zoom in zoom out toggle zoom 

< સાફલ્યટાણું

સાફલ્યટાણું/૨૭. યરવડા જેલમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૭. યરવડા જેલમાં

ખડકી સ્ટેશને પહોંચતાં અમને ઉતારી દેવામાં આવ્યા. ગપ્પાં મારતા મારતા અમે બોગીમાંથી બહાર નીકળ્યા ન નીકળ્યા ત્યાં જેલના વૉર્ડરો અને પોલીસોએ કરડાકીથી અમને એક હારમાં ગોઠવાઈ જવા ફરમાવ્યું. સાબરમતી જેલમાં આવું કંઈ અનુભવ્યું ન હતું. આ વખતે મને મેધાણીની પેલી પંક્તિઓ યાદ આવી:

‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે એટલી કે માતાની હાલ પડી છે!'

અમને બસ મારફત યરવડા જેલના દરવાજે ખડા કરવામાં આવ્યા અને કડક શિસ્ત સાથે જેલપ્રવેશનો બધો વિધિ કરવામાં આવ્યો. અમારી સાથે એક વૃદ્ધ સંન્યાસી હતા. તેમને મરડો થઈ ગયો હતો, એટલે અમારામાંથી એકે તેમને ડૉકટર પાસે લઈ જવાની માગણી કરતાં બહુ અપમાનજનક રીતે તેમને બોલતા બંધ કરી દેવામાં આવ્યા. અમારું લોહી ઊકળી ઊઠ્યું; પણ અમે કશું કરી શક્યા નહીં અને અમને બૅરેકમાં પૂરી પોલીસ જતી રહી.

કાથીની પથારી ઉપર અમારી પીઠ અડી ન અડી ત્યાં અમારા શરીર ઉપર અમે કંઈક ફરતું અનુભવ્યું. અમે જોયું તો ઉપરથી માંકડ પડતા હતા અને નીચે પણ તેમની વસ્તી હતી. કેમ જાણે અમારે માટે દિવસોની તૈયારી કરી આ જમાતને અહીં ભેગી ન કરી હોય! મારા ચંબુમાં પાણી હતું, તેમાં હાથમાં આવે તેટલા માંકડ મેં નાખવા માંડ્યા. મને હતું કે સવારે જેલરને આ બતાવીશું.

રાત બહુ ખરાબ રીતે વીતી. જેલ શું કહેવાય એનો આ જાણે કે પ્રથમ પરિચય, પણ એ તો પાશેરામાં પહેલી પૂણી જેવું હતું. બૅરેકમાં બંને છેડે પેશાબ અને જાજરૂ માટેની ખુલ્લી વ્યવસ્થા હતી. એવાથી ન ટેવાયેલા અમારામાંના અનેકને મૂંઝવણ થઈ. સાબરમતીમાં પણ આવું હતું; પણ આટલું ખુલ્લું નહીં. અમારી સાથેના સંન્યાસીને રાતભર અમે છેડા પર રાખી વારાફરતી મદદ કરી, શૌચ માટેની ઠીક ઠીક અનુકૂળતા કરી આપી.

પાંચે વાગ્યે દરવાજાનું તાળું ખખડ્યું અને ‘લપેટ બિસ્તર, લે થાળીપાટ બોલતા વૉર્ડરો પ્રવેશ્યા. મારે પેલો ચંબુ બતાવવો હતો તે તરફ વૉર્ડરોએ ધ્યાન આપ્યું નહીં અને અમને જેલના કાયદા એક પછી એક શીખવવા માંડ્યા.

બિસ્તરને લપેટાવી બધાને સમાંતર હારમાં ગોઠવાવી દીધા. અમારાં થાળી-ચંબુ બિસ્તરની આગળ મુકાવવામાં આવ્યાં. પછી હુકમો પર હુકમો છૂટવા માંડ્યા: ‘વાક નીચે!' પહેલાં તો અમને સમજાયું નહીં કે આ શું છે! એટલે વૉર્ડરે કહ્યું કે, ‘આમ ગમારની જેમ શું જોયા કરો છો? વળી જાઓ.’ એમ કહી એણે વળી બતાવ્યું. અમારે બધાને એમ વળવું પડ્યું. પછી અમે બરોબર એ કાયદો પાળીએ છીએ કે નહીં તે તેણે જોયું અને સુધારા કરવા જેવા લાગ્યા ત્યાં સુધારા કર્યો.

તે પછી અમને બહાર લઈ જઈ મુખ-પ્રક્ષાલન માટે હોજ પર સામસામે સરખી હારમાં ઊભા રાખ્યા. ત્યાં પણ વાક નીચે,' ‘લો પાણી,’ ‘કરો કોગળા’ એવા હુકમો છૂટવા લાગ્યા. આની સામે બળવો કરવા હૈયામાં ઝનૂન ઊછળવા લાગ્યું; પણ તે સાથે ગાંધીજીનો આદેશ ભુલાતો ન હતો કે જેલમાં કાયદાનું કડક પાલન કરવું. પણ આવા તે કંઈ કાયદા હોય! એનો જવાબ પણ હાથવગો જ હતો. ગાંધીજીએ સાઉથ આફ્રિકાની જેલમાં શું શું નહોતું વેઠ્યું! એટલે ધૂંઆપૂંઆ થતા હોવા છતાં અમે એ બધું વેઠી લીધું.

એ પછી શૌચની કસરત શરૂ થઈ. અમારે જરૂર હોય કે ન હોય પણ નંબર આવે તે પ્રમાણે શૌચ માટે જવાનું હતું. ત્યાં સામે જ વૉર્ડર ઊભેલો હોય અને અમને ‘વખત બગાડો નહીં' એવી ચેતવણી આપ્યા કરે. આ પણ માનવતાના અપમાન જેવું હતું..

એ પછી અમને બૅરેકના વરંડામાં હારબંધ બેસાડ્યા અને અમારા વાડકામાં જુવારની ગરમ કાંજી આપી. આગલે દિવસે પેટમાં અમદાવાદ-સુરતની અનેક સરસ વાનગીઓ પડેલી હતી. તેની આગળ આ કાંજી બિચારી શું વિસાતમાં! એટલે અમે તેને બહુ જ ઓછી સ્પર્ધા.

