સાફલ્યટાણું/૨૪. નૂતન ગુજરાતના તંત્રીપદે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૪. નૂતન ગુજરાતના તંત્રીપદે

વિદ્યાપીઠમાંથી છૂટા થતાંની સાથે મને મારા મિત્ર શ્રી સમર્થલાલ વૈદ્યે એમના ‘નૂતન ગુજરાત' સાપ્તાહિકના સહતંત્રી તરીકેની જવાબદારી લેવા નિમંત્રણ આપ્યું. વર્ષો સુધી ગુજરાતના સુપ્રસિદ્ધ સાપ્તાહિક ‘પ્રજાબંધુ’માં તંત્રી તરીકેની કામગીરી બજાવી શ્રી ચીમનલાલ મોદીએ આ નવું સાપ્તાહિક કાઢ્યું હતું અને શ્રી સમર્થલાલ એની આર્થિક બાજુ સંભાળતા ભાગીદાર તરીકે એમાં જોડાયા હતા. મને તંત્રી તરીકેનો કોઈ અનુભવ ન હતો; પરંતુ એ જવાબદારી સફળતાપૂર્વક અદા કરવામાં મેં કોઈ મુશ્કેલી અનુભવી નહિ. બીજાં ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી સાપ્તાહિકો તેમ જ વર્તમાનપત્રોનો ઝીણવટભર્યો અભ્યાસ મેં આદર્યો અને એમાંથી ‘નૂતન ગુજરાત’ને વધુ ઉપયોગી અને લોકભોગ્ય કેમ કરી શકાય તેની યોજનાઓ કરી તેને અમલમાં મેં મૂકવા માંડી.

તંત્રીલેખની જવાબદારી મારે ઉપાડવાની હતી. એ વખતે ગુજરાતી સાપ્તાહિકોમાં એક તંત્રીલેખ અંગ્રેજીમાં આપવાની પ્રથા પ્રચલિત હતી. એ લેખ પણ મારે લખવાનો આવ્યો. ‘પ્રજાબંધુ’ની લાંબી પરંપરા, એનાં કેટલાંક વિશિષ્ટ અંગો, એની લોકપ્રિયતા એ બધાંની સાથે હરીફાઈમાં ઊતરતાં જો એનું અનુકરણ જ કરવામાં આવે તો પત્ર પોતાની આગવી મુદ્રા દાખવી શકે નહિ. મેં જોયું કે શ્રી મોદી ‘પ્રજાબંધુ' સાથેના પોતાના વર્ષોના સંબંધથી અને તેનાં ખાસ અંગોને વિકસાવવામાં એમણે લીધેલા રસ અને આપેલા ફાળાને પરિણામે સહજ રીતે એના જ ઢાચામાં ‘નૂતન ગુજરાત'ને વિકસાવી રહ્યા હતા. મેં એમાંથી બને તેટલી સારી રીતે બહાર આવી લોકોને કંઈક નવું મળ્યાનો આનંદ થાય અને તે માટેની આતુરતા તેમનામાં જાગે એ રીતે એનાં કેટલાંક ખાસ અંગો વિકસાવ્યાં. એ માટેનાં લખાણો મોટે ભાગે હું એકલો તૈયાર કરતો અને બીજા કેટલાક મારા મદદનીશ સાથીઓ જેમાં વિષ્ણુભાઈ નામના વિદ્યાપીઠના એક સ્નાતક હતા તેમને સોંપતો.

