સાફલ્યટાણું/૨૩. વિદ્યાપીઠમાં મોટો ફેરફાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૩. વિદ્યાપીઠમાં મોટો ફેરફાર

વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્યમાં હું રોજ રોજ વધુ સજ્જતા મેળવવા પ્રયત્ન કરતો હતો તે દરમિયાન મુક્તિસંગ્રામમાં નાનીમોટી ભરતી-ઓટ આવ્યે જતી હતી અને તેની અસર હેઠળ અવારનવાર અમે આવતા. સાયમન કમિશનના બહિષ્કાર વખતનાં આંદોલનોથી વાતાવરણ સારું એવું ખળભળી ઊઠ્યું હતું, અને એમાં વય કે વિવેક ભૂલી અમે ઉત્સાહપૂર્વક જોડાયા. ગુજરાત કૉલેજમાં સાયમન કમિશન જવાનું હતું તે વખતે અમારામાંથી કેટલાક ગુજરાત કૉલેજ સામેની જૂના તિલક છાત્રાલયવાળી ચાલની નજીકના છાપરાં ઉપર ચઢી, ‘સાયમન ગો બૅક' – ‘સાયમન ગો બૅક'ની ગળું ફાટી જાય એવી ચીસ પાડવા મંડ્યા. મારી સાથે સારાભાઈ કાશીપારેખ અને બીજા પણ થોડા તે વખતના જુવાન કાર્યકરો ઉપરાંત આધેડ વયના પણ હતા. ‘સાયમન ગો બૅક'ની બૂમો પાડતાં છાપરાં ઉપર જે થનગનાટથી અમે કૂદવા માંડ્યું તેમાં છાપરાનો એક ભાગ કડડભૂસ કરતો તૂટી પડ્યો અને અમે પણ એની સાથે નીચે પટકાયા!

આપણે જ્યારે જ્યારે વ્યક્તિમાંથી સમૂહમાં પરિવર્તિત થઈએ છીએ ત્યારે વ્યક્તિ તરીકે જે વ્યવહાર આપણે પસંદ ન કરીએ તે કેવી સહજ રીતે અપનાવી લઈએ છીએ એનો આ વખતે મને જે અનુભવ થયો તેણે મને ઘણો વિચાર કરતો કરી મૂક્યો. યુદ્ધ સામૂહિક ખૂન માટેનો, બેફામ ભીષણ કૃત્ય માટેનો સામાજિક પરવાનો છે અને રૂપર્ટ બુક જેવા સંવેદનશીલ જુવાન કવિ પણ એમાંથી મુક્ત રહી નહિ શકે એ, વ્યક્તિ પર સમાજનો કેવો મોટો ભરડો છે એનું સૂચક નથી? સાયમન કમિશન વખતના મારા આ વર્તન અંગે મારા મનમાં આવા કેટલાક વિચારો આવ્યા ને મેં જ મારી જાતને પૂછ્યું કે બંધનમાં પડેલા છૂટવાને માટે મરણિયા થઈ એનાથી જે કાંઈ બની શકે તે કરે એમાં એમને કેટલો દોષ દઈ શકાય? એ જ પ્રમાણે દેશ ઉપર જો કોઈ બહારનું આક્રમણ થાય તો દેશની રક્ષા કરવા માટે હિંસાનું આલંબન લેવું પડે તેમાં કાં નૈતિક મૂલ્યોનો હ્રાસ થયેલો લેખાય? ભગવદ્ગીતાએ સદીઓ પહેલાં આ પ્રશ્નનો સચોટ ઉત્તર આપેલો છે અને હિંસા સામે અહિંસાના અમોધ શસ્ત્રથી સામૂહિક રીતે લડી લેવાની જે તાલીમ અમને અપાઈ રહી હતી તેમાં સાયમન કમિશન વખતના અમારા વ્યવહારમાં જે અભદ્રતા જેવું અન્યને લાગે તે, એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ઉત્ક્રાંત થતાં, ક્ષમ્ય અને સહ્ય લેખાવું જોઈએ એમ મેં મારા મનને મનાવ્યું.

