zoom in zoom out toggle zoom 

< સાફલ્યટાણું

સાફલ્યટાણું/૭. કેટલાક સહાધ્યાયીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭. કેટલાક સહાધ્યાયીઓ

મુંબઈના મહાવિદ્યાલયની સ્થાપના કેવી રીતે થઈ એની કોઈ કડીબદ્ધ માહિતી મારી પાસે નથી. એ વખતે તો જે કોઈને અસહકાર નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવી હતી તે સૌને ખાસ બંધનો વિના પૂરી છૂટ હતી. મુંબઈના મહાવિદ્યાલયની સ્થાપના અંગે જે કાંઈ વાતચીતમાંથી કાને પડ્યું તે આ પ્રકારનું હતું–

એ જમાનામાં જયકર અને ઝીણા માત્ર મુંબઈના જ નહીં પણ ભારતના જાહેરજીવનના ખૂબ જાણીતા અને આગળ પડતા નેતા હતા. ગાંધીજીએ જ્યારે અસહકારની વાત શરૂ કરી ત્યારે એ બેઉ એમની સાથે સંમત ન હતા; પણ જ્યારે અસહકારની લડત કૉંગ્રેસની સ્વીકૃત નીતિની હકીકતરૂપ બની ત્યારે એ બન્નેને ઘણી અકળામણ થવા લાગી. જયકરે ઝીણાને કહ્યું કે આપણે બન્ને સાબરમતી જઈ ગાંધીને સમજાવીએ. ઝીણાએ આવો રસ્તો લેવા સામે અસંમતિ દર્શાવી; એટલું જ નહીં પણ જાણે લાલબત્તી ધરતા હોય તેમ જયકરને કહ્યું કે ‘આ પ્રયોગ કરવા જેવો નથી. ચિત્તરંજનદાસ વિરોધ કરવા બંગાળમાંથી આખી આગગાડી ભરીને ડેલીગેટ લઈને ગયેલા અને ગાંધીએ એમને મુખે જ અસહકારના ઠરાવનું સમર્થન કરાવ્યું એ વાત યાદ રાખવા જેવી છે. જો તમે સાબરમતી ગયા તો અહીં પાછા વળતાં ખાદી ટોપી સહિત ખાદીમાં સુસજ્જ થઈને જ આવશો.' જયકર હસ્યા: ‘આવા કોઈ વહેમ કે નબળાઈમાં હું માનતો નથી. આપણે જરૂર તેમને સમજાવી શકીશું.' ઝીણા એકના બે ન થયા. જયકર એકલા ગાંધીજી પાસે ગયા અને ઝીણાએ જે ભવિષ્ય ભાખ્યું હતું તે જ પ્રમાણે બન્યું. આવી રીતે બદલાયેલા જયકર મુંબઈ પાછા આવ્યા ત્યારે તેમની રુચિ અને શક્તિને છાજે એવી અસહકારની કાંઈ પ્રવૃત્તિ શરૂ કરવાનું તેમણે વિચાર્યું અને તેમાંથી ઉદ્ભવ્યું મુંબઈનું રાષ્ટ્રીય મહાવિદ્યાલય.

સામાજિક પરિબળો સંક્રાંતિકાળમાં કેવી કેવી અણધારી ઘટનાઓમાં પરિણમે છે તેનો એક બહુ યાદગાર અનુભવ મને મુંબઈમાં થયો. એ અનુભવ મને એ વખતે જે નવા મિત્રો મળ્યા તેમાંના સ્વર્ગસ્થ બી. એસ. શિવરામ શાસ્ત્રીને લગતો છે.

