સાફલ્યટાણું/૬. માનવતાની મહેક
સુંદર હતા એ દિવસો. રોજ કંઈ ને કંઈ અવનવું બનતું, અને તેમાંથી માનવ સ્વભાવમાં રહેલા ઉમદા તત્ત્વનાં અમને મનભર દર્શન થતાં. જ્યારથી ભરૂચનાં ગામડાંઓમાં ફરવાનું મેં શરૂ કર્યું, ભરૂચમાં પ્રભાતફેરી અને સરઘસોમાંથી તદ્દન અપરિચિત એવાં અનેકને સ્વજનની ઉષ્માથી ભરેલાં જોયાં, આપણા બહુજન સમાજ વચ્ચે જ મારું જીવન વીતેલું હોઈ આ વખતે એનું જે નવું દર્શન હું પામ્યો તેણે મને અસહકારની રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આપણી ગભરુ ગ્રામજનતાની વધુ નિકટ મૂકી દીધો, ને મેં ચીખલીને મારી પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવી કામગીરી આરંભી.
મારું ઘર કૉંગ્રેસની છાવણી જેવું થઈ પ્રવૃત્તિઓથી ધમધમતું બની ગયું. કૉંગ્રેસની ઑફિસ હજુ શરૂ થઈ ન હતી, એનું કોઈ મકાન ન હતું, ગામમાં કોઈ વીશી ન હતી એટલે બહારથી આવનાર કાર્યકર્તાઓ માટે મારું અને મારા મિત્ર બાલુભાઈનું ઘર છાવણી જેવાં બની ગયાં.
એ પૈકી ચીખલીને પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવતા મારા મિત્ર કીકુભાઈ મનુભાઈ, કાંતિલાલ કસોટિયા અને નર્મદાશંકર પંડ્યા ઉપરાંત બીજા પણ કેટલાક સાથીઓનો સમાસ મારે ત્યાં થયો. ભાઈ ઝીણાભાઈ પણ બેત્રણ દિવસ માટે આવ્યા. એ આવ્યા ત્યારે અમે આલીપોરની એક સભામાં જવાની તૈયારી કરી રહ્યા હતા. એમનું આગમન અમને ઘણું શુકનવંતુ લાગ્યું, કારણ આલીપોર એ મુસલમાનોનું ગામ. ઘણું ધનાઢ્ય. એમાંનાં ઘણાં કુટુંબોના સભ્યો આફ્રિકામાં કામધંધા માટે સ્થાયી થઈને રહેતા હતા. ભાઈ ઝીણાભાઈને એમાંના કેટલાકનો આફ્રિકામાં પરિચય હતો એટલે અમને થયું કે એમની હાજરીથી આલીપોરના ગ્રામજનોને પોતાના કોઈક આત્મીય જેવું લાગશે.
આલીપોરથી અમે પાછા આવ્યા પછી ભાઈ ઝીણાભાઈ સાથે ઘણી વાતો થઈ. એમાં કાશીબા જે રીતે અમારો સંસાર નભાવતાં હતાં તેની માહિતી કુશળતાપૂર્વક તેમણે મેળવી લીધી. કાશીબાના વ્યક્તિત્વ અને ઔદાર્યથી એ પ્રભાવિત થયા. આજથી છ દાયકા પહેલાંના સમયના ઉચ્ચ વર્ણના કુટુંબોના આચારવિચાર બહુ જ રૂઢિચુસ્ત રીતે પળાતા હતા. રસોડાની પવિત્રતા માટે રખાતો સ્વચ્છતા અને શુદ્ધિનો આગ્રહ ધ્યાન ખેંચે તેવો હતો. જમવા માટે અબોટિયાં પહેરવાં પડતાં. આવા અનેક વિધિનિષેધ જાળવવા પડતા. કાશીબ અમને બધાને રસોડામાં અબોટિયાં વિના પેસવા દેતાં એ જોતાં એ નવાઇ પામ્યા. ગામમાં અમારી ન્યાતનાં બીજાં ઘરોમાં આ શક્ય ન હતું. અહીં આ શક્ય બન્યું એમાં એમને મારાં બાની પુત્રવત્સલતા કે સામાજિક પ્રગતિશીલતા કે રાષ્ટ્રભક્તિ શું જણાયું હશે એ તો કહી શકાય તેમ નથી; પણ તેમણે ઘણો અહોભાવ દાખવતાં અમારું યોગક્ષેમ કેમ ચાલતું હતું તે જાણવા પ્રયત્ન કર્યો. અગાઉ હું જણાવી ગયો છું તેમ અમારો ઘરસંસાર અમારી ખેતીની આવક અને દુઝાણા પર નભતો હતો. એ આવક મોટી ન હતી; પણ અમને ખાવાપીવામાં ને પહેરવા-ઓઢવામાં મુશ્કેલી ન પડે એવી હતી; પરંતુ છેલ્લા થોડાક મહિનાથી જે અણધારી રીતે સ્વયંસેવકો અને કાર્યકર્તાઓની અવરજવર થતી રહી તેને માટે એ આવક પૂરતી ન હતી. આ સંજોગોમાં મારા બાએ મને પોતાની મૂંઝવણની જાણ પડવા દીધા વિના અમારી એક સરસ ક્યારી વેચવાનું નક્કી કર્યું. જ્યાં ચીખલીની હાઈસ્કૂલ છે તે રસ્તા પર હાઈસ્કૂલની સામેની બાજુએ મોખરાની લેખી શકાય એવી જગ્યાએ અમારી એ ક્યારી હતી. શાળા સાથે વાટાઘાટ કરી એક હજાર