સાફલ્યટાણું/૨૮. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખપદે
હું યરવડાથી નીકળ્યો તે વખતે ગાંધીજી સાથેની જયકર સપ્રુની વાટાઘાટો ચાલતી હતી. સમાધાનનો કોઈ રસ્તો નીકળી શકતો હોય તો સરકાર તે માટે આતુર હતી. સત્યાગ્રહી તો સ્વમાનપૂર્વકના સમાધાન માટે હરકોઈ પળે તૈયાર હોય જ, એટલે ગાંધીજી પણ સમાધાનનો માર્ગ શોધવા તત્પર હતા. હું જેલમાંથી નીકળ્યો એ પછી થોડા દિવસમાં સમાધાનની ભૂમિકા નક્કી પણે સર્જાઈ. ‘ગાંધી-ઈરવીન’ કરાર તરીકે પ્રસિદ્ધ થયેલ સમાધાનની એ યોજના બહાર પડી. એ મુજબ બે-ત્રણ દિવસમાં જ જેલના દરવાજા ખુલી જવાની સંભાવના થઈ. યરવડા જેલમાંના મારા સાથીઓને આ સમાચાર કેમ પહોંચાડવા તે અંગે હું જાત જાતની તરકીબ શોધવા લાગ્યો. મેં મારા મિત્ર ભાઈલાલભાઈને તાર્યો. ‘Rajani died two day’s illness. ભાઈલાલભાઈને અને અમારા જેલર બહેરામજીને સારો સંબંધ હતો. બહેરામજીને થયું કે બિચારા ભાઈલાલભાઈ છૂટવાની અણી પર છે ત્યાં કેવા ખરાબ સમાચાર આવ્યા! તેમણે ભાઈલાલભાઈને ઑફિસમાં બોલાવ્યા. ભાઈલાલભાઈને માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરતાં જણાવ્યું કે સમાચાર માઠા છે. ભાઈલાલભાઈને પણ થોડી ચિંતા થઈ. પણ જ્યારે જેલરે તાર તેમના હાથમાં મૂક્યો ત્યારે થનગનાટ કરતા ભાઈલાલભાઈ તારને હવામાં ફરકાવતા બોલ્યા, ‘હવે તો અમે આ ચાલ્યા!’ બહેરામજી ક્ષણાર્ધ માટે તો સમજી ન શક્યા પણ તરત જ તેમને ખ્યાલ આવ્યો કે બે દિવસ પછી આ બધા છૂટવાના છે એના સમાચાર છે. ભાઈલાલભાઈએ એમને સમજાવ્યું કે રજની એટલે રાત. રાત એટલે ની સજા. Died એટલે છુટકારો. ‘Two days illness’ એટલે બે દિવસના ગાળામાં. બહેરામજીથી બોલ્યા વિના રહેવાયું નહીં કે, ‘સાલાઓ કેવું ગોથવે છ!’ થોડી જ મિનિટમાં કૅમ્પજેલની બધી બૅરેકમાં ‘Rajani died two days’ illness’ પડધાઈ ઊઠ્યું અને વાતાવરણમાં આનંદની લહર ફેલાઈ ગઈ. ભાઈ સતીશ કાલેલકરે આ ઘટનાઓ પરવડાના એમના દિવસોની વાત કરતાં બહુ સરસ રીતે ઉલ્લેખ કર્યો હતો. મારું પહેલું જોડકણું મેં લખ્યું ત્યારથી આ ‘રજની’ શબ્દનું મને ઘણું આકર્ષણ હતું. તેણે આમ અચાનક રીતે સારી કામગીરી બજાવી. ચીખલી થોડાક દિવસ રહી કાશીબા સાથે હું સુરત આવ્યો. ગુલાબભાઈએ પોતાનું ઘર ચાલુ જ રાખ્યું હતું. સાર્વજનિક સ્કૂલમાંની એમની નોકરી પણ ચાલુ હતી, એટલે મારે કોઈ મૂંઝવણ ન હતી. ‘સત્યાગ્રહપત્રિકા’નું સંચાલન મારી રાહ જોઈને જ જાણે કે ઊભું હતું. એ કામ મેં હોંશથી ઉપાડી લીધું. માનદ વેતન લેખી શકાય એવી માસિક રૂા. ૬૦ની મારી આવક શરૂ થઈ. કૉંગ્રેસના ઑડિટર શ્રી સોપારીવાળાએ એમની બે પુત્રીઓ મહિલાવતી અને મધુમતીને અઠવાડિયાના ત્રણચાર દિવસ રોજના કલાક-સવા કલાક લેખે હું અંગ્રેજી શીખવું એવી પોતાની ઇચ્છા મને જણાવી. એટલા ઓછા સમય માટે એ વખતે ઘણી મોટી રકમ લેખાય એવી માસિક રૂા. ૧૨૦ની ટ્યૂશન ફી પણ મને એમણે જણાવી. આથી મારું મન અત્યંત પ્રફુલ્લિત બની ગયું. ગુલાબભાઈ ઉપર હું બોજારૂપ નહીં બનું એનો મને ઘણો આનંદ થયો. મારા મિત્ર કાંતિલાલ કસોટિયા એ વખતે ‘ગુજરાતમિત્ર’ની અંગ્રેજી નોંધ લખતા હતા. એમણે મારી મુશ્કેલી હળવી થાય એ શુભ આશયથી એ કૉલમ મને સોંપવાની પોતાની ઇચ્છા જણાવી, મારે માસિક રૂા. ૧૮ ની આવક થઈ ગયેલી હોવાથી મેં કાંતિભાઈને ના પાડી, પરંતુ તે મંડેલા જ રહ્યા અને એમની વતી એ જવાબદારી મેં સ્વીકારી. આમ ‘સત્યાગ્રહપત્રિકા’નું સંપાદન, ટ્યૂશન અને ‘ગુજરાતમિત્ર’ની અંગ્રેજી નોંધ મળતાં મારે માથે કામનો ઠીક ઠીક જુમલો આવ્યો; પણ હજુ ઘણું બાકી હતું. સુરતમાં તેમ જ અન્ય નગરો ને ગામોમાં પણ સત્યાગ્રહની લડતે નવી હવા ઊભી કરી હતી. જેલમાં જઈ આવેલા નવલોહિયાઓ અને પીઢ નેતાઓ વચ્ચે જાણે કે વિચારભેદની ખાઈઓ સર્જાવા માંડી હતી. એમાંથી સુરતમાં શ્રી ઇશ્વરલાલ દેસાઈની સરદારી હેઠળ ‘નવજવાન સંઘ’ નામની એક, સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. એ સંસ્થા જલદ કાર્યક્રમમાં માનતી હતી અને ‘ગાંધી-ઈરવીન’ કરારથી સર્જાયેલી પરિસ્થિતિને કામચલાઉ તખ્ખુબી તરીકે એ લેખતી હતી. એથી એના સભ્યો આવનારી વધુ જલદ લડતને માટે તૈયારી કરવામાં માનતા હતા. લાહોર કૉંગ્રેસમાં થયેલા ‘પૂર્ણ સ્વરાજ્ય’ના ઠરાવ પછી જે ઉત્સાહનું મોટું મોજું આવ્યું હતું તેમાં ભાઈ ઇશ્વરલાલ સાથે કામ કરવાની ઘણી તક મને મળી હતી. એટલે તેમણે મને નવજવાન સંઘમાં ખેંચવા અને મહત્ત્વની જવાબદારીઓ ઉપાડવાનો આગ્રહ કર્યો; પરંતુ એના સભ્ય બનવા ઉપરાંતની વધુ જવાબદારી હું લઈ શક્યો નહીં. આ સંઘને સુરત જિલ્લાના નેતા શ્રી કાનજીભાઈ (કનૈયાલાલ દેસાઈ) નો ઘણો