ગાંધીજીએ પોતાની સંસ્થાઓમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા માંડ્યા. વિદ્યાપીઠમાં પણ એવા ફેરફારની એક ઘણી મોટી ઘટના બની. કૃપાલાનીજીની જગ્યાએ કાકાસાહેબ કાલેલકરને મહાવિદ્યાલયનું આચાર્યપદ સોંપાયું. આ ફેરફાર પાછળના કારણની આજ સુધી આધારભૂત કોઈ માહિતી મારી પાસે નથી. એક એવી વાત પ્રચલિત છે કે ગાંધીજીને વિદ્યાપીઠમાં આશ્રમનું વાતાવરણ અને આચારસંહિતા લાવવાં હતાં અને એ તેમની આકાંક્ષા વધુ સારી રીતે પાર પડે એ માટે કૃપાલાનીજીને મેરઠના ખાદી આશ્રમનું સંચાલન સોંપી કાકાસાહેબને વિદ્યાપીઠમાં મૂકવાનું તેમને વધુ ઉચિત લાગ્યું.

વિદ્યાપીઠમાંથી કૃપાલાનીજીની વિદાય અમારે માટે અણધારી અને આઘાતજનક હતી. એમની સાથે અમારા મનના તાર એવી સરસ રીતે મળ્યા હતા કે એમના વિનાની વિદ્યાપીઠમાં થોડોક સમય અમારામાંથી અનેકને શૂન્યવકાશ લાગ્યો. સદ્ભાગ્યે ગુજરાત કૉલેજમાં પ્રિન્સિપાલ શિરાઝ સામેના આંદોલનમાં વિદ્યાર્થીઓને દોરવણી આપવા એ આવ્યા ત્યારે અમારા આનંદને સીમા રહી નહિ. એ વખતે એમની સાથે જે સંપર્ક થયો તેમાં, અમારી જેમ એ પણ વિદ્યાપીઠમાંના એમના દિવસો જાણે અહોભાવપૂર્વક સ્મરતા હોય એમ લાગ્યું. તેમને મન એ વખતની વિદ્યાપીઠ પૂર્ણ ખીલેલા સહસ્ત્રદલ પદ્મ જેવી હતી. એમનું આ દર્શન જ્યારે જ્યારે એમને મળવાનું થતું ત્યારે તે અચૂક રીતે સંભારતા. એમના અવસાનના છેલ્લા દિવસોમાં એ અમદાવાદ હતા ત્યારે પણ વિદ્યાપીઠનાં જૂનાં સંસ્મરણોમાં વાતવાતમાં એ સરી જતા, અને ત્યારે વય વિસ્મરી અમે પણ અમારા જૂના વિદ્યાર્થીકાળમાં ખોવાઈ જતા.

એમની સાથેનો સંબંધ પ્રત્યક્ષ રીતે તો ઘટ્યો, પણ એમની પ્રવૃત્તિઓમાં અમારામાંથી અનેકને સક્રિય રસ રહેતો, એથી એ જ્યારે જ્યારે અહીં આવતા ત્યારે જાણે કે વિદ્યાપીઠના જૂના વિદ્યાર્થીઓનું સ્નેહસંમેલન મળતું હોય એવી પરિસ્થિતિ સર્જાતી.

