zoom in zoom out toggle zoom 

< સાફલ્યટાણું

સાફલ્યટાણું/૨૬. જેલ અને અંદરની દુનિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬. જેલ અને અંદરની દુનિયા

સુરતની સબજેલમાં કેટલા દિવસ રહેવાનું થયું તે ભુલાઈ ગયું છે. અમારો કેસ મિ: સુલેમાન દેસાઈ નામના એક ન્યાયાધીશ સમક્ષ ચાલ્યો. એમાં અમે ભાગ લીધો નહિ, માત્ર કૉર્ટ સમક્ષ લેખિત નિવેદન કર્યું. ‘આથમતું સામ્રાજય' શીર્ષક હેઠળ તા. ૨૫ જૂન ૧૯૩૦ એ એ ‘સત્યાગ્રહપત્રિકા’માં છપાયું. એ વખતે અમારો મિજાજ કેવો હતો તેનો ખ્યાલ આપવા એ અહીં ઉતારવું ગમે, પણ સ્થળસંકોચને લઈને એ ઊર્મિ ખાળું છું.

તા. ૨૫ જૂન ૧૯૩૦ને દિવસે નવ મહિનાની સખત કેદની મને સજા કરવામાં આવી. એ વખતે કાશીબા, વિજયા અને ગુલાબ સુરત હતાં. અમદાવાદથી હું સુરત આવ્યો ત્યારે ભાઈ ગુલાબભાઈ મુંબઈની વિલ્સન કૉલેજના ફેલો તરીકેની કામગીરી બજાવતા હતા; પરંતુ સુરતમાં મને મારા કામમાં સહાયક બનવાની દૃષ્ટિએ એમણે સુરત આવવાનું નક્કી કર્યું. પ્રિન્સિપાલ એન. એમ. શાહે બી. એ.ની પરીક્ષાના એમના ઉત્તરોથી પ્રભાવિત થઈ પોતાની નિકટ રહી એમ. એ. કરવા માટે નિમંત્રણ આપ્યું. બી.એ.માં એમનો પ્રથમ વર્ગ હોઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે એમને સરળતાથી જગા મળી ગઈ. આથી સુરતમાં એને ઘર માંડી આપવા કાશીબા પણ સુરત આવ્યાં હતાં. મને થયેલી સજાના સમાચાર મળતાં અ. સૌ. ચિ. પાર્વતી પણ એની આઠ-નવ મહિનાની ચિ. લીના સાથે આવી હતી. સુરતની સબજેલમાં એ બધાં મારી મુલાકાત લઈ ગયાં. ત્યારે કુટુંબની એક વ્યક્તિ જો આવી લડતમાં ભળે તો એનાં કેવાં દૂરગામી પરિણામો આવે એનું એક ચિત્ર મારા મનમાં અંકાયું. મારી સાથેના અન્ય સાથીઓ સાથે અનુભવોની આપ-લે કરતાં મેં જોયું કે અનેક કુટુંબોના જીવનમાં ન કલ્પી શકાય એવી ઘટનાઓ કાં તો બનવા માંડી હતી અથવા એ માટેના સંજોગો સર્જાઈ રહ્યા હતા. જો હું સુરત આવ્યો ન હોત તો ગુલાબને સુરત આવવાનું મન ભાગ્યે જ થાત. પ્રિ. એન. એમ. શાહ પાસેથી મુંબઈથી પણ એ માર્ગદર્શન મેળવી શકત. વિલ્સન કૉલેજમાં અધ્યાપક તરીકેનું સ્થાન એને માટે લગભગ નિશ્ચિંત થઈ ગયું હતું. વિદ્યાર્થી તરીકે અને ફેલો તરીકે ત્યાંના આચાર્ય અને અધ્યાપકોની ઘણી ચાહના એણે મેળવી હતી. પણ હું સુરતમાં કામ કરું એ દરમિયાન સુરતમાં મારે અન્ય કોઈના આધારે રહેવું ન પડે એ વિચારથી સુરતમાં નોકરી મેળવવાનું એને ગમ્યું.