એ વખતે મહાવિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓમાં ભારતના વિવિધ ભાષાભાષી વિદ્યાર્થીઓની સારી એવી સંખ્યા હતી. ગુજરાતી અને મરાઠીભાષી તો હોય જ, કારણ કે મુંબઈ એમનું ઘર; પરંતુ મુંબઈ ભારતનું એક મહાનગર હોઈ એની વસ્તીમાં ભારતના બધા પ્રદેશોના નાગરિકોનો સમાવેશ થતો એટલે એવા નાગરિકોમાંથી જે વિદ્યાર્થીઓ અસહકારમાં જોડાયા હતા તે ઉપરાંત બીજા પ્રદેશોમાં જ્યાં રાષ્ટ્રીય મહાવિદ્યાલય ન હતાં ત્યાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓ અહીં જોડાયા હતા. આવા વિદ્યાર્થીઓમાંથી એક બી.એસ. શિવરામ શાસ્ત્રી સાથે મને સંબંધ બંધાયો. મારી જેમ એમને પણ સ્વાવલંબી બનવાનું અનિવાર્ય હતું. એ નિમિત્તે એમણે ઠીક ઠીક સંપર્કો સાધ્યા હતા. એ વખતની મુંબઈની કેટલીક જાહેર સંસ્થાઓ સાથે એ સંકળાયેલા હતા. કેટલાક જાણીતા કાર્યકર્તાઓ એમના મિત્ર જેવા બની ગયા હતા. મહાવિદ્યાલયની સ્થાપનામાં એમણે ઠીક ઠીક કામ કર્યું હતું અને એની વ્યવસ્થાપક કમિટીમાં પણ એ ચૂંટાયા હતા; પરંતુ જ્યારે પુંતામ્બેકર સાહેબના ધ્યાન ઉપર, પોતાનો જ એક વિદ્યાર્થી કૉલેજની વ્યવસ્થાપક કમિટીમાં સભ્ય છે એ આવ્યું ત્યારે તેમને એ વાત યોગ્ય ન લાગી. શાસ્રીને આમાં કશું અજુગતું લાગતું ન હતું. બંધારણ પ્રમાણે વ્યવસ્થાપક કમિટીના સભ્ય બનવાની પૂરેપૂરી પાત્રતા પોતાનામાં હતી અને એનો ઉપયોગ કરવાનો પણ પોતાને હક હતો એવી એમની માન્યતા હતી. એમની દલીલ એ હતી કે કાર્યવાહક સમિતિમાં તે અસહકારની નીતિના એક ચોકીદાર તરીકે હતા; પરંતુ કુંતામ્બેકર સાહેબનો વિરોધ જોતાં એમની લાગણીને માન આપી એમણે સભ્યપદનું રાજીનામું આપી દીધું. શિવરામ શાસ્ત્રીના આ પ્રસંગમાંથી એ વખતના અસહકારી વિદ્યાર્થીઓ કેવા મિજાજના અને કેવી શક્તિવાળા હતા એનો કંઈક ખ્યાલ આવશે. શાસ્ત્રી સાથે મારો સંબંધ દિવસે દિવસે દૃઢ બનતો ગયો. એ સંબંધનો મારે મન મહિમા હતો; પણ એમની સાથેના મારા સંબંધોની અનેક મીઠી સ્મૃતિઓમાં એક વેદનાજનક સ્મૃતિ જે આજ પર્યંત અવારનવાર મને બેચેન કરતી રહી છે તેનો ઉલ્લેખ કરી લઉં.

મુંબઈ બહુ અલ્પ સમય માટે જ હું રહ્યો અને અભ્યાસ માટે અમદાવાદ આવ્યો. એ પછી બનેલી આ ઘટના કાલક્રમે તો મારાં અમદાવાદના સંસ્મરણોમાં આવે; પણ અહીં એનો ઉલ્લેખ ઉચિત લેખાશે.