એ પૂરું થતાં અમને કામની વર્ધી સોંપવામાં આવી. દરેકને થોડા થોડા છૂટા કાથીના રેષા આપવામાં આવ્યા અને એમાંથી દોરડી વણવાનો હુકમ અપાયો. અમે આ કામ કેમ કરવાનું છે એનો વિચાર કરતા હતા ત્યાં અમારામાંથી એક જણને ઉપાડી પોલીસ ક્યાંક લઈ ગઈ. અમે વિચારમાં પડ્યા કે શાને માટે એને લઈ ગયા હશે!

અમને સવારનો એક પ્રસંગ યાદ આવ્યો. અમારી પડોશની એક બૅરેકમાં કોઈ ડંકી ચાલતી હોય એવો અવાજ અમે સાંભળ્યો અને નજર કરી તો એક મુકાદમ દંડબેઠક કરી રહ્યો હતો. તેના શ્વાસોચ્છ્વાસમાંથી એવા અવાજ આવતા હતા. ત્યાર પછી એક છોકરાની ચીસ અમે સાંભળી. ત્યાં નજર કરી તો મુકાદમે કહ્યું, ‘શું જુઓ છો? આ તો જરા માખી બેઠી હતી. તે ઉડાડું છું.' ત્રાસજનક હતી આ પાશવતા. અમને થયું કે આવો અત્યાચાર અમારા સાથી પર તો ન થાય! જો એમ થાય તો અમે મરણિયા બની એનો સામનો કરવાનું વિચારતા હતા ત્યાં અમારો સાથી પાછો આવ્યો. એના માથા પર અસ્રો ફરેલો હતો અને આખું માથું ટોલું હતું. અમે ઊકળી ઊઠ્યા. ‘આને તો વશ નથી જ થવું.' એવો કેટલાકનો આગ્રહ હતો. પણ અમુક વડીલો એ મતના હતા કે જેલમાં જો તેલ-કાંસકી ન મળે તો વાળ શા કામના? પરંતુ માથા પર અસ્રો ન ફરે ને કેવળ મશીન અને કાતરથી જ વાળ કાપે તો સમાધાન કરવું. જુવાનોને આ વાત ગમી નહીં; પણ એમનામાંનો એક જુવાન જ્યારે ટોલું માથું લઈને પાછો આવ્યો ત્યારે મને પૂછ્યું, ‘સમાધાનનો રસ્તો તમે સૂચવ્યો નહીં?’ ત્યારે તેનો સ્પષ્ટ ઈનકાર કરી તેણે કહ્યું, ‘આપણે વશ નથી જ થવું.' એટલામાં ઠાકોરભાઈનો વારો આવ્યો. તે તો પાછા આવ્યા જ નહીં એટલે અમે ચિંતામાં પડ્યા ત્યાં મારો વારો આવ્યો. બહેરામજી નામના એક જુવાન પારસી અમારા ડેપ્યુટી જેલર હતા. મેં તેમને કહ્યું કે ‘મને વાળ કઢાવવા સામે વાંધો નથી પણ અન્ના સામે વાંધો છે. એટલે અન્ના વિના મારા વાળ તમે જે રીતે કાપી શકતા હો તે રીતે કપાવો.' બહેરામજીને મારી વાત વિચારવા જેવી લાગી હશે એટલે તેણે એક પોલીસને જેલ સુપરિન્ટેન્ડેન્ટ મેજર માર્ટિન પાસે સંદેશા સાથે મોકલ્યો. મેજર માર્ટિનનો કડક જવાબ આવ્યો કે ‘હુકમ પ્રમાણે કરો.’ બહેરામજીએ મને કહ્યું, ‘તમે સાંભળ્યું ને?’ મેં કહ્યું, ‘હા, મેં બરોબર સાંભળ્યું. હું આવા અમાનુષી વર્તાવને વશ થવાનો નથી.’ જમાદારે મને કહ્યું કે, ‘આ તો જેલ છે. બહારની વાતો ભૂલી જાઓ અને મુશ્કેલી નોતર્યા વિના કાયદા પ્રમાણે જે કરવાનું આવે તે કરો.' મેં તેનો આભાર માન્યો; પણ વશ થવાની ના પાડી. એટલે એક પોલીસે મને પીઠમાં ઘૂંટણથી ધક્કો મારી નીચે પાડ્યો. તે મારી પીઠ પર ચઢી બેઠો અને વાળંદના અસ્રાએ એનું કામ શરૂ કર્યું. એટલે મેં કહ્યું, ‘હવે પીઠ ઉપર બેસી રહેવાની શી જરૂર છે? અડધું મુંડેલું માથું લઈ હું થોડો ભાગી જવાનો છું?' બહેરામજી પણ એમના મુખ પર આવતું હાસ્ય ખાળી શક્યા નહીં. મારું કૂંડેલું માથું લઈ મારા સાથીઓ પાસે પહોંચ્યો. ઠાકોરભાઈ પણ આવી પહોંચ્યા હતા. હાથકડી નાખ્યા પછી જ તેમનું મૂંડન થઈ શક્યું હતું અને એ ઝપાઝપીમાં થોડોક વિલંબ થયો હતો.

યરવડા જેલ ઉપર સત્યાગ્રહી કેદીઓનો એવો તો મોટો ધસારો હતો કે સરકારને એ પાકી જેલની નજદીક એક વિશાળ મેદાનમાં કૅમ્પ જેલ ઊભી કરવી પડી હતી. થોડાક દિવસ અમને દીવાલવાળી જેલમાં રાખી કૅમ્પ જેલમાં ખસેડ્યા. દીવાલવાળી જેલની એ થોડાક દિવસની સ્મૃતિ મનને બેચેન કરી મૂકે એવી હતી.

અમે સમૂહમાં રહેતા હોવા છતાં કોઈપણ પ્રકારની સમૂહપ્રવૃત્તિ અમે કરી શકતા નહીં. સાબરમતી જેલમાં તો અમે અનેક સમૂહપ્રવૃત્તિઓ કરતા. રમત, પ્રાર્થના કરતા, સંગીતના જલસા કરતા. એમાંનું કશું જ અહીં શક્ય ન હતું. એ જેલમાં અમારાથી અલગ રીતે ગાંધીજીને રાખવામાં આવ્યા હતા. ત્યાં અમને મળેલી માહિતી મુજબ એમનો પ્રાર્થનાનો કાર્યક્રમ નિયમિત રીતે થતો અને તેમાં એ વૉર્ડના ચોકીદાર પણ જોડાતા. અમે પણ આ રીતે પ્રાર્થના કરવાની છૂટ માગી. તેનો ઈન્કાર કરતાં અમને જણાવવામાં આવ્યું કે વ્યક્તિગત રીતે અમે પ્રાર્થના કરી શકીએ; પરંતુ સમૂહમાં જેલના કાનૂન પ્રમાણે અમને એવી રજા મળી શકે નહીં. અમે નક્કી કર્યું કે આનો તો ભંગ કરવો જ જોઈએ. આથી સવારે બૅરેક ઊઘડે એ પહેલાં અને સાંજે બૅરેક બંધ થાય તે પછી અમે પ્રાર્થનાનો કાર્યક્રમ શરૂ કર્યો. જેલ અધિકારીઓ આંખ આડા કાન કરી એ વાત ગળી ગયા.