રૂપિયામાં એ જમીન વેચવાનું એમણે નક્કી કર્યું. એ વખતે એરકમ મોટી લેખાય. એ અંગે એમણે મને એમ સમજાવ્યું કે નિશાળને આપવાથી આ જમીનનો ઘણો સારો ઉપયોગ થશે અને આપણને સ્વરાજ્યની લડત દરમિયાન ઘરમાં વધેલી અવરજવરને પહોંચી વળવામાં મુશ્કેલી નહીં પડે. એ વખતે લોકોને દૃઢ વિશ્વાસ હતો કે એક વર્ષમાં સ્વરાજ્ય મળી જ જવાનું છે. આ વિશ્વાસ પાછળ ગાંધીજીમાં મનાતી અવતારી શક્તિ અંગેની માન્યતા હતી. અગાઉ આપણે જોયું છે તેમ ગાંધીજી પોતાનામાં આવી કોઈ શક્તિ હોવાનો ઈન્કાર કરતા. તેઓ કહેતા કે લોકો જો પંચવિધ બહિષ્કારને બરોબર કામયાબ બનાવે તો સ્વરાજય એક વર્ષમાં આપોઆપ આવે; એટલે મારાં બાને એમ હતું કે એકાદ વર્ષ તો અનેક અગવડ વેઠીને પણ સારી રીતે કાઢી શકાશે. આ ક્યારી વેચાયાની વાત ભાઈ ઝીણાભાઈએ સાંભળી ત્યારે એ અત્યંત ગળગળા બની ગયા. એમણે અમારા જીવનમાં વધુ ઊંડાણથી જોયું અને વિનીતમાં બીજે નંબરે પાસ થયેલો હોવા છતાં સ્વરાજ્યની લડત માટે એક વર્ષ ભણવાનું મેં મુલતવી રાખ્યું છે એ જાણતાં તેઓ થોડીક અવઢવમાં પડી ગયા. તેમણે મને એ વાતનું ભાન કરાવ્યું છે કે હું પોતે રાષ્ટ્રીય હું લડતનો સ્વયંસેવક હોવાનો લહાવો મારી બાની મૂંગી વ્યથાઓ પર માણતો હતો. સામાજિક રૂઢિઓનો પોતાના ઘરમાં ભંગ થવા દઈ તેમણે લોકનિંદા વહોરી લીધી હતી અને એ બધું મારે લીધે. ક્યારી વેચવી પડી તે પણ મારે લીધે, મારાં બાએ કેટલી સહજ રીતે એ કર્યું હતું! એ પાછળ એમને કઈ શક્તિની ઓથ હતી! એ પ્રશ્નનો જો હું વિચાર કરું તો મારે એમને આવી અગ્નિપરીક્ષામાં વધુ વખત રાખવાં જોઈએ નહીં. મારો ધર્મ એમના માથા પરથી વહેલામાં વહેલી તકે બોજ ઉપાડી લેવાનો ન હતો? સ્વરાજય વરસમાં આવે, પાંચ વર્ષે આવે, દસ વર્ષે આવે, તે કંઈ કહી શકાય નહીં. એ બધો વખત સ્વરાજયના સૈનિક તરીક જો મારે રહેવું હોય તો બાએ કેટલી તપશ્ચર્યા કરવી રહે?
તેમની વાત મહાપરાણે મેં ગળે ઉતારી પણ મારી મુશ્કેલી મેં તેમને જણાવી કે હું જો ભણવા જાઉં તો એ ખર્ચને કેવી રીતે પહોંચી વળાય? પહેલાં મારી ગણતરી એવી હતી કે મૅટ્રિક થઈ, સારા માર્કે પાસ થઈ, મુંબઈની ગોકલદાસ તેજપાલ બોર્ડિંગમાં સ્થાન મેળવી, ઘર પર કોઈ પણ જાતની આર્થિક જવાબદારીનો બોજ નાખ્યા વિના મારું ભણવાનું પૂરું કરીશ; પણ અસહકાર કર્યા પછી એ તક રહી નહીં. અસહકારી વિદ્યાર્થીઓ માટે કોઈ આર્થિક મદદનાં સાધનો ઊભાં થયાં ન હતાં, માત્ર એક જગ્યાએથી સહાયનો સંદેશ આવ્યો હતો. મુંબઈની નેશનલ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી પુંતામ્બેકર તરફથી મને પત્ર મળ્યો કે હું જો એમની કોલેજમાં દાખલ થાઉં તો મને સત્રની રૂા. પચાસ સ્કૉલરશિપ મળશે. પણ એટલી રકમ કેટલો વખત ચાલે? અને વળી એક વર્ષ તો મારે લડતના કામમાં જ રોકાવું હતું એટલે એ કાગળ પર મેં ધ્યાન આપ્યું ન હતું. પણ ભાઈ ઝીણાભાઈએ મને સમજાવ્યું કે રાષ્ટ્રીય શાળાઓ અને કૉલેજો પણ અસહકારની લડતની છાવણીઓ હતી. જો બધા વિદ્યાર્થીઓ મારી જેમ વિચાર કરે તો લડતનો મોરચો નબળો પડે. આ બધી સંસ્થાઓમાંથી જરૂર પડે ત્યારે લડત માટે સ્વયંસેવકોને બોલાવી શકાય એટલે હું અભ્યાસ આગળ વધારું. એનો અર્થ એટલો જ છે કે હું સ્વરાજ્યના સૈનિક તરીકે વધારે સજ્જ બનું છું. હા, જો સરકારી શાળા-પાઠશાળામાં હું ભણતો હોઉં તો એ યોગ્ય ન કહેવાય; પણ આ તો વિદ્યાપીઠની સંસ્થા હતી એટલે એમાં ભણવું એ સ્વરાજયનું જ કામ હતું.
ભાઈ ઝીણાભાઈની આ દલીલનો વિરોધ હું કરી શક્યો નહિ એટલે કેટલીક આનુષંગિક બાબતોની ચર્ચા થતાં આર્થિક મુશ્કેલીઓ અંગે એમણે જણાવ્યું કે મારા જેવા વિદ્યાર્થીઓ માટે સ્વાવલંબી બનવાની ઘણી તકો મુંબઈમાં મળશે. એમણે મુંબઈમાં ખાદીભંડારનો સંપર્ક સાધવા મને સૂચવ્યું. શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણી એ વખતે એના સંચાલક હતા. એમને જો હું મારી વાત લખું તો એ જરૂર કોઈ કામ મને શોધી આપશે, એ ઉપરાંત બીજી પણ કેટલીક સંસ્થાઓનો સંપર્ક સાધવાનું એમણે મને સૂચવ્યું. એમની વાત આમ તો મારે ગળે સહેલાઈથી ઊતરત નહિ; પરંતુ એમણે બા અંગે વિચાર કરતો મને કરી મૂક્યો હતો. એથી જેમ જેમ હું વિચાર કરતો ગયો તેમ તેમ બા માટેની લાગણીઓથી મારું હૈયું સભર બની ગયું એટલે મેં મુંબઈમાં ભણવાની તક મળે તે માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યું.
તરત જ મેં શ્રી પુંતામ્બેકર સાહેબને પત્ર લખી સ્કૉલરશિપ સ્વીકારવાની મારી તત્પરતા જણાવી. મુંબઈ જવાનું નક્કી તો કર્યું પણ આર્થિક સમસ્યા ઊભી જ હતી. બાએ મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે મને સ્કૉલરશિપ મળી રહેશે; એની ચિંતા કરવી નહીં. એમને મારા પર, ખબર નથી શાથી, મારા બાલ્યથી જ પૂરો વિશ્વાસ હતો, એટલે મારું કથન એમને ગળે ઊતરી ગયું. એમાં પચાસ રૂપિયાની સ્કૉલરશિપની વાતે એમના વિશ્વાસને દૃઢ કર્યો.
આથી મુંબઈ માત્ર વીસ રૂપિયા લઈ હું જવા નીકળ્યો. આમ તો મુંબઈથી હું અપરિચિત ન હતો. ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાંનું મારું એક વર્ષ મુંબઈના અનેક અનુભવોથી સભર હતું. આમ છતાં મુંબઈ જવા નીકળતાં મારે ક્યાં ઊતરવું એની મૂંઝવણ તો હતી જ. ત્યાં મારા મામાના એક મિત્ર પુણી ગામના શ્રી ગુલાબભાઈ નોકરી કરતા હતા. તેમને અગાઉ હું અવારનવાર મળ્યો હતો. તે પોતાના એક સાથી સાથે બઝારગેટ સ્ટ્રીટમાં એક માળામાં રૂમ રાખીને રહેતા હતા. મને થયું કે બેચાર દિવસ તો હું વિનાસંકોચે એમની સાથે રહી શકું. એટલે જતાં પહેલાં મેં તેમને કાગળ લખીને મારી વાત જણાવી. તેમનો તરત જ ઉત્તર આવ્યો કે મારે ખુશીની સાથે એમને ત્યાં ઊતરવું. વિશેષમાં તેમણે એ પણ લખ્યું કે જો કોઈ સારી બોર્ડિંગમાં જગા મળી શકે તેમ હોય તો તે માટે તેઓ પ્રયત્ન કરશે. આ પત્ર મારા માટે કેટલો કીમતી હતો એનું વર્ણન કરવું અશક્ય છે. આમાં મને જાણે કે ભગવાનનો હાથ લાગ્યો. કોઈ પણ જાતની ઓથ વિનાના મુંબઈ જેવા મહાનગરમાં જનાર માટે આ કેવી મોટી ઓથ હતી.!
આ જ પ્રમાણે શ્રી જેરાજાણીને પણ મને કાંઈક કામ શોધી આપવા મેં જે પત્ર લખ્યો હતો તેનો પણ સહાનુભૂતિભર્યો જવાબ આવ્યો હતો. તેમના પત્રમાં તેમણે જણાવ્યું હતું કે હું રૂબરૂ મળું તો મને કેવું કામ અનુકૂળ આવે તેમ છે તેની ચર્ચા કરાય. જો મને મદદ મળી શકે એવું કંઈક તેમના હાથમાં હશે તો જરૂર તેઓ ઘટતું કરશે. આ પણ મારા આત્મવિશ્વાસને દૃઢ કરવા પૂરતું હતું.