મેં નોંધ્યું છે તેમ શાસ્ત્રી સ્વાવલંબી વિદ્યાર્થી હતા. દુર્ભાગ્યે એ ક્ષયની બીમારીમાં સપડાયા. એમનાં સ્વજનો તરફથી એમને આર્થિક સહાય મળે એવા સંજોગો ન હતા. એ વખતે હું અમદાવાદ હતો. શાસ્ત્રીને હું મારી અમદાવાદની કમાણી (જેની વિગતો હવે પછી આપીશ) માંથી એની માંદગીમાં નિયમિત રીતે હું થોડુંક મોકલતો. આ જ પ્રમાણે એમના બીજા બેચાર મિત્રો પણ સહાય કરતા હતા. એક દિવસ મને શાસ્ત્રીનો પત્ર મળ્યો કે ‘મારી સ્થિતિ ઘણી બગડી છે અને બની શકે તો તરત જ મને સો રૂપિયા મોકલ.' મેં એમને લખ્યું કે એકબે દિવસમાં સગવડ કરી હું મનીઑર્ડર કરીશ. મારી પાસે એ વખતે એટલી રકમ ન હતી. દરમિયાન અણધારી રીતે ધોધમાર વરસાદ પડવો શરૂ થયો. આથી વ્યવસ્થા કરવામાં થોડીક ઢીલ થઈ. એનું સાટું વળી રહે એ રીતે મેં તારથી શાસ્રીને સો રૂપિયાનો મનીઑર્ડર કર્યો; પરંતુ લેનાર ગુજરી ગયાની નોંધ સાથે એ રકમ મને પાછી મળી. આ ઘટનાથી મને લાગેલા આધાતની વેદના ઠીક ઠીક લાંબા સમય સુધી મેં અનુભવી.

એ વખતે મહાવિદ્યાલયમાં મને જે બીજા મિત્રો મળ્યા અને જેમની મૈત્રી અનેક રીતે મને પ્રેરણાજનક બની તેમાં કે. ટી. સૂળે-ખંડેરાવ ત્ર્યંબક સૂળેનું નામ મોખરે છે. મારાથી ભણવામાં એ એક વર્ષ આગળ હતા. મારા મિત્ર મનુભાઈ નાયક જેમનો આ પહેલાં હું ઉલ્લેખ કરી ગયો છું તેમના એ નિકટના મિત્ર હતા. મહાવિદ્યાલયની ચર્ચાસભામાં એક વખત હિંદીમાં મારું વક્તવ્ય સાંભળી મને અભિનંદન આપતાં એમણે મારો પરિચય સાધ્યો અને જ્યારે મનુભાઈ મારા મિત્ર છે એવી ખબર પડી ત્યારે એ ખૂબ રાજી થયા.

સૂળે વિજ્ઞાનના વિદ્યાર્થી હતા; પરંતુ સાહિત્યમાં એમનો રસ આપણને મુગ્ધ કરે તેવો હતો. સંસ્કૃતમાં એમણે અનેક શ્લોકો લખ્યા હતા. સરસ વક્તા હતા અને અમારી વચ્ચે વર્ષો સુધી થયેલો પત્રવ્યવહાર કીમતી હતો. દુર્ભાગ્યે પત્રો સાચવવાની મને ટેવ ન હોઈ માત્ર એમના જ પત્રો નહીં; પણ આપણી કેટલીક વિભૂતિઓ જેવી કે ગાંધીજી, નાનાલાલ, બળવંતરાય વગેરેના પત્રોમાંથી એક પણ પત્ર મારી પાસે સચવાયો નથી. એ જ પ્રમાણે ભાઈ ફડીઆ, કમળાબહેન સોનાવાલા વગેરેથી માંડી ઉમાશંકર, રાવજી પટેલ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સુધીના મિત્રોના પત્રો પણ સચવાયા નથી. મારા સ્વભાવની આ એક ગંભીર ક્ષતિના ઉલ્લેખ સાથે એ પણ હું લજ્જાથી નોંધી લઉં કે પત્રવ્યવહારમાં હું અત્યંત પ્રમાદી છું. જે ત્વરાથી મારા પત્રોના શ્રી જેરાજાણી, શ્રી હંસરાજ પ્રાગજી, પુંતામ્બેકર સાહેબ આદિએ જવાબ આપેલા તે ઉમદા ઉદાહરણ મારી સમક્ષ હોવા છતાં હું કેમ મારી આ ક્ષતિથી બહાર નીકળી શક્યો નહીં! શ્રી મોરારજી દેસાઈની આ વિષયની ચોકસાઈથી હું અત્યંત પ્રભાવિત છું. એમને લખાયેલો મારો એક પણ પત્ર અનુત્તર નથી રહ્યો. નવાઈની વાત તો એ છે કે બને ત્યાં સુધી પોતાના હસ્તે જ તેઓ ઉત્તર લખતા. ભારતના મુખ્યમંત્રી તરીકે એમની રોજની ટપાલનું વજન કરતાં એ કેટલા મણની થતી હશે એની તો અટકળ કરવી પણ મુશ્કેલ છે. એ બધા પત્રોના ઉત્તર આપવાનો સમય એ કેવી રીતે કાઢતા હશે તે નવાઈ પમાડે તેવું છે. આવો જ અહોભાવ મારા પ્રિય મિત્ર એક વારના શિષ્ય ભાઈ પુરુષોત્તમ માવળંકર અંગે હું અનુભવું છું. એક નાનકડી ચિઠ્ઠી પણ એ અનુત્તર રાખતા નથી. થોડુંક વિષયાંતર કરીને આટલું મેં એથી નોંધ્યું છે કે જો એમ કરતાં હું મારા મન પરનો ભાર હળવો કરી શકું અને મારી ભૂલ સુધારી શકું તો આત્મકથા લખ્યાનું મારે મન સાર્થ લેખાય.