આમ છતાં શિસ્ત માટેના એના અપમાનજનક કાયદા અમને કઠતા. અમે એકબીજા આગળ અમારો ઉકળાટ ઠાલવી કંઈક આશ્વાસન મેળવવા પ્રયત્ન કરતા. પંચમહાલના પીઢ નેતા શ્રી વામનરાવ મુકાદમની અને મારી જગ્યા બૅરેકમાં જોડાજોડ હતી. એક વખતે તેમણે મને કહ્યું કે, “અહીં જો લાંબો વખત રહેવાનું થાય તો આપણે માણસ મટી પશુ જેવા થઈ જઈશું. અહીં તો આપણે એકબીજાની નબળાઈનો બોજ ઉપાડવા જ આવ્યા હોઈએ એવું લાગે છે! એ ખંખેરી નાખી આપણે જો હસતા નહિ થઈએ તો જેલનું ચઢી વાગશે.” પોતાના આ મનોભાવ ઠાલવી એમણે મને કહ્યું કે, ‘તું તો કવિ છે. અહીંની આપણી ગમગીની ભૂલી જઈએ તેવાં કાવ્યો તારે આપવાં જોઈએ.' મેં કહ્યું, ‘લેખનસામગ્રી મેળવી આપો તો લખું પણ ખરો.' એ હસ્યા અને બોલ્યા, ‘કવિ તો કલ્પનાના વિહારી હોય છે. લેખનસામગ્રી વિના તેનું કામ થોડું જ અટકી પડે?’ એમનું આ સૂચન મારા મનમાં બે-ત્રણ દિવસ ધોળાતું રહ્યું અને એમાંથી એક કાવ્ય સર્જાયું. ‘અર્ધ્ય’માં પાછળથી એ પ્રસિદ્ધ પણ થયું. આવાં હળવાં કાવ્યો આ પહેલાં મેં લખ્યાં ન હતાં. જેલના અમારા કંટાળાજનક એકધારા જીવનમાં આ કાવ્યથી થોડીક હળવી પળો અમે અનુભવી. મને ખાતરી નથી કે અમને એ કાવ્યથી એ વખતે લાગતી હળવાશ અને રમૂજનો ખ્યાલ આજે એ કાવ્ય આપી શકશે કે કેમ? આમ છતાં એ ઉતારવાનું પ્રલોભન મારે જતું નથી કરવું.

સાથ
સાંજ પડી ને ઘેર જવા હું સાથ રહ્યો'તો ખોળી
દીઠી મેં ત્યાં આવતી સામે બાળા એક ભોળી.
દીઠાં તેનાં ને – સુહાગી-સુહાગી નેન્ન તેનાં,
ધીમે રહીને પૂછ્યું તેને-‘કોની કહે તું બહેનાં?'
લગ્નમણીના છોડ સમી તે નમણી નાજુક વેલી
બોલ સુન્નીને આંખ ઢળી તેઆંખ તે નમેલી!
‘કાળા કાળા કેશ તારા, કેશ તારા કાળા!
દિન સાથે બેસી ૨૪ નીએ ગૂંથ્યા ક્યારે બાળા?'
ગૌર ભરેલા વદને તેને ગોરા મુગ્ધ ગાલે,
નાનકડાં બે ગુલાબ ખીલ્યાં, ઉષા ખીલી કંઈ ભાલે.
અસ્થિર ડગલાં ભરીઓ આગળ ડગ ભરીઆ મેં ચાર,
ઊંચી-નીચી થતી મેં તેને હૈયે દીઠી માળ!
છાનીમાની શરમાતી ત્યાં આવી રાત કાળી,
હૈયે મારે ઢળી રહી મેં આતુર આંખ ભાળી!
વેણીમાં તે ફૂલ ગૂંથ્યાં મેંફૂલ ગૂંથ્યાં મેં સાત-
કંઠે મારે રહ્યા વીંટાઈ નાજુક તે બે હાથ!

કૅમ્પ જેલમાં અમને લઈ જવામાં આવ્યા એ પછી પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેર પડ્યો. લગભગ બે હજાર કેદીઓનો સમાસ થઈ શકે એવા વર્તુળાકારે બૅરેક આકારના વીસ જેટલા લાંબા તંબુઓ હતા. એની વચ્ચે ખુલ્લા મેદાનમાં દવાખાનાની વ્યવસ્થા હતી. જેલની ફરતે કાંટાળા તારની વાડ હતી, અને ચોકીપહેરાની ઠીક ઠીક વ્યવસ્થા હતી.

એક તંબુમાંથી બીજામાં જવાની અમને છૂટ ન હતી; પણ કોઈ સંદેશો પહોંચાડવો હોય તો એક તંબુમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ ઠેઠ સુધી ખાનગી રાહે અમે સંદેશા પહોંચાડી શકતા; અને નવા કેદીઓ કયા આવ્યા છે એની અમને ખબર પડતી. અમારામાંથી ઘણાને સખત કેદની સજા હતી એટલે અમારે માટે મજૂરીનાં જુદાં જુદાં કામ ઊભાં કરવામાં આવ્યાં. એમાં કૅમ્પ જેલની જમીનને સમતલ કરવા માટે કેટલુંક ખોદકામ કરવાનું આવ્યું. આજુબાજુની જગાઓ સાફ કરવાનું પણ આવ્યું અને એ નિમિત્તે તગારાં ઉપાડવાનું કામ મળ્યું. કેદીઓને ગભરાવી મૂકે એવું ચક્કી પીસવાનું કામ પણ મળ્યું. ચક્કી પીસવા માટે જોડીમાં કામ કરવાનું રહેતું. લગભગ ખુલ્લે શરીરે એ કામ કરવું પડતું. પીસતાં પીસતાં સખત ભૂખ લાગતી હતી ત્યારે વૉર્ડરની નજર ચુકાવી થોડીક જુવાર પણ અમે ફાકી લેતા. ત્યારે એનો સ્વાદ ઘણો મીઠો લાગતો!