મોટો ટેકો હતો. ભાઈ ઈશ્વરલાલ એમને ત્યાં જ રહેતા હતા અને એમના કુટુંબના સભ્ય જેવા બની ગયા હતા. એટલે ભાઈ ઇશ્વરલાલના સંબંધે હું પણ એમને ત્યાં જતો ત્યારે મને કૉંગ્રેસના સક્રિય રાજકારણની દિશામાં ખેંચવા તે અવારનવાર પ્રયત્ન કરતા. ભાઈ ઇશ્વરલાલ અને તેમના સાથીઓની એક માન્યતા એવી હતી કે જો નવજવાન સંઘે કોઈ નક્કર કામગીરી બજાવવી હોય તો સુરતની કૉંગ્રેસની શહેર સમિતિ અને જિલ્લા સમિતિ સાથે એમના મનનો ઘણો સુમેળ હોવો જોઈએ. આ સુમેળ સુરતની શહેર સમિતિ સાથે તેમને ન હતો. તેથી થોડા વખતમાં જે ચૂંટણીઓ આવવાની હતી તેમાં શહેર સમિતિમાં એમની વિચારસરણીવાળા બને તેટલા સભ્યો લાવવાની તેમની ઇચ્છા હતી. એ દૃષ્ટિએ કૉંગ્રેસના સભ્ય બનાવવાનું કામ પૂરા વેગથી એમણે શરૂ કર્યું હતું. પરિણામે કદી ન નોંધાયા હોય એટલા સભ્યો કોંગ્રેસમાં નોંધાયા. આથી નવજવાન સંઘને સારી એવી પ્રતિષ્ઠા મળી. ‘નવજવાન સંઘે’ ચૂંટણી માટે પોતાની એક પેનલ તૈયાર કરી. એમાં નવજવાન સંઘમાં જે પ્રમુખ, મંત્રી વગેરે અધિકારીઓ હતા, તે કૉંગ્રેસ સમિતિમાં એવા કોઈ અધિકાર ન સ્વીકારે એવું નક્કી કરી કૉંગ્રેસ સમિતિના અધિકારીઓ તેમણે નક્કી કર્યા. તેમાં પ્રમુખ તરીકે મારું નામ નક્કી કરવામાં આવ્યું. મને શરૂઆતમાં તો એ બરોબર નહોતું લાગતું. હું સુરત જિલ્લાનો હતો એ ખરું; પણ સુરત શહેરમાં તો માત્ર આ લડત નિમિત્તે જ આવેલો એટલે આવા અગત્યના સ્થાન પર મારો અધિકાર ન હોઈ શકે એમ સ્પષ્ટ રીતે મેં ઇશ્વરલાલ અને તેમના બીજા સાથીઓને કહ્યું; પરંતુ શ્રીકાનજીભાઈના સમજાવ્યાથી હું એ જવાબદારી માટે તૈયાર થયો અને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટાયો. સમિતિના સભ્યોનાં નામ આજે યાદ કરવા પ્રયત્ન કરવા છતાં મને યાદ નથી આવતાં. આમ છતાં ભાઈલાલભાઈ ઝવેરભાઈ પટેલ, નરોત્તમભાઈ, ઇશ્વરલાલ દેસાઈ, ગોરધનદાસ ચોખાવાળા, જ્યોત્સનાબહેન શુક્લ વગેરે એ સમિતિમાં હોવાનો મને ખ્યાલ છે. ભાઈલાલભાઈ મંત્રી હતા. અમે પદ્ધતિપૂર્વક સુરતના જુદા જુદા વૉર્ડમાં વૉર્ડ સમિતિઓ સ્થાપવાનું કામ શરૂ કર્યું. તે સમિતિઓ મારફત પ્રભાતફેરી, સભા-સરઘસ, વિદેશી કાપડ બહિષ્કાર, ખાદી-ફેરી, મદ્યનિષેધ આદિ પ્રવૃત્તિઓનું આયોજન કરી શહેર સમિતિ દ્વારા એનું સંગઠન કરી, બહુજનસમાજના નિમ્નમાં નિમ્ન સ્તર સુધી રાજકીય જાગૃતિ અને સમજ પ્રસરે એવી વ્યવસ્થા અમે ઊભી કરી. આની કૉંગ્રેસ મોવડી મંડળ ઉપર ઘણી ઊંડી અસર થઈ. સુરત શહેર સમિતિમાં ચૂંટાયેલા મોટા ભાગના અમે બધા શહેર બહારના હતા. આનો સુરતના કેટલાક જૂના તેમ જ નવા કાર્યકર્તાઓને થોડોક જ રંજ હતો. સરદાર વલ્લભભાઈ એ વખતે બારડોલી રહેતા હતા. એમની આગળ પણ ફરિયાદ ગઈ; પણ સરદારને કામના જે અહેવાલ મળતા હતા એથી ઘણો સંતોષ હતો. પરિણામે સુરતની એક જાહેરસભામાં તેમણે ‘આપણે જ્યાં કામ કરતા હોઈએ તે જ આપણું વતન’ એ વાત ઉપર બને તેટલો ભાર મૂક્યો, અને પોતાનો જ દાખલો આપ્યો કે જ્યાં જરૂર પડે ત્યાં એમને જવું પડે છે અને ત્યાંના બનીને તેમને કામ કરવાનું હોય છે. તેવું જ સૌને માટે સમજવું જોઈએ. એમ કહી અમારા કામને એમણે ઘણું બિરદાવ્યું. એમના આ પ્રોત્સાહનથી અમે વધુ ઉત્સાહમાં આવ્યા અને જે લોકો અમારાથી નારાજ હતા તેમની સાથે પણ સુમેળ સાધવા અમે ઘણા પ્રયત્નશીલ બન્યા. શ્રી કલ્યાણજીભાઈ, શ્રી ગોરધનદાસ ચોખાવાળા વગેરેનો અમને પૂરો સાથ હતો. અમે દરરોજ સવારે જુદા જુદા લત્તામાં પ્રભાતફેરીઓ દ્વારા ઉત્સાહની ભરતીને ચઢેલી ને ચઢેલી જ રાખવા પ્રયત્ન કરતા રહ્યા. એ પ્રભાતફેરીઓમાં સુરતની અનેક સંસ્કારી કિશોરીઓ, યુવતીઓ તેમ જ પ્રૌઢાઓ પણ સારી સંખ્યામાં જોડાતી. કાનજીભાઈની પુત્રીઓ સુરબાળા, રોહિણી તેમ જ જ્યોત્સનાબહેનના ભાઈની તરુણ વિધવા કુમુદ (જેણે પાછળથી ઇશ્વરલાલ દેસાઈ સાથે લગ્ન કર્યું) ચપળા વગેરેના સુરીલા કંઠોનું આકર્ષણ ઘણું રહેતું. આપણા દેશમાં હિંદુ-મુસ્લિમ પ્રશ્ન અંગે મારી કિશોરાવસ્થાથી જ હું કંઈક સભાન બન્યો હતો. અમારા ગામના મારી સાથે ભણતા મારા સાથીઓ સાથે તો સહજ રીતે મૈત્રી હોય; પરંતુ એમના કુટુંબ સાથે પણ મારો સંબંધ બંધાયો હતો. એમના ઘરનું ન પાણી ખપે, ન કંઈ ખાવાનું ખપે છતાં મારા એક મિત્રનાં મા ચણા કે કેળાં જેવી કોઈ કોઈ વસ્તુઓ મંગાવી અમને આગ્રહપૂર્વક ખવડાવતાં. જ્યારે મુંબઈમાં કોમી રમખાણ ફાટી નીકળતાં ત્યારે એની કોઈ અસર ગામમાં વર્તાતી નહીં. હું મુંબઈ ભણતો હતો એ વખતે રજામાં ગામ આવેલો. દરમિયાન મુંબઈમાં કોમી હુલ્લડ ફાટી નીકળતાં અમારા એક મુસ્લિમ સંબંધી ઉતાવળા ઉતાવળા મારે ઘેર આવ્યા અને એ દિવસે જ હું મુંબઈ જવા નીકળવાનો હતો તે કાર્યક્રમ એમણે બંધ કરાવ્યો. ગામમાં જ્યારે તાજિયા નીકળતા ત્યારે બધા એમાં જોડાતા. તેમાં ‘વાધ’ તરીકે નાચતા કૂદતા બનાવટી ‘વાધો’ બધા હિંદુઓ હતા. સુરતમાં મીઠા સત્યાગ્રહ વખતના મારા દિવસો દરમિયાનના મારા અનુભવોમાં મને મુલમાનોની જે કરુણ દશાનું દર્શન થયું એનાથી અપાર વેદના થઈ હતી. એનો મેં મારા કોર્ટ સમક્ષના નિવેદનમાં કેટલોક નિર્દેશ કર્યો હતો. સુરતમાં થોડાક વખત પહેલાં કોમી રમખાણ થઈ ગયું હતું. તેના પરિણામે બહિષ્કારની હવા ઊભી થઈ હતી. હિંદુઓ મુસ્લિમની દુકાને ન જાય, એમની સાથે કોઈ આર્થિક સંબંધો ન રાખે એવો આગ્રહ સેવાતો થયો. મને લાગ્યું કે જો કૉંગ્રેસ ભારતના બધા જ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય તો તેણે બધી અસામાજિક રૂઢિઓ અને પ્રવૃત્તિઓનો જાહેર રીતે સામનો કરી તેને નિર્મૂળ કરવી જોઈએ. એ વિચાર અમારી જુવાન ઉત્સાહી સમિતિને ઘણો ગમ્યો; પણ એ કરવું કઈ રીતે એ મોટી સમસ્યા હતી. આ અંગે લોકસંપર્ક સાધતાં મને એ જાણવા મળ્યું હતું કે લોકો બહિષ્કારથી કંટાળ્યા હતા. આપણા દેશમાં હિંદુ-મુસલમાનના જીવનના તાણાવાણા એવી સૂક્ષ્મ રીતે ગૂંથાયેલા હતા કે બંનેને હાનિ પહોંચાડ્યા વિના અલગ નહીં કરી શકાય. એટલે મને લાગ્યું કે બહિષ્કાર ઉઠાવી લેવાની જો કૉંગ્રેસ શરૂઆત કરે તો લોકો કદાચ જાહેર રીતે એને ટેકો નહીં આપે, પણ તેમની મૂક સંમતિ તો મળશે જ; અને એને સક્રિય સંમતિમાં ફેરવાઈ જતાં જરા પણ વાર લાગે નહીં. આની અમે અમારી સમિતિમાં વિગતે ચર્ચા કરી. મેં એ વસ્તુ પર ભાર મૂક્યો કે આને માટે કોઈ વ્યાપક પ્રચાર કરવાની જરૂર નથી. કૉંગ્રેસ તરફથી એક પ્રબળ પ્રતીક દ્વારા બહિષ્કારનો ભંગ થાય તો આપોઆપ બહિષ્કાર તૂટી જશે. એ દૃષ્ટિએ મેં સૂચવ્યું કે સુરતની કૉંગ્રેસ સમિતિ દ્વારા આઠદસ દિવસ ચાલે એવું ખાદી પ્રદર્શન યોજવું અને એમાં દરરોજ સાંજે સુરતના રઝાક બૅન્ડને નિમંત્રવું. એ જમાનામાં ભારતનાં ઉત્તમ બૅન્ડમાં રઝાક બૅન્ડની ગણના થતી. દેશી રાજાઓના કુટુંબમાં અને લક્ષાધિપતિઓને ત્યાં પ્રસંગો હોય ત્યારે એ બૅન્ડને નિમંત્રવામાં આવતું. પ્રશ્ન એ થયો કે રઝાક બૅન્ડને બોલાવીએ તો એને કેટલું બધું મહેનતાણું આપવાનું થાય? એ પ્રશ્ન ઉચિત હતો; પરંતુ મને શ્રદ્ધા હતી કે જે હેતુથી અમે આ પગલું લેવા ઇચ્છતા હતા, તે હેતુનો ઉમદા પડઘો રઝાક ઉપર પણ પડ્યા વિના નહીં રહે. અને જે સંજોગો ઊભા થાય તેને પહોંચી વળવાના પ્રયત્નો અવશ્ય કરી શકાશે. આ બધું તો નક્કી થયું; પણ આ એક ઘણો ગંભીર પ્રશ્ન હતો. એમાં પહેલાં કાનજીભાઈ અને પછી સરદારની સંમતિ અમારે મેળવવી જોઈએ. એ જવાબદારી મને સોંપાઈ. કાનજીભાઈએ તો કહ્યું કે, ‘સરદાર મંજૂરી આપે એમાં મારી સંમતિ આવી જ જાય. એટલે સરદાર સાથે એ અંગેની ઘટતી ચોખવટ થઈ જવી જોઈએ.’ શહેર સમિતિ તરફથી જે દરખાસ્ત હું લઈને ગયો, તેમાં ખાદી પ્રદર્શન, એ પ્રદર્શનના ઉદ્ઘાટક તરીકે અમદાવાદના શ્રી રણછોડભાઈ શેઠને નિયંત્રણ, રઝાક બૅન્ડ, અને એ પ્રસંગે સરદારની હાજરી અને તેમના આશીર્વાદ મેળવવાનો સમાવેશ થતો હતો. સરદારને હું મળ્યો ત્યારે એમણે પહેલાં તો એ સવાલ પૂછ્યો કે, ‘હિંદુઓની ઈતરાજી વહોરવા તમે તૈયાર છો?’ મેં જણાવ્યું કે ‘આ સવાલ કોઈનો અંગત નથી, આખા દેશનો છે અને કરવા જેવું જે કામ હોય તે હાથમાં લેતાં કૉંગ્રેસે કદી પણ કોઈની ઈતરાજીની ચિંતા કરી છે ખરી?’ મારા જવાબથી તે ઘણા રાજી થયા. તેમણે કહ્યું, ‘તમારી વાત બરોબર છે; પણ તમે બધા હજુ નવલોહિયા છો. તમારે ઘણા વિરોધોનો સામનો કરવાનો આવશે. એને પહોંચી વળવામાં જે ધીરજ અને કુનેહ જાળવવી પડે તે માટેનો તમારો અનુભવ પૂરતો છે?’ મેં કહ્યું, ‘આપની ઓથ હોય પછી વિઘ્નો ક્યાં સુધી ટકી શકે? કાનજીભાઈ જેવા ઘડાયેલા આગેવાનોની અમને ત્યાં દોરવણી છે.’ અમારો આ વાર્તાલાપ ઠીક ઠીક ચાલ્યો. એમણે બધી રીતે અમને કસી જોયા. એમને જ્યારે ખાતરી થઈ કે અમે આ કાર્યક્રમ પૂરી ગંભીરતાથી હાથમાં લેવા માગીએ છીએ ત્યારે તેમણે એની વિગતો પૂછી. મેં જ્યારે રઝાક બૅન્ડનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે રાજી થઈને મારો ખભો થા.ડીને કહ્યું, ‘આ વિચાર તમને આવ્યો એ ઘણો મોટો વિચાર છે. એ જો તમે કરી શકો તો બીજું કશું કરવાનું રહેતું નથી.’ એ પછી શ્રી રણછોડભાઈને નિમંત્રણ આપવાની વાત એમને મેં કરી. આશીર્વાદ આપવાની વિનંતી કરી એટલે એ હસ્યા ને બોલ્યા કે, મને પણ તમારી સાથે છાપે ચઢાવવો છે એમને?’ મેં કહ્યું, ‘ના. આપના આશીર્વાદ છે, એ જ્યારે કટ્ટર કોમવાદી હિંદુઓ જાણશે ત્યારે તેઓ પણ ચૂપ થઈ જશે.’ એ પછી એમણે પૂછ્યું, ‘મારે બીજું કંઈ કરવાનું છે?’ મેં કહ્યું, ‘આપને ઉદ્ઘાટન વખતે હાજર રહી, આપ જ્યારે વિદાય થાઓ ત્યારે રઝાક બૅન્ડના વડાને અભિનંદનના બે બોલ કહી એમને બિરદાવવા.’ એમને આ ગમ્યું. સરદારની સંમતિ મળતાં હું પૂરા ઉત્સાહ સાથે સુરત આવ્યો. સ્ટેશને ઊતરી હું સીધો રઝાકને ત્યાં ગયો. મારી વાત સાંભળતાં તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મને તે ભેટી પડ્યા અને ઉત્સાહ સાથે અમારી વાત વધાવી લીધી. પ્રદર્શન જેટલા દિવસ ચાલે એ બધા દિવસ સાંજે એમણે બૅન્ડનો કાર્યક્રમ આપવાનું સ્વીકાર્યું; એટલું જ નહીં, એમનું આખું બૅન્ડ ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ થઈને આવવાનું પણ જણાવ્યું. આ વાત મારી કલ્પના બહારની હતી અને એથી મને સવિશેષ હિંમત આવી. ખાદી પ્રદર્શનની અમે જોરશોરથી જાહેરાત કરવી શરૂ કરી દીધી. એ સામે થોડોક વિરોધનો વંટોળ પણ ઊઠ્યો. ખાસ કરીને વડોદરાથી ગુરુકુળની કન્યાઓ પ્રચારાર્થે આવી; પરંતુ એથી અમારા નિર્ણયમાં કશો ફેર પડ્યો નહીં. અમને જુદા જુદા વેપારી મહાજનો તરફથી અંગત રીતે પૂરો ટેકો અને પ્રોત્સાહન મળ્યાં. નિયત સમયે પ્રદર્શનનું વિનાવિઘ્ને અને ભારે ઉત્સાહમાં ઉદ્ઘાટન થયું અને અમે સૌએ ધન્યતાની લાગણી અનુભવી. સરદારની હાજરી અને ખાદીમાં સજ્જ રઝાક બેન્ડના કાર્યક્રમથી પ્રદર્શન ઘણું લોકપ્રિય બન્યું. એ પછી અમને લાગ્યું કે મુસલમાનોની વચ્ચે જઈને રચનાત્મક કામો શરૂ કરવાં જોઈએ. આથી અમે કેટલાક જાણીતા મુસ્લિમ આગેવાનો સાથે વાટાઘાટ શરૂ કરી. પયગંબર સાહેબની જન્મજયંતી એ અરસામાં નજીક આવતી હોઈ અમે એની ઉજવણીનું નક્કી કર્યું. મેં મુખ્ય વક્તા તરીકેની જવાબદારી લીધી. મારા વ્યાખ્યાનથી મુસલમાનોનો ઘણો સદ્ભાવ અમે મેળવી શક્યા. પરિણામે અમે કૉંગ્રેસના સભ્યો નોંધવા માંડ્યા ત્યારે સારી એવી સંખ્યા અમને મળી અને મુસ્લિમ બહેનોએ પણ ઉમળકાથી સભ્ય ફીના ચાર આના આપી પોતાનાં નામ નોંધાવ્યાં. અમે હિંદુ-મુસ્લિમ બિરાદરીના કાર્યક્રમને અગ્રિમ સ્થાન આપ્યું અને પછાત રહી ગયેલા મુસ્લિમ તેમ જ હિંદુઓને લોકોની સહાય મળે તે માટેનું વાતાવરણ ઊભું કર્યું. હિંદુમુસ્લિમ એકતા માટેના આ અભિગમમાંથી મુસ્લિમ તહેવારોની ઉજવણી દ્વારા સમભાવનું વ્યાપક વાતાવરણ સર્જાય એવા કાર્યક્રમો પણ અમે યોજ્યા. એમાંથી મને મારી ‘બાબાજાન’, ‘મહમદચાચા’ જેવી વાર્તાઓ સૂઝી. મારા વાર્તાસંગ્રહ ‘ગાતા આસોપાલવ’માં તે છપાઈ. બિરાદરીની આ ભાવના મારી સહજ ઊર્મિ જેવી ને મારા સ્વભાવના અંતર્ગત ભાગ જેવી બની ગઈ છે. આને પરિણામે શિક્ષણના અનુબંધોમાં મારા વિદ્યાર્થીઓને ભારતમાં સદીઓથી સક્રિય બનતી રહેલી સમન્વયની સાધનાનાં અનેક પાસાં હું આપતો રહ્યો છું. ઉદાહરણ તરીકે ૧૯૪૨ માં અકબરની ૪૦૦ મી જન્મજયંતી આવતી હતી. તેની ઉજવણીમાં અમે જે આયોજન વિચારેલું તેમાં દ્વિજેન્દ્ર રૉય અને ન્હાનાલાલનાં ‘અકબરશાહ’ જેવાં નાટકોમાંથી કેટલાક પ્રસંગો અમે પસંદ કર્યા હતા. અમારી ઈન્ડસ્ટ્રિયલ સ્કૂલમાં મોગલ સમ્રાટોની પેપરવેઈટ તરીકે કામ લાગે અને ઘરમાં શોભારૂપ બને એવી પ્રતિમાઓ બનાવવાનું પણ અમે વિચાર્યું હતું. એ ઉપરાંત મોગલ યુગનાં ઐતિહાસિક સ્થળોના પર્યટનની પણ યોજના અમે કરી હતી. આને પરિણામે વિદ્યાવિહારના વાતાવરણમાં ઘણો ઉત્સાહ પ્રગટ્યો હતો અને નાનક, કબીર આદિ આપણા સંત કવિઓના જીવન અને કવનમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સક્રિય રસ લેતા થયા હતા. અમારી આ યોજના પાર પડવાની તૈયારીમાં હતી, ત્યાં ‘હિંદ છોડો’નું આંદોલન આવી પડ્યું અને વિદ્યાવિહાર દસ મહિના માટે બંધ રહ્યું, એટલે અમારી યોજનાનો પૂરો અમલ થઈ શક્યો નહીં. આમ છતાં એ અંગેના કેટલાક સરસ અનુબંધો ૧૯૪૩ માં તૈયાર થઈ શક્યા. ઇતિહાસનાં મારાં પુસ્તકો અને બીજી સાહિત્યકૃતિઓમાં પણ સમન્વય માટેની ભાવના વ્યાપક રીતે વ્યક્ત થતી રહી છે. આપણા કેટલાક હિંદુ તહેવારો જેવા કે દિવાળી, ભાઈબીજ, નાગપાંચમ વગેરેનાં બાળકાવ્યો મેં લખ્યાં છે, તે રીતે મુસ્લિમ તહેવારોનાં બાળગીત લખવાની મારી ઝંખના વર્ષોથી રહી છે. એ રીતે લખાયેલું મારું કાવ્ય ‘ઈદનો ચાંદ’ અહીં ઉતારી સમન્વયની આપણી સાધના વધુ દૃઢમૂળ બને એવી શુભેચ્છા વ્યક્ત કરું છું.
ઈદનો ચાંદ
દેખાયો! દેખાયો!
ચાંદ ઈદનો દેખાયો!
મમ્મા, ઝટપટ આવ અર્પી
રખે આય એ ખોવાયો!
નાજુક તારી પાંપણ જેવો
અમ્મા, અહો! રૂપાળો|
શિરીનની વાળીના જેવો વાંકડિયો લટકાળો!
જશે મક્કા શરીફ કાલે
કહેતો સૌને ઈદ મુબારક!
બિરાદરી સંદેશો એનો
બનજો સૌને બહુ સુખકારક!
ચાંદ મુબારક| ચાંદ મુબારક!
અમ્મા, સૌને ચાંદ મુબારક!
સૌ કો સુખિયાં, સૌ હો નરવાં
વરસે શાંતિ ચાંદ ને તારક.