આ ઉપરાંત બીજા પણ એક શ્રીમંત સજ્જન-શ્રી હંસરાજ પ્રાગજીનો પણ મેં સંપર્ક સાધ્યો હતો. મુંબઈના એ એક જાણીતા ધનાઢય સજ્જન હતા. વિદ્યાર્થીઓ માટેના એક નાનકડા જ્ઞાનકોશ જેવા પુસ્તકનું સંપાદન એમણે કર્યું હતું. એ પુસ્તક વિદ્યાર્થીઓને તે ભેટમાં આપતા હતા, એ મુજબ એક નકલ મેં પણ મેળવી હતી. તેમને પણ મારી વાત મેં લખી હતી. તેમનો જવાબ આવ્યો હતો કે હું તેમને રૂબરૂ મળું તો શું થઈ શકે એ અંગે તેઓ વિચારશે. આમ ઘટનાઓની પરંપરાના અંકોડા જોડતાં હું ઉત્સાહમાં આવ્યો. કેટલી બધી ઘટનાઓ બનવા પામી હતી! વિનીતની પરીક્ષા આપવી ન હતી તે અણધારી રીતે છેક છેલ્લી ઘડીએ દયાળજીભાઈની પ્રેરણાથી આપી એટલું જ નહિ, એમાં સારી રીતે સફળ પણ થયો. અણધાર્યા ભાઈ ઝીણાભાઈ આવી ચડ્યા અને મારે ભણવું ન હતું તેમાંથી વળી નવી પ્રેરણા આપી અને ખોવાઈ જવાય એવી મુંબઈ નગરીમાં શ્રી પુંતામ્બેકર, શ્રી ગુલાબભાઈ, શ્રી જેરાજાણી અને શ્રી હંસરાજ પ્રાગજીને જાણે કે મારો હાથ પકડી મને માર્ગ બતાવતા મેં જોયા. એમાં મને મારા ભાવિ જીવનનાં બીજ વવાતાં લાગ્યાં; અને એથી મુંબઈ જતાં મારી પાસે કેવળ વીસ રૂપિયા જ હોવા છતાં મારા મનમાં કશી જ ભીતિ કે ઉચાટ ન હતો.
મુંબઈ પહોંચ્યો ત્યારે ગુલાબભાઈ જેમને હું ગુલાબમામા તરીકે સંબોધતો તેમણે મને એક બોર્ડિંગમાં રહેવાની અને જમવાકરવાની સગવડ મળે તેમ છે એવી માહિતી આપી. એ બોર્ડિંગ પ્રિન્સેસ સ્ટ્રીટ પર એક મકાનમાં પાંચમે માળે હતી. એનું નામ હતું યુનાઈટેડ જૈન સ્ટુડન્ટ્સ હોમ.' એમાં કૉલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો; પણ જ્યાં સુધી પાકે પાયે આર્થિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એમાં પ્રવેશ મેળવવાનું શક્ય ન હતું. એટલે મેં ગુલાબમામાને મારી મુશ્કેલી જણાવી ત્યારે તેમણે કહ્યું કે જ્યાં સુધી એ સગવડ ન થાય ત્યાં સુધી હું ખુશીથી તેમની સાથે રહી શકીશ અને જે વીશીમાં તેઓ જમતા હતા ત્યાં મારે માટે પણ પ્રબંધ થશે. હું નાનપણથી એમના થોડા થોડા પરિચયમાં આવ્યો હતો એટલે તે વખતે એમના મનમાં મારા માટે જે વાત્સલ્યભાવ જાગ્યો હશે તેનું જ જાણે કે મને એમાં દર્શન થયું.
મુંબઈ પહોંચ્યા પછી બીજે દિવસે હું મારી નેશનલ કૉલેજમાં જવા નીકળ્યો. એ તારદેવ પર આવી હતી. ટ્રામના સ્ટૅન્ડથી તે અડધોએક ફલોંગ દૂર હતી. હું ટ્રામમાંથી ઊતર્યો ત્યારે મારી સાથે ઊતરતા વિદ્યાર્થી જેવા જણાતા એક ભાઈને મેં પૂછ્યું કે ‘નેશનલ કૉલેજ કયે રસ્તે જવાય?' મેં તેમને અંગ્રેજીમાં પૂછ્યું હતું એટલે તેમણે મને અંગ્રેજીમાં જ કહ્યું કે ‘હું ત્યાં જ જાઉં છું. તમે બંગાળી છો?’ મેં ના પાડી એટલે તેમણે કહ્યું: ‘સિંધી છો?’ મેં કહ્યું: ‘ના. હું ગુજરાતી છું.’ એટલે તરત જ એમણે મને ગુજરાતીમાં કહ્યું કે ‘તમે જરા ય ગુજરાતી જેવા લાગતા નથી.' એટલે હસીને મેં કહ્યું કે: ‘બંગાલીની જેમ છૂટી પાટલીએ મેં ધોતિયું પહેર્યું છે. એટલે તમને એમ લાગ્યું?' એટલે તેમણે કહ્યું: ‘હા, એ તો ખરું જ; પણ તમારી મુખમુદ્રા પણ બંગાળીને મળતી આવે છે.’ આમ અમારી વચ્ચે વાતવાતમાં પરિચય શરૂ થયો અને એ મારા જીવનમાં કેટલો મહત્ત્વનો બનવાનો હતો એનો એ વખતે તો મને કશો ય ખ્યાલ આવે તેવું ન હતું; પણ મારા જીવનમાં જે વ્યક્તિઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેમાં એમનું ચિરસ્મરણીય સ્થાન છે. કમનસીબે આજે એ હયાત નથી. સ્વામીનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજના એ પ્રીતિપાત્ર અંતેવાસી હતા, અને ‘ફડીઆમામા'ના હુલામણા નામે એ સંપ્રદાયમાં ઘણા જાણીતા થયા હતા. એમનું નામ હતું પુરુષોત્તમ ભોગીલાલ ફડીઆ.