સૂળે સાથેનો મારો પરિચય કૌટુંબિક સંબંધોમાં પરિણમ્યો. એ એમના કુટુંબ સાથે કલ્યાણ રહેતા હતા. કલ્યાણ તે વખતે વિરારની જેમ જી. આઈ.પી. રેલવેનું મુંબઈનું છેલ્લું પરું હતું. આટલા દૂરથી રોજ એ આવ-જા કરતા. તે વખતે આ હકીકત મને અણધારી નહોતી લાગી, કારણ કે હું જ્યારે ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે મારે તો દાદરથી ગ્રાંટ રોડ જેટલું જ ટ્રેનમાં જવાનું હતું, પણ મારા કેટલાક સાથીઓ બોરીવલી અને વસઈથી પણ આવતા. પાછળથી હું જ્યારે આ અંગે વિચાર કરતો થયો ત્યારે જીવનની અનેક અનેક જટિલતા આપણા કેટલા બધા સમયને બરબાદ કરે છે એ ખ્યાલે હું અકળાતો. સૂળે ટ્રેનમાંનો પોતાનો સમય મોટે ભાગે વાંચવામાં ગાળતા; પણ કેટલીક વખતે એમના સહપ્રવાસીઓની ધૂળ જેવી વાતોમાં એમને જોડાવું પડતું અને તેનો ઉલ્લેખ કરતાં તેઓ કહેતા કે એ પણ આપણા જીવનની પાઠશાળામાં મળતી એક કીમતી તાલીમ છે. વિશેષ કાંઈ નહીં તો એ આપણને સહિષ્ણુતા તો શીખવે જ છે અને આપણી ધીરજને પણ કેળવે છે. આ એમનો પ્રતિભાવ કેટલો સ્વાભાવિક હતો. એનો એક પરિચય વર્ષો પછી મને મારા જ ઘરમાં થયો.