– ‘તરાપો’માંથી
જે કાર્યક્રમોથી લોકોનો ઉત્સાહ વધે અને જેમાં તેમને પોતાપણું લાગે એવા કાર્યક્રમોની મારા સાથીઓ સાથે સતત વિચારણા કરી એમાંથી શક્ય તેટલાને અમે અમલમાં મૂકવા માંડ્યા. ભારતના એ સમયના મોટા નેતાઓને અમે નિમંત્રવા માંડ્યા. તેમને માટે યોજાતી વિરાટ સભાઓથી વાતાવરણ ધમધમવા લાગ્યું. આ નેતાઓ માટેના કાર્યક્રમો યોજવાની અને તેમના ઉતારાની વ્યવસ્થા કરવાની જવાબદારી અમારે માથે આવી. સુરત શહેરમાં કૉંગ્રેસની શહેર સમિતિ તેમ જ જિલ્લા સમિતિ બન્નેની કચેરીઓ હતી; પરંતુ જિલ્લા સમિતિના પ્રમુખ કાનજીભાઈએ એવું ઠરાવ્યું કે સુરત શહેરમાં થતા બધા કાર્યક્રમો શહેર સમિતિના ઉપક્રમથી યોજાવા જોઈએ. એ મુજબ અમે જે નેતાઓને નિમંત્રણ આપ્યાં, તેમાંથી કેટલાકનો ટૂંકમાં ઉલ્લેખ કરું. એ નેતાઓને ઊતરવા માટે ‘પાટીદાર આશ્રમ’ અને ‘અનાવિલ આશ્રમ’ વચ્ચે આવેલા ‘સ્વરાજ આશ્રમ’માં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મુજબ એક વખત પંડિત જવાહરલાલ નહેરુ અમારા મહેમાન બન્યા. એમની સરભરામાં કશી જ કમીના રહેવા પામે નહીં તેની પૂરી કાળજી અમે લીધી. સરસ ક્રોકરી, ચોખ્ખું દૂધ, વેક્યુમ પેક્ડ ટિનમાંથી તરત જ કાઢેલી ચા, સુરતની જાણીતી બિસ્કિટ, નાનખટાઈ વગેરે ચા વખતે એમના ટેબલ ઉપર મૂક્યાં. ચા પછી તરત જ પાસેના એક બીજા ટેબલ પર મૂકેલાં દૈનિક છાપાંઓ પર એમણે નજર નાખવા માંડી. એ વખતે મુંબઈથી નીકળતા ‘ટાઈમ્સ’, ‘ક્રોનિકલ’, ‘ફી પ્રેસ’, ‘ડેઈલી મેલ’ છાપાંઓ એ ઉથલાવી ગયા. પછી એમણે’ ટ્રિબ્યુન’ની માગણી કરી. ‘ટ્રિબ્યુન’નો તો મને સારો એવો પરિચય હતો; પણ મને એ ખ્યાલ રહ્યો નહીં કે એમને એની જરૂર પડશે. અમે એ આપી શક્યા નહીં એટલે એમણે ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ માગ્યું. મેં એમને ધીમેથી કહ્યું, ‘મને એ ખ્યાલ રહ્યો નહીં કે આપને માટે અમારે એ મંગાવી રાખવા જોઈતાં હતાં. બપોરના બે વાગ્યા સુધીમાં આપને એ જરૂર મળી જશે.’ પણ મારા ખુલાસાથી એમને સંતોષ થયો નહીં અને એમનો પ્રકોપ ભભૂકી ઊઠ્યો. આને લઈને બીજા કાર્યકર્તાઓ થોડાક આઘાપાછા થઈ ગયા, અને મારા એકલાને શિરે એની સગવડ-અગવડનું ધ્યાન રાખવાની જવાબદારી રહી. સભાનો સમય આવતાં સુધીમાં એ કંઈક સ્વસ્થ થયા અને ઘણું સુંદર ભાષણ એમણે કર્યું. એમને વ્યાખ્યાનની વિનંતી કરતાં મેં અમારી સમિતિના કાર્યની જે થોડીક માહિતી આપી તેનો દોર પકડી તેમણે અમને બિરદાવ્યા. અમને લાગ્યું કે સવારના બનાવનું સાટું જાણે કે વળી ગયું. આમ છતાં એમને કયાં ખોટું લાગશે એ અંગેની તો ચિંતા રહ્યા જ કરતી. સુરતથી એમને બારડોલી જવાનું હતું.. એ જવાબદારી જિલ્લા સમિતિની હતી એથી કાનજીભાઈએ એમની સાથે બારડોલી જવાનું મને સૂચવ્યું; પણ મેં એનો સ્વીકાર કર્યો નહીં. સવારના પ્રસંગની મેં તેમને વાત કરી; પણ એ પહેલાં તેમને એની વિગત મળી ગઈ હતી એટલે મારી વાત સાંભળતાં એ હસ્યા. એમણે મને કહ્યું, ‘આ એમની લઢણ છે. એમાં આપણને ખોટું લગાડવાનો કે અપમાન કરવાનો એમનો ઈરાદો નથી હોતો. એ જ્યારે હળવી પળોમાં હોય છે ત્યારે આપણને આનંદ કરાવે એવું ઘણું બધું કરે છે.’ મારે વધુ કસોટીમાં મુકાવું ન હતું એટલે મેં ભારપૂર્વક કહ્યું કે ‘એમની સાથે કલ્યાણજીભાઈ જેવાને મોકલો’ કાનજીભાઈએ એ સ્વીકાર્યું. એ મુજબ એમને બારડોલી જતા વિદાય આપવા હું એમની સાથે સ્ટેશને ગયો. કલ્યાણજીભાઈ ટિકિટ લેવા ટિકિટબારી પર ગયા. અમે એમના સામાન સાથે સ્ટેશન પર ઊભેલ ગાડી તરફ ગયા. અમે સામાન વગેરે એમના કમ્પાર્ટમેન્ટમાં ગોઠવાતા હતા ત્યાં તેમણે એમની ટિકિટ અંગે પૂછ્યું. મેં કહ્યું, ‘કલ્યાણજીભાઈ એ લેવા ગયા છે અને પાંચ-સાત મિનિટમાં આવી પહોંચશે.’ એટલે તરત જ એમનો પિત્તો ઊછળ્યો. મેં કહ્યું, ‘હજુ તો ગાડીને ઊપાડવાનો ઠીક ઠીક સમય બાકી છે! સેન્ડ ક્લાસમાં જનાર રડ્યાખડ્યા મુસાફરો હોવાથી ટિકિટબારી પર ભીડ હોતી નથી.’પણ મારા આ ખુલાસાથી એમનો રોષ ઓછો થવાને બદલે વધ્યો. મને લાગ્યું કે એમની વાતનો જવાબ સાંભળવા એ ટેવાયા નહીં હોય. આપણે મૂંગે મોઢે એ જે કંઈ કહે તે સાંભળી લેવું. ત્યારે મને લાગ્યું કે એમની સાથે મેં જવાની ના પાડી એમાં ડહાપણ હતું. અમારી વાત આગળ વધે તે પહેલાં તો કલ્યાણજીભાઈ ટિકિટ લઈને આવી પહોંચ્યા. એ પછી એ કંઈક સ્વસ્થ બન્યા અને ગાડી ઊપડતી વખતે સ્મિત સાથે એમણે મારી વિદાય લીધી. રાત્રિના અંધકારને અંતે એની સ્મૃતિરૂપ રહેલા ઝાકળબિંદુની જેમ એ સ્મિત મારા મનમાં કંડારાઈ ગયું. આવા બીજા મોટા મહેમાન હતા ખાન અબ્દુલ ગફાર ખાન. થોડા વખત પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપદ હેઠળ કરાંચીમાં મળેલા કૉંગ્રેસના અધિવેશન વખતે એ ખૂબ પ્રકાશમાં આવ્યા હતા. ‘સરહદના ગાંધી’ તરીકે રાષ્ટ્ર એમને ઉમળકાભેર વધાવી લીધા હતા. એમના ‘ખુદાઈ ખિદમતગાર’નું અત્યંત રોમાંચક દૃશ્ય એ અધિવેશન દરમિયાન રાષ્ટ્રે જોયું હતું. ‘સત્યાગ્રહપત્રિકા’માં એના મેં ઘણા કાવ્યમય અહેવાલો આપ્યા હતા. એમની હિંમત અને બહાદુરીની વાતો તે વખતે ચૌટે ને ચોકે ગવાતી થઈ હતી. એથી એમને જોવાનું અને સાંભળવાનું લોકોને ભારે કુતૂહલ હતું. એમનું સ્વાગત કરવામાં અને એમની સગવડ-અગવડ સાચવવામાં મેં કોઈ મુશ્કેલી અનુભવી નહીં. બલ્કે એ ડગલે ને પગલે મને તસ્દી ન લેવાનું કહેતા, અને એમને માટે કશું પણ કરતાં રોકતા. એમની બેસવાની ઢબ જોતાં ગાંધીજી મને યાદ આવ્યા. એમને માટેના મારા એક કાવ્ય “જયંતી પર્વ” ની એ લીટીનું મને સ્મરણ થયું કે,
‘સંકોચે બેસતાં અંગ,
સસ્મરીદીન વસુંધરા.’
