સાફલ્યટાણું/૨૯. અલવિદા સુરત!
‘ગાંધી-ઈરવીન’ સંધિનો સરકાર તરફથી ઠેર ઠેર ભંગ થઈ રહ્યો હતો, એથી કૉંગ્રેસમાં ભારે બેચેની પ્રવર્તતી હતી. ફરીથી લડત ઉપાડવાની ઝનૂનભરી માગણીઓ જુદી જુદી જગાએથી આવવા માંડી હતી. ગાંધીજી ખૂ અસ્વસ્થ હતા. એમની ધીરજની પણ જાણે હદ આવી રહી હતી. એ અરસામ હિંદી નેતાઓને બોલાવીને રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ બોલાવવાની વાત બ્રિટિશ સરકારે દેશ સમક્ષ મૂકી. લાંબા વિચારમંથનને અંતે કૉંગ્રેસે એનો સ્વીકાર કર્યો અને કૉંગ્રેસ વતી ગાંધીજીએ એ કૉન્ફરન્સમાં ભાગ લેવો એમ નક્કી થયું. આ કૉન્ફરન્સનું સ્વરૂપ એ રીતનું હતું કે એમાં અંગ્રેજ સરકારને અનુકૂળ હોય એવાં પ્રત્યાઘાતી બળોની સંખ્યા મોટી હતી. આમ છતાં બ્રિટનને એક વધુ તક આપવાની દૃષ્ટિએ ગાંધીજી વિલાયત ગયા. એ વખતે મેઘાણીએ એમનું વિખ્યાત કાવ્ય ‘છેલ્લો કટોરો' લખ્યું અને ગાંધીજીના હૃદયને એ સ્પર્શી ગયું.
ગાંધીજીને રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં રોકેલા રાખી અહીં સકારે દમનનો કોરડો વીંઝ્યો! જવાહર સહિત અનેક કાર્યકર્તાઓને ગિરફતાર કર્યા અને રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાંથી ગાંધીજી ખાલી હાથે પાછા આવ્યા ત્યારે તેમની પણ ગિરફતારીની બધી તૈયારી સરકારે કરી લીધી.
આવું વાતાવરણ ચોમેરથી ઘેરાવા માંડ્યું હતું ત્યારે મને થયું કે લડત હાથવેંતમાં છે. સરકાર સામુદાયિક ધરપકડ કરી લડતને તોડી પાડવા જલદ પગલાંઓ લેશે. આવું થતાં ધરપકડના પ્રથમ તબક્કામાં જ મારે ઝડપાઈ જવાનું થશે. એટલે મારી નાની બહેન પાર્વતી, ડૉ. ખંડુભાઈ, કાશીબા વગેરેને મળી મુંબઈ કમળાબહેન સાથે બેએક દિવસ ગાળી બધાંની વિદાય લઈ આવવાનું મેં વિચાર્યું. પાર્વતીએ ચિ. દીપકને બેએક દિવસ પહેલાં જ જન્મ આપ્યો હતો એટલે કાશીબાને પણ નવસારીમાં જ મળી લેવાયું. કમળાબહેન મારા જવાથી ઘણાં રાજી થયાં. ગાંધીજી વિલાયતથી આવે ત્યારે કમળાબહેનને ત્યાં પણ થોડાક સમય માટે તે પધારે તેવી યોજના કાર્યકર્તાઓએ કરી હતી. એનું એક કારણ હતું કે કમળાબહેન કૉંગ્રેસને છૂટે હાથે નાણાં આપતાં હતાં અને કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતાં હતાં. પોતાની મિલકતનો મોટો ભાગ ગાંધીજીને ચરણે ધરી દેવાની ઇચ્છાની વાત તેમણે મને કરી. વિચાર ઘણો ઉમદા