સૂળે મારી સાથે થોડા દિવસ ગાળવા અમદાવાદ આવ્યા હતા અને એ જ વખતે શ્રી કનૈયાલાલ મુનશી એકાદ દિવસને માટે કોઈ કામે અમદાવાદમ હતા. મેં એમને મારે ત્યાં ચા પીવા નિમંત્ર્યા હતા. મૂળે પણ અમારી સાથે ચામાં જોડાયા ત્યારે મેં મુનશીજીને પૂછ્યું કે તમે આમને ઓળખો છો? એટલે તરત જ એમણે આવેગ સાથે સામું પૂછ્યું: ‘ઓળખું છું?! અમારું લોહી પીએ છે લોહી!' અને અમે બધાં ખડખડાટ હસી પડ્યાં. હકીકત એમ હતી કે સૂળે કૉમ્યુનિસ્ટ પાર્ટીના એક અગ્રગણ્ય ઍડવોકેટ હતા અને લેબર કૉર્ટમાં મુનશીજીની સાથે અવારનવાર ટકરાતા. પોતાના એ અનુભવોની વાત કરતાં એમણે સૂળેનું કંઈક એવું રેખાચિત્ર દોર્યું કે એ જ્યારે સામા પક્ષની દલીલ સાંભળતા બેઠા હોય ત્યારે જાણે સદીઓથી કાયમને માટે શાંત થઈ ગયેલા કોઈ જ્વાળામુખી જેવા લાગે; પણ જ્યારે એ દલીલ શરૂ કરે ત્યારે જાગતા જવાળામુખીના પેટાળમાં પહેલા જે ગડગડાટ શરૂ થાય અને પછી જે ભયાનક વિસ્ફોટ થાય એવી ધગધગતા લાવા જેવી એમની વાણીનો પ્રવાહ છૂટવા માંડે. મુનશીજીનું આ વિધાન સાર્થ હશે એવું મારે મનોમન કબૂલ કરવું પડ્યું, કારણ કે અંગત ચર્ચાઓમાં અને કૉલેજની ચર્ચાસભામાં મેં એમની વિવિધ વાક્છટાઓ અનુભવી હતી અને એનાથી હું પ્રભાવિત પણ હતો; પરંતુ મુનશીજીએ વર્ણવેલી ઉગ્રતાનો અનુભવ મને ન હતો. એ શાને આભારી હશે એની ચર્ચા મૂળ સાથે ન કરતાં મેં જ અનુમાન કર્યું કે સ્નાતક થતાં સુધીમાં સૂળે પોતાની વિચારસરણીમાં કૉમ્યુનિઝમ તરફ ઢળતા જતા અને ત્યાર પછી સક્રિય રીતે એમાં જોડાયા. એમના વડીલ ભાઈ કલ્યાણના એક જાણીતા ઍડવોકેટ હતા. તેમની પ્રેરણાથી સૂળે ઍડવોકેટ તો થયા, પણ તેમણે અસહકારથી જે રાષ્ટ્રસેવાનો માર્ગ અપનાવ્યો હતો, તે જ માર્ગે સહેજ ફંટાઈ પહેલાં સમાજવાદ તરફ ને વખત જતાં સામ્યવાદ તરફ તે વળ્યા. સૂળે એ પાર્ટીના કામ સાથે બીજા કેસ પણ લે એવો સૂળના વડીલ ભાઈ આગ્રહ રાખતા. સૂબેમાં જે મેધા અને ચીવટ હતી તેથી મોટા ધારાશાસ્રીની ખ્યાતિ સાથે તે મોટી કમાણી પણ કરી શકે એવો તેમનો વિશ્વાસ હતો, પણ સૂળેએ તો શ્રમજીવીઓનો હાથ પકડવામાં જ પોતાના જીવનનું સારસર્વસ્વ લેખી માર્ગથી સહેજ પણ વિચલિત થયા વિના ઠેઠ સુધી પોતાની જીવનયાત્રા તે કરતા રહ્યા.