અહીંથી એ ગયા તે પછી એમના જીવનમાં ઘણા મોટા બનાવો બન્યા. કૉંગ્રેસના પ્રમુખપદ જેવી ઉચ્ચ પદવીએ પણ તે પહોંચ્યા; પણ એ બધાં કરતાં જે મોટી ઘટના એમના જીવનમાં બની તે એમનું અણધાર્યું લગ્ન. એમણે પોતે કદી પણ માન્યું નહિ હોય કે એ લગ્ન કરશે. સ્વરાજ માટેની એમની તીવ્ર તમન્નાને કૌટુંબિક જવાબદારી વિઘ્નરૂપ લાગે એવું એમના વર્તનમાં સહજ હતું. ગાંધીજી પણ એમ જ માનતા હતા; એટલું જ નહિ, ઇચ્છતા હતા કે એમણે લગ્ન કરવું નહિ. આમ જે અશક્ય હતું તે શક્ય કેમ બન્યું તેની વિગતમાં ઊતર્યા વિના એટલું જ કહેવું પર્યાપ્ત છે કે એમનાથી વીશ વર્ષ નાનાં શ્રીમતી સુચેતાદેવીનો એ વિજય હતો. એ વિજય એમણે જે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી મેળવ્યો તે સંકલ્પશક્તિના વિજયની ભવ્ય ગાથા છે. હકીકત એવી હતી કે ગાંધીજીએ કૃપાલાનીજી સાથે સુચેતાદેવી પરણે એ માટે સંમતિ નહિ આપી. સુચેતા ગાંધીજીના આગ્રહને વશ થયાં; પણ ગાંધીજી એ કુંવારા રહે એવું નો'તા ઇચ્છતા. એટલે તેમણે કહ્યું કે જો તું કુંવારી રહે તો કૃપાલાની દુઃખી થાય, એટલે એને સુખી કરવા તારે યોગ્ય સાથી પસંદ કરી લગ્ન કરવું જોઈએ. આ સૂચનથી સુચેતાદેવીનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો ને એમણે એનો ઉગ્ર પ્રતિકાર કરતાં એ સૂચનને અન્યાયી અને અનૈતિક ગણાવ્યું. ગાંધીજીની હાર થઈ. લગ્ન માટેનો વિરોધ ખેંચી લીધો; પણ આશીર્વાદ આપવાની ના પાડી.

આ આટલી વિગતો હું એથી નોંધું છું કે સ્વરાજ માટે કેવા કેવા મોટા ત્યાગની અપેક્ષાઓ રખાતી હતી, અને કેવી કપરી કસોટીઓમાંથી અનેકને પસાર થવું પડતું હતું તેનો ખ્યાલ આવે. બીજું એક હેતુ એ પણ છે કે સ્વરાજની લડત દરમિયાન અને ત્યાર પછી આજ સુધી જે રાજકીય ન્યાતો આપણા દેશમાં જન્મી છે અને એ જે અભદ્ર આભડછેટમાં જ નહિ; પણ એકબીજા માટે અસહિષ્ણુતા ને ધિક્કારમાં પરિણમે છે, તે સામેના એક ઉમદા આદર્શ જેવું કૃપાલાનીજી અને સુચેતાજીનું દાંપત્યજીવન હતું તેની નોંધ લેવાય. રાજકીય માન્યતાઓમાં બંને એકબીજાથી નોખાં હતાં છતાં બંને વચ્ચે મનનો સુખદ સુમેળ હતો.

એમના આ સુખદ દાંપત્યને કૃપાલાનીજીના એક વિધાને જે અભિવ્યક્તિ આપી છે તેથી વધુ સારું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. આ રહ્યા એમના શબ્દોઃ

“દરેક ભાવિક હિંદુની મહત્ત્વાકાંક્ષા હોય છે કે અવસાન સમયે તેના પ્રભુને તે યાદ કરે. જીવનભર મારી આ તીવ્ર એષણા રહી છે. પણ બનવાજોગ કે એ પાર નહિ પડે. મને ડર છે કે જીવનની એ અંતિમ ને ગંભીર પળે એની (સુચેતાની) સ્મૃતિ અને પ્રતિમા મારી અને મારા પ્રભુની વચ્ચે આવે. હું પ્રાર્થુ છું કે એવું નહિ બને. છેલ્લી ઘડીએ હું મારા સર્જનહારને યાદ કરી શકું.