‘નૂતન ગુજરાત’ જોતજોતામાં આગળ આવવા લાગ્યું. મારી જવાબદારી ઘણી બધી વધી ગઈ. રાત્રે લાંબા સમય સુધી એ કાર્યમાં હું ગૂંથાયેલો રહેતો. આમાં જે શારીરિક અને માનસિક શ્રમ હતો તે આ કાર્યમાંથી મળતાં સર્જનના આનંદમાં ભુલાઈ જતો. રોજ કંઈ ને કંઈ નવું કરવાની યોજનાઓ હું ઘડ્યા જ કરતો. મુંબઈનું ‘ગુજરાતી’, સુરતનું ‘ગુજરાત મિત્ર’ આદિ સાપ્તાહિકોનાં વિશિષ્ટ અંગોના અભ્યાસ ઉપરાંત ‘પ્રજાબંધુ'ની જુદી જુદી આકર્ષક લાક્ષણિકતાઓનો હું ઝીણવટપૂર્વક અભ્યાસ કરવા લાગ્યો. ‘સાહિત્યપ્રિય’નાં ગ્રંથાવલોકન અને સાહિત્યચર્ચા ‘પ્રજાબંધુ’ના આકર્ષણના ખાસ અંગરૂપ હતાં. ‘નૂતન ગુજરાત’માં પણ એવું અંગ શરૂ કરી એની જવાબદારી ઉપાડી લેવાની મારી ઇચ્છા હતી; પરંતુ એને માટે મારો બોજ થોડોક હળવો થાય ત્યાં સુધી રાહ જોવાની અનિવાર્યતા મને લાગી.

‘પ્રજાબંધુ’ના અગ્રલેખોનો અભ્યાસ કરતાં મને લાગ્યું કે કોઈક વખત મરાઠી ‘કેસરી'ના અગ્રલેખનો આધાર લઈ શ્રી ચુનીભાઈ (સાહિત્યપ્રિય) સરસ અગ્રલેખ લખતા અને તે લોકપ્રિય બનતા. મને એથી એક તોફાની તુક્કો સૂઝ્યો. ‘કેસરી’એ એક અગત્યના બનાવ ઉપર લખેલો અગ્રલેખ એટલો તો સમયોચિત હતો કે મને લાગ્યું કે ચુનીભાઈ એનું મથાળું લઈ અગ્રલેખ લખવાનું ભાગ્યે જ જતું કરે! મેં પણ અમારા અગ્રલેખને માટે એવું જ નક્કી કર્યું. અગ્રલેખનું મથાળું રખ્યું ‘બાંધી મૂઠી લાખની.’ ‘નૂતન ગુજરાત’ શનિવારે બહાર પડતું, ‘પ્રજાબંધુ’ રવિવારે. શનિવારે ‘નૂતન ગુજરાત’નો અંક આ અગ્રલેખ સાથે બહાર પડ્યો. આ બંને પત્રો હરીફ હોવા છતાં બંનેના કાર્યકર્તાઓ વચ્ચે મીઠા સંબંધો હતા. વિષ્ણુભાઈ સાથે મેં અમારા અગ્રલેખ અંગે ચર્ચા કરી હતી અને એથી કુતૂહલવશ તે ‘પ્રજાબંધુ'ની ઑફિસ પર ગયા. ‘પ્રજાબંધુ’નો અગ્રલેખ સામાન્ય રીતે શુક્રવાર રાત્રે છપાઈ જતો. એટલે વિષ્ણુભાઈને જોઈ ચુનીભાઈએ કહ્યું, ‘આ તમારા ઝીણાભાઈ ‘કેસરી” માંથી ઉઠાવી લેવાનું શીખ્યા છે.’ વિષ્ણુભાઈને એ સાંભળતાં હસવું આવ્યું. બીજા દિવસે ‘પ્રજાબંધુ’નો અંક હાથમાં આવતાં મારી યોજના પાર પડેલી જોઈ હું ખુશ થયો. ‘પ્રજાબંધુ’ના અગ્રલેખનું શીર્ષક હતું.: ‘બાંધી મૂઠી લાખની, ઊઘડી મૂઠી કાખની' આવા અળવીતરાથી ચુનીભાઈ સાથેના મારા સંબંધમાં એક નવું જ તત્ત્વ દાખલ થયું અને તેણે અમને બંનેને એક્બીજાની વધુ નિકટ આણ્યા. અમે મુક્તમને સાપ્તાહિકો કેમ વધુ લોકોપયોગી થઈ શકે એની અને એનાં જુદાં જુદાં અંગોની અવારનવાર ચર્ચા કરતા.