સૂળે જીવનનું એક લાક્ષણિક પાસું એ હતું કે અસહકારની દીક્ષા લઈ ખાદીધારી બન્યા પછી ઠેઠ સુધી એમણે ખાદી ટકાવી રાખી. સંભવ છે કે એ જો અમદાવાદમાં હોત તો અમદાવાદના મજૂર મહાજનના ઍડવોકેટ તરીકે કામ કરત. એમની સાથેના મારા સંબંધનું એક પરિણામ એ આવ્યું કે અમે જ્યારે જ્યારે મળતા ત્યારે જીવનના વિવિધ પ્રશ્નોની જે ચર્ચા કરતા તેમાં તેમના વિશાળ વાચનનો મને લાભ મળતો. મારી એક મુશ્કેલી એ રહી છે કે વાચનની મારી ગતિ ઘણી ધીમી છે. આથી નવલકથા જેવા પુસ્તકનાં પણ સામાન્ય રીતે કલાકના વીસથી વધુ પાનાં હું વાંચી નથી શકતો. પેરેગ્રાફ તો ઠીક પણ આખાં વાક્યો એક સાથે વંચાય એવા પ્રયત્ન કર્યા છતાં હું એમાં સફળ નથી થયો. જેમ નાના બાળક એક એક અક્ષરને ઘૂંટીને શબ્દ ઉચ્ચારે તેમ હું શબ્દોના પૂરા ઉચ્ચાર કરી વાક્યો પામું છું. આ મારી મર્યાદાથી સભાન હોવાથી મારા વિદ્યાર્થીઓ મારા રસ્તે ન ભૂલા પડે તે માટે મેં સતત કાળજી રાખી છે. એથી ગુજરાતી પાઠ્યપુસ્તકોનું સંપાદન જ્યારે અમે કર્યું ત્યારે દરેક પાઠના અંતે એ પાઠની શબ્દસંખ્યા અને તે વાંચતાં લાગેલા સમયની નોંધ રહે એવી ખાલી જગ્યાની સ્વાધ્યાયમાં સગવડ રાખી હતી. આનાં આવેલાં સુંદર પરિણામોથી હું ધન્યતા અનુભવું છું. મારા કેટલાક વિદ્યાર્થીઓ એકીનજરે આખા પૃષ્ઠને પકડી શકે છે.

નાનપણથી પડેલી ટેવમાંથી બહાર આવવાનું કેટલું મુશ્કેલ છે તે મને મારા આ અનુભવમાંથી પણ સમજાયું અને તેથી મેં મારી આ મર્યાદાની ખોટ ભરપાઈ કરી લે એવો એક માર્ગ ગ્રહણ કર્યો. તે માર્ગ તો શ્રુતથી જ્ઞાન મેળવવાનો. શાળામાં હતો ત્યારે બાલુભાઈ પાસેથી મને એ મળ્યું અને ભરૂચમાં ભટ્ટાચાર્ય, છોટુભાઈ પુરાણી વગેરે ગુરુજનો સાથેના, તેમ જ મારા કેટલાક સહાધ્યાયીઓ સાથેના સંબંધમાં મને આ વિરલ તક સાંપડી. આમ તો વર્ગમાં મારું સ્થાન નંબરની દૃષ્ટિએ પહેલું હતું; પણ મારા કેટલાક સમવયસ્ક સાથીઓ પાસેથી પણ મને ઘણું ઘણું જાણવા મળતું. એવા સહાધ્યાયીઓમાં બે નામ આગળ તરી આવે છે: ભાઈ ઠાકર અને મધુસૂદન પંડ્યા. દુર્ભાગ્યે એમની સાથેનો મારો સંબંધ ભરૂચ છોડ્યા પછી ચાલુ રહી શક્યો નહીં. સૂળની બાબતમા તો એ સંબંધ અખંડ જ રહ્યો અને જ્યારે જ્યારે અમે મળતા ત્યારે એમણે જે નવું વાંચ્યું હોય તેનો લાભ લેવાનું હું ચૂકતો નહીં.

મહાવિદ્યાલયમાં મને જે બીજા મિત્રો મળ્યા તેમાં ભાઈ કાંતિલાલ કાપડિયા સાથેનો સંબંધ મારે માટે ઘણો પ્રેરક બન્યો. એ એક શ્રીમંત કુટુંબના પુત્ર હતા. એમના પિતા ઘણા મોટા વેપારી હતા. કૉલેજમાં પોતાની વિકટોરિયામાં આવતા. એમનું મકાન હતું વાલકેશ્વર રોડ ઉપર. એક ફ્રેન્ચ આર્કિટેક્ટે આપેલા પ્લાન પ્રમાણે એ બંધાયું હતું. એમના પિતાએ એમને અસહકાર કરવાની કેવી રીતે સંમતિ આપી એનું મને ઘણું આશ્ચર્ય હતું; પરંતુ અસહકારની જે જબરદસ્ત પ્રેરણા હતી તેમાં શ્રીમંત કુટુંબો પણ તેમને ઘણાં મોટા જોખમોની સંભાવના હોવા છતાં મુક્ત રહી શક્યાં ન હતાં. એમાં કેટલીક વાર અપત્યપ્રેમ માબાપને મજબૂર બનાવતો. કાંતિલાલની બાબતમાં પણ આવું જ બન્યું હોવાનો મને ઝાંખો ખ્યાલ છે.