હતો! દયાળજીભાઈ, ડૉ. ચંદુલાલ, પ્રાગજીભાઈ વગેરેના ભવ્ય ત્યાગનો હું અગાઉ ઉલ્લેખ કરી ગયો છું. એથી હું ઘણો પ્રભાવિત હતો, પરંતુ એ બધા આઝાદીના સક્રિય લડવૈયા હતા. કમળાબહેન અને તેમના પતિ શ્રી પુરુષોત્તમદાસ સોનાવાલાની કક્ષા જુદી હતી. આઝાદીની લડત સાથે એમનો સમભાવ હતો. ગાંધીજીનાં એ ભક્ત હતાં; પરંતુ એ સાથે શ્રી સોનાવાલા એક અગ્રગણ્ય વેપારી પણ હતા. દરબાર ગોપાલદાસે જે ભવ્ય ત્યાગ કરેલો તે મને આ વખતે યાદ આવ્યો. એમણે અસહકારની શરૂઆતમાં જ પોતાની ઢસાની ગાદી જતી કરી, લડતમાં એમનાં પત્ની ભક્તિબા સાથે ઝંપલાવ્યું હતું. ફનાગીરી માટે એ વીર દંપતીએ પોતાની પૂરી સજ્જતાથી ત્યાગનું એક આદર્શ ઉદાહરણ રાષ્ટ્ર સમક્ષ મૂક્યું હતું. કમળાબહેન એવો ત્યાગ કરવાની ક્ષમતા ધરાવતાં હતાં; પરંતુ એમને પેટની જૂની બીમારી હતી, જેને લઈને વૈદકીય સારવાર માટે એમને વિદેશ જવું પડે એવો પૂરો સંભવ હતો. વળી, શ્રી સોનાવાલા છૂટથી આર્થિક સહાય કરવા ઉપરાંત વિશેષ કરી શકે એવું એમનું આરોગ્ય પણ ન હતું. આ સંજોગોમાં મેં કમળાબહેનને તેમ જ શ્રી સોનાવાલાને હું એમના સંજોગો જે રીતે સમજ્યો હતો તેની વાત વિગતે કરી અને સૂચવ્યું કે એકસાથે મિલકતનો મોટો ભાગ આપી દેવાના વિચારને બદલે સંજોગો પ્રમાણે કટકે કટકે લડતને સક્રિય રીતે સહાય મળે એમ જો નાણાં અપાય તો તે એમના પોતા માટે તેમ જ લડત માટે પણ વધુ સારું હોવાનો સંભવ રહે છે. શ્રી સોનાવાલાને આ વાત વિચારવા જેવી લાગી. કમળાબહેન પણ વિચારમાં પડ્યાં અને એથી ગાંધીજીને એમણે પ્રથમ પગલાં તરીકે એક મોટી રકમ આપવાનું વિચાર્યું.
લડત શરૂ થઈ. એ પછી વિલેપાર્લેની કૉંગ્રેસ છાવણીને દર મહિને ઘણી મોટી રકમ એમના તરફથી મળતી થઈ હતી. મેં ધાર્યું હતું તેમ વૈદકીય સારવારને માટે એમને વિદેશ જવું પડે એવા સંજોગો ઊભા થયા. એ સંભવિત છે કે એમણે પોતાની મૂળ યોજનાનો અમલ કર્યો હોત તો એ ભાગ્યે જ શક્ય બનત. આ પ્રસંગ હું એથી નોંધું છું કે દેશમાં સ્વાતંત્ર્યસંગ્રામે જે ત્યાગ અને કુરબાનીની ભાવના જગાડી હતી તેની અસર આબાલવૃદ્ધ કે ગરીબ-તવંગરના કોઈ પણ ભેદ વિના કેટલી બધી વ્યાપક બની હતી તેનો આજે આપણને ખ્યાલ આવે. એ વખતે યોગક્ષેમની વાતો કેવી ગૌણ બની હતી! આજે જ્યારે દેશમાં સત્તા અને શ્રી માટેની ઘોડદોડ ચાલી રહી છે ત્યારે આવી વાતો સાંભળવા પૂરતો પણ આપણને સમય હશે ખરો?