આ અરસામાં મારા અંગત જીવનની એક મહત્ત્વની ઘટના બની: ખેડા જિલ્લાના એક પીઢ કાર્યકર્તા અને કાકાસાહેબની ‘ઓતરાતી દીવાલ'ના સાથી શ્રી શામળભાઈ મારી પાસે એક દરખાસ્ત લઈને આવ્યા. એમના મિત્ર, ભરૂચના એગ્રીકલ્ચરલ ઑફિસર, શ્રી કલ્યાણજી નાયકની ભત્રીજી-વિજયા નાયક માટેનો મુરતિયો શોધવાની જવાબદારી તેમણે સ્વીકારી છે એમ જણાવી તેમણે મને એને અંગેની કેટલીક માહિતીઓ આપી. એના પિતા એક ચુસ્ત આર્યસમાજી અને નિવૃત્ત મુખ્ય પ્રાથમિક શિક્ષક હતા. જલંધર વિદ્યાપીઠમાં બાર વર્ષ અભ્યાસ કરી વિજયાએ સ્નાતિકાની પદવી મેળવી હતી. થોડોક વખત તો મેં કશો પ્રતિભાવ આપ્યો નહિ, બલ્કે અનિચ્છા વ્યક્ત કરી; પરંતુ શામળભાઈ મંડેલા રહ્યા અને મને ભરૂચ ખેંચી ગયા. અમારું એ મિલન લગ્નમાં પરિણમ્યું. આજે (૧૯૮૨) અમારા લગ્નજીવનના ત્રેપનમાં વર્ષના ઉત્તરાર્ધમાં અમે છીએ.

વિદ્યાપીઠમાંથી છૂટા થયા બાદ હું રહેવાની વ્યવસ્થા કરું તે પહેલાં શ્રી સમર્થલાલે મને તેમની સાથે રહેવા નિમંત્રણ આપ્યું હતું. એમનાં પત્ની શ્રીમતી ગુણવંતીબહેને પણ આગ્રહ કર્યો કે સાથે રહેવાથી ‘નૂતન ગુજરાત’નું કામ અમે વધુ સારી રીતે કરી શકીશું. વળી એમના ઘરમાં પૂરતી મોકળાશ હતી. ભાઈશંકરની હવેલી તરીકે ઓળખાતી એ ઈમારત એ વખતના અમદાવાદમાં ઘણી જાણીતી હતી. જે થોડોક વખત હું સમર્થલાલ સાથે રહ્યો એ દરમિયાન તેમની અને ગુણવંતીબહેનની મને ઘણી મોટી ઓથ રહી. વિદ્યાપીઠમાંથી છૂટા થવાની મારી વેદનાને એમણે ધીરે ધીરે હળવી બનાવી દીધી. એમનો એ સદ્ભાવ એટલો બધો હતો કે મારા કોઈક અતિથિ આવી ચડે તો તેમને માટે પણ ભાઈશંકરની હવેલીમાં ઉષ્માભર્યું સ્થાન રહેતું, એ પોતાના જ મહેમાન હોય એવી ભાવનાથી ગુણવંતીબહેન તેમની કાળજી રાખતાં.

લગ્ન પછી આ પરિસ્થિતિ ચાલુ રહે એવા સમર્થલાલ તથા ગુણવંતીબહેનના આગ્રહને ઠેલવાનું મુશ્કેલ હતું. એમ છતાં મેં તરત જ ઘટતી વ્યવસ્થા કરી. મારા મિત્ર નાગરવાડિયાએ થોડાક વખત પહેલાં જ લગ્ન કર્યું હતું અને તે તેમનાં પત્ની વીરબાળાબહેન સાથે જેઠાભાઈની પોળના એક મકાનમાં નીચેના ભાગમાં રહેતા હતા. ઉપરનો ભાગ ખાલી હોઈ, મને સહેલાઈથી ભાડે મળ્યો. અમને ઘર માંડવામાં વીરબાળા અને યશસ્વતીની ઘણી મદદ તેમ જ દોરવણી મળી અને અમારા જીવનના નવા માર્ગ ઉપર અમે અમારી યાત્રા આરંભી.