કૉલેજમાં જઈ મેં તરત જ આચાર્ય પુંતામ્બેકરનો સંપર્ક સાધ્યો. તેમને મેં ટૂંકાણમાં મારી વાત કહી. જો હું મારી આર્થિક સમસ્યા હલ કરી શકું તો જ મારાથી પ્રવેશ મેળવી શકાય એ સ્પષ્ટ કર્યું. મેં તેમને વિનંતી કરી કે રીતસર મારું નામ રોલ પર આવે એ પહેલાં મને વર્ગો ભરવાની જો રજા અપાય તો ઘણું સારું. તેમણે સહાનુભૂતિપૂર્વક સંમતિ આપી અને જણાવ્યું કે મારું નામ રોલ પર આવે એ પહેલાં હું જેટલા દિવસ હાજર રહીશ એ બધા દિવસો પણ મારી હાજરીના દિવસો તરીકે લેખાશે. આ પણ મારા માટે એક ઉત્સાહપ્રેરક ઘટના હતી.
કૉલેજનો મારો આ પહેલો દિવસ મેં વિવિધ સંવેદનાઓમાં ગાળ્યો. પરાપૂર્વથી ચાલતી આવેલી આપણી પ્રચલિત કૉલેજો જેવી આ ન હતી. એમાં સંખ્યા મોટી ન હતી; પરંતુ જે કાંઈ હતી તે તેજસ્વી અને જીવનના પ્રચંડ ઉન્મેષોથી ધબકતી હતી. આ બધાં આપણા ક્રાંતિકારી નવલોહિયા હતા. મૅટ્રિકથી માંડી બી.એ. સુધીની સરકારી યુનિવર્સિટીઓની વિવિધ પરીક્ષાઓનો બહિષ્કાર કરી, અંગ્રેજ અમલ સામે પડકાર કરતા પ્રાણવાન યુવકોની જાણે આ નાનકડી સેના હતી. એમાં અલ્પસંખ્ય લેખાય એવી બે વિદ્યાર્થિનીઓ પણ હતી. પહેલે દિવસે હું જુદા જુદા વર્ગોમાં જઈ આવ્યો. એમાંનો એક હતો અંગ્રેજીનો. પાઠ્યપુસ્તક તરીકે અંગ્રેજીમાં ટાગોરનું ‘નેશનાલિઝમ’, આરનોલ્ડની લાઈટ ઓફ એશિયા' અને બીજાં કેટલાંક કાવ્યો હતાં. એ જ પ્રમાણે ગુજરાતીમાં ‘કાન્તા' નાટક ‘નૂપુરઝંકાર' અને કેટલાક નિબંધો હતા. હિંદુસ્તાનીમાં મૈથિલીશરણનું એક ખંડકાવ્ય ‘કિસાન' અને ગદ્યમાં બીજાં બે પુસ્તકો હતાં. એ ઉપરાંત ઉર્દૂની પણ બાળપોથી હતી. આ બધા જુદા જુદા વિષયોના અધ્યાપકો પૈકી કેટલાકના વર્ગમાં જવાની મને પહેલે દિવસે જ તક મળી ગઈ. અંગ્રેજી અને ગુજરાતીના વર્ગો ભર્યા.
ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સ્વર્ગસ્થ લલિત હતા. એમનું મૂળ નામ જન્મશંકર મહાશંકર બુચ. ‘લલિત’ તખલ્લુસથી એ જાણીતા હતા; એટલું જ નહીં પણ યુવાનોમાં અને સાહિત્યરસિયાઓના માનીતા હતા. એમનો કંઠ સુરીલો હતો. શીખવતી વખતે પોતાના મધુર કંઠે એ અનેક ગીતો સંભળાવતા. એમના “મહૂલી” કાવ્યે એમને મશહૂર કર્યા હતા અને ગાતી વખતે એમનો ભાવાવેશ શ્રોતાઓને સ્પર્શી જતો.
“મહૂલી મઝાની પેલે પાર
સંતો વ્હાલાં, અનેરી અમારી એ લગીર.”
એમાં આવતા લગીર વિશેષણમાં રહેલી નમ્રતા એમના જીવનમાં કેવી ગૂંથાઈ ગઈ હતી એ એમની પાસે ભણતાં મેં અનુભવ્યું. એમની આ નમ્રતા એ જ્યારે એમના સમકાલીન કવિઓનો ઉલ્લેખ કરતા ત્યારે ઘણીવાર પ્રત્યક્ષ થતી. નૂપુરઝંકાર શીખવતી વખતે નરસિંહરાવની વિદ્વતાની અહોભાવથી તે વાત કરતા. પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝરીમાંથી પ્રેરણા લઈ કેટલાંક સુંદર કાવ્યકુસુમોની ગુજરાતી દેવીના કંઠે જે માળા એમણે અર્પી હતી તેની વાત કહેતાં નરસિંહરાવના કાવ્યક્ષેત્રના પ્રદાનને એ બિરદાવતા. એ જ પ્રમાણે ન્હાનાલાલનો પણ તેઓ ઉલ્લેખ કરતા અને ડોલનશૈલીના સુંદર ઉદાહરણ તરીકે ‘ગુજરાતના તપસ્વી'નો સરસ આરોહ-અવરોહમાં એ પાઠ કરતા. એ કોઈ ડિગ્રી ધરાવતા ન હતા. ગણિત નબળું હોવાથી મૅટ્રિકમાં એ સાત વખત નાપાસ થયા હતા. પણ અમારે માટે તો એ કવિ હતા એ પૂરતું હતું અને એનો અમારે મન મહિમા હતો.