ગાંધીજી મુંબઈ બંદરે ઊતર્યા એ પછી ચાર-પાંચ દિવસમાં જ એમની ધરપકડ થઈ અને એમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. હું સીધો સુરત આવ્યો અને સરકારે તાજેતરમાં બહાર પાડેલા ઓર્ડિનન્સ હેઠળ પકડાઈ ડિટેન્યુ તરીકે બે મહિના માટે સાબરમતી જેલમાં ગયો. ત્યાંથી છૂટતાં ચોવીસ કલાકમાં સુરત પોલીસચોકીએ હાજર થવું એવી નોટિસ મળી. તેનો અસ્વીકાર કરતાં ફરીથી હું ગિરફતાર થયો. મને બે વર્ષની સખત કેદની સજા થઈ. મારા જેલમાં જવા સાથે સુરતનું મારું કાર્યક્ષેત્ર પણ મારે માટે બંધ થશે એવો મને ખ્યાલ ન હતો. ૧૯૩૦ માં માર્ચથી માંડી વચ્ચેના નવ મહિનાની જેલની સજા બાદ કરતાં ૧૯૩૨ના જાન્યુઆરી સુધીનાં લગભગ બે વર્ષ સુરત સાથેની પૂરી આત્મીયતામાં મેં ગાળ્યાં હતાં. એ વખતે જે અનેક નવા સંબંધો બંધાયા તેનો થોડોક ઉલ્લેખ કરી લઉં.
સુરતમાં એ વખતે જે જાણીતાં નામો હતાં તેમાં શ્રી કાનજીભાઈ (કનૈયાલાલ દેસાઈ), ડૉ. ઘીયા વગેરે ઘણા જાણીતા હતા. ડૉ. ઘીયા સુરતના એક અગ્રગણ્ય ડૉકટર હતા અને તે તેમ જ તેમનાં પત્ની સક્રિય રીતે લડતમાં જોડાયેલ હતાં. સુરત શહેર સમિતિના વર્ષો સુધી એ પ્રમુખ રહ્યા હતા. એ સ્થાન પર પૂરો અધિકાર એમનો જ હતો; પરંતુ નવજવાન સંઘે સમિતિમાં નવું લોહી દાખલ કરવાના સંકલ્પ સાથે જે કાર્યક્રમો હાથમાં લીધા હતા તેમાં એકરાગિતા આવે એ દૃષ્ટિએ જે પૅનલો તૈયાર કરી હતી તે સાથે ડૉ. ઘીયા સંમત ન થતાં પ્રમુખ તરીકેની જવાબદારી શ્રી કાનજીભાઈ અને શ્રી કલ્યાણજીભાઈની સલાહથી મેં સ્વીકારી હતી. જો ડૉ. ઘીયા એ સ્વીકારી શક્યા હોત તો તેમના હાથ નીચે શહેર સમિતિમાં કામ કરતાં મને ઘણો આનંદ થાત, પણ એમ ન બનવા પામ્યું એટલે શહેર સમિતિના કામ અંગે અવારનવાર હું એમના સંપર્કમાં રહેતો. એ રીતે એમની સાથે હું કૌટુંબિક આત્મીયતા કેળવતો થયો.
કાનજીભાઈ વર્ષોથી સુરત જિલ્લાના એક આગળ પડતા કાર્યકર હતા. ઓરપાડ તાલુકામાં એમની મોટી જાગીર લેખી શકાય એવી જમીન હતી. પોતાના એ તાલુકા અને આજુબાજુના વિસ્તારમાં વર્ષોથી એ લોકકલ્યાણનાં એ કાર્યો કરતા રહ્યા હતા. હું સુરત ગયો તે અરસામાં એ સુરત જિલ્લા સમિતિના તે એ પ્રમુખ હતા. એમનું આખું કુટુંબ અસહકારના પૂરા રંગે રંગાયું હતું. એમનાં પત્ની રાધાબહેન ત્યાગની બાબતમાં એમની સાથે હોડમાં ઊતરે એવાં હતાં. એ કુટુંબની ખાનદાની ચૌટ ને ચોકે ગવાતી થઈ હતી. કોઈ પણ કાર્યકર એમને ઘરે મધરાતે પણ આશ્રય પામી શકતો. એમનું રસોડું જાણે કે ચોવીસે કલાકની કામગીરી બજાવતું. આમાં