તંત્રી તરીકેનું કામ મને ગમી ગયું હતું અને ‘નૂતન ગુજરાત’ને કેમ વધુ લોકપ્રિય બનાવવું એ અંગેની નવી નવી યોજનાઓ દ્વારા મનમાં ઘૂંટાતી જ રહેતી. એ નિમિત્તે એમાં મને સહાયભૂત થઈ શકે એવા નવા મિત્રો પણ હું કરતો રહ્યો; પરંતુ પત્રકારિત્વ સાથે જાહેર પ્રવૃત્તિઓમાં પણ હું વધુ ને વધુ ખેંચાતો ગયો. વિદ્યાપીઠમાં હતો તે દરમિયાન કેટલોક વખત યુવક સંઘની પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો. પરંતુ રાજકારણમાં સીધી રીતે હું જોડાયો ન હતો, કારણ કે અધ્યાપન કાર્ય સાથે સક્રિય રાજકારણમાં ઓતપ્રોત થવું મને યોગ્ય લાગતું ન હતું. તેથી કૉંગ્રેસમાં ડેલીગેટ તરીકે મને મોકલવાની ચીખલીના મારા મિત્રોની માત્ર ઇચ્છા નહિ, આગ્રહ પણ હતો. તેને હું વશ થયો ન હતો; પણ તંત્રી થયા પછી મને લાગ્યું કે મારામાં સ્વાધીનતા માટેની જે લાગણીઓ હતી તે અને તંત્રી તરીકેની કામગીરી વચ્ચે જો સુમેળ સાધી શકાય તો તંત્રી તરીકે તેમ જ રાષ્ટ્રના એક સ્વયંસેવક તરીકેની જવાબદારી હું વધુ અસરકારક રીતે અદા કરી શકું. એ વખતે કૉંગ્રેસના રાજકારણમાં સ્વરાજના સ્વરૂપ અંગે મતભેદ ઊભા થવા પામ્યા હતા. અંગ્રેજી સામ્રાજ્ય સાથે જો તેના એક સમાન ભાગીદાર તરીકે સાંસ્થાનિક દરજ્જો પ્રાપ્ત કરી સ્વમાનપૂર્વક સ્વાધીનતાથી રહી શકાય તો બ્રિટન સાથે છેડો ફાડવાના મતના ગાંધીજી ન હતા. જ્યારે બીજે પક્ષે નહેરુ અને સુભાષબાબુ બ્રિટન સાથેના બધા સંબંધોથી મુક્ત એવું સંપૂર્ણ સ્વાતંત્ર્ય મેળવવાના મતના હતા. મારી વિચારસરણી એ દિશામાં વહેતી હતી. આથી અમે કેટલાક મિત્રોએ મળી ગુજરાતમાં ‘ઈન્ડીપેન્ડન્સ લીગ'ની સ્થાપના કરી.