જેલનો ખોરાક તો બધે જ એકસરખો હતો. સવારે જુવારની કાંજી, બપોરે સાંજે જુવારના બબ્બે રોટલા અને એક વખત એક માપ દાળ અને બીજી વેળા એક માપ પાણીવાળી ભાજી મળતી. આમાં જ્યારે ચણાની દાળ મળતી ત્યારે અમે ખુશ થઈ જતા. અમારામાંથી કેટલાકને બે રોટલા વધી પડતા, તો કેટલાકને ઓછા પડતા, પણ અમે વધઘટનો શક્ય રીતે તાળો મેળવી લેતા.

દર રવિવારે સાંજે ભાજીની જગ્યાએ ગોળ મળતો. ત્યારે બબ્બે, ત્રણ ત્રણ કે વધારે સાથીઓની ટુકડીમાં અમે મિજબાની માણતા. રોટલાનો ભૂકો કરી, તેમાં ગોળ મેળવી થોડુંક પાણી ઉમેરી એના લાડુ બનાવી લાડુ ખાધાનો આનંદ અમે માણતા. એ વખતે ડગલે ન પગલે મને ગુલામી પ્રથા હેઠળના ગુલામોની ત્રાસજનક દશા યાદ આવતી.

આમ છતાં એ પરિસ્થિતિથી ધીમે ધીમે અમે ટેવાતા થયા, અને એમાંથી પણ આનંદની પળો ઝડપી લેવા લાગ્યા. જ્યારે આકાશ વાદળોથી ઘેરાઈ જતું, વીજળીના ચમકારા થતા, વરસાદ તૂટી પડતો ત્યારે અમારા તંબુઓ પણ ટપકતા થઈ જતા. કેટલીક વખતે અમારી પથારીઓ પણ ભીની થઈ જતી અને રાતના ઉજાગરા કરવા પડતા. અમારા એક સાથી શ્રી જયંત આચાર્યનું –

‘સર જાવે તો જાવે
પર આઝાદી ઘર આવે'

પંક્તિથી શરૂ થતું ગીત અને એવાં બીજાં અનેક ગીતો અમે બુલંદ કંઠે લલકારતા. કોઈ વખત હળવાશમાં “પર શાહજાદી ઘર આવે” એવું પણ લલકારતા. આમ આવી બધી આપત્તિઓનો બને તેટલી હળવાશથી અમે સામનો કરતા. આ બધા અનુભવો ઉપરથી માણસમાં પરિસ્થિતિને અનુકૂળ થવાની કેવી અખૂટ શક્તિ રહેલી છે એની મને ડગલે ને પગલે ખ્યાલ આવવા માંડ્યો. એમાંથી જીવનસંગ્રામ માટે મારા મનને સભાનતાપૂર્વક હું સજ્જ કરતો થયો.

કૅમ્પજેલમાં આવ્યા પછી પુસ્તકો અને લેખનસામગ્રી અમને મળતા થયાં. વાળ રાખવાની પણ છૂટ મળી ગઈ! અમારામાંથી કેટલાકે દાઢી-મૂછ પણ વધાર્યાં અને થોડો વખત મેં પણ આ લહાવો લીધો. એ વખતે પૂનામાં પ્રોફેસર જે. પી. ત્રિવેદી નામના એક ગાંધીભક્ત ગુજરાતી વિદ્વાન હતા. ગુજરાતમાંથી આવેલા સત્યાગ્રહી કેદીઓ જાણે એમના મહેમાન હોય તેમ એ સૌને માટે, દરેકને વ્યક્તિગત રીતે મળે એટલા પ્રમાણમાં નહાવાના ને કપડાં ધોવાના સાબુ, ટૂથપેસ્ટ અને પુસ્તકો તે નિયમિત રીતે મોકલવા મંડ્યા. એમની મુલાકાતની તો કોઈ શક્યતા ન હતી એટલે અમે અમારી લાગણીઓ કેવળ સંદેશા દ્વારા જ વ્યક્ત કરી શક્યા. જેને દેવપદથી પણ ઊંચા સ્થાને મૂકી શકાય એવી માનવતા ભરેલા પ્રોફેસર જે. પી. ત્રિવેદીને યાદ કરતાં મારા જેવા અનેકનાં મસ્તક નમે છે.

અમારે અંગેની એમની આ કાળજી આ વસ્તુઓ મોકલવા સાથે પૂરી થતી નહીં. અમારામાંથી કોણ ક્યારે છૂટવાનું છે એની પણ એ કાળજી રાખતા. એમાંથી જેમને પૂનામાં રહેવાની સગવડ ન હોય તેમને માટે ઘટતી સગવડ કરી બીજી મદદ પણ કરતા. એમને જ્યારે મળવાનું થયું ત્યારે મેં ઘણી ધન્યતા અનુભવી.

કૅમ્પજેલમાં અમને સ્વચ્છ પાણીનું અઢળક સુખ હતું. જેલમાં હોય છે તેવો બંને બાજુએ કપડાં ધોઈ શકાય એવા ઢાળવાળો પાણી ભરેલો હોજ, બહાર પણ ઓછી જગ્યાએ મળે એવો, નહાવાનો અને કપડાં ધોવાનો, વૈભવ અમને પૂરો પાડતો. ત્રિવેદીસાહેબ પાસેથી અમને સાબુ સાથે ગળી પણ મળતી. એથી અમારા જેલના એ ટૂંકી બાંયવાળા પહેરણ અને ચદ્દી જાણે લોન્ડ્રીમાં ધોવાઈને આવતાં હોય એવાં સ્વચ્છ અને ગડીબંધ રાખવ: માટે અમારામાં સ્પર્ધા ચાલતી.

