એમણે યોજ્યું હતું. રીટ્રીટના લતામંડપો, એની ભવ્ય વનરાજિ, મોર આદિ પંખીસૃષ્ટિ વગેરેની ભવ્યતાથી મારા જેવા અનેક પ્રભાવિત થયા હતા. આ પહેલાં કોઈ સ્વિમિંગ પુલ મેં જોયો ન હતો. એમાં તરવાની અને ડૂબકી મારી શ્વાસ ઘૂંટવાની હરીફાઈમાં મેં ભાગ લીધો. તરવામાં હું બીજો આવ્યો અને શ્વાસ ઘૂંટવામાં પહેલો. પણ મારી શ્વાસ ઘૂંટવાની શક્તિથી પ્રેક્ષકો નવાઈ પામ્યા અને મને એક પણ હરીફ રહ્યો ન હોઈ હસતાં હસતાં બહાર કાઢ્યો. શ્વાસ ઘૂંટવાની આ ક્રિયા કાવેરી નદીમાં ડૂબકીઓ મારવાની અમારી હરીફાઈઓમાંથી હું અનાયાસે શીખ્યો હતો અને આજે પણ મને લાગે છે કે ઠીક ઠીક પ્રમાણમાં હું હજુ એ આચરી શકું છું. આ સમય દરમિયાન મારી સાહિત્યપ્રવૃત્તિ પણ ચાલુ રહી હતી. માઈકલ બાકુનીમ, પ્રિન્સ ક્રોપોટકીન વગેરે કેટલાક ક્રાંતિકારીઓનાં જીવનચરિત્રોનાં ટૂંકાં રેખાચિત્રો આલેખી મેં જુદાં જુદાં સામયિકોમાં છપાવ્યાં હતાં. બર્ટ્રાન્ડ રસેલના Prospects of Industrial Civilization ઉપરથી તૈયાર થયેલો મારો એક લેખ શ્રી મુન્શીના ‘ગુજરાત’માં પ્રસિદ્ધ થયો હતો. ‘પ્રસ્થાન’માં પણ અવારનવાર કાવ્ય છપાતાં. વિદ્યાપીઠના સમૃદ્ધ ગ્રંથાલયનું આકર્ષણ ઘણું બધું હતું પણ ત્યાંના તુર્ગેનેવ, ટૉલસ્ટૉય, ગોર્કી, આનાતોલ ફ્રાંસ, બર્નાડ શૉ આદિના ગ્રંથરત્નોનો લાભ લેવાનું, અધ્યાપન માટેના મારા વિષયની તૈયારી આડે, બહુ ઓછું બનતું. આમ છતાં એ વખતના વાતાવરણમાંથી હું ઘણું બધું મેળવતો. વિદ્યાપીઠમાં આ રીતે બે વર્ષ અનેક પ્રવૃત્તિઓમાં વીત્યાં. એ દરમિયાન ભાઈ કાંતિલાલ કાપડિયાના અકાળ અવસાનના આઘાતજનક સમાચાર મળ્યા. લાંબો વખત સુધી મારું મન એ દુઃખના ઓથાર નીચે રહ્યું. ‘અર્ધ્ય’માંનાં મારા મૃત્યુ પરનાં સૉનેટ એ ઘટનાને અનુલક્ષીને લખાયાં. ભાઈ ઠાકોરભાઈ દેસાઈ મારાં સૉનેટ રસપૂર્વક વાંચતા. એક વખત મારા એક સૉનેટની એક પંક્તિ-

‘ઢળે હૈયે મારે, સધન રજની શ્રાવણ તણી.’