એ અરસામાં યુવક સંઘની પ્રવૃત્તિએ ઘણો વેગ પકડ્યો હતો અને એનાં પ્રાંતીય સંગઠનો પણ થવા માંડ્યાં હતાં. આથી અમદાવાદમાં એક મોટી યુવક પરિષદ શ્રીમતી કમળાદેવી ચટ્ટોપાધ્યાયના પ્રમુખપદ હેઠળ યોજાઈ હતી. એ પરિષદમાં મુંબઈ, પૂના આદિ સ્થળોમાંથી પણ અનેક પ્રતિનિધિઓ આવ્યા હતા અને મહેરઅલી જેવા યુવક કાર્યકર્તાઓનાં નામ ઘણાં પ્રકાશમાં આવ્યાં હતાં. આ પરિષદમાં એક અસાધારણ અનુભવ થયો. તે વખતના સામ્યવાદી યુવક કાર્યકર્તા બુખારી અને તેમના સાતથી વધારે નહિ એટલા મૂઠીભર સાગરીતોએ આ સંમેલનમાં જોરદાર ઉદ્દામ સૂત્રોથી ભારે મોટો ખળભળાટ મચાવ્યો. ‘ઈન્કિલાબ ઝિન્દાબાદ!' નારા એ અરસામાં અસ્તિત્વમાં આવ્યા ને બુખારી અને તેમના કોમરેડોએ એનાથી મંડપ ગજાવી મૂક્યો. અલ્પ સંખ્યા હોવા છતાં મક્કમ નિર્ધારથી, બીજું કંઈ નહિ તો ધ્યાન કેન્દ્રિત કરાવવા શું થઈ શકે છે તે માટે આ ઘટના ઘણી નોંધપાત્ર બની.

એ વખતે ‘ઈન્ડીપેન્ડન્સ લીગ'ની તો તાજી જ શરૂઆત થયેલી હોઈ, અમારી પાસે ઘણાં સાધનો કે કાર્યકર્તાઓ હતા નહિ; પરંતુ અમારો ઉત્સાહ અદમ્ય હતો. એથી યુવક સંમેલનની સ્વાગત સમિતિ સાથે વાટાઘાટ કરી એમના મંડપમાં અમે ઈન્ડીપેન્ડસ કૉન્ફરન્સ બોલાવવાનું નક્કી કર્યું અને એની બને તેટલી તૈયારી કરી. એ માટે રચાયેલી સ્વાગત સમિતિનું પ્રમુખપદ મેં લીધું. શ્રી જમનાદાસ મહેતાને અમે સંમેલનના પ્રમુખ તરીકે નિમંત્ર્યા. સ્વાગત પ્રમુખ તરીકે મેં જે ભાષણ કર્યું તે જાણે સ્વાતંત્ર્ય ઉપરના એક કાવ્યમય નિબંધ જેવું હતું. એમાં બ્રિટિશ કૉમનવેલ્થની સંકલ્પનાને સ્થાને એશિયાઈ રાષ્ટ્રસંઘનું મેં આકર્ષક ચિત્ર દોર્યું હતું. મેં એ વાત ઉપર ભાર મૂક્યો હતો કે બ્રિટન અને તેના સંસ્થાનો સાથે આપણને જે મૈત્રી અને સાંસ્કૃતિક સંબંધ છે એના કરતાં એશિયાના દેશો સાથે આપણા સંબંધો વધુ ધનિષ્ઠ ને પુરાણા છે. એના સમર્થનમાં મેં જે વિધાન કર્યું હતું તે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ એના Obiter Dicta માં છાપ્યું હતું: ‘No two neighbouring nations have ever been more friendly than India and China.' મહેરઅલી એ વખતે ‘વેનગાર્ડ’ નામનું એક પત્ર અંગ્રેજીમાં ચલાવતા હતા તેમાં એ વ્યાખ્યાનનો કેટલોક ભાગ છાપી, ‘A poet on independence' જેવું શીર્ષક એમણે કર્યું હતું. આમ ૧૯૨૦-૨૧ના અસહકારના આંદોલનથી જેમ હું સક્રિય રાજકારણમાં પડ્યો હતો તેનું પ્રબળ પુનરાવર્તન શરૂ થયું, અને એની અસર મારી તંત્રીનોંધમાં પણ વર્તાવા માંડી. બેએક વખત કલેક્ટર તરફથી અમને ચેતવણી પણ મળી; પણ અમારી ઉપર એની કોઈ અસર થઈ નહિ.