...કૃપાલાનીજીને સ્થાને આવેલા કાકાસાહેબ અમને પૂરા પરિચિત હતા, વિદ્યાપીઠની શરૂઆતમાં થોડો વખત મહાવિદ્યાલયમાં એમણે અધ્યાપનકાર્ય કર્યું હતું, અને તેમાં એમની વિદ્વત્તાની કાયમી છાપ એ મૂકતા ગયા હતા. ગાંધી તત્ત્વજ્ઞાનના સમર્થ મીમાંસક તરીકે એમણે દેશભરમાં મોટી ખ્યાતિ મેળવી હતી. માતૃભાષા ગુજરાતી હોવા છતાં ગુજરાતીમાં જે સર્જન કર્યું તેને જો ગિરિશૃંગોના પ્રતીક દ્વારા એમણે વર્ણવવું હોય તો કહી શકાય કે ગુજરાતી ગદ્યનાં હિમશિખરોમાં એમનું સ્થાન કૈલાસ કે ગૌરીશિખર જેવું છે. વળી એ કૃપાલાનીજીના અત્યંત નિકટના સાથી અને પરમ મિત્ર. સ્વામી આનંદ સાથેની એ ત્રિપુટીએ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરેલું છે. આમ વિદ્યાપીઠના અધિકારતંત્રમાં જે ફેરફાર થયો તે સામે વાંધો લેવા જેવું કશું જ ન હતું; પરંતુ કૃપાલાનીજી અને કાકાસાહેબ વચ્ચે એક પાયાનો ભેદ બંનેની આચારસંહિતા અંગે હતો. કૃપાલાનીજી અને કાકાસાહેબ ગાંધીજી માટે એમની નિષ્ઠા અને ભક્તિમાં ક્યાંય પાછા પડે એવા ન હતા; પરંતુ કૃપાલાનીજી એ માટેની હવા સર્જી એને અનુરૂપ થવામાં કોઈ ક્યાંક ઊણા જણાય તો એનાં કારણોમાં સમભાવપૂર્વક ઊતરી તેના સમગ્ર વર્તાવના સંબંધમાં તેને સમજવા પ્રયત્ન કરતા. આથી એમના સંચાલન હેઠળ સનલાઈટર્સ કે ગિલંડર ક્લબ જેવી સંસ્થાઓ વિદ્યાપીઠમાં અસ્તિત્વમાં આવી શકી તે સત્યાગ્રહ આશ્રમમાં શક્ય ન હતું. કાકાસાહેબ વિચાર સ્વાતંત્ર્યના હિમાયતી હોવા સાથે પૂરેપૂરા આશ્રમધર્મી હતા, આથી જે ફેરફાર થવાના સંજોગો ઊભા થયા એના પ્રત્યાઘાત ઘણા પડ્યા. પાઠકસાહેબ, રસિકલાલ પરીખ, ચંદુલાલ દલાલ, શ્યામલાલ ભગવતી આદિ કેટલાક અધ્યાપકો છૂટા થયા. મારા મનમાં પણ ભારે ગડમથલ હતી; પણ બાપુજીએ જે કંઈ કર્યું છે એ અંગે વધુ વિચાર ન કરતાં એમાં શ્રેય રહેલું છે એવી શ્રદ્ધા સાથે નવી પરિસ્થિતિને અનુકૂળ થવા મેં મારા મનને તૈયાર કર્યું.

કાકાસાહેબના સંચાલનમાં આશ્રમના કેટલાક આચારો ધીમે ધીમે વિદ્યાપીઠમાં આગ્રહપૂર્વક પ્રવેશ્યા. જે મુક્ત વાતાવરણથી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ટેવાયા હતા તેમાં કેટલાક નવા આચારો અંગે સતત આગ્રહ રખાતો થયો. ઉદાહરણ તરીકે કાંતણ વિદ્યાર્થીઓ તેમ જ અધ્યાપકો માટે ફરજિયાત બન્યું અને દરેકે દરરોજ ઓછામાં ઓછી ચાલીસ મિનિટ કાંતવું એવું નક્કી થયું. આ પ્રમાણે બધાં તેનો અમલ કરે છે કે નહિ તેની નોંધ રહે તે માટે પ્રાર્થના પછી તરત બધાના વ્યક્તિગત તારોની નોંધ લેવાતી. ગાંધીજીએ આ આચારસંહિતા કૉંગ્રેસના સભ્યો માટે પણ યોજી હતી અને એની સામે પંડિત મોતીલાલ નહેરુ, દેશબંધુ ચિત્તરંજનદાસ જેવા સમર્થ મહારથીઓએ પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. એટલે લાખોની સંખ્યામાં નોંધાતા કૉંગ્રેસના સભ્યો અને વિદ્યાપીઠના ધ્યેયલક્ષી કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની તુલનામાં આચારસંહિતાપાલનમાં વિદ્યાપીઠ પાસેથી વધુ મોટી અપેક્ષા રહે એ સ્વાભાવિક હતું. આમ છતાં અનેકને કંઠે એવું તત્ત્વ લદાતી ફરજનું અને એ ફરજનું પાલન બરોબર થાય છે કે નહિ તે માટેની જાગ્રત ચોકીનું હતું. આને પરિણામે વિદ્યાર્થીઓમાં ઠીક ઠીક અસંતોષ પ્રગટ્યો, ટીકાનું તત્ત્વ વધ્યું, અને હું ધીરેધીરે દ્વિધામાં મુકાતો થયો.