આટલી બધી સ્વચ્છતા છતાં મને શરીરે વારંવાર ખંજવાળ આવતી. ફોલ્લી જેવાં કોઈ ચિહ્નો શરીર ઉપર દેખાતા નહીં અને નાવાનું તો કોઈ વખતે બે વાર પણ થતું એટલે આ ખંજવાળનું કારણ સમજાતું નહીં. એક દિવસ અચાનક સૂકવતાં ઊલટા થઈ ગયેલા પહેરણ પર મારી નજર પડી, અને એમાં કંઈક કીટી જેવું મને લાગ્યું. મેં જરા ધારીને જોયું તો એ કોઈક સજીવ જંતુ હતું. તરત મને સમજાયું કે એ જૂ હતી. મને નવાઈ લાગી અને આઘાત પણ થયો. મારાં કપડાંમાં જૂ કેવી રીતે પડે? મારી આજુબાજુના સાથીઓ પણ ખૂબ સ્વચ્છ હતા. મારા બિસ્તરને અવારનવાર અમે તડકામાં પણ નાખતા એટલે જૂ પડવાનો કોઈ સંભવ ન હતો. આથી મારા પહેરણમાં જૂ છે એ વાત મેં બેત્રણ દિવસ તો કોઈને જણાવા દીધી નહીં. પણ જ્યારે એ ઉપદ્રવ અસહ્ય બન્યો ત્યારે એક દિવસ મારી પથારી પર બેઠો બેઠો હું જૂ કાઢવા લાગ્યો. મારી સામે જ સત્યાગ્રહપત્રિકાના મારા સાથી ભાઈલાલભાઈ હતા. એમણે મને હું શું કરતો હતો એ અંગે પૂછ્યું એટલે મેં કહ્યું કે, ‘આ પહેરણમાં કીટી આવી ગઈ છે એ કાઢું છું'. ભાઈલાલભાઈને સાદી કેદની સજા હતી એટલે એ પોતાના ઘરના ખાદીના ઝભ્ભા, બનિયન, ધોતિયું વગેરે વાપરતા. એમણે તરત જ કહ્યું કે, ‘મારા બનિયનમાં પણ કીટી હોય એવું લાગે છે.' એમ કહી એ કીટી કાઢવા મંડ્યા. પછી તો અનેક વખત ધોવાયેલાં અમારાં કપડાંમાં અણધારી રીતે સૌને કીટીનાં દર્શન થયાં અને કીટી કાઢવાની સામૂહિક પ્રવૃત્તિ શરૂ થઈ!

કીટીની આ મજાક અમે માણતા હતા ત્યાં મારા વિદ્યાપીઠના સાથી અને મિત્ર ભાઈ ભોગીલાલ ગાંધી-ઉપવાસીએ અમને બધાને આઘાત લગાડતાં કહ્યું કે, ‘તમારાં તો કપડાંમાં જૂ પડી છે. મારા તો શરીરમાં જૂ છે! એમણે જ્યારે એમના શરીર પર એ અમને બતાવ્યું ત્યારે અમે આભા બની ગયા. એમની ચામડીની નીચે જાણે કે દર કરીને જૂ ભરાયેલી અમે જોઈ! આનો તો વૈદકીય ઉપચાર જ કરવાનો રહ્યો. એની અમે ડૉકટરને તરત જાણ કરી. અમારા સુપરિન્ટેન્ડેન્ટ મેજર ગાર્વિન નામના એક આયરિશ હતા. એમણે આ ઉપદ્રવ અંગે ઘણી સહાનુભૂતિ દાખવી અને કંઈક લોશન અપાવ્યું.

એ વખતે All Quiet on the Western Front નામની પહેલા વિશ્વયુદ્ધને આલેખતી અત્યંત લોકપ્રિય બનેલી નવલકથા અમારા વાંચવામાં આવી. તેમાં સમૂહજીવનથી થતા આવા ઉપદ્રવોનાં ઘણાં ચિત્રાત્મક વર્ણનો અમારા વાંચવામાં આવ્યાં, અને અપૂરતા પોષણવાળા ખોરાકથી અને સમૂહજીવનમાં આવું સંભવિત હતું એવું મને લાગ્યું. આનો અનુભવ મને અમારાં છાત્રાલયોમાં તેમ જ ગાડીની મુસાફરીઓમાં પણ થયો હતો. છાત્રાલયોમાં ગૃહપતિ કે ગૃહમાતા જરા પણ બેદરકાર રહે તો માંકડ અને જૂને ઘણી મોટી તક મળી જાય છે. એક વખત એ દાખલ થાય પછી એને કાઢવાં એ ઘણું મુશ્કેલ હોય છે.

જેલમાં આવો જ એક બીજો મોટો આઘાત એક સવારે ઊઠતાં મેં અનુભવ્યો. મારા દાંતનાં ઉપરનીચેનાં બંને પેઢાં સૂજી ગયાં હતાં અને તેમાં પુરુ થઈ ગયું હતું. એની દુર્ગંધ આજુબાજુના મારા સાથીઓ સુધી પહોંચતી હતી. હું હતાશ બની ગયો. વૉર્ડર મને ડૉકટર પાસે લઈ ગયો. ડૉકટરે સાઈટ્રિક ઍસિડથી મને કોગળા કરાવ્યા. એને લઈને પરુની નાની નાની ગોળીઓ બની કોગળા વાટે બહાર નીકળવા લાગી. અવાળુ ઉપર આયોડિન ચોપડવામાં આવ્યું. મેજર ગાર્વિન પણ ડૉકટર હતા. એમની પાસે મારો કેસ ગયો. એમણે થોડા દિવસ માટે મને ખોરાકમાં ફેરફાર કરી દૂધ, પાંઉ અને માખણ અપાવ્યાં. હળવે હાથે અવાળુ ઉપર મસાજ કરવાની સૂચના આપી. એનાથી ગભરાઈ ન જવાની મને સલાહ આપી અને કહ્યું: ‘લાંબી મુસાફરીમાં કેટલાક ખારવાઓને આવું થાય છે પણ એથી કાયમનું નુકસાન થતું નથી.’ ખારવાઓને ભલે આવું નુકસાન કાયમનું નહીં થતું હોય; પણ મારે માટે તો જીવનભરની એ આપત્તિ થઈ પડી. મસાજથી અવાળુનો સોજો થોડોક ઘટ્યો. દાંત મૂળમાંથી હાલતા બની ગયા હતા તે પણ ધીરે ધીરે સ્થિર થયા. પરંતુ ઊંઘમાં મારા મોંમાંથી લોહીની લાળ પડવી શરૂ થઈ અને ક્યારેક મારાં કપડાં પર એના ડાઘા દેખાતા. આને લઈને મુસાફરીમાં હું ઘણો ત્રાસ અનુભવતો. લાળને અટકાવવાનું તો શક્ય ન હતું; પરંતુ પહેરણ ન બગડે એ માટે પિન મારીને નૅપ્કિન હું ખભાની બંને બાજુએ રાખતો. એમ છતાં એ નૅપ્કિનમાંથી પણ કોઈક વખત પહેરણ ઉપર ડાઘા પડતા, એટલે મુસાફરીમાં સ્ટેશને ઊતરતાં પહેલાં પહેરણ હું બદલી લેતો. એટલું સદ્ભાગ્ય કે દિવસના આવી કોઈ આપદા મારે વેઠવી પડતી નહીં.