ભાષાનો શિક્ષક જો સાથે સાથે સર્જક પણ હોય તો વિદ્યાર્થીઓ માટે એ કેવી મોટી તકો પૂરી પાડે છે એ જીવનભર હું અનુભવતો રહ્યો છું. તેની અલ્પ શરૂઆત ભટ્ટાચાર્ય સાથેના સંસર્ગથી થઈ હતી તે લલિતના વર્ગમાં વધુ વિકસી. કવિ તરીકે લલિતનું અર્પણ આગલી હરોળના કવિઓ જેવું ન હતું, અને આજની પેઢી એ નામથી ખાસ પરિચિત પણ ન હોય; પરંતુ સાહિત્યક્ષેત્રે કેટલીક વ્યક્તિઓ પોતાના સમકાલીન જગત પર જે મુદ્રા અંકિત કરે છે એમાં લલિતનું સ્થાન અવશ્ય આવે. એમનું ‘ચૂપચાપ ચલી રામ ધોબતિયાં' ભજન શ્રોતાઓને ઘેલા કરતું અને તે જમાનામાં કૉલેજ હોસ્ટેલ અને અન્ય છાત્રાલયોમાં થતા ઉત્સવોમાં લલિતને આદરપૂર્વક બોલાવી તેમનાં અનેક ગીતો ઉપરાંત આ ભજન તો અચૂક રીતે ગવડાવવાનો લહાવો લેવાતો. એમનો લાંબો પરચિય હું સાધી શક્યો નહીં. જે કાંઈ થોડો સમય એમની સાથે મેં ગાળ્યો તેણે મારી સાહિત્યની ક્ષિતિજને વિકસિત કરવામાં ઠીકઠીક ફાળો આપ્યો.
અમારા બીજા અધ્યાપક જેમનાથી હું પ્રભાવિત થયો તે પ્રો. ગાંગુલી બંગાળી હતા. અમને એ અંગ્રેજી શીખવતા. એમને અંગે ખાસ માહિતી મને મળી ન હતી એટલે અહીં તો એમની વિદ્વત્તા અને શીખવવાની એમની કુશળતાનો જ એક અછડતો ઉલ્લેખ કરી હું સંતોષ માનીશ. વસ્તુને સમજવાની અને તેના મૂળ સુધી જવાની પ્રેરણા અમને જે જે રીતે એ ‘નેશનાલિઝમ’ શીખવતા હતા એમાંથી મળી. તત્કાલીન જગતના પાયાના પ્રશ્નો કુશળતાથી તારવી આપી જગતના પથપ્રદર્શક તરીકેની જે કામગીરી ટાગોર બજાવતા હતા તે ‘નેશનાલિઝમ' ઉપરનાં એમનાં વ્યાખ્યાનોમાં પ્રો. ગાંગુલીએ અમને સુરેખ રીતે સમજાવ્યું. એમના હાથ નીચે વધુ લાંબો સમય ભણવાની તક મળી હોત તો મને વિશેષ ભાથું સાંપડત પણ એમની સાથેના અતિ અલ્પ સમયમાં પણ જે મળ્યું તે બહુ મૂલ્યવાન છે અને આજ સુધી એનાં સ્પંદનો હું અનુભવું છું.
આથી અધ્યાપનકાર્યમાં હું જોડાયો ત્યારથી મારા અંગત અનુભવો પરથી પાઠ્યપુસ્તકનું સ્થાન વિદ્યાર્થીના વિકાસમાં કેવું ઉપકારક કે અવરોધક બની શકે એ સતત મારા ધ્યાનમાં રહ્યું છે. એથી જ હું જે વિષયો શાળામાં શીખવતો હતો એને માટે ઉત્તમ પાઠ્યપુસ્તકોની જરૂર મને આખો વખત લાગતી રહી હતી.
પ્રો. ગાંગુલી ઉપરાંત બીજા જે અધ્યાપકો મહાવિદ્યાલયમાં હતા તે પૈકી બહુ ઓછાના પરિચયમાં આવવાનું થયું; પણ એ સૌમાં ધ્યાન ખેંચે એવા અર્થશાસ્ત્રના અધ્યાપક ગુલઝારીલાલ નંદા હતા, જે પાછળથી અમદાવાદ મજૂર મહાજનના એક કર્ણધાર બન્યા અને વખત જતાં સક્રિય રાજકારણમાં મુંબઈની વિધાનસભાથી માંડી સંસદ સુધીની આપણી સંસ્થાઓમાં મંત્રી તરીકેની વિવિધ કામગીરી પણ તેમણે બજાવી. મને મારા વિદ્યાર્થીકાળ દરમિયાન એમના સક્રિય સંબંધમાં આવવાની તક મળી ન હતી; પરંતુ ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ માટે જે પ્રયોગ આદર્યો હતો તેમાં કેવી કેવી વ્યક્તિઓને એ આકર્ષી લાવી શક્યા હતા તે તરફ અંગુલિનિર્દેશ કરવા પૂરતો જ આ ઉલ્લેખ છે.