એમના સ્વભાવનું માર્દવ મને સ્પર્શી ગયું, ભલે થોડા કલાક માટે પણ એમની સરભરા કરવાની મને જે તક મળી અને એમાં એમનો મને જે અલ્પ પરિચય થયો તે મારે માટે પર્વરૂપ બન્યો. એમને માટેની સભા ઘણી વિશાળ હતી. એ સભામાં મેં એમનો અને એમના ખુદાઈ ખિદમતગારનો મારી ભાંગી-તૂટી હિંદીમાં પરિચય આપ્યો. એમના વ્યાખ્યાનમાં એનો ઉલ્લેખ કરતાં એમણે એ વાત ઉપર ભાર મૂક્યો કે, એક વ્યક્તિ જો ધારે તો જગતના ઇતહાસને જોતજોતામાં કેવો પલટાવી શકે એ ગાંધીજીએ હિંસા સામે અહિંસા અને પ્રેમ દ્વારા જગતને દાખવ્યું છે. એણે આપણી વચ્ચેનાં નાત, જાત, ધર્મ, ભૂગોળ વગેરેનાં અંતરો ગાળી નાખ્યાં છે. આવા ભાવવાળા એમના વ્યાખ્યાને લોકોના મન પર ઊંડી અસર કરી ને એમની સાથેના કલાકો હું લાંબા વખત સુધી યાદ કરતો રહ્યો. આવા બીજા એક મહેમાન સુભાષબાબુ હતા. એ વખતે પંડિત જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ આપણી રાજકીય ઘોડાદોડના જાણે કે બે સમર્થ હરીફો હતા. બંને જુવાનોના લાડીલા. જવાહરને ગુજરાત સાથે સારો ઘરોબો; પરંતુ સુભાષબાબુનો ગુજરાત સાથેનો સંપર્ક પ્રમાણમાં ઓછો હતો એટલે અમે એમને નિમંત્રણ આપ્યું અને એમણે એ ઉમળકાથી સ્વીકાર્યું. જવાહરલાલ સાથેના અનુભવમાંથી હું જે શીખ્યો હતો તેનો પૂરો લાભ લેવાના સંકલ્પ સાથે સુભાષબાબુની સરભરા અમે કરી. એનાથી એ ઘણા ખુશ થયા. મુંબઈનાં છાપાંઓ એમને આપતાં મેં કહ્યું, ‘આપ બંગાળથી આવો છો એટલે “અમૃત બઝાર પત્રિકા” અમારે મંગાવવી જોઈતી હતી. અમે અમારા અહીંના એજન્ટને પણ કહી રાખ્યું હતું, પરંતુ દુર્ભાગ્યે એ ભૂલી ગયો છે.’ હું આગળ બોલું તે પહેલાં તેમણે કહ્યું, ‘હું કોઈક દિવસ પંજાબમાં હોઉં અને કોઈક દિવસ મદ્રાસમાં, તો બધે જ મને બંગાળનાં પત્રો મળવાં જોઈએ એવી અપેક્ષા ભાગ્યે જ હું રાખું. અગત્યના સ્થાનિક સમાચારો તો પ્રેસ એજન્સી દેશભરમાં પહોંચાડે છે. એટલે જે નાના સમાચારો મને કલકત્તાથી દૂર હોઉં ત્યારે ન મળે ને પાછળથી તે જ્યારે મળે ત્યારે ભાગ્યે જ એ સમાચાર મોડા મળ્યાનો રંજ હોય છે.’ તેમનો આ પ્રતિભાવ મને ઘણો ગમ્યો. એમને માટેની સભા સુરતના તિલક મેદાનમાં અમે યોજી. ત્યાં તેમનો પરિચય આપતાં ૧૯૨૯ ના એમના એક જોરદાર વ્યાખ્યાનમાંનાં કેટલાંક વિધાનોનો ઉલ્લેખ મેં કર્યો. એનાથી એમને આત્મીયતા જેવું ઘણું લાગ્યું. એમનું વ્યાખ્યાન સુંદર હતું. એમાં ગુજરાતને એમણે ઘણું બિરદાવ્યું અને દાંડીકૂચનો કાવ્યમય ઉલ્લેખ કરી ધરાસણાની ગૌરવગાથા આલેખી, બ્રિટન સાથેના આખરી જંગ માટેની જોરદાર હાકલ કરી. એમના વ્યાખ્યાને લોકોનાં દિલ જીતી લીધાં. વ્યાખ્યાન પછી સીધા અમે સુરત સ્ટેશન નજીક આવેલા શ્રી છોટુભાઈ મારફતિયાની પેઢીના રસોડે જમવા ગયા. જમવાનું પાટલા ઉપર હતું. સભામાં એમને પહેરાવેલો હાર એમણે પાસેની એક ખીંટી ઉપર ટીંગાડ્યો. જમીને અમે સ્ટેશને જવા નીકળતા હતા, ત્યાં પગથિયાં ઊતરતાં એમને કંઈક યાદ આવ્યું. એટલે જ્યાં અમે જમવા બેઠા હતા ત્યાં એ પાછા ગયા અને ખીંટી પરનો હાર પહેરીને આવ્યા. મને નવાઈ લાગી, પણ પાછળથી મને મારા એક સાથીએ જણાવ્યું કે એની પાછળ એમનો યજમાનો માટેનો આદર હતો, નહીં કે એમને હારની નવાઈ હતી. આ અંગેનો મારો પ્રતિભાવ એ હતો કે આપણે ત્યાં આવતા વિદેશી મહેમાનોને જેમ ફૂલોના હારનો મહિમા હોય છે તેમ એમને પણ એવો જ કંઈક ભાવ હશે. એ અરસામાં શ્રી અબ્બાસ તૈયબજીનો પણ મને પરિચય થયો. એમના નામથી તો હું ઠીક ઠીક પરિચિત હતો. ધરાસણાના સત્યાગ્રહ પ્રસંગે એમને જોવાની પણ તક મળી હતી. એમને વિશે કેટલુંક સાંભળ્યું હતું અને એણે એમને માટે મારા મનમાં આદરની લાગણી જન્માવી હતી. વર્ષો સુધી ગાયકવાડી રાજ્યમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેની એમણે ઉમદા કામગીરી બજાવી હતી. એમને અંગેની એક વાત એ સાંભળવા મળી હતી કે એક બ્રિટિશ કંપની સાથે વડોદરા રાજ્ય માટે એક આગબોટ ખરીદવાની કામગીરી એમને સોંપાઈ હતી. કંપનીના સંચાલકો સાથે કુશળતાપૂર્વક વાટાઘાટો કરી એમણે સ્ટીમર ખરીદી. એનાં નાણાં ચૂકવાયા બાદ કંપનીના મૅનેજરે અબ્બાસસાહેબને રૂા. સાડા સાત હજાર રોકડા આપ્યા, અને જણાવ્યું કે આ રકમ તેમને કંપની સાથેના એમના મીઠા સંબંધની યાદગીરી તરીકે અપાઈ છે. અબ્બાસસાહેબે પોતાને માટે એ રકમ લેવાનો ઈન્કાર કરી જણાવ્યું કે પોતાના રાજયના ખાતામાં તેઓ એ રકમ જમા કરાવશે. એ જમાનામાં સાડા સાત હજાર રૂપિયાની રકમ આજના લાખ રૂપિયા કરતાં પણ મોટી લેખાય એવી હતી. આ કિસ્સો જ્યારે મારા જાણવામાં આવ્યો ત્યારે એમના જેવા આપણા એક બીજા મોટા ન્યાયમૂર્તિ શ્રી અંબાલાલ સાકરલાલ દેસાઈ મને યાદ આવ્યા. ગુજરાતની ખમીરવંતી ધરતી કેવાં નરરત્નોથી ગૌરવવંતી છે એના અનેક પ્રસંગો પણ એ સાથે મને યાદ આવ્યા. એમને અંગે બીજો પણ એક રસિક કિસ્સો સાંભળવા મળ્યો હતો. વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડ ઘણા પ્રગતિશીલ રાજ્યકર્તા હતા. પ્રજાનું કેમ કલ્યાણ થાય એ અંગેની નવી નવી યોજનાઓ એ સતત કરતા રહેતા અને અબ્બાસસાહેબ જેવા પોતાના રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે એ અંગે ચર્ચા પણ કરતા. એક વખત તેમને લાંચરુશવતની બદી સામે અસરકારક ઉપાય શોધવાનો વિચાર આવ્યો. એમને થયું કે ઍન્ટી-કરપ્શન જેવું કોઈ ખાતું ઊભું કર્યું હોય તો આ બદી ઉપર કંઈક અંકુશ આવી શકે. અબ્બાસસાહેબને એમણે એ વાત કરી. અબ્બાસસાહેબે કહ્યું, ‘વિચાર તો ઘણો સારો છે પણ મને એક નવાબસાહેબનો કિસ્સો યાદ આવે છે.’ એ કિસ્સો સાંભળવાનું સયાજીરાવને કુતૂહલ થાય એ સહજ હતું. અને તે મુજબ એમણે એ કિસ્સો સાંભળવાની ઇચ્છા દર્શાવી. એ કિસ્સાની વિગત કંઈક આ પ્રકારની હતી: એક નવાબને રોજની ચાર આનાની મલાઈ ખાવાની ટેવ. એક વખત નવાબને લાગ્યું કે ચાર આનાની મળવી જોઈતી મલાઈથી કંઈક ઓછું એમને મળે છે. એટલે મલાઈ ખરીદનારા ઉપર ચોકીપહેરો મૂકવાની દૃષ્ટિએ એક અધિકારીની નિમણૂક કરવામાં આવી. મલાઈ લાવનારો આથી ગભરાયો. પેલા અધિકારીએ એને બોલાવીને કહ્યું, ‘સાચેસાચું કહી દે. ખરું કહેશે તો નુકસાન નહીં થવા દઉં.’ લાએ કહ્યું, ‘હું ત્રણ આનાની જ મલાઈ લાવું છું અને એક આનો ખાઈ જાઉં કું.’ એટલે પેલા અધિકારીએ કહ્યું, ‘હવેથી એ બે આનાની જ મલાઈ લાવતો રહેજે, એક આનો તારો, એક આનો મારો.’ બેચાર દિવસ પછી નવાબને લાગ્યું કે આ તો ઓલામાંથી ચૂલામાં પડવા જેવું થયું. એને થયું કે વધુ પગારવાળા મોટા અધિકારીને નીમવો જોઈએ. પરિણામ વધુ બગડ્યું, એટલે નવાબે વધુ મોટા અધિકારીની નિમણૂક કરી. જે માણસ રોજ મલાઈ લાવતો તેણે એ બન્નેનો એક એક આનો ભાગ રાખ્યો: પણ હવે નવાબને શું આપવું? એણે મલાઈ ખાવાનો નવાબનો વખત વિતાવી દીધો અને મલાઈવાળાની દુકાને જઈ એક આંગળીથી મલાઈના વાસણમાંથી થોડી મલાઈ ઉપાડી મલાઈવાળાને ધમકાવ્યો, ‘આવી હલકી મલાઈ રાખે છે?’ અને પછી એ મલાઈ સાથે એ નવાબસાહેબ પાસે ગયો. નવાબસાહેબ મલાઈની રાહ જોતાં જોતાં ઝોકાં ખાતા ઊંઘી ગયા હતા. એણે એમની મૂછની ઉપર બંને બાજુએ થોડી થોડી મલાઈ લગાડી દીધી. નવાબસાહેબ જાગ્યા. ‘અરે ભાઈ, મારી મલાઈ કેમ હજુ આવી નથી?’ નોકરે કહ્યું, ‘સાહેબ, કેવી વાત કરો છો? આપ મલાઈ ખાઈને તો ઊંઘી ગયા હતા!’ નવાબ બોલ્યા, ‘તું કોને ઉલ્લુ બનાવે છે? મેં મલાઈનું તો મોં સરખું જોયું નથી!’ એટલે પેલાએ સામેની દીવાલ પરથી તકંતો ઉપાડી નવાબના મોં આગળ ધર્યો. એટલે નવાબને થયું લાંચરુશવતની બદી કાઢવા જતાં તો મારું જ નિકંદન જવા બેઠું. બનવાજોગ છે કે મોટા પુરુષોના નામ સાથે અનેક દંતકથા જોડાય છે તેવો જ આ રમૂજી ટુચકો હોય; પણ એ અબ્બાસસાહેબ તેમ જ સયાજીરાવ બંને માટેના લોકાદરના પ્રતીક જેવો છે. આજે જો એ બંને જીવતા હોત તો સ્વરાજ્યનાં ખાતાંની કામગીરી પેલા નવાબના તંત્રને પણ ભુલાવી દે એવી, કેવી કુશળતાપૂર્વક ચાલી રહી છે એ જોતાં જરૂર આભા બનત! એક વાર કાર્યવશાત્ મારે વડોદરા જવાનું થયું. સુરતના ખાદી પ્રદર્શનની યોજના દ્વારા હિંદુ-મુસ્લિમ બિરદારી અંગે અમે જે કંઈ કર્યું હતું તેનાથી રાજી થઈ તેમણે મને સંદેશ મોકલ્યો હતો કે મારે વડોદરા જવાનું થાય ત્યારે એમને ખબર આપી, જરૂર મળવા જવું. એ મુજબ વડોદરા જતાં પહેલાં મેં તેમને પત્ર લખ્યો હતો. તેમણે મને ઉમળકાભર્યો ઉત્તર આપી એમની સાથે એ દિવસે સાંજે જમવાનું નિમંત્રણ આપ્યું હતું. તે પ્રમાણે હું જ્યારે એમને ઘેર મળવા ગયો ત્યારે એમના ઘરની કલાત્મક સજાવટથી અને અંદરના સંસ્કારી વાતાવરણથી હું પ્રભાવિત થયો. એમણે અમારી પ્રવૃત્તિઓને બિરદાવતાં કહ્યું, આ રીતે જો કોંગ્રેસ આયોજન કરે તો અંગ્રેજોને ભારતમાં રહેવાનું મુશ્કેલ બને.’ પોતાના આ વિધાનના સમર્થનમાં એમણે પોતાની પાસેના એક અંગ્રેજ લેખકના – ઘણું કરીને લોવેલના પુસ્તકમાંથી એક અવતરણ વાંચી સંભળાવ્યું. તે એ મતલબનું હતું કે ભારતમાં જે દિવસે હિંદુ-મુસલમાન એકતા સધાય તે દિવસે ભારતમાંનું અંગ્રેજી રાજ્ય એક ભભૂકતા જ્વાળામુખીમાં ફેંકાઈ ગયું હશે. તેમણે મને મુસ્લિમ સંસ્કૃતિ ઉપરના એક પુસ્તકની ભેટ આપી. અમારી વાતચીત દરમિયાન એમનાં કુટુંબીજનો પણ દીવાનખાનામાં હાજર હતાં. એ પૈકી એમની બે પુત્રીઓ રેહાના અને હમીદા સાથે વાત કરતાં મને અબ્બાસસાહેબ અંગે વધુ જાણવાનું મળ્યું. રેહાનાબહેનને તો મેં અમદાવાદ કૉંગ્રેસ વખતે ગાતાં સાંભળ્યાં હતાં. એમનું ‘ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ’ ભજન જાણે કે આપણા યુગની એમની એક આણમોલ દેણ તરીકે અમારી પેઢીને આજપર્યંત યાદ છે. જમવાના ટેબલ પર બેસતાં મને ઠીક ઠીક મૂંઝવણ થઈ. છરીકાંટા ને ચમચાથી જમવાની મને ગતાગમ ન હતી. અબ્બાસસાહેબે મને હળવી રીતે કહ્યું કે, ‘જમવાનું બધું વૈષ્ણવી ઢબે છે એટલે મારે મૂંઝાવું નહીં.’ હસતાં હસતાં મેં કહ્યું કે, ‘વૈષ્ણવી થાળ તો સ્વર્ગના ફિરસ્તાઓના મોંમાં પણ પાણી લાવે તેવા હોય છે. એમાં આપના જેવા વડીલનો સદ્ભાવ ભળતાં તો એનું મૂલ્ય અનેકગણું વધી જાય; પરંતુ મારી મૂંઝવણ એ છે કે આ છરીકાંટા કેમ વાપરવા તે હું શીખ્યો નથી. એટલે આપ સૌને અવિનય જેવું ન લાગે તો મારાં આંગળાંનો હું છરીકાંટા તરીકે ઉપયોગ કરું.’ અબ્બાસસાહેબ હસ્યા. એ સૌએ છરીકાંટા બાજુએ મૂકી હાથથી જ ભોજન કર્યું. એમના આ સૌજન્યથી એ આખા કુટુંબને માટે મારા મનમાં અહોભાવની લાગણી જન્મી, અને ત્યારે હિંદુ-મુસ્લિમ સમન્વયની આપણા સંતોની સાધનાનું મને વધુ પ્રત્યક્ષ દર્શન થયું. ભોજન પછી રેહાનાબહેને કેટલાંક ભજનો એમના સુરીલા કંઠે સંભળાવ્યાં. એ ભજનો ગાતી વખતે એ જાણે ભાવસમાધિમાં ડૂબી જતાં! ગીતોની એમની પસંદગી પણ એક ઊંડા સાધક અને મર્મીને જેબ આપે એવી હતી. એમનાં ગીતોમાંથી મને ગમી ગયેલા એક ગીતના શબ્દો હું ભૂલી ગયો છું; પણ એનો ભાવ કંઈક એવો હતો કે ‘ધોબી, ધોબી મારાં કપડાં ધોઈ આપ. મેલાં ગંદાં...’ એ ગીતના ભાવ મારા મનમાં કેટલોક સમય ઘૂંટાતા રહ્યા અને એમાથી ‘અર્ધ્ય’માંનું ‘ધોબીઓનું ગીત’ સર્જાયું. એની શરૂઆત આ પ્રમાણે થાય છે-
‘કૂકડો બોલે, રાત સિધાવે તેડે ધોબીઘાટ
મેલી ચાદર જેવી કાળી જાગે સૂતી વાટ.