વાંચતાં અહોભાવપૂર્વક તેમણે કહ્યું, ‘આવું કેવી રીતે સૂઝે છે?’ આ પ્રશ્ન મેં પણ મારી જાતને અનેક વખત પૂછ્યો છે. આપણી સર્જનપ્રક્રિયા કઈ રીતે ચાલે છે તે આપણને સમજાતું નથી. કોઈ એક નાનકડું ઈંગિત, શબ્દ કે એવું કંઈક કાન પર પડે, અથવા નજરમાં આવે, અથવા ક્લ્પનામાં ચમકી જાય ત્યારે આપણને ખ્યાલ પણ ન હોય એવી રીતે, એમાંથી એક નવી દુનિયા જાણે કે સર્જાય છે. એ કવિતા, નવલિકા, નિબંધ, નવલકથા આદિ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પરિણમે છે ત્યારે સર્જકને પણ નવાઈ લાગે કે આ કેમ બન્યું? આ ક્યાંથી આવ્યું? અને કેવી રીતે અભિવ્યક્તિ પામ્યું? આ અરસામાં એક મોટી સામાજિક ઘટના બની. યશસ્વતી નામની એક બાળવિધવા સાથે અમારા એક સ્નાતક ભાઈ રમણલાલ ભટ્ટે લગ્ન કર્યું એથી સમાજમાં ભારે ખળભળાટ મચ્યો. જેમ જેમ યશસ્વતીની વાત લોકોમાં પ્રસરતી ગઈ તેમ તેમ આપણી વિધવાઓની કરુણ સ્થિતિથી લોકોનાં હૃદય દ્રવવા લાગ્યાં. યશસ્વતીના ભાઈનું લગ્ન હતું; અને વરઘોડે ચડવા એ નીકળતો હતો ત્યાં ભગિનીસહજ ઉમળકાથી યશસ્વતીને ભાઈને તિલક કરવાનું મન થયું; પણ તિલક તો ઠીક, એને કોઈએ એની નિકટ પણ જવા દીધી નહિ. ઊલટું વરઘોડો નીકળતાં એ સામે આવે તો અપશુકન થાય એમ જણાવી તેને વરઘોડામાં જોડાતાં પણ વારી. આથી આઘાત પામી યશસ્વતીએ એ જમાનામાં ઘણું હિંમતભર્યું પગલું લેખાય એ રીતે પુનર્લગ્ન કર્યાં. ભાઈ રમણલાલ ભટ્ટ સાથેની અમારી ગાઢ બિરાદરીને લઈને નહિ, પણ એ યોગ્ય પગલું હતું એથી અમે આ ઘટના સારી રીતે વધાવી લીધી. એમાં યશસ્વતીબહેનના પડોશી શ્રી સમર્થલાલ વૈદ્ય અને રતીલાલ નાગરવાડિયાનો મહત્ત્વનો ફાળો હતો. યશસ્વતી અને રમણભાઈનું દાંપત્ય આપણા મનને પ્રશંસાથી ભરી દે એવું હતું; પરંતુ દુર્ભાગ્યે એ અલ્પજીવી નીવડ્યું અને લગ્ન પછી છસાત વર્ષમાં જ યશસ્વતીબહેનને ફરીથી વૈધવ્યનો આઘાત લાગ્યો. એનાથી થોડોક વખત અપાર વેદના અને ચિત્તભ્રમ જેવી હાલતમાં ગાળી. યશસ્વતીબહેને વિધિની ક્રૂરતા સામે જાણે ટક્કર લેવી હોય એવી રીતે જીવન નવેસરથી શરૂ કરવાના ભાગીરથ પ્રયત્નો આદર્યા. સ્વ. ગિજુભાઈ પાસે જઈ બાળશિક્ષણની તાલીમ એમણે લીધી અને પોતાના પગ ઉપર ઊભા રહી બાળ-કેળવણીના ક્ષેત્રમાં પગરણ માંડ્યાં અને યશ-રમણ ટ્રસ્ટની સ્થાપના કરી. વર્ષોની તેમની સાધનાને પરિણામે આ ટ્રસ્ટ સંચાલિત બે શિક્ષણ-સંસ્થાઓની અમદાવાદને તે ભેટ આપતાં ગયાં છે. એમાંની એક છે ખાડિયામાં અને બીજી એલિસબ્રિજમાં. યશસ્વતીબહેનના પુનર્લગ્ન નિમિત્તે મને શ્રી સમર્થલાલ વૈદ્યની મૈત્રી અણધારી રીતે સાંપડી, અને તે અમારી કેટલીક સહિયારી પ્રવૃત્તિઓમાં પરિણમી. આ અરસામાં કાશીબા એમના સમય અને સમાજમાં અસ્વાભાવિક લેખાય એવી ધીરજથી પાર્વતીને ભણાવી, વિવાહની વાત અમારા આગ્રહને લઈને ઠેલતાં રહ્યાં હતાં; પણ તેમની ધીરજ ખૂટી. ગુલાબ કે હું તેમને મદદ કરી શક્યા નહિ. તેમણે જાતે અનેક જગ્યાએ તપાસ કરી નવસારીમાં તાજેતરમાં જ એમ.બી.બી.એસ. થઈ જેમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી એવા ડૉ. ખંડુભાઈ સાથે સગપણ બાંધવાનું નક્કી કર્યું. ડૉ. ખંડુભાઈ ચુસ્ત રાષ્ટ્રવાદી હતા. એક વર્ષ અભ્યાસ પણ અસહકાર નિમિત્તે પડતો મૂકેલો. વડોદરા રાજ્યમાં રાજકીય તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા હતા. સુપા ગુરુકુળના સંચાલનમાં સક્રિય રીતે સંકળાયેલા હતા. આમ કાશીબાએ કરેલી પસંદગી કરતાં વધુ સારી પસંદગી અમે બન્ને ભાઈઓ કરી શક્યા ન હોત એમ અમારે કાશીબા આગળ કબૂલ કરવું પડ્યું, અને એમને પૂરો આનંદ થાય એ રીતે પાર્વતીનું લગ્ન સુંદર રીતે ઊજવાયું.





  1. * ઉચ્ચ જ્ઞાનોપાસના અને સંશોધન યુનિવર્સિટીનો કાર્યપ્રદેશ મનાય છે, અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાથી જ એ આદર્શ સિદ્ધ કરવા તરફની વિદ્યાપીઠની સકલ પ્રવૃત્તિની ગતિ અને દિશા હતી. જોતજોતામાં એ પ્રયોગની સરકારમાન્ય શાળા-કૉલેજો પર ઘણી વ્યાપક અસર થઈ. ઉ.ત. વિદ્યાપીઠની સ્થાપના પૂર્વે શિક્ષણક્ષેત્રે માતૃભાષા ગૌણ સ્થાને હતી. માધ્યમિક શાળામાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું, સંસ્કૃત પણ અંગ્રેજીમાં શીખવાતું, અને તે પણ શાળા કક્ષાથી. એ પરિસ્થિતિમાં વિદ્યાપીઠની સ્થાપના પછી મહત્ત્વનો ફેર પડ્યો. શાળાકક્ષાએ અંગ્રેજી સિવાયના બીજા વિષયો માટે માતૃભાષાનો શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ શરૂ થયો; અને તે માટેનું સાહિત્ય તૈયાર થવા માંડ્યું. એ પ્રવૃત્તિને વધુ વેગવંત બનાવવા હોય તેમ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે નિમાયેલા અમને પાંચ સ્નાતકોને ગુજરાતીને શિક્ષણના માધ્યમ તરીકે અસરકારક બનાવવાની જવાબદારી સોંપાઈ.