મને સખત કેદની સજા સાથે રૂપિયા દોઢસોનો દંડ પણ થયો હતો. એ વખત તો મને કલ્પના સરખી પણ ન હતી કે દંડ મારા કુટુંબને માટે કેવી મુશ્કેલીઓ અને સમસ્યા સર્જશે. પોલીસ દંડ વસૂલ કરવા આવે તો કોઈ પણ સંજોગોમાં દંડ ભરવો નથી જ એ સંકલ્પ સાથે ગુલાબ, વિજયા, કાશીબા, પાર્વતી વગેરેએ પૂરી માનસિક તૈયારી રાખી હતી. આથી પોલીસ જ્યારે દંડ વસૂલ કરવા ગઈ ત્યારે રોકડ કશું ન મળતાં છંછેડાયેલી પોલીસ ચિ. લીનાનું ઘોડિયું ઉપાડી ગઈ. આથી કાશીબા ચીખલી ગયાં. કાશીબાને એકલવાયું ન લાગે એ કારણે પાર્વતી પણ થોડા દિવસ કાશીબા સાથે રહી શકાય એ વિચારે ચીખલી ગઈ. વિજયા પિકેટિંગના કે એવા કામ માટે ગુલાબ સાથે સુરત રહી. પોલીસ ચીખલી પણ પહોંચી અને ત્યાંથી ખાટલા, વાસણ, મારાં પુસ્તકો, નોટો વગેરે જે કંઈ હાથ આવ્યું તે લઈ તેની આંગણામાં જ હરાજી કરી. કોઈ વસ્તુ હરાજીમાં એક આનાથી વધુ કિંમતે વેચાઈ નહીં. મોટે ભાગે એ બધી વસ્તુઓ પોલીસે જ ખરીદી લીધી હતી; પણ આમાંથી દંડનો નાનો સરખો પણ હિસ્સો વસૂલ થઈ શક્યો નહીં. મારાં પુસ્તકો અને નોટોની પોલીસે આંગણામાં જ હોળી કરી અને તેમાં વિદ્યાપીઠમાં મેં શરૂ કરેલા ઇતિહાસનાં પ્રકરણો પણ બળી ગયાં. આ રંજાડ સામે કાશીબાએ ઘરની રહેણીકરણી સંપૂર્ણપણે બદલી નાખી. તાંબા-પિત્તળનાં વાસણોની જગાએ માટીનાં વાસણો વસાવ્યાં. ખાટલા અને ગોદડાં તો પોલીસ ઉપાડી ગયા હતા એટલે તેની જગાએ ઘાસની સાદડીઓ પર સૂવાનું રાખ્યું. ચિ. પાર્વતી વધુ હેરાન ન થાય એ કારણે તેને નવસારી મોકલી દીધી. પોલીસ સામે ટક્કર લેતાં અડીખમ ખડકની જેમ કાશીબા એકલાં ઊભાં રહ્યાં. અડોશીપડોશીઓ અને અન્ય લોકો પણ આ ઘટનાથી ઘણા હલબલી ઊઠ્યા. તેમણે સલાહ આપી કે દંડ ભરી દઈ આ રંજાડમાંથી મુક્ત થવું વધારે સારું હતું. કાશીબાએ કહ્યું કે ‘જેલમાં ઝીણાને માટે થોડી જ સુખની પથારી છે? ભગવાન જાણે ત્યાં તેને કેવા રોટલા મળતા હશે, કેવું પહેરવાનું; ઓઢવાનું મળતું હશે! તો પોલીસની આ રંજાડ એટલી ખરાબ નહીં હોય.' સાબરમતી જેલમાં ચીખલી બાજુથી આવતા સત્યાગ્રહી કેદીઓ પાસેથી આ સમાચાર મળતાં હું ઘણો અસ્વસ્થ બન્યો. કાશીબાની હિંમત મારા કરતાં ઘણી વધારે હતી. અનેક વાર એ મેં અનુભવ્યું હતું; પરંતુ રોજબરોજની રંજાડ સામે કેટલો વખત તે ટકી શકશે એની મને ચિંતા થવા લાગી. આપણા એક જાણીતા નેતાએ એમનાં માતુશ્રીને આવી સ્થિતિમાં મુકાવું ન પડે એ દૃષ્ટિએ દંડની રકમ કબાટમાં હાથવગી મૂકી રખાવી હતી. જો કાશીબાના મનોબળમાં મને સહેજ પણ શંકા હોત તો દંડ ભરાવી દેવાની હું બીજી ગમે તે વ્યવસ્થા કરાવત; પરંતુ એમના જેવી માતાના પુત્ર તરીકે આવો વિચાર પણ મારા મનમાં આવવો જોઈએ નહીં એવી લાગણીને હું દબાવી શક્યો નહીં.