આ કૅમ્પજેલમાં ગુજરાતના બધા સાથીઓ બે બૅરેકમાં વહેંચાઈ ગયા હતા. એમાં ઠાકોરભાઈ દેસાઈ અને રંગીલદાસ અમારા સ્પોક્સમેન હતા અને જેલ સંચાલનમાં જેલરને મદદ કરતા હતા. શ્રી રોહિત મહેતા, કપિલરાય મહેતા, પ્યારેલાલજી, ઉપવાસી જેવા સાથીઓ હતા. એમાં તરુણ ઉમાશંકરનો ઉમેરો થયો. મેધાણીએ તાજેતરમાં જ લખેલું ગીત ‘કોઈનો લાડકવાયો' એ પોતાની સાથે લઈ આવ્યા હતા. એ ગીત દ્વારા શરૂઆતથી જ અમારી વચ્ચે મૈત્રીની સારી એવી ગાંઠ બંધાઈ. એ વખતે ઈન્ટરઆર્ટમાંથી ભણવાનું છોડી મીઠાના સત્યાગ્રહમાં જોડાઈ એ જેલમાં આવ્યા હતા. ત્યારે એમણે કોઈ કવિતા લખી હોય એવો મને ખ્યાલ ન હતો; પરંતુ એમનો કવિતાનો રસ અખૂટ હતો. એમની કાવ્યચર્ચા પણ રસસભર હતી અને વિદ્યાર્થી તરીકેની એમની કારકિર્દી પણ ઘણી ઉજ્જ્વળ હતી. યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં એ ત્રીજે નંબરે પાસ થયા હતા. આમ જેલમાં પણ અમે ધીરે ધીરે વિદ્યાનું વાતાવરણ જમાવવા માંડ્યું. અમારામાંથી જેમને વાંચવાનો રસ હતો તેમને માટે તો ચારે બાજુએ ત્રિવેદીસાહેબના સદ્ભાવથી ગ્રંથોની છૂટે હાથે લ્હાણ થતી હતી.

યરવડા જેલની ભયાનક દીવાલોની બંધિયાર હવામાં અસહ્ય ગૂંગળાટ અનુભવ્યા પછી કૅમ્પજેલની ખુલ્લી હવાને બિરદાવવામાં જેલની કઠોરતાને મેં ગૌણ બનાવી દીધી હોવાનું લાગવા સંભવ છે એટલે હવે એ બાજુની પણ થોડીક વાત નોંધી લઉં.

અમને મળતો ખોરાક સાવ સત્ત્વહીન હતો. વઘાર માટે વપરાતા તેલ સિવાય તેલ-ઘીનો એ ખોરાકમાં છાંટો સરખો પણ ન હતો. લીલોતરીનો પણ એમાં અભાવ હતો. જે ભાજી અમને મળતી એ સુકવણીની હતી. આ જાણે ઓછું ખરાબ ન હોય તેમ કોઈ કોઈ વખત એમાંથી જીવાત પણ નીકળતી. એક વખત અમને મળેલી દાળમાં મરેલી ઈયળોનાં શબ તરતાં હતાં. એના તરફ જોતાં ચીતરી ચઢે એવું હોઈ મેજર ગાર્વિન ન આવે ત્યાં સુધી અમારે ખાવું નથી એવો નિર્ધાર અમે જાહેર કર્યો. જેલરે અમને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો; પણ અમે અમારા નિર્ધારમાં મક્કમ રહ્યા, એટલે મેજર ગાર્વિનને આવવું પડ્યું. તેમણે માફી માગી અને એ દાળ રદ કરાવી. એને બદલે ગોળ અપાવ્યો અને સાંજે સારી દાળ આપવાનું વચન આપ્યું. આ સમાધાન અમે સ્વીકાર્યું કારણ કે અમારી પાસે બીજો કોઈ માર્ગ જ ન હતો.

આ ઘટના પછી અમને મળતા ખોરાક માટે રોજ વધુ કાળજી રખાતી થઈ. અનાજના કોઠારમાં પણ જંતુનાશક દવાઓનો વધુ કાળજીપૂર્વક ઉપયોગ શરૂ થયો અને સી કલાસના કેદીઓને મળતા ખોરાકની કાયદેસરતા જળવાય એ રીતે અમને ખોરાક અપાતો થયો. એ વખતે અમને મળતા ખોરાકની માથાદીઠ માસિક કિંમત ૨ રૂા. ૩ પૈસા જેટલી હતી. એમાં રસોઈયાઓની મજૂરીનો સમાસ થતો ન હતો. આવા ખોરાકની મને જેમ દાંત ઉપર અસર થઈ હતી, તેમ કેટલાકને શરીરમાં રોગ જીવનભરનું ઘર કરે એવી ભયાનક અસર પણ થઈ. આથી જેલના આવા ખોરાકમાં ફેરફાર કરાવવાની લડત ઉપાડવી જોઈએ એવો ઉશ્કેરાટ વારંવાર થતો પણ તે વખતે સ્વાધીનતા માટેની લડતના કેન્દ્ર પરથી આવા પ્રશ્નોમાં પડતાં લડત અવળે પાટે જાય ને મોળી પડે એવો અભિપ્રાય કોઈ કોઈ જગ્યાએથી ગંભીરતાથી વ્યક્ત થતો, અને એના સમર્થનમાં સત્યાગ્રહની લડતમાંથી દેશી રાજ્યને અળગાં રાખ્યાનો દાખલો અપાતો.

સી ક્લાસમાં અપાતા ખોરાકમાં ફેરફાર કરવાની માગણી ધીમે ધીમે વધારે ઉગ્ર બની અને મુંબઈ બૅરેકમાંથી મક્કમ લડત આપવાનું એલાન આવ્યું. ગુજરાત બૅરેકેમાં અમે એની પૂરી ગંભીરતાથી ચર્ચા કરી. જતીન દાસ કે મૅકસ્વિની જેમ ખપી જવાની તૈયારી વિના આ જાતની લડત કેવળ ઉશ્કેરાટના ઊભરામાં આરંભાય તો ઊભરો શમી જતાં એને ભાંગી પડતાં વાર લાગે નહીં. એટલે અમે આ બાબતની વિગતે ચર્ચા કરીને જ પગલું ભરવાની સૂચના મોકલી. એ સૂચનાનો મુંબઈ બૅરેક તરફથી તિરસ્કારભર્યો અસ્વીકાર થયો અને જેલરને તેમના તરફથી આખરીનામું અપાયું કે બીજે દિવસે સવારથી એ બધા ઉપવાસ ઉપર ઊતરે છે.