રેહાનાબહેનને એ પછી બીજી વખત જ્યારે મળવાનું થયું ત્યારે તેમને આ ગીત મેં સંભળાવ્યું એથી એ ઘણાં રાજી થયાં, અને હરીન્દ્ર ચટોપાધ્યાયનાં અંગ્રેજી કાવ્યોની પોતાની નકલ તેમણે મને આપી. એ કાવ્યો અમે જ્યારે મળીએ ત્યારે અમારે માટે કાવ્યચર્ચાની સારી ભૂમિકા પાડતાં. રેહાનાબહેન ભારતીય સમન્વયપ્રધાન સંસ્કૃતિનાં ઉત્તમ પ્રતિનિધિ હતાં, કવયિત્રી પણ હતાં. એમનું ‘Songs of Gopi’ એ સમન્વયના કાવ્યના પ્રતીક જેવું આપણને લાધ્યું. ‘ગાંધી-ઈરવીન’ કરારને લઈને ૧૯૩૧માં જે તકૂબીનો ગાળો આપણને મળ્યો તેમાં લોકજીવન એટલું તો પ્રાણવાન બન્યું હતું કે દરરોજ નવા નવા અનુભવો થતા રહેતા. નાનીમોટી અનેક વ્યક્તિઓને મળવાનું થતું. તે બધીમાં તે પછી દુનિયાની નજરે નાની હોય કે મોટી પણ કંઈક ઉદાત્ત તત્ત્વનાં અમને દર્શન થતાં. ઉર્દૂના મશહૂર કવિ ‘અકબરે’ આ હકીકતનો બહુ હળવી રીતે ઉલ્લેખ કરતાં ગાયું કે
‘બુદ્ધમિયાં ભી આજકલ
ગાંધી કી સાથ હૈ
ગો મુક્તે ખાક હૈ
મગર આંધી કી સાથ હૈ.’
એટલે કે, ગાંધીની જમાતમાં આજકાલ બુદ્ધમિયાં પણ ભળ્યાં છે. છે તો મૂઠી ધૂળ જેવા પણ આજ તો આંધી પર સવાર થઈ એ પણ આસ્માને પહોંચ્યા છે. માનવજીવનના ઊર્ધીકરણ માટેની ગાંધીજીની આ અસરનાં દર્શન અમને ડગલે ને પગલે થતાં. મારું અને ગુલાબભાઈનું ઘર છાવણી જેવું બની ગયું હતું. ત્યાં ચીખલી, વલસાડ, નવસારી વગેરે સ્થળેથી અનેક કાર્યકર્તાઓ આવતા હતા. એમની પાસેથી એમનાં કુટુંબોએ લડત દરમિયાન જે કંઈ વેઠ્યું હતું તેની વાતો સાંભળતાં રોમાંચ થતો! કાશીબાની જેમ પોલીસના જુલ્મો સામે કેટલાંક કુટુંબોએ નજીકના દેશી રાજ્યમાં કરેલી હિજરતના અને ત્યાં તેમને મળેલા ભાવભર્યા આવકારનાં વર્ણનો વિષમ સંજોગોમાં માનવતા કેવી કોળી ઊઠે છે તેના દસ્તાવેજ જેવાં હતાં. સતયુગની આ હવા સાથે માનવજાતને કળિયુગ યુગયુગાંતરોથી એની અજગરચૂડમાં ભીંસતો રહ્યો છે. તે થોડો જ બેકાર બને? કાર્યકર્તાઓ વચ્ચે પદ અને સત્તાની સાઠમારીઓ તે વખતે બહાર નહોતી આવતી; પણ એ ડગલે ને પગલે પોતાનાં માથાં ઊંચાં કરતી હતી અને તેથી વખતોવખત કેટલીક કડવાશ પણ ઊભી થતી. ગાંધીજીના વ્યક્તિત્વે સર્જેલી નૈતિક હવામાં એ બધી મલિનતા ઓછામાં ઓછાં પ્રદૂષણો સર્જી શકતી; પણ એ નિર્મૂળ થઈ ન હતી. એ તો ગાંધીજીની વિદાય પછી તરત જ આપણે આઘાતજનક રીતે અનુભવ્યું. એ વખતે અવારનવાર હું જે મનોમંથનોમાં મુકાતો તેનો કંઈક ખ્યાલ આવે એવી એક ઘટના નોંધું: સરદાર એ વખતે બારડોલીથી પોતાનાં બધાં કાર્યો કરતા. આથી અમારે એમના સતત સંપર્કમાં રહેવું પડતું. સરકારીતંત્રોમાં કૉંગ્રેસને માટે સહાનુભૂતિ ધરાવતા કેટલાક અધિકારીઓ અમારી મારફત સરદારને કેટલીક ખાનગી માહિતીઓ પહોંચાડતા. એ પૈકી સુરતના એક અધિકારી અમારી સાથે પરોક્ષ રીતે સંબંધમાં રહેતા. તેમને મળતી, તેમના દ્વારા આવતી કેટલીક ગુપ્ત માહિતી અમને પહોંચાડતા. તે બહુ જ વિશ્વાસપાત્ર કાર્યકર્તા દ્વારા સરદારને અમે પહોંચાડતા. એ વખતે વારંવાર મને થતું કે નૈતિક રીતે આ કેટલું ઉચિત લેખાય? અમે આ માટે કોઈ નાણાં વેરતા નહીં, કોઈ પ્રલોભન આપતા નહીં. દેશ માટેની પોતાની ભક્તિથી પ્રેરાઈને જ આ ભાઈઓ એ કામ કરતા હતા. પરંતુ એથી એમની ફરજમાંથી એ ચલિત નહોતા થતા? મારા આ મનોમંથનને અંતે મને લાગતું કે નિર્ભેળ સત્ય કેવળ વિરલ વ્યક્તિ જ આચરી શકે અને તે પણ જે બધા સ્વાર્થ અને રાગદ્વેષથી પર હોય તેવી જ. એને જ ગીતાએ સ્થિતપ્રજ્ઞ કહી છે. એ વખતનું મારું એ મનોમંથન એ પછીના અનેક દાયકાઓના અનુભવ છતાં આજે હજુ તેવું ને તેવું જ છે. આજે રેલવેની ટિકિટ મેળવવા જેવી તદ્દન ક્ષુલ્લક બાબત હોય કે અધિકારીઓ મારફતે ધંધામાં કે જીવનના નાનામોટા વ્યવહારમાં કોઈ કામ કરાવવું હોય તો ‘પત્રમ્ પુષ્પમ્’ વિના ભાગ્યે જ પાર પાડી શકાય છે એ અનેકનો અનુભવ છે. એ પોતાના અનુભવ આપણા મનીષીઓ વ્યાસની જેમ ઊર્ધ્વબાહુ બની ઊંચા ગિરિશૃંગોથી જગતને સંભળાવે છે. કૃપાલાનીજીએ પાર્લામેન્ટમાં કહેલું કે મેરઠના તેમના આશ્રમમાં લાખો રૂપિયાની ખાદી માટે લાંચ વિના વેગનો મેળવવાનું અશક્ય બન્યું ત્યારે તેમને લાંચ આપીને વેગનો મેળવવાં પડ્યાં અને હિસાબમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો. આવી જ વાત મુંબઈના ભૂતપૂર્વ ગવર્નર શ્રી શ્રીપ્રકાશે પણ વેદનાપૂર્વક કહેલી છે.