કાશીબાની અગ્નિપરીક્ષા વધતી જ રહી. પોલીસની રંજાડથી લોક પણ અકળાયા. અમારા દૂબળા પણ ગભરાવા લાગ્યા અને ઘરકામ માટે આવતાં પણ આઘાપાછા થવા લાગ્યા. પીવાનું પાણી અમારા ઘરથી દૂર આવેલા કૂવામાંથી લાવવામાં આવતું. કામ કરનારી મોડી-વહેલી થતાં અવારનવાર તે બંધ થવા લાગ્યું. આ સંજોગોમાં હાર નથી જ સ્વીકારવી એવા સંકલ્પ સાથે કાશીબા વાંસદાના જંગલમાં આવેલા મીંઢાબારીમાંના એમનાં બહેનપણી ઇચ્છાબહેનને ત્યાં હિજરત કરી ગયાં. દેશી રાજયમાં પોલીસ જતી નહીં, એથી કાશીબાએ હું જેલમાં હતો એ બધો વખત ઇચ્છાબહેનની સાથે ગાળ્યો. ડૉ. ખંડુભાઈએ અને પાર્વતીએ એમને નવસારી જવા ઘણો આગ્રહ કર્યો. નવસારી દેશી રાજ્ય હતું. આથી દંડ વસૂલ કરાવવા પોલીસ નવસારી જાય નહિ, પણ કાશીબાના હિંદુ સંસ્કારો દીકરીના ઘરનું પાણી પણ ન લે એવા હોઈ નવસારી ન ગયાં. (એમના એ સંકલ્પ સામે પાર્વતી સતત ઝૂઝતી રહી અને અંતે જેમ અમારે ત્યાં આવતાં તેમ પાર્વતીને ઘેર પણ જતાં થઈ ગયાં.) હું જેલમાં હતો એ દરમિયાન કાશીબાની આ ભવ્ય તપશ્ચર્યાની આછીપાતળી થોડીક વાત મને મળી હતી. પણ તેથી મને યથાર્થ ચિત્ર મળતું ન હતું અને હું જાતજાતની ચિંતાઓ કર્યા કરતો.

કાશીબા જે દૃઢતાથી પોલીસ સાથેની લડતમાં ગામમાંથી હિજરત કરી વાંસદાના જંગલમાં જઈ રહ્યાં તેવી રીતે અનેક કુટુંબોએ જાત જાતના ભોગ અને અદ્ભુત બલિદાન આપ્યાં તેની પૂરી કથા ભાગ્યે જ આલેખી શકાય. જેલમાં વીરત્વના એવા જે પ્રસંગો અવારનવાર અમે સાંભળતા તે અત્યંત પ્રેરક અને તે સાથે ઘણા હૃદયદ્રાવક હતા. એમાંનો એક પ્રસંગ ટૂંકમાં આલેખી એ વખતની લોકોની સંકલ્પશક્તિ અને સહનશક્તિ કેટલી અસાધારણ હદે વિકસી હતી તેનો થોડોક અછડતો ઉલ્લેખ કરી લઉં. એ ઘટના ૧૯૩૨માં બની.