કાંતિલાલના પિતાનો મને જે થોડોક પરિચય થયો હતો એ પરથી તે જો તેમનું ચાલત તો કાંતિલાલને એલ્ફીન્સ્ટન કૉલેજ અથવા એવી જ કોઈ બીજી કૉલેજમાં અથવા તો વિલાયત ભણવા મોકલત; પણ કાંતિલાલના આગ્રહ આગળ તેમણે પોતાની એ બધી મહત્ત્વાકાંક્ષાઓ જતી કરી.

કાંતિલાલના અભ્યાસની એમના પિતાએ ઘણી કાળજી રાખી હોવી જોઈએ એવું તેમની અનેક પ્રવૃત્તિઓ અને કૌશલ્ય પરથી તરત જ ધ્યાનમાં આવતું. એમને સંગીતનો ઘણો શોખ હતો અને શાસ્ત્રીય સંગીતની એમની જાણકારી કેટલી ઊંડી હતી તે એ વખતના કેટલાક જાણીતા ઉસ્તાદો સાથે એમને ચર્ચા કરતા જોઈ મેં અનુભવ્યું હતું. રમતગમતના પણ એ ઘણા રસિયા હતા અને નિયમિત રીતે હિંદુ જીમખાનમાં જતા. એમનો સાહિત્યનો શોખ આપણને મુગ્ધ કરે તેવો હતો. ન્હાનાલાલનાં કેટલાંક ગીતોના ઢાળ એમની પાસેથી મને મળ્યા. મારું જાણીતું કાવ્ય ‘અણદીઠ જાદુગર' જે બ. ક. ઠાકોરને ઘણું ગમ્યું હતું અને રા. વિ. પાઠકે જેને ગુજરાતી કવિતા કોઈ નવીન ઘાટ તરફ પ્રયાણ કરી રહી છે એવું કહી બિરદાવ્યું હતું તે ‘અણદીઠ જાદુગર’માંનો ‘સ્નેહીનાં સોણલાં'નો ઢાળ મને કાંતિલાલ પાસેથી મળ્યો હતો.