અમારા આચાર્ય, પ્રિન્સિપાલ પુંતામ્બેકરની મારા મન પર ઊંડી છાપ રહી છે; પરંતુ એમના જીવનની નોંધપાત્ર વિગતો મારી પાસે નથી. એમને અંગે એક વાત એવી સાંભળેલી કે એ જ્યારે નાના બાળક હતા ત્યારે એક સાંજે ચોપાટી જેવા હરવાફરવાના કોઈ સ્થળે બે દક્ષિણી સજ્જનો બાળકની લાક્ષણિકતાની ચર્ચા કરતા આંટા મારી રહ્યા હતા. એ પૈકી એકનું વિધાન એવું હતું કે બાળક જન્મથી જ સ્વાર્થી હોય છે અને એમાં એ આગળ ને આગળ વધતો જ રહે છે. બીજા સજ્જન એ સાથે સંમત ન હતા. ચર્ચાએ મમતાનું રૂપ પકડ્યું અને બન્ને પોતપોતાના વિચારને વધુ મક્કમતાથી આગળ કરતા રહ્યા. છેવટે કિશોર પુંતામ્બેકરના હાથમાં કંઈક ખાવાનું પડીકું હતું એ તરફ આંગળી ચીંધતા એક સજ્જને કહ્યું કે, ‘હું માગું અને એમાંથી જો તે થોડુંક આપે તો હું કબૂલ કરીશ કે હું હાર્યો; પણ એવો કોઈ સંભવ જ નથી,' બીજા સજ્જને કહ્યું: ‘પણ એ જો આપે તો?’ ‘તો? આપણે જાણતા નથી કે એનાં માતાપિતા કોણ છે અને એમની શું સ્થિતિ છે; પણ એ જો ધનિક હોય તોપણ એ છોકરાને જો વિલાયત ભણવું હોય તો એનો બધો ખર્ચ હું ઉપાડીશ.’ એ પછી એ બાળક પાસે એના પડીકામાંથી થોડુંક તેમણે માગ્યું અને તરત જ બાળકે એ આખું પડીકું એમને આપી દીધું. કહેવાય છે કે એ સજ્જને પોતાની શરત પાળી અને કુંતામ્બેકરે વિલાયત જઈ ઊંચી પદવી મેળવી. આ કિંવદંતિમાં તથ્ય શું હશે એની મને આજ સુધી ખબર નથી મળી * પરંતુ એમાંથી પુંતામ્બેકરની જે છાપ આપણા મનમાં ઊપસે છે તેનો ઠીકઠીક અનુભવ એમની સાથેના સંબંધમાં મને થયો હતો. એમણે ફી ભર્યા વિના મને વર્ગમાં બેસવા દીધો એમાં પણ જાણે કે એનું નાનકડું પ્રમાણ મને દેખાયું. પણ મારી ફી ભરાઈ ગયાના સમાચાર એમને મળતાં એમણે મને બોલાવ્યો ત્યારે એનું સવિશેષ પ્રમાણ મને મળ્યું.
એ હકીકત આ પ્રમાણે બનવા પામી: વર્ગમાં જ હાજરી પુરાતી તેમાં મારું નામ બોલાતું નહીં; પણ મહાવિદ્યાલયમાં જવાનું મેં શરૂ કર્યું તેના ત્રણચાર દિવસમાં જ મારું નામ બોલાતું થયું. હું નવાઈ પામ્યો કારણ કે મારી ફી ભરવાની તો બાકી હતી. એટલે કંઈક ભૂલ થઈ લાગે છે એમ માની હું ઑફિસમાં ગયો. ક્લાર્કે મને પત્રક બતાવ્યું અને જણાવ્યું કે મારી ફી ભરાઈ ગઈ હતી. હું ખરેખર સાશ્ચર્ય મૂંઝવણમાં પડી ગયો: ‘કોણે ભરી હશે આ ફી?' એ ત્રણચાર દિવસમાં જે બેત્રણ વિદ્યાર્થીઓના પરિચયમાં હું આવ્યો હતો તે પૈકી ભાઈ ફડીઆને મેં મારી થોડીક મુશ્કેલીઓ જણાવી હતી અને કોઈ પણ જાતનો પ્રતિભાવ આપ્યા વિના શાંતિથી એમણે વાત સાંભળી લીધી હતી. મને એમને અંગે કોઈ ખાસ માહિતી ન હતી, આમ છતાં મારા માટે એમને સમભાવ થયો હોય અને ફી એમણે ભરી દીધી હોય એ જ આ કોયડાનો એક માત્ર શક્ય ખુલાસો હોઈ શકે એમ વિચારી એમને મેં સંકોચ સાથે પૂછ્યું, ‘મારી ફી તમે ભરી દીધી છે?' એટલે એમણે મને પૂછ્યું: ‘કેમ? કાંઈ ભૂલ થઈ?’ ‘ના, ભૂલ નહીં, ફી ભરાઈ છે એ હકીકત છે ને મેં નથી ભરી એટલે...' તેમણે આંખ પલકાવતાં કહ્યું: ‘મેં પણ નથી ભરી,' અને સસ્મિત ઉમેર્યું, ‘પણ હું જાણું છું કે કોણે એ ભરી છે.' મારા આશ્ચર્યની કોઈ અવિષે રહી નહીં એટલે મેં કહ્યું: ‘મારી વધુ કસોટી કર્યા વિના, મને કેમ કહેતા નથી કે તમે જ ભરી દીધી છે?' એમણે હસતાં હસતાં કહ્યું: ‘હું જો એટલો ધનવાન હોત તો મારી જાતને ભાગ્યશાળી લેખત. આ ફી મારી મારફત મારાં બહેન કમળાબહેને મોકલી છે અને એમણે કહેવડાવ્યું છે કે તમને સમય મળે ત્યારે તમે એમને મળી જજો.' ફડીઆનાં બહેન કમળાબહેન મેં પાછળથી જાણ્યું તેમ મુંબઈના ઝવેરી બજારના એક મોટા ઝવેરી શ્રી પુરુષોત્તમદાસ સોનાવાલાનાં પત્ની હતાં. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમને રસ હતો. છેલ્લા થોડાક વખતથી એક વિશેષનો ઉમેરો થયો અને એનાં પણ મારે માટે દુરગામી પરિણામો આવ્યાં.