અમારામાંથી ભાઈ રોહિત મહેતા અને બીજા એક ભાઈ મુંબઈ બૅરેકમાં વાટાઘાટ કરવા ગયા. એમને પણ ત્યાં જાકારો અપાયો અને બીજે દિવસે સવારે મુંબઈ બૅરેકે કાંજી લીધી નહીં. અમારે માટે વિષય પરિસ્થિતિ સર્જાઈ. કઈ માગણી હતી એની અમને કશી માહિતી ન હતી. અને એ વિના લડતમાં જોડાવું એ તો આંધળિયાં કરવા જેવું થાય; પણ મુંબઈવાળા કોઈપણ જાતની રાહ જોવા કે અમારી સાથે ચર્ચા કરવા તૈયાર ન હતા. એ સંજોગોમાં અમને Sympathetic Fast-સહાનુભૂતિમાં ઉપવાસ ઉપર ઊતરવાનું જરૂરી જણાયું.

આ રીતે અમે પણ ઉપવાસમાં જોડાયા. બપોરના રોટલા અને દાળ કોઈએ લીધાં નહીં. ચારેક વાગ્યે મુંબઈ બૅરેકમાંથી સંદેશો આવ્યો કે સમાધાન માટેની વાટાઘાટ શરૂ થવી જોઈએ. અમને કહેવડાવ્યું કે, ‘હજી તો પાશેરામાં પહેલી પૂણી છે. હવે એ પ્રશ્ન મુંબઈવાળા, મહારાષ્ટ્રવાળા, ગુજરાતવાળા કે એવા કોઈનો ન રહેતાં આપણા સૌનો બન્યો છે. એથી આપણી ઓછામાં ઓછી માગણી કઈ છે એ નક્કી કરી એના પર સર્વસંમતિ સાથે લડત હવે તો ચાલુ રાખવી જ જોઈએ.’

એ દિવસ તો વિનાવિઘ્ને પસાર થયો. સાંજે પણ કોઈપણ બૅરેકે ખાવાનું લીધું નહીં. બીજે દિવસે સવારે કાંજી પણ પડી રહી. પણ મુંબઈ બૅરેક તરફથી સંદેશો આવ્યો કે ‘સમાધાનની કોઈ ભૂમિકા નહીં સર્જાય તો ઉપવાસ લાંબા ચાલી શકે એમ નથી.' અમે તેમને જણાવ્યું કે, ‘આટલી ઓછી તાકાત ઉપર મોટી લડત આપી શકાય નહીં. આપણે હજુ આપણી માગણી સ્પષ્ટ નથી કરી એટલે આપણને માનપૂર્વક સમાધાન કરવાની તક છે, અને આપણી લડત સુકવણીવાળી ભાજી આપણને અપાય છે એ પૂરતી જ જો મર્યાદિત કરીએ તો સંભવ છે કે બે-ત્રણ દિવસના સામૂહિક ઉપવાસથી એ દિશામાં સમાધાન થઈ શકે.’ પણ આ વાત એમને ગળે ઉતારી નહીં અને એમના ઉપવાસનો અંત આવ્યો.

અમારા તો સહાનુભૂતિ પૂરતા જ ઉપવાસ હતા; પરંતુ હવે એ સત્યાગ્રહીઓના સ્વમાનનો પ્રશ્ન બન્યો અને એથી અમે એ લડતને સુકવણીવાળા ભાજીના મુદ્દા ઉપર સીમિત કરી લડત ચાલુ રાખવાનું નક્કી કર્યું. મહારાષ્ટ્ર બૅરેક ઉપરાંત બીજી કેટલીક બૅરેક પણ અમારી સાથે સંમત થઈ. આમ ખોટા ઉશ્કેરાટમાં કશા સ્પષ્ટ ધ્યેય વિના શરૂ થયેલી આ લડતે જેલતંત્રને વધુ મક્કમ કરી દીધું. ત્રણેક દિવસના ઉપવાસ બાદ અમારામાંથી ચોવીસ જણને અમારી લડતને તોડવાના આશયથી બીજી જેલમાં લઈ જવામાં આવ્યા. પણ એનાથી ડગ્યા વિના અમે અમારી લડત ચાલુ રાખી. પાંચ દિવસ થતાં મેજર ગાર્વિને અમારી મર્યાદિત માગણી સ્વીકારી અને અમારા ઉપવાસનો અંત આવ્યો. આ પહેલાં અગાઉ હું જણાવી ગયો છું તેમ મેં ચૌદ દિવસના લાંબા ઉપવાસ કર્યા હતા; પણ જેલના આ પાંચ ઉપવાસ અને એ પછી જેલના ખોરાકથી થયેલાં એનાં પારણાં આરોગ્ય માટે હાનિકારક હતાં. પણ અમારી માગણી સ્વીકારાઈ અને અમારી નામોશી ઓછી થઈ એના આનંદમાં એ બધું અમે ભૂલી ગયા.

આમ યરવડા જેલમાં વિવિધ અનુભવોથી ભરેલા અમારા દિવસો ધીમે ધીમે વીતવા લાગ્યા. અમને વર્તમાનપત્રો મળતા નહીં અને કાગળ પણ મર્યાદિત સંખ્યામાં મળતા. તેમાં લડતના સમાચાર હોય તો છેકી નાખવામાં આવતા. માત્ર ‘અમુક ભાઈ જાત્રાએ ગયા છે' એવા જેલને માટે વપરાતા ‘જાત્રા' જેવા શબ્દો છેકાતા નહીં. જેલવાળા પણ એ શબ્દનો અર્થ જાણતા; પણ એનો એમને વાંધો ન હતો. એટલે એટલી થોડી માહિતી કાગળમાં અમને મળી શકતી; પરંતુ અમારામાં કેટલાક ઘણા ચાલાક લોકો પણ હતા, જે કોઈક ખાનગી વ્યવસ્થાથી વર્તમાનપત્ર મેળવતા અને ત્યારે કોઈ ભૂખ્યો માણસ ભોજનના થાળ ઉપર તૂટી પડે એવી અમારી સ્થિતિ થતી. અલબત્ત, આવું રોજ તો ક્યાંથી બને? પણ આઠ-દસ દિવસે આવી તક મળતી. એ જ પ્રમાણે અમારામાં જેમને બીડીની ટેવ હતી, એ લોકોને પણ અવારનવાર તક મળી જતી. આ બધું પોલીસની મદદ વિના બનવું શક્ય ન હતું; પણ અમારા જેવા અનેકને એ કાર્ય કેવી રીતે સધાતું હતું એની ખબર મળી શકતી નહીં.