સાહિત્યના જેવો જ કલાનો એમને ઊંડો શોખ હતો. એ વખતે ગુજરાતીમાં કલાનું ‘સુવર્ણમાળા’ નામે લોકપ્રિય થયેલું સામયિક ચાલતું હતું. એ સામયિકને વધુ સમૃદ્ધ કેમ કરી શકાય અને એના સંચાલકનો ભાર કેમ કંઈક હળવો કરી શકાય એ અંગે પોતાના અનેક વિચારો એ મને જણાવતા અને એમના આ અભિગમને હું અહોભાવથી જોતો. પોતાની આ આકાંક્ષા પાર પાડવા એમણે શું શું કર્યું, સંચાલકો સાથે એમણે શી વ્યવસ્થા નક્કી કરી એની મને ખબર ન હતી; પરંતુ એના સંચાલનની જવાબદારીમાં એ જોડાયા અને ‘સુવર્ણમાળા'માં હું વધુ સક્રિય રસ લેતો થયો. ‘સુવર્ણમાળા’માં મેં મારી બે કૃતિઓ પણ આપી હતી-(૧. ‘પુનર્વસુ' તખલ્લુસથી રા. વિ. પાઠકનું રેખાચિત્ર અને ૨. નાનાલાલના કાવ્ય ‘શરદપૂનમ' પર વિવેચન) કાંતિલાલની બીજી એક મહત્ત્વાકાંક્ષા લેખકોને, ખાસ કરીને ઊગતા લેખકો અને સાધન વિનાના લેખકોને પ્રેરણા મળે અને તેમને સક્રિય રીતે કેટલેક અંશે સહાયભૂતથઈ શકાય એવી કોઈક સંસ્થા સ્થાપવાની હતી. એમના સંપર્કો ઉંમર નાની હોવા છતાં ઘણા વિશાળ હતા. મુંબઈનાં કેટલાંક શ્રીમંત કુટુંબો સાથે એમને સારો ઘરોબો હતો અને હું ભૂલતો ન હોઉં તો કલકત્તાની એલ્યુમિનિયમની પેઢીવાળા શ્રી જીવણલાલના કુટુંબ સાથે એમને કંઈક સગપણના સંબંધ હતા. એમની ગણતરી એવી હતી કે અસહકારની પ્રવૃત્તિએ દેશમાં જે ભાવનાનું વાતાવરણ સર્જ્યું હતું, અન્ય માટે કંઈક કરી છૂટવાની તમન્ના લોકોના મનમાં લહેરાતી થઈ હતી તે વાતાવરણ એમણે સ્થાપવા ધારેલી સંસ્થાને માટે ઘણું ઉપકારક બની શકે. તેમની એક કલ્પના એ હતી કે ‘સુવર્ણમાળા’ને વધુ સમૃદ્ધ કરવું અને એમાં પ્રગટ થતાં લખાણો માટે પુરસ્કાર આપવા. એ વખતે સામયિકોમાં પ્રગટ થતાં લખાણો માટે પુરસ્કાર આપવાનો રિવાજ ન હતો એટલે એમણે જ્યારે પોતાની આ યોજના મને કહી ત્યારે મને એમને માટે ઘણો આદર થયો. સારી એવી રકમ એકઠી કરી રાઈટર્સ ક્લબ જેવી કોઈક સંસ્થાની મુંબઈમાં સ્થાપના કરવાની પણ તેમની ગણતરી હતી. એ જ ક્લબ દ્વારા સર્જનાત્મક સાહિત્યનાં પુસ્તકોના લેખકોને પ્રેરણા મળે, પુસ્તકનું પ્રકાશન કરવામાં સક્રિય મદદ મળે એવી પણ યોજના તેમના મનમાં હતી. એમની સાથેની મૈત્રીથી આમ એક રીતે સાહિત્ય જગતની અનેક ક્ષિતિજો મારી નજર સમક્ષ ઊઘડતી રહી જેની પ્રેરણા સાહિત્ય પરિષદમાં સક્રિય રીતે હું કામ કરતો થયો ત્યારે મારો સતત સાથ કરતી રહી.

મારે મુંબઈ લાંબો વખત રહેવાનું ન થયું. દુર્ભાગ્યે અણધારી રીતે કાંતિલાલ એક ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યા. એ પછી પત્રવ્યવહાર સિવાય બીજી રીતે એમના સંપર્કમાં રહેવાનું બન્યું નહીં. એમની માંદગી લાંબી ચાલી અને જીવલેણ નીવડી. અકાળે એમનું અવસાન થયું અને એનો આઘાત લાંબા સમય સુધી હું અનુભવતો રહ્યો.' અ'માં મેં નોંધ કરી છે તેમ ‘સ્મરણસંહિતા’ શીર્ષક હેઠળ એમને અનુલક્ષીને મેં લખેલાં કેટલાક સોનેટ અને ગીતો છપાયાં છે એમાંથી મારી લાગણીનો કંઈક ખ્યાલ આવી શકશે.

ભાઈ પુરુષોત્તમ ફડીઆ જે રીતે મારા જીવનમાં આવ્યા અને મને સતત પ્રેરણા આપતા રહ્યા તેની વિગતોમાં ઊતરતાં તો ઘણો વિસ્તાર થાય એટલે એટલું જ નોંધીશ કે મને જ્યારે જ્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવાનું આવ્યું ત્યારે એમની હૂંફ મને મળી છે અને તે પણ કેવળ અકસ્માત રૂપે જ. આગળ ઉપર એનો હું ઉલ્લેખ કરીશ.