વિદ્યાપીઠમાં અમારા ગ્રંથપાલ શ્રી ગુલામરસુલ કુરેશી હતા. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાંથી પાછા વળતાં ગાંધીજીની ગિરફતારી બાદ તે તરત ગિરફતાર થયા હતા. એમનાં પત્ની અમીનાબહેન, તેમની એક દીકરી અને ચાર દીકરા સાથે સત્યાગ્રહ આશ્રમમાં રહેતાં હતાં. દુર્ભાગ્યે એ જ અરસામાં અમીનાબહેનના પિતાજી ઈમામસાહેબ બાવઝીર અવસાન પામ્યા. ઈમામસાહેબ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડતના એક સમર્થ સ્તંભ અને સાથી હતા અને અમીનાબહેનના શિરછત્ર હતા. કમભાગ્યે તેમના અવસાનના ચાલીસ દિવસમાં જ અમીનાબહેને એમના બે નાના દીકરાઓ ગુમાવ્યા હતા. આવી કારમી આપત્તિમાં પણ અમીનાબહેન કઠણ હૈયું રાખી સત્યાગ્રહ માટે તૈયાર થયાં. બાળકો ઘણાં નાનાં હતાં. મોટી દીકરી સુલતાના આઠેક વર્ષની. તેનાથી નાનો હમીદ (જે હવે આપણા એક અગ્રગણ્ય ઍડવોકેટ તરીકે હમીદ કુરેશીના નામે ઓળખાય છે તે) છ વર્ષનો. એનાથી નાનો વહીદ ચાર વર્ષનો. આ બાળકોની સંભાળ રાખે એવાં નિકટનાં કોઈ સ્વજનો ન હતાં. એ સંજોગોમાં અમીનાબહેન સત્યાગ્રહ માટે તૈયાર થયા તેથી અનેક હિતચિંતકો ભારે વિમાસણ અને ચિંતામાં પડ્યા.

એ વખતે આશ્રમનો વહીવટ શ્રી નારણદાસ ગાંધી સંભાળતા હતા. તેમણે જ્યારે અમીનાબહેનને દઢતાથી પોતાના નિશ્ચયને વળગી રહેલાં જોયાં ત્યારે તેમને થયું કે ગાંધીજી વિના તેમને બીજું કોઈ સમજાવી નહીં શકે. તેથી ગાંધીજીનો જેલમાં સંપર્ક સાધી પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા. ગાંધીજીએ જણાવ્યું કે અમીના ઈમામસાહેબની બેટી છે. ઈમામસાહેબ જેવી જ ઈશ્વર-આસ્થાવાળી છે. તેમના જેવી જ મક્કમ સંકલ્પશક્તિવાળી છે. એ જે કંઈ કરે તે સમજીને જ કરે એવી છે, એટલે એને એના નિશ્ચયમાંથી ડગાવવી ઠીક નથી. અમીનાબહેન જેલમાં જાય તો નાનાં બળકો જે કરુણને વેદનાજનક સ્થિતિમાં મુકાઈ જાય એનો ગાંધીજીને સ્પષ્ટ ખ્યાલ હોવા છતાં તેમણે જે રજા આપી હતી તેમાં એમની અડગ ઈશ્વરશ્રદ્ધા ને મનોબળનો આપણને જે અણસાર મળે છે એવો જ અણસાર અમીનાબહેનના અસાધારણ વ્યક્તિત્વ, દૃઢ મનોબળ, ઈશ્વર-આસ્થા અને આઝાદી માટેની તમન્નાનો પણ મળે છે. એમના જેલનિવાસ દરમિયાન બાળકો મુંબઈના એક સંબધીને ત્યાં રહ્યાં. જેલમાંથી છૂટ્યા પછી થોડા વખતમાં અમીનાબહેન ફરીથી જેલમાં ગયાં. આ વખતે બાળકો અનસૂયાબહેનના છાત્રાલયમાં ગાંધી આશ્રમનાં અન્ય બાળકો સાથે ગયાં. ત્યાં એમની શક્ય તેટલી કાળજી રખાઈ; પરંતુ આટલા કુમળાં બાળકો સૂરજના પ્રકાશ વિના ફૂલ કરમાઈ જાય તેમ માતાપિતાના ઉષ્માભર્યા સાથ વિના મૂંઝાઈ ગયાં. ચાર વર્ષનો નાનો વહીદ તો ક્યાંકથી છરી મેળવી ગળા ઉપર તે મૂકવા જતો હતો ત્યાં આઠ વર્ષની સુલતાનાએ તે છરી લઈ લીધી. છાત્રાલયમાં એ બાળકોને એકલવાયું ન લાગે, તેમને કોઈ વાતની ખોટ ન વર્તાય, તેવા બનતા બધા જ પ્રયત્નો થયા; પરંતુ માતાની ખોટ કોણ પૂરી શકે? બલિદાનની કથાઓમાં જીવંત માતપિતાની ઓથ છીનવાઈ જતાં કંઈ કેટકેટલાં બાળકો આવી કરુણ પરિસ્થિતિમાં મુકાયાં હશે એની કથાઓ આલેખાય તો સ્વાધીનતા કેટલાં મોટાં બલિદાન માગે છે તેનો ખ્યાલ આવતાં વજ્ર જેવાં કઠોર હૈયાં પણ પીગળી જાય.