આ બધી વસ્તુઓ માટે ‘તિકડમ્' શબ્દ પ્રચલિત બન્યો હતો, જેને વિદ્યાપીઠના કોશે પણ સ્થાન આપ્યું છે. અમારામાંથી કેટલાકને આ ગમતું નહીં. મને પણ એથી ઘણી બેચેની થતી. જેલમાં આપણે કેવા પામર બની જઈએ છીએ તે બીડીના વ્યસનવાળાઓની બાબતમાં તો સમજાય; પરંતુ મીઠા જેવી બાબતમાં પણ એ બનતું! એકાદ ચપટી જેટલું મીઠું પણ ક્યાંકથી ‘તિકડમ્’ તરીકે મળી જાય તો બીજાને એની જાણ ન થાય તે રીતે સંતાડી રખાતું. બીજાને ખબર ન પડે એ રીતે રોટલા ખાતાં તેનો ઉપયોગ કરી લેવાતો! આથી થતી લજ્જાને મે ‘પનઘટ’માંના મારા એક કાવ્યમાં અંકિત કરી છે. તે કોઈ પણ જાતના ટિપ્પણ વિના અહીં ઉતારું છું.

ભદ્રતા હું તે જ ભદ્ર જન જે અમ સંસ્કૃતિના ઝંડા તણા પરમ રક્ષક શો ગણાંતો? ને તે જ હું વિરલ જે કુરબાની કેરા આદર્શનાં પ્રવચને મુજ રાષ્ટ્ર-હૈયે કલ્લોલ લોલ ભરતી જગવી પ્રચંડ, નેતા બની પળપળે મુજ નામકેરી ચોપાસ ભવ્ય સુન્નતાં જય-ઘોષણાઓ, દેવાષિર્દેવ નિજને ગન્ની મસ્ત રે'તો? હા, તે જ હું અવશ શો અહીં કેદખાને કો ચોર ખૂની બદમાશ લબાડ ડાકુ કેરી ખુશામત કરી ચપટી મીઠાને કાજે રહ્યું વલખતો થઈ દીનહીન! રે ભદ્રતા! મનુજની પશુતા પરે તું છે ઝાંય જે ઊઠી જતી છત-ઓટ થાતાં!

જેલમાં મનુષ્યની નબળાઈઓનું જે દર્શન થયું એ અત્યંત આઘાતજનક હતું. સાબરમતી જેલની અંદર બહારથી કેદીઓ તંબાકુ જે રીતે ચોરીછૂપીથી લાવતા એમાં નરી પાશવતા હતી એમ કહીએ તો તે સામે પશુઓ પણ વાંધો લે! કારણ કે મનુષ્યનો આવો વર્તાવ તેમને પરિચિત નથી. હકીકત એવી હતી કે ઓછી સજાવાળા જે કેદીઓ બહાર ખેતરમાં ચોકીપહેરા હેઠળ કામ કરવા જતાં તે ત્યાંથી થોડીક તંબાકુ મેળવી સંતાડીને લઈ આવતા. આમાંનું એક સ્થાન હતું ગુદા. ગુદામાં કપડાના વીંટામાં કોઈ વાર તંબાકુ લઈ આવતો અને એમાંથી કેટલાકને પોતાની હાજરીમાં પોલીસ શૌચ કરાવતી. એ વખતે મને થતું કે માણસના સ્વભાવ ઉપરના આવા જુલમ અનિવાર્ય ખરા? કહેવાતા જો ‘ભદ્ર’ લોકો પોતાનાં વ્યસનોના ગુલામ હોય, તો જેમનો ભદ્રતાનો કોઈ દાવો નથી એવા કહેવાતા ‘સામાન્ય' લોકોને એમની ખરાબ ટેવમાંથી બહાર લાવવા હોય તો તે માટેના બીજા કોઈ ઉપાય ન હોય? આ પ્રશ્નોના હજુ સુધી સર્વસંમત ઉત્તર મળતા નથી. અમારી સાથે શંભુભાઈ નામના સૌરાષ્ટ્રના જાણીતા કાર્યકર હતા. એમને ‘તિકડમ્’ સામે વિરોધ હતો. પોતાની રીતે એ ‘તિકડમ્’ કરનારને સમજાવવા પ્રયત્ન પણ કરતા. એમાં અવારનવાર એ સફળ થતા. ‘તિકડમ્'થી બીડી મેળવનારને સમજાવી એ બીડી તેમની પાસેથી લઈ તે મેજર ગાર્વિનને પહોંચાડતા. કોની પાસેથી એ મળી હતી એ નામ કહેવાનો એ સ્પષ્ટ ઈન્કાર કરતા. એ રીતે જેલતંત્ર સાથે સહકાર ન કરવાથી ગુનો થતો હોય તો તેવા ગુનાની સજા વેઠવા પણ એ તૈયાર હતા. અમે સમાચાર માટે આતુર રહેતા તેવી કોઈ ઈંતેજારી શંભુભાઈ દાખવતા નહીં. એમના આ મનોબળ અને નૈતિક હિંમતને માટે મને ઘણું માન થતું. સિદ્ધાંતનિષ્ઠામાં બહુ ઓછા એમની હરોળમાં ઊભા રહી શકે. સૌરાષ્ટ્રના જાહેરજીવનમાં એમણે જુદા જુદા મુદ્દા ઉપર અનેકવાર કરેલા ઉપવાસો અંગે મતભેદ હોઈ શકે; પરંતુ એમની નિષ્ઠા અંગે તો એમના કઠોરમાં કઠોર ટીકાકારને પણ શ્રદ્ધા દાખવવી જ પડે. આમ, વિવિધ અનુભવોથી ભરેલી નવ માસની મારી જેલની સજા પૂરી થઈ અને જેલનાં કપડાં જેલને સોંપી દઈ, મારાં પોતાનાં ખાદીનાં કપડાંમાં અને જેલ તરફથી મને આપવામાં આવેલા સુરત સુધીના ત્રીજા વર્ગના ટિકિટ-ભાડાની રકમ લઈ હું જેલના દરવાજામાંથી નીકળ્યો.