દેશના મિજાજનો પારો ત્વરિત ગતિથી ચઢવા માંડ્યો. પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખપદે મળેલા કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણસ્વરાજનો ઠરાવ પ્રચંડ હર્ષનાદ સાથે પસાર થયો અને ગાંધીજીએ બ્રિટનને એક વધુ તક આપવા (સબ્સ્ટન્સ ઑફ ઈન્ડીપેન્ડન્સ’-‘સ્વાધીનતાનો અર્ક નામથી અગિયાર મુદ્દાની માગણી જાહેર કરી જણાવ્યું કે એનો જો તાત્કાલિક સ્વીકાર થાય તો સંગ્રામનો રાહ નહિ અપનાવવા રાષ્ટ્રને એ સમજાવી શકશે. ગાંધીજીના આ વિધાનથી જુવાનો ઘણા અકળાયા. મહેરઅલી જેવાએ તો ‘વેનગાર્ડમાં રોષથી લખ્યું પણ ખરું કે ‘Mr Gandhi, if you don't have the courage to lead have atleast the grace to retire.' મને મહેરઅલીનો આ અવિનય ગમ્યો ન હતો; પણ એમની ઉગ્રતા સમજી શકાય એવી હતી. એથી જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા આરંભી ત્યારે મહેરઅલીની કલમ ગાંધીજીના અનન્ય સારસ્વત ભક્તની કલમ સાથે જાણે કે સ્પર્ધામાં ઊતરી.

૧૯૩૦ની ૨૦મી જાન્યુઆરીએ આખા દેશે પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લીધી; અને અંગ્રેજી સામ્રાજ્ય સામેના એક મોટા યુદ્ધના શંખનાદ દેશ આખામાં પડઘાતા થયા. અદ્ભુત હતા એ દિવસો! અમદાવાદ ભારતની રાષ્ટ્રજાગૃતિનું કેન્દ્ર બન્યું. રોજબરોજ સાબરમતીની રેતીમાં દેશના જુદા જુદા ભાગમાંથી આવતા નેતાઓના સામ્રાજ્ય સામેની ખુલ્લી ક્રાંતિના બુલંદ નારાઓથી લોકોમાં ઉત્સાહનાં ઘોડાપૂર ચઢ્યાં.

અસહકારની શરૂઆતના દિવસોમાં ૧૯૨૦ માં મારું મન ચગડોળે ચઢ્યું હતું તે સ્થિતિમાં હું ફરીથી હડસેલાયો. તે વખતે તો હું વિદ્યાર્થી હતો અને એક વર્ષમાં સ્વરાજ મળવાનું થતું એટલે સ્વાધીનતાની લડતમાં ઝંપલાવવાની તક મારે ગુમાવવી ન હતી; પરંતુ હવે હું વિદ્યાર્થી રહ્યો ન હતો. એટલું જ નહિ, પણ થોડા જ વખત પહેલાં લગ્નજીવનની જવાબદારી પણ મેં અપનાવી હતી. એ સંજોગોમાં મારાથી લડતમાં સીધી રીતે કેમ ઝંપલાવી શકાય? પત્રકાર તરીકે હું જે જવાબદારી અદા કરી રહ્યો હતો એમાં લડતનું જ કામ નહોતો કરી રહ્યો? મારા મન સાથેની આ લડત લાંબી ચાલી નહિ. મને લાગ્યું કે પરિણામોની કોઈપણ જાતની ગણતરી ર્યા વિના મારે લડતમાં સીધી રીતે જોડાવું જ જોઈએ. વિજયા સાથે આની મેં ચર્ચા કરી. તેનામાં તો તેના ગુરુકુળના સંસ્કાર ઘણા પ્રબળ હતા. બાબુ પુરુષોત્તમદાસ ટંડન જેવાના પરિચયમાં તે આવી હતી. એટલે તેણે તો મને તરત જ કહ્યું કે, ‘હું પણ એમાં ઝંપલાવીશ.’ સમર્થલાલને મેં આ વાત કહી. તે પોતે પણ ભારે મનોમંથનમાં હતા. તેમણે મને ચેતવણી આપી કે લડત લાંબાગાળાની બનશે એવી સ્પષ્ટ ગણતરી ઉપર જ મારે જ તે નિર્ણય લેવો જોઈએ,