કુરેશી અને અમીનાબહેન જેલમાંથી પાછાં આવ્યાં ત્યારે આશ્રમ જપ્ત થઈ ગયો હતો. એ સાથે એમનું રહેવાનું સ્થળ ઈમામમંઝીલ પણ જપ્તીમાં આવી ગયું હતું. આથી પોતાનાં બાળકોને લઈને કુરેશી અને અમીનાબહેન પોતાને વતન ધંધુકા ગયાં. ત્યાં પણ તેમને રહેવાની સગવડ રહેવા પામી ન હતી તેથી ધંધુકાથી છ-સાત કિલોમીટર દૂર કોટડા નામના એક નાનકડા ગામમાં એક માટીના નાના ઘરમાં તે રહ્યાં. હિજરતીઓ જેવી એમની એ સ્થિતિમાં એમણે એ દિવસો કેમ ગુજાર્યા એનો અન્યને જરા જેટલો પણ ખ્યાલ ન આવે એવો એમના વડીલ ઈમામસાહેબનો વારસો હતો. તે એમણે ગૌરવપૂર્વક શોભાવ્યો.

આવાં મૂંગાં બલિદાનના અનેક પ્રસંગો ટાંકવા ગમે, અને એ દરેકમાં વીરત્વની, શ્રદ્ધાની, દૃઢ મનોબળની અને મુખ પરની રેખાઓમાં સહેજ પણ વિકૃતિ આવવા દીધા વિના અસહ્ય યાતનાઓનો બોજ ઉપાડવાની કથાઓનો પણ આટલા ટૂંકા ઉલ્લેખથી ખ્યાલ આવે એમ હોઈ સુરતની સબજેલમાંની મારી કહાણી આગળ ચલાવું:

સુરતથી અમને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા. કાકાસાહેબની ‘ઓતરાદી દીવાલ' આ પહેલાં દૂરથી જોઈ હતી. હવે એનો પ્રત્યક્ષ પરિચય મેળવતા અમે એના તોતિંગ દરવાજે થોડોક વખત ઊભા રહ્યા. એ પછી એક દરવાજા પરની એક માણસ દાખલ થઈ શકે એવી પ્રવેશબારી ઊઘડી અને અમને એક પછી એક અંદર લેવામાં આવ્યા. ત્યાં અમારી પાસે જે કંઈ હતું તે બધું લઈ લેવામાં આવ્યું. અમારાં કપડાં બદલાવી અમને જેલનાં લીટીવાળાં અડધી બાંયનાં પહેરણ, ચડ્ડી, ટોપી અને લંગોટ ઉપરાંત ચંબુ, વાડકો, સૂવા માટેની સાદડી, ચાદર અને કામળો આપ્યાં. એ બધું ખભા પર ઉપાડી અમારે સાબરમતી જેલના બડા ચક્કરમાં જવાનું થયું. ત્યાં અમારા સૌનું અમારા સાથીઓ તરફથી બહુ ઉમળકાભેર સ્વાગત થયું. અમને બધાને ડોરમેટરીમાં રહેવાનું હતું. સાબરમતીમાં જે થોડા દિવસ રહેવાનું થયું તેમાં ખોરાક બાદ કરતાં જેલની કોઈ ખાસ તકલીફ અમે અનુભવી નહીં.