જે ખર્ચ થતો એની કોઈ મર્યાદા રહેતી નહીં અને એને પહોંચી વળવા કાનજીભાઈની જમીન જરૂર પડે તેમ વેચાતી થઈ. કાનજીભાઈનાં ચારે ય સંતાનો પણ એમના રંગે રંગાયાં હતાં. એમના પુત્ર પ્રમોદભાઈ, હિતેન્દ્રભાઈ, દીકરીઓ સુરબાળા અને રોહિણી એમની ઉદાત્ત ભાવનાઓને દીપાવે એવાં હોઈ એમના ઘરમાં એ પણ અતિથિઓના અહોભાવને પ્રેરી, ઘરમાં તેમને કશું પરાયાપણું ન લાગે તેવું વાતાવરણ સર્જતાં. કાનજીભાઈનો એમનાં સંતાનો સાથેનો સંબંધ મીઠી મૈત્રીનો હતો. તેમની અવારનવાર એ મજાક પણ કરતા. રોહિણીને મળીને કોઈ છોકરાઓ જાય ત્યારે કોઈક વાર મજાકમાં એને તે કહેતા, ‘રોહિણી, પેલો કેમ આવ્યો હતો એની તને ખબર છે?' રોહિણી લાડમાં કહેતી, ‘વાહ! તમને તો બધે ધોળુંપીળું જ દેખાય છે!' આ સંતાનોમાંથી હિતુભાઈએ મુંબઈ રાજ્યના શિક્ષણમંત્રી તરીકે અને પછીથી ગુજરાત રાજ્યના મંત્રી અને મુખ્ય મંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી.
કાનજીભાઈનું ઘર રાષ્ટ્રીય વાતાવરણથી સભર હતું. એમના દીવાનખાનામાં લગભગ બધા ભૂતપૂર્વ કૉંગ્રેસ પ્રમુખો અને દેશનેતાઓની સુંદર અને એકસરખા કદની છબીઓ તરત જ સૌ કોઈનું ધ્યાન ખેંચતી; અને એ ખંડમાં ચર્ચાતી વાતોથી એ વાતાવરણ વધુ ચેતનવંતું બનતું.
મારા જુવાન સાથીઓમાંથી ભાઈ ઇશ્વરલાલ છોટુભાઈ દેસાઈ સાથે એ અમદાવાદ હતા ત્યારથી મારે સંબંધ બંધાયો હતો. મારી જેમ એમણે પણ મીઠાના સત્યાગ્રહ નિમિત્તે સુરતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. અહીં તેમણે ‘નવજવાન સંઘ'ની સ્થાપના કરી અને તેજસ્વી નવલોહિયા યુવક-યુવતીઓનું પોતાના આદર્શવાદ અને વક્તૃત્વથી સારું એવું વૃંદ ભેગું કર્યું હતું. કાનજીભાઈના એ પ્રીતિપાત્ર બની ગયા. તેમના પુત્રની જેમ જ એ તેમને ઘેર રહેતા. વખત જતાં સુરત એમનું કાયમનું કાર્યક્ષેત્ર બની ગયું અને ત્યાં જ શ્રી જ્યોત્સનાબહેન શુક્લના ભાઈનાં યુવાન વિધવા કુમુદબહેન સાથે લગ્ન કર્યું. એ ભાવનાપ્રધાન દંપતીએ દક્ષિણ ગુજરાતની નવજાગૃતિમાં જે મૂલ્યવાન પ્રદાન કર્યું તે હવે તો ઇતિહાસની ઘટનારૂપ બની ગયું છે.
આ ઉપરાંત શ્રી ગોરધનદાસ ચોખાવાલા, શ્રી ઇશ્વરલાલ ઇચ્છારામ, શ્રી ચંદ્રવદન શાહ, શ્રી વલ્લભદાસ અક્કડ વગેરે નામો પણ સુરતના જાહેર જીવનમાં પ્રકાશમાં આવ્યાં હતાં. એ સૌએ જીવનભર પોતપોતાની રીતે આપણા રાષ્ટ્રીય ઉત્થાનમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. આવી અનેક સુખદ સ્મૃતિઓ સાથે સુરતની વિદાય લઈ બે વર્ષ મેં જેલના સળિયા પાછળ ગાળ્યાં.