ગાંધીજીએ સરકારને આપેલા આંખરીનામા અનુસાર ૧૯૩૦ના માર્ચની બારમી તારીખ આવી પહોંચી. દેશ આખો યુદ્ધના નારાથી ગાજી ઊઠ્યો. દુનિયાભરમાંથી વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ અમદાવાદમાં મોટી સંખ્યામાં ઊતરી આવ્યા. ભારતના જુદા જુદા ભાગોમાંથી તેમ જ વિદેશમાંથી પણ અનેક પ્રેક્ષકો જગતના ઇતિહાસની આ મહાન ઘટનાના સાક્ષી બનવા આવ્યા. વાતાવરણમાં જાતજાતની અફવાઓ હતી. ગાંધીજીને દાંડીકૂચ કરતા અટકાવી અગિયારમીની રાત્રે ગિરફતાર કરી લેવામાં આવશે, અને જો એમના ૭૯.સાથીઓ એમના વિના કૂચ કરવા પ્રયત્ન કરશે તો તે બધાને તરત જ પકડવામાં આવશે. આવી આવી અનેક અફવાઓથી વાતાવરણમાં ઘણી મોટી ગાજવીજ શરૂ થઈ ગઈ, અને અમદાવાદમાંથી માનવમેદની સત્યાગ્રહ આશ્રમની દિશામાં અગિયારમીની સાંજથી ઊભરાવી શરૂ થઈ.

આશ્રમની ચોમેર માણસોની ભીડ એટલી જામી કે અનેક લોકો સાબરમતી નદીની રેતમાં મોટા બનાવોની પ્રતીક્ષા કરતા રાતભર નારાઓ લલકારતા બેઠા. અમે પણ સદ્ભાગ્યે આશ્રમની તદ્દન નજીક જવાની તક મળી હતી એટલે ભારે ઉત્સાહમાં રાતભર જાગતા રહ્યા. દરેક પળે અમને લાગતું કે ગાંધીજીને પકડવા માટે પોલીસ અધિકારીઓ આવી રહ્યા છે; પરંતુ આખી રાત એવું કશું બન્યું નહિ અને બારમી માર્ચનું પરોઢ ઊગ્યું.

પોતાના ઓગણ્યાશી સાથીઓ સાથે ગાંધીજીએ આશ્રમમાંથી પ્રસ્થાન આદર્યું. કસ્તુરબાએ એમને કપાળે તિલક કર્યું. અદ્ભુત હતું એ દૃશ્ય! અમારા અનેકની આંખો ભીની થઈ. રસ્તાની બંને બાજુએ માનવ મહેરામણ ઊમટ્યો હતો. વૃક્ષો પણ માણસોથી ચિકાર બની ગયા હતા. જીવનમાં આવું વિરલ દેશ્ય ફરી કદી જોવાનું નહિ મળે એથી એ તક કોઈપણ ભોગે જતી નહિ કરવા લોકો પડાપડી કરી રહ્યા હતા. આમ પૂર્ણ સ્વરાજની લડતનો સત્યાગ્રહ આશ્રમથી આરંભ થયો અને અનેક કસાયેલી કલમોથી દાંડીકૂચના હેવાલો દુનિયાભરમાં પ્રસારિત થવા માંડ્યા.

ગાંધીજીએ દાંડીકૂચ આદર્યા પછી તરત જ કાશીબા અને ગુલાબની સંમતિ લઈ ‘નૂતન ગુજરાત'માંથી છૂટો થઈ અમદાવાદનું મારું ઘર સંકેલી લઈ સત્યાગ્રહમાં ભાગ લેવા વિજયા સાથે હું સુરત ગયો.