જે થોડો સમય સાબરમતીમાં રહેવાનું થયું તે વખતના અનુભવો સારા હતા. દરરોજ બહારથી નવા નવા સત્યાગ્રહીઓ આવતા અને લડતના સમાચાર અમને મળતા રહેતા. થોડા દિવસમાં અમારી જેલબદલી થઈ. અમારે ક્યાં જવાનું હતું એની અમને કોઈને ખબર ન હતી; પણ જતી વખતે અમારા શરીર પરનાં ચિહ્નો જોઈ, જનાર વ્યક્તિ અમે છીએ કે કેમ એની ખાતરી કરતાં જેલર ફર્નાન્ડીસે મને કહ્યું:

‘I am sorry for you.' એણે આમ શાથી કહ્યું તે પૂછવાનો મને વખત ન મળ્યો. પણ મને થયું કે જ્યાં જવાનું હશે તે જગ્યા કદાચ સારી નહીં હોય.

અમને બધાને સાબરમતી સ્ટેશનના યાર્ડમાં રાખેલી બે બોગીઓમાં પોલીસપાર્ટી સાથે લઈ જવામાં આવ્યા. અમારામાંથી કેટલાકને બીડી પીવાની મોકળાશ મળી ગઈ. કેટલાકે તો પોલીસ પાસેથી માગીને પણ બીડી પીધી. લોકોને આ જેલબદલીની જાણ, ખબર નથી કે કેવી રીતે થઈ ગઈ હતી, પરંતુ અમદાવાદ સ્ટેશને ખાનપાનની જાતજાતની વાનગીઓ આવી. અનેક શુભેચ્છાના સંદેશા કાને પડ્યા. અમારામાંના કેટલાકે જાણે અમે બહુ મોટાં પરાક્રમો કર્યાં હોય તેમ ઉદ્બોધન કરતાં કહ્યું, ‘ભાઈઓ, અમે તો જઈએ છીએ પણ જોજો આપણી આબરૂ જાય નહીં.' મને આ બધું ઠીક નહોતું લાગતું પણ એને અટકાવવાનો ઉપાય હતો. એનું પુનરાવર્તન જ્યાં જ્યાં ગાડી થોભતી તે દરેક સ્ટેશને અનેક રીતે થતું રહેતું.

અમને ટ્રેનમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું કે અમારી બદલી યરવડા જેલમાં થઈ હતી. અમારી સંખ્યા ૧૨૭ જેટલી હતી. અમારી ટુકડીમાં શ્રી વામનરાવ મુકાદમ, શ્રી પ્યારેલાલ, શ્રી ઠાકોરભાઈ દેસાઈ, શ્રી રંગીલદાસ કાપડિયા વગેરે આપણા પીઢ તેમ જ જુવાન અનેક કાર્યકર્તાઓ હતા.

આ પહેલાં કલ્યાણથી આગળ હું ગયો ન હતો. પહેલી વખત ઘાટોમાં મુસાફરી કરવાની આ તક મળી. એ વખતે ઘાટોમાં વરસાદ પડી ગયો હતો. ઝરણાંઓ વહેતાં થયાં હતાં. એની દૂધ જેવી ધારાઓ જોતાં મન પ્રફુલ્લ બની ગયું. પ્યારેલાલજીએ મને એ બધાંનું દર્શન કરાવતાં ઘાટોની રમણીયતાનાં અનેક ચિત્રો આલેખ્યાં. અમે જેલમાં જઈ રહ્યા હતા એ વાત ભુલાઈ ગઈ અને કોઈ સૌંદર્યતીર્થની યાત્રાએ જતા હોઈએ એવી સુખદ અનુભૂતિ થઈ.