પુંતામ્બેકર સાહેબે મને બોલાવ્યો ત્યારે ફી ભરાઈ ગઈ હોવાનો મને ખ્યાલ હતો. એટલે મને થયું કે એ ફી મેં કેવી રીતે ભરી એ જાણવાના કુતૂહલથી એમણે મને બોલાવ્યો હશે. પણ એ અંગે હું કોઈ પણ અનુમાન કરું એ પહેલાં એમણે મને કહ્યું કે ‘હું તમને બોલાવી માફી માટે અરજી કરવાનું કહેવાનો હતો, ત્યાં મેં સાંભળ્યું કે તમારી ફી ભરાઈ ગઈ છે.' એટલે મેં બહુ નમ્રતાથી કહ્યું, ‘સાહેબ, આપનો ઘણો આભાર, પણ આપના જેવાં જ પરંતુ મને પરિચિત નહીં એવાં કોઈ સંવેદનશીલ બહેને મારી સ્થિતિ સાંભળી આ ફી ભરાવી દીધી છે.’ આ સાંભળતાં પુંતામ્બેકર પણ ખૂબ ચકિત થયા. તેમણે પૂછ્યું: ‘એ બહેને ફી તમારી મારફત ભરી?' મેં કહ્યું: ‘ના. એમના ભાઈ અહીં ભણે છે. એમની પાસેથી મારે અંગે થોડુંક જાણી મને મદદ થાય એ હેતુથી એમની મારફત ભરાવી છે.’ પુંતામ્બેકર સાહેબનું કુતૂહલ વધ્યું અને ભાઈ ફડીઆને એમણે ઑફિસમાં બોલાવ્યા.
ફડીઆ સાથેની વાતચીતમાંથી કમળાબહેન અંગે અમને જે કાંઈ આછીપાતળી વિગતો સાંપડી તે આ પ્રમાણે હતી: કમળાબહેન ગાંધીભક્ત હતાં, ખાદીધારી હતાં એમને કંઈ સંતાન ન હતું; પરંતુ બાળકો એમને એટલાં બધાં ગમતાં કે મદદની જેને જરૂર હોય એવાં સુપાત્ર બાળકોને શોધી કાઢી મદદ કરતા. એમની આ મદદનો પ્રચાર રાષ્ટ્રીય સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને તેમાં ભણતા વિદ્યાર્થીઓ તરફ વહેતો થયો. અસહકારે પિતાપુત્ર વચ્ચે અનેક જગ્યાએ જે ખાઈઓ સર્જી હતી અને જે પરિસ્થિતિઓ સર્જાતી હતી તે કંઈક હળવી કરી શકાય એ દૃષ્ટિએ પોતાનાથી બનતી આર્થિક સહાય તેઓ કરતાં. આથી ભાઈ ફડીઆને એમણે કહી રાખેલું કે એવી કોઈ વ્યક્તિ એમના ધ્યાનમાં આવે તો એમણે તેની તેમને વાત કરવી અને જો પોતાનાથી કાંઈ થઈ શકશે તો તેઓ ઘટતું કરશે. એ મુજબ એમણે આ ફી મોકલાવી હતી એટલે કુંતામ્બેકરે સસ્મિત કહ્યું: ‘વિદ્યાર્થીઓને જ આ મદદ અપાય કે જે લોકોનાં ઘરબાર સરકાર જપ્ત કરે તેમને પણ આવી મદદ મળે?' ફડીઆ પાછા પડે એવા ન હતા. એમણે પણ સસ્મિત કહ્યું: ‘એ વખતે કમળાબહેન પણ એ જ પંગતમાં નહીં હોય? આપણે બધા બહારવટે નીકળ્યા છીએ તો એનાં પરિણામોની ચિંતા કરનાર આપણે માથે સાબરમતીમાં પેલો ડોસો બેઠો છે; તેની ઉપર કેમ છોડી ન દઈએ?' આ વાર્તાલાપના શબ્દો પૂરા ક્યાંથી આલેખી શકાય; પરંતુ એ વખતે જુવાનોનો જે મિજાજ હતો તેનો પૂરો ખ્યાલ આવવો મુશ્કેલ છે. તે વખતના અમારા અનેક સાથીઓ અગાઉ જેમ નાથુભાઈની બાબતમાં હું નોંધી ગયો છું તેમ, પોતાના માતાપિતાને નારાજ કરી અસહકારીઓની છાવણીમાં આવ્યા હતા અને એ બધાંનાં હૃદય આઝાદીની તમન્નાથી અને એ માટે ફનાગીરી વહોરવાના દૃઢ સંકલ્પથી થનગનતાં હતાં. એ વખતે જે ખુમારીથી અમે ગીતો ગાતા હતા તેમાં લલકાર સાથે અમે ગાતા:
ખંજરકી તેરે જાલીમ હું પ્યાસ બુઝા દેંગે
પાનીકી તરહ અપના હમ ખૂન બા દેંગે.
... ... ...
સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ-
દેખના કે શ્વેર ક્તિના બાજુએ કાતિલમેં હૈ!
વખત આને દે બતાયેંગે તુઝે અય આસમાં–
હમ અભીસે ક્યા બતાયે ક્યા હમારે દિલમેં હૈ!
આવી હવામાં કમળાબહેન જેવાં સાધનસંપન્ન, શ્રીમંત, સુખી સન્નારીની લાગણીના તાર જે રીતે ઝણઝણતા હતા તેમાં અસહકારની લડત પાછળ રહેલી પ્રેરણાનો કેવો મોટો ફાળો હતો! શ્રી પુંતામ્બેકરમાં પણ આ સંવેદનાનાં મને દર્શન થયાં.
મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયના મારા પ્રવેશના શ્રીગણેશ આવી હવામાં મંડાયા.
- ↑ * મારી નવલકથા ‘અંતરપટમાં આ પ્રસંગનો એના એક પાત્રના સંદર્ભમાં મેં ઉપયોગ કર્યો છે.