કાકાસાહેબ અને નરહરિભાઈને ઇતિહાસના અધ્યાપનકાર્ય અંગે મારે ઠીક ઠીક મળવાનું થતું. એમણે વર્ષો ઉપર લખેલો પ્રાચીન ભારતીય ઇતિહાસનો નાનકડો ગ્રંથ ‘પૂર્વરંગ’ મને અત્યંત પ્રિય હતો. એમાં જે સમન્વયપ્રધાન દૃષ્ટિથી આલેખન થયું હતું તે રીતે આપણા ઇતિહાસને નવેસરથી રચવાનું મોટું કાર્ય વિદ્યાપીઠે ઉપાડવું જોઈએ એવી મારી મહત્ત્વાકાંક્ષા જોતાં કાકાસાહેબે મને એવો અનુબંધ શરૂ કરવા પ્રેરણા આપી. મને એ ઘણું ગમ્યું. અને એમની સાથે હું આપણા ઇતિહાસના જુદા જુદા પ્રવાહોની અવારનવાર ચર્ચા કરતો થયો. પરિણામે પ્રાચીન ભારતના ઇતિહાસનાં થોડાંક પ્રકરણો પણ મેં લખ્યાં અને કાકાસાહેબ તેમ જ નરહરિભાઈને એનાથી સંતોષ થયો. એ દિશામાં વધુ પ્રયત્ન કરવા તેમણે મને પ્રેરણા આપી. એ વખતે વર્ગો લેવાની પૂર્વતૈયારીમાં મારો ઘણો સમય જતો હોવા છતાં જે થોડાંક પ્રકરણો હું લખી શક્યો તે મેં ૧૯૩૦ સુધી સાચવી રાખ્યાં હતાં; પરંતુ ૧૯૩૦ ની સત્યાગ્રહની લડતમાં મને થયેલો રૂા. ૧૫૦નો દંડ વસૂલ કરવા મારા ઘરમાંથી જે કાંઈ હાથ આવ્યું તે પોલીસ લઈ ગઈ ત્યારે મારાં કેટલાંક પુસ્તકો અને નોટોની પોલીસે હોળી કરી. તેમાં આ નોટો પણ બળી ગઈ, એ પછી વર્ષો બાદ મેં જ્યારે ઇતિહાસનાં પાઠ્યપુસ્તક તૈયાર કર્યાં ત્યારે આ ઘટનાની યાદ તાજી કરી. કાકાસાહેબે મારા ‘ભારત ઇતિહાસદર્શન' માટેની પ્રસ્તાવના લખી.

આમ કાકાસાહેબના કાર્યને બને તેટલા અનુકૂળ થવાના મારા પ્રયત્ન છતાં અમારી વચ્ચેના વિચારભેદનું અંતર વધતું જ ગયું. કાકાસાહેબને પણ એનો ખ્યાલ આવ્યો અને મને લાગ્યું કે એ અંતર વધતું જ જશે; અને મારી સ્થિતિ વર્તુલમાંના ચતુષ્કોણ (Sduare in a round hole) જેવી થશે; પરંતુ એમાંથી કેમ રસ્તો કરવો એ મને સૂઝતું ન હતું. સત્યાગ્રહ આશ્રમમાંથી જે સહેલાઈથી હું છૂટો થઈ શક્યો હતો તેવું સરળતાથી બને એમ ન હતું. સંજોગોવશાત્ અમદાવાદના યુવકસંઘમાં બનેલી એક ઘટના નિમિત્તે અમારી વચ્ચેના મતભેદ વધુ ઉગ્ર બન્યા અને હું રાજીનામું આપી વિદ્યાપીઠમાંથી છૂટો થયો.